છેલ્લાં સો વર્ષમાં તમે કેટલાં બધાં સામાજિક પરિવર્તનો સ્વીકાર્યાં છે : સૌરભ શાહ

(તડકભડકઃ ‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ. રવિવાર, 15 જાન્યુઆરી 2023)

છેલ્લાં ૨૫, ૫૦ કે ૧૦૦ વર્ષમાં ભારતીય સમાજમાં અને ગુજરાતીઓમાં કેટલાં પરિવર્તન આવ્યાં છે તે જોઇ લઇએ. આ મને સૂઝેલા ૧૦ મુદ્દાઓ છે. તમે આ ઉપરાંતના મુદ્દાઓ પણ ઉમેરી શકો :

૧) એક જમાનામાં યુવાન સ્ત્રીઓ કહેતી કે મારા ઘરમાં તો સાસુ-સસરા બહુ સ્ટ્રિક્ટ. ઘરમાં સાડી જ પહેરવાની. એટલે પછી હું છે ને તમારા ભૈ સાથે માથેરાન-મહાબળેશ્ર્વર જઉં ને ત્યારે પંજાબી ડ્રેસ પહેરવાનો શોખ પૂરો કરી લઉં. વખત જતાં આ જ સ્ત્રીઓ કહેવા લાગી કે અમારા ઘરમાં તો પંજાબી જ અલાઉડ છે. જીન્સ પહેરવું હોય તો વેકેશનમાં આબુ-સાપુતારા જઇએ ત્યારે ચાન્સ લઇ લેવાનો. આ સ્ત્રીઓની પુત્રવધૂ આવી અને હવે પુત્રવધૂઓ કહેતી થઇ ગઇ કે અમારા ઘરમાં જીન્સ પહેરાય પણ શોર્ટસ અને બર્મ્યુડા અલાઉડ નથી એટલે અમે ફ્રેન્ડસ સર્કલ સાથે ગોવા કે કેરળ જઇએ ત્યારે…અને હવે તો આમાંની ઘણી પુત્રવધૂઓ તેમ જ જુવાન દીકરીઓ ઘરમાં સાસુ-સસરા કે પપ્પા-મમ્મી સમક્ષ નિ:સંકોચ શોર્ટ્સમાં ફરતી હોય છે. પચાસેક વર્ષમાં જ આપણે સાડીને બદલે પંજાબી ડ્રેસને અને પંજાબી ડ્રેસને બદલે જીન્સને જીન્સને બદલે શોર્ટ્સને સ્વીકારતાં થઇ ગયાં છીએ. છોકરીના કે સ્ત્રીનાં અર્ધ પારદર્શક વસ્ત્રોમાંથી ભૂલેચૂકેય બ્રાની પટ્ટી દેખાઇ જાય તો તે અભદ્રતાની નિશાની ગણાતી. હવે તો બ્રાની પટ્ટી જ નહીં પેન્ટીની લાઇનિંગ દેખાય તો પણ સંકોચ થતો નથી કારણ કે આ ફેશન છે, સર્વસ્વીકૃત છે. તમે જો આ બાબતમાં કોઇને ટોકવા જાઓ તો રાઇટલી સો, જૂનવાણી ગણાશો.

