મિચ્છામિ દુક્કડમ્: આપણને માફી માગતાં આવડે છે?

ગુડ મૉર્નિંગસૌરભ શાહ

ક્યારે લખ્યું હતું તે સરત નથી પણ વર્ષો પહેલાં આ વાત કહી હતી. અને તમને જો યાદ હોય તો ફરી એક વાર વાંચજો, નુકસાન નહીં થાય. ક્ષમાપનાના ભવ્ય પ્રસંગે જ આ વાત લખી હશે.

પર્યુષણ પર્વના સમાપનની વાત કરતાં પહેલાં વાત બેસતા વર્ષની કરી હતી. દિવાળી પછીના બીજા દિવસે, બેસતા વર્ષે, આપણે જે મળે તેને, હાલતાં ને ચાલતાં, ‘સાલ મુબારક’ કે ‘નૂતન વર્ષાભિનંદન’ કે પછી ‘હૅપી ન્યુ યર’ કહેતાં ફરીએ છીએ. એક દિવસ નહીં, મહિનો નહીં, આખું વરસ મુબારક જાય એવી શુભેચ્છા કેટલી કેઝ્યુઅલી આપતાં ફરીએ છીએ. ફોન બુકમાંના તમામ વૉટ્સઍપ કોન્ટેક્ટ્સને ન્યુ યર પ્રોસ્પરસ જાય એ માટે દીવડાવાળી ઈમેજની શુભેચ્છાઓ મોકલી આપીએ છીએ. આમાંથી, મા કસમ, કોઈ એક વ્યક્તિને વરસના વચલા દહાડે નિરાંતે યાદ કરીને એમના વીતેલા મહિના આપણી શુભેચ્છા મુજબના ગયા કે નહીં અને વરસના બાકીના મહિના આપણી શુભેચ્છા એમને ફળવાની છે કે નહીં એ વિશેની ફિકર કરી છે આપણે? ફુરસદ જ ક્યાં છે. અને પરવા પણ ક્યાં છે. આપણા પોતાનામાંથી ઊંચા આવીએ તો ને. પણ વિશ યુ હેપી ન્યુ યર કહી દેવાનું. એક કામ પતે.

એક રૂટિન વિધિ તરીકે તદ્ન બેદરકારીથી, કેઝયુઅલ ઍટિટ્યુડથી કહેવાતા ‘સાલ મુબારક’ની એક ફૉર્માલિટી સિવાય બીજી કોઈ ઉપયોગિતા નથી. જુઓને, દર નવા વરસે ઢગલાબંધ શુભેચ્છાઓ મળતી હોવા છતાં કોઈ ફરક પડે છે આપણી જિંદગીમાં.

પર્યુષણના પવિત્ર મહાપર્વના સમાપન પછી એક સુંદર પ્રથા ધર્મના મહાપુરુષોએ સૂચવી છે – ક્ષમાપના. વીતેલા વર્ષ દરમ્યાન મન, વચન, વર્તનથી જાણે કે અજાણે આપણે કોઈને દૂભવ્યા હોય તો આ અવસર છે એમની માફી માગવાનો : મિચ્છામિ દુક્કડમ્.

પણ આનુંય ‘સાલ મુબારક’ જેવું જ થઈ ગયું છે. ‘સૉરી’ કે ‘માય એપોલોજીસ’ કે ‘રિગ્રેટ’ની ગંભીર ભાવના વ્યક્ત કરતા આ સુંદર શબ્દો – મિચ્છામિ દુક્કડમ્ – એટલા કેઝયુઅલી અને ભાવ કે લાગણી વિના બોલાતા હોય છે કે આપણને થાય કે આ ભાઈ (કે આ બહેન) શું ખરેખર આપણી માફીને લાયક છે?

