ભાજપના ખભા પરનું હિન્દુ બકરું કોમવાદી કૂતરું છે? : સૌરભ શાહ

ભાજપના ખભા પરનું હિન્દુ બકરું કોમવાદી કૂતરું છે? : સૌરભ શાહ

ભાજપના ખભા પરનું હિન્દુ બકરું કોમવાદી કૂતરું છે એવું ઠસાવવાના અંગ્રેજી દૈનિકોએ ભરપૂર પ્રયત્નો કર્યા. લગભગ દરેક અંગ્રેજી અખબાર અને અંગ્રેજી પત્રકાર પોતાની મેળે જ પોતાને ઉચ્ચ સ્થાને બિરાજમાન કરતા હોય છે.

(આ લેખ ‘સમકાલીન’માં ૬ જાન્યુઆરી ૧૯૯૩એ શરૂ થયેલી મારી ૭ લેખોની લેખમાળા ‘અયોધ્યા પછીના ૩૧ દિવસ’નો ચોથો લેખ છે.)

ગાડરિયો પ્રવાહ કે લોલેલોલ કરવી જેવા રૂઢિપ્રયોગો ઓછી ભણેલી કે અર્ધ સુધરેલી પ્રજાને ઉતારી પાડવા વપરાતા આવ્યા છે. ગાડરિયા પ્રવાહ પરની મૉનોપોલી હકીકતમાં કોની છે એનો ખ્યાલ ૧૯૯૨ની ૬ઠ્ઠી ડિસેમ્બર પછી આવ્યો. કોની? અંગ્રેજી પ્રેસની.

રાષ્ટ્રીય અંગ્રેજી દૈનિકોએ બાબરીધ્વંસ જેવી ઘટના માટે શા માટે એકસરખા વિચારો વ્યક્ત કર્યા અને દરેક અંગ્રેજી અખબારના લગભગ દરેક કટારલેખક, લેખક કે અગ્રલેખલેખક શા માટે એકના એક મુદ્દાઓ વિશે એકની એક દલીલોનું પુનરાવર્તન કરતા હશે એવો પ્રશ્ન જાગે ત્યારે એમની ૧૩ ડિસેમ્બર ’૯૨ની આવૃત્તિમાં, બાબરીધ્વંસના બરાબર એક સપ્તાહ પછી છપાયેલા, તંત્રી દિલીપ પાડગાંવકરના આ શબ્દોમાંથી અંગ્રેજી પ્રેસની માનસિકતા શોધવી સહેલી પડશે. ‘વડાપ્રધાન પછી દેશનો સૌથી મોટો, મહત્વનો અને શક્તિશાળી માણસ ટાઈમ્સનો તંત્રી છે’ (સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોસ્ટ ઑફ ધ કન્ટ્રી- આ શબ્દો પાડ્ગાંવકરના પોતાના જ છે! એક ઇન્ટર્વ્યુમાં એ આવું હાસ્યાસ્પદ વિધાન કરી બેઠેલા!) એવી ભ્રમણામાં સિરિયસલી રાચનારા પાડગાંવકરે લખ્યું હતું: ‘અંગ્રેજી બોલતો શિષ્ટ શહેરી વર્ગ છેલ્લી એક સદીથી થઈ રહેલા સામાજિક સુધારાઓની બાબતમાં તેમ જ દેશની સ્વતંત્રતાની ચળવળ દરમિયાન મોખરે રહ્યો છે.’

