જગવિખ્યાત સંગીતનાટક ‘સાઉન્ડ ઑફ મ્યુઝિક’ આવતા મહિને મુંબઈમાં : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ : ન્યુઝપ્રેમી.કૉમ , રવિવાર, ૯ એપ્રિલ ૨૦૨૩ )

નાનપણમાં અંગ્રેજી ગીતોમાં કંઈ સમજ પડે નહીં. સ્કૂલનાં પાછલાં વર્ષોમાં પપ્પાના પાર્ટનરે આગ્રહ કરીને કેસેટ પ્લેયરના દાદા જેવું મોટા ચકરડા જેવી સ્પૂલ ટેપ વગાડતું પ્લેયર ખરીદાવ્યું હતું, અને પોતાના અંગત રેકૉર્ડ કલેક્શનમાંથી બે સ્પૂલ રેકૉર્ડ કરીને પપ્પાને ભેટ આપી હતી. એક ટેપમાં ‘ઓ બસંતી પવન પાગલ’ જેવાં એમના જમાનાનાં જૂનાં ગીતો હતાં. એ વખતે અમારો જમાનો ‘મેરી પ્યારી બહનિયા બનેગી દુલ્હનિયા’ અને ‘ઝિંદગી એક સફર હૈ સુહાના ઉડલૈ ઉડલૈ ઉ ઊ’ જેવાં લેટેસ્ટ ગીતોનો હતો.

બીજી સ્પૂલમાં ‘અરેબિયન નાઇટ્સ’, ‘હાઉસ ઑફ બામ્બુ’, બીથોવનની પાંચમી સિમ્ફની અને ‘સાઉન્ડ ઑફ મ્યુઝિક’નાં ગીતો સહિતનું કલેક્શન હતું. એ વખતે એમાંનું એક ગીત ઘણું ગમતું— ડો રે મી ફા સો લા ટી વાળું. આ પિક્ચર તો ઘણું મોડું જોયું. આ અને ‘માય ફેર લેડી’ ( સંતુ રંગીલી) તથા ‘ફિડલર ઑન ધ રૂફ’ ( ઢોલીડો) જેવી હૉલિવુડની ફિલ્મો એ જ નામે સ્ટેજ પર ભજવાઈ ચૂકેલાં સક્સેસફુલ નાટકો પરથી બની હતી. કેટલીક વખત તો સ્ટેજવાળા કળાકારો જ ફિલ્મમાં લેવામાં આવતા.

‘સાઉન્ડ ઑફ મ્યુઝિક’ આવી જ એક અજરામર કૃતિ છે જેના ઘણા શો મે મહિનામાં નીતા અંબાણીવાળા ‘ગ્રાન્ડ થિયેટર’માં ભજવાવાના છે. અહીં મેં ૮ વરસ પહેલાં, ‘સાઉન્ડ ઑફ મ્યુઝિક’ની ગોલ્ડન જ્યુબિલીની ઉજવણી વેળાએ ‘સંદેશ’માં એક પીસ લખ્યો હતો તે શોધીને તમારા માટે રિ-રિલીઝ ( ! )કર્યો છે.

Www.nmacc.com અને bookmyshow.com પર બુકિંગ ખુલી ગયું છે.

ટિકિટના ભાવ મિનિમમ ₹૯૫૦ છે મેક્સિમમ તમે જ જોઈ લેજો, વીક એન્ડના શોઝના ભાવ જુદા છે. અમે તો આ નાટક પરથી બનેલી ફિલ્મના દીવાના છીએ એટલે જઈએ કે ન પણ જઈએ. તમે મે વેકેશનમાં માથેરાન-મહાબળેશ્વર જવાનો ખર્ચ બચાવીને જિંદગીનો આ અમુલ્ય લહાવો લેવામાં ઈનવેસ્ટ કરી નાખો. પચ્ચીસ-પચાસ વરસ પછી તમે પણ અમને અને પપ્પાના પાર્ટનરને યાદ કરીને ડો રે મી ફા સો લા ટીની સરગમ ગાતા હશો.

