લાઉડમાઉથ : સૌરભ શાહ
(‘સંદેશ’, ’અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, બુધવાર, ૪ માર્ચ ૨૦૨૦)
પર્સનલ લાઈફમાં ખુશ રહેવાની ચાવી આ બે જ શબ્દમાં સમાયેલી છે. બહારની દુનિયામાં ચાલતી ઘટનાઓ સાથે ભલે તમારો મતભેદ હોય, વિરોધ હોય. એ દુનિયામાં થતા અન્યાયો તમે ચલાવી લેવા ન માગતા હો તો સારુ જ છે – મંડી પડો એ અન્યાયોને દૂર કરવા, પાનના ગલ્લા પર ઊભા રહીને ચર્ચા કરવાને બદલે જતા રહો મેદાનમાં, જો તાકાત, ઔકાત અને દાનત હોય તો. એ આખો જુદો વિષય છે.
અંગત જિંદગીમાં ખુશ રહેવાની અને સૌને ખુશ રાખવાની ચાવી બે જ શબ્દોમાં સમાઈ જાય છે – ચલાવી લેવું. અંગત જીવનમાં જેટલા આગ્રહો ઓછા, જેટલી જીદ ઓછી એટલું તમારું જીવન સરળ બની જવાનું. પાયાની નીતિમત્તા કે સિદ્ધાંતો સાચવવાના આગ્રહની વાત નથી. એને સાચવી લીધા પછીના જે નાના નાના આગ્રહો માટે આપણે અડી જઈએ છીએ એની વાત છે. પ્રામાણિકતાથી જીવવાના સિદ્ધાંતની વાત નથી. મારો હાથરૂમાલ ઈસ્ત્રીવાળો કેમ નથી – એવા આગ્રહોની વાત છે. પેલો સિદ્ધાંત પકડી રાખવો જોઈએ. આ અને આવા બીજા આગ્રહો છોડી દેવા જોઈએ. પણ બને છે ઊંધું. પેલા સિદ્ધાંતો સાથે આપણે સતત બાંધછોડ કરતાં રહીએ છીએ અને આ અને આવા નાના નાના આગ્રહો પર અડી જઈએ છીએ.
શરૂઆતમાં જરા કપરું લાગશે. સવારની ચામાં ખાંડ સ્હેજ ઓછી પડી હશે તો આખું ઘર માથે લઈ લેવાનું મન થશે. પણ તમારી પાસે વિકલ્પ છે. ઊભા થઈને કિચનમાં જઈને જોઈતી ખાંડ ચાના કપમાં ઉમેરી દેવી અથવા ચલાવી લેવું.
નાની નાની હજાર વાતો રોજેરોજ એવી બનતી હોય છે તમારી પર્સનલ લાઈફમાં જે તમને સતત અકળાવ્યા કરતી હોય. પલંગ પર ચાદર સરખી રીતે પાથરવામાં નથી આવી કે પછી બાજુવાળાના બગડી ગયેલા સસ્તા સેકન્ડ હૅન્ડ એસીની ઘરઘરાટી અને ધ્રુજારી આખી રાત તમને ડિસ્ટર્બ કરતી રહે છે કે પછી રિક્શાવાળો વીસ રુપિયા વધારે માગીને તમને ‘લૂંટી લેવા’ માગે છે અથવા તમારા પિતાએ ગળ્યું નથી ખાવાનું છતાં મીઠાઈનો એક ટુકડો મોઢામાં મૂકી દે છે અથવા દીકરીને ના પાડી હતી છતાં પેલા છોકરા સાથે કૉન્સ્ટન્ટ વૉટ્સઍપ પર મંડી પડેલી હોય છે. અંગત જીવનમાં તમારી ઈચ્છા, મરજી કે પસંદગી મુજબની ન હોય એવી ઘટનાઓ રોજેરોજ બનતી હોય છે. આ બધી ઘટનાઓ પર તમારો કાબૂ હોય એવો તમારો આગ્રહ હોય છે કારણ કે તમે પોતે તમાર કાબૂમાં નથી હોતા. તમને તમારી જાતને નિયંત્રણમાં રાખતાં આવડતું નથી એટલે તમે આવી નાની નાની વાતોને ચલાવી લેવા માગતા નથી અને ક્ષુલ્લક બાબતોમાં બખેડા ઊભા કરીને તમારી જિંદગી તમારા નિયંત્રણમાં છે એવા ભ્રમમાં રાચો છો.
પર્સનલ લાઈફમાં આગ્રહો જતા કરવાનું ત્યારે જ શીખી શકાય જ્યારે તમને ખબર હોય કે અલ્ટીમેટલી તમારી જિંદગીને તમે ક્યાં લઈ જવા માગો છો, ફાઈનલી તમારી જિંદગી સાથે તમે શું કરવા માગો છો, છેવટે તમે જિંદગીમાં શું અચીવ કરવા માગો છો?
