( ‘ગુડ મૉર્નિંગ’ એક્સક્લુઝિવ : સોમવાર, ૫ ફેબ્રુઆરી ૨૦૨૪)
‘અયોધ્યાથી ગોધરા’ પુસ્તક મેં ગુજરાતી પત્રકારત્વમાં મારા સમકાલીન એવા ત્રણ એક્કાઓને અર્પણ કર્યું છે. આ ધુરંધરોમાંથી રાજેશ થાવાણી વિશે પ્રથમ હપતામાં તમે વાંચી ગયા. આ બીજા અને અંતિમ હપતામાં બીજા બે મિત્રો વિશે વિગતે વાત કરીએ.
રાજેશ વિશે વાત થઈ ગઈ. હિતેશ ચુડાસમા અને શિશિર રામાવતની વાતો હજુ બાકી છે.
હિતેશ ચુડાસમા : 1988-89ના અરસામાં ‘અભિયાન’ સાપ્તાહિકે ‘યુવા મેળો’ની થીમ રાખીને વિશેષાંક પ્રગટ કર્યો હતો જેમાં શીલા ભટ્ટે મારી પાસે મારા પત્રકારત્વમાં વીતેલા દસ-અગિયાર વર્ષની વાતો લખાવી હતી જેનું શીર્ષક એમણે લેખમાંના જ મારા શબ્દો ટાંકીને આપ્યું હતું. ‘આડી લાઈને ચડેલા સૌરભ શાહ’.
એ લેખમાં મેં એક ભવિષ્યવાણી કરી હતી કે ગુજરાતી પત્રકારત્વમાં આર્ટ ડિરેક્ટર તરીકે કે લેઆઉટ ડિઝાઈનિંગના મામલામાં બે બહુ જ આશાસ્પદ નામ છે : એક લલિત લાડ અને બીજું નામ છે હિતેશ ચુડાસમા.
વખત જતાં લલિતભાઈએ આર્ટ ડિરેક્શનમાં જ નહીં લેખન ક્ષેત્રે પણ ખૂબ મોટું ગજાનું કામ કર્યું – મન્નુ શેખચલ્લી અને વિભાવરી મહેતા – આ બંને લલિત લાડનાં ઉપનામ છે.
હિતેશ એ વખતે ‘અભિયાન’માં જ. હું 1987 ના થોડાક ગાળા માટે ‘અભિયાન’માં મૅનેજિંગ એડિટર હતો ત્યારે આર્ટ ડિપાર્ટમેન્ટનો એ સૌથી જુનિયર સભ્ય હતો પણ એનામાં રહેલી પ્રતિભા હું જોઈ શકતો હતો.
છાપાં-મૅગેઝિનના લેઆઉટમાં મને પહેલેથી જ ખૂબ ઊંડો રસ. મારી કૉલેજના મૅગેઝિનના ગુજરાતી વિભાગનું સંપાદન મને સોંપવામાં આવ્યું ત્યારે હું પ્રિન્ટિંગ પ્રેસમાં જઈને જાતજાતના અવનવા લેઆઉટ કરાવી આવતો.