ખરેખર ? લગભગ દરેક અંગ્રેજી અખબાર અને અંગ્રેજી પત્રકાર પોતાની મેળે જ પોતાને આવા ઉચ્ચ સ્થાને બિરાજમાન કરતા હોય છે. અંગ્રેજી સિવાયની ભાષામાં લખીને કે બોલીને જેઓ પોતાને અભિવ્યક્ત કરે છે કે જેઓ શહેરી જીવ નથી કે જે આ સમાજના છેક ઉપલા સ્તરના નથી કે જેમની ગણના વિશિષ્ટ, સુસંસ્કૃત એવા ભદ્રલોકમાં થતી નથી એવા લોકો પ્રત્યેનો અછૂત વ્યવહાર આ ઇંગ્લિશ સ્પીકિંગ અર્બન એલિટે પહેલેથી જ રાખ્યો છે અને બરાબર આ જ અભિગમ અયોધ્યા ઘટના દરમ્યાનના એમનાં લખાણો તથા વિચારોમાંથી ટપકતો રહ્યો. તેઓ ભૂલી ગયા કે ભારતની ૭૪.૩ ટકા ગ્રામીણ પ્રજામાંથી અંગ્રેજી દૈનિકો કે સામયિકો વાંચનારા કેટલા? એનસીએઇઆરના એક રાષ્ટ્રીય સર્વેક્ષણ મુજબ ભારતની માત્ર ૨.૦૩ ટકા ગ્રામીણ વસ્તીએ અંગ્રેજી દૈનિકો ક્યારેક ક્યારેક (રિપીટ ક્યારેક ક્યારેક) વાંચ્યા છે. અંગ્રેજી મૅગેઝિનોની બાબતમાં આ ટકાવારી થોડીક વધારે ૩.૮૪ ટકા. (અંગ્રેજી મૅગેઝિનોમાં ફિલ્મી ગોસિપનાં સામયિકો તથા રેસિપી અને મેકઅપ – ભરતગૂંથણની ટિપ્સ આપતાં મહિલા સમયિકો પણ આવી જાય. ) સવાર – સાંજ તંદૂરી ચિકન અને મટન મસાલા ખાનારો માણસ દાળઢોકળીનાં ગુણઅવગુણ વિશે પ્રવચનો ફટકારે ત્યારે એના બોલવામાં કેટલી વિશ્વસનીયતા હોય ? કેટલાને એની વાત પર ભરોસો બેસે?

બાબરી ઘટના પછી ટાઈમ્સ ઑફ ઇન્ડિયા સહિતનાં રાષ્ટ્રીય અંગ્રેજી દૈનિકોએ એવી પરિસ્થિતિ સર્જી કે જો તમે મુસલમાનતરફી હો તો જ સેક્યુલર, બિનસાંપ્રદાયિક કે ધર્મનિરપેક્ષ ગણાવ. હિન્દુતરફી વાત કરો તો તરત જ તમારે કપાળે કોમવાદનો ડામ દેવામાં આવે.

‘ઇન્ડિયન એક્સપ્રેસ’ દૈનિકે ભૂતકાળમાં ઇમરજન્સી અને અંતુલેની ઘટનાઓ જેવી ડઝનબંધ બાબતોમાં રાષ્ટ્રનો અવાજ ઓળખ્યો છે, પરંતુ અયોધ્યાની બાબતમાં એક્સપ્રેસે ઊંચા સાદે ગાઈને ટાઈમ્સને કહ્યું હતું કે મિલે સૂર મેરા તુમ્હારા, તો સૂર બને હમા…રા. રાષ્ટ્રની મોટાભાગની સમસ્યાઓ સમયે પ્રગતિશીલ વિચારધારા અપનાવતા ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ની આ ઉજ્જ્વળ પરંપરાનો ભંગ થયેલો જોઈને કેટલાય વાચકોને પોતાનો વિશ્વાસઘાત થયો હોય એવું લાગ્યું હતું. એ વાચકોએ તંત્રી સમક્ષ પોતાની પ્રતિક્રિયા પણ વ્યક્ત કરી હતી.

મહાત્મા ગાંધીના ન જન્મેલા વિચારોનો કૉપીરાઈટ પોતાની પાસે હોય એવા અંદાજમાં કોલકાતાના ‘સ્ટેટ્સમેન’ દૈનિકના એડિટર-ઇન-ચીફ સી. આર. ઇરાનીએ લખ્યું હતું : ‘રાષ્ટ્રપિતા આજે હયાત હોત તો એમણે કહ્યું હોત કે મસ્જિદ ફરીથી બાંધવી જ જોઈએ અને બની શકે તો જે હિંદુઓએ તોડી છે એમના દ્વારા જ બંધાવી જોઈએ.’

મહાત્મા ગાંધીના નામનો આટલો બેફામ ઉપયોગ ભારતના કોઈ તંત્રીએ હજુ સુધી કર્યો નહોતો. આ જ રીતે ગાંધીજીનું નામ વાપરવાનું ચાલુ રહ્યું તો કાલ ઊઠીને કોઈ એમ પણ કહેશે કે ૧૯૪૮ ની ત્રીસમી જાન્યુઆરીએ સાંજે બ્લૅક બૅરેટા નંબર ૬૦૬૮૨૪ –પી માંથી ત્રણ ગોળીઓ છૂટ્યા પછી બાપુ ‘હે રામ’ નહીં પણ ‘યા અલ્લા’ બોલ્યા હતા.

