નવલકથાઓ પરથી બનતી હૉલિવુડની ફિલ્મો : સૌરભ શાહ

(તડકભડકઃ ‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ. રવિવાર, 24 એપ્રિલ, 2022)

બે શોખીન કૂતરા ઉકરડો ફેંદતા હતા. એક કૂતરાના મોઢામાં ફિલ્મની કચકડાની પટ્ટી આવી. એણે ચાવી. બીજા કૂતરાએ પૂછ્યું: ‘કેવી લાગી?’

પહેલા કૂતરાએ કહ્યું, ‘ધ બુક વૉઝ બેટર!’

નવલકથા કે પુસ્તક પરથી બનેલી ફિલ્મ જોયા પછી મોટાભાગના દર્શકોનો જે અનુભવ હોય છે તે આ કૂતરાવાળા ટુચકામાં રમૂજરૂપે પ્રગટ થાય છે. નવલકથા વાંચ્યા પછી એના પરથી બનેલી ફિલ્મ જોઈને લાગતું હોય છે કે આના કરતાં તો મૂળ નવલકથા કે (કે પુસ્તક)માં ઘણી વધારે મઝા હતી.

હૉલિવુડમાં કેટલીક એવી ફિલ્મો બની છે જે મૂળ નવલકથાને પૂરેપૂરો ન્યાય આપતી હોય, નવલકથાના કેન્દ્રીય વિચાર સાથે સહેજ પણ ગરબડ ન કરતી હોય.

ફ્રેડરિક ફોર્સીથની ‘ધ ડે ઑફ ધ જેકલ’ પરથી 1973માં બનેલી આ જ નામની ફિલ્મ મને સૌથી પહેલાં યાદ આવે. ફિલ્મ જોયા પછી તમને પૂરેપૂરો સંતોષ થાય કે નવલકથા વાંચતી વખતે જેટલી મઝા આવી એટલી જ મઝા ફિલ્મ જોતી વખતે પણ આવી.

હૉલિવુડમાં નવલકથાઓ પરથી જ નહીં નૉન-ફિક્શન પુસ્તકો પરથી પણ અનેક ફિલ્મો બનતી રહી છે. સ્ટીવન સ્પીલબર્ગની ‘શિન્ડલર્સ લિસ્ટ’, રિડલી સ્કૉટની ‘અમેરિકન ગૅન્ગસ્ટર’, માર્ટિન સોર્સેસીની ‘ગુડ ફેલાઝ’ અને ‘કસિનો’થી માંડીને ‘ધ આઇરિશમૅન’ સુધીની અનેક ફિલ્મો નવલકથા પરથી નહીં પણ નૉન-ફિક્શન બુક પરથી બની છે, સુંદર બની છે. નવલકથા પરથી ફિલ્મ બનાવવા કરતાં નૉન-ફિક્શન પુસ્તક પરથી ફિલ્મ બનાવવાનું કામ વધારે અઘરું છે.

માર્ગારેટ મિશેલની ‘ગોન વિધ ધ વિન્ડ’ પરથી લેટ થર્ટીઝમાં એ જ નામની નવલકથા બની. નવલકથાનો કથાપટ ખૂબ વિશાળ છે. આખેઆખી ફિલ્મ બનાવવા જાઓ તો બાર કલાકની ફિલ્મ બને. માટે ઘણું બધું જતું કરી દેવું પડે. મૂળ નવલકથાના ચાહકોને લાગે કે આમાં અન્યાય થાય છે, પણ ફિલ્મ મેકિંગની જે મર્યાદાઓ હોઈ શકે તેને માન આપીને જ્યારે ફિલ્મ બને ત્યારે આવા અન્યાયોને ભૂલી જવાના હોય.

