આજથી 28 વર્ષ પહેલાં લખેલો આ લેખ છઠ્ઠી ડિસેમ્બર નિમિત્તે ફરી એકવાર મારા નવા વાચકો સાથે શેર કરું છું : સૌરભ શાહ

કોમવાદ અને બિનસાંપ્રદાયિકતા: કોનું ઝનૂન ખતરનાક? : સૌરભ શાહ

(આ લેખ ૬ ડિસેમ્બર ૧૯૯૨ના રવિવારે અયોધ્યામાં રામ જન્મભૂમિના સ્થાને બનેલી બાબરીનો ઢાંચો ધ્વસ્ત થયો તે પછી, ૭મીનાં દેશભરનાં અંગ્રેજી છાપાં વાંચીને ૮મીએ લખ્યો અને ૯ ડિસેમ્બરની સવારે ‘સમકાલીન’ની મારી કૉલમમાં પ્રગટ થયો. મારા પુસ્તક ‘અયોધ્યાથી ગોધરા’નો આ એક અગત્યનો લેખ છે. સમગ્ર ભારતના પત્રકારોમાંથી આંગળીના વેઢે ગણાય એટલાએ જ એ વખતે આ લેખમાં છે એવો સુર ધરાવતા લેખ કે તંત્રીલેખ લખ્યા હતા. મારા સુખદ આશ્ચર્ય વચ્ચે ત્યાર બાદ બીજા ઘણા રાજકીય વિશ્લેષકો આ સુરમાં લખતા થયા.)

આતંક ચાલી રહ્યો છે. પોતાને બિન-સાંપ્રદાયિક કહેવડાવવાના ઉત્સાહના અતિરેક કરનારા તંત્રીઓ આઠ કૉલમના પોતાના રજવાડામાં આતંક ચલાવી રહ્યા છે. દેશની નેવું ટકા પ્રજા જ્યારે અયોધ્યાની ઘટનાથી ખુશખુશાલ થઈ ગઈ છે ત્યારે વાચકોનો બૌદ્ધિક સ્તર ઊંચો લાવવાનો ઠેકો લઈને બેઠેલા ભારતનાં પ્રમુખ અંગ્રેજી દૈનિકો મોં લટકાવીને પોતાની કલમને કાળો સાડલો ઓઢાડીને બેઠાં છે. ફેબ્રિક ઑફ સેક્યુલરિઝમની વાતો કરતાં એમનું મોઢું સૂકાતું નથી અને બિન-સાંપ્રદાયિકતાના એ પોતમાંથી ચિંદરડીઓ બનાવી એની ધજા ફરકાવતાં તેઓ થાકતા નથી.

અયોધ્યામાં જે થયું તે થવાનું જ હતું. રવિવારે આ થયું ન હોત તો ભવિષ્યમાં કોઈ પણ ઘડીએ એવું થયું હોત. કૉંગ્રેસીઓ દ્વારા બિનસાંપ્રદયિકતાના પ્રેશર કૂકરમાં ઠાંસવામાં આવેલી બહુમતી હિન્દુ પ્રજાની વરાળ જો આ રીતે ન નીકળી હોત તો આખું કૂકર ઍટમબૉમ્બની જેમ ફાટ્યું હોત. મોટી દુર્ઘટના સર્જાઈ હોત.

રામજન્મભૂમિ કે બાબરી મસ્જિદ (હવે ભૂતકાળ)ની કોઈ કોમવાદની સમસ્યા નથી. કોમવાદ આ સમસ્યાની આડપેદાશ છે. આ આડપેદાશને કેન્દ્રમાં રાખીને વિશ્લેષણ કરનારાઓ જાણીજોઈને ભીંત ભૂલે છે. હિન્દુ-મુસ્લિમ અલગાવ માટે છેલ્લા સાડાચાર દાયકાથી તકવાદી ને મતવાદી કૉંગ્રેસી નેતાઓ બિનસાંપ્રદાયિકતાના શસ્ત્રનો ઉપયોગ કરતા આવ્યા છે.

