બચ્ચનથી બચ્ચન સુધી—જે માર્ગ પર જાનને ખતરો નહોતો એ રસ્તો છોડી દીધો : સૌરભ શાહ

( લાઉડમાઉથ, ‘સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ : બુધવાર, 6 સપ્ટેમ્બર, 2023 )

કવિ હરિવંશરાય બચ્ચનને લોકો ભલે અમિતાભ બચ્ચનના પિતા તરીકે ઓળખતા હોય પણ એક જમાનામાં અમિતાભ કવિ બચ્ચનના પુત્ર તરીકે ઓળખાતા – એટલું મોટું નામ હતું (અને છે) હિન્દી સાહિત્યજગતમાં એમનું.

તમે જાણો જ છો કે અમિતાભ નામની પાછળ જે બચ્ચન લાગે છે તે હરિવંશરાયનું કવિ-સાહિત્યકાર તરીકેનું ઉપનામ કે તખલ્લુસ કે પેન નેમ છે. હરિવંશરાયે પોતાની અટક શ્રીવાસ્તવને બદલે કવિ તરીકેના ઉપનામને પોતાના નામ પાછળ મૂક્યું. આજે અમિતાભના છોકરાનાં છોકરાં પણ કવિના એ ઉપનામને અટક તરીકે વાપરે છે.

હરિવંશરાય બચ્ચન રચિત ‘મધુશાલા’ ઘણા ગુજરાતી સાહિત્ય રસિકોએ વાંચી હશે. મારા એક મિત્રએ એમના પેન્ટહાઉસમાં ઘર-બાર બનાવ્યો છે જેની એક દીવાલ પર કવિ બચ્ચનજીની ‘મધુશાલા’ની બે પંક્તિ તાંબાના જંગી સાઈઝના પતરા પર કોતરાવીને મઢાવીને સજાવી છે.

‘મધુશાલા’ ઉપરાંત ‘નિશા નિમંત્રણ’, ‘મિલન યામિની’ જેવા કાવ્યસંગ્રહો’ કવિની કલમનો ઉજળો હિસાબ આપે છે. એમના છેલ્લા કાવ્યસંગ્રહનું શીર્ષક છે – ‘જાલ સમેટા’.

કવિ બચ્ચનજીએ જીવન દરમ્યાન ઘણું કામ કર્યું, ખૂબ લખ્યું. સ્ટ્રગલ ઘણી કરી અને જિંદગીની છેલ્લી પચ્ચીસીમાં અકલ્પનીય વૈભવ પણ જોયો. 27 નવેમ્બર 1907 ના રોજ જન્મેલા હરિવંશરાય બચ્ચને શતાયુ થવાના માત્ર ચાર વરસ પહેલાં દેહ છોડ્યો – 18 જાન્યુઆરી 2003ના દિવસે.

અત્યારે કવિ યાદ આવવાનું કારણ એ છે કે મારા હાથમાં એમણે એક મિત્રને લખેલા પત્રોનો સંગ્રહ આવ્યો છે. બચ્ચનજીના પત્રોના આ ઉપરાંત એકાદ-બે સંગ્રહ છે એવી મારી છાપ છે. થયું કે આ બહાને એમને યાદ કરી લઈએ. એ જમાનાના ઘણા સાહિત્યકારો પોતાના મિત્રો-સ્વજનો તેમ જ વાચક-ચાહકો જોડે નિયમિત પત્રવ્યવહાર કરતા. ગાલિબના પત્રોના તો બે દબદાર સંગ્રહો છે. ઝવેરચંદ મેઘાણીએ લખેલા પત્રો પણ મોટા પુસ્તકરૂપે પ્રગટ થયા છે. સમકાલીન ગણાય એવા અનેક સાહિત્યકારોના પત્રો એમના ચાહકો પાસે સંઘરાયેલા છે. હવે તો ઈમેઈલ આવી ગયા. પણ એય પત્રનું જ એક માધ્યમ છે. વાચકો-ચાહકોના પત્રો આવે કે તેઓ રૂબરૂ મળવા માગે તો એમને પત્રો લખવા કે નહીં, એમને રૂબરૂ મળવું કે નહીં, કયા ગુજરાતી સાહિત્યકારોને આ બાબતમાં કેવી ટેવ હતી એ વિશે અલગ ચિંતન થઈ શકે. મેં ઑલરેડી કરેલું છે. એ વિશેનો નિબંધ મારા કોઈ નિબંધસંગ્રહમાં પ્રગટ થયો છે.

