તંત્રીશ્રી વિરુદ્ધ વાચકશ્રી: સૌરભ શાહ

તંત્રીશ્રી વિરુદ્ધ વાચકશ્રી: સૌરભ શાહ

(આ લેખ “સમકાલીન’માં ૬ જાન્યુઆરી ૧૯૯૩એ શરૂ થયેલી મારી ૭ લેખોની લેખમાળા ‘અયોધ્યા પછીના ૩૧ દિવસ’નો છઠ્ઠો લેખ છે. આ લેખમાળાનો બાકીનો એક લેખ પણ આ સાથે જ છે.)

‘કોઈ જાતની સંપાદકીય જવાબદારી વિના રાગદ્વેષયુક્ત તંત્રીલેખો અને પૂર્વગ્રહપીડિત લેખો છાપ છાપ કરીને તમારા દૈનિક ‘પાયોનિયર’ દ્વારા પત્રકારત્વની વેશ્યાગીરી (આ જ શબ્દ અંગ્રેજીમાં હતો. પ્રોસ્ટિટ્યુશન) થઈ રહી છે, જેને કારણે કંઈ કેટલાય ગોડબોલે તમારું છાપું વાંચવાનું બંધ કરી દેશે. એટલું સારું છે કે અંગ્રેજી વર્તમાનપત્ર વાંચનારા લોકોથી જ આ દેશના સંસદસભ્યો કે વિધાનસભ્યો ચૂંટાતા નથી. ભારતની પ્રજા, મૂક હિન્દુ બહુમતી ધરાવતી પ્રજા, જરૂર પોતાનો અવાજ ઉઠાવશે અને તમને મહેતાઓને, બોઝોને, નકવીઓને અને ખાસ કરીને તો પેલી રાધિકા રામશેષનને બરાબરનો પાઠ ભણાવશે.’

૩જી જાન્યુઆરી ૧૯૯૩ના રોજ નવી દિલ્હીથી તે વખતે વિનોદ મહેતાના તંત્રીપદે પ્રગટ થતા ‘પાયોનિયર’ દૈનિકમાં આઠમા પાને ‘વંદે માતરમ્’ ના ઉપનામે એક વાચકનો પત્ર છપાયો હતો.

આ પત્રમાં ગોડબોલે નામના એક વાચકનો ઉલ્લેખ છે તે કોણ? ૨૫ ડિસેમ્બર ૧૯૯૨ના ‘પાયોનિયર’માં ‘બાયસ્ડ, વિશ્યસ અને સ્યુડો’ અર્થાત્ એકતરફી, ઝેરીલું અને દંભી એવા મથાળા હેઠળ એસ. એ. ગોડબોલે નામના એક વાચકનો પત્ર બૉક્સ આઇટમ બનાવીને તંત્રીએ છાપ્યો હતો. પત્રમાં મરાઠીભાષી શ્રીયુત ગોડબોલેએ ગળ્યું ગળ્યું બોલવાને બદલે તીખી તમતમતી ભાષામાં લખ્યું હતું: ‘અયોધ્યાની ઘટના પછી તમારા દૈનિકે નિષ્પક્ષતાનો દેખાવ ફગાવી દીધો હોય એવું લાગે છે. તમે રાધિકા રામશેષનના એકતરફી રિપોર્ટ્સ તો છાપો જ છો, અધૂરામાં પૂરું નિખિલ ચક્રવર્તી, એન.જે. નાનપોરિયા અને અજય બોઝ જેવા સ્યુડો સેક્યુલરિસ્ટના અને ઇકબાલ મસૂદ તથા સીમા મુસ્તફા જેવાં હાડોહાડ કોમવાદીઓના લેખો પણ અમારા માથે ફટકારો છો. તંત્રી તરીકે તમે કમળાવાળી આંખે બધું જ પીળું જુઓ છો. સુધીર દરના કાર્ટૂનો દિન બર દિન વધુ ઝેરીલાં અને પૂર્વગ્રહયુક્ત બનતાં જાય છે. વાચકોના પત્રો પણ તમારા બાયસ મુજબના જ છાપો છો. અગાઉ મુસ્લિમ નેતાગીરીનો, સરકારની અને ન્યાયતંત્રની ટીકા કરતો મારો પત્ર તમે બ્લૅક આઉટ કરી નાખ્યો. એ પહેલાં હરબંસ મુખિયા જેવા ખાઈબદેલા ઇતિહાસકારના જુઠ્ઠાણાંને ખુલ્લા પાડતો મારો પત્ર પણ તમે ન છાપ્યો. બીજા વાચકો તરફથી આવતા આવા તો કેટલાય હિન્દુતરફી પત્રો તમારી કચરાટોપલીમાં પધરાવાતા હશો. એની સામે એલ. કે. અડવાણી મૃત્યુ પામ્યા છે એવી મજાક કરતા, અત્યંત ગંદી રીતે લખાયેલા પત્રો તમે છાપ્યા કરો છો. મને ખાતરી છે કે તમારા અસંખ્ય હિન્દુ વાચકો ધીમે ધીમે મારા જેવું જ પગલું ભરશે. મારા છાપાંવાળાને તો મેં કહી જ દીધું છે કે કાલથી મારા ઘરમાં ‘પાયોનિયર’નું એક પાનું પણ નહીં જોઈએ.’