‘હિંદુસ્તાન ટાઈમ્સે’ અયોધ્યાની ઘટનાના છેક બાવીસમા દિવસે, ૨૮ ડિસેમ્બરે, પોતાની એડિટોરિયલ નીતિથી વિરુદ્ધ જતો લાલકૃષ્ણ અડવાણીનો એક નાનકડો ઇન્ટર્વ્યુ છાપ્યો. ચંદન મિત્રને આપેલી મુલાકાતમાં અડવાણીએ કહ્યું, ‘મુસ્લિમોએ સમજવું જોઈએ કે ભાજપ મુસ્લિમોનો વિરોધ નથી કરતો, પણ મુસ્લિમ પ્રજાનો વૉટ બૅન્ક તરીકે થતા ઉપયોગનો વિરોધ કરે છે. ધાર્મિક નીતિનિયમોના આધારે સરકાર ચલાવવાની નીતિ ભારતમાં ચાલી શકે જ નહીં અને ૧૯૫૦માં ભારતે જે બંધારણનો સ્વીકાર કર્યો છે તે જ બંધારણના સિદ્ધાંતોને સાનુકૂળ હોય એવી નીતિ વડે આ દેશની સરકાર ચાલી શકે.’

આવા અપવાદો જૂજ હતા. ભાજપના ખભા પરનું હિન્દુ બકરું વાસ્તવમાં તો કોમવાદી કૂતરું છે એવું વાચકોના મગજમાં ઠસાવતાં રહેવાનો અંગ્રેજી દૈનિકોનો, આ દિવસોમાં, પ્રયત્ન રહ્યો.

આવાં અંગ્રેજી દૈનિકો સામે રંગ રાખ્યો હતો ‘મુંબઈ સમાચારે’. અગિયારમી ડિસેમ્બર ૧૯૯૨ ના રોજ તંત્રી જેહાન દારુવાલાની સહી સાથે પ્રગટ થયેલા ફ્રંટ પેજનું ઍડિટનું મથાળું હતું : ‘લઘુમતી કોમે સાચા અર્થમાં રાષ્ટ્રનાં સંતાનો થવાની જરૂર.’ આ જલદ તંત્રી લેખમાં કહેવામાં આવ્યું હતું : ‘હિન્દુ રાષ્ટ્રવાદીઓની ધીરજની પણ મર્યાદા છે, સહનશક્તિની પણ હદ હોય છે… જૂના રીતરિવાજમાંથી મુક્ત થઈને રાષ્ટ્રને પ્રગતિને પંથે લઈ જવાનું છે. આ કાર્યમાં જો કોઈ પણ લઘુમતી કોમ પોતાના ધર્મના નામે અવરોધ ઊભા કરે તો કોઈ પણ સરકારે તે ચલાવી લેવું નહીં જોઈએ અને મક્કમતાથી કામ લેવું જોઈએ. આજે દેશમાં સમાનતા અને એકતા માટે સમાન નાગરિક કાનૂન (કૉમન સિવિલ કોડ) લાવવાનો છે. એક જ દેશમાં જુદી જુદી કોમ માટે જુદા જુદા કાયદા હોઈ શકે જ નહીં. ’

‘મુંબઈ સમાચાર’ની આ નીતિ મોટા ભાગના વાચકો માટે આનંદ સમાન (તો કેટલાકના માટે આશ્ચર્ય સમાન પણ) હતી. વાચકોના અભિનંદનપત્રોથી તે વખતે ‘મુંબઈ સમાચાર’નું એડિટ પેજ છલકાઈ ગયું હતું. રાજકોટમાં ‘ફૂલછાબ’ના તંત્રી હરસુખ સાંઘાણીએ આ તંત્રીલેખના કેટલાક અંશનું પુનર્મુદ્રણ કર્યું તો ત્યાંના વાચકો પણ સાંઘાણીસાહેબને અભિનંદન આપવા લાગ્યા હતા. મુંબઈના ચુસ્ત બિનસાંપ્રદાયિક સાંધ્ય દૈનિક ‘આફ્ટરનૂન’ના તંત્રી બહેરામ કૉન્ટ્રાક્ટરે પણ આખા તંત્રીલેખનો અંગ્રેજી તરજૂમો એમના એડિટ પેજ પર અતિથિ કોલમ તરીકે છાપ્યો હતો. (જો કે , 2002ના ગોધરા હિન્દુ હત્યાકાંડ પછી ‘મુંબઈ સમાચાર’ની કૉલમોમાં સેક્યુલર ઝનૂનીઓ દ્વારા હિન્દુદ્વેષ અને મુસ્લિમવહાલ છલકાયું હતું.)

