( ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ : શનિવાર, 14 નવેમ્બર 2020 )
( બ્રેકિંગ વ્યુઝ : શનિવાર, 14 નવેમ્બર 2020)
બિહાર વિધાનસભાની ચૂંટણીમાં મળેલા વિજય બાદ ભારતીય જનતા પાર્ટીના દિલ્હીસ્થિત મુખ્યાલય પર આવીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જે મનનીય અને ઉત્સાહવર્ધક ભાષણ કર્યું એમાં સૌથી મોટી વાત બંગાળની સરકારને આપેલા પડકારને લગતી છે. એક જમાનામાં બિહારમાં લાલુનું ગુંડારાજ હતું. આજે બંગાળમાં મમતાનું જંગલરાજ છે. બંગાળમાં સેંકડો હિન્દુ કાર્યકર્તાઓની ધોળે કતલેઆમ થઈ છે, થતી જ રહે છે. પણ મમતા સરકાર તરફથી પોલીસને ચૂપ કરી દીધી છે. બંગાળની હિંસા, બંગાળની હિન્દુવિરોધી સરકાર અને બંગાળના વિકાસવિરોધી શાસનનો અંતકાળ નજીકમાં જ છે એવો વિશ્વાસ વડા પ્રધાનના પ્રવચન પછી સૌ કોઈ દેશપ્રેમીમાં પ્રગટ્યો. પછાત ગણાતા બિહારની છેલ્લા દોઢ દાયકા દરમ્યાન થયેલી પ્રગતિ ઊડીને આંખે વળગે એવી છે. બિહાર વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો પુરાવો છે કે બિહારનો વિકાસ કરવાનાં પ્રયત્નોનાં ફળ ચારાગોટાળા કરનારા ગુનેગારોની તિજોરીમાં નહીં પણ બિહારી પ્રજાનાં ઘરો સુધી પહોંચી ગયાં છે.
બિહારની વિધાનસભા ચૂંટણીના એકિઝટ પોલ્સ આવ્યા તે સાંજે, પાંચેય મુખ્ય એકિઝટ પોલનો અભ્યાસ કર્યા પછી ગટ ફીલિંગ અને ઇન્ટયુઇશન એમ કહતી હતી દસમીએ મત ગણતરી પછી આવનારાં પરિણામો આનાં કરતાં ઘણાં જુદાં હશે. પણ બિહારના રાજકારણના ગ્રાઉન્ડ રિપોર્ટસ વિના આ વિશે કોઈ ટિપ્પણી કરવી યોગ્ય ન લાગ્યું. બિહારની જમીની વાસ્તવિકતા જેમની પાસે છે એમાંના કોઈ પત્રકારની વિશ્વસનીયતા વિશે સો ટકા ભરોસો મૂકી શકાય એમ નહોતો – સિવાય કે બે. એક, પ્રદીપ ભંડારી (રિપબ્લિક ટીવી) જેમના એક્ઝિટ પોલ બાકીના ચારેય કરતાં ‘સૌથી ઓછા ખોટા’ પુરવાર થયા. બાકીના ચારેય તો બિલકુલ ઑફ્ફ ધ માર્ક હતા. પ્રદીપ ભંડારીના ‘જન કી બાત’ના એક્ઝિટ પોલમાં લાલુ યાદવના પુત્ર તેજસ્વી યાદવના નેતૃત્વ હેઠળના રાષ્ટ્રીય જનતા દળ વત્તા કૉન્ગ્રેસ વગેરેના મહાગઠબંધનને ઓછામાં ઓછી 118 અને મુખ્ય પ્રધાન નીતિશ કુમારના નેતૃત્વ હેઠળના જનતા દળ યુનાઇટેડ વત્તા ભારતીય જનતા પક્ષ વગેરેના એન.ડી.એ. (નૅશનલ ડેમોક્રેટિક એલાયન્સ)ને વધુમાં વધુ 117 બેઠકો મળશે એવી આગાહી થયેલી હતી.