આ પત્રની નીચે તંત્રીની નોંધ હતી: ‘શ્રી ગોડબોલેને પોતાનો મત ધરાવવાનો અધિકાર છે, પણ અમે માનીએ છીએ કે અમે નિષ્પક્ષ છીએ. ઍન્ટી બીજેપી હોવું એટલે કંઈ ઍન્ટી હિન્દુ હોવું એવું નહીં. ‘પાયોનિયર’ના વાચક તરીકે અમને શ્રી ગોડબોલેની ખોટ સાલશે.’

બહુમતી વાચકોની લાગણીને સમજ્યાકર્યા વિના જે તંત્રીઓ વાચકોના એક ચોક્કસ, તદ્દન મિનિસ્ક્યુલ, અલ્પસંખ્યક મતને ચગાવી ચગાવીને છાપે છે તે તંત્રીઓ અંતે તો પોતાના છાપાની જ ઘોર ખોદતા હોય છે. આજે નહીં તો કાલે એમનું છાપું ચિરનિદ્રામાં પોઢી જતું હોય છે.

અયોધ્યાની ઘટના બાદ ત્રીસ દિવસ દરમ્યાન ભારતનાં પ્રમુખ અડધો – પોણો ડઝન અંગ્રેજી દૈનિકોમાં તથા મૅગેઝિનોમાં કુલ દોઢ હજારથી વધુ વાચકોના પત્રો છપાયા. આમાંના અડધોઅડધ પત્રો આ ઘટના તેમ જ એને કારણે ઊભી થયેલી સમસ્યા તથા પરિસ્થિતિ વિશે ટિપ્પણ કરતા હતા. શરૂઆતના એક અઠવાડિયા સુધી આમાંના કોઈ અખબારે ગોડબોલે જેવા વાચકોના પત્રો છાપ્યા નહીં. કેટલાંક અખબારોમાં તો બીજા જ દિવસથી, સાતમી ડિસેમ્બરથી જ, છાપાની સેક્યુલર નીતિનાં વખાણ કરતા અને હિન્દુઓને કોમવાદી ગણાવતા પત્રોનો મારો શરૂ થઈ ગયો હતો. એ અઠવાડિયા દરમ્યાન આ લખનાર સહિત અનેક વાચકોના મનમાં ભ્રમણા પેદા કરવામાં આવી કે આ અંગ્રેજી અખબારોનાં તંત્રીલેખોને તેમ જ એના રાજકીય વિવરણ લેખોને તમામ વાચકોનું સમર્થન છે, પણ સમય વીતતો ગયો એમ તંત્રીઓ પોતે પણ બહુમતી વાચકોના પત્રોના ધસમસતા પ્રવાહને ખાળી શક્યા નહીં.