ભારતનું સદ્ ભાગ્ય છે કે આ દેશ પર કોણ રાજ કરશે એનો નિર્ણય કરતી હિન્દુસ્તાનની ૭૫ ટકા ગ્રામીણ પ્રજામાંના ૯૭.૯૭ ટકા લોકો અંગ્રેજી અખબારો અને સેક્યુલરવાદી ભાષાકીય છાપાં નથી વાંચતા.

•••••

બે અજાણી છોકરીનો ‘સેક્યુલર-રાષ્ટ્રીય’ અવાજ: સૌરભ શાહ

(આ લેખ “સમકાલીન’માં ૬ જાન્યુઆરી ૧૯૯૩એ શરૂ થયેલી મારી ૭ લેખોની લેખમાળા ‘અયોધ્યા પછીના ૩૧ દિવસ’નો પાંચમો લેખ છે. આવતા દિવસોમાં આ લેખમાળાના બાકીના બે લેખો કાલે )

કલકત્તાના ‘સ્ટેટ્સમેન’ દૈનિકના પહેલા પાને તા. ૧૩-૧૨-૧૯૯૨ના રોજ વર્ષા વેંકટેશ અને પૂનમ નારંગ નામની છોકરીઓએ લખેલો પત્ર છપાયો. તંત્રી સી.આર. ઈરાનીને ખુશખુશાલ કરી દેનારા આ પત્રમાં લાલ કૃષ્ણ આડવાણીને સંબોધીને કહેવાયું હતું :‘ ડિયર મિસ્ટર અડવાણી, તમારા આવેશમય હિન્દુત્વે રાષ્ટ્રના રહ્યા સહ્યા હિન્દુઈઝમના છેલ્લા અવશેષો પણ ધોઈ કાઢ્યા છે… તમારે કારણે આજે કોઈ હિન્દુ શરમનો માર્યો માથું ઊંચું કરી શકે એમ નથી …. ચારસો વર્ષ જુનું ઐતિહાસિક સ્મારક તોડી પાડીને તમને શું મળ્યું ?… એ રામની જન્મભૂમિ છે તેથી શું થઈ ગયું ? … ત્યાં હજારો વર્ષ પહેલાં (એમ જ ) મંદિર હતું તેથી શું થઈ ગયું? ત્યાં રામની મૂર્તિ તો હતી જ ને ? અને એની પૂજા પણ થતી હતી જ ને? …. મિસ્ટર અડવાણી, તમારું હિન્દુત્વ ગંદા પોલિટિક્સથી ગંધાય છે… વિદ્યાર્થીજગત તમને ક્યારેય માફ નહીં કરે. અમને ડેમોક્રેટિક સેક્યુલર, સોશિયલિસ્ટ રાષ્ટ્રના નાગરિક હોવાનું ગૌરવ છે. યસ સર. સેક્યુલર. સેક્યુલરિઝમ અમારા અસ્તિત્વનો એક ભાગ છે… તમારી આજને ખાતર તમે અમારી આવતીકાલ રોળી નાખવાની ધૃષ્ટતા કરી છે…આ હક્ક તમને કોણે આપ્યો, મિસ્ટર અડવાણી ? તમારી પાસે અમારા માટે કોઈ જવાબ છે ?’