જોકે, ‘જન કી બાત’ના એક્ઝિટ પોલમાં જીતવાની શકયતા ધરાવતી બેઠકોની રેન્જ ઘણી મોટી હતીઃ મહાગઠબંધન 118 થી 138 બેઠકો અને એન.ડી.એ. 91 થી 117 બેઠકો. એટલે જ આ એક્ઝિટ પોલ પણ ટાર્ગેટની નજીક હોવા છતાં સાચો પુરવાર તો ન કહેવાય.
એનડીટીવીના એક્ઝિટ પોલે એનડીએને 99 અને મહાગઠબંધને 128 બેઠકો આપી હતી.
ઇન્ડિયા ટુડેના એક્ઝિટ પોલે મહાગઠબંધનને 139 થી 161 અને એનડીએ માટે 69 થી 91 સીટ્સની આગાહી કરી હતી.
ટાઇમ્સ નાઉએ મહાગઠબંધનને 108 થી 131 અને એનડીએને 104 થી 128 સીટ્સ મળશે એવું કહ્યું હતું.
સીએએન- એઈટીનવાળાએ તો એનડીએ માટે 55 અને મહાગઠબંધ ન માટે 180 બેઠકો પ્રેડિક્ટ કરી હતી.
સ્વ. રામ વિલાસ પાસવાનના દીકરા અને નવા નિશાળિયા ચિરાગ પાસવાનને ઓછામાં ઓછી છ-સાત સીટ્સ મળશે એવી આગાહી સૌ કોઈ કરી અને ત્યાં સુધી કહ્યું કે ત્રિશંકુ વિધાનસભા સર્જાશે તો ચિરાગ પાસવાનની લોક જનશકિત પાર્ટી કિંગ મેકર પુરવાર થશે. આ હાસ્યાસ્પદ વાત હતી જે હાસ્યાસ્પદ પુરવાર થઈ.
આ તમામ એક્ઝિટ પોલ પ્રથમ દ્રષ્ટિ ભરોસાપાત્ર નહોતા લાગતા પણ એ વિશે કોઈ ટિપ્પણી કરવાનું અનુચિત લાગ્યું. પણ એ જ સાંજે ‘ઑપ ઇન્ડિયાના’ એડિટર અજિત ભારતીએ બિહારમાં ઇલેક્શન રિપોર્ટિંગ માટે ફરી વળેલા એમના સિનિયર સાથી અજિત ઝા સાથે કરેલી લાંબી વાતચીત યુ ટ્યુબ પર સાંભળી. બેઉ અજિત મૂળ બિહારના છે, બિહારની વાસ્તવિક્તા સાથે સંકળાયેલા છે અને બિહારના રાજકારણના બારીક ન્યુઅન્સીસથી પરિચિત છે. અજિત ભારતીએ શરૂઆતમાં કહ્યું કે દક્ષિણ ભારતના કોઈ રાજ્યની વિધાનસભાની ચૂંટણીના એકઝિટ પોલ વિશે મેં ચંચુપાત ન કર્યો હોત કારણ કે ત્યાંની જમીની વાસ્તવિકતાથી હું પરિચિત નથી.
બેઉ અજિતની વાતચીતમાં સ્પષ્ટ કહેવાયું કે તમામ એક્ઝિટ પોલ ખોટા પુરવાર થશે (શા માટે ખોટા પુરવાર થશે તેનું પણ વિશ્લેષણ થયું) અને શા માટે નીતિશ કુમાર અનપૉન્યુલર છે તે છતાં એનડીએની જીત નિશ્ચિત છે, એવું પણ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું.