ડૅવિડ લીને 1965માં બોરિસ પાસ્તરનાકની નવલકથા ‘ડૉ.ઝિવાગો’ પરથી ફિલ્મ બનાવી ત્યારે પહેલી વારના સ્ક્રીન પ્લેના ડ્રાફ્ટને રિજેક્ટ કરીને નવલકથાના અમુક અંશોને જ કેન્દ્રમાં રાખીને નવેસરથી પટકથા લખાવી. સુંદર બની. નવલકથા જેમણે નથી વાંચી એમને તો મઝા આવે જ, નવલકથા આખેઆખી વાંચી હોય એ પણ ‘ડૉ. ઝિવાગો’ ફિલ્મ પર ઓવારી જાય – હાલાંકિ મૂળ નવલકથાનો અડધોઅડધ હિસ્સો ફિલ્મમાં લેવાયો જ નથી.

વિન્સ્ટન ગ્રુમની નવલકથા ‘ફોરેસ્ટ ગમ્પ’ (જેના પરથી આમિર ખાનની ‘લાલસિંહ ચડ્ડા’ બની રહી છે) એરિક સેગલની નવલકથાઓ ‘મૅન, વુમન એન્ડ ચાઇલ્ડ’ (જેના પરથી ગુલઝારવાળી ‘માસૂમ’ બની) અને એરિક સીગલની જ નવલકથા ‘લવ સ્ટોરી’ (જેના પરથી ‘અખિયોં કે ઝરોખોં મેં’ સહિતની અડધોએક ડઝન ફિલ્મો બની), લૉરેન વાઇઝબર્ગરની નવલકથા ‘ધ ડેવિલ વેર્સ પ્રાડા’ જેવી અનેક નવલકથાઓ છે જેના પરથી ફિલ્મો બની, સુંદર ફિલ્મો બની. આ યાદીને હજુ ઘણી લંબાવી શકાય.

સ્ટીફન કિંગની ટૂંકી વાર્તા ‘રિટા હેવર્થ ઍન્ડ શૉશેન્ક રિડેમ્પશન’ પરથી બનેલી ફિલ્મના ટાઇટલમાંથી રિટા હેવર્થના પોસ્ટરનો ઉલ્લેખ કાઢીને ‘શૉશેન્ક રિડેમ્પશન’ નામ રાખવામાં આવ્યું. આખી ફિલ્મ જેલની જિંદગી પર છે. જબરજસ્ત થ્રિલર છે. આજની તારીખે હૉલિવુડની ટૉપ હન્ડ્રેડ ફિલ્મોમાં ‘શૉશેન્ક…’નું નામ બીજા-ત્રીજા ક્રમાંકે અચૂક હોય.

ટૉન હાવર્ડની ફિલ્મ ‘સિન્ડ્રેલામૅન’ જેમ્સ જે. બ્રેડૉક નામના ટ્વેન્ટીઝ-થર્ટીઝના વિખ્યાત અમેરિકન બૉક્સર પરની જિંદગી પર આધારિત છે. આ ફિલ્મ કોઈ પુસ્તક પર આધારિત નથી પણ બ્રેડૉક વિશે રિસર્ચ કરીને બે સ્ક્રીનપ્લે રાઇટરોએ લખેલી ફિલ્મ છે.

ક્રિસ ગાર્ડનર નામના અમેરિકન બ્લૅકે પોતાની ગરીબી-લાચારીના દિવસોથી શરૂ કરીને પોતે કેવી રીતે શેરબજારનો બ્રોકર બનીને કરોડો ડૉલરો કમાયો એની કહાણી પુસ્તકરૂપે પ્રગટ કરી- ‘ધ પરસ્યુટ ઑફ હૅપીનેસ’. ઑસ્કર ઍવૉર્ડ ફંક્શનમાં સ્ટેજ પર ચડીને કૉમ્પેયરને વાજબી રીતે લાફો ઠોકી આવેલા વિલ સ્મિથને હીરો તરીકે લઈને 2006માં આ જ નામની ફિલ્મ બનેલી.