છાપાંનો લેઆઉટ કરવામાં પત્રકાર શિરોમણી હસમુખ ગાંધીનો જોટો ન જડે. 1979માં હું ‘જન્મભૂમિ પ્રવાસી’માં જુનિયર સબ તરીકે જોડાયો ત્યારે ગાંધીભાઈ આસિસ્ટન્ટ એડિટર હતા પણ ક્યારેક ન્યુઝએડિટર રજા પર હોય અને એ જવાબદારી નિભાવવા કોઈ સિનિયર સબ ન હોય ત્યારે ગાંધીભાઈ એમની કેબિન છોડીને ન્યુઝ ડેસ્ક સંભાળી લેતા. તે વખતે ઓફસેટ-બોફસેટ કંઈ નહીં. લેટર પ્રેસ પર કામ થતા. ફોટા માટે બ્લોક બનાવવાના. આઠ કૉલમના છાપામાં વેરાયટી લાવવા દોઢ-દોઢની બે કૉલમો કે પછી ડબલ કૉલમનાં મેઝર ક્યારેક થાય. પણ ગાંધીભાઈ ન્યુઝ એડિટિંગ કરે ત્યારે કંઈ ભળતા જ મેઝરમાં કંપોઝ કરાવે અને કૉલમના બ્લોક પણ અવનવી સાઈઝના બનાવડાવે. હું સાક્ષી છું કે કેટલીય વખત કંપોઝરૂમમાંથી ફોરમેન એમની સાથે ઝઘડો કરવા આવે કે આ મેઝરમાં કંપોઝ કરાવો છો અને પાનું બનાવતી વખતે ચોકઠામાં ફિટ નહીં બેસે તો અમે ફરીથી કંપોઝ નહીં કરીએ. ગાંધીભાઈ પીટીઆઈ-યુએનઆઈના તારમાંથી ઊંચું જોયા વિના કહેતા કે જેમ સૂચના આપી છે એ મુજબ કરો.
અને બીજા દિવસનું છાપું તમે જુઓ તો આહાહા, દિલ ખુશ થઈ જાય—એક તો એમનું ન્યુઝ એડિટિંગ એવું ચુસ્ત. પેપર પૂરું થયા પછી નૉર્મલી બે-ત્રણ કૉલમ જેટલું મૅટર વધારાનું પડી રહે જેમાંથી બીજે દિવસે થોડું વપરાય તો વપરાય, અન્યથા નકામું જાય. ગાંધીભાઈના ન્યુઝ એડિટિંગમાં વધેલી મેટરના નામે બહુ બહુ તો એકાદ નાના ફકરા-ફકરી જેટલી મેટર હોય. ન્યુઝની પસંદગી, કયા સમાચારને કેટલું મહત્ત્વ આપવું તેની સૂઝ અને મથાળા બાંધવાની એમની લાજવાબ શૈલી – આ ઉપરાંત લંડન-ન્યુયોર્કનું દૈનિક જોતા હોઈએ એવા લેઆઉટ.
‘જન્મભૂમિ પ્રવાસી’ છોડીને મેં નવા શરૂ થઈ રહેલા સાપ્તાહિક ‘નિખાલસ’ નું સંપાદન કરવાનું શરૂ કર્યું ત્યારે મારો પરિચય ભારતના તે જમાનાના સર્વશ્રેષ્ઠ આર્ટ ડિરેક્ટર એમ. જી. મોઈનુદ્દીન સાથે થયો. મોઈનની સાથે કામ કરીને મારી લેઆઉટની સેન્સ ઘડાઈ અને વિકસી. મોઈન તે વખતે અમારે ત્યાં પાર્ટટાઈમ આવે અને પાર્ટ ટાઈમ વિનોદ મહેતાએ શરૂ કરેલા ‘ઓબ્ઝર્વર’ના લેઆઉટ કરવા જાય. એ પછી તો મોઈને ‘ઈન્ડિયા ટુડે’ અને ‘ઈન્ડિયન એક્સપ્રેસ’થી માંડીને ‘ટેલીગ્રાફ’ અને ટાઈમ્સના ‘ઇન્ડિપેન્ડન્ટ’ નામના દૈનિક સુધીનાં ટોચના પ્રકાશનો માટે આર્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું.
મેં એડિટ કરેલાં છાપાં-મૅગેઝિનો દેખાવડા-રૂપાળાં હોય એવી જે છાપ છે તેના પાયામાં મોઈનુદ્દીન તરફથી મળેલી શિક્ષા-દીક્ષા છે. હરકિસનભાઈએ ૧૯૮૫ના અરસામાં ‘ચિત્રલેખા’ના દિવાળી અંકમાં મારી પાસે ‘લેઆઉટનું ઇન ઍન્ડ આઉટ’ શીર્ષકથી એક લાંબો લેખ લખાવ્યો હતો.
