કશ્મીર સિરીઝ: પાર્ટ-૧

ગુડ મોર્નિંગ

સૌરભ શાહ

જમ્મુ-કશ્મીર મારા માટે દાયકાઓથી અભ્યાસનો વિષય રહ્યો છે. અને એટલે જ ભાજપે મહેબૂબા મુફ્તીની સરકારને ટેકો પાછો ખેંચ્યો એ પછી તરત જ કોઈ નીજર્ક-ઉતાવળિયા રિએક્શન્સ આપવાને બદલે થોડી રાહ જોવાનું પસંદ કર્યું.

બહુ આસાન છે ભાજપને કશ્મીરની બાબતમાં તકવાદી કહીને ઉતારી પાડવાનું અને મહેબૂબા મુફ્તીની સિદ્ધિઓ ગણાવવાનું. બહુ આસાન છે પાનના ગલ્લા પર ઊભા રહીને મનપસંદ કિવામ-સોપારી નખાવીને હથેળી પર માવો ઘસતાં ઘસતાં કશ્મીરની પરિસ્થિતિનું ‘તટસ્થ આકલન’ કરવાનું. કશ્મીરમાં ભાજપે, સેનાએ અને સ્થાનિક પુલિસે આતંકવાદીઓ સાથે ‘સહૃદયતાપૂર્વક’ વર્તવું જોઈએ જેથી કશ્મીરીઓની ભવિષ્યની પેઢીઓને ભારત માટે ‘સદ્ભાવ’ જાગે એવી ચાંપલી સલાહો આપવાનું પણ સહેલું છે અને છેલ્લા ચાર દિવસથી હું જોઉં છું કે મીડિયામાં આ બધી સહેલી-સહેલી વાતોનો પ્રચાર થઈ રહ્યો છે.

કશ્મીરની વર્તમાન સ્થિતિ વિશે વિચારતી વખતે સૌથી પહેલાં તો ભાજપે યોગ્ય સમયે મહેબૂબા મુફ્તીની સરકારના પગ તળેથી જાજમ ખેંચી લીધી એ બદલ ભાજપની અત્યારની કશ્મીર નીતિના ઘડવૈયા અને ભાજપના રાષ્ટ્રીય જનરલ સેક્રેટરી રામ માધવની પીઠ થાબડવી જોઈએ. મહેબૂબા મુફ્તીની પીડીપી (પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી) સાથે મળીને ભાજપ કશ્મીરમાં સરકાર ચલાવે એ માટેનું ગ્રાઉન્ડ વર્ક પણ રામ માધવના નેતૃત્વ હેઠળ તૈયાર થયું હતું.

યોગ્ય સમયે પીડીપી સાથે હાથ મિલાવીને જમ્મુ અને કશ્મીરમાં શાસન કરવાનો ફર્સ્ટ હૅન્ડ અનુભવ મેળવી લેવો એ વિચાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો જે વિચારને ભાજપના પ્રમુખ અમિત શાહે રામ માધવ દ્વારા અમલમાં મૂક્યો.

ત્રણ વર્ષ દરમ્યાન ભાજપે જમ્મુ-કશ્મીરના વહીવટી તંત્રમાં છેક અંદર સુધી પેસીને જોઈ લીધું કે રાજ્યમાં કૉન્ગ્રેસે સર્જેલી ઉધઈનો સડો ક્યાં સુધી અને કેટલો ફેલાયેલો છે. બીજી તરફ ભાજપે સરકારમાં ભાગીદારી હોવાનો ફાયદો લઈને રાજ્યમાં પોતાનું સંગઠન તંત્ર મજબૂત કરવાના પ્રયત્નો કર્યા.

જમ્મુ પ્રદેશમાં તો હિન્દુ બહુલતાને કારણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો પગપેસારો વર્ષોથી બલકે દાયકાઓથી રહ્યો છે. ફિફટીજમાં શ્યામા પ્રસાદ મુખરજીનો નેહરુ શાસને ભોગ લીધો તે જમાનાથી આર.એસ.એસે. જમ્મુમાં સફળ રીતે પોતાની સામાજિક જવાબદારીઓ સફળતાપૂર્વક નિભાવી છે. પણ કશ્મીરમાં કૉન્ગ્રેસી આશીર્વાદવાળી સરકારોએ ત્યાંની સ્થાનિક પ્રજાની કાનભંભેરણી એવી કરી કે તેઓ સંઘના સ્વયંસેવક સાથે, આપણે લોકો પાકિસ્તાની ઘૂસણખોરો સાથે કરીએ એવો વર્તાવ કરવા લાગ્યા.

