…અને આશા ભોસલે એ અવૉર્ડ લેવા ન ગયાં : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ : ગુરુવાર, ૮ સપ્ટેમ્બર ૨૦૨૩ )

આજે, ૮મી સપ્ટેમ્બરના રોજ, આશાજીએ નેવું વર્ષ પૂરા કર્યાં. આશા ભોસલે. સદાય યુવાન રહેનારો અવાજ. પરિવારમાં મોટી બહેન લતા મંગેશકર જેવી ન ભૂતો ન ભવિષ્યતિ સમાન વિરાટ પ્રતિભા હોવા છતાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનો દેદિપ્યમાન સૂરજ ઝળકાવવામાં જેઓ સફળ રહ્યાં તે આશાજીની થોડીક વાતો શેર કરીએ.

પિયા તૂ અબ તો આ જા માટે આશા ભોસલેને ફિલ્મફેર અવૉર્ડ મળ્યો તેનું મહત્ત્વ આશાજી કરતાં આર.ડી. બર્મન માટે વધારે હતું. આશાજીને તો ૧૯૭૧ની ‘કારવાં’ ફિલ્મ માટે આ અવૉર્ડ મળ્યો તે પહેલાં બે વાર બેસ્ટ ફીમેલ પ્લેબેક સિંગરનો ફિલ્મફેર મળી ચૂક્યો હતો. પહેલી વાર ૧૯૬૬માં રિલીઝ થયેલી ‘દસ લાખ’ના ગરીબોં કી સુનો વો તુમ્હારી સુનેગા માટે અને બીજી વાર ૧૯૬૮ની ફિલ્મ ‘શિકાર’ના પરદે મેં રહને દો, પરદા ના ઉઠાઓ માટે. જ્યારે પંચમના મ્યુઝિકને અગાઉ આવું રેક્ગ્નિશન નહોતું મળ્યું, આ પહેલી વાર મળ્યું. ‘કારવાં’ પહેલાં ‘તીસરી મંઝિલ’ (૧૯૬૬), ‘પડોસન’ (૧૯૬૮), ‘પ્યાર કા મૌસમ’ (૧૯૬૯), ‘કટી પતંગ’ (૧૯૭૦), ‘ધ ટ્રેન’ (૧૯૭૦) અને બીજી પણ કેટલીક હિટ ફિલ્મો આવી ગઈ હતી. ઈનફેક્ટ ૧૯૭૧માં ‘કારવાં’ની સાથે પંચમના મ્યુઝિકવાળી કેટલી બધી યાદગાર ફિલ્મો રિલીઝ થઈ: ‘બુઢ્ઢા મિલ ગયા’, ‘હલચલ’, ‘લાખોં મેં એક’, ‘મેલા’, ‘પરાયા ધન’ વગેરે. પણ ન પંચમને ત્યાં સુધી એકેય ફિલ્મફેર મળ્યો, ન એમણે સર્જેલા ગીતના ગાયકોને.

પિયા તૂ પછી બીજા જ વર્ષે આશાજીને ‘હરે રામ હરે કૃષ્ણ’ના કલ્ટ ગીત દમ મારો દમ માટે પણ ફિલ્મફેર મળ્યો. પંચમનું સંગીત અવૉર્ડ સર્કિટમાં પણ રેક્ગ્નાઈઝ થવા માંડ્યું. હિન્દી ફિલ્મ સંગીતના આર્ડન્ટ ફૅન્સે તો ક્યારનું એ સંગીત દિલમાં વસાવી લીધું હતું. છેક ‘તીસરી મંઝિલ’નાં ગીતોથી, પંચમે આશા ભોસલેને એક નવા ટોન સાથે હિન્દી ફિલ્મ મ્યુઝિક જગતમાં નવી પહેચાન આપી દીધી હતી.

