એ આંખોની મઘમઘતી સુગંધને અમે જોઈ છે

ગુડ મૉર્નિંગ – સૌરભ શાહ

( મુંબઇ સમાચાર : બુધવાર, 20 માર્ચ 2019)

જાવેદ અખ્તર જેમ ઉપમા અલંકારના કવિ છે એમ ગુલઝાર વર્ણન કરવાને બદલે કે ઉપમા વાપરવાને બદલે કે કલ્પનાનું કોઈ ચિત્ર ઊભું કરવાને બદલે પોતાનાં ગીતોમાં અને કવિતામાં કોઈ ભાવનો કે લાગણીનો અનુભવ કરાવતા હોય છે. આ લાગણી કઈ હોય છે? જે લાગણીને વ્યક્ત કરવાની કવિ મથામણ કરતા હોય છે એ મથામણ જ કવિની અભિવ્યક્તિ બની જાય છે. આનું ઉદાહરણ આપતા ગુલઝારસા’બ નસરીન મુન્ની કબીરને 1969ની ફિલ્મ ‘ખામોશી’ માટે લખેલા યાગદાર ગીતની વાત કરે છે.

‘હમને દેખી હૈ ઉન આંખો કી મહેકતી ખુશ્બુ’માં આંખની ‘મહેકતી ખુશ્બુ’ અને એ પણ પાછી ‘જોવાની’ – આ અભિવ્યક્તિને કારણે દરેક સાંભળનાર, દરેક ભાવક આ ગીતને પોતાની રીતે, પોતાના અનુભવ મુજબ ઈન્ટરપ્રીટ કરીને માણી શકે. એની કલ્પના મર્યાદિત ન થઈ જાય. અને દરેકની કલ્પના જુદી જુદી હોય. બે સાંભળનારની કલ્પનાઓ વચ્ચે સામ્ય ન હોય. ઉપમા વાપરી હોય કે પછી કોઈ ઈમેજ ક્રિયેટ કરી હોય કે પછી વર્ણનાત્મક શબ્દો મૂક્યા હોય તો સ્પૂન ફીડિંગને કારણે કવિએ જે લખ્યું હોય તે જ મુજબ ભાવક કલ્પના કરે. અહીં કવિ ભાવકને બાંધી દેતો નથી, એને એની પોતાની કલ્પના મુજબ ઉડ્ડયન કરવા માટેની સગવડ ઊભી કરે છે, રનવે બનાવી આપે છે.

ગુલઝાર સમજાવે છે કે જ્યારે એ ‘આંખોં કી મહેકતી ખુશ્બુ’ શબ્દો વાપરે છે ત્યારે એનો શબ્દાર્થ નથી પકડવાનો હોતો. આંખમાંથી કંઈ કોઈ દિવસ સુગંધ નીકળતી હશે? એવી વેવલાઈ કરીને વાયડાપણું નથી દેખાડવાનું હોતું કે આંખમાંથી બહુ બહુ તો ચીપડા નીકળે! સાહેબ કહે છે કે આંખો ભલે બોલતી ન હોય પણ ગુસ્સો, ધિક્કાર, પ્રેમ આ બધું જ આંખો દ્વારા અભિવ્યક્તિ પામતું હોય છે. આંખ આ રીતે જે કંઈ ‘બોલતી’ હોય છે એનો એક ‘ટોન’ હોય છે, એની એક ‘ફલેવર’ હોય છે. તો તમે જ્યારે સોફ્ટ લવિંગ આઈઝ જુઓ છો ત્યારે તમે ઈમેજિન ન કરી શકો કે એમાં ફ્રેગરન્સ છે! ગુલઝારસા’બ કહે છે. પછી ઉમેરે છે કે આ શબ્દો માટે મારી ઘણી ટીકા થઈ હતી!