સરકારે કોમવાદી પક્ષો પર પ્રતિબંધ મૂક્યો છે. ૧૯૯૨માં આપણે ૧૯૪૮વાળી જોઈ રહ્યા છીએ. પ્રતિબંધિત પક્ષોમાં મુસ્લિમ લીગનું નામ નથી. સરકાર કયા પક્ષને કોમવાદી કહેશે? જે પક્ષો હિન્દુવાદી છે એ શું આપોઆપ કોમવાદી થઈ જાય? અને જે પક્ષ ઝનૂનભેર કોમવાદ ફેલાવે છે, પણ તે મુસ્લિમોનો પક્ષ છે એટલે શું તે આપોઆપ બિનસાંપ્રદાયિક થઈ ગયો? હિન્દુસ્તાનમાં રહીને આપણે જો એ જ જોવાનું હોય કે હિન્દુત્વનો અર્થ કોમવાદ થાય તો પ્રત્યેક હિન્દુએ હવે નમાજ પઢતાં શીખી લેવું પડશે. ઈસ્લામિક રિપબ્લિક ઑફ ભારતની ઘોષણા કરવાની જ બાકી રહી છે.

ઉપરાષ્ટ્રપતિએ મસ્જિદ જમીનદોસ્ત થવાની ઘટનાને મહાત્મા ગાંધીની હત્યાના બનાવ સાથે સરખાવી. ગાંધીજીનું આવું જાહેર અપમાન અને એ પણ રાષ્ટ્રના એક ઉચ્ચ આસને બિરાજતી વ્યક્તિના હાથે અગાઉ ક્યારેય નથી થયું. ગાંધીજીની હત્યા થોડાક ભાનભૂલેલા ચળવળિયાઓના આક્રોશનું પરિણામ હતું અને માત્ર એક જ વ્યક્તિના હાથે એ ઘટના બની. બાબરી મસ્જિદની જમીનદોસ્તી પાછળ કરોડો હિન્દુઓની લાગણીનો ટેકો હતો અને બે, પાંચ કે સો-બસો નહીં પણ દોઢ લાખ કરતાં બધુ હિન્દુવાદીઓએ મસ્જિદ પર આક્રમણ કર્યું. આ જુસ્સો એમનામાં ક્યાંથી આવ્યો તેની તપાસ કરી છે? હિન્દુઓ માટે બાબરીને તોડી પાડવાની ઘટનાનું પ્રતીકાત્મક મૂલ્ય છે. કોમવાદી મૂલ્ય બિલકુલ નથી. આ ઘટના દ્વારા હિન્દુઓએ એક સ્પષ્ટ સંદેશો નવી દિલ્હીને અને એના આંગણાંમા રમતાં લઘુમતી ગલૂડિયાંઓને પહોંચાદી દીધો છે: ઈનફ ઈઝ ઈનફ. લઘુમતી પ્રજાઓ હિન્દુસ્તાનમાં રહે જરૂર રહે, પણ અમનથી રહે. ચમન પણ કરે. પરંતુ જે ઘડીએ એમના નેતાઓએ રાજકારણીઓના ખભા પર ચડીને હિન્દુઓના બાપ બનવાની કોશિશ કરી છે તે ઘડીએ એમનો અસલી, બદતર ચહેરો દુનિયાને દેખડી દઈશું.

‘મુસ્લિમો પર લાગેલા આ ઘા રુઝાતાં વર્ષો વીતી જશે’— બિનસાંપ્રદાયિક તંત્રીઓ એકસાથે ઊંચા અવાજે બોલે છે. આવું લખીને આ તંત્રીઓ મુસલમાનોને ઉશ્કેરી રહ્યા છે. મુસ્લિમોને વિચાર ન આવતો હોય તો પણ પરાણે એમના દિમાગમાં તેઓ એ વાત ખોસી રહ્યા છે કે ભાઈ મુસલમાન, તારા આ ઘાને ફરી ફરી કાપી, મીઠું લગાડી જીવતા રાખજે, અમારી દંભી બિનસંપ્રદાયિકતાની આબરૂનો સવાલ છે. બહુમતી હિન્દુઓ વિરુદ્ધ લખતા આ તંત્રીઓનાં છાપાંઓમાં કામ કરતા પત્રકારોને અને ફોટોગ્રાફરોને અયોધ્યામાં માર ન પડે તો જ નવાઈ.

પીટીઆઈએ અયોધ્યાથી ક્રીડ કરેલી એક આઈટેમમાં જણાવ્યું છે કે બાબરી મસ્જિદનો કાટમાળ ખસેડીને મંદિર માટે પાયો ખોદતાં જમીનમાંથી કેટલાક અવશેષો મળી આવ્યા. પુરાતત્ત્વની દૃષ્ટિએ તપાસતાં આ વર્ષો અગાઉ અહીં મંદિર હતું તે બહાર આવ્યું. આમ છતાં કેન્દ્ર સરકાર આ જમીન પર ફરી મસ્જિદનું નિર્માણ કરવાની જીદ લઈને બેઠી છે. આવું થશે તો કારસેવકોએ સ્થાપેલી રામની પ્રતિમાનું વિસ્થાપન કરવું પડશે. સરકારની જીદથી જે હિન્દુ બેક્લેશ સર્જાશે તે ખાળવાનું ગજું દુનિયાની કોઈ મિલિટરીમાં નહીં હોય.

