પાપ અને પુણ્યનો હિસાબ કેવી રીતે થતો હશે : સૌરભ શાહ

પાપ એટલે ખરાબ કામ અને પુણ્ય એટલે સત્કાર્ય એટલી જ વ્ચાખ્યા કરીએ.

ખરાબ કામ કોને કહેવું અને સારું કામ કોને કહેવું એ નક્કી કરવાનું દરેક વ્યક્તિની પોતાની નીરક્ષીર વિવેકબુદ્ધિ પર છોડી દઈએ.

તમે બે કામ પુણ્યનાં કર્યાં અને એમાં બીજાં બે સારાં કામ વધુ ઉમેર્યાં એટલે તમારા પુણ્યનો સરવાળો થયો ચાર. હવે તમે એક પાપ કરો છો તો ચારમાંથી એક જાય એટલે ત્રણ—તમારા પુણ્યનો સરવાળો ચારમાંથી ઘટીને ત્રણ થઈ ગયો એવું નથી. પુણ્ય ચારનાં ચાર રહે છે. એ ચારેય સત્કાર્યનું જીવનમાં તમને જે સુખદ ફળ મળવાનું છે તે મળશે જ. સાથેસાથ પેલા એક પાપનું પરિણામ પણ તમારે ભોગવવાનું જ છે. આજે નહીં તો આવતીકાલે તમારે એ વાત બદલ સહન કરવાનું જ છે.

આજે વધારે ખવાઈ ગયું છે તો કાલે ચાલો એક ટંક ઉપવાસ કરી નાખીએ જેથી પેટની ગરબડ દૂર થઈ જાય એવું પાપપુણ્યમાં નથી હોતું. બહુ પાપ થઈ ગયા તો હવે થોડાં પુણ્યકાર્યો કરી નાખીએ જેથી પાપ ધોવાઈ જાય એવું નથી બનવાનું.

એરણની ચોરી કરીને સોયનું દાન કરનારાઓએ એરણની ચોરીની સજા ભોગવવી જ પડતી હોય છે- અને તે પણ આ જ જન્મમાં. ઉપરવાળો કદીય તમારી ઉધારી બાકી રાખતો જ નથી.

પાપ કદી ધોવાતાં નથી. પુણ્યનો સુખદ બદલો પણ મળવાનો જ છે. આ બેઉ સત્ય યાદ રાખવાં. કેટલાક પાપીઓ, યાને જિંદગીમાં ધંધામાં સતત ખોટાં કાર્યો કરનારાઓ, વિચારતા હોય છે કે પાપી પેટને ખાતર મારે જુઠ્ઠું બોલીને માલ વેચવો પડે છે, નકામી અને હાનિકારક દવાઓ પેશન્ટના ગળે ઉતારવી પડે છે, તકલાદી માલ બનાવીને ગ્રાહકોને છેતરવા પડે છે, કાળાંબજાર કરવાં પડે છે, ભક્તોને-શિષ્યોને ઉલ્લુ બનાવવા પડે છે, કોચિંગ ક્લાસ ચલાવીને વિદ્યાર્થીઓને ઊઠાં ભણાવવા પડે છે, મોટિવેશનલ સ્પીકર બનીને ભોળા શ્રોતાઓની કોણીએ ગોળ લગાડવો પડે છે, મતદારોને ખોટાં વચનો આપીને ચૂંટણી જીતવાનાં કારસ્તાનો કરવાં પડે છે, હોદ્દાનો દુરૂપયોગ કરીને મજબૂર લોકો પાસેથી એમનો કામ કરાવવા હરામની કમાણી કરવી પડે છે- તો ચાલો હવે પુણ્યકાર્ય પણ કરી લઈએ. જ્ઞાતિની સંસ્થામાં ગરીબ વિદ્યાર્થીઓના ફંડ માટે થોડા પૈસા આપીને પુણ્ય કમાઈ લઈએ. બગીચામાં બાંકડા બેસાડીને, જનરલ વોર્ડના દર્દીઓને મફત દવા-ફ્રુટ્સ વહેંચીને કે પરબડી બંધાવીને, સદાવ્રત ખોલીને, અપંગોમાં વ્હીલચેર્સ વહેંચીને, પર્યાવરણની રક્ષા કાજે બે પૈસાનું દાન કરીને, વાઘ-સિંહ-વ્હેલ બચાવીને કે ટાઢમાં ઠુંઠવાતા ભિખારીના શરીર પર ધાબળો ઓઢાડીને પુણ્ય કમાઈ લઈએ જેથી દિલ પરનો બોજ હળવો થઈ જાય.

