લોકોને ઈમ્પ્રેસ કરવામાં જિંદગી વેડફાઈ રહી છે?

સન્ડે મૉર્નિંગસૌરભ શાહ

( મુંબઇ સમાચાર : રવિવાર, 23 ડિસેમ્બર 2018)

‘જબ તક તુમ દૂસરોં કો પ્રભાવિત કરના ચાહતે હો… સમઝો અહંકાર મેં હો’ રજનીશજીએ કહ્યું છે.

અહંકાર કે અહમ્ કે ઘમંડ વગેરેવાળી વાત તમને ગળે ન ઊતરતી હોય તો છોડી દઈએ. માત્ર એટલું સમજીએ કે જ્યાં સુધી આપણે બીજાઓને ઈમ્પ્રેસ કરવા માટે તરફડિયાં મારીએ છીએ ત્યાં સુધી આપણે આપણી જિંદગી આપણી રીતે જીવવાને બદલે બીજાઓની મરજી પ્રમાણે જીવીએ છીએ.

તમે કંઈક કરો અને બીજાઓ પ્રભાવિત થાય એમાં અને બીજાઓ પ્રભાવિત થાય એ આશયથી તમે કંઈક કરો – આ બે વાતમાં જમીન -આસમાનનું અંતર છે.

બહુ સાહજિક રીતે તમારાથી કોઈ સત્કાર્ય થઈ ગયું રેલવે સ્ટેશને પ્લેટફોર્મ પર કોઈ માણસ ટ્રેનની અડફેટે આવી જતો હતો અને તમે સમયસૂચકતા વાપરીને તમારા જાનના જોખમે એ માણસને બચાવી લો છો. આખીય ઘટના સીસીટીવી પર કંડારાઈ ગઈ અને પછી એનું ફૂટેજ વાઈરલ થયું એમાંથી લીધેલી તસવીરો છાપામાં છપાઈ. તમારી વાહ વાહ થઈ. લોકો તમારાં વખાણ કરવા લાગ્યાં. કશું ખોટું નથી એમાં રાધર, સારું જ છે. આવી પબ્લિસિટી તમને મળવી જ જોઈએ જેથી બીજાઓ તમારા દાખલાને અનુસરે.

પણ કોઈક પોતાની સાથે ફોટોગ્રાફરોને લઈને, ટીવી ચેનલવાળાઓને લઈને, પોતાના વીડિયો કેમેરાવાળાઓને લઈને પરોઢિયે ફૂટપાથ પરના ગરીબોને ધાબળા ઓઢાડવા નીકળે ત્યારે એને જે પબ્લિસિટી મળે છે તે ખોટી છે. આવું કરવાનો આશય બીજાઓને ‘પ્રેરણા’ આપવાનો હોય તો પણ એ ખોટું છે, કારણ કે અલ્ટિમેટલી તો એ આવું પોતાના અહંકારને પોષવા માટે કરે છે, બીજાઓને પ્રભાવિત કરીને એમની પાસે પોતાના માટે તાળીઓ વગડાવવા માટે કરે છે.