૨) જસ્ટ થીન્ક ઑફ ઇટ, આજથી થોડાક જ દાયકા પહેલાં તમારા પરદાદા કે એમના પિતા-દાદા પરણતા ત્યારે એમને લગ્ન પહેલાં એમની થનાર પત્નીનું મોઢું પણ જોવા મળતું નહીં. પ્રેમલગ્ન જેવી કોઇ કન્સેપ્ટ જ નહોતી. ફોટા દેખાડવાનું તો પછીથી આવ્યું. રૂબરૂ એકબીજાને દેખાડવાની પ્રથા એ પછી શરૂ થઇ. બેઉ જણ એકાંતમાં પણ ઘરમાં જ એકબીજાં સાથે પાંચ-પંદર મિનિટ વાત કરી શકે એવી છૂટ તો ઘણી મોડેથી મળતી થઇ. મા બાપ જ્યાં નક્કી કરે ત્યાં જ પરણી જવાનું. એ પછી છોકરો છોકરીને રિજેક્ટ કરે તો એ સ્વીકાર્ય બન્યું. ને પછી છોકરીનેય એવો હક્ક મળતો થયો પણ જે કરવું તે મા બાપ-કુટુંબ-વડીલોની સંમતિથી. અને એમાંથી પ્રેમલગ્નો થવા માંડ્યાં. મા બાપની નામંજૂરી હોય કે એમનો કચવાટ હોય તો પણ આપણે પરણી જવા માંડ્યા. અને હવે તો માબાપની ઉશ્કેરણીથી પ્રેમલગ્નો થઇ રહ્યાં છે!

આપણી કુંઠિત માનસિકતા કેટલી બધી ખૂલી ગઇ – સો જ વર્ષમાં.

૩) મારા પિતા કહેતા કે અર્લી ફોર્ટીઝમાં એ સ્કૂલમાં હતા ત્યારે ગામને છેવાડે ચાની દુકાન પાસે ઊભા રહીને દોસ્તારો સાથે અડધી-અડધી રકાબી ચાની ચુસ્કી મારતા ત્યારે આજુબાજુ સતત નજર રાખવી પડતી. કોઇ ઓળખીતું ગામવાળું જોઇ જાય તો ઘરે જઇને ફરિયાદ કરે : તમારા દીકરાને મેં ચા પીતાં પકડી પાડ્યો’!

અને આજે? ઘરે કોઇ આવે ને તમે એમને એમ જવા દો તો તમારી ફરિયાદ થાય : ‘મને ચાનોય ભાવ ન પૂછ્યો!’

૪)મારી ટીનએજ પહેલાં મારા નાના (મમ્મીના પિતા) વડોદરાથી અમારા ઘરે આવતા તો પાણી પીએ પણ જમે નહીં. મુંબઇ અઠવાડિયું રોકાવાનું હોય તો એમના કઝીન્સ અને મિત્રોને ત્યાં જમે અને રહે. દીકરીના ઘરનું જમવાનું નહીં. એક દિવસ મારા પપ્પાએ ખૂબ ઇમોશનલ થઇને, સસરાને થોડા પ્રેમથી ધમકાવીને બે વાત કરી ત્યારથી મારા નાના મુંબઇ આવે ત્યારે અમારે ત્યાં જ રહેતા અને મને મઝા પડતી. આજના સસરાઓ તો દીકરી-જમાઇને ત્યાં જઇને પાણી તો શું દારૂ પણ પીતા હોય છે. જે સારું જ છે. સાથે ખાવા પીવાથી પરસ્પરનું બોન્ડિંગ વધતું હોય છે.

૫) સંયુક્ત કુટુંબમાં, હજુ ગઇકાલની જ વાત છે, પતિ પત્ની નવાં પરણેલાં હોય તો પણ દિવસ દરમ્યાન એકબીજાં સામે એકાંતમાં ટાઇમ સ્પેન્ડ કરી શકતાં નહીં. બેડરૂમનો દરવાજો ખુલ્લો રાખવો પડતો. માબાપથી અલગ રહેવા જવું હોય તો ‘ઘરમાં ભાગલા પડી ગયા’ એવું સમાજ કહેતો. આજે પિતા હોંશે હોંશે દીકરાના લગ્ન પર એને નવા ફ્લેટની ચાવી આપતા હોય છે.

