યૉડલિંગ કરનારા કિશોર કુમાર અને ક્લાસિકલ ગાનારા કિશોર કુમાર: સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ , Newspremi dot com: ગુરુવાર, ૧૯ ઑક્ટોબર ૨૦૨૩)

શંકર-જયકિશને કિશોર કુમાર પાસે કમ્પેરિટિવલી ઓછું ગવડાવ્યું. ઓછું એટલે સાવ ઓછું પણ નહીં. લગભગ ૧૦૩ ગીતો કિશોરદાએ શંકર-જયકિશન માટે ગાયાં.

શંકર-જયકિશન નો ડાઉટ મહાન સંગીતકારો હતા. હિન્દી ફિલ્મ મ્યુઝિકને સમૃદ્ધ બનાવનારા ડઝનબંધ સંગીતકારોની યાદીમાં એમનું નામ અગ્રિમ હરોળમાં આવે. પણ શંકર-જયકિશનના સુવર્ણકાળ દરમ્યાન એમણે કિશોરદાના અવાજ પર બહુ ઓછું ધ્યાન આપ્યું.

૧૯૫૬માં હીરો કિશોર કુમાર અને હીરોઇન વૈજયંતિમાલાની એક કૉમેડી ફિલ્મ આવી હતી. ‘નઇ દિલ્લી’ પ્રોડ્યુસર-ડિરેક્ટર મોહન સેગલ જેમણે અગાઉ કિશોર કુમાર સાથે ‘અધિકાર’ (૧૯૫૪) ફિલ્મ બનાવી હતી અને પછીનાં વર્ષમાં રેખા તથા નવીન નિશ્ર્ચલની નવી જોડીને લઇને ‘સાવન ભાદો’ (૧૯૭૦) તથા ધર્મેન્દ્ર-હેમા માલિનીને લઇને ‘રાજાજાની’ (૧૯૭૮) બનાવી. ‘નઇ દિલ્લી’ માં શંકર-જયકિશનનું મ્યુઝિક હતું. સુપરહિટ હતું. શૈલેન્દ્રે લખેલાં કિશોર કુમારે ગાયેલાં બે સોલો ગીત આજે પણ ક્યાંક વાગતાં હોય તો તમારા પગ તાલ આપવા માંડે : અરે ભાઇ નિકલ કે આ ઘર સે આ ઘર સે. અને બીજું? તમને બરાબર ખબર છે: નખરેવાલી દેખને મેં દેખ લો, હૈ કૈસી ભોલી ભાલી, અજનબી યે છોરિયાં દિલ પે ડાલે ડોરિયાં, મન કી કાલી…વો તો કોઇ ઔર થી જો આંખો મેં સમા ગઇ દિલ મેં…ડિડલી યેઇ…ડુડલુ ઓઉ…ડિડલી યેઇઇઇ…

શંકરજયકિશને કિશોર કુમારની યોડલિંગની ખાસિયતનો જાનદાર ઉપયોગ બીજા એક સુપરહિટ ગીતમાં કર્યો- લગભગ દોઢ દાયકા બાદ. ‘શોલે’કાર રમેશ સિપ્પીએ માત્ર ૨૪ વર્ષની ઉંમરે ડાયરેકટ કરેલી ‘અંદાઝ’(૧૯૭૧)માં શમ્મી કપૂર અને હેમા માલિની હીરો-હીરોઇન હતાં. વિધવા અને વિધુર પુનર્વિવાહની સરસ ફિલ્મ હતી. પણ ફિલ્મની સફળતાનો જશ ખાટી ગયા ગેસ્ટ અપિયરન્સ કરીને સિધાવી ગયેલા રાજેશ ખન્ના અને રાજેશ ખન્ના માટે શંકર-જયકિશને સ્વરબદ્ધ કરેલું કિશોરદાના યોડલિંગવાળું આ ગીત. શબ્દો હસરત જયપુરીના: ઝિંદગી એક સફર હૈ સુહાના, યહાં કલ ક્યા હો કિસને જાના.

જિંદગીની સફરવાળાં બે યાદગાર ગીતો છે, એ પણ કિશોર કુમારે જ ગાયાં. બેઉના સંગીતકારો તથા ગીતકારો જુદા જુદા. એક ત્રીજું ય છે. એ ત્રણેય જિંદગી-ગીતોના ત્રણ સંગીતકારો માટે કિશોરદાએ ખૂબ ગાયું અને ક્યા ખૂબ ગાયું! એમની વિગતવાર વાતો આવવાની હજુ બાકી છે.

એક આડવાત. ‘અંદાઝ’ સલીમ-જાવેદની જોડીની આ પહેલી સુપરહિટ ફિલ્મ હતી. ( એની મૂળ સ્ટોરી ‘આરાધના’ના વાર્તાકાર સચિન ભૌમિકની હતી) એ પછી તો ‘હાથી મેરે સાથી’થી લઈને ડઝન જ્યુબિલી હિટ ફિલ્મોની વણઝાર ચાલી અને સલીમ ખાન અને જાવેદ અખ્તર ફિલ્મ પટકથાકાર-સંવાદ લેખકોના આરાધ્ય દેવતાઓ બની ગયા.

કિશોર કુમારની ટીકા કરનારા સંગીતના ઉસ્તાદો કહેતા હોય છે કે એમણે તો યોડલિંગ સિવાય બીજું કર્યું છે શું? પછી પોતે રટ્ટો મારેલા બે વિદેશી ગાયકોનાં નામ કહે અને જણાવે કે આમનું સાંભળીને બેઠ્ઠી નકલ કરી. અરે ભાઇ, કિશોરદાએ પોતે જ એમના યોડલિંગની ક્રેડિટ આ બે વિખ્યાત વિદેશી ગાયકોને આપીને કહ્યું છે કે યોડલિંગ કોને કહેવાય તે હું એમની રેકોર્ડ્સ સાંભળીને શીખ્યો જે રેકોર્ડસ મને મારા ભાઇ અનુપકુમારે લાવી આપી હતી.

બીજી એક વાત. કિશોરદાની ગાયકીનો, એમની લોકપ્રિયતાનો જશ માત્ર યોડલિંગને આપનારા ઉસ્તાદોને જણાવવાનું કે તમે જરા જઇને કિશોરદાએ પંચમ માટે ગાયેલાં રાગ આધારિત ગંભીર ગીતો સાંભળી આવો. યોડલિંગ સંભળાય છે ક્યાંથી? અને યોડલિંગ કરીને લોકપ્રિયતા મેળવવી જો એટલી જ ઇઝી હોત તો એમના સમકાલીન ગાયકોએ શું કામ યોડલિંગ ન કર્યું (કિશોરદાએ તો એમની જેમ અનેક ગીતોમાં ક્લાસિકલ રાગ આધારિત કમાલો કરી જ છે, આલાપ પણ અફલાતૂન દીધા છે). અને યોડલિંગ પ્રકરણની આખરી વાત. યોડલિંગ જો નકલ હોય તો જે મહાન ગાયકોએ શાસ્ત્રીય રાગો પર હિન્દી ફિલ્મનાં ગીતો ગાયા છે તે રાગ-રાગિણીઓ શું એ ગાયકોએ શોધ્યાં હતાં? એ શું એમની મૌલિક નીપજ હતી ? વાત કરો છો…અહીં કોઇ પણ મહાન પાર્શ્ર્વગાયકને નીચા દેખાડવાનો આશય મારો હોઇ જ ના શકે પણ કિશોર કુમાર વિશે સર્ટિફિકેટો ફાડ્યા કરતા ઉસ્તાદોના જ્ઞાનમાં વૃદ્ધિ કરવાની મારી પવિત્ર ફરજ છે.