એરણની ચોરી કરીને સોયનું દાન કરનારાઓએ એરણની ચોરીની સજા ભોગવવી જ પડતી હોય છે- અને તે પણ આ જ જન્મમાં. ઉપરવાળો કદીય તમારી ઉધારી બાકી રાખતો જ નથી. જે કંઈ લેવડદેવડ છે તેનો તમારા જીવતેજીવ હિસાબકિતાબ થઈ જ જતો હોય છે.

જો તમે સત્કાર્યો કર્યાં હશે તો તમારી ભલાઈનો બદલો તમને મળવાનો જ છે- આજે નહીં તો આવતીકાલે. જો તમે કોઈને કનડ્યા હશો તો કુદરત તમને કનડવાની જ છે- આજે નહીં તો આવતીકાલે.

બીજી એક વાત પણ સમજવા જેવી છે. અહીં બદલો વહેલોમોડો મળે છે પણ જરૂરી નથી કે એવું સ્વરૂપ તમે કરેલા કામની સાથે મેચ થતું હોય. સમજાવું. તમે કોઈ ભૂખ્યા માણસને રોજીરોટી આપીને એનું ભવિષ્ય ઉજ્જવળ કર્યું. તો તમારું ભલું કોઈક બીજા જ વિષય કે ક્ષેત્રમાં થાય એવું બને. તમારા સંતાનને ઉચ્ચ અભ્યાસ માટે સારી યુનિવર્સિટીમાં કે શિક્ષણ સંસ્થામાં એડમિશન અપાવીને કુદરત તમને ભૂખ્યા માણસના માટે કરેલા પુણ્યનો બદલો આપી શકે છે.

એ જ રીતે તમે કોઈને એનું સારું કાર્ય કરતાં અટકાવો છો, એના યજ્ઞમાં હાડકાં નાખો છો તે જરૂરી નથી કે કુદરત તમારા બિઝનેસમાં આડી આવે. કુદરત કદાચ એવું કરે કે તમે લાડકોડથી ઉછેરેલી અને ભવ્ય પ્રસંગ ઉજવીને પરણાવેલી તમારી દીકરીને એના દારૂડિયા, કજિયાખોર, દેવાળિયા, લંપટ પતિથી ત્રાસીને તમારા ઘરે પાછી મોકલે અને તમારે પછી આજીવન એને આશ્રય આપવો પડે.

હજુય એક વાત. કુદરતના હિસાબકિતાબની ફાઈન પ્રિન્ટ ગજબની હોય છે. તમે જેનું ભલું કર્યું છે એ જ વ્યક્તિ તમારું ભલું કરશે એવી બાર્ટર સિસ્ટમ અહીં નથી. તમે કોઈનું ભલું કર્યું, એ તમને ભૂલી ગયો, અણીના સમયે તમને કામ ન આવ્યો, એટલું જ નહીં તમારો ઉપકાર ભૂલીને તમારો વિરોધી પણ બની ગયો. ભલે કંઈ નહીં. તમે એના પર કરેલો ઉપકારનો બદલો તમને એની પાસેથી ન પણ મળે, કોઈ બીજી વ્યક્તિ તમારા પર ઉપકાર કરી જશે.