સૌથી પહેલાં તો જેને ને તેને મિચ્છામિ દુક્કડમ્ કહેવાનું ન હોય. વૉટ્સઍપના ગ્રુપમાં કે એફબીની પોસ્ટ તરીકે મિચ્છામિ દુક્કડમ્ મોકલાવી દેવાનું ના હોય. જે લોકો વરસ આખું તમારા સીધા કે આડકતરા સંપર્કમાં આવ્યા જ નથી એ વળી કેવી રીતે તમારાથી જાણે-અજાણે દુભાવાના છે? એમની માફી શું કામ માગવાની?

લિફ્ટમાં કે રસ્તે મળતા કે ટ્રેનમાં કે ફ્લાઈટમાં ભટકાઈ જતા બિલકુલ અપરિચિત હોય એવા લોકોને ‘ગુડ મૉર્નિંગ’ કે ‘નમસ્તે’નું ઔપચારિક-ફૉર્મલ અભિવાદન કરીએ તેમાં સૌજન્ય છે. પણ આપણે તો ‘સાલ મુબારક’ની પાવન શુભેચ્છાને એ ફોર્માલિટીમાં ઘસડી લાવ્યા અને એટલું ઓછું હતું એમ હવે ‘મિચ્છામિ દુક્કડમ્’ જેવી અતિ ગંભીર ધર્મપરંપરાને પણ ફ્રિવોલસ બનાવી દીધી.

તમને ખબર છે કે વીતેલા વર્ષ દરમ્યાન તમે પરિવારમાં, મિત્રોમાં કે ધંધાવ્યવસાયમાં કોને કોને દૂભવ્યા છે. બરાબર ખબર છે. તમને ખબર છે કે કેટલાક લોકોને તમે જાણી જોઈને ભલે ન દૂભવ્યા હોય પણ અજાણતાં તેઓ તમારાથી દુભાયા છે, તમારી ઈચ્છા ન હોવા છતાં, તમે એમને દૂભવવા જેવું કંઈક એવું કર્યું છે, કંઈક એવું બોલ્યા છો.

આજે પ્રતિક્રમણ કર્યા પછી એ સૌને વારાફરતી, એક-એક કરીને, યાદ કરો. રૂબરૂ શક્ય ન હોય તો ફોન પર અને એય શક્ય ન હોય તો લાંબો પર્સનલ મૅસેજ તૈયાર કરીને સ્પેસિફિકલી યાદ કરીને એમને કહો કે ફલાણા પ્રસંગે તમે મારાથી દુભાયા. અત્યારે યાદ કરીને મને મારા પોતાના માટે ઓછું આવી રહ્યું છે. એ બનાવ પછી તરત જ મારે તમારી માફી માગી લેવી જોઈતી હતી, પણ એટલી હિંમત ભેગી થઈ નહીં. મહિનાઓ સુધી એ વાત મને કનડતી રહી. મેં નક્કી કર્યું છે કે હવેથી તમારી સાથે કે કોઈનીય સાથે આવું વર્તન ન થઈ જાય એ માટે હું સભાન રહીશ. એટલો સુધારો મારા સ્વભાવમાં, મારા વર્તનમાં લાવવા માટેની જાગૃતિ કેળવીશ. અને હા, તમને દૂભવીને મેં તમારી લાગણીઓને જે ઠેસ પહોંચાડી છે તે માત્ર ‘મિચ્છામિ દુક્કડમ્’ કહી દઈશ એટલે ભુંસાઈ જશે એવું માનવું મારા માટે બાલિશતા છે. એ ઉઝરડાને, એ જખમને રૂઝવવા માટે આવતા વર્ષ દરમ્યાન હું તમારી સાથે એવું વર્તન કરીશ જે તમારા માટે મલમની ગરજ સારે અને આવતા વર્ષે પર્યુષણ પર્વની સમાપ્તિ પછી એ મલમવાળા કિસ્સાઓ તમારા ઉપરાંત મને પણ શાતા આપે. આવતા વર્ષે જ નહીં, હવે પછીની જિંદગીનાં તમામ વર્ષો દરમ્યાન મારે ક્યારેય તમારી માફી માગવી ન પડે, ‘મિચ્છામિ દુક્કડમ્’ કહેવું ન પડે એવું વર્તન કરવાની ક્ષમતા ભગવાન મને આપે એવી પ્રાર્થના કરું છું.

