જન્ક ફૂડ જેવું જ જન્ક વાચન, જન્ક શ્રવણ અને જન્ક વાર્તાલાપનું છે : સૌરભ શાહ

( તડકભડક : ‘સંદેશ’, ‘સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, 3 સપ્ટેમ્બર 2023 )

જન્ક ફૂડ ખાવું કે ન ખાવું એની સૌ કોઈને જાણ છે. પણ શું જોવું, શું સાંભળવું, શું બોલવું અને શું વાંચવું આના વિશે આપણે હજુ એટલા સભાન નથી.

ટીવી અને હવે ઓટીટી આવ્યા પછી આપણામાં શું જવું ને શું નહીં એ વિશેનો વિવેક ઓછો થતો જાય છે. એક જમાનો હતો જ્યારે હાથમાં રિમોટ લઈને ટીવીની વિવિધ ચેનલો મચડમચડ કરીને સિરિયલો જોવાતી, રિયાલિટી શોઝ જોવાતા, ન્યુઝ ચેનલો જોવાતી. કોઈ વિવેકભાન વિના, નીરક્ષીર વિવેક જાળવ્યા વિના, બધું જ જોવાતું. આ બધું જન્ક ફૂડ જેટલું જ હાનિકારક છે. હવે ઓટીટી આવી ગયા પછી એક નવું, દુષણ ઊભું થયું છે. અલગ અલગ પ્લેટફોર્મ પર ડઝનબંધ વેબસિરીઝ જોવા મળે છે. જોઈ નાખો. મફતમાં જ છે ને. વેબસિરીઝ ઉપરાંત જૂની-નવી હિંદી-અંગ્રેજી ફિલ્મો જોવા મળે છે. મફતમાં જ છે. જોઈ નાખો. યુટ્યુબ તો તમારા પર એવો ભરડો લઈ લે છે કે દિવસનો મોટા ભાગનો સમય એમાં જ નીકળી જાય છે. આ ઉપરાંત ઈન્સ્ટાગ્રામની રિલ્સ હવે તો ટ્વિટર અને ફેસબુક પર પણ પોસ્ટ થઈ જાય છે. જોયા જ કરો, બસ જોયા જ કરો. ભળતુંસળતું બધું જ જોયા કરો.

આ બધું રોકવાનો ઉપાય ખરો ? હા, ખરો. એક ધડાકે આ બધું જ બંધ કરી દેવાનું. કોઈ ખરેખર સારી ચીજ મિસ થઈ જાય તો ભલે. મિત્રવર્તુળમાં ચર્ચા થતી હોય કે તમે પેલી વેબસિરીઝ જોઈ ? ગજબની છે, નહીં. પેલી કોરિયન ફિલ્મ જોઈ ? હૉલિવુડને ટક્કર મારે એવી છે. આહા, યુટ્યુબ પર પેલી ચેનલવાળો તો શું જાતજાતતી માહિતી લઈ આવે છે… આવી ચર્ચાઓ વખતે જો તમે ભોટ લાગો તો ભલે. થોડાંક અઠવાડિયાં સુધી નકોરડો ઉપવાસ રાખો. મનોમન સમજતા જાઓ કે પાઈની પેદાશ નહીં અને ઘડીની નવરાશ નહીં જેવી તમારી જિંદગી કરી નાખનાર આ માધ્યમોમાંથી તમે કેટલું મેળવ્યું ? એ બધું ન મેળવ્યું હોત તો તમારા જીવનમાં શું ખૂટતું હોત ? અને જે ખૂટતું હોત તે મેળવવા માટે શું આ જ માધ્યમો છે ? બીજું કોઈ માધ્યમ નથી ? મને ફિલ્મી સંગીત સાંભળવું ગમે છે. અમુક હિન્દી સિનેમાના ગીતો મારા ફેવરિટ છે. પણ એ માટે શું મારે આ માધ્યમોના આશરે જવું જરૂરી છે ? એકાદ એપ ડાઉનલોડ કરીને હું મારા ફુરસદના સમયમાં એમાંના ઘણાં ગીતો સાંભળી શકું છું- એક જમાનામાં રેડિયો પર સાંભળતા હતા એમ.

થોડાક અઠવાડિયાના ઉપવાસ પછી આપોઆપ નક્કી થઈ જશે કે આ માધ્યમો પાછળ તમે જે સમય ખર્ચો છો તેના દસમા ભાગના સમયમાં તમે આના કરતાં વધારે આનંદ/મનોરંજન/માહિતી મેળવી શકો છો. આ માધ્યમો ખોટા નથી, એને વાપરતાં આવડવું જોઈએ. છરી શાક પણ સમારી આપે અને કોઈનું ખૂન પણ કરી શકે. તમારી ઉપર છે કે તમે એનો ઉપયોગ કેવી રીતે કરવા માંગો છો.