ફિલ્મના છમાંના બે સિવાયનાં બધાં જ ગીતોમાં આશા ભોસલે. ત્રણમાં મોહમ્મદ રફી સાથે ડ્યુએટ અને એક આશા ભોસલેના અવાજમાં સોલો: દેખિયે સાહિબાન વો કોઈ ઔર થી, ઓ હસીના ઝુલ્ફોંવાલી, ઓ મેરે સોના રે સોના (સોલો) અને આજા આજા મૈં હૂં પ્યાર તેરા…

આ છેલ્લા ગીત પાછળની એક નાનકડી કહાણી એક વાર ષણ્મુખાનંદ હૉલમાં ‘લવ યુ પંચમ’ના કાર્યક્રમમાં આશા ભોસલેના મોઢે સાંભળી હતી. આજા આજામાં રફીસા’બ અને એમણે પોતે આ…આ… આજા ગાતી વખતે શ્ર્વાસ પરની પક્કડ દેખાડવાની હતી. ગીતના રેકોર્ડિંગના આગલા અઠવાડિયાથી આશાજી નર્વસ.
૧૯૬૫-૬૬નો જમાનો. બેઉ બહેનો પેડર રોડ પર મહાલક્ષ્મીના મંદિરની ડાયગ્નોલી અપોઝિટ આવેલા, આપણા સૌના માટે સરસ્વતી મંદિરસમા ‘પ્રભુ કુંજ’ બિલ્ડિંગના પહેલા માળે રહે. એ વખતે આશાજી હજુ ઓ.પી. નૈય્યર સાથે રહેવા માટે નેપિયન્સી રોડ પરના ‘મીરામાર’ બિલ્ડિંગમાં શિફ્ટ નહોતા થયા.

આશાજીએ ઑડિયન્સને સંબોધીને કહ્યું: ‘હું નર્વસ થઈને આ રૂમમાંથી પેલા રૂમમાં આંટાફેરા કરતી હતી. દીદી (લતા મંગેશકર) એમના રૂમમાં પોતાના લાંબા વાળ પર કાંસકો ફેરવતી હતી. મને પૂછે: શું થયું, આશા? આટલી નર્વસ કેમ છે? (અહીં આશાજીએ અદ્લોઅદ્લ લતાજીના અવાજની મિમિક્રી કરીને ઑડિયન્સને ખુશ કરી દીધું. તાળીઓ). મેં એમને કહ્યું કે, આ ગીતમાં હું અને રફી ગાવાના છીએ. શરત લાગી છે કે કોણ વધારે સારું ગાશે. નસિરસા’બે (નસિર હુસૈન, પ્રોેડ્યુસર – ડિરેક્ટર) રફી પર પાંચસો રૂપિયા લગાવ્યા છે અને પંચમને એમ છે કે હું સારું ગાઈશ એટલે એણે મારા પર ૫૦૦ની બેટ લગાવી છે… આ સાંભળીને દીદી કહે: તું ભૂલી ગઈ છે કે તું ભોસલે બની તે પહેલાં મંગેશકર હતી! જા, સારું જ ગાવાની છે તું… અને રેકૉર્ડિંગ થયું. સૌએ કહ્યું કે આશાએ વધારે સારું ગાયું.’

આ કિસ્સો કહેવામાં આશાજીની કોઈ આપવડાઈ નહોતી કે નહોતો રફીસા’બને ઉતારી પાડવાનો કોઈ આશય. આજે પણ તમે આ ગીત સાંભળો તો ‘આ… આ… આજા’ના રેન્ડિશનમાં રફી-આશા વચ્ચેનો ભેદ તમને ઊડીને કાને વળગે છે. બે ‘આ…’ની વચ્ચેનો આશાજીનો શ્ર્વાસ આ ફરકને ખુલ્લો પાડે છે. યુ ટ્યુબ પર જોઈ લેજો. અને ટાઈમ હોય તો લગે હાથ આ જ ફિલ્મનું ઓ હસીના ઝુલ્ફોંવાલી પણ જોઈ લેજો – સલમાન ખાનના પિતા સલીમસા’બ તમને ડ્રમ સેટ વગાડતા જોવા મળશે અને સલીમસા’બનાં દ્વિતીય ધર્મપત્ની હેલનઆંટીજી પણ લચકદાર નૃત્ય કરતાં જોવા મળશે.

