પૂર્વગ્રહ, નિખાલસતા અને દંભ : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ : મંગળવાર, ૧ ડિસેંબર ૨૦૨૦)

પૂર્વગ્રહવાળું મન દૂષિત હોય છે એવું માની લેવાયું છે. રાગ અને દ્વેષ જેવી ગ્રંથિઓને પૂર્વગ્રહ સાથે જોડી દેવામાં આવી છે. પોતે પૂર્વગ્રહયુક્ત નથી એવું જતાવવા લોકો જાહેર કરતા રહે છે કે મારે મન તો બધા માણસો એક સરખા, મને કોઈનાય માટે પ્રેજ્યુડિસ નથી.

આવું કહેનારા ભલાભાઈને ખબર નથી હોતી કે માણસને પારખ્યા વિના એને સારો માનનારા પણ પૂર્વગ્રહયુક્ત જ ગણાય. પૂર્વગ્રહ એટલે અગાઉથી જ બાંધી લીધેલો અભિપ્રાય અથવા તો પહેલેથી (પૂર્વથી) બાંધી લીધેલું ગૃહીત (માન્યતા).

કોઈ પણ માણસને ખરો-ખોટો જાણ્યા વિના એના વિશે અભિપ્રાય આપવો એટલે એના માટે પૂર્વગ્રહ બાંધવો. કોઈ વ્યક્તિ વિશે તમે કશું જ ન જાણતા હો છતાં તમને એ ગમતી હોય ત્યારે તમને એના માટે પૂર્વગ્રહ છે એવું તમે કહો તો તમે ખોટા ન ગણાવ. એ જ રીતે કોઈકના વિશે તમે એવી એવી વાતો જાણતા હો જેને કારણે તમને એ વ્યક્તિ બિલકુલ ન ગમતી હોય ત્યારે કોઈ તમને આરોપભરી ભાષામાં કહે કે તમને તો એના માટે પૂર્વગ્રહ છે તો તમારે એ આક્ષેપની રજમાત્ર ફિકર કરવાની નહીં. વ્યક્તિ વિશે જાણકારી મેળવ્યા પછી એના માટે અભિપ્રાય બાંધવાને પૂર્વગ્રહ ના કહેવાય.

તમને જાણ્યા વિના, તમારું વર્તન કે તમારા વિચારોને જાણ્યા વિના કોઈ તમારા વિશે અભિપ્રાય બાંધે તો એ પૂર્વગ્રહ. પણ તમે કોણ છો, કેવા વિચારો ધરાવો છો, કેવું વર્તન કરો છો એ જાણ્યા પછી (ભલે ને એ વ્યક્તિ તમને ન મળી હોય) કોઈ તમારા વિશે જે અભિપ્રાય ધરાવતા થાય એમાં એમનો પૂર્વગ્રહ ક્યાંથી આવ્યો? તમે દલીલ કરશો કે: પણ એણે મને પૂરેપૂરો જાણવાની કોશિશ નથી કરી, એની પાસે મારા વિશે અધૂરી માહિતી છે.

માણસને પૂરેપૂરા જાણવું એટલે શું? કોઈ વ્યક્તિ ક્યારેય બીજી કોઈ વ્યક્તિને પૂરેપૂરી જાણી શકે? અશક્ય. સામેની વ્યક્તિ વિશેની એટલી જ માહિતી તમારી પાસે હોય છે જેટલી એ તમને આપવા ધારે છે. માણસ પોતે ધારે એટલો બીજા આગળ ખુલ્લો થઈ શકે છે અને ધારે એટલો બંધ રહી શકે છે. અહીં નિખાલસતાની અને દંભની વાત પ્રવેશે છે. કેટલાક લોકો ખૂબ નિખાલસ છે એવું આપણે માની બેસીએ છીએ જ્યારે કેટલાકના માટે દર ત્રીજા વાક્યે આપણે દંભી વિશેષણ વાપરતા હોઈએ છીએ. આ બેઉ મૂલ્યાંકનોમાં આપણે ધરાર ખોટા થઈ શકીએ છીએ.

