(તમે આ ૩ હપતાની ક્લાસિક, નોસ્ટાલ્જિક અને દસ્તાવેજી શ્રેણીમાં વાંચીને જાણી શકશો કે મંદિરના અવશેષો હોવાના પુરાવાઓ તો વર્ષોથી કોર્ટ પાસે હતા. કોણ રોકતું હતું ચુકાદો આપતાં? તમને ખબર છે—આતંકવાદીઓ માટે રાતના બે વાગે સુપ્રીમ કોર્ટના દરવાજા ખોલાવનારા ગેન્ગસ્ટરો અને એમના દેશદ્રોહી ગૉડફાધરો. ભારતની પ્રજાએ ૨૦૧૪માં લોહીનું એક પણ ટીપું પાડ્યા વિના ક્રાન્તિ કરીને સત્તાપલટો ન કર્યો હોત તો સુપ્રીમ કોર્ટના દરવાજા કપિલ સિબ્બલો અને તિસ્તા સેતલવાડોના પ્રેમીઓ માટે હજુ ય અડધી રાતે ખુલતા હોત અને હજુ ય રામલલ્લા તૂટ્યાફુટ્યા તંબુમાં ચીંથરેહાલ વાઘા પહેરીને વિરાજમાન હોત, ૨૨મી જાન્યુઆરી હજુ ય આવી ન હોત.)
રામ જન્મભૂમિ વિશે મુસ્લિમ પુરાતત્ત્વવિદ્ શું કહે છે : સૌરભ શાહ
( ‘ગુડ મૉર્નિંગ’ : મુંબઇ સમાચાર. મંગળવાર, 12 માર્ચ 2019)
એમનું નામ કે. કે. મુહમ્મદ. ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણના રિજનલ સુપરિન્ટેન્ડન્ટ (નૉર્થ)ના હોદ્દા પર સેવાનિવૃત્ત થયા છે. ત્રણ આંતરરાષ્ટ્રીય અને છ રાષ્ટ્રીય પુરસ્કારો મળી ચૂક્યા છે. એમણે પોતાની આત્મકથા ટાઈપનું એક નાનકડું પુસ્તક લખ્યું છે: ‘મૈં હૂં ભારતીય.’ 166 પાનાંના આ હાર્ડ બાઉન્ડ પુસ્તકની કિંમત (રૂ. 400) મોંઘી લાગે પણ એનું મૂલ્ય ઘણું મોટું છે. પુસ્તકમાં ‘અયોધ્યા: કુછ ઐતિહાસિક તથ્ય’ નામના પ્રકરણમાંથી હવે પછીની માહિતી લેવામાં આવી છે.
આ પ્રકરણના આરંભે કે. કે. મુહમ્મદ લખે છે: ‘આ પ્રકરણ લખ્યા વિના મારી આ જીવનરેખાનું બયાન પૂરું નહીં થાય. આ લખાણ કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવા માટે કે પછી કોઈની ભાવનાઓને પ્રોત્સાહન આપવા માટે નથી લખાયું. મારી વિનંતી છે કે કોઈ પણ વ્યક્તિ એનો એ રીતે ઉપયોગ ના કરે.’
અયોધ્યાની રામ જન્મભૂમિની માલિકી સંબંધે 1990માં રાષ્ટ્રીય સ્તરે ખૂબ મોટી ચર્ચાઓ થવા માંડી. એ પહેલાં, 1976-77ના ગાળામાં પુરાતત્ત્વ અધ્યયન કરતી વખતે કે. કે. મુહમ્મદને એક વિદ્યાર્થી તરીકે અયોધ્યાની રામ જન્મભૂમિના ઉત્ખનન કાર્યમાં ભાગ લેવાનો મોકો મળ્યો હતો. પ્રૉ. બી. બી. લાલના નેતૃત્વમાં ‘દિલ્હી સ્કૂલ ઑફ આર્કિયોલૉજી’ તરફથી જે ઉત્ખનન ટીમ બની એના એક સભ્ય કે. કે. મુહમ્મદ હતા. ઉત્ખનન માટે આ ટીમ અયોધ્યા પહોંચી ત્યારે બાબરી મસ્જિદની દીવાલોમાં મંદિરના સ્તંભ હતા એવું કે. કે. મુહમ્મદ નોંધે છે અને ઉમેરે છે કે એ સ્તંભોનું નિર્માણ બ્લૅક બેસાલ્ટના નામે જાણીતા પથ્થરો વડે થયું હતું. સ્તંભની નીચેના હિસ્સામાં 11મી કે 12મી સદીના મંદિરોમાં જોવા મળતા પૂર્ણ કળશ દેખાતા હતા. મંદિરની સ્થાપત્યકળામાં જે 8 ઐશ્ર્વર્ય ચિહ્નો હોય છે એમાંનું એક ચિહ્ન પૂર્ણ કળશ હોય છે. ‘1992માં બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવે એ પહેલાં અમે (કે. કે. મુહમ્મદ અને એમની ટીમે) આવા (એક-બે નહીં 14 સ્તંભ જોયા છે’એવું નોંધીને તેઓ જણાવે છે કે મસ્જિદને પોલીસ સુરક્ષા પ્રાપ્ત થઈ હતી એટલે એમાં પ્રવેશ મળતો નહોતો પણ અમે લોકો ઉત્ખનન તથા સંશોધનના કાર્ય સાથે જોડાયેલા હતા એટલે અમારા પર કોઈ પ્રતિબંધ નહોતો. કે. કે. મુહમ્મદ ફરી એકવાર ભારપૂર્વક લખે છે: ‘ઉન સ્તંભો કો મૈંને નજદીક સે દેખા હૈ.’