આ બાબતમાં સ્પષ્ટતા નહીં હોય ત્યાં સુધી તમે તરફડતા રહો છો અને તરફડાટ, આ અકળામણ, પોતાની જાત માટેનો આ અસંતોષ નાના નાના આગ્રહો માટેની જીદ થઈને પ્રગટ થાય છે. મારે ખરેખર જો નૃત્ય કરવું જ હશે તો હું ક્યારેય આંગણું ટેઢું છે એમ કહીને છટકી નહીં જઉં. મારે વાજિંત્ર વગાડવું જ હશે તો હું ક્યારેય એ વાજિંત્રની બનાવટમાં ખોડખાંપણ કાઢીને છટકી નહીં જઉં. મારે ચિત્ર દોરવું જ છે તો હું ક્યારેય કેનવાસ, પીંછી કે રંગોની બાબતમાં કચકચ નહીં કરું. મારે લખવું જ છે તો હું ક્યારેય કાગળની કે પેનની ક્વૉલિટીનો વાંક નહીં કાઢું. ઉત્તમતાનો આગ્રહ ભલે હોય પણ સંજોગોવશાત્ એવા આગ્રહો ન સચવાયા તો જે છે તેનાથી ચલાવી લઈશ. ઈસ્ત્રીવાળા હાથરૂમાલનો આગ્રહ ભલે હોય પણ જે દિવસે તમને ઈસ્ત્રી વગરનો મળ્યો તે દિવસે ઘર માથે લેવાની જરૂર નથી, આ ઘરમાં મારું કોઈ ધ્યાન રાખતું નથી એવા ભાવથી મનોમન સોસવાવાની જરૂર નથી. તમને ખબર હોવી જોઈએ કે જિંદગીમાં તમારો ગોલ કંઈ ઈસ્ત્રીવાળા રૂમાલો ગજવામાં લઈને ફરવાનો નથી. જિંદગીના છેલ્લા દિવસો ચાલતા હશે ત્યારે પથારીમાં પડ્યા પડ્યા તમને એ વાતે સંતોષ મળવાનો નથી કે કેવું સરસ, આખી જિંદગી મેં કડક ઈસ્ત્રી કરેલા હાથરૂમાલો જ વાપર્યા છે – જિંદગી મારી ધન્ય ધન્ય થઈ ગઈ!
જીવનમાં નાની નાની વાતો અકળાવનારી રહે છે કારણ કે આપણી પાસે કોઈ મોટી વાતને સાકાર કરવાનું ધ્યેય નથી. અને જરૂરી નથી કે સૌ કોઈની જિંદગીમાં સ્વામી વિવેકાનંદ બનવાનો ગોલ હોય, સચિન તેન્ડુલકર બનવાનું ધ્યેય હોય. પણ તો પછી સમજવાનું કે નાની નાની વાતોમાં ખોટેખોટા આગ્રહો સાચવવા માટે બીજાઓને દમદાટી કર્યા કરવાથી કંઈ તમે મોટા નથી બની જવાના. એવું કરીને તમે કશું પુરવાર નથી કરતા. ઊલ્ટાનું બીજાની જિંદગીના અને તમારી પોતાની જિંદગીના શાંત જળમાં કાંકરા નાખનાખ કરો છો તમે. ન તો તમે સુખેથી જીવો છો, ન બીજાઓને ચેનથી જીવવા દો છો. ન તમે ખુશ રહો છો, ન બીજાને ખુશ રાખી શકો છો.
અર્જુનની જેમ આપણી નજર પણ પંખીની આંખ સિવાય બીજું કશું જ જોઈ શકતી નથી ત્યારે જ જિંદગી કોઈ નિશ્ચિત ધ્યેયને શોધી ચૂકી છે એવું માનવું. નાની નાની બાબતોના આગ્રહો, નહીં જેવી બાબતોમાં જીદ – આ બધું પંખીની આસપાસનાં પાંદડાં, ડાળીઓ, થડ, વૃક્ષો, આખા જંગલ સમાન છે. જો એ બધું જ દેખાશે તો પંખી નહીં જોઈ શકો, પંખીની આંખની તો વાત જ જવા દો. જે ઘડીએ આ અહેસાસ થશે તે ઘડીએ ભટકવાનું બંધ થઈ જશે. તે ઘડીથી આ બે શબ્દોનું મહત્વ સમજાતું થઈ જશેઃ ચલાવી લેવું.
સાયલન્સ પ્લીઝ
ખુશનુમા જિંદગીની શોધમાં નીકળી પડવાનું ના હોય, સતત પ્રયત્નો કરતાં રહેને જાતે જ બનાવી લેવાની હોય.
—અજ્ઞાત
ખૂબ જ સુંદર લેખ અને અલગ સમજણ , જીવનનો નવો અભિગમ દેખાડવા બદલ આભાર
સરસ ? ? ?
Chalavee leta sikho..
Aaaaaaalagrang..
Beauuuuuuuuutiful..
Very impactful…write up ❤??
Aaaaaaaalageand
Aaaaamazing….
Very impactful write up…
The time…the devotion …given for this article can never be over emphasized …sp wen this article changes approach …attitude of even minimum persons towards life
Let go well explained,real mantra for be happy in life.
Sir, nicely explained ‘wanting’ and ‘letting go’, happy to share I am applying it, actually I have attended one workshop on this subject, thanks for reinforced.
Wah kya baat hain!
Sirji
Tame jindagi nie ketli saralta thi samjavi didhi
?
Good thinking about ” let go (ચલાવી લેવું)”
Aah..hha…
EXCELLENT…