એઈટીઝ અને નાઈન્ટીઝમાં એક એવો વખત આવ્યો કે જમ્મુ-કશ્મીર રાજ્યના ત્રણ ભાગલા કરી દેવા જોઈએ એવી માગણી ઊઠી. સંઘની આ માગણી પાછળનો આશય શુભ હતો કે રાજ્ય પાછળ ખર્ચાતાં નાણાંનો ત્યાંના ત્રણેય રિજયનને – જમ્મુ-કશ્મીર વેલી અર્થાત્ ઘાટી અને લદ્ાખને સરખો લાભ મળે, લાડવાનો મોટો ભાગ કશ્મીર લઈ જાય અને જમ્મુ તથા લદ્ાખ વિકાસથી વંચિત રહી જાય એવું ન બને. જમ્મુ-કશ્મીર રાજ્યના ટ્રિપાર્ટિશનની આ થિયરીનો પ્રચાર કરવા તેમ જ એની વિગતો સમજાવવા એક તબક્કા દરમ્યાન સંઘે ખૂબ પ્રયત્નો કર્યા. સદ્નસીબે સંઘમાં અને સંઘની બહાર સંઘના સમર્થકોમાં આ વિચારને ઝાઝું સમર્થન મળ્યું નહીં અને ટ્રિપાર્ટિશન ફૉર્મ્યુલાનું પડીકું વાળીને અભરાઈ પર મૂકી દેવામાં આવ્યું. સારું થયું.

કશ્મીરની સમસ્યા સાથેનો પત્રકાર-લેખક તરીકેનો મારો પ્રથમ પરિચય ૧૯૮૬-૮૭ના ગાળામાં. મારી પ્રથમ નવલકથા ‘વેરવૈભવ’ લખાઈ ગયા પછી મારા મનમાં કશ્મીરની અત્યારની સમસ્યાના મૂળમાં જઈને એક નવલકથા લખવાનો વિચાર રમતો હતો. પણ એ ગાળામાં હું કશ્મીરનો લાંબો પ્રવાસ કરવાનું આયોજન કરી શક્યો નહીં અને મેં વચગાળાના સમયમાં એક તદ્ન નવા જ પ્રકારની ડિટેક્ટિવ ફિક્શન સિરિયલરૂપે લખી. એ પછી ૧૯૮૮ના ગાળામાં હરકિસન મહેતાએ મારા માટે કશ્મીર પ્રવાસની જોગવાઈ કરી અને હું એકલો પૂરા પચ્ચીસ દિવસ સુધી લદ્ાખ સિવાયના જમ્મુ-કશ્મીર રાજ્યમાં ઘૂમી વળ્યો. છાંબ, બારામુલા અને છેક ઊડીની સરહદ સુધી ગયો. જમ્મુ અને શ્રીનગરમાં અનેક સિનિયર સ્કોલર્સને મળીને તેમ જ ત્યાંની યુનિવર્સિટીઓના ઈતિહાસ વિભાગની લાઈબ્રેરીઓમાં સચવાયેલા મૂળ દસ્તાવેજોનો અભ્યાસ કરીને સમજવાની કોશિશ કરી કે શા માટે અનેક કશ્મીરીઓને ભારત પોતાનું નથી લાગતું. એક સહેલાણી તરીકે – કશ્મીરના સૌંદર્યને માણવા આ ૨૫ દિવસની રિસર્ચ ટુરમાંથી છ કલાક અલગ તારવીને શ્રીનગરથી હેલિકૉપ્ટરમાં ગુલમર્ગ જઈને તરત પાછો આવી ગયો. પર્યટકની નજરે કશ્મીર જોવું અને મેં જે રીતે કશ્મીર જોયું તેમાં ફરક હોવા છતાં એ ધરતી પરની હરએક ઘડી તમને સ્વર્ગના સૌંદર્યનો અહેસાસ કરાવતી રહે. અનંતનાગ ડિસ્ટ્રિકટના એક નાનકડા ગામમાં એક કશ્મીરી પંડિતના ઘરે જઈને બે દિવસ રહ્યો (જેની સાથે મારે જમ્મુમાં ઓળખાણ થઈ હતી) અને મુંબઈથી આવેલા મહેમાને એમના રસોડામાં જઈને બેઠા ઘાટના ચૂલા પાસે પલાંઠી મારીને બૉમ્બે પાંઉબાજી પણ બનાવી હતી.

કુદરતના પર્યાય સમા એ નાનકડા ગામના ઘરમાં ટૉઈલેટ નહીં. પ્રાત:કાર્ય માટે ઘરથી દૂર એક ચશ્મા (વહેતા ઝરણા) પાસે જઈ આવવાનું. પાણી ભરવા ડબલું કે લોટો મળશે? એવું કંઈ ન હોય અહીં. ડાયરેક્ટ ઝરણામાંથી ખોબો ભરીને શુદ્ધિકરણ કરી લેવાનું!