પ્રૉ. બી. બી. લાલના નેતૃત્વ હેઠળની ટીમમાં ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણના અધિકારીઓ ઉપરાંત કે. કે. મુહમ્મદ સહિતના ‘દિલ્હી સ્કૂલ ઑફ આર્કિયોલૉજી’ના 12 વિદ્યાર્થીઓ સામેલ હતા. ઉત્ખનન માટે લગભગ બે મહિના સુધી તેઓ અયોધ્યામાં રહ્યા. મુહમ્મદ લખે છે: ‘બાબર કે સેનાનાયક મીર બાકી દ્વારા તોડે ગયે યા પહલે સે તોડે ગયે મંદિરોં કે અંશોં કા ઉપયોગ કરકે મસ્જિદ કા નિર્માણ કિયા ગયા હૈ.’
તેઓ આગળ લખે છે : ‘પહલે જો કસૌટી કે પથ્થરોં (બ્લેક બેસાલ્ટ) સે નિર્મિત સ્તંભ કે બારે મેં બતાયા ગયા થા, ઉસી તરહ કે સ્તંભ ઔર ઉસકે નીચે કે ભાગ મેં ઈંટ કા ચબૂતરા મસ્જિદ કી બગલ મેં ઔર પીછે કે ભાગ મેં ઉત્ખનન કરને સે પ્રાપ્ત હુઆ. ઈન સુબૂતોં કે આધાર પર મૈંને કહા કિ બાબરી મસ્જિદ કે નીચે મંદિર રહા થા. મેરા યહ બયાન 15 દિસંબર 1990 કો આયા થા. ઉસ સમય માહૌલ ગરમ થા.’
કે. કે. મુહમ્મદ નિખાલસતાથી પોતાની મનોભાવના વ્યક્ત કરે છે: ‘ખેદ સાથે કહેવું પડે છે કે ઉગ્રપંથી મુસ્લિમોના જૂથની મદદ કરવા માટે કેટલાક વામપંથી (લેફ્ટિસ્ટ, સામ્યવાદી) ઈતિહાસકારો આગળ આવ્યા અને એમણે મુસ્લિમોને બાબરી મસ્જિદનો કબજો નહીં સોંપવાની સલાહ આપી. હકીકતમાં, એમને (ડાબેરી ઈતિહાસકારોને) ખબર નહોતી કે આવી સલાહ આપીને તેઓ કેટલું મોટું પાપ કરી રહ્યા છે. દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જે.એન.યુ.)ના એસ. ગોપાલ, રોમિલા થાપર, બિપિન ચન્દ્રા વગેરે જેવા ઈતિહાસકારોએ તો રામાયણના ઐતિહાસિક તથ્યો પર જ સવાલ ઊભા કરવાનું શરૂ કરી દીધું અને કહ્યું કે 19મી સદી પહેલાં મંદિર તોડવામાં આવ્યું હોય એવો એક પણ પુરાવો નથી. આ ડાબેરી ઈતિહાસકારોએ અયોધ્યાને ‘બૌદ્ધ-જૈન કેન્દ્ર’ ગણાવ્યું. એમની હામાં હા પુરાવવા માટે પ્રૉ. ઈરફાન હબીબ, પ્રૉ. આર. એસ. શર્મા, અનવર અલી, ડી. એન. ઝા, સૂરજભાણ વગેરે આગળ આવ્યા. આમ બાબરીવાળાઓને એ વખતે એક મોટા જૂથનું સમર્થન મળી ગયું. આ સૌમાં એક માત્ર સૂરજભાણ પુરાતત્ત્વવિદ્ હતા. પ્રૉ. આર. એસ. શર્માની સાથેના કેટલાય ઈતિહાસકારો બાબરી મસ્જિદ એક્શન કમિટીની બેઠકોમાં વિશેષજ્ઞ તરીકે ભાગ લેવા માંડ્યા હતા.’
