કશું જ બહુ વહેલું નથી, કશું જ બહુ મોડું નથી : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ : સોમવાર, ૧૭ મે ૨૦૨૧)

બે અંતિમો છે, કેટલાક વાચકો કહેતા હોય છે: તમારે તો બસ, રોજનો એક લેખ લખીને મૂકી દેવાનો એટલું જ ને! અને સામે બીજા કેટલાક પૂછતા હોય છે: રોજે રોજ નવા વિષયો પર વરસો સુધી સતત કેવી રીતે લખો છો?

હમણાં એક વાચકમિત્રનાં પત્નીએ ભાવથી પૂછયું, ‘લખવાનો મૂડ ન હોય તો તમે શું કરો?’ અમે હસીને જવાબ આપ્યો: ‘લખવામાં મૂડના હોવા વિશે અને મૂડના ન હોવા વિશે લખીએ!’ એમણે પૂછયું, ‘અને વારંવાર લખવાનો મૂડ ન આવે તો?’ અમે કહ્યું, ‘તો પછી શટર પાડીને દુકાન વધાવી લેવી પડે કાયમ માટે.’

લેખન કોઈ યાંત્રિક પ્રક્રિયા નથી. ફેકટરીની ફર્સ્ટ શિફ્ટ દરમ્યાન આટલું પ્રોડક્શન, સેકન્ડ શિફ્ટ દરમ્યાન આટલું પ્રોડક્શન, લોડ શેડિંગના દિવસે ઑફિસમાં હિસાબકિતાબ વગેરે આવા કોઈ નિશ્ર્ચિત માપદંડ લેખકના જીવનમાં નથી હોતા. લેખક કોઈ વેપારીની જેમ, ઘરેથી પત્ની સાથે ઝઘડો કરીને આવ્યો હોય તો પણ ફોન પર ચાર સોદા પાડીને એ દિવસ પૂરતા કમિશન પેટે લાખ રૂપિયા ઘર ભેગા કરી શકતો નથી. કે પછી મજૂરની જેમ દિમાગની બારી બંધ રાખીને આસપાસની તમામ કપરી પરિસ્થિતિને ભૂલી જઈ તનતોડ મજૂરી કરી એ દિવસ પૂરતો પોતાના માટેની અને પોતાના કુટુંબ માટેની રોજી એ કમાઈ શકતો નથી.

લેખક પોતાની ચેતનાને બુઠ્ઠી બનાવી શકતો નથી, જડ બનાવી શકતો નથી. એણે પોતાની સંવેદનશીલતા સાચવી રાખવી પડે છે. રમેશ પારેખ એક કવિતામાં કહે છે એમ તાતા વંટોળિયાની હાજરીમાં, ભીની થઈ ગયેલી દીવાસળીથી, દીવો પેટાવવાનો હોય છે. આમ છતાં એ સંવેદનશીલતા, એ ઈમોશન્સ, લાગણીઓ એની પાસે લખવાની પ્રવૃત્તિ કરાવવાને બદલે એને કોઈક બીજા જ વિશ્વમાં લઈ જવા માગતી હોય ત્યારે એણે, જે સંવેદનશીલતા પોતાના અસ્તિત્વનો આધાર છે, એને પણ ઘડીભર બાજુએ રાખી કાગળ-કલમની સન્મુખ થવું પડે છે કારણ કે એ લેખક છે. એની સૌ પ્રથમ નિસબત, જેને કારણે એ લેખક ગણાય છે તેની સાથે અર્થાત કાગળ-કલમ સાથે છે. માટે જ બધી સંવેદનશીલ વ્યક્તિઓ લેખક બની શકતી નથી.

માનસિક વાતાવરણ સર્જવામાં અને એને ટકાવી રાખવામાં શું અથવા કોણ મદદ કરે? અત્યાર સુધી જીવાઈ ગયેલાં વર્ષો, એ સારા માઠા અનુભવોમાંથી પ્રગટેલી સમજણો, તમારી આજુબાજુનું વાતાવરણ, આસપાસના ગમતા,ન ગમતા માણસો, વાંચન, વિચારપ્રક્રિયા, મંથન, આમાંથી કશુંક ખોરવાઈ જાય ત્યારે ઘડીભર બધું જ અસ્તવ્યસ્ત થઈ જાય. પછી થોડી વધુ મહેનત અને બધું પૂર્વવત્.