૧૩ ડિસેમ્બર ૧૯૯૨ના રોજ કલકત્તાના ‘સ્ટેટ્સમેન’ દૈનિકમાં તંત્રી સી. આર. ઈરાનીની નોંધ સાથે પહેલા પાને લીડની આઈટમરૂપે પાંચ કૉલમ પહોળી જગ્યા રોકતો એક પત્ર મસમોટી બૉક્સ આઈટમરૂપે છપાયો હતો. વાચકોના પત્રનો દુરુપયોગ તંત્રીઓ કે કિન્નાખોર પત્રકારો કઈ હદ સુધી કરી શકે છે તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ ‘સ્ટેટ્સમેન’ના પહેલા પાને છપાયેલો એ પત્ર છે. તંત્રીએ નોંધમાં લખ્યું હતું : ‘બારમી ડિસેમ્બરની વહેલી સવારે એક જુવાન છોકરી મને મળ્યા વિના કે પાછળથી ફોન કરીશ એવું પણ કહ્યા વિના આ પત્ર મારા ઘરે મૂકી ગઈ. કૉલેજમાં ભણતી હોઈ શકે એવી બે યુવતીઓની સહીથી હાથે લખાયેલા આ પત્રમાં એમના હૃદયમાંથી ઉઠેલી ચીસ વ્યક્ત થઈ છે. એ આખો પત્ર અમે અહીં પ્રગટ કરીએ છીએ અને હું માનું છું કે ‘સ્ટેટ્સમેન’માં પહેલી જ વાર વાચકોનો પત્ર આ રીતે છપાઈ રહ્યો છે. સાંભળો, મિસ્ટર અડવાણી, સાંભળો કે ભારતનું ભવિષ્ય તમને શું કહી રહ્યું છે!’ (આશ્ચર્યચિહ્ન ઈરાનીનું છે.)

(આ પત્ર વિશે આ લેખમાળાના આગલા હપતામાં તમે વાંચી લીધું છે)

•••••

ખુશવંત સિંહનું જાહેર એલાન : સૌરભ શાહ

(આ લેખ “સમકાલીન’માં ૬ જાન્યુઆરી ૧૯૯૩એ શરૂ થયેલી મારી ૭ લેખોની લેખમાળા ‘અયોધ્યા પછીના ૩૧ દિવસ’નો સાતમો અને છેલ્લો લેખ છે.)

ખુશવંત સિંહે એ વખતે જાહેર એલાન કર્યું હતું કે અડવાણી વગેરના મોઢાં કાળાં કરી એમને ભરબજારે ફેરવવા જોઈએ

ખુશવંત સિંહ: શીખ હોવામાં ગૌરવ અનુભવતા આ સિનિયર-લોકપ્રિય પત્રકાર-લેખક હિન્દુત્વના મુદ્દે સેક્યુલર બની જાય છે!

છઠ્ઠી ડિસેમ્બર ૧૯૯૨ના રોજ અયોધ્યામાં બનેલી ઘટના અંગે પ્રતિભાવ આપતી વખતે અંગ્રેજી અખબારો ઘેંટાના ટોળાની જેમ ઊંધું ઘાલીને એકની એક વાત કેવી રીતે દોહરાવતા રહ્યાં એ વિશે વાત કરી. એનું ઉત્તમ ઉદાહરણ જોઈએ: રવિવાર, ૨૭ ડિસેમ્બર ૧૯૯૨ની રંગીન પૂર્તિમાં મદ્રાસ ‘ધ હિન્દુ’ (નામથી છેતરાવા જેવું નથી. સેક્યુલર દૈનિક હિન્દુએ હિન્દુત્વની વિચારધારાને ખૂબ વખોડી છે.) દૈનિકે વીતેલા વર્ષની ઘટનાઓ વિશેના એક સ્ટાન્ડર્ડ વાર્ષિક સરવૈયામાં લેખનું મથાળું બાંધ્યું: એનસ હૉરિબિલિસ અર્થાત્ એક ભયાનક વર્ષ. એ રવિવારની આસપાસના દિવસ દરમ્યાન બીજાં કુલ છ રાસ્ટ્રીય અંગ્રેજી દૈનિકોએ વીતેલા વર્ષનું સરવૈયું કાઢતાં તંત્રીલેખ, વિશેષ લેખ કે પ્રાસંગિક લેખના વિભાગનું મથાળું (અયોધ્યાના સંદર્ભમાં ) બાંધ્યું હતું: એનસ હૉરિબિલિસ. આ રૂઢિપ્રયોગ એક વાર ઈંગ્લેન્ડનાં રાણી એલિઝાબેથે વાપર્યો ત્યારથી અખબારોની જીભે ચઢી ગયો. લેટિન ભાષાનો મૂળ શબ્દપ્રયોગ છે: એનસ મિરાબિલિસ અર્થાત્ અદભૂત વર્ષ. ડચ પ્રજા સાથે જે સાલમાં અંગ્રેજોએ યુદ્ધ કર્યું તે સાલ (ઈ. સ. ૧૬૬૬) ઇંગ્લેન્ડના ઇતિહાસમાં એનસ મિરાબિલિસ તરીકે પ્રચલિત છે.