આ બાબરી મસ્જિદ એક્શન કમિટીની અનેક બેઠકો ભારતીય ઈતિહાસ અનુસંધાન પરિષદ (ઈન્ડિયન કાઉન્સિલ ઑફ હિસ્ટોરિકલ રિસર્ચ – આઈ.સી.એચ.આર.જે ભારત સરકારની મિનિસ્ટ્રી ઑફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ હેઠળની એક સ્વાયત્ત સંસ્થા છે. કેન્દ્રીય સરકારી ગ્રાન્ટ ઉપરાંત આ સંસ્થાને રાજ્ય સરકારો તરફથી તેમ જ વ્યક્તિગત ધોરણે તેમ જ વિદેશી સંસ્થાઓ/વ્યક્તિઓ તરફથી પણ ચિક્કાર નાણાં મળે છે. ભારતની આ સમૃદ્ધ સંસ્થાએ ડાબેરીઓના અડ્ડા તરીકે કામ કરીને દેશના ભવ્ય ભૂતકાળને ખૂબ તોડયો-મરોડ્યો છે.)
કે. કે. મુહમ્મદ જણાવે છે કે બાબરી મસ્જિદ એક્શન કમિટીની મીટિંગ આઈ.સી.એચ.આર.ના કાર્યાલયમાં થતી. તે વખતે આઈ.સી.એચ.આર.ના સભ્ય અને સચિવ એવા ઈતિહાસકાર પ્રૉ. એમ. જી. એસ. નારાયણે આનો વિરોધ પણ કર્યો હતો, પરંતુ પ્રૉ. ઈરફાન હબીબે આ વિરોધને ગણકાર્યો નહોતો. ભારતીય મીડિયામાં પગપેસારો કરી ગયેલા ડાબેરી-સામ્યવાદી-વામપંથી-કમ્યુનિસ્ટ ઈતિહાસકારોએ અયોધ્યાની રામ જન્મભૂમિની વાસ્તવિકતા પર સવાલો ઊભા કરતા લેખોનો મારો શરૂ કરીને આમ જનતામાં ભ્રમ ઊભો કર્યો, ગૂંચવાડો પેદા કર્યો. વામપંથી ઈતિહાસકારોએ તથા એમનું સમર્થન કરવાવાળા ‘એક અંગ્રેજી અખબાર’ જેવા મીડિયાની નીતિને કારણે જે સામાન્ય મુસ્લિમો આ મસ્જિદ હિન્દુઓને આપી દેવી જોઈએ એવા મતના હતા તેઓના વિચારોમાં પણ પલટો આવી ગયો અને તેઓ પણ હવે કહેવા લાગ્યા કે ના, મસ્જિદ હિન્દુઓને ના સોંપવી જોઈએ. સામ્યવાદી ઈતિહાસકારોની ચાલાકીને કારણે આ વિચાર પરિવર્તન આવ્યું. આમ સમાધાનનો માર્ગ હંમેશને માટે બંધ થઈ ગયો. જો સમાધાન થઈ ગયું હોત તો હિંદુ-મુસ્લિમ સંબંધો ઐતિહાસિક દૃષ્ટિથી એક નવા વળાંક પર આવી ગયા હોત. અત્યારે દેશની સામે જે અનેક સામાજિક સમસ્યાઓ છે એનો ઉકેલ મળી ગયો હોત. આનાથી એક વાત તદ્દન સ્પષ્ટ થાય છે કે મુસ્લિમ-હિન્દુ ઉગ્રપંથીઓ જ નહીં, સામ્યવાદી ઉગ્રપંથીઓ પણ રાષ્ટ્ર માટે ખતરનાક છે. આ આખી સમસ્યાને પંથનિરપેક્ષ રહીને જોવાને બદલે વામપંથીઓની ડાબી આંખે જોઈને અયોધ્યા વિવાદનું વિશ્ર્લેષણ કરતા એ અંગ્રેજી અખબાર The Times of India એ ઘણો મોટો અપરાધ કર્યો છે જેની રાષ્ટ્રે મોટી કિંમત ચૂકવવી પડી છે.
આ તમામ શબ્દો કે. કે. મુહમ્મદના પુસ્તક ‘મૈં હૂં ભારતીય’ (પ્રકાશક: પ્રભાત પ્રકાશન, નવી દિલ્હી)માં છપાયાં છે.
બાકીની વાત કાલે.
આજનો વિચાર
કિસી દોસ્તને ક્યા ખૂબ કહા હૈ: જિન્દા રહે તો હમ બાર બાર મિલતે રહેંગે. કભી ઈસ ‘બાર’ મેં, કભી ઉસ ‘બાર’ મેં.
– વૉટ્સએપ પર વાંચેલું.
એક મિનિટ!
બકો: ગયા વખતે મેં કૉંગ્રેસના ઉમેદવારને મત આપ્યો હતો.
પકો: હા, પણ એનું શું?
બકો: એ ભાજપમાં જોડાઈ ગયો.
પકો: હવે?
બકો: આ વખતે હું જ સીધો ભાજપને મત આપવાનો છું.