હવે વાંચો ૮ વર્ષ પહેલાંનો એ લેખ અને અમે પ્લેયર પર ‘ સાઉન્ડ ઑફ મ્યુઝિક ‘ની ડિસ્ક લગાડીને આજનો રવિવાર અતીતને વાગોળવાનો પ્લાન કરીએ છીએ : ધિસ આર અ ફ્યૂ ઑફ માય ફેવરિટ થિંગ્સ…

* * *

‘સાઉન્ડ ઑફ મ્યુઝિક’ની સુવર્ણજયંતિ : ભગવાનનું ઘર કંઈ દુનિયાની સમસ્યાઓથી ભાગી છૂટીને આશરો લેવા માટે નથી હોતું

લાઉડમાઉથ : સૌરભ શાહ

( ‘ સંદેશ ‘ : બુધવાર, 11 માર્ચ, 2015 )

ગુજરાતી નાટકોમાં એક જમાનો હતો જ્યારે ‘ઝટ લાવો ચંદનહાર લાવો, ઘૂંઘટ નહીં ખોલું રે’ જેવાં સુપરહિટ ગીતો ગવાતાં. એક જ ગીતને ડઝનબંધ વન્સમોર મળતાં. રાત્રે શરૂ થયેલું નાટક છેક પરોઢિયે પૂરું થતું અને રસિક ગુજરાતી પ્રેક્ષકો ‘મીઠા લાગ્યા છે મને રાતના ઉજાગરા’ ગાતાં ગાતાં ઘરભેગા થતા.

ગુજરાતીમાં આવાં સંગીતનાટકોનો જમાનો હવે પૂરો થયો. ક્યારેક લેખક ચંદ્રકાંત શાહ અને અભિનેતા પરેશ રાવલનું ‘ખેલૈયા’ કે પછી લેખક મિહિર ભૂતા અને અભિનેતા ઉત્કર્ષ મઝુમદાર-મીનળ પટેલ, માનસી જોષીનું ‘મારો પિયુ ગયો રંગૂન’ આવી જાય ત્યારે ગુજરાતી પ્રેક્ષકોની લાઇફ બની જાય.

અંગ્રેજીમાં સંગીતનાટકો અર્થાત્ મ્યુઝિકલ્સ આજે પણ બને છે અને ગઈ કાલનાં મ્યુઝિકલ્સનાં ગીતોને માણનારા પ્રેક્ષકોના પુત્રો, પૌત્રો, પ્રપૌત્રો આજે પણ યાદ કરીને પોતાના આઇપોડમાં સાંભળે છે.

આવું જ એક યાદગાર મ્યુઝિકલ હતું ‘સાઉન્ડ ઑફ મ્યુઝિક’. અમેરિકામાં ન્યૂ યૉર્કની બ્રોડવેના નામે ઓળખાતી રંગભૂમિ પર બેહદ સફળ થયેલા આ સંગીતનાટક પરથી ટ્વેન્ટીએથ સેન્ચુરી ફોક્સે આ જ નામની ફિલ્મ બનાવી જેને બેસ્ટ પિક્ચર, બેસ્ટ ડિરેક્ટર સહિતના ઑસ્કાર અવૉર્ડ ઉપરાંત ટોપલો ભરીને પારિતોષિકો મળ્યાં.

હૉલિવૂડના ઇતિહાસમાં અત્યાર સુધીમાં સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મોમાં ‘સાઉન્ડ ઑફ મ્યુઝિક’ ત્રીજા નંબરે આવે, ડૉલરના અત્યારના મૂલ્યને ધ્યાનમાં રાખીને ગણતરી કરીએ તો.

