તમારી મહેનતમાં શું ખૂટે છે કે તમે સફળ નથી થતા?

તડકભડક: સૌરભ શાહ

(‘સંદેશ’ , ‘સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, ૨૩ જૂન ૨૦૧૯)

મહેનત કરનારાઓની આ દુનિયામાં કમી નથી. જન્મજાત આળસુ સિવાયના દરેકે દરેક લોકો પોતપોતાના ગજા પ્રમાણે આકરી મહેનત કરતા જ હોય છે. જેમના શારીરિક કે માનસિક સંજોગો વિપરીત હોય એવા લોકો પણ મહેનત કરવાની દાનત રાખતા હોય છે. જેમની કુદરતી પરિસ્થિતિ વિષમ બની ગઈ હોય તેઓ પણ જેવી અનુકૂળતા સર્જાય કે તરત જ મહેનત કરવા તત્પર હોય છે. આળસુ તરીકે પંકાઈ ગયેલી વિદેશની કેટલીક પ્રજાઓમાં પણ મહેનતકશ લોકો તો હોવાના જ. મહેનત કરવાનું માણસના સ્વભાવમાં છે, એના જિન્સમાં છે, એના ડીએનએમાં છે. આદિમાનવ મહેનત કરીને શિકાર શોધી લાવતો ત્યારે જ એ સર્વાઈવ થઈ શકતો. ટાઢ, તડકો અને વરસાદ વેઠીને પણ મહેનત કરવી એ માણસના લોહીમાં છે કારણ કે એને ખબર છે કે જો મહેનત નહીં કરું તો ટકી નહીં શકું, આગળ નહીં વધી શકું. અતિ ધનાઢ્ય માણસ પણ જાણે છે કે મહેનત નહીં કરું તો આ શ્રીમંતાઈ ઓસરવા માંડવાની. એટલે જ ગરીબ-તવંગર સૌ કોઈ પોતપોતાની સમજ મુજબ મહેનત કરતું રહે છે.

સવાલ એ છે કે મહેનત તો દરેક જણ કરે છે પણ સફળતા કેમ સૌને નથી મળતી. શા માટે દરેક મહેનતી વ્યક્તિ પૈસાદાર નથી બનતી? દરેક માણસ મહેનત કર્યા પછી પોતાનાં તમામ અરમાનો પૂરાં કરી શકતો નથી એવું શું કામ?

શું આમાં નસીબ કામ કરી જાય છે? ના. શું આ પુરુષાર્થને ભગવાનના આશિર્વાદ નથી મળતા એટલે આવું બને છે? ના. શું કુદરત ક્યાંક કોઈને અન્યાય કરી બેસવાની ટેવ ધરાવે છે એટલે આવું બને છે? ના, ભાઈ, ના. નસીબ કે ઈશ્વર કે કુદરતને આમાં વચ્ચે ન લાવીએ. એ સૌને પોતપોતાનું કામ કરવા દઈએ અને આપણે આપણું કામ કરીએ. આપણું કામ છે નિષ્ઠાથી મહેનત કરવાનું, પરસેવો પાડીને કામ કરતાં રહેવાનું અને જ્યારે એ કામના બદલામાં ધાર્યું વળતર નથી મળતું એવું લાગે ત્યારે વિચારવાનું કે શા માટે આ અસમતુલા સર્જાઈ રહી છે?

મહેનત કરતી વખતે, કામ કરતી વખતે તમારા મનમાં આ મહેનત કરવા પાછળ શું આશય છે, શું ઈરાદો છે તે સૌથી મહત્વનું છે.

તમારો આશય એવો હોય કે આ મહેનતના બદલામાં જે વળતર મળશે એમાંથી હું બે ટંકની રોટી કમાઈને મારું ગુજરાન ચલાવીશ તો તમને એટલું જ ફળ મળશે. એથી વધુ નહીં. કારણ કે તમારી માનસિકતા માત્ર બે ટંકનું ભોજન મેળવીને સંતુષ્ટ થઈ જવાની છે. તમને એથી વિશેષ કંઈ જોઈતું નથી. તો પછી નસીબ, ઈશ્વર કે કુદરત શું કામ તમને તમારી જરૂરિયાત કરતાં વધુ આપવાની તસદી લે?

તમારો આશય એવો હોય કે આ મહેનતના બદલામાં મને ખૂબ પૈસા મળે અને હું કે મારું કુટુંબ મોજશોખથી રહીએ તો જતેદહાડે તમને તમારી મહેનતના બદલામાં એટલું વળતર જરૂર મળવાનું કે તમે કે તમારો પરિવાર તમારા મોજશોખ પોષી શકો. પણ શું મોજશોખ પોષાય એટલું કમાવું એ જ શું ખરી સફળતા છે? ઈવન આટલી સફળતા પણ મહેનત કરતાં કરતાં મનમાં દ્રઢ વિશ્વાસ હોય કે આ મળવાનું જ છે ત્યારે મળતી હોય છે. આપણે કોઈ કામ કરીએ ત્યારે મનમાં જ ઢચુપચુ હોઈએ કે જોઈએ, શું થાય છે, મઝા આવશે તો ઠીક બાકી કંઈક નવું શોધી લઈશું – તો આવી માનસિકતા તમને ક્યાંય નહીં પહોંચાડે, મહેનત કરતા હશો તો પણ તમને બે ટંકના ભોજનની નિશ્ચિંતતા નહીં મળે કે મોજશોખનાં સપનાં સાકાર નહીં થાય તમારાં.

મહેનત કરતી વખતે મનમાં દ્રઢ સંકલ્પ હોવો જોઈએ. આ સંકલ્પ પૂરો થશે જ એવી શ્રધ્ધા હોવી જોઈએ અને આ ત્યારે જ અકબંધ રહે જ્યારે ધીરજ કેળવી હોય. રાતોરાત કશું મળતું નથી. બીજ વાવીને વર્ષો સુધી રાહ જોવી પડે ત્યારે ફળ આપી શકે તેવું વૃક્ષ સર્જાય. એ દરમ્યાન ફળ મેળવ્યા વિના છોડનું, વૃક્ષનું જતન કરવું પડે નિરંતર. થાક્યા વિના, હાર્યા વિના, શ્રધ્ધા રાખીને. કે એકને એક દિવસ તમારી આ મહેનત, તમારી આ ધીરજ રંગ લાવવાની જ છે.

તો વાત એમ છે કે મહેનત કરતી વખતે તમે કોઈ સંકલ્પ કર્યો છે કે નહીં અને જો કર્યો હોય તો કેટલો ભવ્ય સંકલ્પ કર્યો છે એના પર તમારી મહેનતના પરિણામનો આધાર છે. તમારો સંકલ્પ ખરેખર ભવ્ય હશે તો તમારે પ્રયાસો કરવા પણ નહીં પડે અને તમારી મહેનતની દિશા બદલાઈ જશે. તમારા સંકલ્પને અનુકૂળ થાય એવું મહેનતનું ક્ષેત્ર પણ આપોઆપ તમને જડી જશે. તમારે જેવી સફળતા મેળવવી છે એવા વાતાવરણમાં તમે આપોઆપ પહોંચી જશો. પણ પહેલાં સંકલ્પ તો કરીએ.

કોઈ રેસ્ટોરાં કે ઢાબા પર વાસણ ધોવાની મહેનત કરવામાં કંઈ ખોટું નથી. પણ એ મહેનત કરતી વખતે મનમાં એટલો જ સંકલ્પ હોય કે મને અહીંથી બે ટંકનું ભોજન મળી રહે એ માટે હું અહીં મહેનત કરું છું તો તમને બે ટંકનું ભોજન જ મળી રહેશે, વધુ કશું પ્રાપ્ત નહીં થાય. તમારી ઈચ્છા તમને પોતાને કે તમારા કુટુંબને થાળે પાડવાની હશે તો તમે એવા સંકલ્પ સાથે મહેનત કરશો અને ભવિષ્યમાં તમે એ જ કે એવા જ ઢાબા કે રેસ્ટોરાંના માલિક પણ થશો. પણ જો તમારો સંકલ્પ એવો હશે કે અત્યારે ભલે હું લોકોનાં એઠાં વાસણો ધોતો હોઉં પણ ભવિષ્યમાં મારે ફિલ્મના ઍક્ટર બનવું છે, રાષ્ટ્રીય કક્ષાના રાજનેતા બનવું છે કે મશહૂર રાઈટર બનવું છે તો તમારો આ સંકલ્પ પણ આ જ રીતે મહેનત કરતાં કરતાં પૂરો થવાનો.

કોઈ કહેશે કે હું વર્ષોથી મહેનત તો કરું છું પણ મારી ઈચ્છા ભવિષ્યમાં આવું કરવાની છે પણ ત્યાં સુધી તો હું પહોંચ્યો જ નથી. ઈચ્છામાં અને સંકલ્પમાં જમીન-આસમાનનો તફાવત છે. શેખચલ્લી અને ધીરુભાઈ અંબાણી જેટલો. શેખચલ્લીમાં માત્ર ઈચ્છાઓ જ હતી અને એ સપનાંઓ જોતો જે ક્યારેય સાકાર થયાં નહીં. અંબાણીમાં સપનાંઓ જોવાની સાથે દ્રઢ સંકલ્પો હતા જેને કારણે એમણે જે ધાર્યું હતું તે કર્યું. સંકલ્પ કર્યા વિનાની ઈચ્છાઓ પ્રેયસીને કવિતાઓ લખવા જેવી હોય છે. એનું કોઈ પરિણામ ન આવે. રૂપાળી કવિતાઓ લખવાથી તમે કોઈને ક્ષણભર આકર્ષી શકો, બીજી પળે તરત એ તમારાથી દૂર થઈ જશે. કોઈની નજીક આવવા તમારે સંકલ્પ કરવો પડે કે કમ વૉટ મે, હું એને લાયક છું તે પુરવાર કરીને જ રહીશ. આવા સંકલ્પોથી જ સફળતાઓ મળતી હોય છે, માત્ર ઈચ્છાઓ રાખવાથી નહીં. મહેનત કરનારાઓ ઈચ્છાઓમાંથી સંકલ્પો સુધી પહોંચે છે ત્યારે જ એમની મહેનત રંગ લાવતી હોય છે.

પાન બનાર્સવાલા

સપનું કોઈ જાદુથી સાકાર નથી થતું. એના માટે પરસેવો પાડવો પડે, દ્રઢ નિશ્ચય જોઈએ.

–કોલિન પૉવેલ ( અમેરિકના ભૂતપૂર્વ લશ્કરી વડા અને માજી વિદેશ મંત્રી)

7 COMMENTS

  1. Very true n appropriate .just wishing is not enough but consistent hard work is must for achieving goal
    Thank you so much

  2. મહેનત ની આ વાત મારી કચેરી ના સ્ટાફ ને જરૂર કહીશ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here