મોટા ભાગના લોકોની જિંદગી બીજાઓને પ્રભાવિત કરવામાં વીતી જતી હોય છે. એમનું ઘર પોતાની મરજી કે પોતાની જરૂરિયાત કે પોતાના ગમાઅણગમાથી નહીં પણ બીજાઓને પ્રભાવિત કરવા માટે સજાવાતું હોય છે. એમનાં પરિવારનાં લગ્નો પોતાની હોંશથી નહીં પણ બીજાઓને પ્રભાવિત કરવા માટે ઊજવાતાં હોય છે. પરદેશમાં હરવુંફરવું કે ખાડાટેકરાવાળા રસ્તાઓ પર કમ્ફર્ટેબલી જર્ની કરી શકાય તે માટે મોંઘી ગાડીઓ વસાવવી કે ફિટ અને કપડું સારું હોય એટલા માટે મોંઘી બ્રાન્ડનાં કપડાં પહેરવામાં કંઈ ખોટું નથી. કમાતા હોઈએ તો ખર્ચવું જ જોઈએ. પોતાની કમ્ફર્ટ માટે કે લક્ઝરીઓ ભોગવવાના સંતોષ માટે જે કંઈ કરીએ તે સારું છે, પણ બીજાઓને ઈમ્પ્રેસ કરવા માટે જે મોંઘી બ્રાન્ડનાં કપડાં તમારા ઈન્ડિયન બૉડીને પ્રોપ્રલી ફિટ પણ નથી થતા (દાખલા તરીકે મગરવાળી લાકોસ્ટે બ્રાન્ડ) તે પહેરીને ડાગળા જેવા દેખાવું તે ખોટું છે. ઈન્ટિરિયર ડેકોરેટરે આપણને પટ્ટી પઢાવી એટલે અમુક પ્રકારના બાથરૂમ બનાવવા પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરી નાખવો કે પછી પોતાના કામકાજનું સ્થળ કે પોતાની ફેક્ટરી કાંદિવલીમાં હોય અને ઘર બાજુના બોરીવલીમાં જ હોય તે છોડીને વાલકેશ્ર્વર કે નેપિયન સી રોડ રહેવા જતા રહેવું છે એવો વિચાર આવે તો માનવાનું કે બીજાઓને પ્રભાવિત કરવા માટે, સોશિયલ સ્ટેટસ મેળવવા માટે, આ વિચાર આવી રહ્યો છે.

લોકો વાતવાતમાં બીજાને પ્રભાવિત કરવા નેમ ડ્રોપિંગ કરતા રહે છે (‘ઈશાના લગ્નમાં પ્રિયંકાના રિસેપ્શન કરતાં વધારે સગવડ હતી’). પોતે કેટલા નાના છે એવું છતું થઈ જાય છે આવા નેમ ડ્રોપિંગથી. તમે જો ખરેખર મોટા હો તો ઈશા અને પ્રિયંકા એકબીજાને ફોન કરીને કહેશે: મારા લગ્નમાં તો હિલેરી ક્લિન્ટન આવી હતી, તારા લગ્નમાં આવી હતી?

મોટા લોકો તમારા નામનો ઉલ્લેખ કરે તો તમે મોટા કહેવાઓ, તમારી વાતોમાં મોટાં નામોનો ઉલ્લેખ આવે તો ઔર નાના બની જતા હો છો.

ત્રેવડ ન હોય તોય લોકોને પ્રભાવિત કરવામાં આપણે આપણી બચત સુધ્ધાં વાપરી કાઢતા હોઈએ છીએ. ઈચ્છા ન હોય તો પણ બીજાઓને પ્રભાવિત કરવા, એમની આંખોમાં રિસ્પેક્ટેબલ લેખાવા, એવી લાઈફસ્ટાઈલ રાખીએ છીએ, એવી વર્તણૂકો કરીએ છીએ, એવા વ્યવહારોમાં ઘસડાઈએ છીએ જે આપણી ઔકાત બહારના છે. પછી ભગવાનને ફરિયાદ કરીએ છીએ કે હું તો બાર સાંધું ત્યાં તેર તૂટે છે.

પોતાની જાતમાં વિશ્ર્વાસ નથી હોતો ત્યારે બીજાઓ પાસેથી સર્ટિફિકેટો ઉઘરાવવાનું મન થાય છે. લઘુતાગ્રંથિથી પીડાતા હોઈએ, ઈન્ફિરિયોરિટી કૉમ્પ્લેક્સથી પીડાતા હોઈએ ત્યારે એને છુપાવવા માટે આપણે સુપિરિયોરિટી કૉમ્પ્લેક્સથી છલકાતું વર્તન કરીએ છીએ, બધે પોતાનું પ્રભુત્વ છવાઈ જાય એ રીતે બ્રેવાડો કરતું વર્તન કરીએ છીએ. લોકો પોતાના વિવેકને કારણે કોઈક અભદ્ર વર્તન ચલાવી લે એનો મતલબ એ નથી થતો કે આવા વર્તનને સ્વીકૃતિ મળી ગઈ. હકીકત તો એ હોય છે કે તેઓ સમજતા નથી કે એમનામાં ઈન્ફિરિયોરિટી કૉમ્પ્લેક્સ નથી, તેઓ પોતે જ ઈન્ફિરિયર છે, હલકા છે, છીછરા છે.