છેલ્લી ત્રણ ફિલ્મોનો જે ઉલ્લેખ કર્યો તે ત્રણેય ફિલ્મો મારા જીવનના સૌથી કપરા કાળમાં જોવાની મને ખૂબ ગમતી, એ પહેલાં પણ ગમતી અને હજુય ગમે છે : ‘શૉશેન્ક રિડેમ્પશન’, ‘સિન્ડ્રેલામૅન’ અને ‘ધ પરસ્યુટ ઑફ હૅપીનેસ’. આ ત્રણેય ફિલ્મો વિશે મેં ત્રણ અલગ અલગ લેખો પણ લખ્યા છે.

જે. કે. રોલિંગની ‘હૅરિ પૉટર’ નવલકથા સિરીઝના 7 પાર્ટ પરથી બનેલી આઠ ફિલ્મો તો યાદગાર છે જ. ચાર્લ્સ ડિકન્સની ‘ગ્રેટ એક્સપેક્ટેશન્સ’, ‘પિક્વિક પેપર્સ’ અને ‘ઓલિવર ટ્વિસ્ટ’ જેવી કેટલીક નવલકથાઓ પરથી ફિલ્મો બની છે. આઇન રૅન્ડની ‘ધ ફાઉન્ટનહેડ’ જેવી નવલકથાઓ પરથી ફિલ્મો બની છે. ઇયાન ફ્લેમિંગની નવલકથાઓ પરથી જેમ્સ બૉન્ડની ફિલ્મો બની જેમાંથી ‘કસિનો રૉયલ (ડેનિયલ ક્રેગવાળી) પર્સનલ ફેવરિટ છે. જોકે, જેટલા એક્ટરોએ જેમ્સ બૉન્ડનું પાત્ર ભજવ્યું છે એમાંથી શૉન કૉનેરી મારે હિસાબે બેસ્ટ ઍક્ટર છે. શૉન કૉનેરીએ જેમ્સ બૉન્ડ સિરીઝની બે ડઝન ફિલ્મોમાંથી છ ફિલ્મો કરી. (‘ડૉ. નો’થી શરૂ કરીને ‘નેવર સે નેવર અગેઇન’). 2020માં 90 વર્ષની ઉંમરે શૉન કૉનેરીનું અવસાન થયું. અવસાનના વીસ વર્ષ પહેલાં શૉન કૉનેરીએ એક ફિલ્મ કરી હતી— ‘ફાઇન્ડિંગ ફોરેસ્ટર’. સાહિત્યના શોખીનોએ જરૂર જોવી જોઈએ. ક્યાં જેમ્સ બૉન્ડ અને ક્યાં આ ફિલ્મનું મેઇન કૅરેક્ટર! દુનિયાદારીથી દૂર રહેવા માગતા અમેરિકન નવલકથાકાર જેરોમ ડૅવિડ સલિન્જરની લાઇફ પરથી આ ફિલ્મ બની છે જેમાં મુખ્ય કૅરેક્ટરનું નામ વિલિયમ ફોરેસ્ટર રાખવામાં આવ્યું છે.

હૉલિવુડમાં બેસ્ટ સેલર નવલકથાઓ પરથી અચૂક ફિલ્મો બનતી જ હોય છે. જ્હૉન ગ્રિશમની ‘ધ ફર્મ’ (1991)થી લઇને ‘ધ જજીઝ લિસ્ટ’ (2021) સુધીની ત્રણેક ડઝન નવલકથાઓમાંથી મોટાભાગની નૉવેલ્સ ફિલ્મ રૂપે આવી ચૂકી છે. આવું જ નિકોલસ સ્પાર્ક્સનું છે. 1996માં પ્રગટ થયેલી ‘ધ નોટબુક’ આખી દુનિયામાં એટલી બધી વેચાઈ કે દસેક વર્ષ પછી (2004માં) એના પરથી એ જ નામે ફિલ્મ બની, જે પણ ખૂબ ચાલી હતી. જોકે, મને પૂછો તો – ધ બુક વૉઝ બેટર! ‘ધ નોટબુક’ પ્રગટ થઈ એ જ વર્ષે મેં એક વડીલમિત્ર પાસેથી અમેરિકાથી મગાવીને એના વિશે પાંચ લેખોની સિરીઝ લખી હતી. નિકોલસ સ્પાર્ક્સે એ યાદગાર નવલકથા પછી આજ સુધીમાં બીજી બાવીસ નવલકથાઓ લખી છે જેમાંની કેટલીક મહિનાઓ સુધી બેસ્ટ સેલરની યાદીમાં રહી છે. એની મોટા ભાગની નવલકથા પરથી ફિલ્મ બની છે.