‘મિડ-ડે’માં હું જોડાયો ત્યારે કોઈ આર્ટ ડિરેક્ટર નહીં. રાજ કપૂર, સુભાષ ઘાઈ કે યશ ચોપરાની મ્યુઝિક સેન્સ ગમે એટલી જોરદાર, અને કોઈ પણ સંગીતકાર પાસે આ મહારાથીઓ સુપર હિટ હિન્દી ગીતોનું સર્જન કરાવી શકે પણ તેઓ પોતે કંઈ પોતાની ફિલ્મમાં સંગીતકારની ફરજ ન બજાવે. એ માટે તો એમણે શંકર-જયકિશન, લક્ષ્મી-પ્યારે કે શિવ-હરિ સાથે જ કામ કરવું પડે.
મારા માટે ગુજરાતી લેઆઉટ – આર્ટ ડિરેક્શન ક્ષેત્રે શંકર-જયકિશન, લક્ષ્મી-પ્યારે કે શિવ-હરિ એક જ વ્યક્તિ હતી—ધ હિતેશ ચુડાસમા. પણ મૅનેજમેન્ટે તો મને નવો સ્ટાફ લેવાની સ્પષ્ટ ના પાડી હતી. ‘મિડ-ડે’ સંભાળ્યા પછી પહેલા જ દિવસથી વાચકોએ એની કન્ટેન્ટમાં ચમત્કારિક ફેરફારો થઈ રહ્યા છે એવું નોંધ્યું. દિવસો વીતતા ગયા એમ સર્ક્યુલેશનના આંકડામાં પણ ફેરફારો નોંધાતા ગયા. જાહેરખબરો વધવા માંડી.
એક દિવસ મેં મૅનેજિંગ ડિરેક્ટર તારીક અન્સારીને કહ્યું કે એક આર્ટ ડિરેક્ટરની જરૂર છે. તારીકભાઈ કહે કે ઈંગ્લિશ ‘મિડ-ડે’માં પણ આર્ટ ડિરેક્ટરનથી, તો ગુજરાતીમાં શું જરૂર છે?
મેં ધીરજથી એમને સમજાવ્યું. ભૂતકાળમાં મોઈનુદ્દીને કયા છાપામાં કેવા લેઆઉટ્સ કરેલા તેની કહાણી કીધી. તેઓ જોકે મોઈનના કામથી પરિચિત હતા. મોઈન હવે આ દુનિયામાં નથી એની પણ એમને જાણ હતી. એમને ચિંતા બજેટની હતી. મેં કહ્યું કે સારો આર્ટ ડિરેક્ટર સસ્તામાં તો નહીં જ આવે. પૈસા તો ખર્ચવા જ પડશે. પછી મેં મમરો મૂક્યો કે ચાર જણને વિદાય આપીને મેં તમારા પૈસા બચાવ્યા છે તો એક જણ માટે થોડો ખર્ચો કરી નાખીએ, ફાયદામાં રહીશું.
તારીકભાઈએ બજેટ મંજૂર કર્યું એટલે મેં હિતેશ ચુડાસમાનું નામ એમની સમક્ષ મૂક્યું અને એના કામ વિશે વાત કરી. એમણે મંજૂરી આપી એટલે બીજું કામ મારે કરવાનું હતું હિતેશને ‘મિડ-ડે’માં બોલાવવાનું. તે વખતે એ ‘અભિયાન’ની જવાબદારી સંભાળતો હતો. સાપ્તાહિકમાંથી દૈનિકમાં આવવા માટે મારે એને સમજાવવો પડ્યો. છેવટે એણે મારું આમંત્રણ સ્વીકાર્યું અને ‘મિડ-ડે’માં જોડાઈને એણે છાપાના દેખાવની કાયાપલટ કરી નાખી. એટલું જ નહીં વખત જતાં એ અંગ્રેજી ‘મિડ-ડે’ના લેઆઉટ પણ કરતો થઈ ગયો. અત્યારે એ આખા ‘મિડ-ડે’ ગ્રુપનો આર્ટ ડિરેક્ટર છે.
