જિંદગીમાં જે કરવું છે તે કરવાનો સમય કેમ નથી મળતો

લાઉડમાઉથ : સૌરભ શાહ

(‘સંદેશ’ ,’અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, બુધવાર, ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૯)

ત્રણ કારણો છે આપણે જે કરવું છે તેના માટે આપણી પાસે સમય નથી એનાં.

સૌથી પહેલું કારણ એ કે જિંદગીમાં જે કરવું છે તે કરવાને બદલે આપણે એનાં સપનાં જોતાં રહીએ છીએ. ભવિષ્યમાં હું શું કરીશ એનું પ્લાનિંગ કરવામાં, દીવા સ્વપ્નો જોયા કરવામાં આપણો સમય વાપરીએ છીએ. કલ્પનામાં દેખાતી હર એક ચીજ વાસ્તવિકતા કરતાં કાં તો વધુ રૂપાળી કાં વધુ બિહામણી લાગતી હોય છે. આપણે જે કરવા માગીએ છીએ એ કામની પ્રક્રિયા, એનું પરિણામ રૂપાળું લાગતું હોય ત્યારે આપણે એ કલ્પનાને પંપાળતા રહીએ છીએ. અને જો એ બિહામણું લાગતું હોય તો કામ શરૂ કરવાનું ટાળીએ છીએ. બેઉ કિસ્સાઓમાં પરિણામ તો એકસરખું જ આવવાનું. નિષ્ક્રિયતા. જે કામ કરવા ધાર્યું છે તે કરવાનું શરૂ કરી દઈએ એ જ એકમાત્ર ઈલાજ છે આવી પરિસ્થિતિમાંથી બહાર આવવાનો.

જિંદગીમાં આપણો સમય વપરાઈ જાય છે સગાં – મિત્રો – ઓળખીતાઓ પાછળ. માણસે સોશ્યલ રહેવું પડે, ઉઠમણાં – બેસણાં – લગ્ન – રિસેપ્શનમાં જવું જ પડે એવું આપણે ધારી લીધું છે. પણ ક્યાં જવું અને ક્યાં નહીં એ આપણે નક્કી કરી શકતા નથી. સામાજિક બન્યા વિના પણ માણસો મોટા બની શકતા હોય છે અને ખૂબ બધા સંપૂર્ણ સંબંધો સાચવ્યા પછી પણ માણસ હતો ત્યાંનો ત્યાં રહી જાય છે. તમારું કામ તમને મોટા બનાવશે. નેટવર્કિંગ નહીં. તમારી આસપાસના ઉત્તમમાં ઉત્તમ સંબંધો કોઈ કામમાં નહીં આવે જો તમારું કામ બોલતું નહીં હોય તો. અને સાચું પૂછો તો અણીને ટાંકણે ક્યા સંબંધો તમને છેહ દેશે એ પ્રેડિક્‌ટ કરવું મુશ્કેલ છે. આખરે તો, દરેક નાનીમોટી લડાઈ અને દરેક મહાન યુધ્ધો તમારે એકલા એ જ લડવાનાં હોય છે, તમારે એકલા એ જ એની હાર સહન કરવાની હોય છે, તમારે એકલાએ જ જીતનાં પરિણામ માણવાનાં હોય છે – ના, જીતનાં પરિણામ માણવા માટે એ સૌ સંબંધો માખીઓની જેમ ફરી તમારી આસપાસ બણબણતાં થઈ જશે. મનુષ્યનો સ્વભાવ છે. કુદરતે પોતે જ સર્જ્યા છે આવા મનુષ્યો. અને કુદરત સાથે ક્યારેય ઝગડો કરવાનો નહીં, કુદરત સામે ક્યારેય બાથ ભીડવાની નહીં, કુદરત જે ધારે છે તે કરવા દેવાનું – એને શરણે થઈ જવાનું કારણ કે ‘એ’ જે કરે છે તે આપણા ભલા માટે જ કરે છે. લાંબા ગાળે આ વાત સમજાતી હોય છે, પુરવાર પણ થતી હોય છે. લોકો માટે સમય વેડફવાનો નહીં.

તમારી પાસે જે કંઈ આયુષ્ય ભગવાને આપ્યું છે તેનાં એક એક મિનિટ, એક એક કલાક, એક એક દિવસ અને એક એક મહિનો તથા એક એક વરસ તમારે તમારા કામ માટે વાપરવાનું છે. નથી વાપરતા ત્યારે કુદરતનો દ્રોહ કરીએ છીએ. આ દરેક ક્ષણ એણે મિત્રો સાથે બેસીને ટોળટપ્પાં કરવા માટે નથી આપી. તમને જે આયુષ્ય મળ્યું છે તેનો એક ચોક્કસ પર્પઝ છે, હેતુ છે. આયુષ્યની ક્ષણોનો વેડફાટ કરવા માટેની લાલચો તો આવવાની છે જિંદગીમાં. ડગલે ને પગલે આવવાની. ટીવી પરની જાહેરખબરો તમે જુઓ. જેના વગર તમે અત્યાર સુધી લહેરથી જીવતા હતા તે ચીજો તમારા માટે કેટલી અનિવાર્ય છે એવું જણાવતી ૯૦ ટકા જાહેરાતો તમારા ખીસ્સામાં હાથ નાખીને તમારી પરસેવાની કમાણી પડાવી લેવાની પેરવી કરનારી હોય છે. આ જ રીતે આસપાસના અને કુટુંબના, ઘરના, ઑફિસના, કામકાજ સાથે સંકળાયેલાં, એક જમાનામાં સ્કૂલ-કૉલેજમાં સાથે હતા એવા અસંખ્ય લોકો તમારા અમૂલ્ય સમય પર તરાપ મારવા આતુર હોય છે. એમની પાસે કદાચ વધારાનો સમય હશે. કદાચ એમનું કામકાજ કરવા માટે મૅનેજરો અને નોકરિયાતો રાખ્યા હશે. કદાચ એમણે એમનાં સપનાં પૂરાં કરી દીધાં હશે. કદાચ એમણે પોતાની હેસિયત જાણી લીધી હશે. કદાચ એ આ દુનિયા માટે આમેય સાવ નક્કામા હશે. તમે આમાંની કોઈ કૅટેગરીમાં આવતા નથી. તમારી પાસે હજુ આગળ ને આગળ વધવાની તમન્ના છે, તાકાત પણ છે, તક પણ છે. તમે એમની વાદે ચડીને તમારો સમય એમની સાથે વિતાવ્યા કરશો, વેડફ્યા કરશો તો એમને કોઈ ફરક પડવાનો નથી પણ તમને નુકસાન જવાનું છે. એમની સાથેનો સંપર્ક તોડી નાખવાનું કોઈ નથી કહેતું પણ તમારા સમય નો આદર કરવાની વાત છે. આપણે જો આપણા સમયની કદર નહીં કરીએ તો બીજા લોકો આપણને નવરા જ સમજવાના છે અને રાઈટલી સો.