આ ગીતનો અનુવાદ કરતી વખતની પ્રોસેસમાં ઊંડા ઉતરવાની મઝા આવશે. લેટ્સ શેર. હેમન્તકુમારની ધૂન પર લતા મંગેશકરે ગાયેલા આ ગીતમાં ‘પ્યાર કોઈ બોલ નહીં, પ્યાર આવાઝ નહીં’ પંક્તિ આવે છે. નસરીન પૂછે છે: ‘આવાઝ’ માટે ‘વૉઈસ’ અને ‘સાઉન્ડ’ બેઉ વાપરી શકાય. તમે કયો શબ્દ પ્રીફર કરશો?

ગુલઝાર વિચારે છે: લવ ઈઝ નૉટ વડર્ઝ, લવ ઈઝ નૉટ વૉઈસ… પછી કહે છે: ‘સાઉન્ડ’ને બદલે ‘વૉઈસ’ શબ્દ મૂકવો જોઈએ.

નસરીન પૂછે છે: ના યે બુઝતી હૈ, ના રુકતી હૈ, ના ઠહરતી હૈ કહીં… શું કરીશું?

ગુલઝાર: ધ ફ્લેમ કૅનનૉટ બી એક્સટિન્ગવિશ્ડ…

નસરીન: એને બદલે ‘સ્નફ્ડ આઉટ’ વાપરીએ તો? જરાક ભારે અને જુનવાણી શબ્દપ્રયોગ છે.

ગુલઝાર: વ્હાય નૉટ? કીપ ઈટ!

નસરીન: ‘મુસ્કુરાહટ સી ખિલી રહેતી હૈ આંખોં મેં કહીં’નું ફ્લોઈંગ લાઈક અ સ્માઈલ ઈન યૉર આઈઝ કરીએ તો?

ગુલઝાર: બિલકુલ. સરસ એક્સપ્રેશન છે.

નસરીન: ‘હોંઠ કુછ કહેતે નહીં કાંપતે હોંઠોં પે મગર’ માટે ધ લિપ્સ નેવર પાર્ટ ટુ સ્પીક યર ધે ક્વિર સો – એવું કર્યું હોય તો?

ગુલઝાર: બ્યૂટીફુલ. હવે આખું ટ્રાન્સલેશન જોઈ લઈએ?

હમને દેખી હૈ ઉન
આંખોં કી મહેકતી ખુશ્બુ
(આય હૅવ સીન ધ ફ્રૅગરન્સ ઑફ યૉર આઈઝ)
હાથ સે છૂ કે ઈસે
રિશ્તોં કા ઈલ્ઝામ ના દો
(ડુ નૉટ ટેઈન્ટ ઈટ વિથ ધ બર્ડન ઑફ રિલેશનશિપ. …અહીં તમે માર્ક કર્યું હશે કે ‘ડુ નૉટ ટચ ઈટ વિથ હૅન્ડ’ જેવું ચાલુ, શબ્દશ: ટ્રાન્સલેશન કરવાને બદલે કવિએ કહેવા માગેલી વાતનું હાર્દ પકડવામાં આવ્યું છે).
સિર્ફ અહેસાસ હૈ યે
રૂહ સે મહેસૂસ કરો
(ઈટ્સ જસ્ટ અ ફીલિંગ, ફીલ ઈટ વિથ યૉર સોલ)
પ્યાર કો પ્યાર હી રહને
દો કોઈ નામ ના દો
(લેટ લવ બી લવ, ડુ નૉટ બર્ડન ઈટ વિથ અ નેમ)
હમને દેખી હૈ…
પ્યાર કોઈ બોલ નહીં,
પ્યાર આવાઝ નહીં
(લવ ઈઝ નૉટ વડર્સ, લવ ઈઝ નૉટ અ વૉઈસ)
એક ખામોશી હૈ સુનતી હૈ
કહા કરતી હૈ
(ઈટ્સ અ સાયલન્સ ધૅટ સ્પીક્સ, અ સાયલન્ટ ધૅટ હિયર્સ)
ના યે બુઝતી હૈ, ના
રુકતી હૈ, ના ઠહેરતી હૈ કહીં
(ઈટ કૅનનૉટ બી સ્નફ્ડ આઉટ, સ્ટૉપ્ડ ઑર સ્ટિલ્ડ)
નૂર કી બૂંદ હૈ,
સદીયોં સે બહા કરતી હૈ
(ઈટ્સ અ ડ્રૉપલેટ ઑફ રેડિયન્ટ લાઈટ ધૅટ ફૉલ્સ ઈટર્નલી)
હમને દેખી હૈ…
મુસ્કુરાહટ સી ખિલી રહેતી
હૈ આંખો મેં કહીં
(ફ્લાવરિંગ લાઈક અ સ્માઈલ ઈન યૉર આઈઝ)
ઔર પલકોં પે ઉજાલે સે ઝુકે રહતે હૈં
(ગ્લોઈંગ ઑન યૉર લોઅર્ડ આઈલિડ્સ)
હોંઠ કુછ કહેતે નહીં,
કાંપતે હોંઠોં પે મગર
(લિપ્સ નેવર પાર્ટ ટુ સ્પીક યર ધે ક્વિવર)
કિતને ખામોશ સે
અફસાને રુકે રહતે હૈં
(સો મૅની સાયલન્ટ ટેલ્સ ફ્રોઝન ઈન ટાઈમ)
હમને દેખી હૈ…