લેખનનો વ્યવસાય ભયંકર એકાંતમાં થતી પ્રવૃત્તિ છે. લેખક લખવાનું શરૂ કરે ત્યારે એનો પહેલો શબ્દ લખાય તે પહેલાં એની સામે કોરા કાગળ હોય છે. પેન હાથમાં લેતાં પહેલાં જે કંઈ હોય તે બધું જ એના દિમાગમાં હોય છે: થોડુંક સ્પષ્ટ, ઘણું બધું અસ્પષ્ટ. અકથ્ય લાગણીઓ અને ધસમસતા વિચારોના પ્રવાહમાંથી એ એક એક વાક્ય ગોઠવીને કાગળ પર અવતારે છે. આ દુનિયામાં પહેલવહેલીવાર, એના દ્વારા લખાયેલા એ શબ્દોને જન્મ આપે છે. આ શબ્દો માટે બાકીનું વિશ્વ અને વિશ્વ માટે આ શબ્દો નવા છે, કૌતુકભર્યા છે. એમાં રહેલું વિસ્મયતત્ત્વ વાચકને આકર્ષે છે. આ વિસ્મયમાં રહેલું ચુંબકત્વ વાચકને જકડી રાખે છે. અને આ ચુંબકત્વમાં રહેલી પરિપકવતા વાચકને સમૃદ્ધિથી બેઉ કાંઠે છલકાવી દે છે.

ક્યારેક શબ્દો જન્મ પામતાંવેંત મૃત્યુ પામેલ છે. આમ છતાં એના મૃતદેહો ઈજિપ્તના મમીની માફક વર્ષો સુધી લાઈબ્રેરીઓમાં પુસ્તકોરૂપે સચવાઈને પડ્યા રહે છે. જન્મીને ઝાઝું ન જીવતા એ શબ્દો પુસ્તકોની કબરમાં સચવાય એને બદલે એના અંતિમ સંસ્કાર છાપાંની પસ્તી ભેગા જ થઈ જાય તે સારું. કાગળ પર લખાતા- છપાતાં નવ્વાણું ટકા શબ્દો ફાફડા- ચટણીના વસ્ત્ર બનવાને લાયક હોય છે. બાકી રહેતા એક-બે ટકા શબ્દોને કારણે જગતસાહિત્યનો વૈભવ વધે છે. આ શબ્દો સર્જકના શબ્દો હોય છે, જીવતીજાગતી કમલમાંથી આવતા શબ્દો હોય છે.

કન્ટેમ્પરરી ક્લાસિક ગણાતી એરિક સેગલની નવલકથા ‘લવસ્ટોરી’ પછી ત્રીસ વર્ષે એ જ લેખકની આઠમી નવલકથા ‘ઓન્લી લવ’ પ્રગટ થઈ હતી. શીર્ષકમાંના ઓન્લી લવનો ભાવાર્થ ઓન્લી વિમલ જેવો નથી. ઓન્લી લવ એ અર્થમાં કે આપણે અનેક કરતાં વધુ વાર પ્રેમ કર્યા પછી, એક કરતાં વધુ વ્યક્તિને પ્રેમ કર્યા પછી પણ મનોમન સમજતા હોઈએ છીએ કે હુ વૉઝ ઈઝ ધ ઓન્લી લવ ઈન અવર લાઈફ. આ એ ઓન્લી લવવાળી નવલકથા છે. નવલકથાનો ઉપાડ થાય એ પહેલાંના પાને ફ્લોબેરના પત્રમાંથી એક વાક્ય એરિક સેગલે ટાંક્યું છે: ‘જિંદગીનો મોટાભાગનો સમય આ બે વાક્ય કહેવામાં જતો રહે છે: ‘આ તો બહુ વહેલું કહેવાય’ અને પછી ‘હવે તો ઘણું મોડું થઈ ગયું’.

પણ હું માનું છું કે લેખક માટે કશું જ બહુ વહેલું હોતું નથી. કોઈએ હજુ સુધી ન કહ્યું હોય, કોઈએ હજુ સુધી ન વિચાર્યું હોય કે કોઈએ હજુ સુધી ન લખ્યું હોય એવું કહેવા, વિચારવા, લખવા માટે કોઈ પહેલ કરે એની એ રાહ જોતો નથી. બીજાઓ કરતાં વહેલું વિચારી નાખતા લેખકોની ખરી કદર એના મૃત્યુ પછી જન્મેલી નવી પેઢીઓ કરી શકતી હોય છે. જીવતે જીવ અમર થઈ જવાનાં ફાંફા મારતો લેખક છેવટે પોતાના પ્રયત્નોમાં નિષ્ફળ જઈને ચીડ્યિો અને ઈર્ષ્યાળુ બની પોતાની સર્જકતાને ગુમાવી બેસતો હોય છે. એવા કેટલા બધા દાખલા છે. પોતાનું એકાંત સાચવી શકતો લેખક બધી રીતે સચવાય છે.

કશુંક કહેવા માગતા લેખકને ક્યારેય લાગતું નથી કે હવે ઘણું મોડું થઈ ગયું છે, મારા અગાઉ ઘણા બધા આ વિશે કહી ગયા છે, હવે હું કહી કહીને શું કહું. કૃષ્ણમૂર્તિએ કહેલું કે ‘મારા દ્વારા બોલાયેલો દરેક શબ્દ મૌલિક છે, કારણ કે મારા દ્વારા એ પહેલવહેલીવાર બાલાયેલો છે.’ બીજાઓ અગાઉ એવું જ કહી ગયા હોય એ શક્ય છે. પણ ગાલિબના શબ્દોમાં કહીએ તો રજૂઆત, અંદાજ-એ-બયાં, વાત કહેવાની રીત – આ બધું જ આગવું, પોતીકું, યુનિક છે. મૌલિક છે.