‘અયોધ્યાથી ગોધરા’નું કવરપેજ 2003માં હિતેશ ચુડાસમાએ બનાવ્યું પણ હિતેશ ‘મિડ-ડે’ સાથે સંકળાયેલો હતો અને મારા છૂટા થવાનો વિવાદ તાજો હતો એટલે મને વિનંતી કરી હતી કે પુસ્તકમાં ક્યાંય આ બાબતે એ વાતનો ઉલ્લેખ કરવો નહીં. મૂળ આ ઈલસ્ટ્રેશન એણે બ્લેક એન્ડ વ્હાઈટમાં ‘મિડ-ડે’માં હું હતો ત્યારે જયન્ત પંડ્યાના આ વિશે લખાયેલા લેખનું મેં પુનઃમુદ્રણ કર્યું તેની સાથે મૂકવાના ઈલસ્ટ્રેશન તરીકે બનાવ્યું હતું કે મને ખૂબ ગમી ગયું હતું. પુસ્તક માટે એણે મારા કહેવાથી એ જ ઇલસ્ટ્રેશનને કમ્પ્યુટર પર મઠારીને રંગીન આર્ટવર્ક બનાવી આપ્યું. 2024માં મેં એ જ કવર રાખ્યું છે. મૂળ ચિત્ર હવે બે દાયકા પછી ઉપલબ્ધ ન હોય તે સ્વાભાવિક છે એટલે એની પ્રતિકૃતિ પ્રકાશકે એક અન્ય આર્ટિસ્ટ પાસે કરાવી. આજે પણ આ પ્રતીકાત્મક ચિત્ર જોઈને વાચકોના દિમાગમાં આખા પુસ્તકમાં ન કહેવાઈ હોય એટલી વાતો છવાઈ જાય છે.
એક અંગત વાત. હિતેશે જ્યારે રશ્મિ સાથે ભાગી જઈને આર્ય સમાજમાં લગ્ન કર્યા ત્યારે રશ્મિના પિતા તરીકેની ફરજ મેં બજાવી હતી. આ સમાચાર બંનેના ઘરે આપવા એના વતન માંગરોળ પણ હું જ ગયો હતો.
શિશિર રામાવત : 1995-96ની વાત હશે. હું તે વખતે ‘સમાંતર’ માટે ફ્રીલાન્સિંગ કરતો હતો અને ‘મુંબઈ સમાચાર’ના છેલ્લા પાના માટે ‘ગુડ મૉર્નિંગ’ નામની દૈનિક કૉલમ લખતો હતો. એક દિવસ મેં ‘જન્મભૂમિ’માં એક ઉમદા લેખ વાંચ્યો જેની બાયલાઈન મારા માટે સાવ નવી હતી. ‘સમાંતર’ અને ‘જન્મભૂમિ’ બજારમાં એકબીજાનાં રાઈવલ ગણાય. મેં ‘જન્મભૂમિ’માં ફોન કરીને એ લેખક/રિપોર્ટર સાથે વાત કરાવો એવું ત્યાંના ટેલિફોન ઓપરેટરને કહ્યું. શિશિર રામાવત એનું નામ. નવી કલમ પણ એકદમ ઘડાયેલી. એ પછીનાં વર્ષોમાં શિશિરનો પરિચય વધતો ગયો. 1999માં મેં ‘મિડ-ડે’ની જવાબદારી સંભાળી ત્યારે શિશિર તંત્રી ભરત ઘેલાણીના હાથ નીચે ‘ચિત્રલેખા’માં કામ કરે.