પિયા તૂની સફળતા પહેલાં આર.ડી. એ આશાજી પાસે ‘કટી પતંગ’માં એક રૅપ સૉન્ગ ગવડાવ્યું હતું. બિન્દુજી પર ફિલ્માવાયેલા આ ગીતમાં આર.ડી.નો પણ અવાજ છે. મેરા નામ હૈ શબનમ, પ્યાર સે લોગ મુઝે શબ્બો કહતે હૈ, તુમ્હારા નામ ક્યા હૈ? લીના, મીના, અંજુ, મંજુ યા મધુ?

આ ગીત અત્યાર સુધી આશાજીએ ગાયેલાં ગીતો કરતાં ઘણું જુદું હતું. અફ્કોર્સ, આશાજીએ ઓ.પી. નૈય્યરના સંગીતમાં માદક ગીતો ગાયાં જ હતાં પણ આ જુદી ફીલ હતી. એમ તો આશાજીએ ‘પડોસન’માં પણ પંચમ માટે ગાયું હતું. (દીદી સાથે ‘મૈં ચલી, મૈં ચલી). પણ ‘કટી પતંગ’ના જ રિલીઝ વર્ષમાં આવેલી ‘ધ ટ્રેન’માં પંચમે ફરી એક વાર ગાતાં ગાતાં શ્ર્વાસની આવનજાવનને ક્ધટ્રોલ કરવાની ટ્રિક શિખવાડીને આશાજી પાસે ઓ મેરી જાં મૈંને કહા, મેરી જાં તૂને સુના ગવડાવ્યું અને પોતે પણ એમાં સાથ પુરાવ્યો. આ ઉપરાંત એ જ ફિલ્મમાં આશાજી પાસે બીજાં બે ગીત પણ ગવડાવ્યાં: અરુણા ઈરાની પર ફિલ્માવેલું છૈયાં રે છૈયાં રે તારોં કી છૈયાં, સૈયાં રે સૈયાં રે છુપકે સૈયાં આઈ કે પકડ લી ની બૈયાં, મૈં કા કરું, મૈં કા કરું… અને બીજું ગીત હેલનજી પર ફિલ્માવેલું: મૈંને દિલ અભી દિયા નહીં, મૈં અભી ક્યા જાનૂં, મૈં હૂં નાદાન તૂ અંજાન, મૈં કૈસે માનૂં.

૧૯૭૨માં બે ફિલ્મો એવી આવી જેમાં આશા-પંચમની જોડીએ હિન્દી ફિલ્મ સંગીતને આપેલા નિખારને એક ઔર નવી ઊંચાઈ બક્ષી. ‘અપના દેશ’નું દુનિયા મેં લોગોં કો ધોખા કભી હો જાતા હૈ’ (એ ગીત ધ્યાનથી જોજો. અડધા ગીત પછી મુમતાઝ એક પગ ઘૂંટણથી વાળીને બીજા પગે જમીન પર ઝડપથી સરકે છે એવા સ્ટેપ્સ છે. એમાં મુમતાઝનો ડ્રેસ ઊંચો થઈ જવાથી જમીન સાથે ઘસડાવાથી એમનો નાજુક ઘૂંટણ છોલાઈ ના જાય એ માટે સફેદ પાટો બાંધેલો છે. જો જો મઝા આવશે. પગ પર બાંધેલો પાટો જ જોવાનો, ઉપર-નીચે બીજું કશું દેખાય તો આંખો મીંચી દેવાની).

અને બીજી ફિલ્મ ‘જવાની દીવાની’. ‘તીસરી મંઝિલ’ની જેમ અહીં પણ છમાંના ચાર ગીતોમાં આશાજી, જેમાંનું એક એમનું સોલો: હાય તૌબા મુઝે તૂને. ત્રણ ડ્યુએટ્સ કિશોરકુમાર સાથે: અગર સાઝ છેડા તો, જાને જાં ઢૂંઢતા ફિર રહા અને નહીં નહીં અભી નહીં…’

જાને જાં ઢૂંઢતા ફિર રહામાં તમને ટ્રાન્સમાં લઈ જતી અવાજને ઓવરલેપ કરતી ટેક્નિક સાંભળીને તમે કોઈક અલગ જ દુનિયામાં ખોવાઈ જાઓ.