શું જોવું એ નક્કી કરી દીધા પછી નક્કી કરવાનું કે શું સાંભળવું છે ? ઘરમાં, ઓફિસમાં, સભા-મેળાવડાઓમાં કેટકેટલીય વાતો તમારા કાને પડતી હોય છે. શું એ બધી વાતો તમારા કાન દ્વારા મગજ અને મન સુધી પહોંચે તે જરૂરી છે ? દિવસ દરમ્યાન જે કંઈ સાંભળીએ છીએ એમાંથી નેવું ટકા વાતો આપણા કામની નથી હોતી. આ કકળાટ, ઘોંઘાટ અને વ્યર્થના વાણીવિલાપથી દૂર થઈને હિલ સ્ટેશનના એકાંતમાં કાયમ માટે વસી જવાનું મન સૌકોઈને થાય પણ એ શક્ય નથી. હિલ સ્ટેશન પરથી પાછા આવવું જ પડે છે. સાધુ-સંન્યાસીઓમાંથી પણ માત્ર હિમાલયના એકાંતમાં રહીને સાધના કરી શકે એવા સદ્‌ભાગી કેટલા ? એમણે પણ આપણા જેવા સેંકડો ભાવકોની વાતો રોજેરોજ સાંભળવી પડે છે. શું સાંભળવું કરતાં વધુ અગત્યનું શું ન સાંભળવું.

ઘરમાં કોઈની ટકટક ન સાંભળવી હોય તો એ ચાલુ હોય ત્યારે દિમાગની સ્વિચ ઑફ કરી દેવી. એમના બોલવા પર તમારું ધ્યાન છે એવો માત્ર દેખાડો કરવો. થોડા દિવસો નાનોમોટો સંઘર્ષ થશે પણ પછી સામેવાળી વ્યક્તિ સમજી જશે કે આ તો પથ્થર પર પાણી છે- મારી કોઈ વાત એમના સુધી પહોંચતી નથી. કકળાટ કરનારાઓ ધીમે ધીમે સમજી જશે અને તમારી સમક્ષ ખપ પૂરતું જ બોલવાનું રાખશે.

બોલવાનું ઘણું વધી ગયું છે. મોબાઈલ આવ્યા છે ત્યારથી બોલબોલ જ કરીએ છીએ. સમજ્યા જ નથી કે આપણા એકએક શબ્દની કિંમત છે, એનું મૂલ્ય છે. બધા સાથે સારી રીતે વાત કરીએ, ખુલીને વાત કરીએ, સ્વજનો-મિત્રો સાથે હૂંફથી અને અજાણ્યાઓ કે ઓછા પરિચિતો સાથે નમ્રતાપૂર્વક વાત કરીએ પણ કોઈનીય સાથે વાતો કરતી વખતે ધોધમાર શબ્દોનો વરસાદ ન કરીએ. ઓછામાં ઓછા શબ્દોમાં લાગણી વ્યક્ત કરીએ અને વાતનું પુનરાવર્તન ન કરીએ. એકની એક વાતો બધાની સાથે કરીએ છીએ ત્યારે આપણું પોતાનું મગજ બહેર મારી જાય છે, આપણે અશાંત થઈ જઈએ છીએ. વાણી પર સંયમ રાખવો એટલો જ જરૂરી છે જેટલો ખાતી વખતે જીભ પર કાબુ રાખવો જરૂરી છે. ગાંધીજીના ત્રણ વાંદરાંની ખૂબ મજાક નાસમજુઓએ કરી પણ વાત તો સાચી- અમસ્તું અમસ્તું બોલીએ નહીં, વગરવિચાર્યું બોલીએ નહીં. સાથોસાથ નકામી વાતો સાંભળીએ નહીં અને જે જોવાની જરૂર નથી તે જોઈએ નહીં.

જ્યાં આપણા શબ્દની કિંમત હોય ત્યાં જરૂર બોલીએ. મીંઢા બનીને ચૂપ ન રહીએ. કાયર ન બનીએ. પણ ખોટેખોટી બહાદુરી બતાવવા જોરશોરથી બોલ્યા કરવાની કંઈ જરૂર નથી હોતી. મિત્રો-સ્વજનોની સાથે હોઈએ ત્યારે બીજાઓ પર છવાઈ જવાના ઈરાદે કોઈનેય બોલવાની તક આપ્યા વિના બોલ્યા કરવું એ અસંસ્કારિતાની નિશાની છે. ચર્ચા કરતી વખતે તમારા મુદ્દાનો કોઈ વિરોધ કરે તો તમે એક વખત ફરી તમારો મુદ્દો વધુ વિગતે સમજાવો પણ એ પછીથી કોઈ તમારા મુદ્દાને તોડવા માગે તો ચૂપ થઈ જાઓ. એકદમ ખામોશ. નકામી ઉર્જા બગડશે તમારી. મોંમાં આંગળા નાખીને કોઈ બોલાવવાની કોશીશ કરે ત્યારે તો સાવ ચૂપ જ થઈ જવાનું. કોઈ ફોન પર વાત લંબાવ્યા કરવાને ઈરાદે ‘બીજા શું ખબર ? બીજું શું ચાલે છે ?’ એવું પૂછ્યા કરતું હોય તો બીજી 30 જ સેકન્ડમાં કોઈ સારું બહાનું કાઢીને વાતની પૂર્ણાહુતિ કરી દેવાની.