કવિ બચ્ચનજી પોતાના પુત્રના સુવર્ણકાળ દરમ્યાન પણ ઘણી વખત પંદર પૈસાના પોસ્ટકાર્ડ પર પત્ર લખતા એવું આ પત્રસંગ્રહ પરથી જાણવા મળે છે. પૈસા બચાવવા નહીં પણ સગવડ ખાતર એવું કરતા હશે. સ્વ. મહેન્દ્ર મેઘાણી, સ્વ. ખુશવંત સિંહ, સ્વ. ચંદ્રકાંત બક્ષી ઈત્યાદિ અનેક દિગ્ગજોએ લખેલા પોસ્ટ કાર્ડ એમના ચાહકોએ સાચવ્યા છે.

કવિ બચ્ચનજીમાં તમને રસ પડે તો એમના જીવનને નજીકથી જોવાની કોશિશ તમારે કરવી જોઈએ. અભિતાભ બચ્ચનનું બાળપણ, એમની કિશોરાવસ્થા અને ટીનએજર તથા યુવાનીનાં વર્ષો – આ વિશેની ઘણી વાતો તમને કવિ બચ્ચનજીની આત્મકથાના ચાર ભાગમાંથી જાણવા મળશે. એમની આત્મકથાના પ્રથમ ભાગનું શીર્ષક છે : ‘ક્યા ભૂલું ક્યા યાદ કરું. બીજો ભાગ ‘નીડ કા નિર્માણ ફિર’ નામે છે. નીડ એટલે માળો – પંખીનો. એ પછી ‘બસેરે સે દૂર’ અને છેલ્લે ‘દશદ્વાર સે સોપાન તક’.

‘દશદ્વાર’ એમના ઘરનું નામ. ‘સોપાન’ દિલ્હીમાં અમિતાભના બંગલાનું નામ. અમિતાભે મુંબઈમાં જે સૌથી પહેલો બંગલો બનાવ્યો એનું નામ ‘પ્રતીક્ષા’. એ બંગલો ઉપરાંત એમની પાસે ‘જલસા’, ‘જનક’ ઈત્યાદિ બંગલાઓનું ઝુમખું પણ છે. ‘જનક’માં એમની ઓફિસ, નાનકડો સ્ટુડિયો, રેકોર્ડિંગ સ્ટુડિયો વગેરે છે.

ખેર, હરિવંશરાયે એમની આત્મકથાના પહેલા કે બીજા ભાગમાં લખ્યું છે કે એ જમાનામાં તેઓ એટલું લખતા, એટલું લખતા કે લખીલખીને એમની કમર દુખી જતી – ખુરશી પર સતત બેસવાને લીધે. પછી એમણે એક ઉપાય વિચાર્યો. મિસ્ત્રીને બોલાવીને પોતે ઊભાંઊભાં લખી શકે એટલી ઊંચાઈનું ટેબલ બનાવડાવ્યું. બેસીને થાકી ગયા પછી ઊભા રહીને લખવાનું – પણ લખવાનું ચાલુ રહેવું જોઈએ. આ વાંચીને મેં પણ આવું એક તૈયાર મળતું લાકડાનું ટેબલ મારા સ્ટડીમાં વસાવ્યું છે જે જરૂર પડ્યે લેક્ચર આપવાના કામમાં આવે એવા લેક્ટર્ન કે પોડિયમ જેવા આકારનું છે. હવે તો જોકે લેપટોપ પર ઊભાં ઊભાં કામ કરી શકો એવાં સ્ટેન્ડિંગ ટેબલો પણ નીકળ્યાં છે. સતત બેસીને કામ કરવાથી કરોડરજ્જુને હાનિ પહોંચે એવું સૌને સમજાયું છે. એક જમાનામાં બાપદાદાઓની પેઢીમાં ઢાળિયું રહેતું. ગાદી પર પલાંઠી મારીને ઢાળિયા પર ચોપડો રાખીને હિસાબકિતાબ લખવાનો. હિંદી સિનેમામાં મારવાડી કે શાહુકારની પેઢીમાં પાછળ તિજોરી અને સાઈડમાં આવું ઢાળિયું દેખાય. મારી પાસે મારા પરદાદા જે વાપરતા એ લાકડાનું ઢાળિયું છે. સ્ટડી ટેબલ અને ઊભા ટેબલથી થાકી જઈએ ત્યારે પલાંઠી મારીને એ ઢાળિયા પર લખવાની મઝા આવે.