એ જ રીતે તમે જેનું બગાડ્યું છે તે વ્યક્તિ કદાચ તમારું ન પણ બગડે અને તમે નિશ્ચિંત થઈ જાઓ કે એનામાં તાકાત નથી મારું બગાડવાની. પણ તમારું એ પાપ કોઈ ત્રીજાના છાપરે ચડીને પોકારશે. કોઈ ત્રીજી જ વ્યક્તિ તમારું બગાડશે. તમને થશે કે મેં તો આનું કશું બગાડ્યું નથી, કે નથી હું ક્યારેય એને નડ્યો. તો પછી શું કામ એ મારી આડે આવ્યો? પણ હિસાબકિતાબ સરભર કરી લેવાની પ્રભુની અકાઉન્ટિંગ પદ્ધતિનું આ એક પાસું છે.

બસ, આટલું સમજીએ તો જીવનમાં કોઈ દુઃખ આપત્તિ સમાન લાગવાનું નથી.

*

આજના સમયમાં સિદ્ધાંતો, આદર્શો અને નીતિમૂલ્યોની વાતો કરનાર કાં તો બેવકૂફ ગણાય અથવા દંભી.

જડતાવાદીઓ નીતિમૂલ્યોની વાતો કરે કે મુખવટો પહેરીને બીજાને છેતરવાના આશયથી લોકો આવી વાતો કરે ત્યારે તેઓ અનુક્રમે બેવકૂફ કે દંભી ગણાય એમાં કશું ખોટું નથી. પણ વાંસનો ઉપયોગ કોઈ લાઠી તરીકે કરે એને કારણે એમાં રહેલી વાંસળી બનવાની ક્ષમતા ભૂંસાઈ નથી જતી.

જરા ધીરજ રાખીને વાંચો તો આજે સિદ્ધાંતો, આદર્શો અને નીતિમૂલ્યોનો સહારો લઈને માણસે શા માટે સારા બનવું જોઈએ એ વિશે બે-ચાર નવી, તદ્દન નવી નક્કોર વાત કહેવી છે.

સારા બનવામાં માણસનો પોતાનો સ્વાર્થ છે. બીજાના નહીં તો પોતાના ભલા માટે પણ સારા બનવું જોઈએ એવું આપણને સમજાવવામાં આવ્યું હોત તો સારા બનવાનો ઉત્સાહ પહેલેથી જ જીવનમાં સર્જાયો હોત.

સારા હોવું એટલે શું એની વ્યાખ્યા કરીને એક વિશાળ વિચારને બંધિયાર બનાવી દેવાની જરૂર નથી. સારો માણસ કોને કહેવાય, ખરાબ કોને કહેવાય એની તમને નાનપણથી સમજણ હોય છે જ અને એ સમજણ પુખ્તતા વધતી જાય એમ વધુ ને વધુ ફેલાતી જાય છે.

પૂર્વસૂરિઓ કહી ગયા કે કર ભલા, હોગા ભલા. છતાં કેટલાય લોકો કહે છે કે દુન્યવી વ્યવહારોમાં અનેક દાખલાઓ એમને જોવા મળ્યા કે ભલું કરનારાઓ છેવટે પસ્તાયા છે અને બૂરું કરનારાઓને એમની બૂરાઈનો બદલો મળ્યો નથી.

