આપની જીત અને આપણી હાર વિશે : સૌરભ શાહ

(Newspremi.com, ગુરુવાર, 13 ફેબ્રુઆરી 2020)

જરા વિચાર કરીએ કે આવું શું કામ બન્યું.
દસ મુદ્દા:

એક: સૌ પ્રથમ તો જ્યારે બીજેપી હારે છે ત્યારે આપણે જોરશોરથી કહેવું જોઈએ કે મોદીને ફાસિસ્ટ, સરમુખત્યાર, જુલમી, એકહથ્થુ, અસહિષ્ણુ કહેનારાઓ ખોટા પડ્યા. જો મોદી ખરેખર ડિક્ટેટર હોય તો આ દેશમાં બીજેપી સિવાયની બીજી કોઈપણ પાર્ટીને તેઓ જીતવા દે? કોઈપણ લેફ્ટિસ્ટ-સેક્યુલરે મોદીને આવા કુવિશેષણોથી નવાજવાનું આજથી બંધ કરવું.

બે: દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં બીજેપી પાસે કોઈ સીએમ ઉમેદવાર નહોતો એટલે લોકોએ કેજરીવાલની પસંદ કરી, ખરું? ખોટું. ઉત્તરપ્રદેશમાં કે મહારાષ્ટ્રની ૨૦૧૪ની ચૂંટણીમાં બીજેપીએ યોગી કે ફડણવીસનું નામ પણ નહોતું લીધું. છતાં બીજેપી જીતી હતી, એટલું જ નહીં આ બંને અજાણ્યા ચહેરાઓએ પોતાનું કૌવત બતાવ્યું અને નામ પણ બનાવ્યું.

ત્રણ: કેજરીવાલે પાણી, વીજળી, પ્રવાસ મફત આપ્યાં અને શિક્ષણની સુવિધાઓ વધારી એટલે એ પાપીઓ જીત્યા, ખરું? સાવ ખોટું. દિલ્હીમાં કેટલીય જગ્યાએ પાણી ગંદું આવે છે. બધાને કંઈ મફત મળતું નથી. ફિલ્ટરેશન પ્લાન્ટ પણ સરખા નથી. વીજળીના ભાવ અમુક લત્તાઓમાં અમુક યુનિટ કરતાં વધુ હોય ત્યાં બિલ વધારે આવવા માંડ્યું છે. મફત વીજળી તો પાંચ વરસ પહેલાં આપવાની હતી જે ત્રણેક મહિનાથી જ મળે છે અને તે પણ માત્ર મામૂલી યુનિટ પ્લસ આજની તારીખે પણ દિલ્હીમાં ચોવીસ કલાક વીજળી ના મળતી હોય એવા ઘણા ઇલાકા છે છતાં મિડિયા ગાયને દોહીને બકરીને પાવાની આ વ્યર્થ કસરત આપણા સુધી પહોંચાડતું નથી. દિલ્હી ટ્રાન્સપોર્ટની ખખડધજ બસો બદલીને નવી બસો ખરીદવાના પૈસામાંથી મહિલાઓને મફત પ્રવાસ કરાવવાના ખર્ચા કાઢે છે આપવાળા લોકો. દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનમાં થયેલા મસમોટા ગોસ્મોટાળાઓ વિશે મિડિયા કોઇ ઊહાપોહ કરતું નથી. ડીટીસીની રેકૉર્ડ ઑફિસમાં મતદાનના થોડા દિવસ પહેલાં ભીષણ આગ લાગી, બધાં કાગળો, ફાઇલો, કૉમ્પ્યુટર ડાટા બધું જ બળીને ભસ્મ થઈ ગયું. કોઈકે મિડિયામાં આની નોંધ લીધી પણ મેજોરિટી મિડિયામાં ચૂપકિદી સેવાઈ. ભાજપનું શાસન હોત તો મિડિયાએ મોદી-શાહને ચૂંથી નાખ્યા હોત પણ પાપનું બિસ્કુટ મોઢામાં હતું એટલે બચકાં ભરવાંનું તો દૂર ભસવાનું ય માંડી વાળ્યું મિડિયાએ. દિલ્હીની સેંકડો સરકારી સ્કૂલોનું બજેટ માત્ર પાંચ સ્કૂલોને નવેસરથી રંગરોગાન કરવામાં, નવું ફર્નિચર લાવવામાં, સ્વિમિંગ પૂલ બનાવવામાં વપરાઈ ગયું . બાકીની સ્કુલોમાં તો પૂરતા પગારના અભાવે શિક્ષકો પણ ઘણા ઓછા છે.