લગભગ એક કલાકની આ ચર્ચા સાંભળવામાં જો એકેડેમિક ઇન્ટરસ્ટ હોય તો આ રહી યુ ટ્યુબની લિન્કઃ
https://youtu.be/pyLk017dW_8
દસમી નવેમ્બરની સવારથી બિહારની ચૂંટણીનાં પરિણામો ટીવી ચેનલો પરથી આવતાં ગયાં. મોડી રાત્રે, અલમોસ્ટ મળસ્કે, ઇલેક્શન કમિશને ફાઇનલ રિઝલ્ટ્સ આપ્યાં. એનડીએ ને 243માંથી 125 સીટ્સ સાથે સ્પષ્ટ બહુમતિ મળી. (બીજેપીને 74 અને જેડીયુને 43, બાકીની 8 અન્ય સાથી પક્ષોની.)
મહાગઠબંધનની સીટોમાં લાલુપુત્ર તેજસ્વી યાદવ રાજદને 75 સીટ પર જીત મળી. આમ ટેક્નિકલી વિધાનસભામાં લાર્જેસ્ટ સિંગલ પાર્ટી આર.જે.ડી. કહેવાશે.
મહાગઠબંધને કૉન્ગ્રેસ સાથે ભાગીદારી કરી હતી જે ભારે પડી. કૉન્ગ્રેસને ભાગે ઉમેદવારો ગોઠવવા માટે 70 બેઠકો આવી હતી પણ 70માંથી માત્ર 19 બેઠકો પર જીત મેળવી. મહાગઠબંધનના બીજા સાથી પક્ષોઓ છુટમુટ જીત મેળવી.
‘કિંગ મેકર’ની બનવાની શકયતા ધરાવતા (!) ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટીના 143 ઉમેદવારોમાંથી માત્ર એકની જીત થઈ. ચિરાગના પિતા રામવિલાસ એનડીએના સાથી હતા. પિતાના ગયા પછી ચિરાગે એનડીએથી દૂર થઇને પોતાનો ચોકો સ્થાપવાની નિષ્ફળ કોશિશ કરી. પરિણામે હું તો મરું પણ તને ગંગાસ્વરૂપ કરું એ ન્યાયે એલ.જે.પી.ના ઉમેદવારોને નીતિશ કુમારની પાર્ટીના 28 ઉમેદવારોની હારમાં ભાગ ભજવ્યો. એ બેઠકો પર એલજેપીએ જેડીયુના મત કાપ્યા.
ખેર, આ તો બધું વિધવા થયા પછીનું ડહાપણ છે. બે વાત ઊડીને આંખે વળગી. સામ્યવાદી પક્ષોને તેમ જ ઓવૈસીના કોમવાદી પક્ષને સિંગલ ડિજિટમાં તો સિંગલ ડિજિટમાં પણ બેઠકો મળી ખરી. ચાણક્યસૂત્રમાં સાચું કહ્યું છે કે રોગ, દેવું અને સાપને સંપૂર્ણપણે નષ્ટ કરવાં જોઈએ અન્યથા તે વધતા રહેશે. આ બે સાપ બિહારના રાજકારણમાં ફેણ ઉંચકશે તો ક્રમશઃ એનું ઝેર આખા દેશમાં પ્રસરશે. માટે એમનો સંપૂર્ણપણે નાશ થવો જોઇએ.
બિહારની બાબતમાં તમામ એન્ટીમોદી વિશ્લેષકો ખોટા પુરવાર થયા. બિહારની જનતાને કોરાના વેક્સિન વિનામૂલ્યે આપવામાં આવશે એ બાબતે ભાજપે ચૂંટણી ઢેઢેરામાં આપેલા વચન વિશે ઘણો કકળાટ થયો. બિહારને જ કેમ, બાકીના રાજયોને કેમ નહીં એવી ઉંધીછતી વાતો થઈ જેને ભાજપના વિરોધીઓએ સમજયા કર્યા વિના કે પછી જાણી જોઇને ખૂબ ચગાવી.