૧૯૭૨માં આવેલી ગુલઝારની ‘પરિચય’ ફિલ્મ ‘સાઉન્ડ ઑફ મ્યુઝિક’ પરથી ઇન્સ્પાયર્ડ છે. બેઝિક સ્ટોરી લાઇનના એક તંતુ સિવાય બેઉ ફિલ્મો ઘણી જુદી છે. બંને પોતપોતાની રીતે મહાન ફિલ્મો છે.

ફિલ્મ ‘સાઉન્ડ ઑફ મ્યુઝિક’નું આ સુવર્ણજયંતી વર્ષ છે. બરાબર પચાસ વર્ષ પહેલાં ૨૯ માર્ચ, ૧૯૬૫ના રોજ આ ફિલ્મ યુકે.માં રિલીઝ થઈ અને એ પહેલાં ટ્વેન્ટીએથ સેન્ચુરી ફોકસે બીજી માર્ચ, ૧૯૬૫ના દિવસે અમેરિકામાં રિલીઝ કરી. બ્રૉડવે પર આ સંગીતનાટક ૧૯૫૯માં પહેલી વાર ભજવાયું અને હજુ સુધી ભજવાતું રહે છે.  ‘સાઉન્ડ ઑફ મ્યુઝિક’ની હિરોઈન જુલી એન્ડ્રુઝ આ વર્ષે ઑક્ટોબરમાં ૮૦ વર્ષ પૂરાં કરશે. આ વર્ષના ઑસ્કાર સમારંભમાં લેડી ગાગાએ ‘સાઉન્ડ ઑફ મ્યુઝિક’નાં લોકપ્રિય ગીતો ગાઈને આ ફિલ્મને ટ્રિબ્યુટ આપી. જુલી એન્ડ્રુઝે સ્ટેજ પર આવીને એક અવૉર્ડ આપ્યો. જુલી એન્ડ્રુઝ ઑસ્કારના સ્ટેજ પર પહેલીવહેલી વખત નહોતી આવી. ૧૯૬૪માં એની સૌથી પહેલી ફિલ્મ ‘મેરી પોપિન્સ’ માટે એને બેસ્ટ એક્ટ્રેસનો ઓસ્કર એવોર્ડ મળ્યો હતો.

જુલીએ ચાઇલ્ડ એક્ટ્રેસ તરીકે ૧૯૪૮માં બ્રોડવે પર પગ મૂક્યો. છ વર્ષ પછી બર્નાર્ડ શોના મશહૂર નાટક ‘પિગ્મેલિયન’ પરથી બનેલા બ્રૉડવે શો ‘માય ફેર લેડી’માં હિરોઇનની ભૂમિકા ભજવી. આ જ નાટક પરથી મધુ રાયે ગુજરાતીમાં ‘સંતુ રંગીલી’ લખ્યું, લેજેન્ડરી દિગ્દર્શક પ્રવીણ જોષીએ ડિરેક્ટ કર્યું અને પ્રવીણ સરિતા જોષીએ લીડ પેર તરીકે આપણી રંગભૂમિ ગજવી. મધુ રાયની ગુજરાતી સ્ક્રિપ્ટ પરથી મરાઠી નાટક ‘તી ફૂલરાણી’ લખાયું એવું ખુદ પુ. લ. દેશપાંડેએ નોંધ્યું છે. પુલએ જ એ નાટકનું દિગ્દર્શન પણ કર્યું અને ભક્તિ બર્વે તથા સતીષ દુભાષીએ સરિતા-પ્રવીણવાળા રોલ ભજવ્યા.