હૉલિવુડમાં નવલકથા પરથી બનેલી શ્રેષ્ઠ ફિલ્મોમાં મારે જો કોઈ એક જ નવલકથા/ફિલ્મનું નામ આપવાનું હોય તો મારો જવાબ સ્પષ્ટ છે – મારિયો પૂઝોની નવલકથા ‘ધ ગૉડફાધર’ જેને દિગ્દર્શક ફ્રાન્સિસ ફોર્ડ કોપોલાએ હન્ડ્રેડ પર્સેન્ટ ન્યાય આપ્યો છે. આવતા અઠવાડિયે ‘ગૉડફાધર’ નવલકથા અને ફિલ્મ વિશે વાત કરીને સિરીઝનું સમાપન કરીએ.

પાન બનાર્સવાલા

પુસ્તકો વિનાનો ઓરડો એટલે આત્મા વિનાનું શરીર.

-માર્ક્સ ટુલિયસ સિસરો
(રોમન રાજદ્વારી, ફિલોસોફર અને પ્રખર વક્તા. ઇ.પૂ.106-43)

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

•••
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

13 COMMENTS

  1. સૌરભ ભાઈ, હોલીવુડ ફિલ્મો વિષેની મારી કમેન્ટ વાંચીને ખાસ મારા માટે લેખ તમે લખ્યો હોય, એવો સુખદ અનુભવ આ લેખ વાંચીને થયો. આભાર…….

  2. સીન કોનેરી અને કેથરિન ઝીટા જોન્સ ની ફિલ્મ The Entrapment ન જોઈ હોય તો જોઈ લેજો!

  3. ખૂબ જ માહિતીસભર અને રસપ્રદ લેખ . આવો જ બોલીવૂડ પર લખશો તો ગમશે.

  4. ખૂબ જ માહિતીસભર અને રસપ્રદ લેખ .
    આવો જ બોલીવૂડ પર લખશો તો ગમશે.

  5. धर्मात्मा हिन्दी फिल्म भी गोद फादर फारसे बनी है

  6. સૌરભભાઇ,
    તમારા લેખો વાંચીએ છીએ અને સૌ કોઈને વાંચવાની ભલામણ પણ કરીએ છીએ.

  7. એલિસ્ટર મેકલીન વિસરાઈ જવાયો. એની લગભગ દરેક બુક પરથી ફિલ્મ બની છે.
    Guns of Navarone
    Force 10 from Navarone
    Where Eagles dare
    Ice station Zebra
    Puppet on a chain
    Break heart pass
    Way to dusty death
    Golder rendezvous
    when eight bells tell
    ……….અને બીજી….
    અને તમારી સાથે સંપૂર્ણ સહમત…
    એક પણ ફિલ્મ બુક સાથે સંપૂર્ણ ન્યાય નથી કરી શકી…
    કેવી રીતે કરી શકે ?
    હીરો ઘાયલ હોય, અસહ્ય પીડા થતી હોય, પગ જમીન પર મુક્ત જ એક સખત સણકો ઉપડે જેથી તીવ્રતા પૂર્વક મગજમાં ઝાટકો લાગે અને હીરોને તત્પુરતા આંખે અંધારા આવી જાય (Golden randezvous) … વિગેરે…
    આ પીડા, દર્દ, અસહાયતા તમે પડદા ઉપર કેવી રીતે બતાવી શકો ?

    • આ લિસ્ટમાં એક નામનો ઉમેરો કરું છું.
      The puppet on a chain. આ ફિલ્મ માં બોટ ચેઇઝ ના દૃશ્યો માણવા લાયક છે. નવનીત ચૌહાણ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here