હરિવંશરાય બચ્ચન 15 નવેમ્બર 1983ના એક પત્રમાં લખે છે : ‘અમિતાભજી કા સમુચિત ઉપચાર હો રહા હૈ. ઠીક હોને મેં સમય લગેગા. અમિતાભજી કે સાથ દુર્ઘટના હોતી હી રહતી હે ક્યોંકિ ખતરા ઉઠાના ઉનકા સ્વભાવ હે’.

કવિ પત્રમાં આગળ લખે છે : ‘કદાચ આ ટેવ એમને વારસામાં મળી છે. મેં આરતી ઔર અંગારે કાવ્યમાં આ પંક્તિ લખી હતી : જિન પર ખતરે જાન નહીં થા, છોડ કભી દી રાહેં મૈંને.’

એ પછી આપણને ખબર પડે છે કે 1983ની દિવાળીમાં અભિતાભ સાથે થયેલા એક હાદસાનો અહીં ઉલ્લેખ છે. પિતા પોતાના મિત્રને લખેલા પત્રમાં પુત્રને ઠપકો આપતા હોય એવા અંદાજમાં લખે છે : ‘કોઈ અનાર હાથ મેં લેકર છુડાતા હૈ ? પર અમિતાભ છુડા રહે થે. ઔર વહ ફટ ગયા. બાંયા હાથ બુરી તરહ જલ ગયા’.

એ ગાળામાં શૂટ થયેલી ફિલ્મોમાં (ખાસ કરીને ‘શરાબી’માં જે 1984માં રિલીઝ થઈ) અમિતાભનો ડાબો હાથ દેખાડવામાં આવતો નહીં અને ક્યારેક દેખાડવો પડે તો કોટ કે જેકેટના ખિસ્સામાં રાખ્યો હોય એ તમે જોઈ શકો.

હરિવંશરાયે આત્મકથામાં લખ્યું છે કે મોટા દીકરા અમિતાભને નાનપણથી અભિનયનો શોખ. પારિવારિક ઉજવણીઓ વખતે કે સ્કૂલ-કૉલેજના સમારંભોમાં અમિતાભ ઘણા ઉત્સાહથી નાટકોમાં ભાગ લેતા અને ઈનામો પણ જીતતા. પરંતુ ન અમિતાભે પોતે કે ન હરિવંશરાય કે તેજી બચ્ચને ક્યારેય વિચાર્યું હતું કે અમિતાભમાં અભિનયને કારકિર્દી તરીકે સ્વીકારીને આગળ વધવાની ક્ષમતા છે. અમિતાભ તો એન્જિનિયર બનવા માગતા હતા અને માબાપે વિચાર્યું હતું કે પુત્ર લશ્કરમાં અફસર બનશે.

અમિતાભ ન ફૌજી બન્યા, ન ઈજનેર. બીએસસી સેકન્ડ ક્લાસ પાસ થઈને કલકત્તાની એક કંપનીમાં નોકરી કરવા જતા રહ્યા. છ વર્ષ નોકરી કરી.

હરિવંશરાય સોવિયેતલેન્ડ – નેહરુ પારિતોષિકના ફળસ્વરૂપે રશિયા ગયા ત્યારે નાના દીકરા અજિતાભે એમની પાસે એક મુવી કેમેરા મગાવ્યો હતો. પિતાએ જેટલા રૂબલ બચ્યા હતા તે તમામ વાપરી કાઢીને અજિતાભની ઈચ્છા પૂરી તો કરી પણ મનમાં એક મૂંઝવણ – અજિતાભ કરશે શું આટલા મોંઘા કેમેરાને ?