***********
એ જમાનો હતો જ્યારે સેક્યુલર – લેફ્ટિસ્ટોની સામે પડવા બદલ તમને સજા થતી : સૌરભ શાહ
( ‘ગુડ મૉર્નિંગ’ : મુંબઈ સમાચાર : બુધવાર, 13 માર્ચ 2019)
2014 પછી ભારતમાં જુદું વાતાવરણ છે. તમે ખોંખારો ખાઈને જાહેરમાં હિંદુઓની તરફદારી કરી શકો છો, સેક્યુલરવાદીઓની નામ દઈને ભરપૂર ટીકાઓ કરી શકો છો, કટ્ટરવાદી મુસ્લિમ નેતાઓ તથા લેફ્ટિસ્ટ ભાંગફોડિયાઓને ઉઘાડા પાડી શકો છો.
સોનિયા-મનમોહનના રાજમાં આવું વાતાવરણ નહોતું. ઈવન વાજપેયી સરકારના ગાળામાં પણ સેક્યુલર બ્રિગેડની એવી જડબેસલાક પક્કડ હતી કે તમે ચૂં કે ચાં કરો તો ફેંકાઈ જાઓ. વાજપેયી સરકાર બની એ પહેલાં તો સેન્સરશિપ જેવું વાતાવરણ હતું. બાબરી તૂટી ત્યારે તો સેક્યુલરવાદીઓનાં કે લેફ્ટિસ્ટોનાં કુકર્મોની વિરુદ્ધ કશું પણ લખવું કે બોલવું સુસાઈડ કરવા જેવું પગલું ગણાતું. ભારતમાં બહુ ઓછા નરબંકાઓ 1992 થી 2002 દરમ્યાનના ગાળામાં સેક્યુલરવાદીઓની અસલિયતને ઓળખીને એમને નિર્વસ્ત્ર કરવાની પ્રવૃત્તિ કરી શક્યા. 2002 પછી અનેક સેક્યુલરવાદીઓએ પોતાના બ્રેડ પર કઈ તરફ બટર લાગી શકે એમ છે તે જોયું અને ક્રમશ: પલટી મારવાની શરૂ કરી અને યુ-ટર્ન લેનારાઓની ભીડ એટલી વધી ગઈ કે રીતસરનો ટ્રાફિક જામ થઈ ગયો. 2014 પછી તો પરિસ્થિતિ જ આખી બદલાઈ ગઈ. હવે દેશદ્રોહીઓ સિવાય અને ડબલ ઢોલકીઓ સિવાય કોઈ ઍન્ટી હિન્દુ વાત નથી કરતું, હવે પ્રૉ-સેક્યુલર તથા પ્રૉ-લેફ્ટિસ્ટ વિચારો ધરાવનારાઓ સમાજમાં રક્તપીતિયા ગણાતા થઈ ગયા છે. પણ અગાઉનો જમાનો જુદો હતો.
અને એ જમાનામાં કે. કે. મુહમ્મદ નામના મુસ્લિમ નરબંકાએ પુરાતત્ત્વ ખાતાની પોતાની સરકારી નોકરી છીનવાઈ જઈ શકે એવું બહાદુરીભર્યું પગલું ભર્યું. ‘મૈં હૂં ભારતીય’માં એમણે આ વિશે લખ્યું છે.
1990-91ની વાત છે. મુહમ્મદસાહેબ તે વખતે મદ્રાસમાં પુરાતત્ત્વ ખાતાના ડેપ્યુટી ડિરેક્ટર તરીકે કામ કરતા હતા. (એ વખતે હજુ ચેન્નઈ નામ નહોતું પડ્યું. 1996માં મદ્રાસનું ચેન્નઈ થયું). ‘ઈન્ડિયન એક્સપ્રેસ’ની મદ્રાસ આવૃત્તિમાં કે. કે. મુહમ્મદે ઐરાવતમ્ મહાદેવન નામના એક નિવૃત્ત આઈ.એ.એસ. અફસરનો લેખ વાંચ્યો. સિંધુ નાગરી લિપિ વિશે એક પુસ્તક લખનાર મહાદેવન આદરણીય વિદ્વાન છે. કેન્દ્ર સરકારમાં સેક્રેટરીના ઉચ્ચ હોદ્દા પરથી નિવૃત્તિ લીધા પછી મહાદેવન પ્રસિદ્ધ તમિળ દૈનિક ‘દિનમણિ’ના સંપાદક તરીકે કામ કરતા હતા. (‘દિનમણિ’ પણ ‘ઈન્ડિયન એક્સપ્રેસ’ જૂથનું જ અખબાર છે). ઐરાવતમ્ મહાદેવને લખ્યું હતું: ‘બાબરી મસ્જિદની નીચે મંદિરના અંશ છે અને મંદિરના અંશ નથી – આવા બે ભિન્ન અભિપ્રાયો છે. આનું નિરાકરણ એ જગ્યાએ ખોદકામ થાય તો જ શક્ય છે. પણ એક ઐતિહાસિક ભૂલને સુધારવા માટે એ જ ઐતિહાસિક સ્મારક (બાબરી મસ્જિદ)ને તોડવું ગલત વાત છે.’
