લોકો તમને ‘બેજવાબદાર’ કહીને વગોવે છે ત્યારે

લાઉડમાઉથ : સૌરભ શાહ

(‘સંદેશ’, ‘અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, બુધવાર, ૩ જુલાઈ ૨૦૧૯)

દીકરો કે દીકરી ટીન એજમાં પગ મૂકે કે તરત જ મમ્મી-પપ્પા એમને ટોકવાનું શરૂ કરી દેઃ હવે મોટાં થયાં તમે. જવાબદારી સંભાળતાં શીખો. બી રિસ્પોન્સિબલ.
આવું ક્યારે કહેવામાં આવતું હોય છે? જ્યારે ટીન એજર સંતાન પોતાનું ધાર્યું કરતું હોય ત્યારે, પોતાની મરજી મુજબ વર્તન કરતું હોય ત્યારે. પેરન્ટ્‌સનું કહ્યું ન માને ત્યારે. પેરન્ટ્‌સની મરજી મુજબ વર્તન ન કરે ત્યારે.

કિશોર ઉંમરથી જ આપણામાં આ સંસ્કાર દ્રઢ થઈ ગયા હોય છે કે આપણે આપણી મરજીથી વર્તન કરીએ, આપણું ધાર્યું કરીએ એટલે બેજવાબદાર કહેવાઈએ. બીજાઓ આપણા વર્તન પર ઠપ્પો મારી આપે એ જ વર્તનને રિસ્પોન્સિબલ વર્તન કહેવાય.

આ સંસ્કાર એ સુધી દ્રઢ થઈ જાય છે કે પચ્ચીસેક વર્ષના થઈએ ત્યાં સુધીમાં આપણે ભૂલી જઈએ છીએ કે આપણી મરજી શું છે, આપણે કેવી રીતે જીવવું છે, આપણી લાઈફને આપણે ક્યાં, કઈ દિશામાં લઈ જવા માગીએ છીએ.

પચ્ચીસેક વર્ષની ઉંમર સુધીમાં આપણે તનતોડ મહેનત કરીને આપણી છાતી પર ‘રિસ્પોન્સિબલ’ વ્યક્તિનો બિલ્લો પહેરવા મળે એ રીતે જીવતાં થઈ જઈએ છીએ. કોઈ આપણને બેજવાબદાર કહી જાય એ કેવી રીતે પોસાય આપણને? મોટા થઈ ગયા હવે, જવાબદારી ઉપાડતાં શીખી ગયા છીએ.

જવાબદાર હોવું એટલે પોતાની જાતને જવાબદાર હોવું. આપણી જાત આપણને ગમે ત્યારે કોઈ સવાલ પૂછે ત્યારે આપણે એને જવાબ આપીએ, છટકી ન જઈએ. આપણા કોઈ વર્તન માટે, આપણા વિચારો માટે, આપણા હેતુઓ અને બીજાઓ વિશેના અભિપ્રાયો માટે, આપણા સાહસો-આપણી મૂર્ખાઈઓ માટે અને આપણા જીવનનાં લક્ષ્યો માટે આપણી જાત જ્યારે પણ કોઈ પ્રશ્ન પૂછે ત્યારે આપણે એને જવાબ આપી શકીએ, જેવો આવડે એવો, પણ જવાબ આપતાં શીખીએ. આનું જ નામ જવાબદારી.
જવાબ કોને આપવાનો છે અને કોને નહીં એ શીખવાનું છે આપણે અને નેક્‌સ્ટ જનરેશનને પણ એ જ શીખવાડવાનું છે. લોકોની નજરે ‘બેજવાબદાર’ લાગતી પણ પોતાની જાતને સતત જવાબ આપ્યા કરતી, જાતને હંમેશાં વફાદાર રહેતી, વ્યક્તિઓએ જ સમાજનું ભલું કર્યું છે, એ લોકો જ દુનિયાને બે આંગળ આગળ લઈ ગયા છે. બીજાઓને જવાબ આપી-આપીને ‘જવાબદાર’ બની જતા લોકો ભલે સમાજમાં ‘રિસ્પોન્સિબલ’ માણસ તરીકે આદર પામતા હોય, ક્યારેક પૂજાતા પણ હોય, પરંતુ આવા ‘જવાબદાર’ લોકો દુનિયાની પ્રગતિને આડે આવતા હોય છે જેનું ભાન મોટે ભાગે તો એમને પોતાને પણ નથી હોતું.

