જ્યોતિ ઉનડકટે લખેલી, ગુજરાતી ભાષાના ટોચના સફળ સર્જકોના પ્રસન્ન ઘરસંસારની ખાટીમીઠી વાતોનો ભાગ બીજો : સૌરભ શાહ

(‘ગુડમૉર્નિંગ’ : રવિવાર, ૧૦ સપ્ટેમ્બર ૨૦૨૩)

જ્યોતિ ઉનડકટના પુસ્તક ‘સર્જકનાં સાથીદાર’માં ત્રણ ડઝન જેટલા નામી ગુજરાતી સર્જકો અને એમનાં જીવનસાથી વિશેની વાતોનો ખજાનો છે. ગઈ કાલે આ પુસ્તક વિશેનો પ્રથમ લેખ તમે વાંચ્યો. આજે બીજો.

કવિ શોભિત દેસાઈ અને મીનળ. શોભિતભાઈ જ્યોતિ ઉનડકટને કહે છે : ‘મીનળને નાસ્તાનો ડબ્બો કબાટમાં નીચે જ રાખવા જોઈએ. મને વાંકા વળવું નથી ગમતું. હું જિંદગીમાં કોઈ દિવસ કોઈને વાંકો નથી વળ્યો…’

શોભિત દેસાઈની આ પંક્તિઓ ગાયક-સંગીતકાર આશિત દેસાઈની ફેવરિટ છે : ‘જરા અંધાર નાબૂદીનો દસ્તાવેજ લઈ આવ્યો / અરે લ્યો આગિયો સૂરજથી થોડું તેજ લઈ આવ્યો’.

પંડિત રવિશંકરના મદદનીશ તરીકે 13 વર્ષ કામ કરવાનો લ્હાવો લેનારા આશિત દેસાઈએ ટીવીની ‘ચાણક્ય’ સિરિયલમાં મ્યુઝિક આપેલું. આશિત-હેમા દેસાઈ યુગલનું ‘જય જય શ્રીનાથજી’ આલબમ સૌથી વધુ સુપરહિટ થયું છે એવું જ્યોતિ ઉનડકટે નોંધ્યું છે. (આ આલબમ રિલીઝ થયાના અઢી-ત્રણ દાયકા પછી પણ પર્સનલ ફેવરિટ છે). ‘સોનબાઈની ચૂંદડી’ ફિલ્મમાં ‘કોણ હલાવે લીંબડી…’ ગીત ગાનારા આશિત દેસાઈનાં પત્ની હેમા દેસાઈ કહે છે : ‘દીકરા આલાપનો જન્મ થયો એના બે દિવસ પહેલાં મેં સ્ટેજ શો કર્યો હતો. જન્મના 40 દિવસ પછી હું ફરી કામે ચડી. આલાપ નાનો હતો ત્યારે અમે એને સાથે જ લઈને કાર્યક્રમો કરવા જતાં. ઑડિટોરિયમમાં કોઈને આપી દઈએ તો એ રહેતો પણ ખરો. સ્ટેજ અને સંગીતના માહોલથી એ બહુ નાનપણથી જ ટેવાઈ ગયો છે… એક વખત નાશિકમાં શો હતો. આલાપ બહુ બીમાર હતો. એને મૂકીને હું નીકળી શકું એમ ન હતી. બૅક સ્ટેજમાં મને દેખાય એ રીતે એનું ઘોડિયું રાખ્યું અને સ્ટેજ પરફોર્મન્સ આપ્યું. થોડી થોડી વારે એની નજીક જઈને જોઈ આવું કે બરોબર તો છે ને.’

સિનિયર પત્રકાર અને સાહિત્યકાર ગીતા માણેકનો એક કિસ્સો જ્યોતિ ઉનડકટ નોંધે છે. એ દિવસો ગીતા માણેકની પત્રકાર તરીકેની કારકિર્દીના બિલકુલ શરૂના દિવસો હતો. ગીતા માણેક 1987 ના અરસાની વાત યાદ કરીને જ્યોતિ ઉનડકટને કહે છે : ‘અભિયાનમાં મારી બાયલાઈન વાંચીને ચંદ્રકાંત બક્ષી અંકલે શીલાબહેનને કહેલું કે આ છોકરી તો મારા દોસ્તની દીકરી છે. એ પછી શીલાબહેને મને આ સવાલ કરેલો (મેં કેમ ન કહ્યું કે ચંદ્રકાંત બક્ષી તને ઓળખે છે ?) મેં સામું કહ્યું, મારે મારી આવડત પર નોકરી મેળવવી હતી. કોઈની લાગવગથી નહીં.’