અંગતપણે હું નથી માનતો કે આ દુનિયામાં ખરાબ કામ કરવાથી છેવટનું પરિણામ કોઈનાય માટે સારું આવ્યું હોય. ક્યારેક એ પરિણામ તમને ન દેખાય તો એ અલગ વાત છે. ખરાબ કામ કરનારને એનાં કર્મોનો બદલો ભગવાન અહીંનો અહીં જ, આ દુનિયામાં જ, જીવતેજીવ આપે છે એમાં કોઈ શંકા નથી. માણસ માટેનું સ્વર્ગ કે નર્ક એના જીવનમાં જ સર્જાય છે, પૂર્વજન્મનાં ફળ આ જન્મમાં ભોગવવાનાં હોય કે આ જન્મનાં પુણ્ય આવતા જન્મારે માણવા મળશે એવી વાતો ભાવુક તથા ભોળા માણસોને સન્માર્ગે વાળવા માટે થતી હોય ત્યાં સુધી ઠીક છે. બાકી, માણસ માટે જે કંઈ છે તે ગર્ભાધાનની પહેલી સેકન્ડથી શરૂ કરીને એના છેલ્લા શ્વાસ સુધીની આવરદા જ છે. માણવું – ભોગવવું – સહન કરવું બધું આ એક જ જન્મ દરમિયાન કરી લેવાનું છે.

કેવી રીતે થતું હશે – સારું કરનારનું સારું અને બૂરું કરનારનું બૂરું કેવી રીતે થતું હશે? ચિત્રગુપ્તના ચોપડે આ બધું નોંધાય છે એવી કલ્પના મઝાની છે. પણ હકીકત શું હશે? ભગવાન ઉપર બેઠાં બેઠાં આ પૃથ્વી પરના સાતસો-આઠસો કરોડની માનવવસ્તીનાં સારાંખરાબ કામોનો હિસાબકિતાબ રાખતો હશે? પાપ-પુણ્યનાં સરવાળા – બાદબાકી કર્યા પછી એ માણસને એનું ફળ આપતો હશે? આટલા બધા માણસોને સજા કરવા અથવા બક્ષિસ આપવા એણે કેટલો મોટો સ્ટાફ રોક્યો હશે?

કવિકલ્પનાથી અને માન્યતાઓથી જરા દૂર જઈને અક્કલથી, તર્ક વાપરીને વિચારીએ. તમે કોઈકનું ખરાબ થાય એવું કામ કરો છો ત્યારે બીજા કોઈનેય ખબર પડે કે નહીં, તમને પોતાને તો વહેલીમોડી ખબર પડે જ છે કે તમે શું કર્યું છે. કોઈક વાર તમે તમારી જાતને છેતરો, તમારા ખરાબ કામને તમે તમારી પોતાની જ આગળ વાજબી ઠેરવો (‘આ દેશની સરકાર સાલી મારા ઈન્કમ ટેક્સને લાયક જ નથી’) તોય અંદરથી તમે જાણો છો કે તમે ખરાબ કામ કર્યું છે. ખરાબ કામ કરનારને સબ-કૉન્શ્યસલી પોતાના એ કામની નિમ્નતાનો ખ્યાલ હોય છે, અન્યથા એ શા માટે જાહેરમાં કહેતો ફરતો નથી કે ‘આ વર્ષે મેં દસ કરોડ રૂપિયાની કરચોરી કરી’ કે પછી ‘મેં હલકી ક્વૉલિટીનો, ઓછા માપ/વજનનો માલ મોકલીને વર્ષોથી જે મને વિશ્વાસુ સપ્લાયર ગણે છે એની સાથે છેતરપિંડી કરી.’

ગરીબો માટે જમણવાર કરવાની કે ગરીબ છોકરાંઓને ભણાવવાની વાતો કરનારાઓ ક્યારેય પોતાના ધંધા – નોકરી કે સંબંધોમાં કરેલી નાની-મોટી સ્થુળસુક્ષ્મ છેતરપિંડીઓનો હિસાબ બીજાને નથી આપતા. શા માટે? કારણ કે ‘ધંધો તો આ જ રીતે થાય’ એવું કહીને પોતાના મનને ફોસલાવનારાઓ પાકે પાયે જાણે છે કે પોતે ખોટું કામ કર્યું છે, ન કરવા જેવું કંઈક કર્યું છે.

