જીવનના અંતિમ દિવસોમાં તમને કોને કોને મળી લેવાનું મન થાય : સૌરભ શાહ

(લાઉડ માઉથઃ ‘સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ, બુધવાર, ૩ માર્ચ ૨૦૨૧)

જિન્દગી તો રૈનબસેરા છે, એક રાતનો મુકામ છે અને આજે આવ્યા છીએ તો કાલે જવાનું છે એવી ફિલસૂફીઓ બહુ થઈ.

વિચાર કરો કે તમારા મોતની તારીખ નિશ્ચિત કરી નાખવાની હોય તો બાકીની આવરદામાં તમે શું કરો? હજુ કેટલાં વર્ષ જીવવું પસંદ કરો?

દીકરી ગ્રેજ્યુએટ થઈ જાય ત્યાં સુધી? દીકરો પરણી જાય ત્યાં સુધી? દીકરાને ત્યાં પારણું બંધાય ત્યાં સુધી? દીકરાને ભણવા માટે અમેરિકા મોકલવાનું સપનું હતું. ના જામ્યું. દીકરાનો દીકરો પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં ભણીને ડિગ્રી લે ત્યારે એના કૉન્વોકેશન ફંક્શનમાં જવું છે. ભગવાન ત્રાસી જાય ત્યાં સુધી તમે મૃત્યુને મુલતવી રાખવા માગો છો. એટલે હવે નક્કી એવું થયું છે કે જીવવા માટે તમારી પાસે પૂરા ત્રીસ દિવસ, રોકડા સાતસો વીસ કલાક બાકી છે. ત્રીસ દિવસ પછી છાપામાં તમારી છબી સાથે ફૂલ ગયું ને ફોરમ રહી ગઈવાળી જાહેરખબર આપવાનું તમારા ભાગ્યમાં લખાઈ ગયું છે. તો હવે આ ત્રીસ દિવસમાં તમે શું શું કરો?

જિંદગીના અંતિમ દિવસોમાં કોને કોને મળી લેવાનું મન થાય? કોના કોનાથી છૂટા પડી જવાનું મન થાય? કયા દોસ્તો સાથે મેહોગની લાઉન્જના બારમાં સોફામાં બેસીને એન્ટિક્વિટીના ચાર કડક પેગ પીવાનું પસંદ કરો? કોની જોડે ગંગોત્રી – જમનોત્રીની યાત્રાએ જવાનું મન થાય?

કયાં ત્રણ પુસ્તકો ફરીથી વાંચી લેવાનું મન થાય? જિંદગીમાં ક્યારેય ન વાંચ્યા હોય, પણ વાંચવાની વારંવાર ઇચ્છા થઈ હોય એવાં કયાં ત્રણ પુસ્તકો વાંચી લેવાનું મન થાય? જિંદગીની છેલ્લી કઈ ચાર ફિલ્મો જોઈ લેવાની લાલચ થાય? છેલ્લા મહિનામાં કેટલી વાર પાણીપુરી ખાવા જાઓ? પાણીપુરીવાળાને તમારુ ખાતુ બંધ કરવાનું કહીને બાકી નીકળતી રકમ રોકડી ચૂકવી દેતાં મનમાં સહેજ ચુભન થાય? પાણીપુરીવાળો તમારી પાસે ખાતું બંધ કરવાનું કારણ પુછે તો તમે શું કારણ આપો? સાચેસાચું કહી દો? મરતાં પહેલા કિસી રાહ મેં કિસી મોડ પર કહીં ચલ ન દેના તુ છોડ કર અને વો ભુલી દાસ્તાં લો ફિર યાદ આ ગઈ કેટલી વખત સાંભળી લો? લાકડાથી બળવું છે કે વિદ્યુતભઠ્ઠીમાં એનો વિકલ્પ નક્કી કર્યા પછી ભૂંજેલી બદામનો આઈસ્ક્રીમ ખાઓ કે અંજીરનો?

રોજ સવારનાં છાપાં વાંચો? વાંચતી વખતે તમારી મરણનોંધમાં કઈ ત્રણ સગાઈઓનો ઉલ્લેખ હશે એની કલ્પનાકરો? જે સગાંનો ઉલ્લેખ નહીં હોય એમાંથી તમને કોણ કોણ યાદ આવે? જે વહાલાંનો ઉલ્લેખ નહીં હોય એમાંથી કોણ કોણ યાદ આવે? પ્રાર્થનાસભામાં ચંદનની અગરબત્તી જલાવવી કે કેવડાની એ વિશે કોને સૂચના આપતા જાઓ?

લાઈફ ઈન્શ્યોરન્સ કૉર્પોરેશનને છેતરી લેવાના ઈરાદાથી બે-પાંચ કરોડ રૂપિયાનો વીમો ઊતરાવી પ્રીમિયમનો પ્રથમ હપ્તો ભરીને રસીદ ઓશીકાની નીચે મૂકી રાખો? તમારા વારસદારમાંથી તમારી પત્નીને કે તમારાં સંતાનોને આ રકમ મળશે ત્યારે એમને છૂપો આનંદ થશે એવું વિચારીને તમને છૂપો વિષાદ થશે?

