આજની જનરેશન ટીવી જોઈને બગડી છે કે તમને જોઈને: સૌરભ શાહ

(તડકભડક: સંસ્કાર પૂર્તિ, ‘સંદેશ’, રવિવાર, 23 ઑગસ્ટ 2020)

તમારું ટીન એજ સંતાન સિગારેટ પીએ છે એવી તમને ખબર પડે તો તમે એને શું કહેશો? ધમકાવશો? સમજાવશો? થપ્પડ મારશો? વહાલ કરશો?

આધુનિક પેરન્ટ્સ સમજે છે કે ધમકાવવાનો કે થપ્પડ મારવાનો વિકલ્પ નકામો છે. એટલે માબાપ એને સમજાવશે. ખૂબ સમજાવશે. માબાપને આ વાત જાણીને શૉક લાગ્યો છે એટલે મનમાં તો ધુંધવાટ છે જ. પણ એ ગુસ્સો દબાવીને તેઓ બાળકને સમજાવવાની કોશિશ કરશે. આ સમજાવટમાં તેઓ એટલા એગ્રેસિવ બની જતા હોય છે કે બાળક માટે એ સમજાવટ ગુસ્સાનો જ એક પ્રકાર બની જાય છે.

બાળક સમજી નથી શકતું કે જગત આખું સિગારેટ પીએ છે તો મેં પીધી એમાં ખોટું શું છે? તમારી ‘સમજાવટ’ને કારણે એ તમને ખોટેખોટું પ્રોમિસ પણ આપી દેશે કે હવેથી એ ક્યારેય સિગારેટ નહીં પીએ. આવું પ્રોમિસ પડાવીને તમે બાળકને બે ખોટી વાત કરવાની પ્રેરણા આપો છો. ૧. જુઠ્ઠું બોલવાની અને ૨. ચોરી કરવાની.

ભવિષ્યમાં એ ફરી સિગારેટ પીતાં પકડાય ત્યારે તમે એને કહો છો તું મારી આગળ જુઠ્ઠું શું કામ બોલે છે? સિગારેટના પૈસા પૉકેટ મનીમાંથી ઍડજસ્ટ ન કરી શકે ત્યારે એ ઘરમાંથી ચોરી કરે એટલે તમે એને કહો છો: તેં ઘરમાં ચોરી કરી?

તમે ભૂલી જાઓ છો કે એને આ બેઉ કામ કરવા માટે તમારી ‘સમજાવટે’ જ પ્રેરણા આપી છે. બાળકના આ બંને ગુનાઓમાં તમે પણ ઈક્વલ ભાગીદાર છો.

અહીં હું તમને દાખલો સિગારેટનો આપી રહ્યો છું પણ તમે સમજી રહ્યા છો કે મારે વાત સેક્સની કરવાની છે. બાળકે કોઈને કિસ કરી, કડલિંગ કર્યું, બીજું કોઈ અડપલું કર્યું કે પછી જે નહોતું કરવાનું તે જ અલ્ટિમેટલી કર્યું. પણ જાહેરમાં ચર્ચા કરવા માટે સિગારેટનું ઉદાહરણ રાખીએ તો હું લખવામાં અને તમે વાંચવામાં – કમ્ફર્ટેબલ રહીશું. ઓકે?

સૌથી પહેલાં તો તમારે પોતે સમજવું જોઈએ કે આવી જ કોઈક ઉંમરના તમે હતા ત્યારે તમને પણ સિગારેટ પીવાનું મન થયું હતું અને ક્યારેક તક મળી ત્યારે તમે પણ મિત્રો, કઝિન્સ કે પછી અડોશપડોશના લોકો સાથે સિગારેટ પી લીધી હતી, કમ સે કમ બેચાર ફૂંક તો મારી જ હશે. પણ છેક તે વખતથી તમે ડિનાયલ મોડમાં તમારી જાતને મૂકી દીધી છે અને કોઈનીય સાથે આ વાત શૅર નથી કરી, આ ઉંમરે પણ નહીં. એટલે તમે માની લીધું છે કે તમે એ ઉંમરે એવું કોઈ ‘ખરાબ’ કામ કર્યું જ નથી, આ તો આજની જનરેશન ટીવી જોઈને ‘બગડી’ ગઈ છે.

શક્ય છે કે તમને તમારી એ ઉંમરે એવી કોઈ તક નહોતી મળી. છતાં એવું મન તો થતું જ હતું અને તક મળી હોત તો સિગારેટ પી નાખી હોત તમે. કોઈને ખબર નહીં પડે એવી ખાતરી હોત તો એવી તકોનો વારંવાર લાભ ઉઠાવતા હોત તમે.

કબૂલ. તમારા જમાના કરતાં આ જમાનાનાં બાળકોમાં પ્યુબર્ટી વહેલી આવે છે, જેનાં અનેક કારણો છે અને એમાંના કોઈ કારણો પર તમારો કન્ટ્રોલ નથી, કુદરત કુદરતનું કામ કરશે. તમને જે કરવાનું મન તેર વર્ષની ઉંમરે થતું તે આજની પેઢીનાં બાળકોને બે વર્ષ પહેલાં, ક્યારેક ચાર વર્ષ પહેલાં પણ થઈ શકે છે તે તમારે સ્વીકારવું પડે.

બીજી એ વાત પણ સ્વીકારવી પડે કે તમે બાળકને ઍલાઉ કરશો કે નહીં, આ અર્જ એવી છે કે તમારી સંમતિ વિના, તમારા ડરને અવગણીને પણ એને મન થશે તો એ સિગારેટ પીશે ને પીશે જ.

ક્યાંક છૂપી જેલસી પણ છે તમને. એની ઉંમરે મેં આવું ન કર્યું ને એને આવું બધું કરવાની તક મળે છે.

તમને મોટો ડર એ છે કે તમારું બાળક સિગારેટ પીએ છે એ વાતની કોઈને ખબર પડી જશે તો એમાં તમારું પોતાનું કેવું લાગશે. તમે બાળકની સલામતી જાળવવાના આવરણ હેઠળ આ ડર દબાવી દો છો. પણ તમારે મનોમન કબૂલ કરવું જોઈએ કે હા, આ સોશ્યલ કે પારિવારિક ડર તમને છે.

ક્યાંક છૂપી જેલસી પણ છે તમને. એની ઉંમરે મેં આવું ન કર્યું ને એને આવું બધું કરવાની તક મળે છે. આ જેલસી વિશે જાત સાથે તમે કબૂલાત કરી શકતા નથી. બીજી વ્યક્તિ આગળ તો ક્ન્ફેસ કેવી રીતે કરવાના?

ઈન્ટરનેટ અને સોશ્યલ મીડિયાના વ્યાપ પછી તમે બાળક પર કોઈ રીતે કન્ટ્રોલ રાખી શકવાના નથી. વચ્ચે ટીવીના એક એપિસોડમાં તમે જોયું કે નવ વર્ષનો ગોલ્ફ ચેમ્પિયન કહે છે કે અડધી રમત તો હું યુ ટ્યુબ પરથી શીખ્યો. ગોલ્ફ જેવી અઘરી અને અત્યંત ટેક્નિકલ રમત જો યુ ટ્યુબ પરથી શીખી શકાતી હોય તો કુદરતે જે વાતની સાહજિક અર્જ મનુષ્યમાં જન્મથી જ મૂકેલી છે તેની આડીઅવળી સીધી તમામ વાતો તમારું બાળક યુ ટ્યુબ પરથી શીખવાનું જ છે. હા, મારો ઈશારો પોર્ન-સાઈટ્સ તરફ છે. યુ ટ્યુબ જ નહીં, બીજી એવી કઈ કઈ જગ્યાઓ છે જ્યાં અનેકગણી મસાલેદાર ચીજો જોવા મળે છે એની તમને ખબર નહીં હોય તો તમારા સંતાનના લેપટોપની વેબહિસ્ટરી ચેક કરશો તો ખજાનો મળશે. જોકે, તમારું બાળક તમારા જેટલું જ સ્માર્ટ છે એટલે એ સેશન લૉગ આઉટ કરતાં પહેલાં પોતાની વેબહિસ્ટરી ડીલીટ કરી નાખતું હશે.

તો હવે કરવું શું? ‘ધ ગાર્ડિયને’ તો અગિયાર વર્ષથી પંદર વર્ષનાં બાળકોનો સર્વે કર્યો. તમારા ઘરમાં એથીય નાનાં કે એથીય મોટાં સંતાનોને લઈને તમને આ બાબત અંગે ચિંતા થતી હશે જે સ્વાભાવિક છે.

તમે જોયું હશે કે અગાઉના બેત્રણ લેખમાં તમને કોઈ ડાયરેક્ટ સોલ્યુશન્સ મળ્યા નથી. ડુઝ કે ડોન્ટ્સની યાદી વન-ટુ-થ્રી લખીને આપી નથી. આપવી પણ નથી. મારે કૅટલિસ્ટ બનવું છે – ઉદ્દીપક. તમારું બાળક એકમેવ છે અને એની આ વિષયની બાબતમાં જે કંઈ પરિસ્થિતિ છે તે પણ યુનિક છે. યુનિક એટલા માટે કે એનું આસપાસનું વાતાવરણ, એનો ઉછેર, એનાં માબાપ (એટલે કે તમે), નાનપણથી એના મનમાં ઉછરેલાં વિચારો – લાગણીઓ આ બધું જ એને યુનિક બનાવે છે.

અને એટલે જ એને સમજવાવાળી શ્રેષ્ઠ વ્યક્તિ જો કોઈ હોય તો તમે છો, એનાં પેરન્ટ્સ. ઉકેલ તમારી પાસેથી જ આવશે. એના કોઈ રેડીમેડ ઉકેલ નહીં હોય, કસ્ટમ મેડ ઉકેલ હશે. એટલે જ અત્યાર સુધી મેં તમને તૈયાર કરવાનો પ્રયાસ કર્યો, ઉકેલ માટેની ભૂમિકા આ રીતે તૈયાર થઈ ગઈ. હવે તમે તમારા બાળકની સમસ્યાને માત્ર તમારા જ નહીં એના સંદર્ભમાં પણ જોતા થઈ ગયા. તમે એના જેટલા હતા તે કાળના સંદર્ભમાં જોતા પણ થઈ ગયા. અહીં મારું કામ પૂરું થયું. હવે તમે જાણો અને તમારાં બાળકો જાણે.

પાન બનાર્સવાલા

બાળકનો આદર કરો. વધુ પડતું માબાપપણું ન કરો.

– આર. ડબ્લ્યુ. એમર્સન

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here