બીજાની સમક્ષ કે પોતાની સમક્ષ કબૂલેલું કે ન કબૂલેલું ખરાબ કામ માણસ કરે છે ત્યારે એનું ચિત્ત ક્ષુબ્ધ થઈ જાય છે. કોઈને દગો આપ્યા પછી, કોઈનો વિશ્વાસઘાત કર્યા પછી, કોઈના પર વગર લેવેદેવે ગુસ્સો ઠાલવી દીધા પછી, કોઈનું અહિત કર્યા પછી માણસના દિમાગ પર છૂપી તંગદિલી સવાર થઈ જાય છે. આ ટેન્શનને લીધે એની વિચારપ્રક્રિયા વેરવિખેર થઈ જાય છે. આ ખોરવાયેલું ચિત્તતંત્ર એની પાસે ભવિષ્યમાં એવાં કામ કરાવે છે જેને કારણે એ પોતાનું જ અહિત થાય એવા સંજોગોમાં મુકાય છે. અને આપણે કહીએ છીએ કે જોયું, એને એનાં કુકર્મોનો બદલો મળી ગયો.

સારું કામ કરીને એના પરિણામસ્વરૂપે ખૂબ મોટું સારું ફળ માણવા મળશે એવી વધારે પડતી આશા રાખનારાઓને નૉર્મલ સાઈઝનું ફળ મળે તો એને એ નાનું લાગે તે સ્વાભાવિક છે

સારું કામ કરનારાઓનો અંજામ ક્યારેય ખરાબ નથી આવતો. આ વાતમાં પણ મને દૃઢ શ્રદ્ધા છે. ક્યારેક તમને લાગે કે જિંદગી આખી પ્રામાણિકતાથી જીવનારો સજ્જન બહુ દુખી થઈને મર્યો તો જરા થોભીને એના જીવનને વધુ નજીકથી તપાસવું જોઈએ. ક્યારેક એવું બને કે બહારથી સદાચારી લાગતી વ્યક્તિ હકીકતમાં દુરાચારી હોય. ક્યારેક એવું પણ બને કે કેટલીક બાબતોમાં સદાચાર પાળનાર વ્યક્તિ અન્ય કેટલીક બાબતોમાં દુરાચારી હોય અને આ ‘અન્ય કેટલીક બાબતો’ તમારા ધ્યાનમાં ન આવી હોય અને ક્યારેક એવું પણ બને કે તમને જેનું જીવન દુખી લાગતું હોય તે જીવન એમને પોતાને ખૂબ સંતોષજનક અને શાંતિમય લાગતું હોય.

ક્યારેક એવું પણ બને કે સદગુણોનું આચરણ કરનાર વ્યક્તિ પોતે કે એને જાણનારી વ્યક્તિઓ એવું માનતી હોય કે આ સદગુણોના બદલામાં એને દુનિયા આખીનું રાજપાટ મળી જવું જોઈતું હતું પણ એવું બન્યું નહીં એટલે ‘માણસ દુખી થઈને મર્યો’, એવું કહેવાયું. સારું કામ કરીને એના પરિણામસ્વરૂપે ખૂબ મોટું સારું ફળ માણવા મળશે એવી વધારે પડતી આશા રાખનારાઓને નૉર્મલ સાઈઝનું ફળ મળે તો એને એ નાનું લાગે તે સ્વાભાવિક છે. આવા લોકોને લાગે કે સારું કામ કરનારને સારું (એટલે કે પૂરતું) ફળ નથી મળતું તો એમાં વાંક એમની સમજદારીનો, એમના અજ્ઞાનનો.