છેલ્લા ત્રીસ દિવસમાં તમે કોની કોની માફી માંગવાનું પસંદ કરો? કઈ કઈ બાબતો માટે પસ્તાવો વ્યક્ત કરો? તમારા શહેરનાં કયાં કયાં સ્થળોની પુન: મુલાકાત લેવાનું પસંદ કરો? બહારગામનાં કયા સ્થળોએ જઈ આવવાનું નક્કી કરો? સાથે કોને કોને લઈ જાઓ?

ત્રીસ દિવસ પછીની તમારી ઉર્ધ્વયાત્રામાં તમને છૂટ આપવામાં આવે તો સાથે કોને કોને લઈ જવાનું પસંદ કરો? તમને છેતરી જનારા, તમારી સાથે દગાબાજી કરનારા, તમારી આડે આવનારા લોકોને કે પછી તમારા મનગમતા લોકોને? તમારા દુશ્મનોને તમે માફી બક્ષી દો કે પછી જૂના ઘા ખોતર્યા કરીને સૈફ પાલનપુરીની ગઝલ ગાતા રહો : જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી / બહુ થોડાં પાનાં જોઈ શક્યો, બહુ અંગત અંગત નામ હતાં. આ અંગત નામો તમારી શોકસભા વખતે માઈક સાથે મંચ પર બેઠા હશે એવી તમને ખાતરી હોય તો તમે ભૂત બનવાનો વિકલ્પ પસંદ કરી એમને રંજાડવાની કોશિશ કરો?

રેલવેનો પાસ વીસ દિવસ પછી ખલાસ થતો હોય તો નવી સિઝન ટિકિટ કઢાવો કે પછી છૂટક ટિકિટ માટે રોજ લાંબી લાઈનમાં ઊભા રહેવાનું પસંદ કરો? ઓગણત્રીસમાં દિવસે પેટ્રોલપંપ પર પેટ્રોલ લેવા ગયા હો ત્યારે ગાડીમાં દર વખતની જેમ ફૂલ ટૅન્ક ભરાવો કે બે-પાંચ લિટરથી ચલાવી લો? ચંપલની પટ્ટી તૂટી જાય તો મોચીને બે રૂપિયા આપીને સંધાવી લો કે મોટા શોરૂમમાં જઈને અત્યાર સુધી જેનું માત્ર વિન્ડૉ શોપિંગ કર્યું હતું એવા મનગમતા ચંપલની જોડ ખરીદી લાવો?

હવેથી રોજ કેટલા કલાક સૂવાનું નક્કી કરો? રોજ રાત્રે સૂતી વખતે સોસાયટીમાં કોઈકનાં ઍસેમ્બલ્ડ અને ખખડધજ ઍરકંડિશનરનો ખટારા જેવો અવાજ સાંભળીને પાડોશી જોડે મધરાતે ઝગડવા જાઓ કે પછી હશે, હવે કેટલા દિવસ…

આ તમામ સવાલોના જવાબ મનોમન આપજો, લખીને રાખી મૂકતા નહીં. ભૂલેચૂકે ઘરમાં કોઈના હાથમાં આવી જશે તો માની લેશે કે તમારું ચસકી ગયું છે અને પૂના, થાણા કે મરોલી, જ્યાંની ઈસ્પિતાલમાં જગ્યા હશે ત્યાં દાખલ કરાવી દેશે અને વર્ષો સુધી તમારે તમારી મૂર્ખાઈનું પરિણામ ભોગવ્યા કરવું પડશે. આફ્ટર ઑલ, હજુ તો ખૂબ લાંબું જીવવાનું છે તમારે.

સાયલન્સ પ્લીઝ!

જે નિર્ણય લીધા પછી મનમાંનો ઉત્પાત શમી જાય તે નિર્ણય સાચો પુરવાર થવાનો.

— અજ્ઞાત

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

1 COMMENT

  1. એંટિક્વિટીના પેગની ક્યાં વાત કરીએ ! અમારે તો મિત્રો એટ્લા સેવાભાવી અને શુભેચ્છક છે કે જ્યારે જ્યારે અમને મળવા આવે ત્યારે ત્યારે ખિસસામાં ગંગાજળની બાટલી નાખતા આવે છે. કોઈ પણ હિસાબે વિદાયમાં વિલંબ ન થવો જોઈએ, પછી તે ગંગાજળના બહાને પણ નહીં.

    બાકી મ્રુત્યુની ઘડીની કલ્પના અને ત્યારે ઊભા કરેલા તમારા પ્રશ્નો જબરા છે. વાચકોના જવાબો પણ રસપ્રદ હશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here