એક દિવસ શિશિરનો મારા પર ફોન આવ્યો. ‘સૌરભભાઈ, મારે તમારી સાથે કામ કરવું છે.’
‘ચિત્રલેખામાં કાંઈ તકલીફ?’
‘બિલકુલ નહીં. ઈન ફેક્ટ, મને જવા પણ નહીં દે. પણ મારે ‘મિડ-ડે’માં આવવું છે.’
હું ખુશ પણ થયો અને મૂંઝવણમાં પણ મૂકાયો. શિશિર રામાવત જેવો પત્રકાર કોઈપણ દૈનિક સાપ્તાહિક માટે ઘણી મોટી મૂડી ગણાય. ‘મિડ-ડે’માં આવે તો હું ફીચર્સ-મેગેઝિન સેક્શન સોંપીને મારો અને રાજેશ થાવાણીનો ભાર હળવો કરી શકું અને શિશિરની મૌલિક સૂઝબૂઝ ‘મિડ-ડે’ના સોનામાં બધી રીતે સુગંધ ઉમેરે. મૂંઝવણ મારી એ કે મૅનેજમેન્ટે એક પણ વધારે ભરતી નથી કરવાની કહ્યા પછી મોંઘા ભાવનો હિતેશ ચુડાસમા તો મેં લીધો જ હતો. શિશિરે ભલે મને સામેથી કહ્યું હોય પણ એને એની પ્રતિભા મુજબનો પગાર તથા હોદ્દો મારે એના માંગ્યા વિના આપવાનાં હોય. મૅનેજમેન્ટને મેં ફરી વિનંતી કરી. એ ગાળામાં ‘મિડ-ડે’ મુંબઈના વાચકોનું પ્રિય દૈનિક બની ચૂક્યું હતું. મૅનેજમેન્ટ ગુજરાતી ‘મિડ-ડે’થી ખૂબ ખુશ હતી. મેં તારીક અન્સારી સાથે શિશિર વિશે વાત કરી. સામેથી આવેલી આ તક હાથમાંથી શા માટે ના જવા દેવાય એ સમજાવ્યું. તારીકભાઈએ મારા પર વિશ્ર્વાસ રાખીને એચ.આર.ને સૂચના આપી કે તંત્રી જે કહે એ પ્રમાણેનો અપોઈન્ટમેન્ટ લેટર કાઢી આપવાનો છે.
પછી થોડીક ફૉર્માલિટી પૂરી કરવાની હતી. ‘મિડ-ડે’માં આવતાં પહેલાં, જૂની જગ્યાએથી છૂટા થવા માગતા હોય એમના બૉસ પાસેથી એક મૌખિક એનઓસી લેવાનું હોય. મેં મારા દાયકાઓ જૂના મિત્ર ભરત ઘેલાણીને ફોન કર્યો. ભરતભાઈએ શિશિરના મોંફાટ વખાણ કર્યા અને પોતાને કોઈ કરતાં કોઈ ઓબ્જેક્શન નથી એવું કહ્યું પણ સાથે કહ્યું કે તમે શિશિરને લઈ જાઓ છો એને લીધે ‘ચિત્રલેખા’ને મોટી ખોટ પડશે.
મેં એમને બાંહેધરી આપી કે ‘ચિત્રલેખા’ને જ્યારે જરૂર પડશે ત્યારે હું કે મારો આખો તંત્રીવિભાગ ભીડ વખતે હાજર થઈ જઈશું!
શિશિર રામાવતના જોડાવાથી ‘મિડ-ડે’ની કન્ટેન્ટ ઔર તેજીલી થવા માંડી. રાજેશ થાવાણી અને શિશિર રામાવતની જોડી તંત્રીવિભાગમાં હોય અને લેઆઉટ માટે હિતેશ ચુડાસમા જેવો આર્ટ ડિરેક્ટર હોય પછી બીજું જોઈએ શું?