નસરીન મુન્ની કબીર પૂછે છે: તમે એક વખત મને કહ્યું હતું કે આ ગીત હેમન્તકુમારે ગાવાનું હતું, લતા મંગેશકરે નહીં. સાચી વાત?

ગુલઝાર: હા, પણ હેમન્તદાએ ના પાડી દીધી. કહે: ‘ના, આ કંપોઝિશન માત્ર લતા જ ગાઈ શકે, હું ના ગાઈ શકું. લતા ગાશે.’ મેં કહ્યું, ‘દાદા, એ કેવી રીતે બને? આખું ગીત મેલ પોઈન્ટ ઑફ વ્યુથી લખાયું છે. હીરોઈન કેવી રીતે પોતાના પ્રેમી વિશે આ શબ્દોમાં કહી શકે? આવી નજાકતભરી વાતો પુરુષની આંખો માટે થોડી કહી શકીએ! તમે કોઈ દિવસ પુરુષની આંખોમાંથી સુગંધ નીકળતી હોય એવું સાંભળ્યું છે? (હસી પડે છે પછી સિરિયસ થઈને કહે છે) હું હંમેશાં કહેતો હોઉં છું કે લતાજી ધારે તો ગીતનો પૉઈન્ટ ઑફ વ્યુ બદલી શકે, પુરુષ કે સ્ત્રી – જેના પૉઈન્ટ ઑફ વ્યુથી વાત કરવી હોય, કરી શકે. આજ દિવસ સુધી મને એક પણ જણે એવું પૂછ્યું નથી કે આ ગીત મેલ સિંગરે કેમ ગાયું નથી. લતાજીની આ કમાલ છે!

આજનો વિચાર

મને ફુંકે તો હું ગાઉં,
ને મારે થાપ તો વાગું,
સુરીલું વાદ્ય છું હું
પણ બધા પોલો જ માને છે.
દગા-ફટકા પચાવીને સતત
હસતો રહું છું હું,
હવે તકલીફ એ છે
સૌ મને ફોટો જ માને છે.

– ડૉ. મનોજ જોશી ‘મન’

એક મિનિટ!

પકો: ફારસી ભાષામાં પ્રેમિકાને શું કહેવાય?

બકો: દુનિયાની કોઈપણ ભાષામાં પ્રેમિકાને કાંઈ ન કહેવાય, પકા, સમજ જરા!

4 COMMENTS

  1. Superb. No words left to praise. English tranlation here never makes you feel that original is written in Hindi.

    Gulzar and his creations are all masterpieces. Be it his poems lyrics ghazals direction anything. He has a wonderful voice too and when he is indeed a good orator too.
    God bless him.

  2. ખરેખર ખુબ મજા આવી, બસ આવી જ રીતે લખતા રહો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here