બાબરી મસ્જિદ ફરી ચણાય કે પછી ત્યાં રામમંદિર ઊભું થાય : આ બંને શક્યતાઓનું મહત્વ રવિવારની ઘટના જેટલું નથી. કાલ ઊઠીને લાલકૃષ્ણ અડવાણી પોતે જ સ્ટ્રેટેજી બદલીને મસ્જિદની પહેલી ઈંટ ગોઠવે તો પણ બહુમતી દ્વારા લઘુમતીઓને જે સંદેશો પહોંચાડવાનો હતો તે રવિવાર જ પહોંચી ગયો છે. સંદેશો બહુ સાદો સીધો છે: અમે બહુમતી છીએ, અમારી પાસે જે છે તે બધું જ ‘બહુ’ છે.

હવે શું થશે? બિનસાંપ્રદયિકતાનું પહેરણ પહેરીને બૌદ્ધિકમાં ખપવા માટે એક આખો વર્ગ ઊભો થશે. ચર્ચા-સેમિનારોમાં ભાજપનું નામ ખાંડણીમાં મૂકી એને દસ્તા વડે ખાંડવામાં આવશે. અપીલો બહાર પડશે. બિનસાંપ્રદાયિક જેવા, કૉંગ્રેસી રીતરસમને કારણે બિભત્સ બની ગયેલા, શબ્દને શેરડીના સંચામાં વારંવાર એનો ડૂચો વાળી નાખવામાં આવશે અને બહુમતી હિન્દુઓની લાગણીને વાચા આપતા ગણ્યાગાંઠ્યા જાગૃત હિન્દુઓને ફાંસીને માંચડે લટકાવવામાં આવશે.

ભારતના બંધારણની વાતો થાય છે પણ આ બંધારણના ઘડવૈયાઓએ કરેલી ભૂલોની વાતો નથી થતી. મુસ્લિમોના દબાણ હેઠળ કાશ્મીરને અપાયેલી ત્રણસો સિત્તેરમી કલમ રદ કરવાની વાત થતી નથી. કલ્યાણ સિંહે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપી દીધું હોવા છતાં, તું શું જવાનો, હું તને લાત મારીને કાઢી મૂકીશ એવી ભાવના સાથે થયેલા, લોકશાહી પદ્ધતિએ ચૂંટાયેલી એક રાજ્ય સરકારને સસ્પેન્ડ કરવાના ગેરબંધારણીય પગલાની વાત થતી નથી. જવાહરલાલ નહેરુએ શરૂ કરેલી બિનસાંપ્રદાયિકતાની રાજરમતની વાત થતી નથી.

અમેરિકાના વિદેશ ખાતાએ આ ઘટના ‘ભારતની આંતરિક સમસ્યા છે’ કહીને ડહાપણભરી રીતે એમાં માથું ન મારવાની જાહેરાત કરી છે છતાં ‘ટાઈમ્સ ઑફ ઈન્ડિયા’ના વૉશિંગ્ટનસ્થિત સંવાદદાતા અહેવાલ મોકલે છે, જે છપાય પણ છે: ‘અયોધ્યા લોઅર્સ ઈન્ડિયા ઈન અમેરિકન આઈઝ.’ દોઢડહાપણનું આ જ્વલંત ઉદાહરણ છે.

ભાજપ અને હિન્દુવાદી પક્ષના નેતાઓએ સરકારને તથા અદાલતને આપેલા વચનનો ભંગ થયાની વાત કરનારઓએ પહેલાં એ તપાસવું જોઈએ કે છેલ્લા સાડા ચાર દાયકા દરમિયાન ભારતીય પ્રજાને આપેલાં કયાં વચનો કૉંગ્રેસે નિભાવ્યાં? ગરીબી, ભ્રષ્ટાચાર અને કોમવાદ દૂર કરવાનાં વચનો લોકોને કોણે આપ્યાં હતાં?