કેન્દ્ર તરફથી ઑલરેડી ઘોષણા થઈ ચૂકી છે કે કોરાનાની વેક્સિન જયારે આવશે ત્યારે દરેકે દરેક રાજયને એકસરખા કિફાયાત ભાવે, રાહતના દરે પહોંચાડવામાં આવશે. બંધારણની જોગવાઈ મુજબ આરોગ્ય રાજયનો વિષય છે, રાજયની જવાબદારી છે. કેન્દ્ર તરફથી મળનારી આ રસીને રાજયના લોકોને એ જ રાહતના ભાવે આપવી કે પછી વિનામૂલ્યે આપવી એ વાત રાજય સરકારે નક્કી કરવાની હોય. ભાજપે કહ્યું કે અમે બિહારમાં જીતીશું તો બિહારની સરકાર અહીંની જનતાને વિનામૂલ્યને રસી આપશે. આમાં ખોટું શું કહ્યું? કેજરીવાલ વીજળી-પાણી વગેરે મફત આપવાની સાચીખોટી જાહેરાતો કરે છે ત્યારે કોઈ હોબાળો મચાવતું નથી, અને થોડુંઘણું મફત આપ્યા પછી પગાર ચૂકવવાના પૈસા પણ વપરાઈ જાય છે ત્યારે કેન્દ્ર પાસે માગે છે કે પૈસા આપો. તો ભલા માણસ, પરવડતું ન હોય તો ખૈરાતની જાહેરાતો કરવાની જ શું કામ? પણ કેજરીવાલો જેવા એનાર્કિસ્ટની આ જ સ્ટ્રેટેજી હોય છે – મફત આપવાની લાલચ દેખાડીને વોટ બટોરવાના અને પછી પૈસા વપરાઈ ગયાની બૂમાબૂમ કરીને કેન્દ્રને હૃદયહીન ચીતરીને સહાનુભુતિ બટોરવાની.
ખૈર, કેન્દ્ર સરકાર તરફથી જાહેરાત ગઈ છે કે આખા દેશમાં સૌ કોઈને વિનામૂલ્યે વેક્સિન આપવાનો સંપૂર્ણ ખર્ચ કેન્દ્ર સરકાર ભોગવશે.
બિહાર વિધાનસભાની સાથે કુલ દસ રાજયોની વિધાનસભામાં વિધાનસભ્યના મૃત્યુ/રાજીનામા વગેરેને કારણે ખાલી પડેલી બેઠકો પર પેટા ચૂંટણીઓ થઈ.
મધ્યપ્રદેશમાં 28 બેઠકો પર પેટાચૂંટણી થઈ. જેમાંથી 19 બેઠકો પર ભાજપના ઉમેદવારો જીત્યા. મધ્યપ્રદેશમાં 230 બેઠકોની વિધાનસભામાં ભાજપ પાસે 107 બેઠકો હતી. સત્તા પર રહેવા માટે બીજી 9 સીટોની જરૂર હતી. પેટાચૂંટણી પછી ભાજપની મ.પ્ર.ની વિધાનસભામાં બહુમતિ પ્રાપ્ત થઈ ગઈ. કૉન્ગ્રેસને જો તમામ 28 બેન્કોમાં થઈ ગયેલી પેટાચૂંટણી પર જીત મળી હતી તો શિવરાજ સિંહને ઉથલાવીને કમલ નાથ મુખ્યમંત્રી બની ગયા હોત. પણ કૉન્ગ્રેસને 9 જ સીટ મળી.
ગુજરાતમાં આઠ બેઠકો પર પેટાચૂંટણી થઈ. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખુલ્લેઆમ દાવો કર્યો હતો કે આઠે આઠ બેઠકો ભાજપ જીતશે. મુખ્યમંત્રીના આ કૉન્ફિડન્સની મિડિયામાં કેટલાક લોકોએ હાંસી ઉડાવી હતી. ગુજરાતનાં પરિણામો આવ્યાં. મોરબી સહિતની આઠેઆઠ બેઠકો પર ભાજપને જીત મળી.
ઉત્તર પ્રદેશમાં 7 બેઠકો પર પેટા ચૂંટણી થઈ. સાતમાંથી છ બેઠકો અગાઉ ભાજપના કબજામાં હતી. એ છએ છ બેઠકો ભાજપે જાળવી રાખી. એક બેઠક સમાજવાદી પાર્ટી પાસે હતી જે એમણે જાળવી રાખી.
છત્તીસગઢમાં કૉન્ગ્રેસનું શાસન છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી અજિત જોગી અવસાન પછી ખાલી પડેલી બેઠકમાં જે પેટાચૂંટણી થઈ તેમાં કૉન્ગ્રેસના ઉમેદવાર જીત્યા.
મણિપુરમાં પાંચ બેઠકો પર પેટાચૂંટણી થઈ જ્યાં 4 સીટ ભાજપને અને એક અપક્ષને મળી.
તેલંગણની એક સીટ પર પેટાચૂંટણી થઈ જે પાતળી સરસાઈથી ભાજપે જીતી. આ એક ઘણી મોટી શુભ શરૂઆત થઈ.
નાગાલેન્ડની પેટાચૂંટણીમાં એક બેઠક નેશનાલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી અને એક અપક્ષને ગઈ.
ઝારખંડની બે બેઠકોની પેટા ચૂંટણીમાંથી એક ઝારખંડ મુક્તિ મોર્ચાને અને એક કૉન્ગ્રેસને મળી.
કર્ણાટકમની જે એક બેઠક પર પેટાચૂંટણી થઈ તે ભાજપને મળી.
હરિયાણાની એક બેઠક પર પેટાચૂંટણી થઈ જે કૉન્ગ્રેસને મળી.
ઓડિશામાં બે બેઠકો પર પેટાચૂંટણી થઈ. શાસક પક્ષ બીજુ જનતા દળને બેઉ બેઠકો મળી, જેમાંની એક બેઠક અગાઉ ભાજપની હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારની જીત પછી કહ્યું કે બિહારમાં 15 વર્ષ પછી પણ એનડીએના સુશાનને આશીર્વાદ મળે છે તે પુરવાર કરે છે બિહારનાં સપનાં ક્યાં છે, બિહારની અપેક્ષાઓ શું છે.
બિહાર, જે લાલુ યાદવ(અત્યારે તેઓશ્રી ચારાગોટાળામાં ગુનેગાર પુરવાર થઇને જેલમાં છે)ના જંગલરાજમાં ગુનાખોરીને કારણે આખા દેશમાં કુખ્યાત થયું હતું તે બિહાર, છેલ્લાં પંદર વર્ષમાં સાવ બદલાઈ ગયું છે.
શિવસેનાએ મહારાષ્ટ્રમાંથી બિહારીઓને કાઢી મૂકવા ઘણી ઝુંબેશ ચલાવી. આ શિવસેનાએ બિહારથી ચૂંટણીમાં 22 બેઠકો પર ઉમેદવારો ઊભા રાખ્યા. શિવસેનાના આ તમામ ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી એટલું જ નહીં 22માંથી 21 બેઠકો પર તો શિવ સેનાના ઉમેદવારોને નોટા (નોન ઑફ ધ અબોવ) કરતાં પણ ઓછા મત મળ્યા! શિવસેનાના ઝેરીલા મુખપત્ર ‘સામનાં’એ તો મોટે ઉપાડે ફ્રન્ટ પેજ પર ભવિષ્ય ભાખ્યું હતું કે આ વખતે બિહારમાં સત્તા પરિવર્તન થશે, નીતિશકુમાર – ભાજપની જોડીને ઉખાડી ફેંકવામાં આવશે.