‘આશા ભોસલે: અ મ્યુઝિકલ બાયોગ્રાફી’ (લેખક: રાજુ ભારતન, એક મહાન સિનિયર વર્સેટાઈલ પત્રકાર)માંથી એક જાણકારી પહેલી વાર મળી. ૧૯૭૫ની શરૂઆતના મહિના. ૧૯૭૨ની સાલમાં આશાજી ઓ.પી. નૈય્યર સાથે છેડો ફાડીને ‘મીરામાર’માંથી ફરી પાછા ‘પ્રભુ કુંજ’માં રહેવા આવી ગયા હતા. આ બાજુ આર.ડી. બર્મને રીટા પટેલ નામની ગુજરાતી યુવતી સાથે કરેલા લગ્ન બહુ ઓછા વખતમાં પડી ભાંગ્યા. આર.ડી. ઘર છોડીને મહિનાઓ સુધી ખારની ‘સીઝર્સ પેલેસ’ નામની હૉટેલમાં પર્મેનન્ટ રૂમ રાખીને રહેતા (મુંબઈના અંડરવર્લ્ડની ગૅન્ગે જે ધોળકિયાનું ખૂન કર્યું તેની માલિકીની આ હૉટેલ ખારમાં અમારી પ્યુપિલ્સ ઓન સ્કૂલથી વૉકિંગ ડિસ્ટન્સ પર હતી પણ એ વખતે આપણને ક્યાં એવી ખબર કે ભવિષ્યમાં અમે જેમની પૂજા કરવાના છીએ તે દેવતાએ એમનું કામચલાઉ મંદિર અહીં વસાવ્યું છે. એ જ રૂમ એમનો મ્યુઝિક રૂમ પણ ખરો).

૧૯૭૫ની ૩૦મી માર્ચની સાંજ. ફિલ્મફેર અવૉર્ડની સાંજ. આશાજીને ૧૯૭૪માં રિલીઝ થયેલી ‘પ્રાણ જાય પર વચન ન જાયે’ ફિલ્મમાં ગાયેલા ચૈન સે હમ કો કભી ગીત માટે અવૉર્ડ મળવાનો હતો. ગીત ઓ.પી. નૈય્યરે કંપોઝ કર્યું હતું. પણ પંચમને ૧૯૭૪ની ‘આપ કી કસમ’ના જાનદાર સંગીત માટે અવૉર્ડ નહોતો મળવાનો. (૧૯૭૪ની ફિલ્મ માટેનો અવૉર્ડ ‘કોરા કાગઝ’ માટે કલ્યાણજીભાઈ – આણંદજીભાઈને મળ્યો હતો.) આશાજી અવૉર્ડ લેવા ના ગયાં. એમણે પંચમને કહ્યું: ‘ એ લોકોએ તમને આપ કી કસમ માટે અવૉર્ડ નથી આપ્યો તો મારે પણ ફંક્શનમાં જવાની જરૂર નથી. ઈન કેસ ‘મનોરંજન’માં મેં તમારા માટે ગાયેલા ગીત ચોરી ચોરી સોલા સિંગાર કરુંગી માટે મને અવૉર્ડ આપ્યો હોત તો જરૂર જાત. ઓ.પી. નૈય્યરે કંપોઝ કરેલું. ગીત ગાવા માટેનો અવૉર્ડ લેવા હું નથી જવાની.’