ગુલઝારની ‘પરિચય’માં હીરો રવિ (જિતેન્દ્ર) નોકરીની શોધમાં છે. વખાનો માર્યો એ (રાય સાહેબ-પ્રાણ)ના દીકરા નીલેશરાય (સંજીવકુમાર)નાં પાંચ સંતાનોને ભણાવવા માસ્તરની નોકરી સ્વીકારે છે. આ પાંચ તોફાની સંતાનોમાં સૌથી મોટી રમા (જયા ભાદુરી) છે. કડક સ્વભાવના દાદાથી પાંચેય સંતાનો ત્રાસેલાં છે. રવિ એમને સંગીત પણ શીખવે છે. (સારે કે સારે ગ-મ કો લેકર ગાતે ચલે) અને રમાના પ્રેમમાં પડે છે. તોફાની છોકરાઓ સુધરી જાય છે, દાદાને પ્રેમ કરવા માંડે છે, દાદાજી પણ પીગળી જાય છે. રવિ અને રમાનાં લગ્ન કઈ તારીખે છે ( ૯ એપ્રિલ)ની સ્લાઇડ સાથે પિક્ચર પૂરું થાય છે.

‘મુસાફિર હૂં યારો’ અને ‘બીતી ના બિતાયે રૈના’ ગુલઝાર અને આર.ડી. બર્મનની જોડીનાં ટોપ ટ્વેન્ટી ગીતોમાં અચૂક સ્થાન પામે એવાં ગીતોને કારણે પણ ‘પરિચય’ હજુ ભુલાઈ નથી.

‘સાઉન્ડ ઑફ મ્યુઝિક’માં વાર્તાની શરૂઆત કંઈક આ રીતે થાય છે. મારિયા (જુલી એન્ડ્રુઝ) જર્મનીના પડોશી દેશ ઓસ્ટ્રિયાના સોલ્ઝબર્ગ ટાઉનના ચર્ચના એબિમાં રહે છે. એબિ એટલે ખ્રિસ્તીઓનો અપાસરો (ઉપાશ્રય) જ્યાં નન્સ-સાધ્વીઓ રહેતી હોય. જમાનો બીજા વિશ્વયુદ્ધ પહેલાંનો છે. જર્મનીમાં એડોલ્ફ હિટલરનો ઉદય થઈ ચૂક્યો છે. થર્ટીઝના દાયકાના છેલ્લા સુવર્ણમય દિવસો આથમવા આવ્યા છે.

સોલ્ઝબર્ગમાં એક શ્રીમંત વિધુર એવા નિવૃત્ત નૅવી કૅપ્ટનનાં સાત સંતાનો માટે ગવર્નેસની જરૂર છે. આ તોફાની બચ્ચાંઓને સાચવવા સહેલાં નથી. અત્યાર સુધીમાં બાર ગવર્નેસ બદલાઈ ગઈ, છેલ્લી તો બે જ કલાકની નોકરી કરીને ભાગી ગઈ. નિવૃત્ત નૅવી કૅપ્ટન ગેયોર્ગ ( જ્યૉર્જ નહીં) વૉન ટ્રેપની સૌથી મોટી દીકરીની બહેનપણી બની શકે એટલી ઉંમરની મારિયા ગવર્નેસ તરીકે ભવ્ય મહેલ જેવા ઘરમાં પ્રવેશે છે અને અલમોસ્ટ ત્રણ કલાક લાંબી ફિલ્મની પ્રસ્તાવના બંધાય છે.

રિચર્ડ રોજર્સ જગવિખ્યાત સંગીતકાર છે. ‘સાઉન્ડ ઑફ મ્યુઝિક’માં એમનું મ્યુઝિક છે. ‘પરિચય’માં સરગમ શીખવાડતા ગીતની પ્રેરણા ‘સાઉન્ડ ઓફ મ્યુઝિક’ના ‘ડો… રે… મી… ફા… સો… લા… ટી…’ ગીત પરથી લેવાઈ છે. અંગ્રેજી ગીતની શરૂઆતમાં ગવાય છે કે જેમ તમે અક્ષરજ્ઞાનની શરૂઆત ‘એ, બી, સી, ડી…’થી કરો એવી રીતે સંગીત શીખવાનો આરંભ ‘ડો, રે, મી, ફા, સો, લા, ટી…’થી કરો. ડો અ ડિયર– અ ફીમેલ ડિયર, રે—અ ડ્રોપ ઓફ ગોલ્ડન સન, મી—અ નેમ આય કૉલ માયસેલ્ફ, ફા(ર)— અ લૉન્ગ લૉન્ગ વે ટુ રન, સૉ (સ્યુ sew)—અ નિડલ પુલિંગ થ્રેડ, લા—અ નોટ ટુ ફોલો સો, ટી—અ ડ્રિન્ક વિથ જૅમ ઍન્ડ બ્રેડ…આ ગીત આજે પણ વિશ્વના માત્ર અંગ્રેજી ભાષાના જ નહીં, ગુજરાતી સહિત અનેક ભાષાઓના ફિલ્મ સંગીતપ્રેમીઓનાં હૈયાંમાં વસી ગયું છે.