‘ફૂલછાબ’ના તંત્રી (હવે નિવૃત્ત) અને જાણીતા લેખક-પત્રકાર-ચિંતક તથા યુટ્યુબર કૌશિક મહેતાએ કલમ હાથમાં લીધી એ પહેલાં રેડિયો રિપેરિંગનો કોર્સ કર્યો હતો. ઘરમાં ફિલિપ્સનો વાલ્વવાળો એક રેડિયો હતો જે બરાબર ચાલતો હતો પણ ઉત્સુકતા માટે ખોલ્યો એ પછી ચાલુ જ ન થયો. પત્રકાર બનતાં પહેલાં દોઢસો રૂપિયાના પગારે મશીન ટૂલ્સની કંપનીમાં કામ કર્યું અને ટાઈપિંગના ક્લાસમાં ઈન્સ્ટ્રક્ટર તરીકે પણ કામ કર્યું. કૌશિક મહેતાનાં પત્ની સીમાબહેન કહે છે : ‘લગ્ન થયાં ત્યારે એટલી ખબર હતી કે પત્રકાર છે. પણ પત્રકારની જિંદગી આટલી હાર્ડ હોય એ વિશે જરા પણ આઈડિયા નહોતો. કેટલા રવિવાર, કેટલી રજાઓ અને કેટલાં વૅકેશન જતાં કર્યાં હશે એનો કોઈ હિસાબ નથી મારી પાસે. વળી, એવું ગણીને મારે કંઈ બતાવવું પણ નથી…’

‘સુપ્રસિદ્ધ નવલકથાકાર અશ્વિની ભટ્ટ એક મોડી રાત્રે મને સ્કૂટર પર બેસાડીને એક જગ્યાએ જવાનું છે, એમ કહીને (અમદાવાદથી) છેક આબુ સુધી લઈ ગયા’

આશિત-હેમા દેસાઈના પુત્ર અને ગાયક-સંગીતકાર આલાપ દેસાઈ તથા આલાપનાં નાટ્યલેખક તથા અભિનેત્રી પત્ની સ્નેહા દેસાઈ કહે છે : ‘… અમારા ઘરમાં એક મોટું કૅલેન્ડર છે. એમાં અમે ચારેય અમારાં કાર્યક્રમ, રેકૉર્ડિંગ, પ્રીમિયર કે સીટિંગ હોય એ એપૉઈન્ટમેન્ટ લખી દઈએ. કોઈને એકબીજા સાથે વાત ન થાય તો પણ કોણ ક્યાં હશે એની અમને ચારેયને ખબર પડી જાય.’

સાંઈરામ દવેનું ખરું નામ પ્રશાંત છે. દિપાલીબહેન (જેમનું પિયરનું નામ ઝંખના છે) સાથે લગ્ન થતાં પહેલાં સાંઈરામે કહ્યું હતું : ‘હું તને બંગલો આપીશ, ગાડી આપીશ, બધું જ આપીશ. બસ, તું મને સાથ આપજે. સુખ-સગવડ આપવામાં હું ક્યાંય પાછી પાની નહીં કરું. અને હા, જિંદગીમાં હું કોઈ દિવસ મારી દાઢી નહીં કઢાવું. દાઢી સાથેનો મારો ચહેરો પસંદ હોય તો જ હા કહેજે. આ જ મારી પહેલી અને એકમાત્ર શરત છે.’

ઘૂંટાયેલા અને રુઆબદાર અવાજના માલિક અને નાટ્યકાર ભરત યાજ્ઞિક તથા પતિની જેમ પોતે પણ આકાશવાણી રાજકોટ માટે દાયકાઓ સુધી જેમણે સેવા આપી તે ચિત્રકાર રેણુબહેનના પુત્ર રાજુભાઈ પણ 25 વર્ષથી આકાશવાણી સાથે જોડાયેલા છે. રેણુબહેન દર રવિવારે રેડિયો માટે ‘બાલસભા’ કાર્યક્રમ કરે. લાઈવ કાર્યક્રમ થાય. બાળકો હોય. ઘણીવાર બાળકો રિહર્સલમાં બરાબર વાત કરે પણ લાઈવ કાર્યક્રમમાં અપશબ્દો બોલી નાખે. રેણુબહેન કહે છે : ‘આવું થાય ત્યારે મને મેમો મળતો. મારી પાસે એ દિવસોમાં બે ફાઈલો રહેતી. એકમાં મને મળેલા મેમો હોય અને બીજામાં મેં એક જ ખુલાસો કર્યો હોય કે, ‘બાળકે ભૂલ કરી. આઈ એમ સોરી’. રેણુબહેનના અવાજની લોકપ્રિયતા એટલી કે એ શાક લેવા જાય તે શાકવાળી બાઈ પણ એમનો અવાજ ઓળખીને પૂછે : ‘તમે ‘બાલસભા’નાં નાનીબહેન છો ને?’