અમિતાભની પ્રતિભા નાનાભાઈ અજિતાભે ઓળખી હતી. રશિયાથી આવેલા મુવી કેમેરાથી અજિતાભે બડે ભૈયાની ફિલમ ઉતારી. અન્ય અભિનેતાઓની સરખામણીએ એના પ્લસ-માઈનસ દેખાડ્યા. પછી ફરીથી મુવી ઉતારી. થોડાક ફોટોગ્રાફ પાડ્યા. અજિતાભ તે વખતે મદ્રાસ નોકરી કરતા હતા. મુંબઈ જઈને એમણે જ્યેષ્ઠ બંધુની તસવીરો હિંદી સિનેમાના કેટલાક પ્રોડ્યુસરોને દેખાડી. ખ્વાજા અહમદ અબ્બાસના હાથમાં એક તસવીર આવી અને એમને પ્રતીતિ થઈ કે મારા સાત હિન્દુસ્તાનીઓમાંનો એક આ જ છે. અને ? અને રેસ્ટ ઈઝ ધ હિસ્ટરી.

પ્રતિભાવંત લોકો વિશે હરિવંશરાય બચ્ચને એક બહુ સરસ વાત લખી છે કે ‘પ્રતિભાનો પ્રથમ અને સૌથી મહત્ત્વપૂર્ણ ગુણ એ છે કે એ પોતાને ઓળખી લે છે’.

પ્રતિભાવંત વ્યક્તિ શરૂઆતથી જ પોતાની રૂચિ, પોતાની પ્રગતિ, પોતાની ક્ષમતા, પોતાની સંભાવના, પોતાના વિકાસની દિશા ઓળખી લે છે અને એ જ તરફ પોતાની સમગ્ર શક્તિને કામે લગાડી દે છે. જોતજોતામાં એ ઉન્નતિના શિખરે પહોંચી જાય છે.

હરિવંશરાય કબૂલ કરે છે કે અમિતાભે પોતાની પ્રતિભાને જલદી ઓળખી નહીં, એનાં માબાપે પણ ન ઓળખી.

હરિવંશરાયે આ સંદર્ભમાં એક મજાની વાત લખી છે કે શેક્સપિયર પામી ગયો હતો કે પોતાનામાં નાટકકાર બનવાની પ્રતિભા છે, એ નાટકો લખતો ગયો અને દુનિયાનો સર્વશ્રેષ્ઠ નાટ્યકાર બન્યો. નેપોલિયન સમજી ગયો હતો કે પોતે એક ઉમદા સૈનિક, તેજસ્વી સેનાપતિ બની શકે એમ છે અને એ જ દિશામાં એણે પોતાની સમગ્ર શક્તિ દાવ પર લગાડી દીધી. વિશ્ર્વના સૌથી કુશળ, સૌથી સાહસિક સેનાનાયકોમાંનો એક એ બની શક્યો. આની સામે જો શેક્સપિયર સૈનિક બનવા ગયો હોત તો પહેલી જ લડાઈમાં એ માર્યો ગયો હોત અને નેપોલિયન જો નાટ્યકાર બનવા ગયો હોત તો લોકોએ એના પહેલા જ નાટકનો હુરિયો બોલાવ્યો હોત.

મોટાભાગના લોકો પોતાની જાતને ઓળખી શકતા નથી, પોતાની ક્ષમતાને પામી શકતા નથી, પોતાની ખૂબીઓ તેમ જ પોતાની મર્યાદાઓને વહેલાસર જાણી શકતા નથી.

બચ્ચનજીના – બેઉ બચ્ચનજીઓના – સદ્નસીબ કે નાના પુત્ર અજિતાભે મોટા ભાઈની ક્ષમતાને ઓળખી લીધી.

સાયલન્સ પ્લીઝ

હો જાય ન પથ મે રાત કહીં,
મંઝિલ ભી તો હૈ દૂર નહીં –
સોચ થકા દિન કા પંથી ભી જલ્દી-જલ્દી ચલતા હૈ,
દિન જલ્દી-જલ્દી ઢલતા હૈ!

-હરિવંશરાય ‘બચ્ચન’

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here