અંગ્રેજી પ્રેસના ગાડરિયા પ્રવાહમાં અચ્છા અચ્છા પત્રકારો પણ ઘસડાયા હતા. અમૃતસરનું સુવર્ણમંદિર આતંકવાદીઓનો અડ્ડો તથા એમનું શસ્ત્રગાર બની ગયું ત્યારે સરકારે ઑપરેશન બ્લ્યુસ્ટારનું વાજબી પગલું ભરવું પડ્યું હતું. એ વખતે લોકપ્રિય કટારલેખક અને વિદ્વાન લેખક ખુશવંત સિંહે પણ લશ્કર મંદિરમાં જાય જ કેમ એમ કહીને સરકારનો સખત વિરોધ કરી પોતાને મળેલા ખિતાબો ફગાવી સરકારનું અપમાન કર્યું હતું. ૧૯ ડિસેમ્બર ૧૯૯૨ના રોજ હિન્દુસ્તાન ટાઈમ્સમાં પ્રગટ થયેલી ખુશવંત સિંહની ખૂબ વંચાતી કૉલમ વિથ મૅલિસ ટૂવર્ડ્સ વન ઍન્ડ ઑલમાં એમણે મુસ્લિમોને પાનો ચડાવે એવા પ્રત્યાઘાત આપતાં લખ્યું હતું: ‘દુનિયાભરના રેડિયા અને ટીવી પત્રકારોને હું એમ કહું છું કે રવિવારની એ રાત્રે અનેક શોકગ્રસ્ત હિન્દુ કુંટુંબનાં રસોડાંઓમાં ચૂલા સળગ્યા નથી. અને મુસ્લિમોએ એક વાતની ખાતરી રાખવી જોઈએ કે ઇસ્લામ ફિર ઝિંદા હોતા હૈ હર કરબલા કે બાદ. કરબલાની કત્લેઆમ જેવી દુર્ઘટનાઓ બાદ ઇસ્લામ ધર્મને એક નવી જિંદગી મળી છે. અડવાણી, જોશી, સિંઘલ, દાલમિયાં કે પેલી બે સાધ્વી જેવા કોમી ઘૃણા ફેલાવતા લોકોને જેલમાં પૂરીને હીરો બનાવી દેવા કરતાં સૌથી યોગ્ય શિક્ષા તો એ જ લેખાશે, જ્યારે એમના મોઢાં કાળાં કરીને એમને ભરબજારે ફેરવવામાં આવશે.’

ખુશવંત સિંહે માત્ર હિન્દુઓના જ નહીં, સમગ્ર રાષ્ટ્રના આદરણીય એવા અડવાણી ઇત્યાદી નેતાઓ વિશે આવા ઉદગારો લખ્યા ત્યારે પાડ માનો ભગવાનનો કે હિન્દુઓએ ઉશ્કેરાઈને, દલિતોએ અરુણ શૌરી સાથે કર્યો હતો એવો, સુલૂક કરીને એમના મોઢા પર ડામર ચોપડ્યો નહીં. બચી ગયા.

ભાજપે ક્યારેય મુસ્લિમોને ભારતમાં નાગરિકો તરીકે ઊતરતી કક્ષાના કે સેકન્ડ ક્લાસ સિટિઝન ગણ્યા નથી તેમ જ નહીં ગણે એવી ખાતરી પણ ઉચ્ચારી છે, વારંવાર. આમ છતાં મુસ્લિમોને ઉશ્કેરવા ઇન્ડિયન એક્સપ્રેસના ભૂતપૂર્વ તંત્રી એસ. નિહાલ સિંહે કલકત્તાના ‘ટેલિગ્રાફ’ દૈનિકમાં ૩૧ ડિસેમ્બર ’૯૨ ના રોજ વાઈડ ઍંગલ કૉલમના મથાળામાં ભાજપને હિન્દુ પત્તાંની જોડમાંના જોકર તરીકે ઓળખાવીને લખ્યું હતું: ‘સત્તા મેળવવા ભાજપની નીતિના ઘડવૈયાઓ દેશના ફરી ભાગલા પાડતા પણ અચકાશે નહીં. કારણ કે ભારતના ૧૦ કરોડ મુસલમાનો ભાજપના રાજ નીચે રહીને નાગરિકો તરીકેનું સેકન્ડ ક્લાસ સ્ટેટ્સ સ્વીકારવા તૈયાર નહીં હોય. આવી પરિસ્થિતિમાં મુસ્લિમો ક્યાં જશે?’

ખુશવંત સિંહ અને નિહાલ સિંહ પછી વધુ એક નામી પત્રકારનો દાખલો લઈએ. પત્રકારમાંથી કૉગ્રેસ – આઇના પોલિટિશિયન બનેલા અને સંસદની ચૂંટણીમાં હારી ગયા પછી પાછા પત્રકાર બનેલા તથા અંગ્રેજી પત્રકારોની નવી પેઢીમાં એક જમાનામાં જેમનું નામ આદરપૂર્વક લેવાતું એવા ટેલિગ્રાફ દૈનિકના ભૂતપૂર્વ તંત્રી તથા એશિયન એજના મુખ્ય તંત્રી એમ. જે. અકબરે તે વખતે ટેલિગ્રાફમાંની પોતાની નિયમિત કટાર ‘બાયલાઈન’ માં ૩ જાન્યુઆરી ’૯૩ ના રોજ ભાજપની નીતિનો તદ્દન અવળો અર્થ કાઢતાં લખ્યું: ‘હિન્દુ ભારતનું નવું બંધારણ તૈયાર થઈ રહ્યું છે. જેમના ધર્મનો ઉદય ભારતની ભૂમિમાં નથી થયો એવી વિદેશી લઘુમતીને કેવી રીતે સાચવવી એ વિશે પણ વિચારણા થઈ રહી છે… આ એ ભારત છે, જ્યાં એકાએક કોમવાદને માનભર્યું સ્થાન મળી રહ્યું છે. આવા નેતાઓ અને વર્તમાનપત્રો છઠ્ઠી ડિસેમ્બરની ઘટનાને હિન્દુ રાજકારણના નવા ઇતિહાસના બનાવ તરીકે ઊજવી રહ્યા છે.’

એમ. જે. અકબરના આ સૂરની પશ્ચાદભૂમાં અલ્લાહો અકબરનો ગર્ભિત નારો સાંભળી શકનારા વાચકો સહમી ગયા હતા.

( અપડેટ: તકવાદી પત્રકાર-કમ-પોલિટિશ્યન એમ.જે.અકબર પોતે જ ભાજપમાં જોડાઈ ગયા છે!)

અંગ્રેજી દૈનિકોએ સતત આ જ રીતે પોતાનાં લખાણોમાં હિન્દુત્વની કલ્પનાને ઝૂડી ઝૂડીને અધમૂઈ કરી નાખી હતી. શામ લાલ જેવા અત્યંત આદરણીય પત્રકાર પણ સ્યુડો સેક્યુલરિઝમના આ સપાટામાંથી બાકાત રહ્યા નહોતા. ૨ જાન્યુઆરી ’૯૩ના ટાઈમ્સ ઑફ ઇન્ડિયામાં એમણે કહ્યું: ‘એક રાજકીય પક્ષ તરીકે ભાજપનો મુખ્ય હેતુ હિન્દુઓનો એક રાજકીય હથિયાર તરીકે ઉપયોગ કરવાનો છે. ભાજપને બહુ જલદી ખબર પડી જશે કે સામાન્ય મતદારને પોતાના કોમવાદી અસ્તિત્વ કરતાં વધારે રસ સલામતીભર્યું જીવન જીવવામાં છે.’

૩૦ ડિસેમ્બરે ‘હિન્દુ’માં પ્રેમ શંકર ઝાએ લખ્યું હતું, ‘ઝનૂની કોમવાદીઓએ ફેંકેલા પડકારને ઝીલવા કૉંગ્રેસે પોતાનું સંગઠન વધુ મજબૂત બનાવવું પડશે. ‘હિન્દુ’ ના પ્રકાશકો તરફથી પ્રગટ થતા ‘ફ્રન્ટલાઇન’ પખવાડિકના તંત્રી એન. રામે તો મુંબઈના દૈનિક ઑબ્ઝર્વરમાંની પોતાની નિયમિત કટાર ‘વ્યુ પૉઇન્ટ’માં જાહેર કરી દીધું હતું, ‘ધાર્મિક દ્રષ્ટિએ હિન્દુત્વમાં વિશ્વાસ ધરાવતી ભારતની બહુમતી પ્રજા ભાજપની નીતિઓનો વિરોધ કરે છે. ‘હિન્દુસ્તાન ટાઈમ્સે’ પણ ૧૦ ડિસેમ્બરના તંત્રીલેખમાં જાણે તમામ હિન્દુઓ તરફથી પાવર- ઑફ- ઍટર્ની મળી ગયો હોય એમ લખ્યું હતું. ‘મુસ્લિમ દેશોને અમે ખાતરી આપીએ છીએ કે અયોધ્યાની ઘટનાની માત્ર ભારત સરકારે જ નહીં , પરંતુ આ દેશની બહુમતી પ્રજાના સભ્યોએ પણ કડકમાં કડક ભાષામાં ટીકા કરી છે.’