ત્રીજી વાત. આપણો સમય વેડફાઈ જાય છે ટીવી જોવામાં, છાપાં – મેગેઝિનો વાંચવામાં અને સોશ્યલ મિડિયામાં. ટીવી પર નવ્વાણું ટકા ટ્રેશ આવે છે એની સૌને ખબર છે પણ પાંચ મિનિટ ન્યુઝ જોઈને ટીવી સામેથી હટી જવાને બદલે આપણે એમની ‘આ જા ફસા જા’ જેવી એડિટોરિયલ વ્યુહરચનામાં ફસાઈ જઈએ છીએ. જે સમાચારોની આપણા જીવનમાં જરા સરખી વેલ્યુ નથી હોતી એની ગરમાગરમ ડિબેટ્‌સ જોવા પાછળ કલાકો વેડફીએ છીએ. સિરિયલો, વેબસિરીઝો, ડુંગરા-દરિયા-જંગલો આ બધું જ તમારો સમય ખાઈ જાય છે. એ લોકો તો ખાશે કારણ કે એમના ટીઆરપી વધશે, કરોડો રૂપિયાની આવકો ઉમેરાશે. પણ આપણે શા માટે બેવકૂફની જેમ સંધ્યા શરદને પરણશે કે નહીં થી માંડીને વેનિસમાં ખાવાનું ક્યાં સારું મળે છે એ જાણવા પાછળ આપણો સમય ખર્ચી કાઢવો જોઈએ.

ટ્‌વિટર, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વૉટ્‌સએપની છાશમાં કલાકો સુધી વલોણું કર્યા પછી ચમચીભર નવનીત નીકળવાનું નથી એની સૌને ખબર છે. ટિકટોક પર આવેલો નવો વીડિયો વાઈરલ ભલે થાય આપણા કેટલા ટકા એમાં? આ બધા પાછળ જે સમય ખર્ચી કાઢ્યો તે સમય પાછો લેવા બજારમાં ખરીદી કરવા જવું પડતું હોત તો ખબર પડતી હોત કે આપણે કંગાળ થઈ જઈએ, દેવાળું ફૂંકવું પડે એ હદ સુધી સમય વેડફી રહ્યા છીએ. સમય વેચાતો મળતો નથી એટલે એની કિંમત સમજાતી નથી. જીવનમાં જે કંઈ અમૂલ્ય હોય છે એને કોઈ દિવસ પ્રાઈસ ટૅગ નથી હોતો. આપણે બિચારાઓ કિંમતની કાપલીથી ઈમ્પ્રેસ થઈ જનારા લોકો છીએ.

જિંદગીમાં જે કંઈ કરવું છે તે કરવા માટે આપણી પાસે સમય જ સમય છે, ઉંમર કંઈ પણ હોય, ખૂબ બધો સમય છે એની ખાતરી ત્યારે થશે જ્યારે ઉપરના ત્રણેય રસ્તાઓ પર નો-એન્ટ્રીનું પાટિયું મારીને એ દિશાઓમાં જવાનું બંધ કરીશું.

સાયલન્સ પ્લીઝ

બધું જ મળતું હોય છે જીવનમાં. પણ એક સાથે નહીં. એક પછી એક. ધીરજ રાખવી.

_અજ્ઞાત.

6 COMMENTS

  1. સૌરભ સર, ખરેખર હ્રદયસ્પર્શી લખાણ … જીવન ની દિશા બતાવતો અર્થ સભર લેખ… ?

  2. To the best of my knowledge, its PRIORITY. One has to define the priority for self, work, family etc. And then, there is enough of time for everything.

  3. આજે ઘણા સમય પછી થોડુક જ જણાવવુ છે કે..
    હું આપના તમામ લેખ રેગ્યુલર વાંચુ છુ.પણ, આજે મને એવુ ફીલ થયુ કે જાણે … આજે આ લેખ મને અને મારા માટેજ આપે લખ્યો છે.એવુ મને લાગ્યુ છે.કારણ કે,લગભગ છેલ્લા દોઢેક વર્ષથી હું મારી કારકિર્દી માટે સતત મહેનત કરી રહ્યો છું.પણ, થોડીક હિંમત ઘટતી હતી.જે આજે આપના લેખે તે પુરી કરી આપી છે.
    આપનો હ્દયપૂર્વક આભાર સાહેબ.
    આપ મહાન છો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here