શા માટે આપણે સૌએ શ્રીમંત હોવું જરૂરી છે

ગુડ મૉર્નિંગસૌરભ શાહ

( મુંબઇ સમાચાર : શુક્રવાર, 21 ડિસેમ્બર 2018)

‘દિલ ઢૂંઢતા હૈ ફિર વો હી ફુર્સત કે રાત દિન’, ગીત વિશે નુક્તેચીની કરતાં ગુલઝારે કહ્યું છે કે: ‘મિસરા ગાલિબ કા હૈ, કૈફિયત હરેક કી અપની અપની…’ ગાલિબની ગઝલના એક મિસરા તરફથી ગુલઝારે એક આખું મૌલિક ગીત લખ્યું છે જે મદનમોહને કમ્પોઝ કર્યું, ફિલ્મ ‘મૌસમ’માં વપરાયું. કંઈક એવી જ વાત અત્યારે થઈ રહી છે: મિસરા રજનીશ કા હૈ, કૈફિયત હરેક કી અપની અપની…

ઓશો રજનીશે કહ્યું: “હું ચાહું છું કે તમે સૌ દરેકે દરેક રીતે શ્રીમંત બનો – ભૌતિક અર્થમાં, માનસિક રીતે, આધ્યાત્મિકરૂપે. આ પૃથ્વી પર ક્યારેય ન થઈ હોય એવી શ્રીમંતમાં શ્રીમંત વ્યક્તિ જેવી વૈભવી જિંદગી તમારી હોય.

આપણને સૌને ખબર છે કે રજનીશજીની જિંદગી કેટલી વૈભવશાળી હતી. 85 રૉલ્સ રોયસ ગાડીઓ અને 100 રોલેક્સ ઘડિયાળો વગેરે. ઘણા લોકોએ સમજ્યા વગર એ વાતની ટીકા પણ કરી. રજનીશજી પાસે ગાડીઓ અને ઘડિયાળો નૉબેલ શ્રીમંત માણસ કરતાં પણ ઘણી વધારે હતી એની ચર્ચાઓ આપણે કરી. પણ શું કોઈએ રજનીશજી પાસેનાં પુસ્તકોની સંખ્યા વિશે વાત કરી? એમની પાસે 90,000થી વધુ પુસ્તકો હતાં. એ પુસ્તકોના છેલ્લાં પાને એમની સહી રહેતી. દરેક પુસ્તકમાં ક્યાંક ઓર્ડરલાઈન તો ક્યાંક નોટ્સ તો ક્યાંક હાઈલાઈટ કરેલી હોય. મોટા ભાગનાં પુસ્તકો. વેલ થમ્બ્ડ રહેતાં. નેવું હજાર પુસ્તક અને એક પુસ્તક વાંચતા સરાસરી અમુક વખત લાગે એવો ગુણાકાર કરીને રજનીશજીને ખોટા ચીતરનારા વાયડાઓ પણ ચોક્કસ હશે. દરેક પુસ્તક વાંચવા માટેનું હોતું નથી એની જાણ પુસ્તકો ખરીદીને સંગ્રહવાની ટેવ જેમને હોય તેમને ખબર હોય. કોઈ કોઈ પુસ્તક પાંચ મિનિટમાં સૂંઘીને આઘું મૂકી દેવાનું હોય. કોઈમાંથી અડધો કલાક પાનાં ફેરવીને જે પામવાનું હોય તે પામી લેવાનું હોય. પછી ક્રીમ બિસ્કિટમાંનું ક્રીમ ક્રીમ ચાટી લીધા પછી બાળક જેમ બિસ્કિટ દૂર મૂકી દે એમ મૂકી દેવાનું હોય. કોઈ પુસ્તકનો એક-બે કલાક સત્સંગ કરીને જાણી લેવાય કે આમાંથી આપણા માટે શું કામનું છે, શું નહીં. કોઈ પુસ્તકના આગળના ક્ધટેન્ટ તથા પ્રથમના ઈન્ડેક્સ પાનાંઓમાંથી જે રિફર કરવું હોય તે કરી લેવાનું હોય. ક્યારેક પુસ્તકના દરેકે દરેક પાનાં પર ઝડપી નજર ફરી જાય તો ક્યારેક પુસ્તકનો એકેએક શબ્દ ધ્યાનપૂર્વક વંચાઈ જાય. ક્યારેક એક જ પુસ્તક બે વાર વાંચવા મજબૂર થઈ જઇએ તો કોઈ કોઈ પુસ્તકો દર વર્ષે ફરી ફરી વાંચવાની મઝા પડે.

રજનીશજી પાસે 90,000 (નેવું હજાર) પુસ્તકો હતાં. એમણે પોતે કહી છે આ વાત. એમના મનગમતાં દસ પુસ્તકો વિશે એક પ્રવચન સિરીઝ પણ કરી છે. મેં એ વિશે અગાઉ આ જ કોલમમાં લંબાણથી લખ્યું છે.

રજનીશજી પુસ્તકો પઝેસ કરવાની બાબતમાં પણ શ્રીમંત હતા – માત્ર રૉલ્સ રૉયસ અને રોલેક્સ કે રોબ્સ કે કફ લિન્ક્સની બાબતમાં જ નહીં એટલું જ નહીં. રજનીશજીએ ‘લખેલાં’ પુસ્તકોની સંખ્યા પણ સૌથી પ્રોલિફિક લખનાર જગતના ટૉપ હન્ડ્રેડ લેખકોની હરોળમાં મૂકી શકાય એટલી છે. 500 કરતાં વધુ. હા, એ પુસ્તકો એમણે પોતાના હાથે નથી લખ્યાં. એમનાં પ્રવચનોની ટેપ પરથી ટ્રાન્સક્રિપ્શન પામેલાં છે. પણ તેથી શું થઈ ગયું. કેટલાય મહાન લેખકો જાતે લખવાને બદલે પોતાના મદદનીશને ડિક્ટેશન આપતા હોય છે (અમે અમારી આંગળીઓમાં પેન પકડીને જાતે લખીએ છીએ. અમે મહાન નથી). આપણે એમ માનવાનું કે રજનીશે પોતાના સ્ટડીરૂમમાં ડિક્ટેશન આપવાને બદલે ક્યારેક હજારો તો ક્યારેક સેંકડો શ્રોતાઓની હાજરીમાં માઈક પર ડિક્ટેશન આપ્યું.