શિશિર ‘મિડ-ડે’માં હતો ત્યારે જ એના લગ્ન થયા અને એની જાન કાઢીને અમે મુંબઈથી છેક મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તારમાં આવેલા આકોલા સુધી ટ્રેનમાં જલસા કરતાં કરતાં ગયેલા અને એને પરણાવીને પાછો લાવેલા.
એ પછીના બે દાયકાઓમાં શિશિરના કામનો વ્યાપ ખૂબ વિશાળ થયો. એણે નવલકથાકાર, નાટ્યલેખક તથા પત્રકાર તરીકે લાખો વાચકોના દિલમાં સ્થાન મેળવ્યું. અત્યારે એ અમદાવાદ સ્થાયી થઈને ‘ગુજરાત સમાચાર’માં સિનિયર પોઝિશને કામ કરે છે. જે જમાનામાં એ મુંબઈ હતો અને જે જમાનામાં હું દારૂ પીતો ત્યારે પવઈના મારા ઘરે આખી રાત અમે ઢીંચતા અને સવારે હું અમારા બંને માટે બ્રેકફાસ્ટ બનાવતો. મુંબઈમાં જેફ્રી આર્ચરને મળવા અમે સાથે ગયેલા.
***
‘મિડ-ડે’ની વાતો નીકળી જ છે તો બીજા પાંચેક સાથીદાર પણ યાદ કરી લઉં. આમ તો બધા જ વિશે કંઈને કંઈ વાત મારે કરવાની છે, દરેકની સાથેના સુખદ સ્મરણોની બારાત આવી રહી છે. પણ પૂરું કરતાં પહેલાં નિમેશ દવે, વિરલ શાહ, આરિફ નાલબંધ, અક્ષય અંતાણી અને દીનેશ પટેલ (સાવલિયા)ને યાદ કરી લઉં.
27મી ડિસેમ્બરે ગોધરાના સમાચાર અમે ‘અકિલા’ની વેબસાઈટ પર જોયા કે એક કલાકમાં વધુમાં વિગતો મેળવીને મેં નક્કી કર્યું કે આ ઘટનાના એક્સક્લુઝિવ રિપોટિંગ અને તસવીરો માટે મારે ‘મિડ-ડે’માંથી ચુનંદા પત્રકારોને મોકલવા છે. આમાં થનારા મોટા ખર્ચ વિશે મારે મૅનેજમેન્ટ પાસે આગોતરી પરવાનગી લેવાની જરૂર નહોતી. એ પ્રકારનું બજેટ તંત્રીએ પોતાની મરજી મુજબ નક્કી કરવાનું રહેતું.
મેં ‘મિડ-ડે’ના ફોટોગ્રાફર નિમેશ દવે અને રિપોર્ટર વિરલ શાહને કહ્યું કે તમે તાબડતોબ (તાડદેવથી વૉકિંગ ડિસ્ટન્સ પર આવેલા) બૉમ્બે સેન્ટ્રલ સ્ટેશને પહોંચી જાઓ. જે પહેલી ગાડી મળે તેમાં ચડી જજો. અમદાવાદ જતી ગાડી મળે તો વડોદરા પહોંચીને ટેક્સી કરી લેજો. અને તમે બંને તમારા ઘરે ફોન કરીને બોરીવલી સ્ટેશને તમારા કપડાં-સામાનની બેગ મગાવી લેજો. સૂરત સ્ટેશનેથી આરિફ તમારી સાથે જોડાશે.
આરિફ નાલબંધ અમારો ગુજરાતનો કૉરસપોન્ડન્ટ હતો. એનું ઘર સુરતમાં છે. આરિફને ફોન કરીને કહી દીધું કે આ રીતે ગોઠવ્યું છે, અને તું ગોધરાના મુસ્લિમ વિસ્તારો સિવાય બીજે ક્યાંય નહીં જતો. વિરલને પણ સુચના આપી હતી કે હિંદુ વિસ્તારોમાં જ રિપોર્ટિંગ કરવાનું છે. નિમેશને ભગવાન/અલ્લા ભરોસે છોડી દીધો હતો.