સારું કામ કર્યા પછી મનને તૃપ્તિ થતી હોય છે. ભરઉનાળામાં ચાલતા વટેમાર્ગુને પરબનું ઠંડું પાણી મળે ત્યારે જે ટાઢક થાય એવી જ હાશ માણસને સારું કામ કર્યા પછી મળતી હોય છે. આને કારણે એની વિચારશક્તિ ખીલે છે, એકાગ્રતા વધે છે. એ તાણરહિત માનસિક અવસ્થા એનામાં સર્જનાત્મક વિચારો પ્રગટાવે છે. એ વિચારોનો અમલ કરવાનો એનામાં ઉત્સાહ જન્મે છે. પરિણામે એ પોતાની આસપાસ એવા સંજોગો સર્જી શકે છે જેમાં એનો વિકાસ થાય, એની વૃદ્ધિ-પ્રગતિ થાય, ટૂંકમાં એનું ભલું થાય.

બદલો ભલાબૂરાનો અહીંનો અહીં મળે છે એવું કહેવાયું ત્યારે નક્કી આવું કહેનારે આવી જ કોઈક વિચારપ્રક્રિયાના તારણરૂપે એ કહ્યું હશે. બાળકને પાપ-પુણ્ય કે કર્મના સિદ્ધાંતવાળી બાજરા-ઘઉંની કોઠીની વાતો કરવાને બદલે આવી તર્કબદ્ધ વાતો, એની કક્ષાએ જેટલી સમજાય એવી રીતે કહીને, સમજાવીએ તો એને સદાચારી બનાવવામાં માબાપને બહુ મહેનત ન પડે. સારો માણસ છેવટે અને સમગ્રપણે સારું જ જીવન જીવે તથા ખરાબ માણસનું જીવન ઊંડેથી તપાસતાં ખરાબ જ હોવાનું એવી દૃઢ શ્રદ્ધા સાથે આજની વાત પૂરી કરું છું.

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

7 COMMENTS

  1. “જેવા વિચાર કરશો તેવા તમે થવાના,
    દિલના વિચારો નિશ્ચે જીવન બની જવાના ”

    આપણા વિચારો એ પ્રારબ્ધના બીજક છે.
    આપણા જીવનનું ઘડતર આપણા વિચારોને આધીન છે. સારા વિચારો સારું પરિણામ આપી મનને શાંતિ આપે છે જ્યારે મલિન વિચારો આપણે હલકા કર્મોની પ્રેરણા આપી તેનું તેવું જ ફળ આપીને જંપે છે.

    કરણી તેવી પાર ઉતરણી…
    આપનો લેખ આનું સમર્થન કરે છે.

    શૌરભ ભાઇ,
    આપના વિચારોને ખુબ ખુબ અભિનંદન.
    દેવજીભાઇ પરમાર,

  2. સારા બનવાનો સ્વાર્થ બાળપણથી આપણને મા – બાપ – સ્નેહી – સ્વજનો દ્વારા કેળવાય તો
    તે કુટુંબ અને સમાજોપયોગી બની રહે જે આપનું સચોટ નિરીક્ષણ છે.
    નાના હતા ત્યારે કદાચ નાગરિક શાસ્ત્ર એટલે જ ભણાવાતું .
    ખેર. પાપ – પુણ્યના લેખા જોખા આપે હમેશની જેમ સરળ શૈલીમાં આપે સમજાવ્યા છે અને
    ઠાકોરજીની આપની કલમ પર તેમની ચરણરજ હમેશા રહે તેવી શુભેચ્છા

  3. અદ્ભૂત. જીવનનો નિચોડ અને સુખી થવા ની ફિલસુફી આટલી સરળતા થી ફક્ત એવો વીરલો સમજાવી શકે જે પોતે સ્વાશે શ્વાસ એ જીવ્યો હોય. અભિનન્દન.

  4. One of yr best articles to read… સચોટ ઉદાહરણ તથા મન ની સ્થિતિ ની વાત સાચી છે… ક્યારેક વિચારીએ, પશુ/પક્ષી/જંતુ ની યોની માં જન્મ લેનાર શું પાછલા જન્મ નો હિસાબ બાકી હશે, શું સમજવું ??
    .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here