કે. કે. મુહમ્મદે આ લેખ વાંચ્યો. તેઓ પોતે ઑલરેડી 15 ડિસેમ્બર 1990ના રોજ જાહેરમાં કહી ચૂક્યા હતા કે બાબરી મસ્જિદની નીચે એમણે જાતે પોતે મંદિરના અંશ જોયા છે.
મુહમ્મદે મહાદેવનને અભિનંદન આપતો પત્ર લખ્યો. પત્રમાં 1976-77ના ગાળામાં એ જગ્યાએ થયેલા ઉત્ખનન કાર્યમાં પોતે ભાગ લીધો હતો એ વાતનો ઉલ્લેખ પણ કર્યો. પત્રમાં એમણે એવું પણ લખ્યું: ‘તમારા મત મુજબ એક ઐતિહાસિક ભૂલને સુધારવા માટે એ જ ઐતિહાસિક સ્મારકને તોડવાની ભૂલ ન કરવી જોઈએ – આ વિચાર અભિનંદનને પાત્ર છે. તમે વાચકો સમક્ષ તમારો વ્યાપક દૃષ્ટિકોણ પ્રગટ કર્યો છે.’
1976-77માં પોતે બાબરી મસ્જિદમાં હિંદુ મંદિરના જે અવશેષો જોયા તે વિશે તો પત્રમાં સવિસ્તર ઉલ્લેખો કે. કે. મુહમ્મદે કર્યા જ હતા. (જે તમે ગઈ કાલે આ કૉલમમાં વાંચી ગયા).
મુહમ્મદસાહેબની ઑફિસ એ સમયે સચિવાલયના ક્લાઈવ બિલ્ડિંગમાં હતી. આ પત્ર મળતા જ મહાદેવન એમની ઑફિસે આવ્યા અને આ પત્ર વાચકોના પત્ર તરીકે ‘ઈન્ડિયન એક્સપ્રેસ’માં છપાવવો જોઈએ એવી વાત કરીને એમની અનુમતિ માગી. મુહમ્મદ જાણતા હતા કે આ મુદ્દો સેન્સિટિવ છે. એક સરકારી કર્મચારી હોવાને કારણે આવા વિષય પર સરકારની અનુમતિ વિના કંઈ પણ નિર્ણય લેવો આત્મઘાતી પગલું બની શકે એમ છે. એમને ખબર હતી કે આ પત્રના પ્રકાશન માટે ઉચ્ચ અધિકારીઓની મંજૂરી મળવાની નથી. એમણે પોતાના ઉપરી ડૉ. નરસિંહ અને મહાદેવન સાથે ચર્ચા-વિચારણા કરીને નિર્ણય લીધો કે સત્યને ઢાંકી રાખવું ઉચિત નહીં ગણાય.
કે. કે. મુહમ્મદના વિચારો ‘ઈન્ડિયન એક્સપ્રેસ’ની તમામ આવૃત્તિઓમાં વાચકોના પત્રોની કૉલમમાં પ્રગટ થયા. એ પછી એનો અનુવાદ અનેક ઠેકાણે છપાયો. ઘણા લોકોએ એમને અભિનંદન આપ્યા તો કેટલાકે એમને ધમકીભર્યા ફોન પણ કર્યા.
આ પત્ર પ્રગટ થયો એના થોડા જ દિવસોમાં કેન્દ્રીય સંસ્કૃતિ વિભાગના જોઈન્ટ સેક્રેટરી આર. સી. ત્રિપાઠી તથા આર્કિયોલોજિકલ સર્વે ઑફ ઈન્ડિયા (એ.એસ.આઈ.)ના ડિરેક્ટર ડૉ. એ. સી. જોશી કોઈક સત્તાવાર કામે મદ્રાસ આવ્યા.
ડૉ. જોશીએ મુહમ્મદને બોલાવીને તડકાવ્યા: ‘સરકારની પરવાનગી વિના તમે આ જટિલ સમસ્યા પર જાહેરમાં ટિપ્પણી શું કામ કરી? આ મામલામાં નિયમાનુસાર જાતતપાસ શરૂ કરીને તમને સસ્પેન્ડ કરવામાં આવશે.’
મુહમ્મદે ખુમારીભેર કહ્યું, ‘સર, મને ખબર છે કે મેં પરવાનગી માગી હોત તો મને ના પાડવામાં આવી હોત. મેં દેશની ભલાઈ માટે એક ઈમાનદાર બયાન આપ્યું છે.’ આટલું કહીને મુહમ્મદે પોતાની દલીલના સમર્થનમાં એક સંસ્કૃત શ્ર્લોક ટાંક્યો.