૬) એક જમાનામાં દારૂ પીવો અસભ્ય ગણાતું. કોઇને સોશ્યલી પીવો હોય તો પણ તે છુપાવાની વાત ગણાતી. આજે ગુજરાતની બહાર રહેતાં પરિવારોના આમંત્રણોમાં દર ત્રીજી કંકોત્રીમાં કોકટેલનું કાર્ડ નાખેલું હોય છે. છોકરી કે સ્ત્રીના હાથમાં જો શરાબનો ગ્લાસ હોય તો તેનું ‘ચારિત્ર્ય શિથિલ’ હશે એમ માની લેવામાં આવતું. તે ત્યાં સુધી કે અગાઉથી હિન્દી ફિલ્મોની હીરોઇનો કોકાકોલાની બોટલમાં આલ્કોહોલ નખાવીને સ્ટ્રોથી પીતી જેથી પ્રેસ ફોટોગ્રાફરો ફોટા પાડીને છાપે તો પોતાની ‘ઇમેજ’ને વાંધો ન આવે. આજે ઘરના લગ્ન સમારંભમાં પણ રિસ્પેક્ટેબલ સન્નારીઓ નિ:સંકોચ પીએ છે અને નિ:સંકોચ પીનારી સન્નારીઓ રિસ્પેક્ટેબલ જ ગણાય છે. કોઇને શરાબ સેવન માટે વાંધો કે અણગમો હોય તો એમના પોતાના પૂરતી એ વાત વાજબી છે. પણ પોતાનો વિચાર બીજાઓ પર તમે ઠોકી બેસાડી શકો નહીં અને ખાસ કરીને શરાબ પીનારાઓના ‘ચારિત્ર્ય’ માટેના અભિપ્રાયો ને તો નહીં જ.

૭) એક જમાનામાં સગા પતિની સાઇકલ પર પત્ની ડબલ સવારી કરી શકતી નહીં. આજે સ્ત્રી બાઇક પર પોતાના પતિની પાછળ જ નહીં, કોઇ પણ પુરુષની પાછળ બેઠી હોય તોય કોઇને નાકનું ટોચકું ચડાવવાનો હક્ક નથી મળતો.

૮) પુરુષો માથા પર ટોપી, સાફો કે ફાળિયું, પાઘડી પહેર્યા વિના બહાર નીકળી શકતા નહીં. બાળકોને સ્કૂલમાં પણ ટોપી પહેરાવીને મોકલવામાં આવતા. ઉઘાડું માથું અશુભની નિશાની ગણાતું. માત્ર સ્મશાન યાત્રામાં જોડાવાનું હોય કે ઉઠમણામાં જવાનું હોય તો જ માથું ઉઘાડું હોય. (આજે તો લોકો હેલ્મેટ કમ્પલસરી હોવા છતાંય નથી પહેરતા.)

૯) હજુ થોડાક જ દાયકા પહેલાં સેક્સોલોજિસ્ટ કે સાઇકીએટ્રિસ્ટને કન્સલ્ટ કરવા જવામાં લોકો સંકોચ અનુભવતા. જવું જ પડે એમ હોય તો ભારે સંકોચ સાથે, બીજા કોઇનેય જાણ ન થાય એવી ખાનગી મુલાકાત લઇને કન્સલ્ટન્સી માટે જતા. આજે તમે પબ્લિકમાં છાતી ફૂલાવીને કહી શકો છો કે ફલાણા સેક્સોલોજિસ્ટ તો મને બહુ સારી રીતે ઓળખે અને હું અને પેલા જાણીતા સાઇકિઆટ્રિસ્ટ તો નાનપણના મિત્રો છીએ!

૧૦) દોઢસો વર્ષ પહેલાં કવિ નર્મદે એક નિબંધ લખ્યો હતો : ‘મંડળી મળવાથી થતા લાભ’. એ વખતે ચા-બિસ્કીટ સાથે બૌધ્ધિક ગોષ્ઠી કરવાની કન્સેપ્ટ વિલાયતી ગણાતી હશે એવું નર્મદને વાંચવાથી તમને લાગે. નર્મદે એ નિબંધ દ્વારા ગુજરાતીઓેને સમજાવવાની કોશિશ કરી હતી કે હિન્દુસ્તાનમાં પણ એ ‘રિવાજ’ દાખલ કરવો જોઇએ. નર્મદે લખ્યું હતું કે આવી મંડળીઓને ‘ઇંગ્રેજીમાં કલબ કહે છે.’ આજે કિટી પાર્ટીઓથી માંડીને જ્ઞાતિ-સમાજનાં મંડળો અને વિવિધ સ્પોર્ટ્સ કલબો-જિમખાના મોટાં મહાનગરોમાં જ નહીં નાનાંનાનાં શહેરોમાં પણ પ્રસરી ગયાં છે.

અંગત જીવનમાં કે સમાજમાં આવતાં ઉપર જણાવેલાં ૧૦ કે એથીય ઘણા બધાં પરિવર્તનો સ્વીકારી લેવાથી તમે કંઇ તમારી સંસ્કૃતિથી વિમુખ નથી થઇ જતા. ભારતીય સંસ્કૃતિની વિશાળ ગંગાને કોઇ નાનકડી નીક ગણતું હોય તો એણે આપણી પ્રાચીન સભ્યતાનો જરાક વિશેષ અભ્યાસ કરવાની જરૂર છે અને એ અભ્યાસ કરાવવાનો અહીં મારો કોઇ આશય નથી કારણ કે અહીં મારો વિષય જુદો છે. પરંપરા, સંસ્કૃતિ, સંસ્કાર કે સભ્યતાના નામે જેઓને પોતાના કોચલામાંથી બહાર ન આવવું હોય એ દેડકાઓને પોતાનો કૂવો મુબારક. આપણી સંસ્કૃતિની ભવ્યતા શાનદાર છે અને આપણી સભ્યતા વિશ્ર્વભરમાં ઉન્નત મસ્તકે ટકી રહી છે એનું કારણ એ જ છે કે આપણે એક પ્રજા તરીકે સતત નવા નવા પ્રવાહોને સ્વીકારતા રહ્યા છીએ. અને જ્યારે આપણે આધુનિક પ્રવાહોને ખાળવાની કોશિશ કરી છે ત્યારે આપણે ઊંધા માથે પછડાટ ખાધી છે. સદ્નસીબે એ પછડાટોમાંથી શીખી લઇને સમયસર ઊભા થઇ જતાં આપણને આવડ્યું છે.

એક વાત લખી રાખજો. સમાજ ક્યારેય બદલાતો નથી, બદલાય છે વ્યક્તિઓ. અને વ્યક્તિઓ દ્વારા આવેલાં પરિવર્તનોને સમાજે પરાણે સ્વીકારવાં પડતાં હોય છે – જ્ઞાતિમંડળની બેઠકો બોલાવીને નવા નિયમોને મંજૂરી આપીને – જેથી સમાજ પોતે પછાત ન ગણાય.

પાન બનારસવાલા

પ્રેમની નહીં મૈત્રીની કમીને કારણે લગ્નમાં વિખવાદો સર્જાતાં હોય છે.

-ફ્રેડરિક નિત્શે

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

15 COMMENTS

  1. સૌરભભાઇ …
    આટલી સારી રીતે અમારા મનના વિચારો તમારા જેવા સિધ્ધહસ્ત લેખક જ લખી શકે. મને તો તમારા લેખો વાંચતો હોઉં ત્યારે એવું લાગે છે કે જાણે મારા મનમાં ચાલતા વિચારોને કાગળ ઉપર કોઈ એ ઉતારી દીધા. અનેક સવાલો ના જવાબો જાણે આપના લેખોમાં મળી જતા હોય તેવું લાગે છે.

  2. પરિવર્તન આવકાર્ય છે, પરંતુ આ આર્ટિકલ થી નવી જનરેશન ને દોડવુ હતું અને ઢાળ મળ્યો જેવુ લાગશે.
    શરમ, સંકોચ, સભ્યતા આ બધા વચ્ચે ની ભેદરેખા ભૂસવા લાગી છે, અને તેના પરિણામો ભોગવવી રહયા છીએ.
    વૃદ્ધાશ્રમ માં વધી રહેલી ભીડ,આનુજ પરીણામ છે.

