દુનિયામાં સૌથી શ્રીમંત બનવા માટે શું કરવું પડે?

લાઉડ માઉથ : સૌરભ શાહ

(‘સંદેશ’ , ’અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, બુધવાર, ૨૬ જૂન ૨૦૧૯)

કોઈ કંઈ પણ કહે, આપણે આપણી પરિસ્થિતિ અને આપણી સમજમાં ઊતરે એટલી વાત જ એમાંથી સ્વીકારવાની હોય. અનેક મહાનુભાવોને તમે સાંભળ્યા હશે, વાંચ્યા હશે, એમના ક્‌વૉટ્‌સ માણ્યા હશે, એમાંથી શીખવા જેવું શીખીને આગળ પણ વધ્યા હશો તમે.

બે વાત છે. એક તો એ લોકોએ કઈ વાત ક્યા સંદર્ભમાં કહી હશે તેનો સો ટકા ખ્યાલ આપણને ક્યારેય નથી આવતો હોતો કારણ કે તે વખતે તમે ત્યાં હાજર નથી હોતા. અને બીજી વાત. ઈવન તમે એ વાત જ્યારે કહેવાઈ ત્યારે સદેહે હાજર પણ હો તોય એ વ્યક્તિ પોતે અંદરથી ખરેખર શું માને છે અને પ્રગટપણે શું કહી રહી છે એ બે વચ્ચેના તફાવતનો ક્યાસ કાઢવાનું તમારું તો શું કોઈનું ય ગજું નથી હોતું, એની નિકટતમ વ્યક્તિનું પણ નહીં.

એટલે જ, મહાનુભાવોની( કે પછી કોઈ પણ વ્યક્તિની) વાતોને આપણે આપણી સમજમાં જેટલી ઊતારવા જેટલી લાગે એટલી જ સ્વીકારવાની.

આટલી પ્રસ્તાવના જરૂરી હતી જેફ બેઝોસની ૪ વાતની માંડણી કરવા માટે. જેફ બેઝોસ દુનિયામાં કેટલામા નંબરનો શ્રીમંત છે, અને એણે એની વાઈફને કેટલા પૈસા એલિમની પેટે આપીને એનાથી છુટકારો મેળવ્યો અને વાઈફે એ પૈસાનું શું કર્યું એ બધી વાતોથી આપણને કોઈ લેવાદેવા નથી. જેફ બેઝોસનો કામધંધો શું છે એની સૌને ખબર છે અને છતાંય જો જરૂર પડે તો ગૂગલ સર્ચ કરી લેવું.

ચાર વાતો એણે હમણાં લોસ ઍન્જેલસની એક કોન્ફરન્સમાં કહી. સફળતા મેળવવા માટેની ચાર વાતો. પહેલું તો એ કહ્યું કે કોઈ પણ કામમાં વેઠ નહીં ઉતારો, દિલથી કામ કરો, પૂરેપૂરા નિચોવાઈ જઈને કામ કરો. અંગ્રેજીમાં એના શબ્દો હતાઃ ‘યુ વિલ બી કૉમ્પીટિંગ અગેન્સ્ટ ધોઝ હુ આર પૅશનેટ… યુ હૅવ ટુ બી અ મિશનરી, નૉટ અ મર્સીનરિ. ઍન્ડ પૅરડૉક્‌સિક્લી, ધ મિશનરીઝ ઍન્ડ અપ મેકિંગ મોર મની.’