નિખાલસ કોણ અને દંભી કોણ એ વિશે કેવી રીતે નક્કી કરીશું? સો ટકા નિખાલસ વ્યક્તિ મળવી અશક્ય છે. આ વાત તમે ભાર દઈને લખી રાખજો. અને આ પણ: સો ટકા દંભી માણસ મળવો પણ ઈમ્પોસિબલ છે.

ખુલ્લા દિલનો, નિખાલસ લાગે એવો માણસ સામે ઊભો છે અને તમે લિટરલી એના દિલમાં ડોકિયું કરી રહ્યા છો એવી કલ્પના કરો. ચાલો ને, મારા જ દિલમાં ઝાંકીએ. મારા હૃદયમાં તમને કેટલાક ઓરડા દેખાશે. માની લો કે દસ ઓરડા છે. આ દસ ઓરડામાંનો એક ઓરડો સાવ ઉઘાડો છે. તમે એમાં પ્રવેશી શકો છો. ખૂણેખૂણો તપાસી શકો છો. આ ઓરડા સાથે નિસબત રાખતી વાતો એ તમારી સાથે કરું છું ત્યારે તમને લાગે છે કે આ માણસ કેટલા ખુલ્લા હૃદયનો છે, કશું જ છુપાવ્યા વિના મનમાં જે કંઈ છે તે બધું જ તમને બતાવી દે છે. આ ઓરડામાંથી બહાર નીકળતી વખતે તમને બાકીના નવ ઓરડા દેખાય છે. એમાંના એકેય ઓરડાના દરવાજે તાળું લટકતું દેખાતું નથી એટલે તમે માની લો છો કે એ ઓરડાઓમાં પણ તમે ધારો ત્યારે પ્રવેશી શકશો અને મારા દિલમાંથી બહાર આવીને તમે જાહેર કરો છો કે આ માણસ તો ભારે નિખાલસ છે, જેવો છે તેવો જ એ દેખાય છે.

તમારો ભ્રમ ત્યારે ભાંગે છે જ્યારે ભવિષ્યમાં ક્યારેક તમે બાકીના નવમાંના કોઈ એક ઓરડામાં પ્રવેશ કરવાની કોશિશ કરો છો. બહારથી તાળું નથી લાગ્યું, આગળિયો પણ નથી વસાયો છતાં કમાડ ઊઘડતાં નથી. તમે ખૂબ કોશિશ કરો છો પણ દ્વાર ઊઘડતાં નથી. એ અંદરથી બંધ છે. બહારથી એ ખુલ્લાં હોવાનો માત્ર આભાસ હતો. મારો એ દેખાડો હતો કે હું સંપૂર્ણપણે ખુલ્લો છું. વાસ્તવમાં પેલા એક ઓરડા પૂરતો જ હું ખુલ્લો છું. તમારા બદલે અન્ય કોઈ વ્યક્તિ મારા પરિચયમાં આવી હોત તો એના માટે એ ઓરડો પણ બંધ કરી દીધો હોત એ શક્ય છે. એ વ્યક્તિ માટે એ ઓરડાને બદલે સાત નંબરનો ઓરડો ખોલી દઉં (જે તમારા માટે બંધ હતો) એ પણ શક્ય છે. કોઈકના માટે એક કરતાં વધુ કમરા ખોલી દઉં એ પણ શક્ય છે અને જે કમરો મેં ક્યારેય કોઈની આગળ નથી ખોલ્યો તે પણ કોઈની આગળ ખોલી દઉં ને બાકીના બધા જ કમરા એના માટે બંધ રાખું એ પણ શક્ય છે. અનેક પરમ્યુટેશન – કૉમ્બિનેશન શક્ય છે.

ક્યારેક એવું પણ બને કે હું દસેદસ ઓરડા અંદરથી જડબેસલાક બંધ કરીને બેઠો હોઉં. વખત એવો હોય એને કારણે અથવા આગંતુક એવો હોય એને કારણે મને આમ કરવું જરૂરી લાગે. આવું કરવું એ મારો અબાધિત અધિકાર છે. આ દસેદસ ઓરડા મારા છે, ધર્મશાળાના નથી કે ગમે તે આવીને કહે કે ખોલી આપો એટલે મારે ખોલી આપવા જોઈએ.

એક વાત નક્કી કે મારે મારા તમામે તમામ ઓરડા ઉઘાડાફટાક રાખવા જરૂરી નથી. ક્યારે કયો ઓરડો કોના માટે કેટલો ખોલવો એ મારી મરજીની વાત છે. એટલો નિખાલસ તો હું ક્યારેય ન બનું કે કોઈ પણ વ્યક્તિ ધારે ત્યારે મારા દસેદસ ઓરડામાં આંટા મારી જાય.

આ માત્ર મારી જ વાત નથી. તમને પણ એટલી જ લાગુ પડતી વાત છે. આપણા સૌની વાત છે.

અહીં સુધી તો સમજયા. પણ આગળ એક સવાલ. શું મને (કે તમને) પોતાને ખબર છે કે આ મારા (કે તમારા) આ દરેક ઓરડામાં શું શું છે?

શું હું પોતે દસેદસ ઓરડાનો એકેએક ખૂણો તપાસી આવ્યો છું? મને પણ ખબર ન હોય એવો કોઈ અગિયારમો ઓરડો પણ છે? મારાથી છૂપું અને છાનું એવું શું શું છે મારામાં?

દુનિયા માટે સદાય બંધ એવા મારા ખંડમાં શું છે તેની મને એકલાને જ ખબર હોય તો મારા પૂરતું એ બાબતે નિખાલસતા અને દંભ એ બેઉ શબ્દો એક સરખા છે.

અને મારાથીય અજાણ એવા અગિયારમા ઓરડામાં જે કંઈ હોય તે બાબતે નિખાલસતા અને દંભ એ બેઉ શબ્દો બિનમહત્ત્વના છે.

આજનો વિચાર

કામ માટેનો લગાવ કામને આરામમાં પલટી નાખે છે.

– સેન્ટ ટ્રીઝા ઑફ એવિલા

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

3 COMMENTS

  1. સૌરભભાઈ – આપે દંભ અને નિખાલસતા વિશે સુંદર છણાવટ કરી છે.
    મનુષ્યમાત્ર પોતાની મુનસફી મુજબ પોતાની નિખાલસતા અને દંભ અલગ અલગ પાત્રો સામે અલગ અલગ રીતે રજૂ કરતો હોય છે – આપે લખ્યું છે કે તે જે તે વ્યક્તિનો પોતાનો અબાધિત અધિકાર છે – કોની સામે કેટલું છુપાવવું અથવા તો કેટલું અંતર રાખવું તે માટે કોઈની ટીપણી બિન જરૂરી છે.
    આપે ગઈકાલે પૂર્વગ્રહ માટેની જોડણી અને બાંધણી ની આકર્ષક શૈલીમાં રજૂઆત કરી.
    આપની પેન માંથી અસ્ખલિત વહેતી સહી અને લોહી એકબીજામાં ભળી જાય છે તેમ મારું માનવું છે.
    લાજવાબ – ઉત્તમ

  2. મનના ઓરડાની બહુ સરસ રજૂઆત રહી. ખાસ કરીને એ વાત કે કોઈ ઓરડાને ખોલીને બતાવવો કે નહીં તે પોતાના મનની સ્થિતિ તથા સામે રહેલી વ્યક્તિ વીશેનો આપણો અભિપ્રાય કે પૂર્વગ્રહ નક્કી કરે છે.

    મારું માનવું છે કે સામે વાળી વ્યક્તિ ની જરુરીયાત અને લાયકાત વિશે આપણે અનુમાન લગાવીને તેને શું બતાવવું ને શું નહીં તે નક્કી કરીએ છીયે.

    હું આપનું ધ્યાન બીજી બે રીલેટેડ બાબત તરફ દોરીશ. તે છે મન, દિલ અને ચેતનાની સ્થિતિ. આ ત્રણે બાબત આપણી બિહેવીયર નક્કી કે છે. ઓફકોર્સ આ બાબતમાં ઈગો નો રોલ સર્વોપરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here