૧૯૮૮નો એ ગાળો હતો. આતંકવાદ હજુ શરૂ નહોતો થયો. માત્ર ભણકારા હતા. ભારેલો અગ્નિ હતો. મેં ૧૯૪૬થી ૧૯૪૮ના ગાળામાં આ સમસ્યાનાં બીજ નખાયાં તે ગાળાને કેન્દ્રમાં રાખીને હરકિસનભાઈ માટે ‘જન્મોજનમ’ નવલકથા લખી.

કશ્મીરમાં કરેલું આ પાયાનું સંશોધન કાર્ય મને ૧૯૮૯ પછી ત્યાંની પરિસ્થિતિમાં જે હિંસક વળાંકો આવવા માંડ્યા તેને સમજવામાં ખૂબ કામ લાગ્યું.

આજે મોદી, રામ માધવ અને અમિત શાહના વ્યવહારુ અભિગમને લીધે કશ્મીરમાં અચ્છે દિન આવી રહ્યા છે ત્યારે આ કશ્મીર સિરીઝમાં એક પછી એક મુદ્દાઓ ડિસ્કસ કરીને આપણે જોઈશું કે કશ્મીરની પરિસ્થિતિ હવે જે રીતે બદલાતી જશે તેનો બાકીના ભારતને કેટલો મોટો ફાયદો થવાનો છે અને બાકીના ભારતમાં છેલ્લાં ચાર વર્ષ દરમ્યાન જે રીતે પરિસ્થિતિઓ સુધરી રહી છે તેનો લાભ કશ્મીરને કેટલો મોટો થવાનો છે.

મિત્રો, ભાજપની કે મોદીની આ કશ્મીર નીતિ કોઈ તકવાદ નથી, રાષ્ટ્રપ્રેમ છે.સો ટકા શુદ્ધ રાષ્ટ્રપ્રેમ. આ માણસ પીએમ નહોતો, સીએમ પણ નહોતો ત્યારે ૧૯૯૨ની ૨૬ જાન્યુઆરીએ શ્રીનગરના લાલચોકમાં આતંકવાદીઓની બંદૂકના ઓછાયા હેઠળ કોઈ ત્યાં પગ મૂકવાની પણ હિંમત નહોતું કરતું એ સમયમાં ખુલ્લી છાતીએ ત્રિરંગો લહેરાવી આવ્યો છે. જે ભડવીરે એ જમાનામાં છપ્પનની છાતી પુરવાર કરી છે એમના હાથમાં હવે રિયલ અર્થમાં આખેઆખું કશ્મીર આવ્યું છે. ભાજપની ટીકા કરનારાઓ સ્વસ્થતાથી જો વિચારશે તો એમને ખ્યાલ આવશે કે ભાજપે કશ્મીરમાં મહેબૂબા મુફ્તી સાથેનો છેડો ફાડીને કેટલું હિંમતનું કાર્ય કર્યું છે, કેવી ચાણક્ય બુદ્ધિ દેખાડી છે. ખરી દેશ દાઝ અને ખરો દેશપ્રેમ કોને કહેવાય એની સમજ જેમનામાં નથી કેળવાઈ એવા લોકોએ કશ્મીરની ભાજપનીતિ વિશે આડીઅવળી ઉતાવળી કમેન્ટો કરવાને બદલે આજથી શરૂ થયેલી આ શ્રેણીનો એક એક શબ્દ કોઈ પૂર્વગ્રહ વિના વાંચીને મગજમાં ઉતારવો જોઈએ.

કાલથી શરૂ.

આજનો વિચાર

રાહુલ ગાંધીની હાલત દસ રૂપિયાના સિક્કા જેવી થઈ ગઈ છે. બંધ નથી થયો છતાં માણસ જોઈને કહે કે આ નહીં ચાલે…

– વૉટ્સએપ પર વાંચેલું.

એક મિનિટ!

બકો: સરકારે એક નવી જનજાતિ રચવાનો નિર્ણય કર્યો છે.

પકો: નવી જનજાતિ? એ વળી કંઈ?

બકો: ‘ચચરતી જનજાતિ’

પકો: એ વળી શું?

બકો: નરેન્દ્રભાઈના નામથી જેને ચચરતું હોય એવા લોકોની જનજાતિ.

પકો: એમાં કોણ કોણ આવે?

બકો: માર્ક્સવાદી, સામ્યવાદી, સેક્યુલરવાદી, અખિલેશવાદી, માયાવતીવાદી, મમતાવાદી, ચન્દ્રાબાબુવાદી…

1 COMMENT

  1. નિર્ભય અને સાચી ગ્રાઉન્ડ રિયાલિટી વાળી આપની અનુભવી કલમ અને આપના અખુટ દેશપ્રેમને લાખ લાખ સલામ, એક સંવેદનશીલ મુદ્દાને દેશવાસીઓ સામે સાચી રીતે આપજ રજૂ કરી શકો છો, અગાઉથી આપની આ સિરીઝ ને ખુબ ખુબ શુભેચ્છાઓ.???

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here