તમને એમ લાગતું હોય કે લોકોને તો સાંભળવાની મઝા આવે છે તોય ઝાઝું બોલબોલ કરવાનું નહીં. તમારાં શક્તિ-સમજ ઉપરાંત તમારા દિમાગનાં શાંતિ-સ્વસ્થતાનો પણ વિચાર કરવો. મિતભાષી બનવાથી વ્યક્તિત્વ સમૃદ્ધ બને છે. કોઈપણ મહાન વ્યક્તિને ઓબ્ઝર્વ કરજો. તેઓ અંગત વાતચીતમાં ખપપૂરતું જ બોલતા હોય છે.

શું વાચવું ? ઘણાને ટેવ હોય છે હાથમાં જે આવે તે વાંચી નાખવાની. છાપું-પુસ્તક-સામયિક. બધું જ વાંચી નાખશે. સ્પોર્ટ્સમાં રસ ન હોય તો પણ રમતગમતના સમાચારો વાંચશે. તદ્દન ભળતા જ વિષયનો લેખ હશે તો પણ ચોપાનિયું બંધ કરીને બાજુમાં મૂકી દેવાને બદલે સમય પસાર કરવાના ઈરાદે વાંચી જશે. પોતાને પુસ્તકો પ્રત્યે કેટલો પ્રેમ છે તે જણાવવા આડેધડ પુસ્તકો વાંચશે.

નક્કી કરો કે સમાચારોમાંથી તમારા માટે કેટલા કામના છે. તમને ઉપયોગી ન હોય એવા સમાચારો તરફ નજર પણ શું કામ કરવી. તમારા રસના વિષયો, કુતૂહલના વિષયો નક્કી કરી લો અને એ જ પુસ્તકો વાંચો. એમાંય એ વિષયનું નકામું પુસ્તક હાથમાં આવી ગયું હોય તો દસ જ મિનિટમાં એને બાજુએ મૂકીને આગળ વધી જાઓ. પૈસા ખર્ચ્યા છે એટલે પુસ્તક પૂરું જ કરવું પડે અવું કોણે કહ્યું ? પૈસા કરતાં તમારો સમય વધારે કિંમતી છે. તમારા મિત્રો-જાણકારો-સ્નેહીઓ પાસેથી ટિપ્સ મેળવતા રહો કે તમારા વાચનશોખને પોષે એવાં કયાં કયાં પુસ્તકો છે. જરૂરી નથી કે તેઓ જે રેકમેન્ડ કરે તે બધાં જ પુસ્તકો તમન ગમે.

કચરપટ્ટી ખોરાકની જેમ કચરપટ્ટી વિચારોથી પણ અળગા રહેવું. જે વિચારો તમને દુ:ખી કરતા હોય, જે વિચારો તમને વાસ્તવિકતાથી દૂર લઈ જઈને તરંગી બનાવતા હોય, જે વિચારોથી તમે ક્રોધિત થઈને લોહી બાળતા હો એવા વિચારો આવે ત્યારે એને દૂર કરવાની કોશિશ કરશો તો એ વધારે વળગશે. એવું કરવાને બદલે તમને પ્રસન્ન રાખે એવું જે કાંઈ સાંભળ્યું કે વાંચ્યું કે જોયું હોય એ યાદ કરો, એને જ યાદ કરતા રહો. પેલા મનહૂસ વિચારો પર આ સારી વાતો હાવી થઈ જશે.

અને આચાર. કચરપટ્ટી આચારથી એટલે કે ખરાબ વર્તનથી પણ દૂર રહેવું. તમને ઉશ્કેરવાની અનેક પરિસ્થિતિઓ સર્જાતી રહેવાની. એ વખતે તમને ઈંટનો જવાબ પથ્થરથી આપવાની લાલચ થઈ જશે. પણ યાદ રાખજો કે તમે શું સાંભળીને કે વાંચીને કે જોઈને ઉશ્કેરાયા હતા તે કોઈને યાદ નથી રહેવાનું. તમારી પ્રતિક્રિયાના શબ્દો-હાવભાવ સૌને યાદ રહેશે. વખત જતાં છાપ એવી ઊભી થશે કે તમારો વ્યવહાર જ ખરાબ હતો. તમે કેટલાની આગળ ખુલાસા કરતા ફરશો કે પેલાએ આમ કહ્યું તેના જવાબમાં મેં આ કહ્યું હતું. પેલાની વાત કોઈ યાદ નહીં રાખે, તમારો જવાબ બધાના મગજમાં પથ્થરની લકીરની જેમ ખોડાઈ જશે.

જિંદગી ઘણી મોટી છે. સુધરવાનો હજુ પણ મોકો છે.

પાન બનારસવાલા

વાંચનરસથી મારી સાહિત્યની સમજ ઊઘડી છે અને વ્યક્તિ તરીકે વિકસ્યો છું. જીવનમાં આવેલા મુશ્કેલ અને એકલતાના સમયગાળામાં પુસ્તકો મારાં સાથીદાર રહ્યાં છે.

– વિનેશ અંતાણી (‘અભિમુખ’ પુસ્તકની પ્રસ્તાવનામાં)

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here