ભારત બંધ અનેક વાર યોજાયા છે. ક્યારેય દૂરદર્શન જેવાં સરકારી માધ્યમોએ આ બંધની પૂર્વઘોષણા કરી નથી. બાબરી મસ્જિદ ઍક્શન કમિટીએ મંગળવાર, આઠમી ડિસેમ્બરના ભારત બંધની ઘોષણા કરી (ભાજપ સિવાયના અન્ય વિરોધ પક્ષો પાછળથી એમાં જોડાયા) અને ટીવીએ એને ફુલ પબ્લિસિટી આપી. આ જ જો બિનસાંપ્રદાયિકતા હોય તો તે લઘુમતીઓને મુબારક.

મુસ્લિમો સામે અંગત દ્વેષભાવ કોઈનેય નથી. એમનો હાથા તરીકે ઉપયોગ કરનારા મુસ્લિમ અને હિન્દુ નેતાઓ સામેનો આક્રોશ અયોધ્યાની ઘટના દ્વારા બહાર આવ્યો છે. કેટલાક લોકો સુવર્ણમંદિરમાં થયેલા ઑપરેશન બ્લુસ્ટારના બનાવ સાથે આ ઘટનાની સરખામણી કરે છે. આ લોકોને ખબર નથી કે આવું કરીને તેઓ ધર્મને નામે ચલતા ઝનૂનવાદનો બચાવ કરી રહ્યા છે. કોમવાદનું ઝનૂન ખતરનાક હોય છે. અયોધ્યાની ઘટનાએ પુરવાર કર્યું છે કે એથીય વધુ ખતરનાક ઝનૂન બિનસાંપ્રદાયિકતાનું હોય છે.

( 1992ની 9મી ડિસેમ્બરે છપાયેલો આ લેખ આજથી દસેક વર્ષ પહેલાં મારા બ્લૉગ પર મૂક્યો ત્યારે મારા પત્રકારમિત્ર જયવંત પંડ્યાએ જે કમેન્ટ કરી એમાં એ પણ યાદ કરાવ્યું હતું કે:”…મને યાદ છે એ વખતે ઇન્ડિયા ટુડેએ કવર આખું કાળા રંગનું કરીને તેમાં ઉપર ‘નેશનલ શેમ’ એવું મથાળું બાંધ્યું હતું.”

જયવંતભાઈની કમેન્ટનો પ્રતિભાવ આપતાં મેં લખ્યું: “…એ જ અંકથી ‘ઇન્ડિયા ટુડે’ની ગુજરાતી આવૃત્તિ શરૂ થઈ હતી જેની ટ્રાન્સલેટેડ કવર સ્ટોરીનું ‘મૌલિક’ મથાળું હતું-‘કાળી ટીલી’! પહેલા જ અંકથી ‘ઇન્ડિયા ટુડે’એ મને એમનો ઑડિટર (એડિટર નહીં, ઑડિટર જે મૅનેજમેન્ટને દૂર રહીને દરેક અંકની વિગતે સમીક્ષા લખીને મોકલે જેની ઘણી ઊંચી ફી ચૂકવાય) નીમ્યો હતો. મેં પ્રથમ અંકની ટાઇપ કરેલાં ૧૦ અંગ્રેજી પાનાં ભરીને આકરી સમીક્ષા કરી આપી જે એ લોકોને ગમી! પણ મેં ‘ઇન્ડિયા ટુડે’નો આગ્રહ હોવા છતાં આગળ કામ ના લંબાવ્યું…તે સમયે ‘અભિયાન’ સાપ્તાહિકની ઑફિસ મુંબઈમાં (કાંદિવલી-ઇસ્ટ) હતી. એ જ અઠવાડિયે ત્યાં મારા સેક્યુલર મિત્રો રમેશ ઓઝા અને સંજય વોરા તથા હિન્દુવાદી મિત્ર વીરેન્દ્ર પારેખ ભેગા થઈ ગયા. ‘અભિયાન’ના તંત્રી વિનોદ પંડ્યા અમને સૌને ચા-પાણી માટે બહાર લઈ ગયા.ચર્ચા દરમ્યાન અંગ્રેજી મિડિયા માટેની મારી ટીકાઓ પરાકાષ્ઠાએ પહોંચી રહી હતી. સહસા મારા મોઢામાંથી નીકળી ગયું, ‘આ સેક્યુલર છાપાં-મૅગેઝિનોને તો બાળી નાખવાં જોઈએ…’ પછી તરત મને મારી ‘ભૂલ’ સમજાઈ એટલે મેં સુધારી લીધું: ‘સૉરી, બાળવાં નહીં, દફનાવવાં જોઈએ જેથી એમની ધાર્મિક લાગણી દુભાય નહીં…’

તે જમાનામાં આ વાક્યને ‘સમકાલીન’ના તંત્રી સ્વ. હસમુખ ગાંધીભાઈએ ક્વોટેબલ ક્વોટ બનાવી દીધું હતું.)

