પાપ અને પુણ્યનો હિસાબ કેવી રીતે થતો હશે : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ : મંગળવાર, ૧૮ મે ૨૦૨૧)

પાપ એટલે ખરાબ કામ અને પુણ્ય એટલે સત્કાર્ય એટલી જ વ્ચાખ્યા કરીએ. ખરાબ કામ કોને કહેવું અને સારું કામ કોને કહેવું એ નક્કી કરવાનું દરેક વ્યક્તિની પોતાની નીરક્ષીર વિવેકબુદ્ધિ પર છોડી દઈએ.

તમે બે કામ પુણ્યનાં કર્યાં અને એમાં બીજાં બે સારાં કામ વધુ ઉમેર્યાં એટલે તમારુ પુણ્યનો સરવાળો થયો ચાર. હવે તમે એક પાપ કરો છો તો ચારમાંથી એક જાય એટલે ત્રણ. તમારા પુણ્યનો સરવાળો ચારમાંથી ઘટીને ત્રણ થઈ ગયો એવું નથી. પુણ્ય ચારનાં ચાર રહે છે. એ ચારેય સત્કાર્યનું જીવનમાં તમને જે સુખદ ફળ મળવાનું છે તે મળશે જ. સાથેસાથ પેલા એક પાપનું પરિણામ પણ તમારે ભોગવવાનું જ છે. આજે નહીં તો આવતીકાલે તમારે એ વાત બદલ સહન કરવાનું જ છે.

આજે વધારે ખવાઈ ગયું છે તો કાલે ચાલો એક ટંક ઉપવાસ કરી નાખીએ જેથી પેટની ગરબડ દૂર થઈ જાય એવું પાપપુણ્યમાં નથી હોતું. બહુ પાપ થઈ ગયા તો હવે થોડાં પુણ્યકાર્યો કરી નાખીએ જેથી પાપ ધોવાઈ જાય એવું નથી બનવાનું.

પાપ કદી ધોવાતાં નથી. પુણ્યનો સુખદ બદલો પણ મળવાનો જ છે. આ બેઉ સત્ય યાદ રાખવાં. કેટલાક પાપીઓ, યાને જિંદગીમાં સતત ખોટાં કાર્યો કરનારાઓ વિચારતા હોય છે કે પાપી પેટને ખાતર મારે જુઠ્ઠું બોલીને માલ વેચવો પડે છે, નકામી અને હાનિકારક દવાઓ પેશન્ટના ગળે ઉતારવી પડે છે, તકલાદી માલ બનાવીને ગ્રાહકોને છેતરવા પડે છે, કાળાંબજાર કરવાં પડે છે, ભક્તોને-શિષ્યોને ઉલ્લુ બનાવવા પડે છે, કોચિંગ ક્લાસ ચલાવીને વિદ્યાર્થીઓને ઊઠાં ભણાવવા પડે છે, મોટિવેશનલ સ્પીકર બનીને ભોળા શ્રોતાઓની કોણીએ ગોળ લગાડવો પડે છે, મતદારોને ખોટાં વચનો આપીને ચૂંટણી જીતવાનાં કારસ્તાનો કરવાં પડે છે, હોદ્દાનો દુરૂપયોગ કરીને મજબૂર લોકો પાસેથી એમનો કામ કરાવવા હરામની કમાણી કરવી પડે છે- તો ચાલો હવે પુણ્યકાર્ય પણ કરી લઈએ, જ્ઞાતિની સંસ્થામાં ગરીબ વિદ્યાર્થીઓના ફંડ માટે થોડા પૈસા આપીને પુણ્ય કમાઈ લઈએ, બગીચામાં બાંકડા બેસાડીને, જનરલ વોર્ડના દર્દીઓને મફત દવા-ફ્રુટ્સ વહેંચીને કે પરબડી બંધાવીને, સદાવ્રત ખોલીને, અપંગોમાં વ્હીલચેર્સ વહેંચીને, પર્યાવરણની રક્ષા કાજે બે પૈસાનું દાન કરીને, વાઘ-સિંહ-વ્હેલ બચાવીને કે ટાઢમાં ઠુંઠવાતા ભિખારીના શરીર પર ધાબળો ઓઢાડીને પુણ્ય કમાઈ લઈએ જેથી દિલ પરનો બોજ હળવો થઈ જાય.

એરણની ચોરી કરીને સોયનું દાન કરનારાઓએ એરણની ચોરીની સજા ભોગવવી જ પડતી હોય છે- અને તે પણ આ જ જન્મમાં. ઉપરવાળો કદીય તમારી ઉધારી બાકી રાખતો જ નથી. જે કંઈ લેવડદેવડ છે તેનો તમારા જીવતેજીવ હિસાબકિતાબ થઈ જ જતો હોય છે.

જો તમે સત્કાર્યો કર્યાં હશે તો તમારી ભલાઈનો બદલો તમને મળવાનો જ છે—આજે નહીં તો આવતીકાલે. જો તમે કોઈને કનડ્યા હશો તો કુદરત તમને કનડવાની જ છે—આજે નહીં તો આવતીકાલે.