  3. Now a days
    Intercaste / interstate / interReligion marriages have increased . More divorces too.
    Live-in / contractual / partnerships are accepted with heavy hearts.
    Drinking over certain limit is illegal for drivers. The problem is drug addiction especially among youngsters. Life has become more competitive and more stressful . A society consuming addictive substances is definitely not adorable.
    Terrorism is a new devil.
    Gujarati language is modified at a fast rate.
    Life expectancy increased. More senior citizens.

  4. સૌરભભાઇ,
    તમારા વિચારો નો વ્યાપ ઘણો છે સાથે શબ્દો માં ઊંડાણ ઘણું છે. દરેક મુદ્દા વાંચતી વખતે માથું હકારમાં હલતું હતું અને હોઠ પર મલકાટ હતો.
    મજા પડી ગઈ.

  5. અતિ સર્વત્રે વજર્યમ
    Everything in excess is poison
    કોઈ પણ વસ્તુ લિમિટ માં સારી. ક્યાં અટકવું એની ખબર હોવી જોઈએ.

  6. કૉમેન્ટ ની પ્રથમ પ્રયાસ અસ્વીકાર્ય રહ્યો.
    ?……..
    સ્વીકૃત થવા માટે માર્ગદર્શન આપશો?

  7. થોડુંક વધી ના ગયું કેવાય ?
    પરિવર્તન આવકાર્ય પણ સ્વતંત્રતા અને સ્વચ્છંદતા વચ્ચે પાતળી ભેદ રેખા છે એ પણ સમજવું જરૂરી

  8. Geetaji ma lord Krishna e kahelu chhe ke parivartan e sansar no niyam chhe. Maru manvu chhe ke parivartan e sakaratmak positive hovu joie. N ke nakaratmak negetive. Ne positive parivartan thi samaj ne manav no vikas thavo joie.

  9. સ્વચ્છંદ અને સ્વતંત્ર એક જ છે?
    મનુષ્યદેહ પણ અન્ય જીવ ને પ્રાપ્ત થયેલ દેહ માં નો જ એક દેહ છે.
    અન્ય જીવો સ્વતંત્ર છે. પ્રાકૃતિક જરૂરિયાત ને ક્ષમતા મુજબ અનુસરે છે.
    મનુષ્ય જરૂરિયાત થી વિશેષ વ્યકિતગત છંદ ને પોષવા અન્ય ની ક્ષમતા પર નિર્ભર હોવાથી યુક્તિ પ્રયુક્તિ શારીરિક માનસિક આક્રમણ થકી પ્રયાસ કરે છે.
    પાછલા ૧૦૦ વર્ષ માં થયેલ બદલાવ અને તે પહેલાં ના વર્ષો ના સામાજિક વ્યવહાર ની સરખામણી માં સમૃદ્ધિ શાંતિ શે માં છે?

  10. ફક્ત સામાજીક નહીં, આર્થિક અને શૈક્ષણિક ધોરણો માં ખૂબ ફરક આવ્યો છે, છોકરીઓને ભણાવતા જ નહોતા, મૂરતિયા ની income nahi ઘર , ખાનદાની જોવાતી,ખાવા પીવાની રીતો ના બદલાવ પર તો આખો article લખી શકાય

  11. આ પરિવર્તન અધોગતિ તરફ નું છે. આપણી અસ્મિતા, સંસ્કૃતિ બધું જ પૂરું થઇ ગયું છે. એમાં હરખવાની જરૂર નથી. અફસોસ ની ગરજ છે.

    • શ્રી કપીલભાઈ, અધોગતિ નજર તો આવી નહી કયાંય, અને એવી અસ્મિતા, સંસ્કૃતિ શા કામની જે બદલાતા સમય સામે ટકી ન શકે. હરખ- અફસોસ કરવા કરતા આત્મનિરીક્ષણ જરૂરી છે. અફઘાનિસ્તાન ના હાલ નજર સામે છે જ, તાલિબાને સત્યાનાશ કરી નાખ્યુ છે ત્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here