રજનીશજી દરેક રીતે શ્રીમંત હતા. છતાં નિર્લેપ હતા. આ તમામ શ્રીમંતાઈ પ્રાપ્ત કરી લીધા પછી એમનામાં ન તો આછકલાઈ પ્રવેશી હતી, ન કોઈ ડર, ન અહંકાર, ન એમની જીજીવિષામાં કોઈ વધઘટ થઈ હતી. આ તમામ શ્રીમંતાઈ બાવજૂદ, કદાચ એને કારણે જ, તેઓ સાધુ હતા, ત્યાગી હતા, સંત હતા. કોઈએ પોતાની અમીરી ગરીબીને કારણે આ વાત સાથે સંમત ન થવું હોય તો છૂટ છે. એને લીધે રજનીશજીની અમીરાત ઓછી થઈ જતી નથી. રજનીશજી ભોગી હતા, ઉચ્ચ કક્ષાના ભોગી હતા. જેમણે બધું જ ઉચ્ચત્તમ સ્તરનું ભોગવ્યું. સ્વામી રામદેવે રજનીશના સંદર્ભમાં નહીં પણ ઈન જનરલ જે કહ્યું છે તે અહીં પણ લાગું પડે છે: ‘ભોગી બનવા માટે યોગી બનવું પડે.’

સારામાં સારી રીતે ભોગ ભોગવવા હશે તો સારામાં સારા યોગી બનવું પડશે. ખખડી ગયેલી કૃશ કાયાવાળો માયકાંગલો પુરુષ મેનકાને ક્યાંથી ભોગવી શકવાનો? દુનિયાની મોંઘામાં મોંઘી સુરાની લિજ્જત ક્યાંથી માણી શકવાનો?

શ્રીમંતાઈ પામ્યા બાદ તમે લાલચી મટી જાઓ છો. એક રસગુલ્લું ખાધા પછી, બીજું અને બીજું ખાધા પછી ત્રીજું ખાવાની લાલચ થવાની. પણ છઠ્ઠું, નવમું કે બારમું ખાઈ લીધા પછી! લાલચ મટી જવાની. અને જ્યારે તમને ખાતરી થઈ જાય કે તમે જ્યારે જેટલા જોઈએ એટલાં રસગુલ્લાં ખાઈ શકો છો એવી સગવડ, એટલા પૈસા, એવી તબિયત ધરાવો છો ત્યારે રસગુલ્લાં માટેની તમારી લાલચ પૂરેપૂરી ખતમ થઈ જવાની. તમને ખબર છે કે બાય રસગુલ્લાં વૉટ ડુ આય મીન!

દરેક રીતે શ્રીમંતાઈ પ્રાપ્ત કરવાનો ટાર્ગેટ રાખવાના પાયામાં ક્ધસેપ્ટ એ છે કે આ શ્રીમંતાઈ મેળવવા માટે જે કંઈ કરવું પડે તે કરવામાં આપણે આપણામાં રહેલા પોટેન્શ્યલનું છેલ્લાં છેલ્લું ટીપું નીચોવીને જીવીએ. કુદરતે આપણને આપેલી શક્તિઓને પૂરેપૂરી વાપરીએ. એને રાખી મૂકીને, એને વપરાયા વિનાની રહેવા દઈને એનો બગાડ ના કરીએ.

આજનો વિચાર

મુખ્તસર સા ગુરુર ભી ઝરૂરી હૈ

જીને કે લિયે

ઝયાદા ઝુક કે મિલો

તો દુનિયા પીઠ કો

પાયદાન બના લેતી હૈ

– વૉટ્સએપ પર વાંચેલું

એક મિનિટ!

બકાનું બોધિજ્ઞાન: નાનાં નાનાં બાળકો સાન્તા ક્લોઝમાં માને છે એવું વિચારીને હસવાનું નહીં. પુખ્ત વયના કેટલાય લોકો રાહુલ ગાંધીમાં માને છે.

5 COMMENTS

  1. વાહ બોસ અફલાતુન આર્ટીકલ અને રસગુલલા ની વાત તો લાજવાબ.

  2. રજનીશજી ની રસગુલ્લા થિયરી સમાધાની સમાજવ્યવસ્થા માટે જોખમી નથી?
    ભોગ પ્રત્યે અત્યંત ભોગો ભોગવી ને તૃપ્તિ એ જોખમી જણાય છે.
    ઋષિ ઓ એ ચીંધેલો ઇશોપનીષદ નો પ્રથમ શ્લોક
    “તેન ત્યકતેન ભૂંજીથા: ” કદાચ સામાન્ય જનો માટે ,સમાધાની સમાજ વ્યવસ્થા માટે વધુ સારી વાત છે. રસગુલ્લા એટ એ ટાઇમ 8 કે 9 મેં વખતે હવે બસ એમ થાય પણ અઠવાડિયા પછી તો હતા ત્યાંના ત્યાં! એતો 80 – 90 વરસ સુધી ચાલુજ રેવાનું!

    • साहबजी,
      ” तेन त्यक्तेन भूंजीथा ”
      इसका मतलब ठीक से समझने की क्रूपा करें ।

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here