બીજી એક વાત પણ સમજવા જેવી છે. અહીં બદલો વહેલોમોડો મળે છે પણ જરૂરી નથી કે એનું સ્વરૂપ તમે કરેલા કામની સાથે મેચ થતું હોય. સમજાવું. તમે કોઈ ભૂખ્યા માણસને રોજીરોટી આપીને એનું ભવિષ્ય ઉજ્જવળ કર્યું. તો તમારું ભલું કોઈક બીજા જ વિષય કે ક્ષેત્રમાં થાય એવું બને. તમારા સંતાનને ઉચ્ચ અભ્યાસ માટે સારી યુનિવર્સિટીમાં કે શિક્ષણ સંસ્થામાં એડમિશન અપાવીને કુદરત તમને ભૂખ્યા માણસના માટે કરેલા પુણ્યનો બદલો આપી શકે છે.

એ જ રીતે તમે કોઈને એનું સારું કાર્ય કરતાં અટકાવો છો, એના યજ્ઞમાં હાડકાં નાખો છો તો જરૂરી નથી કે કુદરત તમારા બિઝનેસમાં આડી આવે. કુદરત કદાચ એવું કરે કે તમે લાડકોડથી ઉછેરેલી અને ભવ્ય પ્રસંગ ઉજવીને પરણાવેલી તમારી દીકરીને એના દારૂડિયા, કજિયાખોર, દેવાળિયા, લંપટ પતિથી ત્રાસીને તમારા ઘરે પાછી મોકલે અને તમારે પછી આજીવન એને આશ્રય આપવો પડે.

હજુય એક વાત. કુદરતના હિસાબકિતાબની ફાઈન પ્રિન્ટ ગજબની હોય છે. તમે જેનું ભલું કર્યું છે એ જ વ્યક્તિ તમારું ભલું કરશે એવી બાર્ટર સિસ્ટમ પણ અહીં નથી. તમે કોઈનું ભલું કર્યું, એ તમને ભૂલી ગયો, અણીના સમયે તમને કામ ન આવ્યો, એટલું જ નહીં તમારો ઉપકાર ભૂલીને તમારો વિરોધી પણ બની ગયો. ભલે કંઈ નહીં. તમે એના પર કરેલો ઉપકારનો બદલો તમને એની પાસેથી ન પણ મળે, નહીં જ મળે. કોઈ બીજી વ્યક્તિ તમારા પર ઉપકાર કરી જશે.

એ જ રીતે તમે જેનું બગાડ્યું છે તે વ્યક્તિ પોતે કદાચ તમારું ન પણ બગાડે અને તમે નિશ્ચિંત થઈ જાઓ કે એનામાં તાકાત નથી મારું બગાડવાની. પણ તમારું એ પાપ કોઈ ત્રીજાના છાપરે ચડીને પોકારશે. કોઈ ત્રીજી જ વ્યક્તિ તમારું બગાડશે. તમને થશે કે મેં તો આનું કશું બગાડ્યું નથી, કે નથી હું ક્યારેય એને નડ્યો. તો પછી શું કામ એ મારે આડે આવ્યો? પણ આ હિસાબકિતાબ સરભર કરી લેવાની પ્રભુની અકાઉન્ટિંગ પદ્ધતિનું એક આગવું પાસું છે.

બસ, આટલું સમજીએ તો જીવનમાં કોઈ દુઃખ આપત્તિ સમાન લાગવાનું નથી.

આજનો વિચાર

સારું કામ કરવા માટે સારા લોકોની સાથે કામ કરવું જોઈએ. તમારી આસપાસનું વાતાવરણ સારું હશે, સારા લોકોથી બનેલું હશે, પરસ્પરનો આદરભાવ હશે, વિશ્વાસ હશે તો જ તમે સારાં કામો કરી શકશો.

— રણબીર કપૂર (અભિનેતા)

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

4 COMMENTS

  1. સર , ગમ્યો આ લેખ. કહે છે ને કે ઉપરવાળાની લાઠીમાં અવાજ નથી હોતો. વળી , મઝાકમાં પણ કહેલું છે કે ઈશ્ચર હવે ચોપડો નહીં પણ લેપટોપ લઈને હિસાબ કરવા બેસે છે એટલે એની ક્યાંય કોઈ ભૂલ નથી હોતી. કળીયુગમાં તો હિસાબ આ જ ભવે ચૂકતે થાય છે.
    હા , સર . ઇઝરાયલ અને હમાસના વિશે કંઈક કહેશો તો ઘણું જાણવા મળશે અમને. એ અંગેનો લેખ જરૂરથી મૂકશો.

  2. મોટા ભાઈ,
    નોંધ.
    સારી વાત તો ચાર્વાક થી લઇ કેજરી સુધી બધા કરે
    પણ એમના ક્વોટ કેમ ચલાવી લેવાય.
    ચરિત્ર અને હેતુ મુખ્ય છે.
    રણબીર જેવા ને ક્વોટ ન કરો તો સારું.

  3. આજનો લેખ ગમ્યો
    બે-ત્રણ દિવસ થી ખાલી જગ્યા પૂરવા જેવા લેખ હતાં
    રાહ જોઈ એ છીએ, બંગાળ તથા દક્ષિણ ભારતની ચુંટણી નું વિશ્લેષણ તથા તાજેતરના ઈઝરાયેલ-હમાસ યુધ્ધ તથા ભારતનું તેના પરનું સ્ટેન્ડ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here