જસ્ટ કલ્પના કરો, આજથી પચાસ વર્ષ પહેલાંની વાત. ‘સાઉન્ડ ઑફ મ્યુઝિક’ ફિલ્મની શરૂઆતમાં માહોલ જમાવવા ઑસ્ટ્રિયાની કન્ટ્રી સાઇડની પહાડીઓ, વાદળો, ધુમ્મસ, નદી, ખીણ, નાનાં ગામોનાં લેન્ડમાર્ક્સ. આ બધાની એમ.સી.એસ.- સેવન્ટી કેમેરાથી એરિયલ ફોટોગ્રાફી કરવામાં જે ખર્ચ થયો, માત્ર શરૂઆતની ૬૦ સેકન્ડ માટે, એ ખર્ચમાં એ વખતે આપણે ત્યાં ગુરુદત્તની આખી ને આખી ફિલ્મો બની જતી.

ઓસ્કાર હેમસ્ટિન, ધ સેકન્ડે લખેલાં ફિલ્મનાં (અને અગાઉ નાટકનાં પણ) ગીતોના શબ્દો કેવા અર્થસભર! એબિમાં બીજી મોટી ઉંમરની નન્સ મારિયાના આવતા પહેલાં મારિયા કેવી છે એ વિશે ગીત ગાય છે: ‘વાદળને તમે કેવી રીતે કેદ કરી શકો, મારિયા નામનો પ્રૉબ્લેમ કેવી રીતે સોલ્વ કરી શકો, ચંદ્રના કિરણને તમે કેવી રીતે મુઠ્ઠીમાં પકડી શકો, મારિયા જેન્ટલ પણ છે અને વાઇલ્ડ પણ છે!’

મારિયાને એબિમાંથી જવું નથી પણ સિનિયર નન્સને ખબર છે કે આઝાદ પંછી જેવી આ છોકરી પોતાની સમસ્યાઓથી એસ્કેપ થવા માટે સંસાર ત્યાગીને સાધ્વી-નન બનવા માગે છે. એટલે જ એ મારિયાને કહે છે, “તું જા, ભગવાન એક દરવાજો બંધ કરે છે ત્યારે એ કોઈક જગ્યાએ બારી ખોલી આપતો હોય છે.” ( અમે તો પર્સનલી વારંવાર અનુભવ્યું છે કે એક દરવાજો બંધ થાય તે વખતે શ્રીજીબાવા આખું આકાશ દેખાય એવી અગાશી ખોલી આપે છે).

કેપ્ટન ગેયોર્ગ વૉન ટ્રેપ (અભિનેતા ક્રિસ્ટોફર પ્લમર)ની હવેલીમાં આવ્યા પછી મારિયાને એક દિવસ ખબર પડે છે કે ‘આઈ એમ સિક્સ્ટીન,ગોઇંગ ઑન સેવન્ટીન’ ગાતી કૅપ્ટનની સૌથી મોટી દીકરી, સોળ વર્ષની લિઝ્લ એક ટપાલીના પ્રેમમાં છે અને બાપ નેચરલી આ સંબંધની ખિલાફ છે. ‘ધિસ આર અ ફ્યૂ ઑફ માય ફેવરિટ થિંગ્સ’ ગાઈને મારિયા પોતાના જેવડી જ આ દીકરીનો લવપ્રોબ્લેમ સૉલ્વ કરવામાં મદદ કરે છે.