દુનિયાની દરેક વ્યક્તિ મૂળભૂત રીતે એકલી છે. માણસ એકલો રહેવા જ સર્જાયેલો છે. પોતાના એકાંતમાંથી ક્યારેક બહાર આંટો મારવા જઈ શકાય એ માટે માણસે સમાજની – સોસાયટીની રચના કરી તો ખરી પણ એની આકરી કિંમત એણે ચૂકવવી પડી. પોતાના અમૂલ્ય એકાંતનો સોદો કરીને એ સમાજ પાસે સ્વીકાર, પ્રતિષ્ઠા, હૂંફ મેળવવામાં પડી ગયો. એનું એકાંત વિસરાઈ ગયું. જે લેખક પોતાનું એકાંત વિખેરાવા દેતો નથી એ લેખકના શબ્દો વાચકના વ્યક્તિગત એકાંતને સ્પર્શે છે અને વાચકનો એ અદૃશ્ય આત્મીયજન બની જાય છે.

નાટક, સિનેમા કે નૃત્ય પરફોર્મિંગ આર્ટ છે. આ કળાઓની ઉજવણી માટે તેમ જ એના આસ્વાદ માટે એક કરતાં વધુ વ્યક્તિઓની, વ્યક્તિસમૂહની જરૂર છે. લેખન, ચિત્રકામ ઈત્યાદિ પૂણ કળા છે, એકાંતની કળા છે. લેખક – ચિત્રકારોએ નાટક, સિનેમા, નૃત્યના કળાકારોની જેમ પોતાના સર્જન માટે બીજાઓના સર્જન પર આધાર રાખવો પડતો નથી. લોકપ્રિયતા પરફોર્મિંગ આર્ટને વધુ મળે છે, વધુ ઝડપે મળે છે, પરંતુ પ્યૉર આર્ટ વધુ લાંબુ ટકે છે. શાકુંતલ કોણે ભજવ્યું હતું તે કોઈને ખબર નહીં હોય પણ કાલિદાસે લખ્યું હતું એની બધાને ખબર છે.

લેખકની, શબ્દના સર્જકની, આંતરિક સંઘર્ષકથા કહેવા માટેની નથી હોતી. એ આંતરિક સંઘર્ષમાંથી નીપજતા સર્જનની સાથે જ ભાવકને નિસબત હોય છે. સર્જનપ્રક્રિયા એટલે માત્ર કાગળ પર શબ્દો ઉતારવાની પ્રક્રિયા નહીં, લેખન તો સર્જનપ્રક્રિયાનો બિલકુલ છેલ્લો તબક્કો થયો. લેખન શરૂ કરતાં પહેલાંનો મનોવ્યાપાર એ જ ખરી સર્જનપ્રક્રિયા, લેખન શરૂ કરતાં પહેલાંનું એનું જીવન. અને એ જીવનના એના અનુભવો એ જ એની સર્જન પ્રક્રિયા. શબ્દની આ સર્જન પ્રક્રિયાની પીડા, એની ઘૂટન, એ દરમ્યાન વલોવાતો વિષાદ આ બધું જ લેખકની મૂડી છે, એનો અસબાબ છે. જે શબ્દો વિચારમંથનની ધગધગતી ભઠ્ઠીમા તપાઈને તૈયાર થયેલા છે, ઘડાયેલા છે, તે શબ્દો વાચકને શાતા આપે છે. લેખકની વેદનામાંથી નીપજતું સાહિત્ય ભાવકને પ્રસન્ન બનાવે છે. સર્જકના ફાડી ખાનારા એકાંતમાં પ્રગટેલા શબ્દો વાચકને પોતે ભર્યાભર્યા હોવાનો અહેસાસ અપાવે છે. આ તે કેવો વિરોધાભાસ.

વર્ષોથી દિવસરાત ચાલતી, ચોવીસે કલાક ધમધમતી અનુભવોની ફેક્ટરીના પ્રોડ્કશનરૂપે રોજ એક લેખ લખાય છે. કેટલાક કહેતા હોય છે કે તમારે તો સારું, બસ એક લેખ લખીને મૂકી દેવાનો! અને બીજા કેટલાક પૂછતા હોય છે: ‘રોજેરોજ નવા વિષયો પર કેવી રીતે લખતા રહો છો?’

બેઉ વાતોનો જવાબ મળી ગયો?

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

2 COMMENTS

  1. Lekhak nu Magaj anek spundana ane sfuranaothi bharelu hoya chhe, ane ene vishay aapmele udbhavta hoya chhe. Jene Paper per mukva nu vatavaran ENE potanej shodhi levu pade chhe. Je Saurabhbhai ne Gift ma malue chhe.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here