‘સ્ટેટ્સમેન’ના અનેક વાચકો પાસે આનો જવાબ હતો. આ પત્ર પ્રગટ થયાના ચાર દિવસ બાદ, ૧૭ ડિસેમ્બર ૧૯૯૨ ના રોજ દેબુ ચૌધરી નામના એક વાચકે પત્ર લખીને કહ્યું : ‘મને લાગે છે કે મારી પાસે વર્ષા વેંકટેશ અને પૂનમ નારંગ માટે જવાબ છે… ૧૯૪૬માં જ્યારે હું આ બન્નેની ઉંમરનો હતો ત્યારે મેં પણ એમની જેમ જ સેક્યુલર – ડેમોક્રેટિક અને સોશિયલિસ્ટ ભારતનું સ્વપ્ન જોયું હતું. પણ ૧૯૪૭માં મેં જે જોયું તે આ છોકરીઓ સ્વપ્નમાં પણ નહીં જોઈ શકે. મેં જોયું હતું કે અમારા સેક્યુલર નેતાઓએ, નહેરુ સહિતના નેતાઓએ, ભારતના ભાગલા થવા દીધા. દેશની આઝાદી પછી આપણા સેક્યુલર ડેમોક્રેટિક બંધારણે આકાર લીધો, જેમાં બિન-મુસ્લિમ સેક્યુલરો માટે એક કાયદાઓ હતા અને મુસ્લિમો માટે જુદા. મુસ્લિમો માટે ચાર પત્નીઓ હતી, બાકીનાઓ માટે એક. ખરા ભારતીયો માટે કોઈ કાયદાઓ નહોતા… અને આ રીતે જ આખી પેઢી ઊછરીને મોટી થઈ, જે પેઢીમાં સિંધ છોડી શરણાર્થી બનીને ભારત ચાલ્યો આવેલો લાલ કૃષ્ણ અડવાણી નામનો એક માણસ પણ હતો … આ છોકરીઓ જેમ જેમ મોટી થતી જ્શે તેમ તેમ એમને સમજાતું જશે કે આ દેશમાં તમારી ન્યુસન્સ વેલ્યુ જેટલી વધારે એટલી જ તમારી મહત્તા વધારે. એમને સમજાશે કે ખ્રિસ્તી અને ઈસ્લામ ધર્મનો ઉદય થયો અને હિંસક માર્ગે એનો પ્રસાર થયો અને અંગ્રેજી ભાષાના સૌથી દંભી શબ્દ ‘સેક્યુલર ’નો જન્મ થયો એના કેટલાય કાળ પહેલાં હિન્દુત્વની પવિત્ર સંસ્કૃતિ અસ્તિત્વમાં હતી.’ બુઝુર્ગ દેબુ ચૌધરીના પત્રની સાથોસાથ અમિતા રાય, આર. કૃષ્ણા અને એ. બોઝના પત્રો પણ છ્પાયા હતા. જેમાં ‘સ્ટેટ્સમેન’ના તંત્રીનાં છોડિયાં ફાડી નાખવામાં આવ્યાં. ૨૮ ડિસેમ્બર ૧૯૯૨ ના રોજ જે.કે. બસુએ આ પત્રોના અનુસંધાનમાં ઉમેર્યું : ‘બે અજાણી છોકરીઓના પત્રને ‘ભારતના ભવિષ્યના અવાજ’માં ખપાવીને એને પહેલે પાને છાપવાનું કૃત્ય અનૈતિક છે. દેશની બહુમતી પ્રજા જ્યારે આવા સેક્યુલરિઝમની વિરુદ્ધમાં હોય ત્યારે ફાસીવાદી શાસનતંત્ર દ્વરા કે પછી તળિયા વિનાના લોટા જેવા (પ્લાયેબલ) અખબારો દ્વારા આવી વાતો આ પ્રજાના ગળામાં ઠાંસી ન શકાય.’

વાચકોના પત્રોના વિભાગનો કેટલાકે દુરુપયોગ પણ કર્યો. ‘ટાઈમ્સ ઑફ ઇંડિયા’ના તંત્રી દિલીપ પાડગાંવકરે ૧૬ ડિસેમ્બર ૧૯૯૨ ના રોજ ડરતાં ડરતાં એક નાનકડો પીસ મુસ્લિમોને બે હળવી ટપલી મારતો લખ્યો હતો. હસમુખ ગાંધીની ભાષામાં પાડગાંવકરે મુસ્લિમોને લવિંગ કેરી લાકડીએ ફટકારવાનું નક્કી કર્યું હતું. બાંગ્લાદેશથી શરણાર્થી તરીકે આવી ચડેલા મુસ્લિમો પણ અત્યારની પરિસ્થિતિ માટે જવાબદાર છે અને હિન્દુ – મુસ્લિમે ભારતની એક સંસ્કૃતિના છડીદાર બનીને હળીમળીને રહેવું જોઈએ એવું મોળું મોળું, મુસ્લિમોની ટીકારૂપે, પાડગાંવકરે લખ્યું. પણ આટલી અમથી ટપલીથી વિખ્યાત મુસ્લિમ કોમવાદી તથા ધર્મઝનૂની સૈયદ શાહબુદ્દીનનું લોહી ઊકળી ઊઠ્યું. એમણે પાડગાંવકરને લખેલા અને ૨૬ ડિસેમ્બર ૧૯૯૨ના રોજ છપાયેલા જડબાતોડ પત્રમાં જણાવ્યું : ‘બાબરી તૂટી એના કરતાંય વધારે દુ:ખ તમારો આ લેખ વાંચીને મને થયું… ભારતીય મુસ્લિમો કોઈકાળે કૉમન સિવિલ કોડ નહીં સ્વીકારે. આવો કાયદો શરિયતની વિરુદ્ધ છે.’ ટપલીના જવાબમાં શાહબુદ્દીનની લપડાક ખાધા પછી તંત્રીશ્રી પાડગાંવકર મુસ્લિમોનું નામ લેવાનું ભૂલી ગયા. એટલું જ નહીં, શાહબુદ્દીનની આડકતરી માફી માગવામાં આવી હોય તેમ ૨ જાન્યુઆરી ૧૯૯૩ ના ‘ટાઈમ્સ’ના ફર્સ્ટ એડિટમાં દર્શન અને નમાજ વિશે નુકચેતીની કરતાં લખાયું, ‘બાબરી મસ્જિદ તૂટવાને કારણે ઘવાયેલી મુસ્લિમોની લાગણી વાજબી છે… અને દર્શનની છૂટ અપાયા પછી નમાઝ પઢવા જતા મુસ્લિમોને જો છેલ્લી ઘડીએ સદબુદ્ધિને સૂઝી ન હોત તો પરિસ્થિતિ કાબૂ બહાર થઈ જાત…’

વાસ્તવમાં તો મુસ્લિમોની ‘સદબુદ્ધિ’ ને કારણે નહીં , પરંતુ સલામતી દળોની બીકને કારણે પરિસ્થિતિ કાબૂ બહાર જતાં બચી ગઈ હતી.

સામાન્ય પ્રજાની એક લાક્ષણિકતા છે કે તે ઈતિહાસને ભૂલી જાય છે. પોતે જેનો એક હિસ્સો હતા એવા નજીકના ભૂતકાળમાં બની ચૂકેલી ઐતિહાસિક ઘટનાઓને પણ લોકો ભૂલી જાય છે. એમને યાદ માત્ર એટલું જ રહે છે જેટલું પ્રચાર માધ્યમોના વિકૃત પડઘમો દ્વારા એમના કાન પાસે વગાડવામાં આવે છે. તમને ગમે કે ન ગમે, સ્યુડો સેક્યુલરવાદીઓ પાસે મજબૂત પ્રચાર માધ્યમો છે.

( આવતી કાલે પૂરું)

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

4 COMMENTS

  1. તદ્દન તટસ્થ રીતે લખાયેલ લખાણ.શબ્દ રૂપે નગ્ન સત્ય નું ચિત્રણ.ઢોંગી બિનસાંપ્રદાયિક ઓ ની પોલ ખોલી નાખ્યું લખાણ.

  2. Your video is simply superb. ???. Your articles published in Samkaleen in those days and reproduced again after 28 years speak the truth. Secular media is the most hypocrate and call themselves super intelligent .Fortunately, 97.97 % don’t read English media.

  3. આ જે 6ઠ્ઠી ડીસેમ્બર…
    અને ત્યાર પછીની હિન્દુ ઓ ની વેદના ને વાચા આપતા આપના લેખો કયાંક કયાંક વાંચવા મળી જતા, અને મનમાં ઉંડે ઉંડે લાગતું કે જરુર અચ્છે દિન આયેંગે….
    અને ખરેખર આજે 28 વરસ પછી ને આ તમારા લેખ માળા ના શબ્દો વાંચીએ ત્યારે એટલું જરુર સમજાય છે કે: હિન્દુ રહ્દય સમ્રાટ મોદીજી જેવો બાહોશ નેતા ભારતને મળવાનો છે એવો તમને અહેસાસ થયો હશે….

    અમારા જેવા કાં’તો ઓછું અંગ્રેજી સમજતા કે પછી આવા હિન્દુ વિરોધી અને સેકયુલર નો અંચળો ઓઢીને કોંગ્રેસ ની ચાંપલુસાઈ કરી ને પોતાની ખીચડી પકવતા અંગ્રેજી અખબાર નવેશોને સમજવાનો અવસર નહોતો મળ્યો તે તમે આજે હકીકત સમજાવી શકયા…

    આપના જેવા પ્રખર હિન્દુ વાદી લેખકો આ સનાતન ધર્મ ની શાન છે સાહેબ…આપને હું સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું આજના આ મહાન દિવસે…

  4. Saras mahiti mali lekh khoobaj saro hato aa rite loko ne jageoot karo cho e mate khoob khoob dhanyawad. Ame tamari sathe j chiee. AABHAR.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here