અને આટલું કહ્યા/લખ્યા પછી તમારે કહેવું/લખવું હોય તો કહો/લખો: મિચ્છામિ દુક્કડમ્.

હવે બીજી વાત.

કોઈ તમારી માફી માગે ત્યારે તમારે શું કરવાનું હોય? એમને ઉદાર દિલે માફ કરવાના હોય. એમને સધિયારો આપવાનો હોય કે હશે, જે થઈ ગયું તે થઈ ગયું. વાત જ એવી હતી. તમારી ક્ષમા હું સ્વીકારું છું, તમને માફ કરું છું.

પણ આવું જતાવવાને બદલે આપણે કોઈનું ‘મિચ્છામિ દુક્કડમ્’ સાંભળીને સામે શું કહીએ છીએ? ‘મિચ્છામિ દુક્કડમ્’! લો, આ કંઈ સલામ-નમસ્તે નથી. કોઈ તમને ‘સલામુઅલૈકુમ’ કહીને ઉપરવાળો તમારા પર શાંતિના આશીર્વાદ વરસાવે એવી શુભેચ્છા આપે ત્યારે તમે પણ વળતો જવાબ આપો કે ‘વાઅલૈકુમસ્સલામ’ (ઉપરવાળો તમારા પર પણ શાંતિના આશીર્વાદ વરસાવે) એવું કહો તો તે બરાબર છે. પણ ‘હું તમારી માફી માગું છું, મને ક્ષમા કરો’નો જવાબ ‘હું (પણ) તમારી માફી માગું છું, મને ક્ષમા કરો’ એવો ના હોઈ શકે. ‘મિચ્છામિ દુક્કડમ્’ના ઉત્તરરૂપે જ્યાં સુધી ધર્મપુરુષો એવો કોઈ સટીક શબ્દપ્રયોગ ન શોધી કાઢે ત્યાં સુધી તમે કહી શકો છો કે, ‘ના, ના, એવું બોલવાની જરૂર નથી’, ‘ડોન્ટ મેન્શન’ અથવા તો ‘અરે ભાઈ, હું તો ક્યારનો એ બનાવ ભૂલી ચૂક્યો છું, તમે પણ ભૂલી જાઓ.’ અથવા તો પછી, ‘હા, તમને મેં હૃદયપૂર્વક ક્ષમા આપી. તમે પણ એવો કોઈ ખટકો તમારા દિલમાં રાખતા નહીં.’

એક ત્રીજી વાત.

વીતેલા વરસ દરમ્યાન તમારા કોઈ એવા વર્તનથી કે તમારી એવી કોઈ સિરીઝ ઓફ બીહેવિયરથી હું હર્ટ થયો હોઉં કે મેં જાણી જોઈને તમને દૂભવ્યા હોય અને મને એનો કોઈ અફસોસ, એની કોઈ રિગ્રેટ્સ મારા મનમાં ના હોય તો મારે શા માટે તમને ‘મિચ્છામિ દુક્કડમ્’ કહેવું જોઈએ? આવા પવિત્ર પ્રસંગે હું શું કામ એવો દંભ કરું? મેં એ પ્રસંગે તમને જે કહ્યું કે તમારી સાથે જે વર્તન કર્યું તે તમારા વર્તનના જવાબમાં કહ્યું હતું અને ફરીથી જો તમે એવું વર્તન મારી સાથે કરશો તો હું ફરીથી તમને એવું જ કહીશ કારણ કે મને નથી જોઈતું કે કોઈ મારી લાઈફમાં મારી સાથે આ રીતે બીહેવ કરે. અને એટલે જ મને કોઈ અફસોસ નથી. મારે કોઈ દિલસોજી વ્યક્ત કરવી નથી. આયમ નૉટ સૉરી ફૉર વૉટ આય ટોલ્ડ યુ એન્ડ આયમ નૉટ ગોઇંગ ટુ સે ‘મિચ્છામિ દુક્કડમ્’ ટુ યુ.

માફી માગવી તો વ્યક્તિગત રીતે માગવી, સાગમટે ન મગાય. એક માફીની ફોટોકૉપીઝ કાઢીને બધામાં ના વહેંચાય. કોઈએ મોકલેલી ‘મિચ્છામિ દુક્કડમ્’ની પોસ્ટ બીજા કોઈને ફૉરવર્ડ કરવાની નહીં. (આ આર્ટિકલ ફૉરવર્ડ કરવો હોય તો કરાય!)

પ્રેમ, પ્રાર્થના, સેક્સ અને ભોજન જેટલી જ પર્સનલ વસ્તુ છે ક્ષમા. એની અભિવ્યક્તિ અંગત હોય – બે જણ વચ્ચે.

ક્ષમા માગવી જ હોય તો એ રીતે માગવાની કે સામેવાળી વ્યક્તિને તમારી ભાવના બરાબર પહોંચે કે તમે શું કામ ક્ષમા માગી રહ્યા છો. ‘મિચ્છામિ દુક્કડમ્’ના લાગણીભર્યા પવિત્ર શબ્દોને લુખ્ખી રીતે ઉતાવળે કે કોઈ સંદર્ભ વિના ઉચ્ચારીને આપણે ક્ષમાપના પર્વની ગરિમાને હાનિ પહોંચાડીએ છીએ.

ગળે ઊતરે તો આ વાત આજથી જ અમલમાં મૂકજો. ખરા હૃદયથી, વિગતવાર માગેલી ક્ષમા પછી તમારા દિલનો ભાર હળવો થઈ જશે અને સામેની વ્યક્તિની નજરમાં તમારા માટેનો ઘટેલો આદર પુન:સ્થાપિત થઈ જશે.

આજનો વિચાર

લવ મીન્સ નેવર હેવિંગ ટુ સે યુ આર સૉરી.

– એરિક સેગલ (‘લવ સ્ટોરી’ નવલકથામાંથી)

આ જ વાક્યનો ઉમદા અનુવાદ કવિ ઉદયન ઠક્કર દ્વારા: દિલની વાતોમાં દિલગીરી ન હોય.

( મુંબઇ સમાચાર : ગુરુવાર, 13 સપ્ટેમ્બર 2018)

5 COMMENTS

  1. વાહ સૌરભભાઈ ! મિચ્છામી દુકડમ એટલે શું તે આ લેખ દ્વારા ખબર પડી. આ શબ્દની પાછળ આટલી ગહન ભાવના હશે તેની ખબર ન હતી.

  2. Very thought provoking article.. Many things have become formalities these days and have lost real meaning behind it… Beautifully explained…

  3. ખૂબ જ ઉત્તમ સમજણ સાથે ની રજૂઆત, આજના ફોરવર્ડ ના યુગમાં સોશ્યલ મીડિયા ના સાચા અને યોગ્ય ઉપયોગ ની જરૂર છે. ઉપરાંત સાચા સંબંધો ને દિલ થી મિચ્છામી દુક્કડમ ગમે ત્યારે કહી શકાય છે. માફી માગવી તે ઉપરાંત સાચા દિલથી માફી આપવી ની ખુબ અગત્યની છે.

    સંબંધ એ દિલથી થઈ ગયો,
    થવાનો હતો જેનો અંત રહી ગયો.
    રિપલકુમાર પરીખ.

  4. આપણે આપણી જ જાતને ઘણીવાર છેતરતા રહીએ છીએ. એનો અફસોસ આપણે જીવનભર લઈને ફરીએ છીએ અને એને કારણે આપણે પોતાની જ જાતને પ્રેમ કરવાનું ભૂલી જઈ જીવનભર દુઃખી અને શરીર રોગોથી ખડબદવા લાગે છે. શું આપણે પોતાની જાતની જ જીવનમાં માફી માંગી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here