જવાબદારીપૂર્વક જીવવા માટે બીજાઓની નહીં, જાતની વાત સાંભળવી જોઈએ. જાતની વાત સંભળાય કેવી રીતે? બહારનો ઘોંઘાટ બંધ થાય ત્યારે. આપણી આજુબાજુની દરેક વ્યક્તિ આપણને રિસ્પોન્સિબલ બનાવવા માટે તનતોડ મહેનત કરી રહી હોય છે. મા-બાપ, પત્ની, બાળકો, પ્રેમી-પ્રેમિકા, પડોશી, કુટુંબીઓ, મિત્રો, ઑફિસ કલીગ્સ- સૌ કોઈને હોંશ હોય છે આપણને આપણી જવાબદારીનું ભાન કરાવવાની. મોટે ભાગે તો, તેઓ આવું કરીને આપણી પાસેથી એમનું કામ કઢાવી લેતા હોય છે. અને આપણે અબૂધ, આપણે મૂરખના સેનાપતિ, આપણને ખબર પણ નથી હોતી કે એમની પાસેથી ‘રિસ્પોન્સિબલ’ હોવાનું સર્ટિફિકેટ મેળવવાની હોંશમાં એમની સગવડો માટે આપણે આપણી જાતને ઘસી કાઢતા હોઈએ છીએ.

આપણી હોંશથી આપણે બીજાઓનું ભલું કરીએ, એમને કામ લાગીએ, એમની અગવડો દૂર કરીએ તે સારી વાત છે. કરવું જ જોઈએ આવું બધું. આપણા માટે પણ અનેક લોકોએ આવું કર્યું છે જેને કારણે આપણે અત્યારે જ્યાં છીએ ત્યાં સુધી પહોંચવામાં ઓછી કઠિનાઈ સહન કરી છે. બીજાઓએ આવું કામ આપણા માટે ન કર્યું હોત તો ઉપર તરફનું ચઢાણ વધારે આકરું, વધુ સંઘર્ષવાળું બની ગયું હોત.

તો આપણે પણ હોંશે હોંશે બીજાઓને ઉપયોગી થઈએ, બીજાઓની અગવડોને દૂર કરવામાં આપણાથી જે કંઈ બનતું થતું હોય તે કરીએ. પણ તે આપણી સમજથી, આપણી મરજીથી કરીએ. બીજાઓ આપણને ઈમોશનલી બ્લૅકમેલ કરીને કામ કઢાવી જવા માગતા હોય ત્યારે સતર્ક થઈ જઈએ. બેજવાબદાર હોવાનું મહેણું સાંભળવું પડે તો ભલે પણ બીજાઓની ચાલબાજીનો શિકાર બનતાં પહેલાં સમયસર ચેતી જઈએ.

નહીં તો, થશે શું કે જિંદગી આખી આપણે ‘જવાબદારી’ નિભાવતા રહીશું. મર્યા પછી ‘બહુ જ રિસ્પોન્સિબલ’ માણસ હતા એવો ગણગણાટ આપણા ઉઠમણામાં થશે અને પછીના દિવસે આપણે ભૂલાઈ જઈશું. એ જ લોકો આપણને ભૂલી જવાના છે જેમણે આપણને ‘રિસ્પોન્સિબલ’ બનાવ્યા, જેમના માટેની ‘જવાબદારી’થી પ્રેરાઈને જિંદગીની મોટાભાગની કિંમતી ક્ષણો આપણે ખર્ચી નાખી, વેડફી નાખી જેથી એમની જિંદગી સંવારી શકીએ, બહેતર બનાવી શકીએ.

‘બેજવાબદાર’ બનીને જીવતાં શીખીએ. ‘બેફિકરાઈ’થી જીવતાં શીખીએ. જવાબદારી આપણા માટેની, ફિકર આપણી પોતાની. મારા દરેક વર્તન, વિચાર માટે હું જવાબદાર છું અને મારે મારા દરેક વર્તન, વિચાર બદલ મારી જાતને જવાબ આપવાનો છે. આટલું જ કરવાનું છે આપણે. આ માટે કંઈ કોઈ બહુ મોટા બળવાખોર બનવાની જરૂર નથી. બગાવતનો ઝંડો ઊંચો કરીને ગામ આખામાં ધજાગરા કરવાની પણ જરૂર નથી. ઈન ફેક્‌ટ, આ વિચારોને વાણી દ્વારા પ્રગટ કરવાની પણ જરૂર નથી. પહેલાં આ વિચારોને આપણા પોતાનામાં ઉગવા દઈએ પછી સ્થિર થવા દઈએ, પછી વિકસવા દઈએ. અને એનાં મૂળિયાં દ્રઢ થયાં છે એવું લાગે ત્યારે એ મુજબ વર્તન કરવાનું શરૂ કરી દઈએ. પછી જુઓ મઝા. જિંદગીમાં આષાઢી બીજનું નવું પવિત્ર વર્ષ જ નહીં, આખેઆખી જિંદગી નવેસરથી શરૂ થતી હોય એવું લાગશે.

સાયલન્સ પ્લીઝ!

નિર્મળ મળે આનંદ, ભલે રોજ ન આપ;
પણ તુચ્છ ખુશાલીનો કદી બોજ ન આપ.

એ નીચતા ના જોઈએ, મારે ઓ પ્રભુ,
દુશ્મનની નિરાશામાં મને મોજ ન આપ.

_’મરીઝ’

9 COMMENTS

  1. એક નવો વિચાર એક નવી સમજ .*”જાત પ્રત્યે જવાબદાર બનીએ.” True to self.Thought provoking article.

  2. બિલકુલ સાચી વાત
    આ બેફિકરાઈ અને બિનજવાબદાર હોવાનો નિજાનંદ અનેરો હોઈ શકે,
    બસ બધું લોકો માટે જ કર્યા કરવાનું,
    કોઈ શું કહેશે એની બીકે જીવ્યા કરવાનું ?

  3. ભાઈ શ્રી સૌરભભાઇ. મુંબઈ સમાચાર આપણી ગુડ મોર્નિંગ કોલમ બંધ થઈ છે ત્યારથી આ છાપું વાંચવા ની મજા મરી ગઈ છે. છેલ્લા થોડા વર્ષોથી દુઃખ સાથે લખવું પડે કે સાવ ધણી ધોરી વગર નું થઇ ગયું છે. 1968 થી વાંચી એ છીએ એટલે એક આત્મીયતા બંધાઈ ગઈ છે એટલે બંધાણ થઈ ગયું છે. પહેલા જેવું વાંચન નથી રહ્યું. આમાં તમારી કોલમ બંધ થઈ જતાં મુંબઈ સમાચાર હાથ માં લેવા નો ઉત્સાહ ઓસરી ગયો છે. આશા છે કે Good Morning જલ્દી થી ચાલુ થાય અને અમારી સવાર પહેલા જેવી જ આનંદિત બંને. પરમ કૃપાળુ પરમાત્મા તમારી તબિયત તંદુરસ્ત રાખે. કિશોરભાઈ જયશંકર વડિયા.

  4. Exactly દરેક જણે સૌથી પહેલા પોતાની જાત પ્રત્યે જવાબદાર બનવું જોઈએ. બીજી બધી જવાબદારી આપણી હોંશ અને મરજી થી પૂરી કરીએ તેમાં જ મઝા છે..

  5. Exactly દરેક જણે સૌથી પહેલા પોતાની જાત પ્રત્યે જવાબદાર બનવું જોઈએ. બીજી બધી જવાબદારી આપણી હોંશ અને મરજી થી પૂરી કરીએ તેમાં જ મઝા છે.

  6. સૌરભભાઈ, શું બાકી તમે દીલથી લખો છો, વાંચનાર ના દીલ ની આરપાર નીકળી જાય છે.તમારા વીચારોનું ઉંડાણ ગજબનું છે, તમને ખરા દીલથી મારી સલામ.

  7. શ્રી,સૌરભભાઈ,
    સરળ, સચોટ, સમજ આપી આપે જવાબદારીપૂર્વક.
    એક લેખક જ્યારે ‘જવાબદારી’ પર પ્રકાશ પાડે ત્યારે એને જવાબદારી સાથે એટલા માટે જોડી દેવાનુ દુ:સાહસ કરૂં છું કે : માણસ પર નૈતિકતા હાવી રહે. સામાજિક મૂલ્યો જળવાઈ રહે. દેશ પર અસહિષ્ણુતા પર હલ્લા બોલ કરવામાં આવે ચોક્કસ ગેંગ દ્વારા અને ચોક્કસ એજન્ડા તહત ત્યારે પોતાને ‘જવાબદાર’ માણસે પ્રતિક્રિયા આપીને બેસી ના રહેવું જોઈએ પરંતુ, દેશને જવાબદાર માણસ બનીને દેશહિત ની રક્ષામાં તત્પર રહેવું જોઈએ.

    આપની આજની પોસ્ટ સર્વથા ઉચીત જ છે.

    જવાબદારી શબ્દ ફરજનો પર્યાય તો નથી ને?!
    સામાન્ય સમજ એવી છે કે ફરજ એટલે બીજાનો સંદર્ભ બતાવે છે પણ પોતાને ફરજપરસ્ત માણસ એટલે કે પોતાને જવાબદાર માણસ એવું સમજાય.

    જવાબદારીનું આછુ પાતળું ભાન માથુઉંચકે છે કિશોર અવસ્થામાં પછી સાચી દિશાની સમજ અને સત્ય સમજ ના હોય તો જવાબદારી બેજવાબદારીમાં તબદીલ થાય છે.એટલે કે કિશોરાવસ્થા નામનુ પહેલું જ પગથિયું અઘરૂં છે. આમતો પ્રત્યેક પગથિયાં છેક જીવનના અંત સુધી ચઢવાના જ હોય છે.અને બધાં જ અઘરાં છે.કયું છેલ્લુ પગથિયું છે એ કહેવું મુશ્કેલ છે.

    જવાબદારી નિભાવવામાં માણસ પોતે પણ શીખતો જ હોય છે.કારણકે જવાબદારી નિભાવ્યા પછી ફરીથી એવીજ જવાબદારી ફરીથી આવી પડે ત્યારે સરળ પડે છે નિભાવવી.

    અહીં માણસ ભૂલ કરે છે ઉપકાર કર્યો એવુ સમજવાની, મદદ કર્યો એવો અહંકાર કરવાની. પોતે શીખતો જ હોય છે એમાંથી.

    આપની વાત તદ્દન સાચી કે જવાબ પોતાને જ આપવાનો છે.અને પોતાને જ સવાલ પૂછવાનો છે.
    શીખવાનો ઉત્તમ રસ્તો અને જવાબદારી નિભાવવાનો શ્રેષ્ઠ ઉપાય આનાથી બીજો હોઈ ના શકે!

    બીજા માણસ પાસેથી ફક્ત અને ફક્ત શીખવાનુ જ હોય એવા માણસો પૂજનીય હોય છે, માનનીય હોય છે. કારણકે એવા માણસો સિધ્ધહસ્ત હોય છે. એમના વિષયમાં અલ્ટીમેટ હોય છે.એટલે કે એ આપણા ગુરૂ કહેવાય એ વિષયમાં.

    આપણી જવાબદારી આપણા પોતાના પ્રત્યે હોય એ વ્યાપ વધીને પરિવાર પ્રત્યે અને એથી વ્યાપ વધીને દેશ પ્રત્યે વધે એ હોવું જોઈએ. દેશમાં જન્મીને દેશ પ્રત્યે વફાદારી નિભાવવી અટલે કે દેશને જવાબદાર હોવું. દેશના વિકાસમાં રોડા નાખવાને બદલે ભાગીદાર બનવુ. એ સાચી સમજ છે અને જવાબદારી છે.

    મારૂં હું જાણું અને તારૂ એ તું જાણે. આ તો જવાબદારી માંથી છટકવાની સહેલી રીત છે.બીજાને મદદ કરવી એ જવાબદારી ક્યારે બનશે એ સમજાય તો દેશ તેજ ગતિથી દોડે. એને મદદ કરવાની જવાબદારી એ આપણી સમજ બને તો ભયો ભયો.

    ટૂંકમાં, સ્વાર્થ પ્રેરિત બુદ્ધિ જવાબદારી નુ વર્તુળ મોટું નથી થવા દેતું એજ મોટી મોંકાણ છે. વિકાસ આડેની ખાઈ આ જ છે. બુંદથી સરોવર ભરાતું હોય તો જવાબદારીના નાના નાના કાર્યોનો સરવાળો માટા કાર્યો ઉકેલી નાખે એટલે મોટી જવાબદારી નિભાવી જાણી એવું કહેવાય.

    હું પ્રથમ કે દેશ પ્રથમ એવો પ્રશ્ન અયોગ્ય છે કારણકે હું કામ કરૂં છું એ દેશ ને કામ લાગવાનુ છે કેમકે હું દેશનો હિસ્સો છું. દેશ કામ કરે છે એટલકે સર્વ હિતાય જના: બધાને લાગુ પડે છે. દેશ અને હું અન્યોન્ય છીએ , પૂરક છીએ.
    જય ભારત. વંદે માતરમ્.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here