વિખ્યાત આર.જે. અને લેખિકા આરતી વ્યાસ-પટેલ તથા એમના ટી.વી. દિગ્દર્શક પતિ સંદીપ પટેલની વાત (પ્રસિદ્ધ અભિનેત્રી આરોહીનાં તેઓ પેરન્ટ્સ છે). સંદીપભાઈ કહે છે : ‘મારી કરિયરમાં મેં બહુ હોમવર્ક અને મહેનત કર્યાં છે. મને એક કિસ્સો યાદ આવે છે. સુપ્રસિદ્ધ નવલકથાકાર અશ્વિની ભટ્ટ એક મોડી રાત્રે મને સ્કૂટર પર બેસાડીને એક જગ્યાએ જવાનું છે, એમ કહીને (અમદાવાદથી) છેક આબુ સુધી લઈ ગયા. ત્યાં એક વળાંક જમણી બાજુએ છે કે ડાબી બાજુ એ નક્કી કરવા માટે અમે ત્યાં સુધી લાંબા થયેલા. એમની ચોકસાઈમાંથી હું બહુ શીખ્યો’.

કવિ તુષાર શુકલ અને નમિતા શુક્લની મુલાકાતના અંતે જ્યોતિ ઉનડકટે એક વાત લખી છે તે જાણીને સૌમ્ય સ્વભાવ માટે જાણીતા તુષારભાઈના મિત્રો-પરિચિતો-ચાહકોને આશ્ર્ચર્ય થાય : જ્યોતિબહેન લેખે છે : ‘સંવેદના અને શબ્દોના આ માણસ બહુ સૌમ્ય છે’. એક સમયે એ એન્ગ્રી યંગમેન હતા. એના કેટલાક કિસ્સાઓ એમણે કહ્યા ત્યારે હું એકદમ અચંબામાં મુકાઈ ગઈ કે આ માણસને ગુસ્સો પણ આવે છે ! જોકે, હવે બહુ ગુસ્સો નથી આવતો…’

વધુ આવતીકાલે.

દરમ્યાન, આ પુસ્તક ખરીદવું હોય તો આ રહી વિગતો :

‘સર્જકનાં સાથીદાર’ : જ્યોતિ ઉનડકટ. (પૃષ્ઠ ડેમી સાઈઝના 286 કિંમત રૂા. 300. પ્રકાશક : આર. આર. શેઠ.)

પ્રાપ્તિસ્થાનો :
૧. www.rrsheth.com , વૉટ્સઍપ નં. 83200 37279

૨. લોકમિલાપ: વૉટ્સઍપ નં.87349 18888

૩. બુકપ્રથા www.Bookpratha.com: વૉટ્સઍપ નં. 90335 89090

૪. નવભારત સાહિત્ય મંદિર : વૉટ્સઍપ નં. 98211 46034

૫. પ્રેમ પુસ્તક ભંડાર : વૉટ્સઍપ નં.98796 30387

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

4 COMMENTS

  1. ગયા અઠવાડિયે આર આર શેઠમાં તમારું અનુવાદ કરેલું પુસ્તક ધી ઈમરજન્સી પુસ્તક લેવા ગયેલો બીજા આઠ નવ પુસ્તકો પણ ખરીદ્યા. ત્યાં એક મહારાષ્ટ્રીયન સેલ્સમેન છે એણે મને બીજા પણ ઘણા પુસ્તકો સજેસ્ટ કર્યા સાચે જ એ ભાઈ પુસ્તકો વિશે બહુ જ સારું નોલેજ ધરાવે છે ભાષાને ક્યાંય સીમાડા નડતા નથી.

  2. ગયા અઠવાડિયે જ આરઆર શેઠમાં તમારું પુસ્તક ઈમરજન્સી ખરીદવા ગયો હતો બીજા આઠ નવ પુસ્તકો પણ ખરીદ્યા.ત્યાં એક ભાઈ મહારાષ્ટ્રીયન સેલ્સમેન છે. પણ એમનું ગુજરાતી પુસ્તકો વિશેનું જ્ઞાન અદભુત છે.
    સાચે જ સાહિત્યને કોઈ સીમાડા નથી નડતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here