લગ્ન તો એમણે છેક પાંચ વર્ષ પછી ૧૯૮૦માં કર્યાં. બેઉએ એકબીજાની સાથે રહીને એકમેકના સંગીતને નિત નવી ઊંચાઈઓ આપી. આશાજી-પંચમના સંગીત સાયુજ્યનું સર્વોચ્ચ શિખર ક્યું? મારે હિસાબે તો આ. ૮ જુલાઈ ૧૯૮૮ના રોજ રિલીઝ થયેલી ‘ઈજાઝત’ના આ ગીત માટે આશાજીને અને ગુલઝારસા’બ – બેઉને નૅશનલ અવૉર્ડ મળ્યો અને ફિલ્મફેર પણ. આર.ડી.ને આમાંનું કંઈ નહીં. પણ ઠીક છે, યાર. આર.ડી.ને કરોડો ચાહકોનો જે પ્રેમ મળ્યો છે તે આવા તમામ અવૉર્ડ-ફેવૉર્ડનું સાટું વાળી દે. ગીત સાંભળો તમે.

એક દિવસ આ ગીત અમારા ઘરમાં ગવાતું હતું ત્યારે બિલ્ડિંગનો વૉચમેન આવ્યો. સૂચનાની આપલે કરીને પાછો ગયો. ચોવીસ કલાકમાં એણે આખા મકાનમાં અફવા ફેલાવી દીધી કે વો સાત માલેવાલે તો શિફ્ટ હો રહે હૈ… કોઈએ પૂછ્યું કે કેમ? તો કહે: કલ સે ઉન કે ઘર મેં કુછ સામાન શિફ્ટ કરને કી બાત હો રહી હૈ!

૭ જુલાઈ ૧૯૮૦. પંચમ અને આશાજી લગ્નના બંધનથી બંધાયાં. વરસેકમાં જ ગૉસિપબજારમાં વાત આવી કે આ લગ્ન પડી ભાંગ્યું છે. ‘આશા ભોસલે: અ મ્યુઝિકલ બાયોગ્રાફી’ પુસ્તકના લેખક રાજુ ભારતનનાં પત્ની ગિરિજા પણ સ્વતંત્રપણે એક ઉમદા લેખક તથા પત્રકાર. રાજુ ભારતનના કહેવાથી ગિરિજાજીએ આશાજીને ફોન કર્યો. પોતે વાત કરે એના કરતાં પત્ની આશાજી સાથે આ નાજુક મુદ્દા વિશે વાત કરે તો સારું એવી ભાવના. આશાજી તરત ફોન પર આવ્યાં અને તાબડતોબ મળવા આવવાનું આમંત્રણ આપ્યું. આશાજીએ દિલ ખોલીને વાત કરી. ૧૯૮૧ના સપ્ટેમ્બરના અંતમાં થયેલી વાતચીત બીજા મહિને, ૧૫ ઑક્ટોબરના ‘સ્ટાર ઍન્ડ સ્ટાઈલ’ના અંકમાં પ્રગટ થઈ.

આ ઈન્ટરવ્યૂમાં આશાજીએ કહ્યું: ‘કોણ કહે છે કે અમે છૂટાં પડી રહ્યાં છીએ? પ્રેસ અને બીજા લોકો શું કામ અમારા વિશે તદ્દન પાયા વગરની વાતો ફેલાવ્યા કરતા હશે?’ લગ્ન પહેલાં હું અને પંચમ સાથે દેખાતાં ત્યારે પણ અમારી સામે આંગળી ઊઠતી. હવે જ્યારે પરણી ગયાં છીએ ત્યારે કોણ જાણે કેમ પણ લોકોને અમે છૂટાં પડી રહ્યાં છીએ એવી અફવા ફેલાવવામાં પિશાચી આનંદ આવે છે. મારા પર વિશ્વાસ રાખો, અને આ વાત હું હાર્મોનિયમ પર હાથ રાખીને, જે મારા માટે સૌથી પવિત્ર છે, તેના સોગંદ ખાઈને કહું છું કે અમે બેઉ એકબીજા સાથે ખૂબ સુખી છીએ, એકબીજાથી અમને ભરપૂર સંતોષ છે. મને ખબર નથી પડતી કે આ અફવા કોણ ફેલાવી રહ્યું છે, અમારા ઘરમાંથી તો કોઈએ ફેલાવી જ ના હોય.’

