પૅશનથી કામ કરવું એટલે જ મા ફલેષુ કદાચન

તડકભડક : સૌરભ શાહ

(‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, રવિવાર, ૩૦ જૂન ૨૦૧૯)

આજે એટલે કે આ લેખ જે દિવસે લખાઈ રહ્યો છે તે દિવસ આર.ડી.બર્મનની ૮૦મી જન્મતિથિનો છે. ૨૭ જૂન ૧૯૩૯ના દિવસે એમનો જન્મ. પંચમદાને, એમના મ્યુઝિકને જો એક જ શબ્દમાં ડિસ્ક્રાઈબ કરવાનાં હોય તો તમે ક્યો શબ્દ વાપરો? પૅશન. પૅશનેટ.

ભગવદ્‌ ગીતાની કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચનવાળી ફિલસૂફીને ઘણી ચાવી પણ એના અંગેની ગેરસમજ હજુ સુધી દૂર નથી થઈ આપણા દિમાગમાંથી. ફળની ફિકર રાખ્યા વિના દિલથી કામ કરતાં રહેવું એનું નામ પૅશન. ભગવાને ગીતામાં સૌથી પહેલો જે બોધપાઠ આપ્યો છે તે પૅશનેટ બનીને કામ કરવાનો. આ કામમાંથી કેટલા પૈસા મળવાના છે, કેટલી પ્રસિધ્ધિ પ્રાપ્ત થવાની છે એવો વિચાર જ નહીં કરવાનો. આ કામમાં પૂરેપૂરા ખૂંપી જઈશું, આજુબાજુનું બધું જ ભૂલી જઈને માત્ર આ કામમાં એકાગ્ર બની જઈશું તો કામ કરવાની કેટલી મઝા આવશે એ જ હેતુ હોવો જોઈએ. આ મઝા સિવાયની બાકીની બધી જ વાત જાય જહન્નમની ખાડીમાં. કેન્દ્રમાં મઝા છે, કામ કરવાની મઝા, નવું નવું કામ અને નવી નવી રીતે કામ અને નવા નવા લોકો- નવી નવી પરિસ્થિતિઓ સાથે ખુશીથી, ઍડજસ્ટ થઈને કામ કરવાની મઝા. આર.ડી.બર્મન એ જ રીતે કામ કરતા. સતત વિચારતા રહેતા કે આ ગીતમાં નવું શું કરવું છે. એમની સાથે ગાવા-બજાવવાવાળા કળાકારોને પણ રોજ એમના રિહર્સલરૂમ કે પછી રેકૉર્ડિંગ સ્ટુડિયો પર જતી વખતે મનમાં એ જ વિચાર આવતોઃ આજ નયા ક્યા હોનેવાલા હૈ.

દરેક કળાકાર માટે, સર્જકમાત્ર માટે આપણને આદર હોય. એમના જબરજસ્ત ચાહક પણ હોઈએ. પરંતુ દરેકની તાસીર જુદી જુદી હોય, ફિતરત પણ જુદી જુદી હોવાની. એટલે ક્યારેક બે મહાન સર્જકોની તુલના કરીએ ત્યારે કોઈનેય નીચા દેખાડવાની ચેષ્ટા નથી હોતી, માત્ર સમજવા ખાતર આવી સરખામણી કરતા હોઈએ છીએ.

આર.ડી.બર્મને માત્ર કામ કર્યું, જબરજસ્ત કામ કર્યું, પૈસાની પરવા કર્યા વિના કામ કર્યું (વિધુ વિનોદ ચોપરાની ‘પરિન્દા’ માટે તો પંચમે પોતાના પૈસે રેકૉર્ડિંગ કર્યું. આવા તો અનેક કિસ્સા છે જેમાં બૅકગ્રાઉન્ડ મ્યુઝિક માટે પ્રોડ્યુસર પાસે બજેટ ન રહ્યું હોય તો જે કંઈ પૈસા હોય તે લઈને, એમાં પોતાની રકમ ઉમેરીને રેકૉર્ડિંગ સરખી રીતે પૂરું કરે, કોઈ ખોટા કોસ્ટ કટિંગ કે કૉમ્પ્રોમાઈઝ વિના). પંચમ એના સાથીઓની સતત પડખે રહેતા. રણજિત ગઝમેર(કાંચા) એમના રિધમિસ્ટ. કાંચાના સ્લિપ ડિસ્કના દર્દ વખતે છ મહિના સુધી આર.ડી.બર્મન એમને ઘેર બેઠાં રોજના સિટિંગ મની, ઈવન ઓવર ટાઈમ પણ મોકલી આપતા. આર.ડી.ના બીજા એક સાથી હોમી મુલ્લાંએ આ વાત કરી છે. હોમી જ આ રકમ કાંચાના ઘરે જઈને આપી આવતા. અને ધ્યાન રાખો કે આ રકમ પંચમદા પ્રોડ્યુસરોના ખર્ચમાં ઉમેરતા નહોતા. પોતાની કમાણીમાંથી આ બધી સેવા કરતા. આવા તો અનેક કિસ્સા છે એમના ઉદાર સ્વભાવના, ઉડાઉ નહીં. ટિપિકલ ફિલ્મી પાર્ટીઓ ક્યારેય કરતા નહીં. એવા કોઈ ઉડાઉ ખર્ચાઓ નહોતા કરતા. વર્ષો સુધી ફિયાટ વાપરી. એ પણ ફિયાટનું જૂનું મૉડેલ, ઓરિજિનલ, જેને લાડમાં લોકો ‘ડુક્કર ફિયાટ’ કહેતા એ. પાર્ટી વસંત પંચમીએ કરતા. બંગાળમાં એ સરસ્વતી પૂજનનો પવિત્ર અવસર. પંચમદા એ દિવસે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પોતાના મિત્રોને ઘરે જમવા બોલાવતા. પ્યોર શાકાહારી ભોજન હોય. સાથોસાથ જે બિલ્ડિંગમાં રહેતા તેના તમામ ફ્લેટ ઓનર્સને સહકુટુંબ નોતરું આપતા. નોતરું આપવા માટે જાતે પોતે દરેક ફ્લેટ પર જતા.