હજુ એક વાત યોડલિંગ વિશેની યાદ આવે છે. જાવેદ અખ્તરે કિશોર કુમારના યોડલિંગને યાદ કરીને ‘ધ ટ્રેન’ વાળા રવિ નાગાઇચની ‘ મેરે જીવનસાથી’ (૧૯૭૨)માં રાજેશ ખન્ના પર ફિલ્માવેલું અને આર.ડી.બર્મને સ્વરબદ્ધ કરેલું આ ગીત યાદ કરીને કહ્યું હતું કે ગીતના અંતરાઓના શબ્દોમાં ‘યે મસ્તી કે’ આવે છે ત્યારે ‘કે’ અને ‘નઝારે હૈ’માં ‘હૈ’નું યોડલિંગ જે રીતે કિશોર કુમારે કર્યું છે અને દરેક અંતરામાં એમણે આ રીતે જે કમાલો કરી છે તે પ્રકારે ગાવાની તાકાત વિશ્ર્વના (હા દુનિયાના) કોઇ પણ ગાયકની નથી. (આ જાવેદસા’બના શબ્દો છે, મારા નહીં) એમનું કહેવું એમ છે કે જેઓ યોડલિંગ કરી શકે છે તેઓ વચ્ચે વચ્ચે આ રીતે ગાઇ ન શકે અને આટલું ગાવાનું હોય ત્યારે આટલું બધું યોડલિંગ ન કરી શકે. બેમાંથી એક કામ થાય. કિશોર કુમારે આ ગીતમાં બેઉ કામ એકસાથે કર્યાં છે. તમારી પાસે કરાઓકે સિસ્ટમ હોય તો એમાં આ ગીત લગાડીને ગાઇ જુઓ, મજા આવશે. અને જો તમારું ગળું પણ મારા જેવું હોય તો બાથરૂમમાં ઘૂસીને શાવર નીચે નહાતાં નહાતાં ગાઇ લેજો, ડબલ મઝા આવશે.

શબ્દો મજરૂહ સુલતાનપુરીના છે:

ચલા જાતા હૂં કિસી કી ધૂન મેં
ધડકતે દિલ કે તરાને લિયે

મિલન કી મસ્તી ભરી આંખોં મેં
હઝારોં સપને સુહાને લિયે

યે મસ્તી કે…નઝારે હૈ…તો ઐસે મેં…
સંભલના કૈસા મેરી કસમ

જો લહરાતી…ડગરિયા હો…તો ફિર ક્યોં ના…
ચલું મેં બહકા બહકા રે

મેરે જીવન મેં યે શામ આયી હૈ
મોહબ્બતવાલે ઝમાને લિયે…

ચલા જાતા હૂં…

ફિર કલ મિલતા હૂં.

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

7 COMMENTS

  1. બહુજ સરસ વાત તમે કરી… કિશોર કુમાર ને નીચે પાડવા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બહુ ચોક્કસ પણ મોટો વર્ગ હતો.એટલે જ કિશોર દા ક્યારે ય કિશોર સાબ નહિ બની શક્યા..તમે આ આખા વર્ગ ના છોતરા કાઢી નાખ્યાં..

  2. સુંદર શૈલીમાં કિશોર દાની વાતો વાંચી ને મજા પડી આમાની ઘણી વાતો પહેલાતો વાંચી હતી પણ આપની શૈલી ગમી વાંચ્યું હતું કે જિંદગી એક સફર હૈ સુહાના જયકિસનજીનુ અંતિમ ગીત હતુ

  3. Kishorji ws one & only a greatest singer in hindi films industry, all rest were great, if all rest ws able 2 perform great bcoz they were classically trained, any bathroom singer cn sing any singer’s songs, bt can’t sign Kishorji v easily,

  4. Very nice information.
    એ જમાનો યાદ આવી ગયો.
    કોલેજ લાઈફ ના દિવસો ની મધુરી યાદ અને રાજેશ – કિશોર ની જોડી ની કમાલ…
    હવે એવા દિવસો પાછા ના આવે..
    રાજેશ – કિશોર – આનંદ બક્ષી – પંચમ…
    આ ચારની ચોકડી…
    ફિલ્મ હિટ ની ગેરંટી….

  5. કિશોર કુમાર ના જીવનની ઘણી બધી વાતો હશે, તે માટે ના પણ જુદા લેખો લખવા વિનંતી.

  6. મસ્ત! મસ્ત!! અને મસ્તતતતત. કીશોરદાએ સુપરહીટ શાસ્ત્રીય ગીતો પણ આપ્યા છે જે ખૂબ ઉપડેલા પણ
    નવાઈની વાત તો એ છે કે એમણે કોઈ પ્રકારની શાસ્ત્રીય ટ્રેનીંગ લીધી નહોતી. સેલ્યુટ ટુ કિશોરદા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here