6ઠ્ઠી ડિસેમ્બર 1992નો એ રવિવાર

ગુડ મૉર્નિંગસૌરભ શાહ

( મુંબઇ સમાચાર : ગુરુવાર, 6 ડિસેમ્બર2018)

ભારતના નજીકના (એટલે કે છેલ્લાં 25 વર્ષના) ઈતિહાસની ત્રણ લૅન્ડમાર્ક તારીખો છે. લેટેસ્ટથી શરૂ કરીએ તો 2014ની 26મી મે જ્યારે નરેન્દ્ર મોદીએ વડા પ્રધાનપદના સોગંદ લીધા. એથી પાછળ જઈએ તો 2002ની 27મી ફેબ્રુઆરી જ્યારે ગોધરા હિન્દુ હત્યાકાંડના ઘૃણાસ્પદ કાવતરાને પરિણામે 59 હિન્દુઓને જીવતા સળગાવી દેવામાં આવ્યા અને એથી આગળ જઈએ તો 1992ના ડિસેમ્બરની છઠ્ઠી તારીખ જ્યારે રામ જન્મભૂમિ પર બંધાયેલા રામ મંદિરને ધ્વસ્ત કરીને ઊભી કરવામાં આવેલી બાબરીની જર્જરિત ઈમારતના ઢાંચાને (જે એક જમાનામાં મસ્જિદ હતી પણ 1949થી મસ્જિદ મટીને એ ઈમારત બની ગઈ હતી) જમીનદોસ્ત કરી નાખવામાં આવ્યો.

ભારતના નજીકના ઈતિહાસમાં બનેલી આ ત્રણેય ઘટનાઓની દૂરગામી અસરો સદીઓ સુધી જોવા મળશે.

બાબરીનો ઢાંચો તોડીને જમીનદોસ્ત કરવામાં આવ્યો તે પહેલાં ભારતમાં હિન્દુત્વની વાતો ખાનગીમાં ગુસપુસ તરીકે થતી. સેક્યુલરોની બદમાશી વિશે તમારાથી એક શબ્દ જાહેરમાં બોલી શકાતો નહીં. બાબરીના ઢાંચાને તોડવા માટેનું પ્લાનિંગ, એના માટેની પ્રેરણા તથા એના માટેનો ઉત્સાહ – આ બધું જ ભાજપને આભારી છે, પણ બાબરી જમીનદોસ્ત કર્યા પછી ભાજપના તે વખતના કેટલાય નેતાઓ પાણીમાં બેસી ગયા. સેક્યુલર બદમાશોએ ભાજપના નેતાઓને એ હદ સુધી ખોખરા કરી નાખ્યા કે એ નેતાઓ પોતે જેના માટે જશ લેવાનો હોય એના માટે શરમ અનુભવવા લાગ્યા અથવા તો કહો કે શરમ અનુભવીએ છીએ એવું જાહેરમાં કહેવા લાગ્યા. આવું કહેવું તે એમની ખોટી સ્ટ્રેટેજી હતી. સેક્યુલરોનો પાવર તે વખતે આસમાનને છૂતો હતો. કૉન્ગ્રેસી શાસનમાં માલમલીદા ખાઈ ખાઈને અને વિદેશી ભંડોળની ચરબીથી તગડામગડા બનેલા સેક્યુલરોની જોહુકમી 1992ના એ ગાળામાં પરાકાષ્ઠાએ પહોંચી ગઈ હતી. બાબરી મસ્જિદમાં 1949થી નમાજ પઢવાનું બંધ થઈ ગયેલું. 1949માં રામલલ્લાની મૂર્તિની ત્યાં વિધિસર સ્થાપના થઈ ગઈ હતી. ઈસ્લામના એક ફાંટાની માન્યતા મુજબ જે સ્થળે વિધર્મીઓ પૂજા કરતા હોય (કે એમની મૂર્તિની સ્થાપના થઈ ગઈ હોય) એ સ્થળ નમાજ પઢવા માટે હરામ ગણાય. 1949થી 1992 સુધી ક્યારેય જે જગ્યામાં નમાજ પઢવામાં નથી આવી એવી જર્જરિત ઈમારતના ઢાંચાને તમે મસ્જિદ કેવી રીતે કહી શકો? પણ કૉન્ગ્રેસ પ્રેરિત સેક્યુલરવાદી ડાબેરીઓ સંચાલિત મીડિયાએ એ ખંડેરને, એ ત્યજી દેવાયેલી એક જમાનાના મુસ્લિમોના ધર્મસ્થળને મસ્જિદ ગણાવીને ભારતીય પ્રજાને ઉશ્કેરવાની કોશિશ કરી. પ્રજા ઉશ્કેરાઈ પણ ખરી. પ્રજાએ એ ન જોયું કે આ કોઈ ફંક્શનલ મસ્જિદ નહોતી. પ્રજાએ એ પણ ન જોયું કે આ ઈમારત બંધાઈ તે પહેલાં ત્યાં રામ મંદિર હતું જેના અવશેષો આર્કિયોલોજિ ડીપાર્ટમેન્ટને મળી આવ્યા છે. પ્રજાએ એ પણ ન જોયું કે અયોધ્યાની આ ભૂમિને હિન્દુઓ રામની જન્મભૂમિ માને છે. પ્રજાએ એ પણ ન જોયું કે ન કરે નારાયણ અને મક્કાના ધાર્મિક રીતે પવિત્ર મનાતા વિશાળ કાળા પથ્થરને ધ્વસ્ત કરીને કોઈ મંદિર બાંધી દે તો મુસ્લિમોની લાગણી કેટલી ઘવાય. પ્રજાએ એ પણ ન જોયું કે આ રીતે બંધાયેલા મંદિરમાં દાયકાઓથી પૂજા ન થતી હોય, કોઈ દર્શન કરવાં પણ ન આવતું હોય અને એને તોડી પાડવામાં આવે તો વાજબી જ છે કારણ કે અગાઉ એ જગ્યા ઈસ્લામ ધર્મના શ્રદ્ધાળુઓની હતી.

આ અણસમજુ પ્રજાએ એવો ગોકીરો મચાવ્યો કે જાણે આખું ભારત કોમવાદી રાષ્ટ્ર છે એવી છાપ આખી દુનિયામાં પડી. ઈસ્લામિક ક્ધટ્રીઝ જ નહીં, ધોળિયાઓના દેશો પણ ભારતની સામે ડોળા કાઢીને આપણને ડરાવવા લાગ્યા. ભારતની આ અણસમજુ પ્રજાએ ભારતનું ઘણું મોટું અહિત કર્યું. આ અણસમજુ પ્રજામાં કૉન્ગ્રેસ તરફી હિન્દુઓ હતા, પોતાને સેક્યુલર કહેવડાવનારા હિન્દુઓ હતા, ગાંધીવાદી – સર્વોદયવાદી – વિનોબા ભાવેવાદી તેમ જ હિન્દુ સંસ્કૃતિને ગાળો આપનારા ડાબેરીઓ તથા વિદેશી ફંડિંગથી ભારતમાં એનજીઓ ચલાવીને ભારત વિરુદ્ધ પ્રવૃત્તિઓ કરનારા હિન્દુઓ પણ હતા. આ અમુક હજારની પ્રજાનું વર્ચસ્વ કૉન્ગ્રેસી શાસન દરમ્યાન એટલું હતું કે તેઓએ આ દેશની 85 ટકા હિન્દુ પ્રજાને અલમોસ્ટ બાનમાં લઈને રાખી હતી.

છઠ્ઠી ડિસેમ્બરે બાબરી તૂટી એને કારણે બે વાત બની. એક તો આ સેક્યુલર પ્રજાનો આતંક દેશને ભડકે બાળવા લાગ્યો. અને બે, આની સામે, આ આગની જ્વાળાઓને શાંત કરવા ધીરે ધીરે કેટલીક હિન્દુવાદી કલમો બંબાવાળાનું કામ કરવા માટે આગળ આવી. પેલા લોકોએ આગ લગાડીને બધું ભસ્મીભૂત કરવાની કોશિશ કરી તો આ લોકોએ મશાલ પ્રગટાવીને એના પ્રકાશમાં પેલા લોકોની બદમાશીને ઉઘાડી પાડી. અત્યાર સુધી આ સેક્યુલર બદમાશી જે અંધારામાં રહી હતી તે હવે ઉઘાડી પડી ગઈ. 1992ની 6ઠ્ઠી ડિસેમ્બર પછી પ્રગટેલી કેટલીક કલમ-મશાલોને કારણે જે ગણ્યાગાંઠ્યા હિન્દુવાદીઓ પોતપોતાની રીતે દીવડા પ્રગટાવીને નિષ્ઠાપૂર્વક દેશના વિવિધ ખૂણે બેસીને કામ કરતા હતા તેઓની વચ્ચે એક અદૃશ્ય સાંકળ રચાઈ. હિન્દુત્વ વિશે એક શબ્દ પણ બોલીશું તો કોમવાદી ગણાઈ જઈશું એવા લોકો હવે સેક્યુલરોની સામે ગળું ખોંખારીને સેક્યુલરોના સ્વાર્થી મુસ્લિમપ્રેમ અને હિન્દુદ્વેષ વિશે બોલવા લાગ્યા, લખવા લાગ્યા. આની સામે જે લોકો અત્યાર સુધી પોતાને સહિષ્ણુતાની મૂર્તિ ગણાવતા રહ્યા અને લોકોને પોતાના અસલી ચહેરાની બાબતે અંધારામાં રાખતા રહ્યા એમના નકાબ ઊતરી ગયા, એમના સેક્યુલરિઝમનો બિહામણો ચહેરો છતો થઈ ગયો. એક જમાનામાં આદરણીય ગણાતા આ તમામ સેક્યુલરો ખુલ્લા પડી ગયા પછી પ્રજા એમના પર થૂ થૂ કરતી થઈ ગઈ. હિન્દુ સંસ્કૃતિ, હિન્દુ પરંપરા અને હિન્દુ ધર્મમાં આસ્થા રાખવી એને જુનવાણીપણું કહેવાય, ગંવાર અને જાહિલ લોકો જ આવી આસ્થા રાખે એવો સેક્યુલરોનો અડધી સદી કરતાંય જૂના પ્રચારનો પરપોટો ફૂટી ગયો. લોકો ખુલ્લેઆમ મુસ્લિમવાદી સેક્યુલરોને ધિક્કારતા થઈ ગયા. કૉન્ગ્રેસનું વોટબૅન્કનું રાજકારણ તદ્દન નગ્ન થઈ ગયું એટલે તમામ કૉન્ગ્રેસીઓને હિન્દુઓ પોતાના અસ્તિત્વ સામેનું જોખમ માનવા માંડ્યા.

ધીમે ધીમે ભાજપના નેતાઓમાં સાન આવવા લાગી અને ચૂપચાપ સેક્યુલરોની થપ્પડ ખાઈ લેવાને બદલે એમની સામે મુક્કાબાજી કરવાની તૈયારી કરવા લાગ્યા. ડાબેરી મીડિયા હવે બમણા જોરથી આ નેતાઓ પર તૂટી પડ્યું, પણ પ્રજા આ નેતાઓની સાથે હતી. 1984ની લોકસભા ચૂંટણીમાં માત્ર બે બેઠકો પરથી જીતનારી ભારતીય જનતા પાર્ટીને 1992 પછીના ઈલેક્શનમાં ભારતની પ્રજાએ ખોબલેખોબલા ભરીને મત આપ્યા. 1996ની લોકસભા ચૂંટણીમાં ભાજપને 161ના જંગી આંકડાવાળી બેઠકો મળી, ભાજપના સાથી રાજકીય પક્ષોને મળેલી બેઠકો તો જુદી.

બાબરી તૂટ્યા પછી સેક્યુલરવાદીઓ અને ડાબેરીઓ જો કકળાટ કરવાને બદલે ચૂપ રહ્યા હોત તો હિન્દુતરફી આક્રોશને વાચા ન મળી હોત. આભાર સેક્યુલરિયાઓનો.

વધારે મોટો આભાર આ લોકોના 2002ના 27 ફેબ્રુઆરીના ગોધરા હિન્દુ હત્યાકાંડ પછીના એટિટ્યુડ માટે જેને લીધે હિન્દુઓની પ્રચંડ તાકાત એમને કચડી નાખવા સજ્જ થઈ અને 2014ની 26મી મેએ એ તાકાતનો પરચો પણ મળી ગયો.

વધુ કાલે.

આજનો વિચાર

કૉન્ગ્રેસ આઈ.સી.યુ.માં છે અને આ નવજોત સિદ્ધુ વારંવાર ઑક્સિજનના પાઈપ પર પગ મૂક્યા કરે છે.

– વૉટ્સઍપ પર વાંચેલું

એક મિનિટ!

જ્યોતિષ: બકા, તારી કુંડળીમાં અઢળક ધન છે.

બકો: એ બધું ઠીક પણ મહારાજ, એ કહો કે આ ધન કુંડળીમાંથી મારા બૅન્ક અકાઉન્ટમાં ક્યારે ટ્રાન્સફર થશે?

7 COMMENTS

  1. I wonder,still majority of Hindus in coma.So called literate people also against BJP.why?I couldn’t find any satisfactory answer.what to do to wake them up?

  2. હું પણ પ્રકાશ શાહ અને ઉર્વીશ કોઠારીને એ જ કહું છું કે તમારા પાપે જ ભાજપ સત્તા પર છે

  3. આટઆટલું સહન કર્યું હિન્દુ ધર્મે તો પણ હજુ હિન્દુ જાગ્રુત નથી થયો હજુ સરકારની પાસે ફકત મફત નો લાભ લેવા દેશને બરબાદ કરનાર કોંગ્રેસને ડાબેરી સેકયુલરીયા ફક્ત મુસલમાનનું જ વિચારનારા હરામીપણું કરનારને વોટ આપી મજબૂત કરે છે

  4. બાબરી તૂટ્યા પછી સેક્યુલરયા અને ડાબેરિયા કકળાટ કરવાને બદલે ચૂપ રહ્યા હોટ તો હિન્દુ તરફી આક્રોશ ને વાચા ન મળી હોત… આભાર સેક્યુલરીયાઓ નો …

    ???????️

  5. અતિ ઉત્તમ લેખ. બદમાશોને ઉઘાડા પડી દીધા. Virendra Bhai Jo લેખ ને અંગ્રેજીમાં અનુવાદ કરીને કોઈ msm માં છપાવે તો જલસો પડી જાય. સૌરભભાઇ, તમારાં લેખ વાંચીને ચાર ચાસણી જોર ચડે છે અને દેશ માટે કંઇક કરી નાંખવા માટે મન વધું મક્કમ થાય છે.

  6. સૌરભભાઈ શાહ….એટલે તટસ્થ પત્રકાર.
    સત્ય વાત પર સચોટ રીતે લખી પ઼કાશ પાડી સામાન્ય મા સામાન્ય માણસ ને પણ સમજાય એવી રીતે આપ લખો છો.
    ફરી એકવાર આપને દિલથી અભિનંદન…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here