બે જનરલ ઇલેક્શનની વચ્ચે થતી રાજયોની ચૂંટણીઓ તેમ જ પેટા ચૂંટણીઓ જો કેન્દ્ર સરકાર માટે વચગાળાનો લિટમસ પેપર ટેસ્ટ હોય તો આ કસોટીમાં મોદીનો, અમિત શાહનો, ભાજપનો અને ભાજપના પ્રાદેશિક સંગઠનના નેતા – કાર્યકર્તાઓનો જવલંત વિજય થયો છે. ભાજપ પર તેમ જ કેન્દ્ર સરકારની નેતાગીરી પર દેશની જનતાએ પોતાનો વિશ્વાસ કન્ફર્મ કર્યો છે. મોદીની રાષ્ટ્રવાદી નીતિઓ તથા એમના સુશાસન ભર્યા નિર્ણયો વિશે એલફેલ બોલનારાઓએ ચૂપ થઇને હવે પોતાની રાષ્ટ્રનિષ્ઠા પુરવાર કરવા દેશના નિર્માણમાં પોતાનો ફાળો નોંધાવવાનું શરૂ કરવું જોઇએ. તેઓ મોદી-ભાજપ વિશે ગમે તેમ બોલવાનું બંધ કરે તો પણ એ ઘણો મોટો ફાળો હશે.
મોદી અને ભાજપના મહત્વને અંડરમાઇન કરતી વિકૃત તર્ક ધરાવતી વાતો ફેલાવનારાઓ અને મોદી-ભાજપની ઉજ્જવળ કામગીરી પર કાદવ ઉછળીને એને ઝાંખી કરવાના બાલિશ પ્રયત્નો કરનારાઓની વિશ્વસનીયતા આમેય ઝીરો હતી, હવે બીલો ઝીરો લેવલ પર પહોંચી ગઈ છે.
એક્ઝિટ પોલ દ્વારા પબ્લિકનું માઇન્ડ કલુષિત કરવા માગતા ટીવી ચેનલિયાઓ ફરી ઉઘાડા પડી ગયા છે. તેઓ ટીવી દર્શકોનાં મન જીતી શકતા નથી એટલે એ દર્શકોનાં મગજમાં ધુમ્મસ પેદા કરીને એમને ગૂંચવી નાખવા માગે છે. દેશમાં સાચું શું થઈ રહ્યું છે અને ક્યાં ખોટું થઈ રહ્યું છે તે નક્કી કરવામાં આમ પ્રજા ગોથું ખાઈ જાય અને છેવટે રાષ્ટ્રવિરોધી એવી લેફ્ટિસ્ટ વિચારધારાના રંગે રગાઈ જાય એવા પ્રયત્નો હજુય થઈ રહ્યા છે. સદ્દનસીએ આ તથાકથિત તટસ્થ અને નિરપેક્ષ લિબારાન્ડુઓની ચાલબાજીની ઉઘાડી પાડવામાં આવે ત્યારે એ ચાલબાજીને તરત સમજી જાય એવા સમજુ લોકોની સંખ્યા હવે લાખોમાંથી કરોડો પર પહોંચી ગઈ છે. આ કરોડો રાષ્ટ્રપ્રેમીઓ સમજે છે કે મોદી-ભાજપને અમારી જરૂર છે તો બીજા પક્ષો અમને પણ મોદી-ભાજપની જરૂર છે. આવતા વર્ષે બંગાળમાં વિધાનસભાની ચૂંટણી થશે ત્યારે રાષ્ટ્રનિષ્ઠ મતદારોની સમજણનો એક ઔર પુરાવો મળવાનો છે. મમતાજી, બિસ્તરા પોટલાં બાંધવાની તૈયારી કરવા માંડો.
••• ••• •••
આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.
‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ
પ્રિય વાચક,
તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.
‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.
વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.
કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.
તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.
દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.
‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.
‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.
‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/
You would have mentioned about NCP also did not win a single seat in Bihar election and all candidates lost their deposits.