આ ત્રિપુટીએ ગોધરાના બનાવનું જે તટસ્થ રિપોર્ટિંગ કર્યું તે ગુજરાતી પત્રકારત્વમાં એક ઉદાહરણ હતું. ત્રણેય પાસે મેં એમના આ અસાઈન્મેન્ટના અનુભવો, બીહાઈન્ડ ધ સીન શું શું બન્યું તે, લખાવીને ‘મિડ-ડે’માં પ્રગટ કર્યા હતા.
નિમેશ દવેએ તો પોતાની ન્યુઝ ફોટોગ્રાફર તરીકેની કારકિર્દીમાં એક વખત કરતાં વધુવાર મોતનો સાક્ષાત અનુભવ કર્યો છે. 2006ની 11મી જુલાઈએ મુંબઈની વિવિધ લોકલ ટ્રેનોમાં કુલ સાત બૉમ્બ ધડાકા થયા. એમાંની એક ટ્રેનમાં એ જે ફર્સ્ટક્લાસના ડબ્બામાં રોજ વિરારથી અપડાઉન કરે તે જ ડબ્બામાં બૉમ્બ ફુટ્યો હતો. નિમેશે દાદરથી ઘરે જવા માટે આ ફાસ્ટ ટ્રેન દોડીને પકડવી પડી જેમાં એનો ફર્સ્ટ ક્લાસનો ડબ્બો છૂટી ગયો અને એની સાથે જોડાયેલા સેકન્ડ ક્લાસના કંપાર્ટમેન્ટમાં ચડી જવું પડ્યું. માહિમ પાસે બૉમ્બ ધડાકો થયો ત્યારે એણે લોહીલુહાણ હાલતમાં પણ તસવીરો લીધી જેની વિગતવાર કથા એકવખત મેં ક્યાંક લખી છે. નિમેશ દવે અત્યારે સમગ્ર ‘મિડ-ડે’ગ્રુપનો આસિસ્ટન્ટ ફોટો એડિટર છે.
અક્ષય અંતાણી ‘મિડ-ડે’નું મોટું ઘરેણું કહેવાય. સિટી એડિટર તરીકે એમનું રિપોર્ટીંગ બેનમૂન અને એમની સેન્સ ઓફ હ્યુમર લાજવાબ. આજે પણ ‘મિડ-ડે’માં મેં શરૂ કરાવેલી એમની ડેઈલી હ્યુમર કૉલમને વાચકો યાદ કરે છે અને એ પછી એમણે ‘ગુજરાત સમાચાર’માં જોડાઈને તો ખૂબ કામ કર્યું, ખૂબ હ્યુમર કૉલમો લખી. સંગીતના ક્ષેત્રમાં પણ અક્ષયભાઈ અને એમનું આખું કુટુંબ ઘણું મોટું કામ કરી રહ્યા છે.