અલાહાબાદના બ્રાહ્મણ ત્રિપાઠીને ગુસ્સો આવ્યો: ‘(મુસ્લિમ થઈને) તમે મને સંસ્કૃત શીખવાડો છો? હું તમને અબ ઘડી સસ્પેન્ડ કરું છું.’
મુહમ્મદે શાંત રહીને જવાબ આપ્યો: ‘સ્વધર્મે નિધનં શ્રેય:’ પોતાનું કામ કરતાં કરતાં મોત પણ આવે તો એનું સ્વાગત છે.
આ સાંભળીને ત્રિપાઠીનો મિજાજ પલટાયો. એમણે કહ્યું, ‘મિસ્ટર મુહમ્મદ, તમારો અડગ નિર્ણય ચોક્કસ અભિનંદનીય છે. એક પુરાતત્ત્વવિદે જે કહેવું જોઈએ એ જ તમે કહ્યું છે. તમે એક પ્રામાણિક અને સાચા પુરાતત્ત્વવિદ્ છો. પણ તમારા ઉપર કામ ચલાવવા માટે અમારા પર ચારેબાજુથી પ્રચંડ દબાણ છે.’
‘મને ખબર છે, સર,’ મુહમ્મદે કહ્યું, ‘બહુ વિચાર્યા પછી મેં એ પત્ર છપાવ્યો છે.’
હવે ડૉ. જોશીનો વારો હતો. એમણે પાણીમાંથી પોરા કાઢતા હોય એમ પૂછ્યું, ‘પણ તમે તમારું સરનામું અને તમારો હોદ્દો શું કામ પત્ર નીચે લખ્યાં?’
મુહમ્મદે કહ્યું, ‘સર, આખું સરનામું ન આપ્યું હોત તો કોને ખબર પડી હોત કે કોણ મુહમ્મદ, ક્યાંનો મુહમ્મદ? જે લખાયું છે એમાં પારદર્શિતા હોવી જોઈએ. એટલે મેં મારું પૂરું સરનામું આપ્યું.’
મુહમ્મદ પર કાર્યવાહી ચાલવાની છે એવા સમાચાર મળતાં જ ‘દિનમણિ’ના સંપાદક મહાદેવન પેલા બેઉ અધિકારીઓને મળ્યા.
સસ્પેન્શન તો અટક્યું પણ સજારૂપે ટ્રાન્સફર કરવામાં આવી. કેરળના વતની એવા કે. કે. મુહમ્મદ માટે મદ્રાસ બીજા ઘર જેવું હતું. એમને મદ્રાસથી ઉપાડીને સીધા ગોવામાં ફેંકી દેવામાં આવ્યા.
આજનો વિચાર
ઉસ કે બાદ નરેન્દ્ર મોદી ચાઈના ‘જાતા’ હૈ… મસૂદ અઝહર ‘જી’ કે સાથ બૈઠકર…
(રાહુલ ગાંધીએ સોમવારે દિલ્હીના પ્રવચનમાં પીએમ મોદીને તુંકારે બોલાવ્યા અને આતંકવાદી મસૂદ અઝહરને માનાર્થે સંબોધન કર્યું તેની વિડિયો ક્લિપના અંશ).
એક મિનિટ!
બકો: મને સોનિયાજીનો ઠાઠ ગમ્યો…
પકો: કેમ?
બકો: સામાન્ય ઔરત બાળકને સંભાળવા આયા રાખતી હોય છે, આમણે આખી પાર્ટી રાખી છે.