મારિયા સાત સંતાનોને શિસ્તના પાઠ ભણાવતાં ભણાવતાં મનોમન આ છોકરાંઓના પિતાને પ્રેમ કરતી થઈ જાય છે જેની એને પોતાને પણ ખબર નથી. આ બાજુ પિતા વિયેનાની એક શ્રીમંત વિધવા બેરોનેસ સાથે લગ્ન કરવાનું નક્કી કરી બેઠા છે. મારિયાના પ્રયત્નોથી સાતેય સંતાનો અને પિતા વચ્ચે ફરી પ્રેમનો તંતુ બંધાય છે, પણ નવી માના આગમનથી સાતેય બાળકો અનકમ્ફર્ટેબલ થશે એવું પિતાને, મારિયાને અને થનાર નવી માને પણ લાગે છે. છેવટે પિતા-કૅપ્ટન વૉન ટ્રેપ મારિયા સાથે લગ્ન કરી લે છે.

બેઉ હનીમૂન પર હતાં ત્યારે હિટલરનો આદેશ આવે છે. કૅપ્ટને ફરીથી ફરજ પર ચડવું પડશે. કૅપ્ટનને નાઝીઓથી નફરત છે. કૅપ્ટન પોતાની નવીનવેલી દુલ્હન અને સાત બાળકોને લઈને કેવી રીતે ઓસ્ટ્રિયા છોડીને હિટલરની ચુંગાલમાંથી બચી જાય છે એની વાત સાથે ફિલ્મ પૂરી થાય છે.

ધ હિલ્સ આર અલાઇવ વિથ ધ સાઉન્ડ ઓફ મ્યુઝિક, કઠપૂતળીવાળું ગીત—ઓડલેઇયુ, એડલ્વાઇસનું ગીત, કુક્કુવાળું ગુડ નાઇટ સૉન્ગ… આ બધાં જ ગીતો એક વખત ‘સાઉન્ડ ઑફ મ્યુઝિક’ જોશો એટલે તમારાં પણ ફેવરિટ થઈ જશે.

મારિયા તો નન બનીને પ્રભુની સેવા કરવા માગતી હતી. કૅપ્ટનના પ્રેમમાં પડયા પછી મારિયા એબિમાં જઈને સિનિયર નનને કહે છે કે, “મેં તો મારી જિંદગી ભગવાનના નામે લખી દીધી છે, એમની સેવામાં હું આયુષ્ય પૂરું કરવા માગું છું.” સિનિયર નન એને સમજાવે છે, “માય ડૉટર, તું આ પુરુષને ચાહતી હોય એને કારણે પ્રભુ માટેનો તારો પ્રેમ ઓછો નથી થઈ જતો. આ એબિ કંઈ તારા પ્રૉબ્લેમ્સથી ભાગી છૂટવા માટેની જગ્યા નથી. તું પાછી જા…” અને મારિયાને ગીત ગાઈને કહે છે. “ફૉલો એવરી રેઇનબો ટિલ યુ ફાઇન્ડ યૉર ડ્રીમ ક્લાઇમ્બ એવરી માઉન્ટન, સર્ચ હાય એન્ડ લો, ટિલ યુ ફાઇન્ડ યોર ડ્રીમ.”