જુઠ્ઠાણું હતું આ, હડહડતું જુઠ્ઠાણું હતું.

લેખમાળા પૂરી. તમારા પ્રતિભાવો કમેન્ટ બૉક્સમાં પોસ્ટ કરશો

દસેક વર્ષ પહેલાં મારા બ્લૉગ પર આ લેખમાળા મૂકી ત્યારે અનિલ સુતરિયા નામના વાચકે આ છેલ્લો લેખ વાંચીને લખ્યું હતું:

“નમસ્કાર સૌરભભાઈ,હું ૧૯૯૪-૯૫ માં જયારે મુંબઈ હતો,ત્યારે ત્યાંના એક સાંધ્ય અખબારમાં આપની ફતવા વિષેની કોલમ આવતી, અને તેનાથી અમે ખુબ જ પ્રભીવિત હતા અને રોજ અમે અખબારના આવવાની રાહ જોતા. પછી મુંબઈથી સૌરાષ્ટ્રમાં આવવાનું થયું, અને જે વૈચારિક નાતો હતો ઈ તૂટી ગયો હતો. પરંતુ આજે તમારો બ્લોગ મળ્યો ખૂબ જ આનંદ થયો, આપ જેવા નિર્ભીક પત્રકારોની ભારતીય સમાજને ખુબજ જરૂર છે,અડચણોથી નાસીપાસ થયા વિના ચાલુ રાખો, હિન્દી ફિલ્મનું ગીત છે ને રુક જાના નહિ તું કહી હારકે ,કાંટોપે ચલકે મિલેંગે છાયે બહાર કે…”

••••••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

5 COMMENTS

  1. હાલ ની પરિસ્થિતી જોતા એવુ લાગે છે કે હિંદુ એક બાર ફિર સે સો ગયા હે. નહિ તો શાહીન બાગ અને તથાકથિત ખેડૂત આંદોલન ના નામે જે દેશ વિરોધ કાવતરું રચી રહ્યા છે તે ને ઉખાડી ને ફેંકી નાખત.

  2. Forget about 6 December 1992 Chitralekha (a Gujarati weekly) follows 6 Dec EVERY Friday degrade BJP and Modi by false headlines and captions, always insults BJP and the tone is very rough late Nagin was doing this (or maybe his ghostwriter) and now Hiren is following the same pattern (poor editor has to dance of the tune of the management) kuch tu agenda hai….!!! unfortunately the victims are the netural readers…..

  3. સાહેબ,

    1992 માં જે ખોટા લાડ લડાવ્યા તે આજે પણ ચાલુ છે. ફકત તક ની રાહ જોતા હોય છે. મળી કે પકડી નથી. જુઓને કિસાન આંદોલન!

    નાગરિકોએ ચૂંટણી વખતે સમજદારી દાખવી છે. તેમાં ક્યારેક મહારાષ્ટ્ર જેવું થઈ જાય છે. (ચૂંટણી પહેલાં યુતિ કરી અને પછી પસ્તાવું પડયું. ભાજપે અને મતદારે)

  4. It’s a pity there are so many traitors among Hindus even today. But the basic fabric of Hinduism – fully democratic, persuasive and not autocratic , without hardcore malice to any other system of religions – so strong that it has to survive till the end of civilization.
    Saurabhbhai, very much appreciate your video on December 06.

  5. 1993 ને યાદ રાખવા, કરાવવા અને એ વખતના બદમાશ અને કહેવાતા તટસ્થ તંત્રી શ્રી ઓ ને ઉઘાડા પાડવા માટે આભાર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here