આ બોલતી વખતે આશાજીના અવાજમાં જેન્યુઈન દર્દ ટપકતું હતું.

ગિરિજા ભારતને એમને સધિયારો આપતાં પૂછયું હતું: ‘આ બીજાં લગ્ન પછી પંચમમાં કોઈ સુધારો જોયો તમે?’

 

 

આશાજીએ કહ્યું: ‘જે લોકો પંચમને અગાઉથી જાણે છે એમનું કહેવું છે કે પંચમ હવે સારી રીતે સેટલ થઈ ગયા છે. અગાઉના જેવો ઉચાટ એમનામાં દેખાતો નથી. અગાઉ એ ગમે ત્યારે, ગમે તે ખાઈ લેતા. એમનો ટાઈમ ગમે તે રીતે વેડફાઈ જતો, પણ હવે અમને બન્નેને લાગે છે કે અમે એકબીજા માટે રિસ્પોન્સિબલ છીએ. અમને બેઉને ખબર છે કે અમે કોઈ યુવાન પ્રેમીપંખીડાં નથી. પ્રથમ પ્રેમ વખતે જે આંધળુકિયા હોય તે અમારા સંબંધમાં નથી. અમારી રિલેશનશિપ વાસ્તવમાં કમ્પેનિયનશિપ છે જેની અમને બંનેને જરૂર છે. અમે કંઈ ટીનએજ લવર્સની જેમ વર્તતાં નથી. અમને જો એકમેકની કંપનીમાં શાંતિ મળતી હોય, અમે એકબીજાની સાથે પ્રસન્ન રહેતાં હોઈએ તો અમારા લગ્ન માટે એટલું પૂરતું છે.’

આશાજી ગિરિજા ભારતનને આપેલા ઈન્ટરવ્યૂમાં આગળ કહે છે: ‘એક વાત કહું તમને? હું હંમેશાં ખુલ્લી કિતાબ જેવું જીવન જીવી છું. જે કંઈ કરું છું તે ખુલ્લંખુલ્લા કરું છું. મારી જિંદગીમાં કે મારી કરિયરમાં કોઈ પણ તબક્કે, ક્યારેય મેં હું જે નથી તે ચીતરવાની કોશિશ નથી કરી. હું એ લોકોમાંની નથી જે કોઈકની સાથે સ્ટેડી હોય પણ એને પોતાનો ધરમનો ભાઈ ગણાવતી ફરતી હોય. હું મારા કન્વિક્શન્સને બહાદુરીપૂર્વક વળગી રહેતી હોઉં છું.’

આશાજી કહે છે: ‘નસીબજોગે, પંચમ પોતે પણ એમની આસપાસના દંભી લોકોને બરાબર સારી રીતે જાણે છે. પ્લસ એ પોતે એવા ઓલિયા જીવ છે કે મારે પણ એમની સામે કોઈ દેખાડો કરવો પડતો નથી. હું જે છું તે જ રીતે મારે એમની સાથે વર્તવાનું હોય છે એટલે એવો કોઈ બોજ નથી રહેતો મારા પર. સાચું કહું, આને લીધે ઘણી હળવાશ અનુભવાતી હોય છે. એક વાત તમને ખબર છે? પંચમે મને એક વખત પણ પૂછ્યું નથી કે હું ક્યાં જઉં છું, શું કરું છું. તમને અંદાજ પણ નહીં આવે કે આપણે પોતે આપણી મરજીના માલિક હોઈએ ત્યારે કેટલી નિરાંત લાગે, આપણા કબાટમાં શું છે ને શું નહીં એની કોઈનેય પંચાત ન હોય, ક્યારેય એમાં કોઈ ખાંખાખોળા કરતું ન હોય ત્યારે કેવી આઝાદી લાગે. મારે કોઈ સવાલના જવાબ આપવાના નથી હોતા, પંચમ ક્યારેય મારી પૂછપરછ નથી કરતા, ઊલટતપાસ નથી લેતા. એમને મારા પર સંપૂર્ણ ભરોસો છે. જેમને સદ્ભાગ્યે સમજુ પતિ મળ્યો હોય એવી સ્ત્રીને કદી કલ્પનાય નહીં આવે કે સતત કોઈના દાબ નીચે, કોઈની ધાક હેઠળ જીવવું એટલે શું. હું એ બધું અગાઉ જીવી ચૂકી છું એટલે અત્યારે હું ગજબની ખુશી અનુભવી રહી છું.’