હલકા અને છીછરા લોકોને બીજાઓને પ્રભાવિત કરવાનું બહુ ગમે. હું જો કોઈ બાબતે ઈન્ફિરિયર હોઉં તો મારે શું કરવું જેથી લોકો પ્રભાવિત થાય? જે બાબતે મને લાગતું હોય કે હું ઈન્ફિરિયર છું એ બાબતમાં હું મારું ધોરણ સુધારું. મને ગાતાં ન આવડતું હોય ને લોકો મારી ગાયકીથી પ્રભાવિત થાય એવી ઈચ્છા હું રાખતો હોઉં તો મારે ગાતાં શીખવું પડે. જે બાબતમાં હું કાચો હોઉં તે બાબતમાં મારે મારી કચાશ છોડીને નક્કર બનવું પડે. મારી વર્તણૂક લોકોને ન ગમતી હોય તો મારે મારું વર્તન સુધારવું પડે. હું કચરપટ્ટી લખાણો લખતો હોઉં તો મારે લખાણમાં સત્ત્વ ઉમેરીને સારા લેખક બનવું પડે. ત્યારે લોકો પ્રભાવિત થશે મારાથી. પણ હું જેવો છું તેવો જ નબળો ગાયક કે અસંસ્કારી વર્તન કરનારો કે સી ગ્રેડ લેખક રહું અને બ્રાન્ડેડ કપડાં વગેરેથી બીજાઓને પ્રભાવિત કરવાની કોશિશ કરીશ તો એનાથી નુકસાન મારું જ થવાનું છે. લોકો તો મારી અસલિયત જાણતા જ હોય છે. લોકો વધારે સ્માર્ટ હોય છે. તેઓ તમારી પાસેનાં સ્ટેટસ સિમ્બોલ્સથી ઘડીભર પ્રભાવિત થવાનું દેખાડશે પણ બીજી જ સેક્ધડે તમારા પ્રભાવમાંથી બહાર આવી જશે. લોકોને પ્રભાવિત કરવાના ચક્કરમાં હું મારી જાતને સુધારવાની તક ચૂકી જઈશ, મારી જિંદગીને સત્ત્વશીલ રીતે અપગ્રેડ કરવાની તક ચૂકી જઈશ.

રજનીશજી પાસે કુદરતના આશીર્વાદથી એવા એવા વિચારો છે જેનાથી આપણે પ્રભાવિત થઈએ છીએ. એ આપણને પ્રભાવિત કરવાના આશયથી જો કંઈ કહેતા હોત તો એ પણ આજના ચીલાચાલુ મોટિવેટરો અને ચિંતનનાં ચૂરણ તથા પ્રેરણાની પડીકી બાંધનારા વિચારકો-ચિંતકોની જેમ જ મીડિયોક્રિટીમાં મહાલતા થઈ ગયા હોત. સદીના ઉત્તમોત્તમ વિચાર – પુરુષ તળે ઓશોને આપણે સ્વીકારીએ છીએ એનું કારણ એ કે એમને કંઈ પડી નથી કે તમે એમનાથી, એમના વિચારોથી, એમની વાણીથી કે એમના જીવનથી પ્રભાવિત થાઓ કે નહીં.

બીજાઓને ઈમ્પ્રેસ કરવાની ચિંતામાં આપણે આપણી જાતને સત્ત્વશીલ બનાવવાનું ચૂકી જતા હોઈએ છીએ.

કાગળ પરના દીવા

ફરિયાદ નહીં કરવાની. જાતને સુધારવાની, જેટલી સુધારાય એટલી. બધી ફરિયાદો આપોઆપ ઓગળી જશે.

– અજ્ઞાત

સન્ડે હ્યુમર

બકો ઘરમાં બેઠો હતો.

બહાર જોરજોરથી કોઈ બોલતું હતું: ‘ફક્ત રૂપિયા એક્સો એકમાં આખી જિંદગી બેસીને જમો.’

બકો તરત જ દોડીને બહાર આવ્યો.

જોયું તો ફેરિયો લાકડાના પાટલા વેચતો હતો!

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here