 

‘સાઉન્ડ ઑફ મ્યુઝિક’ રિયલ લાઇફ સ્ટોરી પરથી ઇન્સ્પાયર્ડ છે. મારિયા નામની સ્ત્રી ખરેખર નન બનવા માગતી હતી, જેણે વિધુર કેપ્ટન ગેયોર્ગ વૉન ટ્રેપ સાથે લગ્ન કરીને કેપ્ટનનાં સાતેય બાળકોને સંગીતની તાલીમ આપી. ઇન ફૅક્ટ એને બોલાવવામાં જ આવી હતી મ્યુઝિકની ટ્રેનિંગ આપવા અને પછી પ્રેમ થયો, લગ્ન થયાં. આખા કુટુંબે નાઝીઓના જુલમથી બચીને વતન ઑસ્ટ્રિયા છોડી જવું પડયું, પહેરેલે કપડે. બધી જ સંપત્તિ છોડીને. યુરોપમાં ભટકીને છેવટે બધાં અમેરિકા સ્થાયી થયાં. મારિયાએ ૧૯૪૯માં ‘ધ સ્ટોરી ઑફ ટ્રેપ ફેમિલી સિંગર્સ’ નામનું પુસ્તક લખ્યું. આ પુસ્તકની વિગતોમાં કલ્પનાના ખૂબ બધા રંગ ઉમેરીને ‘સાઉન્ડ ઑફ મ્યુઝિક’ નાટક બન્યું અને નાટક પરથી ફિલ્મ બની. અંગ્રેજી નાટક અને ફિલ્મ બન્યાં તે પહેલાં જર્મનીમાં એની ફિલ્મ બની હતી.

મ્યુઝિક વૉન ટ્રેપ ફૅમિલીના લોકોમાં હતું. આ મ્યુઝિકને કારણે જ આખું ફૅમિલી ઓસ્ટ્રિયામાં હિટલરના લશ્કરી ઑફિસર્સની આંખમાં ધૂળ નાખીને ભાગી જઈ શક્યું અને મ્યુઝિકને કારણે જ કૉન્સર્ટ્સમાં કમાણી કરીને કુટુંબ ભૂખમરામાંથી બચી શક્યું. વૉન ટ્રેપ ફૅમિલીની ત્રીજી પેઢીનાં ચાર સંતાનો આજે પણ ‘ઇન્ડી બેન્ડ’ બનાવીને કૉન્સર્ટ્સ કરે છે અને એમનું પહેલું ઓરિજિનલ આલ્બમ ‘ડાન્સિંગ ઇન ગોલ્ડ’ આવતા મહિને, ૧૪મી એપ્રિલે રિલીઝ થવાનું છે.

સંગીત તમને જિવાડે છે, તમને તમારો પ્રેમ મેળવી આપે છે, સમૃદ્ધિ આપે છે અને ભગવાનની નજીક લઈ જાય છે — આ વાત ‘સાઉન્ડ ઑફ મ્યુઝિક’નો બેઝિક પ્લોટ છે. રિયલ લાઇફ પણ ક્યાં આના કરતાં બહુ કંઈ જુદી હોય છે.

સાયલન્સ પ્લીઝ

તમે કોઈને ચાહતા હો ત્યારે બીજા કોઈની સાથે કેવી રીતે પરણી શકો?

—’સાઉન્ડ ઑફ મ્યુઝિક’નો એક સંવાદ

( આ લેખ ૨૦૧૫માં લખાયો અને એની પ્રસ્તાવના આજે જ લખી.)

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

7 COMMENTS

  1. Hi, I have seen sound of music , but I would like to see on stage, please tell me how to book for show?
    Special thanks for this message that sound of music is coming in May .
    Thank you, god bless u always
    Regards
    Rekha shah

  2. માનનીય સૌરભ ભાઈ
    વંદન. ફિલ્મ વિષે નો તમારો લેખ વાંચી ને આનંદ થયો.
    અભિનંદન પાઠવું છુ અને તમારા લેખો નો ચાહક બની ગયો છું. કારણ કે સમતોલ વિવેચન કર્યું છે.

  3. Superb Article on ‘Sound of Music
    Saurabh Shah sir has a magical hand & a fantastic insight.
    Sir, You have become my favorite writer.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here