આ તબક્કે ગિરિજા ભારતને પ્રશ્ર્ન કર્યો: ‘પંચમનાં મધર મીરાં બર્મને તમારા ને પંચમના આ સંબંધને સ્વીકૃતિ આપી છે? દાદા બર્મનને તમારા અને પંચમ વચ્ચેની લાગણી વિશે જાણ હતી?’

(આર.ડી.નાં પ્રથમ પત્ની રીટા પટેલ અને સાસુ મીરાં બર્મન વચ્ચે ઊભેય નહોતું બનતું. સાસુવહુના એ ઝઘડામાં વધુ ઊંડાણમાં જવું અહીં અપ્રસ્તુત છે. બાકી ટિપિકલ ટીવી સિરિયલ ટાઈપના ઘણા કિસ્સા છે).

આશાજી જવાબમાં કહે છે: ‘કાશ, દાદા આજે જીવતા હોત અને સાંભળતા હોત (સચિન દેવ બર્મન ૩૧ ઑક્ટોબર ૧૯૭૫ના દિવસે ગુજરી ગયા). દાદા બર્મન પોતે મને વારંવાર કહ્યા કરતા કે, આશા, પંચમ અમારા કોઈનું સાંભળતો નથી. એક તું જ છે જે એની પાસે ધાર્યું કરાવી શકે છે. એનું ધ્યાન રાખજે, આશા. તું એની પડખે છે એ જાણીને મને ધરપત છે કે એ સ્થિર થઈને વધારે સારું સંગીત કમ્પોઝ કરશે… દાદા બર્મનના એક્ઝેટ આ શબ્દો હતા. મા (મીરાં બર્મન)એ મને સાસરિયા તરફથી રિવાજ મુજબ જે વહેવાર કરવાનો હોય તેને અનુસરીને સોનાની ઝાંઝરી, ચાંદીનાં વાસણો અને લાલ ઘરચોળું વગેરેની ભેટ આપી છે. આ બધું એમના આશીર્વાદ નથી તો બીજું શું છે? એમના પર એવું કોઈ દબાણ નહોતું કે એ મને સ્વીકારે. હકીકત એ છે કે દાદા બર્મનની હયાતીમાં જ મારો સ્વીકાર થઈ ચૂક્યો હતો. મા હજુ પણ વારતહેવારે અમારા સાંતાક્રુઝના ઘરે આવતાં હોય છે (જે જગ્યા હવે આર.ડી. બર્મન ચોકના નામે ઓળખાય છે જ્યાંનો રામ-શ્યામ સેવપૂરીવાળો પંચમનો ફેવરિટ હતો અને હવે તો આ લખનારના કેટલાય વાચકોનો પણ ફેવરિટ બની ગયો છે). અમે પણ ખારમાં ‘જેટ’ બંગલે જઈને એમનાં ખબરઅંતર પૂછતાં હોઈએ છીએ. મા અમારી સાથે નથી રહેતાં એનું કારણ એટલું જ છે કે એમણે આખી જિંદગી બહુ શાંતિથી ગાળી છે ને એમને અમારી લાઈફસ્ટાઈલ બહુ ધાંધલધમાલવાળી લાગતી હોય છે. બીજું, અલમોસ્ટ આખી જિંદગી એમણે દાદા બર્મન સાથે ‘જેટ’ બંગલોમાં ગાળી છે એટલે એમની તમામ સ્મૃતિઓ એ જગ્યા સાથે જોડાયેલી છે… કલકત્તામાં પંચમ જેમને ત્યાં ઊછર્યા તે એમનાં નાનીમા (મીરાં બર્મનનાં માતા) પણ મને કહેતા હોય છે કે અમારાં લગ્ન પછી પંચમ વધારે ઠરીઠામ થયા છે.’