ચાર: ફ્રી સ્કીમ્સનો લાભ જેટલો મળે છે એના કરતાં પ્રચાર વધારે થાય છે જેથી ફ્રી-ફ્રીના પ્રચાર હેઠળ કેજરીવાલની જીતનું રિયલ કારણ છુપાવી શકાય. રિયલ કારણ છે મતોનું ધ્રુવીકરણ. સમજ પડે એવી ભાષામાં કહીએ તો લઘુમતીનું તુષ્ટિકરણ અને રોકડી જુબાનમાં કહેવું હોય તો મુસ્લિમોની પગચંપી. દિલ્હીમાં કેજરીવાલે પંદરસો વધારાની મસ્જિદોના ઈમામોને મહિને બારથી અઢાર હજારનો પગાર બાંધી આપ્યો. વક્ફ બોર્ડવાળી મસ્જિદવાળાઓના પણ પગારો દોઢા કરી નાખ્યા. (મંદિરના પુજારી કે ચર્ચના પાદરીઓને નહીં, માઈન્ડ વેલ, આ જ સેક્યુલરિઝમ છે ). આ ઈમામો પોતાના વિસ્તારના મુસ્લિમો પર વર્ચસ્વ ધરાવતા હોય છે. આજના જમાનામાં બાર-પંદર હજારની કોઈ વિસાત નથી પણ આ એક સિમ્બોલિક જેશ્ચર છે જે કહે છે કે હે, મુસ્લિમો તમે અમારી સાથે રહેજો અમને હિન્દુઓ કરતાં તમે વધારે પ્યારા છો. તમે કહેશો એ તમારાં કામ કરીશું. મોદી પાકિસ્તાન પર હુમલો કરીને આતંકવાદીઓનાં કારનામાંઓનો બદલો લે ત્યારે અમે મોદીનો વિરોધ કરીશું અને બાટલા હાઉસના બનાવને ફેક એન્કાઉન્ટર કહીને બહાદુર પોલીસ અફસરના બલિદાનનું અપમાન કરીશું અને તમારી બસ્તીઓમાં છુપાઈ જતા આતંકવાદીઓને કવચ પૂરું પાડીશું, શાહીનબાગમાં બિરિયાની પહોંચાડીશું.

પાંચ: મિડિયાને પહેલેથી જ મોદી દીઠાય નથી ગમતા. હિન્દુત્વના ‘હ’ સાથે આ લેફ્ટિસ્ટ મિડિયાને ૩૬નો આંકડો છે. ૧૯૯૨માં બાબરી ઢાંચો તૂટ્યો ત્યારે અને ૨૦૦૨માં મુસ્લિમોએ ગોધરા કાંડ કર્યો ત્યારે પણ મિડિયાએ ધોકે ધોકે હિન્દુત્વને ધોવાની કોશિશ કરી છે છતાં ભગવા ધ્વજનો રંગ સહેજે ફિક્કો નથી પડ્યો અને મિડિયાને આનું ફ્રસ્ટ્રેશન છે. મોદી કેવી રીતે ૧૩-૧૩ વર્ષ ગુજરાતમાં ટકી ગયા એટલું જ નહીં વધુ ને વધુ મોટા થતા ગયા એનું આ મિડિયાને આશ્ચર્ય છે. ૨૦૧૪ પછી તો આ મિડિયા ઘાંઘું થઈ ગયું, બહાવરું થઈ ગયું. લિટરલી. એટલે જ જુઓને દિલ્હીના રિઝલ્ટ પછી આજ તક- ઇન્ડિયા ટુડેની ચૅનલ પર લિબરાન્ડુ રાજદીપ સરદેસાઈ બે પગે ઊભો થઈ કોઈ શ્વાન નૃત્ય કરે એ રીતે હાથમાં કાજુ કતરીની પ્લેટ લઈને બેશરમીથી ‘બાદશાહ’ ફિલ્મના ગીત પર નાચતો હતો. આ અત્યંત ભદ્દું દ્રશ્ય તમે ન જોયું હોય તો યુ-ટ્યુબ પર સર્ચ કરીને જોઈ લેજો, ઉબકા આવશે. કેજરીવાલે આ જ મિડિયાને પોતાની પાંખમાં લઈને એને પોતાના પાપમાં ભાગીદારી આપી છે- જાહેરખબરોની લહાણી તો પ્રગટ લાંચ છે, સ્ટિંગ ઑપરેશનો થાય તો લિબરાન્ડુઓના પોસ્ટર બોય્ઝ જેવા અનેક મિડિયા દલાલો ખુલ્લા પડી જાય.

છ: આ પેઈડ મિડિયા આપણને કેજરીવાલના વિકાસકાર્યો બતાવે છે પણ આપ-પૉપ્યુલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયા (મુસ્લિમોની ‘સિમી’ જેવી એક ‘સેવા સંસ્થા’) તથા શાહીન બાગનું જે નેક્સસ છે તેનું ઈન્વેસ્ટિગેશન નથી કરતું. આ ચૂંટણીમાં સૌથી વધુ માર્જિનથી જીતનારા ઉમેદવારોમાં બીજા નંબરે આવનાર આપનો મુસ્લિમ ઉમેદવાર અમાનતુલ્લા ખાન પ્રગટપણે શર્જિલ ઈમામ સાથે સાંઠગાંઠ ધરાવે છે અને શાહીન બાગનું ગતકડું આખું એના ઈશારે ચાલ્યું એ વિશે કોઈ ઈન્વેસ્ટિગેશન થતું નથી.

સાત: હા, દિલ્હીની ચૂંટણીનું રિઝલ્ટ હિંદુ-મુસ્લિમ મતદારો વચ્ચેના ટકરાવનો પડઘો છે, છે, છે. ઐતિહાસિક કારણોને લીધે સદીઓથી, પેઢી દર પેઢીથી, દિલ્હીમાં વસતા મુસલમાનોની માનસિકતા ભારતના અન્ય ઇસ્લામધર્મીઓ કરતાં ઘણી જુદી છે- વધુ કટ્ટર છે. ભાજપના હારેલા ઉમેદવાર કપિલ મિશ્રાએ ગયા અઠવાડિયે સાચું જ કહેલું કે ૮મી ફેબ્રુઆરીએ ભારત-પાકિસ્તાન મૅચ રમાવાની છે. કમનસીબે આપણે એ મૅચ હારી ગયા કારણ કે જેણે અમ્પાયરની ભૂમિકા ભજવવાની હતી તે મિડિયા ચીટિંગ કરીને પાકિસ્તાનની દરેક અપીલે ભારતને એલબીડબ્લ્યુ જાહેર કરતું રહ્યું અને બીજી બાજુ પાકિસ્તાન ક્લીન બોલ્ડ હોય તો પણ દરેક વખતે ભારતને નો બૉલ કહેતું રહ્યું.

આઠ: દિલ્હી વિધાનસભા ચૂંટણી ક્ષેત્રની વસ્તી લગભગ મુંબઈ શહેર જેટલી જ છે, પોણા બે કરોડની આસપાસ. મુંબઈની મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં જેટલા મતદારો અને વૉર્ડ હોય લગભગ એટલા જ દિલ્હીની ચૂંટણીમાં મતદારો તથા મતક્ષેત્રો છે. છતાં મુંબઈની બીએમસીની ચૂંટણીને નૅશનલ કવરેજ નથી મળતું, દિલ્હીને મળે છે કારણ કે એક તો ત્યાં વિધાનસભા છે, મેયર નહીં— મુખ્યમંત્રી છે, બીજું, આપણા મનમાં ‘દિલ્હી’ શબ્દ સાથે નૅશનલ લેવલનું રાજકારણ જોડાઈ ગયું છે. હવે એ જે ‘દિલ્હી’ છે તે રાજધાનીવાળો (નવી દિલ્હીનો) એરિયા છે— સંસદભવન, નૉર્થ બ્લૉક, સુપ્રીમ કોર્ટ, રાષ્ટ્રપતિભવન, વડા પ્રધાન નિવાસ— આ બધાં સત્તાનાં કેન્દ્રો છે. નવી દિલ્હીની વસ્તી તો આપણા બોરીવલી કરતાં ય અડધી છે, લગભગ અઢી લાખ. ‘દિલ્હી જીતવું’ એટલે સ્કૂલમાં ઈતિહાસ ભણતા ત્યારે ‘દેશ પર કબજો કરવો’ એવો અર્થ થતો. પણ દિલ્હી વિધાનસભાની ચૂંટણી જીતવાથી કેજરીવાલે ‘દિલ્હી જીત્યું’ એવું ન કહેવાય, મિત્રો. કેજરીવાલ માટે દિલ્હી હજુ દૂર છે, હજુ નહીં કાયમ માટે દૂર છે. મંગળના ગ્રહ પર લોકો રહેવા જશે ત્યારે પણ આપવાળા ‘દિલ્હી પર શાસન’ નહીં કરી શકે, હનુમાન ચાલિસાના અખંડ પાઠ કરશે તો પણ નહીં.

નવ: દિલ્હી વિધાનસભા ક્ષેત્રમાં ૧૩ ટકા જેટલી વસ્તી મુસલમાનોની છે (ઓફિશ્યલ આંકડો બાર પોઇન્ટ સમથિંગ છે. કાગળ ન બતાવવા માગતા કે બતાવવાને અસમર્થ હોય એવા મુસ્લિમોનો આમાં સમાવેશ થતો નથી.) એકેએક મુસ્લિમ સ્ત્રી-પુરુષ મતદાન કરીને આપને જીતાડવા બહાર નીકળે છે. દિલ્હીમાં સાત લાખ મતદારો સરકારી-અર્ધસરકારી નોકરીઓમાંથી આજીવિકા મેળવે છે. એક વ્યક્તિનું પાંચનું કુટુંબ ગણો તો પાંત્રીસ લાખ લોકોનું ભરણ પોષણ આ નોકરીઓથી થાય છે. પેન્શનરો જુદા. લગભગ પાંચમા ભાગનું દિલ્હી આમાં આવી જાય. આમાં થી અડધા કરતાં વધુ મત આપવાની ઉંમરના હોવાના. સરકારી અફસરોને— ટોચથી બૉટમ સુધીનાને— ૭૦ વર્ષના કૉન્ગ્રેસી કલ્ચરે પાળ્યાપોષ્યા છે. ભાજપે જેમને રિક્રુટ કર્યા હોય કે અત્યારે ઉપરછલ્લા ભાજપ તરફી દેખાતા હોય કે જખ મારીને જેમણે મોદી-મોદી કરવું પડતું હોય એ સરકારી કર્મચારીઓએ પણ છેવટે તો આ ૭૦ વર્ષ જૂની, જડ ઘાલી ગયેલી ઈકો સિસ્ટમમાં રહીને જ કામ કરવાનું રહે . આમાંથી કેટલા લોકો ભાજપને વોટ આપવાના? હિન્દુ હોય તોય નહીં આપે કારણ કે કૉન્ગ્રેસી કલ્ચરનું બ્લડ એમની રગેરગમાં દોડે છે, કૉન્ગ્રેસની અવેજીમાં આપ દ્વારા ટ્રાન્સફ્યુઝન કરેલું લોહી દોડે છે. આવા વાતાવરણમાં ભાજપ માટે સીટો અને વોટશેર વધારવાનું કામ એવરેસ્ટ ચડવા જેવું છે જેના તરફ મિડિયા આપણું ધ્યાન દોરવાનું નથી.

દસ: કમ્પલસરી વોટિંગનો કાયદો લાવીને, મિડિયા પર વર્ચસ્વ વધારીને અને સાચું હિન્દુત્વ શું છે (એ વિશે આવતી કાલે) એની પ્રજાને સમજ આપીને— આ ત્રણ મુદ્દાઓને લઈને આગળ ચાલવાની જરૂર છે. દિલ્હી તો શું આખું ભારત (બંગાળ અને કેરળ સહિતનું આખું ભારત) ભાજપ સાથે ન થઈ જાય તો કહેજો.

તાજા કલમ: દિલ્હીનું પરિણામ અમારા ધાર્યા મુજબનું (અર્થાત્ ભાજપને ૪૬+ સીટ્સ) નહીં આવે તો સાંજે બેગોન પીને સૂઈ જઈશું એવી ઘોષણા અમે કરી હતી એને ફોક માનશોજી.

1 COMMENT

  1. તમને શરમ આવે છે કે નઈ??
    BJP હારી ગયા પછી પણ તમારો ફાંકો હજુ અકબંધ છે (કહેવું પડે હો)
    કમ સે કમ લોકશાહી ની ગરિમા જાળવીને જવાબદાર લેખક ની જેમ આ આખા લેખ માં એક વાક્ય પણ એવું લખ્યું હોત ને કે “BJP એ આ પ્રજા ના લોકમત નો આદર કરવો જોઈએ” તો તમારું સ્ટાન્ડર્ડ કમસે કમ જળવાઈ રહેત, ચાપલુસી કરવામાં તમે એટલા બધા આગળ વધી ગયા છો કે તમને લોકશાહી નો આદર કરતા પણ ના આવડ્યું. આ એ જ દિલ્હી ની જનતા છે જેમણે થોડા મહિના પહેલા જ લોકસભા માં BJP ને જ બધી સીટ આપી હતી એ ભુલાઈ ગયું તમને, સાહેબ હવે સમાજ માં આવું હિન્દૂ મુસ્લિમ નું ઝેર ફેલાવવા કરતા તમે નિવૃત્તિ લઈ લો તો સારું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here