•••••

છઠ્ઠી ડિસેમ્બરની એ તારીખની તવારીખ : અંગ્રેજી દૈનિકોએ હકીકતોની ખોટી રજૂઆત કરીને દેશભરમાં ઘૃણા અને વિસંવાદિતા ફેલાવવામાં મોટો ભાગ ભજવ્યો : સૌરભ શાહ

(આ લેખ ‘સમકાલીન’માં ૬ જાન્યુઆરી ૧૯૯૩એ શરૂ થયેલી મારી ૭ લેખોની લેખમાળા ‘અયોધ્યા પછીના ૩૧ દિવસ’નો પહેલો લેખ છે. આવતા બેત્રણ દિવસ આ લેખમાળાના લેખો ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ કરવાનો વિચાર છે. )

‘બાબરી મસ્જિદને ભોંયભેગી કરી નાખવામાં આવી’ એવું કલકત્તાના ‘ટેલિગ્રાફ’એ છાપ્યું, તો ‘સ્ટેટ્સમેને’ લખ્યું : ‘કારસેવકો બાબરી મસ્જિદ પર તૂટી પડ્યા, મોટા ભાગનો હિસ્સો તોડી નાખ્યો-સલામતી દળો નિષ્ક્રિય.’ આપણા સેક્યુલરશિરોમણિ ‘ટાઈમ્સ ઓફ ઈંડિયા’એ પણ કચકચાવીને મથાળું ફટકાર્યું: ‘કારસેવક્સ ડિસ્ટ્રોય બાબરી મસ્જિદ. ’ ‘ઈંડિયન એક્સપ્રેસ’, મદ્રાસનું ‘હિન્દુ’, નવી દીલ્હીનું ‘હિન્દુસ્તાન ટાઈમ્સ’, બેંગલોરનું ‘ડેક્કન હેરલ્ડ’- દરેક પ્રમુખ અંગ્રેજી છાપાએ પ્રથમ પાને મોટા મથાળામાં બાબરીની ઈમારતને ‘મસ્જિદ’ ગણાવી.

આની સામે ઠાવકાં ગુજરાતી, હિન્દી, મરાઠી અખબારોએ કાં તો ‘બાબરીની ઈમારત’શબ્દો વાપર્યા (હિન્દીમાં ‘ઢાંચા’) કાં બાબરી શબ્દનો ઉપયોગ મથાળામાં ટાળીને લખ્યું: ‘ઝનૂને ચડેલા કારસેવકોએ કરેલું વિવાદાસ્પદ બાંધકામને નુક્સાન.’

બાબરીની જર્જરિત, વિવાદાસ્પદ ઈમારતને કોઈ કાળે મસ્જિદ કહી શકાય નહીં, કારણ કે ત્યાં છેલ્લા ચાર દાયકથી નમાજ પઢાતી નહોતી. એટલું જ નહીં, ત્યાં અન્ય ધર્મની—હિન્દુ ધર્મની— મૂર્તિની સ્થાપના થઈ ચૂકી છે. આમ, આ દ્રષ્ટિએ પણ ઈસ્લામ મુજબ આ જગ્યા ‘કાફિરો’ની થઈ ગઈ કહેવાય અને ‘કાફિરો’નું ધર્મસ્થળ ઈસ્લામ માટે હરામ બરાબર છે.

ટૂંકમાં, છઠ્ઠી ડિસેમ્બર ૧૯૯૨ના રોજ, અયોધ્યામાં બાબરના નામ સાથે સંકળાયેલી, જે ઈમારત તૂટી તે મસ્જિદ નહોતી, ઈસ્લામના અનુયાયીઓની આસ્થા જેનામાં હોય એવું કોઈ ધર્મસ્થળ એ નહોતું (આસ્થા હોત તો છેલ્લા ચાર દાયકાથી ત્યાં કોઈ નમાજ પઢવા પઠવા કેમ ન ગયું?).

આમ છતાં અંગ્રેજી દૈનિકોએ તથા કોંગ્રેસી વડા પ્રધાન નરસિંહ રાવના દૂરદર્શને દરેક સમાચારમાં બાબરીને ‘મસ્જિદ’ ગણાવી અને દુનિયાભરમાં એવો પ્રચાર થવા દીધો કે ભારતમાં ‘મસ્જિદો તોડી પાડવામાં આવે છે?’.(અતિયોશક્તિ કરવામાં અંગ્રેજી પત્રકારોને કોઈ પહોંચી ન વળે-ચાહે એ દેશી છાપું હોય કે વિદેશી). હકીકતોની વિકૃતિની હદ ત્યારે આવી ગઈ, જ્યારે આ અંગ્રેજી અખબારો સગવડપૂર્વક એક તથ્યનો ઉલ્લેખ કરવાનો ચૂકી જતા હતાં કે આ સ્થળે ચાર દાયકાથી રોજ ભગવાન રામની મૂર્તિ સામે આરતી થતી રહી છે.

આ વિવાદાસ્પદ ઈમારતને મસ્જિદ કહેવાની ભૂલ કરનારા (કે પછી જાણીજોઈને એને મસ્જિદ કહેનારા) અંગ્રેજી છાપાંના તંત્રીઓ વિસરી ગયા કે આવું કરવાથી મુસલમાન સમાજ અપમાનિત થયાની લાગણી અનુભવશે અને એમનો રોષ ભભૂકી ઊઠશે (કે પછી આવું થાય એટલે જ એમણે મસ્જિદ શબ્દનો પ્રયોગ કર્યો? જેથી હિન્દુઓ અને હિન્દુત્વની વિચારધારા સમગ્ર દુનિયામાં બદનામ થઈ જાય—એ હિન્દુત્વ જેનું હાર્દ કોન્વેન્ટમાં ભણીને પોતાને બ્રાઉનસાહેબ માનતી થઈ ગયેલી અંગ્રેજી પત્રકારોની નવી પેઢીએ ઓળખ્યું નથી, ઓળખવાની હેસિયત પણ નથી એમની).

બાબરી વિશેના સમાચાર, છઠ્ઠી ડિસેમ્બરે દૂરદર્શને આપ્યા અને સાતમી ડિસેમ્બરે દરેક અંગ્રેજી અખબારે, આપ્યા ત્યારે એ સમાચારોમાં ‘મસ્જિદ’ને બદલે ગુજરાતી, હિન્દી, મરાઠી વર્તમાનપત્રોનું અનુકરણ કરીને ‘ધર્મસ્થાનક’, ‘વિવાદાસ્પદ ઈમારત’ કે પછી એના પર્યાય શબ્દો વપરાયા હોત તો સેક્યુલરવાદી રાજકારણીઓ અને મુસ્લિમ નેતાઓ મોટા ભાગના મુસલમાનોને ઉશ્કેરવામાં નિષ્ફળ ગયા હોત.

છેક સાતમી ડિસેમ્બરથી તંત્રી વિનોદ મહેતાનું ‘પાયોનિયર’ દૈનિક અયોધ્યામાં તોડી પડાયેલી ઈમારતને મસ્જિદ તરીકે ઓળખાવતું હતું. શું ‘પાયોનિયર’ને ખબર નહોતી કે આવા ઉશ્કેરણીજનક શબ્દપ્રયોગથી અત્યારે દેશભરમાં જે કોમી રમખાણો થઈ રહ્યાં છે તેને વધુ ઉત્તેજન મળે છે?

ભારતનાં અંગ્રેજી છાપાંઓએ ઝનૂની સેક્યુલરવાદને કારણે જેટલી કોમી ઉશ્કેરણી કરી છે એટલી ઉશ્કેરણી તો ખરેખર કોમવાદી ધોરણે પ્રગટ થતાં ઉર્દૂ છાપાંઓએ પણ નથી કરી.

છઠ્ઠીની ઘટના વિશે ‘ટાઈમ્સે’ ૭ ડિસેમ્બર ૧૯૯૨ના સોમવારે પહેલે પાને ’ધ રિપબ્લિક બિસ્મર્ચડ’ (પ્રજાસત્તાકના નામને કાળી ટીલી) મથાળાથી જે તંત્રીલેખ લખ્યો તેમાં હિન્દુઓ તેમ જ હિન્દુત્વના વિચારો સામે ભારોભાર વિષ ઓકવામાં આવ્યું : ‘અયોધ્યાની ઘટનાએ પુરવાર કર્યું છે કે ભાજપ સરકાર ચલાવવા માટે નાલાયક છે ( તે વખતે ઉત્તર પ્રદેશમાં ભાજપની સરકાર હતી)… સંઘપરિવારનો રાષ્ટ્રવાદ હિન્દુસમાજને સંગઠિત કરવાને બદલે અવિશ્વાસ અને ભાગલાવાદનાં બીજ રોપી રહ્યો છે… ભારતનું મોં કાળું કરી નાખવામાં આવ્યું છે…’ આટલું કહ્યા પછી ‘ટાઈમ્સ ઑફ ઈંડિયા’ના મૌલાનાઓએ લખ્યું હતું : ‘દિલ્હીની જામા મસ્જિદના શાહી ઈમામે પોતાના સહધર્મીઓને શાંતિ જાળવવાની અપીલ કરી છે એ વાતની ખાસ નોંધ આપણે લેવી જોઈએ.’

શાહી ઈમામ જાણે બાપુના અવતાર હોય એ રીતે ‘ટાઈમ્સ ઓફ ઈંડિયા’એ આ કટ્ટર કોમવાદી શખ્સની ‘શાંતિની અપીલ’ની નોંધ લીધી. કોમવાદીઓની આવી અપીલ કેટલી પોકળ હોય છે એની ‘ટાઈમ્સ’ના તંત્રીઓને ખબર નહોતી? હતી, જરૂર હતી. પણ એ વખતે દેશમાં એવી પરિસ્થિતિ સર્જાઈ હતી, જે પાછી આવા તંત્રીઓ અને છાપાંઓએ જ સર્જી હતી, કે જો તમે મુસલમાનતરફી હો તો જ સેક્યુલર, બિનસાંપ્રદાયિક કે ધર્મનિરપેક્ષ ગણાવ. હિન્દુતરફી એક હરફ પણ ઉચ્ચારો તો તરત જ તમારા કપાળે કોમવાદી હોવાનો ડામ દેવામાં આવે.

‘ઈંડિયન એક્સપ્રેસ’ના તંત્રી પ્રભુ ચાવલાએ ‘એક્સપ્રેસ’ના તંત્રીલેખમાં લખ્યું: ‘રવિવારે અયોધ્યાએ જે કંઈ જોયું તે આપણા દેશનું હડહડતું અપમાન હતું. ધાર્મિક ઉદ્દેશને આગળ ધરીને ભારતના મુખ્ય વિરોધ પક્ષે (અર્થાત ભાજપે) પોતાના ઝનૂનીપણાનાં દર્શન કરાવ્યાં છે અને તેણે કપટનો આશરો લીધો છે. આમ આ પક્ષ હવે ખુલ્લો પડી ગયો છે…’

સાતમી ડિસેમ્બર ૧૯૯૨ પછી અંગ્રેજી છાપાંઓની સેક્યુલર ગટરધારા પૂરજોશથી વહેતી થઈ ગઈ. આ જોઈને વિદેશી અખબારોના નવી દીલ્હી સ્થિત સંવાદદાતાઓને પણ જોર ઊપડ્યું. તેઓ બમણા જોશથી ‘કોમવાદી ભારત’ને ઝૂડી નાખતા. પાકિસ્તાન, સાઉદી અરેબિયા, બ્રિટન, અમેરિકા સૌ કોઈ, ભારતના હિન્દુઓને, હિન્દુત્વની વિચારધારાને હલકી ચિતરીને હિન્દુઓ પછાત, ઝનૂની અને કોમવાદી છે એવી છાપ ઉપસાવતા હતા.