લક્ષ્મીકાન્તે (પ્યારેલાલજીના પાર્ટનર) જુહુ પર ‘પારસમણિ’ બંગલો બાંધ્યો હતો. એ જમાનામાં. જુહુના દસમા રોડના એક છેડે લક્ષ્મીજીનો બંગલો અને વખત જતાં બીજા છેડે ‘પ્રતિક્ષા’ બંગલો બન્યો, મહાન બચ્ચનજીનો. આર.ડી.બર્મન પણ એટલું કમાઈ શક્યા હોત, બચાવીને બે-ચાર બંગલાઓ લઈ શક્યા હોત અને ‘પારસમણિ’ બંગલોની જગ્યાએ અત્યારે રિડેવલપમેન્ટ થઈને ભવ્ય મોટું ‘પારસમણિ’ એપાર્ટમેન્ટ નામનું મકાન ઊભું છે એવો જ કોઈ વારસો પંચમદા પોતાના ગયા પછી છોડી ગયા હોત. (અફકોર્સ, મૃત્યુના થોડાક મહિનાઓ પહેલાં એમણે ફ્લેટમાંથી બંગલોમાં શિફ્ટ થવાનું વિચાર્યું હતું અને જુહુતારા રોડ પરની તે વખતની યશ ચોપરાની ઑફિસના બંગલોની નજીકની એક જગ્યા એમણે જોઈ પણ રાખી હતી.)

પંચમદાએ બંગલો બનાવવાનાં ખ્વાબ જોવાને બદલે, કૅડિલેક કે ઈમ્પાલામાં મહાલવાને બદલે સાંતાક્રુઝના નોર્થ એવન્યુના ‘મેરીલેન્ડ’ અને ‘ઑડિના’ નામના મકાનોમાં(વારાફરતી) રહેવાનું મુનાસિબ માન્યું. આજે એમની સ્મૃતિ એમણે બાંધેલા કોઈ બંગલોને કારણે કાયમ નથી, એમના સંગીતને કારણે તેઓ અમર છે.

આનું કારણ શું? પૅશન. કામ માટેનો લગાવ. પોતાના પ્રોફેશન માટે જિંદગીની દરેક ક્ષણ ન્યોચ્છાવર કરી દેવી એનું નામ પૅશન. પૅશને જ એમને ૫૪ વર્ષના ટૂંકા આયુષ્યમાં પણ ભરપૂર જીવતા રાખ્યા અને અવસાનના ૨૫ કરતાં વધુ વર્ષ થઈ ગયાં તે છતાં આપણને એ યાદ છે, એમનું મ્યુઝિક યાદ છે. આજની તારીખે જૂના સંગીતકારોમાં સૌથી વધુ આર.ડી.બર્મનનાં ગીતો રિમિક્‌સ થાય છે. આપણે બધાં મર્યાના પચ્ચીસ વર્ષ પછી લોકોને યાદ રહીશું કે નહીં તેની કસોટી કરવા માટેનું બેરોમીટર હવે મળી ગયું છે. જે કંઈ નવા કામ કરીએ તે કામ પૅશનેટલી કરીએ છીએ? આ સવાલનો જવાબ દરેક વખતે ‘હા’ હોય તો જરૂર, પંચમદાની જેમ આપણું કામ પણ આપણા ગયા પછી યાદ રહેવાનું છે. વારસામાં બંગલાગાડી મૂકી જવા છે કે જીવતેજીવ પૅશનથી કામ કરવું છે? નક્કી આપણે કરવાનું છે.

પાન બનાર્સવાલા

માણસને જરા ખોતરો, ને ખજાનો નીકળે;
સાચવીને સંઘરેલો, એક જમાનો નીકળે.

– બૈજુ જાની

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here