છેલ્લે દિનેશ પટેલ (સાવલિયા). દિનેશ જનકભાઈનો પી.એ. હતો જે મને વારસામાં મળ્યો. દિનેશ જેવો ડેડિકેટેડ માણસ પત્રકારત્વમાં જ નહીં કોઈપણ ક્ષેત્રમાં જેને મળે એની કાર્યક્ષમતા દસગણી વધી જાય. છેક વિરારથી તાડદેવ આવે. અમે ભલે પાંચ વાગ્યે કામ શરૂ કરીએ પણ દિનેશને કહી રાખેલું કે તારે તારા નૉર્મલ ટાઈમે—આઠનવ વાગ્યે જ આવવાનું. પણ એ વહેલી સવારે સાતેક વાગ્યે આવી જાય. મને જોકે, ગમે એ વહેલો આવે તે. મૅનેજમેન્ટ સાથે કે બીજા ડીપાર્ટમેન્ટો સાથે ડીલ કરવામાં એનો જવાબ નહીં. તંત્રીખાતામાં મારા પીએ ઉપરાંતની બીજી અનેક કામગીરીઓ હું એને સોંપતો જાઉ પણ ક્યારેય આનાકાની કરવાની તો વાત બાજુએ, સમય કરતાં પહેલાં ટાસ્ક પૂરી થઈ જાય. મિડ-ડેની સાતમી વરસગાંઠે ‘સપ્તક’ના આયોજનમાં, બાવન અઠવાડિયાં સુધી ચાલેલી મિડ-ડે મિલેનિયમ ગોષ્ઠિની ગોઠવણોમાં કે પછી ભૂકંપ વખતે વાચકો તરફથી આવતા ફંડફાળાને મૅનેજ કરવા જેવી અનેક કામગીરીઓમાં એ હસ્તે મોઢે બાર-પંદર કલાક કામ કરે અને મને જશ અપાવે. હજુય એ ‘મિડ-ડે’માં જ છે. ખૂબ સિનિયર પોસ્ટ પર છે.
‘અયોધ્યાથી ગોધરા’ પુસ્તક સાથે આવી તો કંઈ કેટલીય યાદો સંકળાયેલી છે. આ લેખને હું જરૂર નેક્સ્ટ રિપ્રિન્ટમાં પરિશિષ્ટમાં સમાવી લઈશ.
***
***
ગુજરાતી પુસ્તકોના પ્રતિષ્ઠિત પ્રકાશક આર આર શેઠ દ્વારા પ્રગટ થયેલું સૌરભ શાહનું બહુચર્ચિત પુસ્તક ‘અયોધ્યાથી ગોધરા’ ગુજરાતી પુસ્તકો વેચતી એમેઝોન સહિતની તમામ ઑનલાઈન બુક શૉપ પર તેમ જ પુસ્તકોની દુકાનોમાં ઉપલબ્ધ છે. તમારી સુવિધા માટે અહીં કેટલીક લિન્ક મૂકી છે:
આર આર શેઠ:
•••
લોકમિલાપ:
*લોકપ્રિય અને બેસ્ટસેલર લેખક સૌરભ શાહનું નવું પુસ્તક આજે બહાર પડ્યું છે.*
સૌરભભાઇનાં ચાહકો અને લોકમિલાપ પરિવારના મિત્રો માટે *₹200 નું આ પુસ્તક ફક્ત ₹170 માં મળશે. (કુરિયર ચાર્જ અલગ).* ઓર્ડર કરવા 8734918888 પર વોટ્સએપ કરશો. આભાર.
આ ઉપરાંત નીચે લિસ્ટમાં આપેલા સૌરભ શાહના કોઈ પણ પુસ્તકને સાથે ખરીદશો તો એ પુસ્તક પર પણ 15% વળતર મળશે.
https://lokmilap.com/Filter?category=&brand=62&orderby=
•••
બુકપ્રથા:
https://www.bookpratha.com/Product_listing/Index?authorid=60316
•••
પ્રેમ પુસ્તક ભંડાર, ભુજ:
+91 98796 30387
***
( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર 90040 99112 પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
નવા કૅલેન્ડર વર્ષનો આરંભ થઈ ગયો છે. આપ સૌનું 2024નું વર્ષ શુભદાયી અને સુખદાયી નીવડે. આ વર્ષે બે દિવાળી આવે છે તે યાદ રાખશો. આસોની અમાસે તો ખરી જ, 22 જાન્યુઆરીએ પણ દીપોત્સવ છે જે 500 વર્ષ રાહ જોયા પછી ઉજવાશે.
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Paytm-
90040 99112
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર 090040 99112 પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો