અહીંની દિનચર્યા શું જિંદગીભર ચાલુ રાખવાની છે? — હરદ્વારના યોગગ્રામમાં ૧૧મો દિવસ: સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ: ચૈત્ર સુદ દસમ, વિક્રમ સંવત ૨૦૭૮. સોમવાર, ૧૧ એપ્રિલ ૨૦૨૨)

યોગગ્રામ આવતાં પહેલાં, અહીં જેટલા દિવસનો તમારો મુકામ હોય તે દરમ્યાન, અને અહીંથી ઘરે પાછા ગયા બાદ, તમારે બે સૌથી મહત્વની વાત ગાંઠે બાંધી લેવી પડે.

સૌથી પહેલી વાત એ કે અહીં ખાવા– પીવાની તેમ જ અન્ય બાબતોની તમારી જે દિનચર્યા હોય તે કંઈ તમારી રૂટિન જિંદગીમાં હન્ડ્રેડ પર્સેન્ટ ફૉલો કરવાની નથી, એ શકય પણ નથી અને જરૂરી પણ નથી. ખુદ સ્વામી રામદેવ કહેતા હોય છે કે મહિનો – બે મહિનાની આવી આકરી દિનચર્યા પછી તમારી આદતો બદલાય તથા તમારામાં તમારા પોતાના સ્વાસ્થ્ય અંગેની સાચી સમજણ પ્રગટે તે પછી ઘરે જઈને તમારે રોજિંદી જિંદગીમાં અનિવાર્ય હોય એટલા ફેરફારો લાવીને તમારું રૂટિન ફરી એકવાર, નવેસરથી, સેટ કરવાનું છે.

એક યોગાચાર્યએ કહ્યું હતું કે તમે સમોસા ખાઓ એનો વાંધો નથી પણ જિંગદી આખી યોગ – પ્રાણાયામનો સતત અભ્યાસ ચાલુ રાખીને શરીર એવું બનાવો કે સમોસા તો શું પથ્થર ખાઓ તો પથ્થર પણ પચી જાય.

આ વાત જરા વિગતે સમજવા જેવી છે. અહીં તમે એક ઉપચાર કેન્દ્રમાં હોય એવું રૂટિન જીવો છો. ઘરે પાછા જઈને જો આ રૂટિન ચાલુ હશે તો તમને તમારું કામ કરવા માટે, આજીવિકા રળવા માટે, સમયશક્તિ કેવી રીતે મળશે?

સવારે અઢી કલાક અને સાંજે દોઢ કલાકનો યોગાભ્યાસ અહીં એટલા માટે જરૂરી છે કે ઘરે પાછા જઈને તમે રોજ કમસેકમ એક કલાક સઘન રીતે યોગ – પ્રાણાયામ કરતા થઈ જાઓ અને જિંદગી આખી એ ચાલુ રાખી શકો. હા, કોઈને ઘણી જૂની અને ગંભીર બીમારી હોય કે અસાધ્ય ગણાતા રોગ હોય તો એક કલાકને બદલે બે – ત્રણ – ચાર કલાક સુધી યોગ – પ્રાણાયામ કરવા પડે. એ બધા અપવાદ કહેવાય. નૉર્મલ લાઈફ અને નૉર્મલ હેલ્થ ધરાવનારાઓ માટે એક કલાકનો અભ્યાસ પૂરતો થઈ પડે એવું મને અત્યારે લાગે છે.

જોકે, હું ઘરે પાછો જઈને આ એક કલાક ઉપરાંત બીજો એક કલાક બ્રિસ્ક વૉકિંગ અને સાઈક્લિંગ પાછળ ગાળવાનો પ્લાન કરું છું. 24માંથી કુલ બે કલાક શરીર – મનની સાચવણી માટે, છ કલાક ઉંઘ માટે અને બાકી રહેતા 16 કલાક કામ માટે જેમાં ભોજન – નિત્યક્રમનો સમાવેશ થઈ જાય.

યોગાભ્યાસના સમય ઉપરાંત અહીંનો જે આહાર તે પણ ઉપચાર કેન્દ્રનો આહાર છે. આવું ખાવાનું આખી જિંદગી ન ખાઈ શકીએ અને એવી કોઈ જરૂર પણ નથી. સ્વામીજી કહે છે એમ મહિનો – બે મહિના આવો આહાર લઈને ઘરે પાછા તમે તમારી જૂની આદતો મુજબ ખાવાનું શરૂ કરી શકો છો – પણ એમાં જે કંઈ જરૂરી હોય તે તમામ ફેરફારો કરવાની સાવધાની તમારે રાખવી પડે . દાખલા તરીકે નમક – શુગરનું પ્રમાણ અથવા તો ઘઉં – ચોખા પરનું ડિપેન્ડન્સ વગેરે.

હું પ્લાન કરું છું કે નમક અને શુગર આ બંનેનો સંપૂર્ણ ત્યાગ ભલે શકય ન હોય તો પણ નમકનો ઇન્ટેક પચ્ચીસ ટકા પર લાવી શકીશ. બે રીતે. એક તો જ્યાં જ્યાં નમક નખાતું હોય ત્યાં ત્યાં અગાઉ કરતાં અડધું જ નાખવાનું, જેના માટે તમારે બાકીના મસાલાઓનું પ્રમાણ પણ ઘટાડવું પડે. અને બીજું, નમક વધારે વપરાતું હોય એવી ચીજો ખાવાની બંધ કરવાની અથવા એની ફ્રિક્વન્સી ઘટાડી દેવાની. પાણીપુરી કે ચાટની બધી જ આયટમો કે ઘરનાં અથવા (બહારથી આવતાં) ફરસાણ વગેરેની ફ્રિકવન્સી અડધી થઈ જાય અને ઘટાડેલી ફ્રિકવન્સીમાં પણ ખાવાનું પ્રમાણ (ક્વૉન્ટિટી) અડધી થઈ જાય તો ઓવરઑલ ખોરાકમાં નમક 75 ટકા ઘટી જાય.

આવું જ શુગરની બાબતમાં. જેમ જમતી વખતે ક્યારેય ઉપરથી નમક ન લેવાની ટેવ પાડવી પડે એમ ચા–કૉફી–દૂધ જેવી બીજી ઘણી વસ્તુઓમાં શુગર કાં તો બિલકુલ બંધ કરી દેવાની હોય, કાં એનું પ્રમાણ સાવ ઘટાડીને અડધું કે પા ભાગનું કરી દેવાનું હોય. (સાવધાન, શુગરફ્રીના નામે મળતી ટીકડીઓ, પીણાંઓ વગેરે શુગર કરતાં વધુ હાનિકારક છે. કોઈને ગોળવાળી ચા કે ગોળવાળી મીઠાઈ ભાવતી હોય તો પ્રમાણસર લેવામાં ચાલે.) આ ઉપરાંત જલેબી, આઈસ્ક્રીમ, ચૉકલેટ, જાતજાતની બીજી મીઠાઈઓ (બહારથી આવતી કે ઘરમાં બનતી) ખાવાની ફ્રિકવન્સી ઘટાડવાથી તથા એની કવૉન્ટીટી ઓછી કરી નાખવાથી શુગર ઇન્ટેક ઘણો ઓછો થઈ જાય. શરબત કે કોલ્ડ ડ્રિન્ક વગેરેમાં ભારોભાર શુગર હોય છે. એ બધા તો વરસના વચલા દહાડે જ ઠીક. આપણે જે સફેદ દાણાદાર સાકર ઘરમાં લાવીએ છીએ તેની અવેજીમાં કેમિકલ ફ્રી ખાંડ કે બૂરું કે કેમિકલ ફ્રી ગોળ રસોઈમાં વાપરી શકાય. સફેદ નમકની અવેજીમાં સિંધવ તેમ જ ક્યારેક સંચળ પણ વપરાય. જોકે આ અવેજીવાળા મામલાઓમાં પણ અતિરેક સારો નહીં. સિંધવ સારું છે એટલે ભરપૂર પાણીપુરી ખાઓ કે ગોળ સારો છે એટલે ગોળપાપડી – સુખડી દબાવીને ખાઓ તો વાંધો નહીં એવું નહીં માનતા. સફેદ નમક કે ફ્રિસ્ટલાઈઝ્‌ડ શુગરની સરખામણીએ સિંધવ કે ગોળ સારાં, બાકી તો એ પણ તમને વધુ પડતાં શરીરમાં પ્રવેશીને નુકસાન કરવાનાં જ છો.

ઘરે જઈને ખોરાકમાં જે કંઈ ફેરફારો કરવાના છે તે કરીને મારા અગાઉના આહારની ટેવો ચાલુ જ હશે. દાખલા તરીકે અઠવાડિયે એક વાર ઘરમાં દાળઢોકળી તો બનવાની જ. પણ અગાઉ એમાં જેટલો ગોળ પડતો એના કરતાં હવે પચ્ચીસથી પચાસ ટકા જેટલો જ (એ તો ટ્રાયલ ઍન્ડ એરરથી ખબર પડશે) નાખવાનો અને એ હિસાબે બાકીના મસાલાઓ – મરચું, ખટાશ, નમક વગેરે પણ ઓછા નાખવાનાં જેથી સ્વાદનું બેલેન્સ જળવાય. ઉપરાંત જમતી વખતે ભાવતી વાનગી પર તૂટી પડતા અને દાબીને ખાતા એને બદલે અડધી કવૉન્ટિટી કરીને, ખાવાનો સમય વધારીને, ધીમે ધીમે ચાવીને, દરેક કોળિયાનો સ્વાદ સભાનપણે માણીને, હું અત્યારે મારી અતિપ્રિય વાનગી આરોગી રહ્યો છું એવું વિચારતાં વિચારતાં, મારે આવું ભોજન મારી જિંદગીના છેલ્લા દિવસ સુધી કરવું છે અને એટલે હું મારી તબિયત જળવાય એ માટે અત્યારે ઓછું ખાઉ છું, અગાઉના જેટલા મસાલાઓ નાખીને નથી ખાતો – એવું ચિંતન કરીને ખાઈશું તો ચોક્કસ મઝા આવવાની જ છે, કદાચ ડબલ મઝા આવવાની છે.

યોગગ્રામમાં આવતાં પહેલાં કે અહીં રહેતા હો ત્યારે કે ઘરે પાછા ગયા પછી જે બીજી મહત્ત્વની વાત યાદ રાખવાની છે તે એ છે કે અહીં રહીને તમારી તબિયતમાં જે સુધારો થાય છે, તમારા શરીરના જે વિકારો દૂર થાય છે તેની અસર કાયમી રહે તે માટેની મહેનત તમારે આજથી જ કરવાની છે. અહીંની વિવિધ થેરપીઓ, અહીંનાં ખોરાક, દવાઓ અને યોગપ્રાણાયામના પ્રતાપે તમારાં શુગર – બીપી કન્ટ્રોલમાં આવી જાય અને લૅબ રિપોર્ટસમાં બધું નૉર્મલ દેખાડે એનો મતલબ એ નથી કે ભવિષ્યમાં પણ આ બધું નૉર્મલ રહેશે. અહીંનો તમારો ખોરાક નિયંત્રિત છે, બધું જ નિયંત્રિત છે —કોઈ હોસ્પિટલ કે ઉપચાર કેન્દ્રમાં જે નિયંત્રણો હોય એવા નિયંત્રણ હેઠળ તમે છો. ઘેર પાછા જઈને જો સ્વચ્છંદી બની જશો તો શુગર વધવાની જ છે, બીપી વધવાનું જ છે કે બીજી જે જે કંઈ બીમારીઓ કે વિકારો હોય તો પાછાં આવવાનાં જ છે – જો તમે તમારી લાઈફ સ્ટાઈલમાં ફેરફારો નહીં કરો તો, અથવા જૂની આદતોને છોડી નહીં શકો તો. આ ખાસ ધ્યાન રાખવું.

ઘરે જઈને હું વિચારું છું કે અઠવાડિયે કે પંદર દિવસે એકવાર એકટાણું કરીશ, મહિને એકવાર નકોરડો ઉપવાસ કરીશ અને એ ઉપરાંત મહિને – પંદર દિવસે એકવાર માત્ર ફ્રુટ્‌સ ખાઈને કે દૂધ પીને ઉપવાસ કરીશ. મારા અમદાવાદનિવાસી એક ખાસ મિત્ર નિયમિતરૂપે નમક અને શુગર વિનાનો સાપ્તાહિક ઉપાવાસ કરે છે અને એકદમ ફિટ છે.
ઉપવાસનાં બે અંતિમ છે. અતિરેકવાળા ઉપવાસો અને સ્વચ્છંદી ઉપવાસો.

સાવ નકોરડા (માત્ર પાણી ઉપરના) ઉપવાસો ખૂબ લાંબા સમય સુધી રાખવાથી શરીર ક્ષીણ થઈ જાય – સંસારીઓને એ ન પોસાય. જે તપસ્વી છે, યોગી છે, સાધક છે એમનાં શરીર જ આવા આકરા ઉપવાસ સહન કરી શકે અને એમને જ ફાયદો થાય.

સ્વચ્છંદી ઉપવાસો એટલે અગિયારસ વગેરેએ ફરાળ (ફળાહાર)ના નામે સાબુદાણાની ખીચડીથી માંડીને સુરણ બટાકાનું શાક, રાજગરાની પુરી, મોરિયો, શિંગોડાના લોટની કઢી, શીખંડ, બટાટાની તળેલી કાતરી વગેરે પેટભરીને ઠાંસવાનાં. અમારા વૈષ્ણવોમાં બહુ ઓછા કુટુંબોમાં માત્ર એકાદ ટંક થોડું ફ્રુટ કે થોડું દુધ લઈને કે બિલકુલ ન ખાઈને અગિયારસના ઉપવાસ થતા હોય છે. ફરાળની ભરપૂર વાનગીઓવાળા ‘ઉપવાસ’ મન સાથે થતી છેતરપિંડી છે.

ઉપવાસનું મહત્ત્વ આપણી ભારતીય પરંપરામાં તો હજારો વર્ષોથી છે. જાતજાતના ઉપવાસો થઈ શકે. હવે તો પશ્ચિમી દેશોના નિષ્ણાતો પણ ઉપવાસનું મહત્ત્વ સ્વીકારતા થયા છે અને જાણે ઇન્ટરમિટન્ટ ઉપવાસ પશ્ચિમી દુનિયાની શોધ હોય એ રીતે એનો પ્રચાર કરવા લાગ્યા છે. ભલે.

ઉપવાસો કરવા અને છોડવામાં શાસ્ત્રીયતા રાખવી જોઈએ. એક દિવસ નકોરડો ઉપવાસ કર્યા પછી તરત જ તમે પાણીપુરી ખાવા ઉપડી જશો કે ઘરે શીંખડપુરીનું જમણ કરશો તો આગલા દિવસનો ઉપવાસ તમારા માટે આશીર્વાદરૂપ બનવાને બદલે શ્રાપ બની જશે. નકોરડા ઉપવાસ પછી ફળનો રસ, એ પછી મગનું પાણી વગેરે એકબે દિવસ લઈને જ રેગ્યુલર ખોરાક શરૂ કરી શકાય. આ બાબતમાં મારો ઝાઝો અનુભવ નથી. કોઈ અનુભવીને કે આ વિષયના નિષ્ણાતને પૂછી લેવું સારું.

તો આમ વાત છે. અહીં આવીને સમજાય છે કે જિંદગીમાં અમુક જ બાબતોમાં અતિરેક સારો – જેમ કે કામ કરવાની પેશનની બાબતમાં – પણ બીજી બધી બાબતોમાં મૉડરેશન કે મધ્યમ માર્ગ સારો. હું અત્યાર સુધી માન્યા કરતો કે મધ્યમમાર્ગે ચાલનારાઓને, રસ્તાની વચ્ચોવચ્ચ ચાલનારાઓને જ, જે સૌથી વધારે અકસ્માત થતા હોય છે; બેમાંથી એક અંતિમે ચાલનારા મારા જેવા એક્સ્ટ્રીમિસ્ટને અકસ્માતો નથી થતા. હું ખોટો હતો. તર્કનો દુરૂપયોગ કરીને આવી દલીલો કરતો હતો. ભરપુર પેશન કે એક્‌સ્ટ્રીમિઝમ અમુક બાબતોમાં ખૂબ ઉપયોગી છે અને એના ફાયદાઓ મને થયા જ છે, ભવિષ્યમાં પણ લેતો રહીશ. પરંતુ ખાવાપીવાની બાબતમાં કે લાઈફસ્ટાઈલની બાબતોમાં કે અમુક પ્રકારની આદતોની બાબતોમાં મધ્યમ માર્ગ કે મૉડરેશન જ બરાબર છે. બહુ મોડું થયું આવું સમજવામાં. જોકે, આમ જોઈએ તો રાઈટ ટાઈમે આ સમજણ આવી. આ સમજણને અમલ કરવા માટે હજુ બીજાં ચાળીસ વર્ષ મારી પાસે છે.

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

•••
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

8 COMMENTS

  1. બી પી અને સુગર વિશે જરૂરી માહિતી આપના લેખ દ્વારા મળી.
    આભાર

  2. સરસ. મઝા આવે છે. પહેલુ સુખ તે જાતે નર્યા.
    સવારે ઉઠીને થાય તેટલા યોગાસન કરવા.ભોજન માટેના આપના સૂચનો એકદમ અલગ અને વહેવારુ છે. દરેકે શક્ય હોય તે પ્રમાણે અમલ કરી સ્વાસ્થ્ય લાભ લેવો જોઇએ.
    આભાર.

  3. Immortality (AMARATVA) is impossible. Body growth, some steadiness and then decay is a natural phenomenon.
    Keeping this in mind one has to adjust all life activities one can live happily. Our culture has bestowed on us YOG – MEDITATION – ETCETERA VALUES. The more we adhere to the better. Keeping peace of mind under all circumstances is equally important. Bhagwat Gita is an irrefutable beacon.

  4. દર વરસે hill station ની બદલે naturopathy center મા વેકેસન ગાળવુ

  5. Me pn yog gram thi avi ne aj bhul kariti hve pachhu e rutin karu chhu , aape khub yaad apavyu , dhanywad

  6. શકય હોય તો સાજ પછી ખાવા નુ ટાળવુ જોઈ એ… બાકી ઈશ્વર ની આપેલી જીદંગી છે મોજે મોજ કરો પણ પચાવવાની શકિત હોય તોજ નહીતર લક્ષમણ રેખા ક્રોસ ના કરાય… જિંદગી ના મીલે દુબારા…

  7. ખૂબ સરસ મજાની વાત કરો છો. Health is wealth આજથી જ હું પણ અમલ કરીશ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here