(અપડેટ : ગોધરા પછીનાં રમખાણો વખતે ફ્રાંસમાં એક પ્રતિષ્ઠિત સામયિકનો દળદાર વિશેષાંક ભારતની વર્તમાન સ્થિતિ વિશે પ્રગટ થયો. એમાં ભારતને અને હિન્દુઓને ખૂબ હલકી રીતે ચિતરવામાં આવ્યા હતા. ફ્રાંસના જાણીતા અખબાર ‘લ ફિગેરો’ના ભારતના હિન્દુવાદી સંવાદદાતા ફ્રાંઝવા ગોતિયેને કોઈ ભારતીય પત્રકારે પૂછ્યું કે તમને, ફ્રેંચ પત્રકારોને, ભારત માટે આટલો દ્વેષ કેમ છે? શા માટે તમે અમને ઉતારી પાડતા લેખો લખો છો? ફ્રાંઝવા ગોતિયેએ જવાબ આપ્યો: ‘આમાંનો એક પણ લેખ ફ્રેંચ પત્રકારે નથી લખ્યો. ભારતમાંના અગ્રેજી છાપાં-મેગેઝિનોમાં પ્રગટ થયેલા ભારતીય પત્રકારોના લેખોનો માત્ર ફ્રેંચ ભાષામાં કરેલો તરજૂમો છે!’ફાંઝવા ગોતિયે એક સુખદ અપવાદ છે. બધા વિદેશી પત્રકારો એવા નથી હોતા. દેશી અંગ્રેજી પત્રકારો પણ ક્યાં ગોતિયે જેવા હોય છે. તેઓ ભારતના ઈતિહાસનો, ભારતની સંસ્કૃતિનો અભ્યાસ કર્યા વિના ભારતના હિન્દુઓને કોમવાદી કહી આખા રાષ્ટ્રને દુનિયામાં બદનામ કરતા રહે છે. રાષ્ટ્રની આવી બદનામી થતી હોય ત્યારે રાષ્ટ્રપ્રેમી ચૂપ બેસી રહે તો એ પણ રાષ્ટ્રદોહનો ગુનો આચરે છે એવું ગણાય.)

( વધુ આવતી કાલે)

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

9 COMMENTS

  1. હાડોહાડ હિન્દુ વિરોધી અંગ્રેજી છાપાઓ એ ત્યારે ભા જ પ ને જેટલી ગાળો આપી તેટલી ભા જ પ ના ફાયદા માં રહી. આજે પુર્ણ બહુમતિ સાથે તે સત્તા માં છે!

  2. એક હિન્દૂ જ હિંદુત્વનો દ્રોહ કરે..
    એક ભારતીય જ ભારતનો દુશ્મન બને..
    એક માનવ જ માનવતાનો વેરી બને..

    આવા જયચંદી વિચારધારા વાળા લોકોની ભારતમાં કમી નથી એ ભારતનું કમનસીબ છે..

    સૌરભભાઈ, દેશની બહારના દુશ્મન કરતા દેશની અંદરના દુશ્મનો વધુ ઘાતક અને નુકશાન કર્તા છે. આવા દેશના દુશ્મનો વિરુદ્ધ લડતા તમારા જેવા યોદ્ધાને કોટી કોટી પ્રણામ…🙏🙏

  3. Before 6th December 1992 Loksatta of Express group. was leading daily Gujarati news paper of Vadodara…..on 7th December headlines of same Daily was in black ink “Desh na Itihas no kalo divas Babri masjid Sahhed”….. as a result from very next day the circulation of same news paper came down…..till today I hardly can see this news paper in Vadodara

  4. The All India Majlis-E-Ittehadul Muslimeen (English: All India Council for Unity of Muslims) (abbreviation: AIMIM) completely મુસ્લિમ પરસ્ત પાર્ટી છે. બિનસાંપ્રદાયિક દેશ માં election commission આવી communal party ને permissions કેવી રીતે આપી શકે ?

  5. નમસ્તે.
    ખોટી બિનસાંપ્રદાયિક નીતિ છોડો એમાં જ સૌનું ભલું છે. કોઈકે તો ઝેર નો કટોરો પીવો પડશે. કોઈ હિન્દુ / મુસ્લિમ સંપ્રદાય સિવાયની વ્યક્તિ કોઈ પણ કૃત્ય કરે તો તેને તરત કોમવાદ નો રંગ લાગે. તે કેટલે હદે યોગ્ય છે?

  6. Saurabbhai

    If I go back in time and think from that time. You have courage and honesty in your writing. Prabhu e tamne Hasukhbhai Gandhi Jeva Tantri no saath aapyo. (I don’t want to write some wrods in English as they losses its meanings). Article 370, Ram mandir they were just like a dream. Today after so many years dream became reality. With great respect to your one pen army and many others. Bharat Maata Ki Jay.

  7. Historian /learned should be vocal about the fundamental error.
    We should learn from past mistake.
    The containment of fanatic forces pose major problem and political will is required, as depicted by France.

  8. સુંદર લેખ, ૨૮ વર્ષ પેહલા એનું એટલું મહત્વ સમજાયું નોહ્તું. બાકી હું તો આપનો લગભગ ૧૯૮૩ થી ચાહક છું. GLC માં અમારા આમંત્રણને માન આપી આપ સ્વખર્ચે આવી માર્ગદર્શન કર્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here