**********
મંદિર હોવાના 263 નક્કર પુરાવાઓ સુપ્રીમ કોર્ટને કેમ દેખાતા નથી : સૌરભ શાહ
( ‘ગુડ મૉર્નિંગ’: મુંબઇ સમાચાર : ગુરુવાર, 14 માર્ચ 2019)
1992ની છઠ્ઠી ડિસેમ્બરે બાબરી તૂટી ત્યારે કે. કે. મુહમ્મદની નોકરી ગોવામાં હતી. મુહમ્મદ ‘મૈં હૂં ભારતીય’ નામના એમના આત્મકથાનુમા પુસ્તકમાં લખે છે કે બાબરી તૂટ્યા પછી એમાંથી જે મહત્ત્વપૂર્ણ પુરાતત્ત્વ અવશેષો પ્રાપ્ત થયા એમાંનો એક છે ‘વિષ્ણુ હરિશિલા પટલ’. આ શિલાલેખ પર 11મી કે 12મી સદીની નાગરી લિપિમાં સંસ્કૃત ભાષામાં લખવામાં આવ્યું છે કે આ મંદિર વાલિ અને દસ હાથવાળા (રાવણ)ને મારનારા વિષ્ણુ (શ્રીરામ વિષ્ણુના અવતાર છે)ને સમર્પિત કરવામાં આવે છે. 1992માં ડૉ. વાય. ડી. શર્મા તથા ડૉ. કે. એન. શ્રીવાસ્તવ દ્વારા થયેલા સંશોધનમાં અહીંથી વિષ્ણુ અવતારો તથા કુશાણ જમાનાની (ઈ. સ. 100 – 300) શિવ-પાર્વતીની માટીની મૂર્તિઓ પણ મળી આવી છે. 2003ની સાલમાં અલાહાબાદ હાઈ કોર્ટની લખનૌ બેન્ચના કહેવાથી થયેલા ખોદકામ દરમ્યાન લગભગ 50 મંદિર સ્તંભ અને એ સ્તંભની નીચે ઈંટથી બનાવેલો ચબૂતરો મળી આવ્યા હતા. આ ઉપરાંત મંદિરના ઉપરના ભાગનું બાંધકામ મળી આવ્યું હતું તેમ જ મંદિરમાં થતા અભિષેકના જળને બહાર મોકલવાની સુવિધાનું બાંધકામ પણ મળી આવ્યું હતું. ઉત્તર પ્રદેશ ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણના ડિરેક્ટર ડૉ. રાકેશ તિવારીએ કોર્ટમાં સબમિટ કરેલા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે બાબરી મસ્જિદના આગળના હિસ્સાને સમથળ કરતી વખતે મંદિર સાથે સંકળાયેલા કુલ 263 પુરાતત્ત્વ અવશેષ પ્રાપ્ત થયા છે.
કે. કે. મુહમ્મદ લખે છે કે, ‘તમામ પુરાવાઓ અને પૌરાણિક અવશેષોના વિશ્ર્લેષણ પછી ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (આર્કિયોલૉજિકલ સર્વે ઑફ ઈન્ડિયા – એ.એસ.આઈ.) એવા નતીજા પર પહોંચે છે કે બાબરી મસ્જિદની નીચે એક મંદિર હતું. અલાહાબાદ હાઈ કોર્ટની લખનૌ બેન્ચે પણ આ નિર્ણય માન્ય રાખ્યો છે.’
હવે થોડી અત્યારની વાત કરીએ. મધ્યસ્થી માટેની સુપ્રીમ કોર્ટની વાત શા માટે તદ્દન વાહિયાત છે એની વાત કરીએ. અલાહાબાદ હાઈ કોર્ટે માન્ય રાખેલો મંદિરના 263 પુરાતત્ત્વ અવશેષોવાળો ચુકાદો સુપ્રીમ કોર્ટ પાસે પણ છે. સુપ્રીમ કોર્ટે કાં તો એ પુરાવાઓ રિજેક્ટ કરવા જોઈએ કાં સ્વીકારવા જોઈએ. રિજેક્ટ એ કરી શકે એમ નથી, કારણ કે આ બાબતમાં આર્કિયોલૉજિકલ સર્વે ઑફ ઈન્ડિયા (એ.એસ.આઈ.) કરતાં બીજી કોઈ મોટી અને વિશ્ર્વસનીય ઑથોરિટી ભારતમાં છે નહીં. ઈન્ડિયન કાઉન્સિલ ઑફ હિસ્ટોરિકલ રિસર્ચ (આઈ.સી.એચ.આર.)ના ઈરફાન હબીબ જેવા ઈન્ટેલેક્ચ્યુઅલ મવાલીગીરી કરનારા ઈતિહાસકારોનો એજન્ડા તો ખુલ્લો પડી ગયો છે. એટલે એ લોકોના સડકછાપ વ્યૂને સુપ્રીમ કોર્ટે અવગણવો જ પડે. આવા સંજોગોમાં સુપ્રીમ કોર્ટ પાસે આ પુરાવાઓ સ્વીકારીને સ્પષ્ટ ચુકાદો આપવા સિવાય બીજો કોઈ આરો નથી. આ તો સારું છે કે શિયા મુસ્લિમોએ રામ જન્મભૂમિની કેટલીક જમીન પરનો પોતાનો લીગલ દાવો જતો કરી દીધો છે અને એ ભૂમિ પર મંદિર બાંધવા માટે હિન્દુઓને સોંપી દીધી છે અને બીજું એ પણ સારું છે કે સુન્ની મુસ્લિમોએ ભલે આ વિવાદમાં વચ્ચે ઝંપલાવ્યું હોય પણ કાનૂની દૃષ્ટિએ એમને આ ભૂમિ સાથે કોઈ લેવાદેવા નથી.
પણ ધારો કે, જસ્ટ ધારો કે, રામજન્મભૂમિના પ્લૉટ પરનો દાવો શિયાઓએ જતો ન કર્યો હોત કે સુન્નીઓ પાસે આ જમીનનો પ્લૉટ પોતાની માલિકીનો છે એવા જડબેસલાક પુરાવા હોત તો શું થાત?