મિશનરીની ભાવનાથી કામ કરવું એટલે સેવાભાવનાથી કામ કરવું પણ અહીં એનો અર્થ એ લેવાનો કે પૈસાની આશા રાખ્યા વિના કામ કરવું. અર્થાત્‌ પૈસાની ગણતરી વિના કામ કરવું. આટલું કામ કરીશું તો આટલા મળશે એવી ગણતરી નહીં રાખવાની. જીવ નિચોવીને કામ કરવાનું. ભરપૂર પૅશન સાથે કામ કરવાનું. અત્યારના કામમાં તમને કદાચ વળતર મળે કે ના મળે અને મળે તો કદાચ ઓછુંય મળે. પણ જીવ રેડીને સતત કામ કર્યા કરીશું તો એ રીતે જ કામ કરવું એવી આદત પડી જશે અને એકને એક દિવસ તમે એટલી કમાણી કરતા થઈ જશો કે તમને આશ્ચર્ય થશે કે જે લોકો માત્ર પૈસાને ખાતર કામ કરે છે એના કરતાં પૈસાને ધ્યાનમાં રાખ્યા વગર તમે કામ કર્યું એની કમાણી અનેકગણી થવા માડી. આવું બને છે. આવું જ બને છે. આપણી આસપાસ આપણે આવું જ થતાં જોયું છે. જેફ બેઝોસે કોઈ નવી નવાઈની વાત નથી કરી. પણ આ શબ્દો એના મોઢામાં રિપીટ થયા છે એનું મહત્વ છે. એના જેવો દુનિયાનો નંબર વન ધનાઢ્ય( બીજા નંબરે માઈક્રોસૉફ્‌ટવાળા બિલ ગેટ્‌સ છે) જ્યારે આવું માને ત્યારે આપણે પણ માનવું જ પડે કે કામ કરતી વખતે પૅશનનું કેટલું મોટું મહત્વ છે. ‘ફૉર્બ્સ’ મૅગેઝિનના કહેવા મુજબ જેફ બેઝોસની નેટ વર્થ ૧૧૨ બિલિયન ડૉલર જેટલી છે. એક હજાર મિલિયન એટલે એક બિલિયન. મિલિયનમાં છ મીંડાં આવે, બિલિયનમાં નવ. અને એક મિલિયન એટલે દસ લાખ. ડૉલરનો આજનો ભાવ ૬૯ રૂપિયા ૭૫ પૈસા. હવે બેઠાં બેઠાં ગણતરી કરીને આંકડો માંડો કે જેફ બેઝોસ પાસે કેટલો કુબેરભંડાર છે. અમે આગળ વધીએ. ( સાડા સાત લાખ કરોડ રૂપિયાથી વધુનો આંકડો આવવો જોઈએ, અન્યથા ફરીથી ગણતરી કરજો અને તોય ખોટો આવે તો તમે નહીં, અમે ખોટા).

બીજી વાત જેફ બેઝોસે જે કરી એ પણ ખાસ્સી કૉમન છે કે રિસ્ક લેતાં ગભરાવું નહીં. પણ જે શબ્દોમાં આ વાત કરી તે લૉજિક આપણને તરત ગળે ઊતરી જાયઃ ‘તમારા બિઝનેસ આઈડિયામાં જો કોઈ રિસ્ક ન લાગતું હોય તો માની લેજો કે કોઈ ઑલરેડી એ ધંધો કરી રહ્યું છે( અને હવે તમારા માટે ત્યાં જગ્યા નથી). તમારે કંઈક એવું વિચારવું પડે જેમાં કદાચ તમે ઊંધે માથે પડો. સમજો ને કે તમે કોઈ અખતરો કરી રહ્યા છો, પ્રયોગ કે એક્‌સપરીમેન્ટ કરી રહ્યા છો એવી ભાવનાથી ધંધો શરૂ કરવાનો. અમે( એટલે કે જેફ બેઝોસ પોતે) સતત રિસ્ક લેતા રહીએ છીએ અને( ઍમેઝોન ડૉટ કૉમ સહિતના બીજા ધંધાઓમાં મળતી) અમારી નિષ્ફળતાઓને છુપાવ્યા વિના એના વિશે વાત કરતાં રહીએ છીએ.’

જેફ બેઝોસ બિલકુલ નિર્દયી લાગે એ હદ સુધી જઈને ત્રીજી વાત કરે છે. રિસ્ક લઈશું એટલે સફળ થઈ જઈશું એ જરૂરી નથી. હિંમતે મર્દા તો મદદે ખુદા એવું દર વખતે નથી બનતું. રિસ્ક લીધા પછી ફેઈલ્યોર આવવાના જ છે. જેફ બેઝોસ શું કહે છે તે ધ્યાનથી સાંભળી લોઃ ‘તમને મસમોટી નિષ્ફળતા નહીં મળે ત્યાં સુધી તમે જીવ પર આવીને ફરી લડવાના નથી. તમારામાં જીતવાનું ઝનૂન પેદા થાય એ માટે જ તોતિંગ નિષ્ફળતાઓ આવતી હોય છે. મોટી હરણફાળ ભરશો તો મોટી નિષ્ફળતાઓ આવશે. ભલે આવતી. તમારે એની તૈયારી રાખવાની. તમારી માનસિકતા, તમારી આસપાસનું વાતાવરણ, તમારી કામ કરવાની રીત- આ બધું એવું હોવું જોઈએ જે તમારી નિષ્ફળતાઓને ઝીલી લે, તમને ફરી પાછા ઊભા થવામાં મદદ કરે. ઉપરાછાપરી નિષ્ફળતાઓ પછી મેદાન છોડવાની વાત ક્યારે કરવાની? જીતનો કપ તમારા હાથમાં હોય ત્યારે જ. એ પહેલાં નહીં.’

અને જેફ બેઝોસની આ ચોથી વાત તો ગજબની છે. નવી છે એટલે જ નહીં. આપણે સૌ, મોટી મોટી નિષ્ફળતાઓથી ગભરાતા અને નાની નાની સફળતાઓમાં મહાલતા, આવું જ કરતા હોઈએ છીએ – જે કરવાની જેફ બેઝોસ ના પાડે છે. આપણે ડગલે ને પગલે એમ માનતા રહીએ છીએ કે હું જે રીતે કામ કરું છું તે જ સાચી રીત છે, આગળ વધવા માટે કે ધંધાને ઉપર લઈ જવા માટે મારી પાસે જે વિચારો છે તે જ સાચા છે, એને લીધે જ તો હું સફળ થયો છું… પણ આપણે એ ભૂલી જઈએ છીએ કે આ નાની નાની સફળતાઓ જંગી સક્‌સેસમાં નથી પલટાતી એનું કારણ આ જ છે – તમારી જીદ. તમે એકલા જ ડાહ્યા, તમને સૂચનો કરનારા, તમારું માર્ગદર્શન કરનારા, તમને સલાહ આપનારા બધા ડોબા અને બેવકૂફ, એમને ક્યાંથી ખબર પડે તમારા જેટલી.

જેફ બેઝોસની ચોથી વાતનો સાર એ છે કે જે લોકોના નિર્ણયો વારંવાર સાચા પડતા હોય છે એ લોકોને બીજાઓ પોતાને શું કહે છે એ ધ્યાનથી સાંભળવાની ટેવ હોય છે. પછી નિર્ણયો ભલે પોતાની કોઠાસૂઝથી લેવાતા હોય. પણ બીજા લોકોના મંતવ્યો સાંભળવા જોઈએ, આવકારવા જોઈએ, એમના મત મુજબ આપણી કાર્યપધ્ધતિનું, કામ માટેની વિચારસરણીનું ફાઈન ટ્યુનિંગ થવું જોઈએ. જે લોકો સાચા પડે છે એ લોકો પાસે નવી માહિતીઓ ન આવે તો પણ પોતાના વિચારોમાં પરિવર્તન લાવતાં ડરતા નથી. બીજાઓના કહેવાથી હું દોરવાઈ જાઉં છું એવી મારી છાપ પડશે એવા ભયથી તેઓ મુક્ત હોય છે. એમને નવેસરથી પરિસ્થિતિનો ક્યાસ કાઢતાં આવડે છે. પોતે ખોટા હતા એવું કબૂલ કરવામાં એમને સંકોચ નથી થતો. તમે જો સતત એકના એક વિચારને વળગી રહેશો તો મામૂલી સફળતાઓમાં રચ્યાપચ્યા રહેશો. તમારા વિચારો, તમારા નિર્ણયો ધરમૂળથી બદલતા રહેશો તો તમે ક્યાંના ક્યાં પહોંચી જશો. આવનારી તકોનું સ્વાગત કરવા અને બદલાતા વાતાવરણમાં ટકી રહેવા તમારે પણ બદલાતાં રહેવું પડે. આપણા મનમાં ઘર કરી ગયેલા અને હવે જડ થઈ ગયેલા વિચારોને ખંખેરીને નવી આબોહવામાં શ્વાસ લેતાં શીખવું પડે. અને આવું કરતાં કરતાં કદાચ તમે પણ જેફ બેઝોસ બની જાઓ. કેમ નહીં. એક જમાનામાં એ પણ આપણા જેવો જ હતો. આજે એની પાસે જેટલા પૈસા છે એમાંથી એ ધારે તો શું ખરીદી શકે એમ છે, ખબર છે? આપણી તો કલ્પના બહારની વાત છે. તમારી પાસે આટલા પૈસા હોય તો તમે શું કરો? મને જો પૂછતા હો તો હું તો આટલા પૈસા આવી ગયા પછી પણ આ કૉલમ લખવાનું ચાલું રાખું જેથી જેફ બેઝોસ કરતાં મારી પાસે વધારે પૈસા છે એવું કહી શકું!

સાયલન્સ પ્લીઝ

એકથી બીજી અને બીજીથી ત્રીજી નિષ્ફળતા તરફ જતાં જતાં તમારો ઉત્સાહ ટકી રહે ત્યારે છેવટે એક વખત સફળતા મળતી હોય છે.

_વિન્સ્ટન ચર્ચિલ

2 COMMENTS

  1. Thanks for this most beautiful article Sirji..you give us great privilege day by day by having this great tool of reading your articles on. “newspremi.com”…???

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here