કૉન્ગ્રેસવાદી મીડિયા અને પાંચ વિધાનસભાની ચૂંટણીઓ

ગુડ મૉર્નિંગસૌરભ શાહ

( મુંબઇ સમાચાર : બુધવાર, 5 ડિસેમ્બર 2018)

પર્સનલ વાતચીતમાં તમે ઘણી વખત જોયું હશે કે તમને ભીડવવાની કોશિશ કરનારી સામેની વ્યક્તિ તમારી સામે કોઈ દલીલ મૂકે કે પછી તમારી સામે કોઈ આક્ષેપ કરે અને તમે એની દલીલ કે એણે કરેલા આક્ષેપના જવાબમાં તર્કબદ્ધ જવાબ આપીને પેલી વ્યક્તિ ચૂપ થઈ જાય એ રીતે એની શંકાઓનું નિવારણ કરી રહ્યા હો અને તમારી વાત પૂરી થશે એટલે વાતનો છેડો આવી જશે એવું માનતા હો ત્યાં જ પેલી વ્યક્તિ તદ્દન નવો જ ફણગો ફૂટતો હોય એમ સાવ જુદો જ મુદ્દો ઊભો કરીને તમને નવેસરથી સકંજામાં લેવાની કોશિશ કરશે. તમે નવેસરથી એને તર્કબદ્ધ કારણો આપીને દલીલ જીતી રહ્યા છો એવું લાગશે તો એ ત્રીજો મુદ્દો લઈ આવશે, પછી ચોથો, પછી પાંચમો.

અંગ્રેજીમાં આવી ચડસાચડસીની શિફ્ટિંગ ધ ગોલપોસ્ટ કહે છે. તમારો ગોલ થવાની તૈયારીમાં જ હોય અને ત્યાં તમારી સામેની ટીમવાળા ગોલપોસ્ટ કે ગોલબોક્સને એની મૂળ જગ્યાએથી હટાવીને બીજે મૂકી દે (આવું થતું નથી, થઈ શકે પણ નહીં, કલ્પના જ છે, ઉપમા છે) અને તમને ગોલ ન કરવા દે એવી પરિસ્થિતિ પર્સનલ લાઈફમાં તમે વારંવાર જોઈ હશે.

મીડિયા પણ આવું જ કરે છે. યાદ છે, યુપીના ઈલેક્શન વખતે શું લખેલું આ કોલમમાં? મીડિયા તે વખતે કહ્યા કરતું કે 2014ની ચૂંટણી ભલે મોદી જીતી ગયા, પણ યુ.પી. વિધાનસભામાં જીત મેળવવી ઈમ્પોસિબલ છે. તે વખતે અમે લખેલું કે યુ.પી.માં ભાજપની સરકાર બન્યા પછી મીડિયા કહેવા માંડશે કે યુ.પી. તો ઠીક છે, ખરો જંગ કર્ણાટકમાં ખેલાવાનો છે.

મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મિઝોરમ, તેલંગણા અને છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણી અનાઉન્સ થઈ ત્યારે મીડિયામાં બેઠેલા મહાપંડિતોનું વિશ્ર્લેષણ એવું હતું કે ભાજપ પાંચેયમાં હારે છે. પછી ધીમે ધીમે કહેવા લાગ્યા કે છત્તીસગઢ સિવાય બાકીનાં ચાર રાજ્યોમાં કપરાં ચઢાણ છે. પછી કહેવા લાગ્યા કે મધ્ય પ્રદેશ તો હિન્દુત્વનો ગઢ છે, પણ રાજસ્થાનમાં વસુંધરા રાજેના ‘કરપ્ટ શાસન’ને કારણે લોકો ભાજપને જાકારો આપશે. પછી કહેવા લાગ્યા કે મોદીએ રાજસ્થાનમાં પ્રચાર શરૂ કર્યો એટલે ત્યાં ભાજપનું ‘પલડું ભારી’ છે (તો શું પહેલેથી ખબર નહોતી કે મોદી હંમેશાં છેલ્લા દિવસોમાં પ્રચાર કરવા જતા જ હોય છે). હવે મીડિયાનું લેટેસ્ટ તૂત એ ચાલી રહ્યું છે કે ભાજપની ખરી કસોટી મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં નહીં, પણ તેલંગણામાં થવાની છે (વિચ મીન્સ કે ભાજપ મ. પ્ર. અને રાજસ્થાનમાં જીતે છે). તેલંગણામાં મોદીના પ્રચાર પછી આવતી કાલે મીડિયા લખશે કે ભાજપના વિરોધી પક્ષો એક નથી થઈ શક્યા એટલે તેલંગણા જેવામાં પણ ભાજપની જીતના ચાન્સીસ છે. 2019માં ભાજપ જીતશે તો મીડિયા શું લખશે એ ગયા વર્ષે જ અમે લખી ગયા. એક વધારાની ટર્મ તો ભારતની પ્રજા કોઈ પણ પીએમને આપે, હવે જોવાનું એ છે કે મોદી 2024માં જીતે છે કે નહીં જે અત્યારે તો ઈમ્પોસિબલ લાગે છે!

2019ની ભાજપની જીતનું કારણ (મીડિયાની દૃષ્ટિએ) તમને અત્યારથી જણાવી દઈએ: ભાજપનો વિરોધ કરનારા રાજકીય પક્ષો આપસમાં એકતા સાધી શકતા નહીં, મહાગઠબંધનની ક્ધસેપ્ટ જો સાકાર થઈ હોત તો જરૂર રાહુલ ગાંધી કે માયાવતી કે અખિલેશ યાદવ આજે પી.એમ. હોત.

સતત ગોલપોસ્ટ શિફ્ટ કરતાં રહેવાની મીડિયાને આદત છે. ચિત ભી મેરી, પટ ભી મેરી એવી ચીટિંગ કરતાં મીડિયાને સારી રીતે આવડે છે અને આપણે, નૉર્મલ વાચકો, સતત બેવકૂફ બનતાં રહીએ છીએ.

તેલંગણામાં ભાજપની એન્ટ્રીને રોકવા માટે જે રીતે વિપક્ષો મુસ્લિમ મતદારોને ગજવામાં ભરવા આડેધડ પ્રોમિસ આપી રહ્યા છે એવાં કોમવાદી વચનો ભાજપે ક્યારે હિન્દુ મતદારોને આપ્યાં નથી. જસ્ટ કલ્પના કરો કે યોગી આદિત્યનાથે યુપીની ચૂંટણી પહેલાં હિન્દુ યુવકોને અમુક લાખ રૂપિયાની લોન, હિન્દુ મંદિરોને મફત વીજળી, હિન્દુ વિદ્યાર્થીઓને મફત શિક્ષણ-મફત છાત્રાલય, હિન્દુ ઉદ્યોગપતિઓની અમુક લાખની સરકારી સહાય વગેરે વચનો આપ્યા હોત તો? સેક્યુલર મીડિયાએ યોગીને ઊભા ને ઊભા ચીરી નાખ્યા હોત અને ‘કોમવાદ કોમવાદ’ની બુમરાણ મચાવીને મુસ્લિમોને ઉશ્કેરીને યુ.પી.માં રમખાણો મચાવ્યાં હોત. સરપ્રાઈઝિંગલી કૉન્ગ્રેસ જ્યારે તેલંગણામાં આ બધા ચૂંટણીવચનો મુસ્લિમોને આપી રહી છે ત્યારે સેક્યુલર મીડિયા ચૂપ છે, કોઈ ઊહાપોહ કરતું નથી. એક્ઝેટલી 16 વર્ષ પહેલાં આવું જ બન્યું હતું. ગોધરા હિન્દુ હત્યાકાંડ વખતે 59 હિન્દુઓને મુસ્લિમોએ જીવતા સળગાવી દીધા ત્યારે આ સેક્યુલર મીડિયાએ મુસ્લિમોના વિરોધમાં એક હરફ નહોતો ઉચ્ચાર્યા, પણ એ હત્યાકાંડની સાહજિક પ્રતિક્રિયારૂપે જ્યારે ગુજરાતમાં રમખાણો ફાટી નીકળ્યાં (જેમાં બેઉ કોમોને મોર ઓર લેસ ઈક્વલ નુકસાન થયું હતું) ત્યારે સેક્યુલર મીડિયાએ હિન્દુઓને, હિન્દુ સંસ્કૃતિને, હિન્દુ પરંપરાને, ગુજરાતને, ગુજરાતીઓને અને અફકોર્સ ગુજરાતના તે વખતના મુખ્ય લોકોને બદનામ કરવામાં કંઈ બાકી રાખ્યું નહોતું.

આજનો વિચાર

ખબર નથી પડતી કે કેમ અન્યોને ગમે છે એ,
લખાતું હોય છે જે કંઈ ફકત એકાદ જણ માટે

– ડૉ. મુકુલ ચોક્સી

એક મિનિટ!

પકો: યાર બકા, જૂની હિન્દી ફિલ્મોમાં ભૂતડીઓ હાથમાં મીણબત્તી લઈને કેમ ફર્યા કરતી?

બકો: કારણ કે કૉન્ગ્રેસના રાજમાં ઈલેક્ટ્રિસિટી ક્યાં હતી?

6 COMMENTS

  1. SUPERB SACCHHAI VADO LEKH…avi rite j seculer media na khota Hindu virodhi News ne bahar padta raheso … Ne khas toh election sudhi lakhta raheso jenathi loko ma jagruti ave ??

  2. મુદ્દાસર સૌરભભાઈ
    આજનો વિચાર એક મિનિટ
    ???

  3. 100% Perfect. ગોલ બોકસ શિફ્ટ કરવાની વાત. મસ્તાન આર્ટિકલ બોસ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here