એવું હોત તો પણ (તો પણ) હિન્દુઓને આ જમીન પર રામમંદિર બાંધવાનો કાનૂની હક્ક છે, કારણ? તમારી પત્નીના ગળાનો સોનાનો હાર કોઈ ચોર ચોરી જાય અને એને ઓગાળીને એમાંથી એ ચોર પોતાની પત્નીની બંગડીઓ બનાવે તો કોર્ટે એ જોવાનું ન હોય કે બંગડીઓ કોના કાંડાના માપની છે. કોર્ટે એ જોવાનું હોય કે એ બનાવવાનું સોનું કોના હારમાંથી આવ્યું છે અને જેના હારનું સોનું હોય એને એ સોનું પાછું અપાવી દેવાનું હોય. કોર્ટની આ ફરજ છે.
ધારો કે મુસ્લિમો તરફથી એવી દલીલ પેશ કરવામાં આવે કે બાબરના સેનાપતિ મીર બાકીએ અહીંનું મંદિર તોડ્યું હતું એની એમને જાણ હોત તો અમે આ જગ્યાએ મસ્જિદ બાંધી જ ન હોત. અમે તો (મંદિર તોડ્યાના સો-બસો-ત્રણસો વર્ષ પછી) આ ખાલી જગ્યા જોઈ અને મસ્જિદ બાંધી એમાં અમારો શું વાંક?
ઈન ધૅટ કેસ ઑલસો, આ જગ્યા પર હિન્દુઓનો જ હક્ક બને છે. તમે સેકન્ડ હૅન્ડ ગાડી ચેક પેમેન્ટથી ખરીદો અને એ ચોરીનો માલ નીકળે તો તમારા હાથમાંથી એ ગાડી તો જાય જ જાય, તમારા પૈસા પણ પડી જાય અને પોલીસ ધારે તો ગાડીના ચોરની સાથે તમારી પણ મિલીભગત હતી એવો કેસ આઈ.પી.સી.ની. કલમ 120-બી હેઠળ ઠોકી દઈ શકે જેની સજા તમને એટલી થાય જેટલી પેલા ગાડી ચોરને થાય. મને ખબર નહોતી કે આ માલ ચોરીનો છે એ એક્સક્યુઝ કોર્ટ માન્ય નહીં રાખે.
સુપ્રીમ કોર્ટ પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો કે એ સ્વીકારી લે કે એક જમાનામાં બાબરી મસ્જિદ જે જગ્યાએ હતી તે જગ્યા મૂળ રામ જન્મભૂમિ છે અને ત્યાં બંધાયેલું રામમંદિર તોડીને એના અવશેષો પર મસ્જિદ ઊભી થઈ છે એટલે હવે એ જગ્યા હિન્દુઓને આપી દેવી જોઈએ.
પણ સુપ્રીમ કોર્ટ કોઈક કારણસર આવો ચુકાદો આપવા નહોતી માગતી. એટલે એણે મધ્યસ્થીનું લાકડું ઘુસાડતી વખતે કહી દીધું કે બાબરે શું કર્યું ને શું નહીં એની સાથે અમારે કશી લેવાદેવા નથી. કેમ, ભાઈ? કેમ કશી લેવાદેવા નથી? આ પુરાવાઓ છે. તમે દર વખતે તો પુરાવાઓના આધારે જજમેન્ટ આપો છો, તો આ કેસને શું કામ મધ્યસ્થી-બધ્યસ્થીના નામે ટલ્લે ચડાવો છો?
આ મામલામાં સુપ્રીમ કોર્ટની જા બિલ્લી કુત્તે કુ મારની નીતિ ક્યાં સુધી ચાલશે?
( આ લેખ પ્રગટ થયાના ૮ મહિના પછી, ૧૯ નવેમ્બર ૨૦૧૯ના રોજ સુપ્રીમ કોર્ટની પાંચ જજસાહેબોની બેન્ચે સર્વાનુમતે ચુકાદો આપ્યો કે બાબરી ઢાંચાવાળી જમીન પર અસલમાં રામમંદિર હતું અને આ જમીન પર હિંદુઓનો હક્ક છે. સુપ્રીમ કોર્ટ આ ચુકાદો વહેલો આપી શકી હોત.)
**************
( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર 90040 99112 પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
નવા કૅલેન્ડર વર્ષનો આરંભ થઈ ગયો છે. આપ સૌનું 2024નું વર્ષ શુભદાયી અને સુખદાયી નીવડે. આ વર્ષે બે દિવાળી આવે છે તે યાદ રાખશો. આસોની અમાસે તો ખરી જ, 22 જાન્યુઆરીએ પણ દીપોત્સવ છે જે 500 વર્ષ રાહ જોયા પછી ઉજવાશે.
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Paytm-
90040 99112
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
હવે તમે તમારું કૉન્ટ્રિબ્યુશન આ QR કોડ સ્કેન કરીને પણ મોકલી શકો છો.
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો