મારી માતૃસંસ્થા ‘સમકાલીન’ અને હસમુખ ગાંધીના ત્રણ તંત્રીલેખ : સૌરભ શાહ

આજે ૧૪ જાન્યુઆરી ૨૦૨૪. બરાબર ૪૦ વર્ષ પહેલાં, ૧૪ જાન્યુઆરી ૧૯૮૪ના દિને ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રુપના શાનદાર ગુજરાતી દૈનિક ‘સમકાલીન’નો આરંભ થયો. એના સ્થાપકતંત્રી હતા ગુજરાતી પત્રકારત્વના ન ભૂતો ન ભવિષ્યતિ એવા પત્રકારશિરોમણિ હસમુખ ગાંધી. ગાંધીભાઈના આસિસ્ટન્ટ એડિટર તરીકે ૨૩ વર્ષની ઉંમરનો સૌરભ શાહ હતો. આ ભવ્ય દૈનિકમાંથી છુટા થયાના કેટલાંક વર્ષ બાદ , ૧૯૯૨થી ૧૯૯૫ દરમિયાન, મેં ‘સમકાલીન’માં લાસ્ટ પેજ પર દૈનિક તેમ જ એડિટ પેજ પરસાપ્તાહિક કૉલમો લખી.

આજે ગાંધીભાઈના ૩ દિલધડક તંત્રીલેખો તમારી સમક્ષ મૂકું છું. ઈમેજ પબ્લિકેશન્સે પ્રગટ કરેલા અને દિવ્યાંગ શુક્લે સંપાદન કરેલા પુસ્તકમાં એક જબરજસ્ત ફ્રન્ટ પેજ એડિટોરિયલ લેવાયો નથી. શક્ય છે કે એ લોકોની હિંમત નહીં ચાલી હોય કે સ્થાપિત હિતોનો ડર હશે. ઇન્દિરા ગાંધીની હત્યા અને રાજીવ ગાંધીની વડા પ્રધાનપદે નિમણુક—આ બેઉ બનાવોને એક જ તંત્રીલેખમાં સાંકળીને ગાંધીભાઈએ એ એડિટનું મથાળું બાંધ્યું હતું : ‘બે ગોઝારી ઘટના’. ગાંધીભાઈનો આ સર્વશ્રેષ્ઠ તંત્રીલેખ કહેવાય.

અહીં ગાંધીભાઈનો સૌથી પહેલો, સૌથી છેલ્લો અને બરાબર મધ્યની વર્ષગાંઠ નિમિત્તે લખાયેલા તંત્રીલેખ મૂક્યા છે. ઇમેજનું આ પુસ્તક આઉટ ઑફ પ્રિન્ટ છે પણ Amazon પર એની ebook મળે છે.

ગાંધીભાઈએ, અગિયાર વર્ષ પછી, ૧૯૯૫ના ફેબ્રુઆરીમાં ‘સમકાલીન’માંથી વિદાય લીધી. ૧૯૯૯ની ૨૬ જાન્યુઆરીના રોજ, ૬૬ વર્ષની ઉંમરે એમણે આ દુનિયામાંથી વિદાય લીધી.

***********

“સમકાલીન શા માટે? એક મેગ્ના કાર્ટા”
(સમકાલીનનો પહેલો તંત્રીલેખ)

ભણકારા વાગતા હતા. હવે પડો વજડાવીએ છીએ. સાદ સાંભળજો. નરીમાન પૉઇન્ટ પર ઍક્સપ્રેસ ટાવર્સમાંથી ઈન્ડિયન ઍક્સપ્રેસ જૂથનું ગુજરાતી દૈનિક આજથી, 14મી જાન્યૂઆરી, 1984થી પ્રસિદ્ધ થઈ રહ્યું છે. દૈનિકનું નામ છે ‘સમકાલીન’.

એક વધુ ગુજરાતી અખબારની, ‘સમકાલીન’ની, શી જરૂર? ગુજરાત, મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાં તેમ જ પરદેશોમાં (જ્યાં જ્યાં વસે એક ગૃજરાતી ત્યાં ત્યાં સદા કાળ ગુજરાત) ફેલાયેલા સાત કરોડ ગુજરાતીઓ માટે ગુજરાતી દૈનિકોની માત્ર દસ લાખ નકલ છપાય છે. અંગ્રેજી દૈનિકના પૂરક (કૉમ્પ્લિમેન્ટરી સપ્લિમેન્ટરી) દૈનિક તરીકે નહીં પણ વિકલ્પ તરીકે અથવા સમાંતર દૈનિક તરીકે ઊભા રહેવાના ‘સમકાલીન’ને કોડ છે.

છાપાળવી ભાષા, પ્રાદેશિક બોલી, ચીલાચાલુ પ્રયોગો, વ્યાકરણના ગ્રાઉન્ડ રૂલ્સનો ભંગ કરતાં લખાણો, ન સમજાય તેવાં વાક્યો, જોડણીને ફૂટી મારતા શબ્દો: આ બધાંને ચાતરી જવાની ‘સમકાલીન’ની નેમ છે. કોઈ એક જિલ્લાનું મુખપત્ર બની રહેવાને બદલે બૃહદ ગુજરાતને ‘સમકાલીન’ ધ્યાનમાં રાખશે. ઉમાશંકરની ‘ગુજરાત મોરી મોરી’ને, નર્મદની ’ગરવી ગુજરાત’ને અને ગુજરાતનો નાથ આલેખનાર કનૈયાલાલ મુનશીની ‘ગુજરાતની અસ્મિતા’ને ‘સમકાલીન’ સલામ કરે છે. દોહ્યલી ગુજરાતવાળા મહાત્મા ગાંધી, લોખંડી વલ્લભભાઈ પટેલ અને શહીદ બળવંતરાય મહેતાએ ગુજરાતને બક્ષેલા ગૌરવનું ‘સમકાલીન’, પક્ષાપક્ષીથી દૂર રહીને, જતન કરશે.

ગુજરાતીઓએ દેશભરમાં અને જગતભરમાં દરેક ક્ષેત્રમાં નામના કાઢી છે. વિજ્ઞાનથી માંડીને હોટેલ-મોટેલ સુધીનાં તમામ ક્ષેત્રે ગુજરાતીઓ અગ્રેસર રહ્યા છે. હોમી ભાભા અને વિક્રમ સારાભાઈ જેવાં નામો ભારતીય વિજ્ઞાનની પ્રગતિનાં સીમાચિહ્નો છે. ગુજરાતની સહકારી મંડળીઓ અને પંચાયત દેશમાં નમૂનેદાર ગણાય છે. ગોપાલક કૃષ્ણની વિહારભૂમિ ગુજરાતે સમગ્ર ભારતને ડેરીઉધોગની તાલીમ આપી છે. દેશનાં ઉધોગપ્રધાન રાજ્યોની હરોળમાં પહેલે નંબરે બેસવા માટે ગુજરાત ઝડપભેર આગળ વધી રહ્યું છે.

‘સમકાલીન’ ગુજરાતી વાચકોની આકાંક્ષાઓ અને તેમનાં જીવનમૂલ્યોનું દર્પણ બની રહેશે. વાચકોની શ્રદ્ધેયતા અને વિશ્ર્વસનીયતા ટકાવી રાખવા ‘સમકાલીન’ આકાશપાતાળ એક કરશે.

‘સમકાલીન’ આ દેશના સૌથી મોટા અખબારી પરિવારનું સભ્ય છે. 50 વર્ષ પહેલાં ગાંધીજીની પ્રેરણાથી ઈન્ડિયન ઍક્સપ્રેસનું મદ્રાસ ખાતેથી પ્રકાશન શરૂ થયું હતું. એ વખતે બધાં અંગ્રેજી અખબારો અંગ્રેજી સલ્તનતની આરતી ઉતારતાં હતાં. ઈન્ડિયન ઍક્સપ્રેસે હમેશાં સ્વતંત્રતાનો ઝંડો ઉપાડયો છે અને દુ:શાસન સામે બગાવત કરી છે. અબ્દુલ રહેમાન અંતુલેના પ્રતિષ્ઠાન અને સિમેન્ટની તેમણે કરેલી લહાણી વચ્ચેની કડી (નેક્સસ) ઍક્સપ્રેસે પ્રસ્થાપિત કરી હતી. જૂન, 1975થી માર્ચ, 1977 સુધી નાગરિકો અને અખબારો પર વીંઝાયેલા કટોકટીના કોરડા સામે ઈન્ડિયન ઍક્સપ્રેસ અડીખમ ઊભું હતું. ‘સમકાલીન’ આ ટિમ્બરનું બનેલું છે. ભાંગી જશે પણ વળશે કે ઝુકશે નહીં, ચંડીગઢથી મદ્રાસ સુધી વિસ્તરેલા ઍક્સપ્રેસ વારસા બદલ ‘સમકાલીન’ મગરૂર છે. તમિળ, તેલુગુ, કન્નડ, મરાઠી અને ગુજરાતીમાં ઍક્સપ્રેસનાં આઠ દૈનિક નીકળે છે. ઍક્સપ્રેસના ભાષાકીય દરબારમાં ‘સમકાલીન’ નવમું રત્ન છે.

વાચકો કે પાઠકો જ અખબારના અડીખમ રખેવાળો છે. અખબાર આડુંતેડું, વાંકુંચૂંકું ચાલવા લાગે ત્યારે ગાડીતની જેમ એને પરોણી મારવી એ જાગરૂક વાચકોનો ધર્મ છે. પ્રિય વાચક, સુજ્ઞ પાઠક, ‘સમકાલીન’ને સીધે રસ્તે ચલાવવાની ફરજ આપની છે. પ્રિય ‘સમકાલીન’ને જરૂર પડ્યે ટપારવું, એને ઝોંકો વાગે તો તે ઉતારવો, એને નજર લાગે તો મરચાંનો વધાર કરવો એ જવાબદારી, પ્રિય વાચક, આપની છે. આ વર્જિન પત્ર આપની અમાનત છે.

‘સમકાલીન’ નવા જમાનાનું મૉર્ડન દૈનિક છે. ‘સમકાલીન’ સમય સાથે કદમ મિલાવશે. સમકાલીનનો અર્થ થાય છે કૉન્ટેમ્પરરી. ‘સમકાલીન’ ખરેખર કૉન્ટેમ્પરરી હશે.

ગુજરાતી અખબારોમાં ‘સમકાલીન’ અનોખી ભાત પાડશે. ‘સમકાલીન’ ગુજરાતીઓનું, ગુજરાતીઓ માટેનું અખબાર છે. મુંબઈ એનું વડું મથક છે, એટલે મુંબઈગરાની સમસ્યાઓને એ પડઘાવશે.

‘સમકાલીન’ વેપારી વર્ગને ખાસ લક્ષમાં રાખશે. શેરબજાર, કૉમોડિટીઝ, સોનું-ચાંદી, કસ્ટમ્સ, આયાત-નિકાસ, યુનિટ ટ્રસ્ટ, કાપડથી માંડીને લોખંડબજાર, દૂધથી શરૂ કરીને ઘાસના અને પસ્તીના તેમ જ સિંગતેલથી માંડીને ખાંડ સુધીની પ્રત્યેક જણસના ભાવ, ભાવની ચઢઊતર, બજારોના પ્રવાહોનું બારીકીભર્યું અવલોકન અને કૉમર્સ બિઝનેસ ફાઇનાન્સ કે ઇન્ડસ્ટ્રીઝનાં તમામ ક્ષેત્રોને ‘સમકાલીન’ વામનનાં ત્રણ વિરાટ પગલાંની જેમ આવરી લેશે. અર્થકારણના નિષ્ણાતો ‘સમકાલીન’માં વેપાર, મૂડીરોકાણ, કરવેરા
અને બજારોનાં વહેણ વિશે નુક્તેચીની કરશે. ઇન્ડિયન ઍક્સપ્રેસ જૂથના માતબર આર્થિક દૈનિક ફાઇનાન્શિયલ ઍક્સપ્રેસનું ‘સમકાલીન’ને મોટું પીઠબળ રહેશે.

ગુજરાતભરનાં કેન્દ્રોમાંથી ‘સમકાલીન’ ગુજરાતના સમાચાર મેળવશે. ઍક્સપ્રેસ જૂથનાં જનસત્તા (અમદાવાદ, રાજકોટ) અને લોકસત્તા (વડોદરા) દૈનિકોનાં તમામ સાજ-અસબાબ ‘સમકાલીન’ને સમૃદ્ધ બનાવશે. ઍક્સપ્રેસની અમદાવાદ આવૃત્તિની પણ તેના તમામ સંવાદદાતાઓ સાથે ‘સમકાલીન’ને મોટી ઓથ રહેશે.

દેશભરમાં અને વિદેશોમાં ફેલાયેલા ઍક્સપ્રેસ ન્યૂઝ એજન્સીના વિશાળ નેટવર્કનો ‘સમકાલીન’ને લાભ મળશે.

‘સમકાલીન’નું કમ્પોઝિંગ આધુનિક ફોટોકમ્પોઝિંગ (કમ્પ્યૂટરો) દ્વારા થશે અને તેનું મુદ્રણ છેક અત્યાધુનિક ઑફ-સેટ પદ્ધતિથી થશે. તસવીરો (કેટલીક તો અનેકરંગી) અને કળાત્મક લે-આઉટ ‘સમકાલીન’ને સમયની સાથે રાખશે.

ગુજરાતના ચુનંદા લેખકો, પત્રકારો અને કટારલેખકોની ફોજ ‘સમકાલીન’ના વાચકોને બની રહેલી ઘટનાઓની પાર્શ્ર્વભૂમિકા તથા સમીક્ષા પૂરી પાડશે. ઊંડાણ અને પૅલેટેબિલિટી (ભાવે તેવું, શીરાની જેમ ઝટ ગળે ઊતરી જાય તેવું) એ ‘સમકાલીન’ કૉમેન્ટનો મુદ્રાલેખ છે. ‘સમકાલીન’ ન્યૂઝ અને વ્યૂઝના સમતોલ, સોનેરી-રૂપેરી તાણાવાણાથી, કાર્ટૂન અને કૉમિક્સથી વાચકોને મંત્રમુગ્ધ કરશે. પ્રથમ નજરે પ્રેમ કરવા માટે ‘સમકાલીન’ ગુજરાતી વાચકો ભણી હાથ લંબાવે છે.

(14-1-1984)

***********

“સમકાલીનકલ્ચર સ્થાપિત હિતોને અને જૈસે થેવાદીઓને રુચતું નથી”

સમકાલીન છ વર્ષ પૂરાં કરીને આજે સાતમા વર્ષમાં પ્રવેશે છે ત્યારે કેટલુંક સ્ટૉક-ટેકિંગ કરવાની તક અમે ઝડપી લઈએ છીએ. સમકાલીન હમેશાં ઉત્તર-દક્ષિણ ધ્રુવ જેવા બે પ્રત્યાઘાતો જગાવતું રહ્યું છે. એક વર્ગ એવો છે જે સમકાલીનકલ્ચર ઉપર ઓવારી જાય છે. બીજો વર્ગ નારાજ છે. આ બીજો વર્ગ એટલે સ્થાપિત હિતોનો વર્ગ. આ બીજો વર્ગ એટલે જૈસે થેવાદીઓનો વર્ગ. આ બીજો વર્ગ એટલે રૂઢિચુસ્ત, જુનવાણી, પ્રગતિવિરોધી, મતલબી વર્ગ. આ લોકોનાં ચિત્તમાં જૂનાં અખબારો વાંચી વાંચીને એક એવો ખ્યાલ પેસી ગયો છે કે અખબાર તો આવું જ હોય. એમને ઝટ નવું ફૉર્મેટ ફાવતું તથી. ફરમાયશી આઇટમોની લંગાર લાગી હોય, ડૂચા જેવાં હેક્નિડ મથાળાં હોય, એની ઉપર લાઇનસર ગોઠવાઈ ગયેલા એના એ ચાલુ માણસોના ચહેરા હોય, પાનાંનાં પાનાં નિરર્થક અને બિનઉપયોગી ન્યૂઝથી ઠાંસીને ભરેલાં હોય, જુદી જુદી જ્ઞાતિઓના પેધા પડી ગયેલા સ્યૂડો-નેતાઓને જ્ઞાતિના ગૌરવ તરીકે બિરદાવવામાં આવતા હોય, જુદી જુદી જ્ઞાતિઓ તથા સંસ્થાઓના હોદ્દેદારોની લાંબીલચક યાદી હોય, ગાંડુધેલું લખતા કહેવાતા કટારલેખકો હોય, માત્ર પોતાનું નામ છપાવવા માટે તંત્રીને કાગળ લખનારના પત્ર હોય, જેને ચારેય બાજુએ ઘુમાવ્યા પછી પણ હસવું ન આવે અને સમજાય પણ નહીં એવું સ્કેચ જેવું કાર્ટૂન હોય, આવાં અનેક અપલક્ષણોની વાચકો અપેક્ષા રાખે છે. પાનાંનાં પાનાં એવાં ફાલતુ હોય છે કે લોકો બે મિનિટમાં છાપું જોઈને ગડી વાળીને થેલીમાં મૂકી દે.

સમકાલીન ન્યૂઝ ચિક્કાર આપે છે પણ તે કદી રૂટિન, ફાલતુ, ચીલાચાલુ અને ભાષણિયાં આઇટમો પ્રસિદ્ધ કરતું નથી. 365 દિવસ સુધી રોજ તમિળ ટાઇગર્સ કે જેવીપીએ કેટલી હત્યા કરી કે પંજાબમાં ત્રાસવાદીઓએ કેટલા નિર્દોષોને હણ્યા કે કાશ્મીરમાં કયે સ્થળે આજે ફૂડબોંબ ફૂટયો કે નાશિકરાવ તિરપુડેએ અને બાબાસાહેબ ભોસલેએ અને શિવાજીરાવ પાટીલ – તિલંગેકરે આજે અબ્દુલ રહેમાન અંતુલે સાથે શી ગુફ્તેગૂ કરી કે સિમરનજિતસિંહ માન હવે સર્વપક્ષી પરિષદમાં જોડાશે અથવા નહીં જોડાય કે ઝીણાભાઈ દરજી અને સહદેવ ચૌધરી હવે માધવસિંહને ટેકો આપશે કે અમરસિંહને કે મગન નામના બોલરે તરખાટ મચાવ્યો કે નહીં કે જયલલિતા જયરામ અને મુથુવેલ કરુણાનિધિ વચ્ચે હવે અબોલા છે કે નહીં કે નોરીગા પાસે 47 જૂતાં હતાં અથવા નહીં કે કોસેસ્કુ પાસે 40 બુશશર્ટ હતાં કે નહીં કે ઑકટ્રોય નાબૂદ કરાવનારા વેપારીઓની દલીલો નક્કર છે કે પોકળ: આવા તરેહતરેહના નોન-ન્યૂઝ અખબારોમાં પ્રસિદ્ધ થયા કરે છે.

સમકાલીને સમાચારોની પસંદગીમાં હમેશાં ડ્રામા, નવીનતા, ઊંડાણ, ભૌગોલિક નિકટતા, પ્રજા માટે તેની ઉપયોગિતા અને હ્યુમન ઇન્ટરેસ્ટને ધ્યાનમાં રાખી છે. સમકાલીન ન્યૂઝ ઍડિટિંગ એકદમ બ્રાઈટ, ચુસ્ત અને ડિસ્ક્રિમિનેટિંગ હોય છે. મહત્વના સમાચાર બિલકુલ રહી ન જાય પણ ફાલતુ, વાહિયાત અને માથું દુખાડે એવી કોઈ આઇટમ વાચકોને માથે ન મારવામાં આવે તે વિશે સમકાલીન ચીફ સબ્ઝ હમેશાં જાગરૂક રહે છે. ન્યૂઝ મૂકીને વ્યૂઝ ઉપર આવીએ તો સમકાલીન એકદમ તટસ્થ અને આખાબોલું અખબાર છે. સમકાલીને રાજીવ ગાંધીની પહેલેથી છેલ્લે સુધી ઉગ્ર ટીકા કરી હતી પણ સાથે સાથે તેણે વિપક્ષને (હાલના શાસકોને) કદી આંધળો ટેકો આપ્યો ન હતો. હવે જ્યારે રાષ્ટ્રીય મોરચાની સરકાર સત્તા ઉપર આવી છે ત્યારે જ્યારે જ્યારે વી.પી.સિંહ અને તેમની મંડળી આડીઅવળી ચાલે છે. ત્યારે ત્યારે સમકાલીન એને ટપાર્યા વિના રહેતું નથી. હવે તમે શાસકો છો, વિપક્ષ નથી. હવે તમે નીતિઓ અને કાર્યક્રમો અમલમાં મૂકો છો. હવે વિવરણકારોની મીટ સતત આપની ઉપર રહેશે અને તમારી ક્ષતિઓ અમે ગાઈવગાડીને છતી કરીશું.

યુ આર પ્લેઇંગ ટુ ધ ગૅલરી, એક તંત્રીએ સમકાલીનનો કાન આમળ્યો હતો, ટીકા કરીને તો સૌકોઈ તાળીઓ પડાવી શકે, કશુંક રચનાત્મક લખી બતાવો. સમકાલીન આવાં સ્યૂડો-કન્સ્ટ્રક્ટિવ લખાણોમાં માનતું નથી. તંત્રી એ ભાટ કે ચારણ નથી. સારા કાર્યને તમારે પ્રસિદ્ધિ તથા પ્રોત્સાહન આપવાં જોઈએ, અનેક મુરબ્બીઓ કહે છે. સમકાલીન સમજે છે કે આ લોકો એરણની ચોરી કરીને સોયના ટોપકાનું દાન કરે છે. મોટા ભાગના સોશિયલ વર્કર્સ મતલબી અને પ્રસિદ્ધિભૂખ્યા હોય છે. મોટા ભાગના સોશિયલ વર્કર્સ વ્યવસાયી રાહત કાર્યકરો જેવા હોય છે. આવા લોકો વ્યવસાયી પત્રકારોને દક્ષિણા આપીને પોતાનાં ડાચાં છાપાંના વાચકોને માથે મારી જાય છે. પછી તો હિન્દી સિનેમાની જેમ (વિલન જોઈએ, નાચનારી જોઈએ, મોટરકારની રેસ જોઈએ, અદાલતી દશ્ય જોઈએ, રીંછ કે કૂતરો જોઈએ, દસ ગાયન જોઈએ, મોટા સ્ટાર જોઈએ, વિદૂષક જોઈએ વગેરે વગેરે) ગુજરાતી અખબારો માટે પણ ખોટાં નોર્મ્સ સ્થપાય છે. તંત્રીને મળવા જાઓ અને જે કાંઈ આપો તે છપાય જ એવા વિશ્વાસ સાથે માણસોનાં ટોળાં આવે છે. તેઓ સ્પષ્ટ ના સ્વીકારવા તૈયાર નથી હોતા અને તેમને આંચકો લાગે છે. આવા સેંકડો માણસોને રોજ રાજી કરીએ તો અખબારના રસકસ નિચોવાઈ જાય. સમકાલીને સાદી, શિષ્ટ પણ અસરકારક ભાષા વિકસાવી છે. હેક્નિડ છાપાળવા શબ્દો તેણે વીણી કાઢીને ફેંકી દીધા છે. ચકોર વાચકો ઘણી વાર અન્યોને સમકાલીનનું કઢંગું અનુકરણ કરતા જોઈને ગાલમાં હસે છે.

સમકાલીન માટે ગુજરાતના એક સ્યૂડો-શિક્ષણશાસ્ત્રી કમ સ્યૂડો-સાહિત્યકારે અસભ્ય વચનો ઉચ્ચાર્યા હતાં. પત્રકારત્વનો કક્કો પણ નહીં સમજનારા લોકોની સુરત ખાતેની એક સભામાં કોઈ મામૂલી લહિયાને કોઈ મામૂલી ઇનામડું આપવાનું હતું ત્યારે એક પીઢ સાહિત્યકાર પત્રકારે (એટલે જે સાહિત્યકાર પણ નથી, પત્રકાર પણ નથી) કહ્યું હતું કે સમકાલીન પત્રકારત્વ તો યલો જર્નાલિઝમ છે. એ વખતે પેલા ચશ્મિસ્ટ ખાલીખમ વિદ્વાને પેલા ભાઈનું પહેરણ ખેંચીને કહ્યું હતું: યલો નહીં, બ્લૂ.વાચકો સાહિત્યમાં અને પત્રકારત્વમાં બેવડી ઢોલકી બજાવનાર પેલા યલો ભાઈને અને કેળવણીમાં તથા સાહિત્યમાં ખાલી કડછા ઘુમાવનાર પેલા બ્લૂ ભાઈને સુપેરે ઓળખે છે અને સમકાલીન શી ચીજ છે એ પણ સુજ્ઞ વાચકો જાણે છે. સુષ્ઠુ સુષ્ઠુ બોલવું, મીઠી મીઠી વાતો કરવી, ફીફાં ખાંડવાં, દૂધમાં અને દહીંમાં પગ રાખવા, કોઈનેય દૂભવવો નહીં, વીઆઈપીઓને સાચવી લેવા: આવી આવી ચતુરાઈઓમાં સમકાલીન માનતું નથી. એક ઘા અને બે કટકાનો સમકાલીન ઇથોસ ચલતા પુર્જાઓને નડે છે. પ્રોપર ઑથોરિટીઝ પાસે લઈ જઈને સમકાલીનને ઝુડાવવાના હીન પ્રયાસો પણ થયા છે.

આખરે તો સત્ય પ્રકાશે છે, ફરેબ ખુલ્લો પડે છે. સવારે ન્યૂઝસ્ટૉલ ઉપરથી વાચકોને ઉંબરે જે અખબાર અફળાય છે તે વાંચીને વાચકો દૂધ અને પાણીને છૂટાં પાડી શકે છે. વાચક આપણા મતદાર જેવો છે, તેની કોઠાસૂઝ ધીંગી છે, તેને કોઈ ઉલ્લુ બનાવી શકતું નથી. માલ રદ્દી, વાસી, નબળો અને અપથ્ય હોય તો તેને વાચક રિજેક્ટ કરે છે. અખબારો નીરસ થઈ ગયાં છે. સાપ્તાહિકો દર સાત દિવસે છપાય છે છતાં પ્રમાણમાં બ્રાઇટ હોય છે. દૈનિકો પાસે ખૂબ સગવડ છે પણ દ્રષ્ટિ નથી. તેમની પાસે ઊંચા કૅલિબરવાળા માણસો નથી. જે છે તેઓ ઍક્સ્ટ્રા-કરિક્યુલર પ્રવૃત્તિઓમાં પડી ગયા છે.

ગુજરાતીમાં પત્રકારત્વ કદી વિકસ્યું નથી એ એક હકીકત છે. ગુસ્સો કરવાથી કે ગાળાગાળી કરવાથી હકીકતને બદલી શકાશે નહીં. આપણાં અખબારોના અહેવાલો બાલિશ અને હાસ્યાસ્પદ હોય છે. શૈલી એકદમ રેચેડ હોય છે. કદી કોઈ તકલીફ લેતું નથી. અગ્રલેખો કાં તો ઘસડવામાં આવે છે અને કાં તો ઊંચકવામાં આવે છે. ઓળખીતા-પાળખીતા ફાલતુ લોકો અહીં કટારલેખકો બનીને ડાંફો ભરે છે. આવી હાલતમાં પત્રકારત્વની જૂની ખખડધજ સ્કુલના સભ્યો એમ કહે કે સમકાલીન સિરિયસ પેપર નથી, સમકાલીન શિષ્ટ પેપર નથી (શિષ્ટતાનો ઇજારો આ મહાનુભાવોનો છે), સમકાલીન ઊડઝુડિયું અને પાગલ પેપર છે તો તેમને શી રીત દોષ દેવો? બધાં ઘુવડ એમ જ કહેતાં હોય છે કે, અમે કદી સૂરજ જોયો નથી.

(14-1-1990)

*************

“વીર સત્ય ને રસિક ટેકીપણું અરિ પણ ગાશે દિલથી”
(હસમુખ ગાંધીએ લખેલો છેલ્લો તંત્રીલેખ)

નર્મદે કરેલો આવો (શીર્ષકમાં છે તેવો) દાવો કરવાની ગુંજાશ તો વિદાય લઈ રહેલા તમારા તંત્રીમાં નથી. સત્ય તો સિંહણના દૂધ જેવું છે તેને જીરવવાનું કામ મોહનદાસ કરમચંદનું હતું. આપણે તો પામર તુચ્છ જંતુ છીએ. વીરત્વ અને ટેકીપણું પણ વિરલ જણસો છે. ગઈ કાલે તમારા તંત્રીએ કહ્યું હતું તેમ યથાથક્તિ રસપાન કરાવ્યું, સેવા કીધી બનતી. ‘સમકાલીન’તંત્રી તરીકે આજથી યુવાન અને તેજસ્વી પત્રકાર હરિ દેસાઈ ટેકઓવર કરે છે. ‘સમકાલીન’નું તંત્રીમંડળ યુવાન અને બ્રિલિયન્ટ પત્રકારોનું બનેલું છે. લોકો જ્યારે એમ કહેતા કે ‘સમકાલીન’ તો વનમેન શો છે ત્યારે મને હસવું આવતું હતું. અખબારનું પ્રોડક્શન તો એક ટીમવર્ક છે. તરુણ પત્રકારોની વચ્ચેથી એક ઘરડોઠચ્ચર તંત્રી હવે વિદાય લે છે. વાચકો નવા તંત્રીને ઉમળકાપૂર્વક વધાવે એવી મારી અભ્યર્થના છે. સમકાલીન એક ઍબનૉર્મલ દૈનિક છે. એમાં વાચકો અને તંત્રી વચ્ચે હમેશાં એક અદ્ભુત રૅપો રહેલો છે. મારા 11 વર્ષના તંત્રીપદ દરમિયાન મને વાચકોનો અકલ્પ્ય અને ભરપૂર સ્નેહ મળ્યો છે. વાચકો અને તંત્રી જ્યારે એક જ ફ્રિક્વન્સી ઉપર હોય છે ત્યારે આહ્લાદક સર્જનાત્મક લખાણો વિષ્પન્ન થાય છે. ઈન્ડિયન ઍક્સપ્રેસના માલિકો પોતાના તંત્રીઓને અજીબ અને ઍબ્સોલ્યુટ સ્વતંત્રતા આપે છે. રામનાથજી ગોએન્કા કાયમ કહેતા અને વિવેકજી ગોએન્કા કાયમ કહે છે: ‘ઈન અવર ઑર્ગેનિઝેશન, ઍડિટર્સ આર ગૉડ્ઝ.’ તંત્રીઓને આવી મોકળાશ ભાગ્યે જ કોઈ પ્રકાશકો આપતા હશે.

ઈન્ડિયન ઍક્સપ્રેસ એક મહાન સંસ્થા છે અને તેમાં કામ કરવું તે એક લહાવો હતો. ‘સમકાલીન’માંના મારા ક્લીગ્ઝે મને બહુ લાડ લડાવ્યાં છે. તેમણે મારી ઇડિયોસિન્ક્રસીઝ અને મારાં ટૅન્ટ્રમ્સને પણ ઉદારતાથી નિભાવી લીધા છે. પ્રુફરીડર ભાઈબહેનો, ફોરમેનો, ઑપરેટર ભાઈઓ અને આર્ટિસ્ટ ભાઈઓએ ‘સમકાલીન’ની પ્રગતિમાં ઉમળકાભેર ફાળો આપીને તેને સફળ બનાવ્યું છે. ‘સમકાલીન’ હેઝ ઑલ્વેઝ બીન એ ટ્રૅન્ડસૅટર. ભાઈ હરિ દેસાઈ મારા કલીગ હતા. તેઓ એક ઉત્સાહી અને તેજસ્વી પત્રકાર છે. હું તેમને તમામ પ્રકારની સફળતા ઇચ્છું છું. મને ખાતરી છે કે તેઓ ‘સમકાલીન’ને ખૂબ વિકસાવશે. મારા પ્રિય સુજ્ઞ વાચકોને મારી પ્રેમભરી સલામ: તમારા સાથ અને પ્રોત્સાહન વિના હું કશું જ કરી શક્યો ન હોત.

– હસમુખ ગાંધી

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

નવા કૅલેન્ડર વર્ષનો આરંભ થઈ ગયો છે. આપ સૌનું 2024નું વર્ષ શુભદાયી અને સુખદાયી નીવડે. આ વર્ષે બે દિવાળી આવે છે તે યાદ રાખશો. આસોની અમાસે તો ખરી જ, 22 જાન્યુઆરીએ પણ દીપોત્સવ છે જે 500 વર્ષ રાહ જોયા પછી ઉજવાશે.

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Paytm-
90040 99112

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

હવે તમે તમારું કૉન્ટ્રિબ્યુશન આ QR કોડ સ્કેન કરીને પણ મોકલી શકો છો.

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

2 COMMENTS

  1. પ્રિય સૌરભભાઈ,
    આપ ખરેખર ભાગ્યશાળી પુણ્યાત્મા છો, જેમને હસમુખભાઈ ગાંધી જેવા સમર્થ પત્રકાર સાથે કામ કરવાનો અમૂલ્ય અવસર પ્રાપ્ત થયો, આ જ પ્રમાણે મારા પૂજ્ય મામાજી શ્રી હરેનભાઈ ભટ્ટ (જનસત્તા રાજકોટ) ને પણ શ્રી ગાંધીભાઈ સાથે કામ કરવાનો અવસર મળ્યો હતો, મારા મામાજીએ જનસત્તામાં પૂરા ૩૫ વર્ષ કામ કર્યું, જનસત્તા ૨૦૦૫ માં બંધ થયું, ત્યાં સુધી, હવે એ નિવૃત્ત જીવન જીવે છે.
    આપનો આભારી
    નીતિન વ્યાસ
    રાજકોટ

  2. I miss Samkalin. It was a different type of look and feel. I always read Janmabhoomi – and Pravasi those years. But Samkalin was a breath of fresh air. How the layout, and the writeups felt different.

    I recall Shri Hasmukh bhai Gandhi used to write with a pseudonym as “Trun Talati”. Brilliant.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here