પંચમે ચોપન વર્ષની વયે ૧૯૯૪માં વિદાય લીધી. આશાજી આજે, શુક્રવાર આઠમી સપ્ટેમ્બરે, નેવું વર્ષ પૂરાં કરે છે. દુબઈમાં આજે એક મોટા શોમાં આશાજી ગાવાનાં છે. ( તમે એ તરફ હો તો જઈ આવજો ). આશા રાખીએ કે આશાજી આવતાં દસ વર્ષ સુધી આ જ રીતે મંચ પર મહેફિલ સજાવતાં રહે. આપણે સારું ભાગ્ય ધરાવીએ છીએ — લેજન્ડ સમાન કળાકારોના જમાનામાં જીવીએ છીએ. આશા ભોસલે જેવાં ઉત્તમોત્તમ ગાયિકાને ઇશ્વર ખૂબ લાંબું અને આરોગ્યપ્રદ આયુષ્ય આપે એવી પ્રાર્થના.

આજનો વિચાર

દરેક વ્યક્તિની ત્રણ જિંદગી હોવાની: પબ્લિક, પ્રાઈવેટ અને સીક્રેટ.

-ગેબ્રિયલ ગાર્સિયા માર્કેઝ (નોબેલ પારિતોષિક વિજેતા કોલમ્બિયન નવલકથાકાર: ૧૯૨૭-૨૦૧૪)

* * *

સંગીત વિનાની જિંદગી એક ભૂલ કહેવાય.

—ફ્રેડરિક નિત્શે

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

9 COMMENTS

  1. મારા મતે, આધુનિક હિન્દી ફિલ્મ જગતના નાં ૩ મોટા સ્તંભો છે લતા મંગેશકર, આશા ભોંસલે અને અમિતાભ બચ્ચન! એમના વગર નું ફિલ્મ જગત હું કલ્પી શકાતો નથી. એમાં થી લતાજી તો ગયા હવે પ્રભુ ને પ્રાર્થના છે કે આશાજી અને અમિતાભ બચ્ચન ને દીર્ધાયુ કરે!

  2. ખૂબ જ સુંદર. આપની કલમની સ્યાહીમાં લોહચુંબક ઘોળેલું જણાય છે.

  3. Aflatoon, as usual….. request chhe કે કિશોર કુમાર વિશે પણ લખો. તમે તમારા આર્ટિકલ્સ માં ઘણું બધું હોમવર્ક કરો છો જે દેખાઈ આવે છે.

  4. આ લેખ વાંચવાની ઘણી જ મજા આવી. વાંચતા વાંચતા એટલી જીજ્ઞાસા થઈ કે એક બેઠકમાં જ વાંચી જવાણુ. સાથે સાથે એ સમયના દિવસો પણ વાગોળ્યા. સિદ્ધહસ્ત લેખકના ગમતાંનો ગુલાલ.

  5. સુંદર લેખ આશાજીને સ્ટેજ પર જોવાનો મોકો મને મળ્યો હતો એક અનમોલ સંભારણું

  6. ઓ મેરે સોના માં મુખડા માં આશા જી નો જ અવાજ છે અને ત્રણ માંથી બે અંતરા પણ તેમણે જ ગાયા છે. પણ એક અંતરો ‘ ઓ ફીર હમશે નાં ઉલઝનાં પૂરો મહમ્મદ રફી જી નાં સ્વર માં છે. પણ રાહુલ દેવ બર્મન વિવિધ ભારતી નાં જયમાલા કાર્યક્રમ માં આવ્યા હતા ત્યારે આ ગીત માટે તેમણે પણ ફક્ત આશા જી નો જ ઉલ્લેખ કરી રફી સાહેબ નો અંતરો રજૂ નહીં કર્યો હતો . કારણ કદાચ આપ સમજાવી શકશો.

  7. Superb!! Your writing is so polished and lucid on all subjects that I am compelled to read then in one sitting only!! 👌🏻👍🏻😊🎉

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here