પર્સેપ્શનની વૉરમાં કોઠાસૂઝ પર આધાર રાખવાનો હોય

ગુડ મોર્નિંગ – સૌરભ શાહ

( મુંબઇ સમાચાર : સોમવાર, 21 જાન્યુઆરી 2019)

વાતાવરણ જયારે ડહોળાયેલું હોય (એક્ચ્યુલી તો ડહોળી નાખવામાં આવ્યું હોય જેથી આપણે સ્પષ્ટ પરિસ્થિતિ જોઈ ન શકીએ) અને ચારેકોર કન્ફયુઝન જ કન્ફયુઝન હોય (એ પણ જાણી જોઈને ઊભું કરવામાં આવેલું હોય અધર વાઈઝ બધું જ સ્પષ્ટ હોય પણ આપણે નિર્ણય ન લઈ શકીએ તે માટે આપણને ગૂંચવી નાખવામાં આવ્યા હોય) અને નિર્ણય લેવો જ પડે એમ હોય, પાછો ઠેલી શકાય એમ ન હોય, ત્યારે તમે શું કરો?

જિંદગીની આવી અનેક નાનીમોટી પરિસ્થિતિઓ વખતે તમે નિર્ણયો લીધા જ છે એટલે તમને – અનુભવીને કોઈ સલાહની જરૂર જ નથી. તમે આવા સમયે તમારી કોઠાસૂઝ મુજબ નિર્ણયો લીધા છે. તમારી ગટ ફીલિંગ્સના આધારે નિર્ણયો લીધા છે. તમે તમારા અંતરાત્માના અવાજને માન આપ્યું છે.

તમને તમારા દોસ્તાર પર ભરોસો હોય તો કોઈ કંઈ પણ કહે તમે વિચલિત નહીં થાઓ. શું કામ? તમને તમારા જીવનસાથી પર ભરોસો હોય તો એના વિશે કોઈ ગમે તે કહી જાય તમારો વિશ્ર્વાસ નહીં તૂટે. શું કામ? કારણ કે તમને તમારા મિત્ર પર, તમારા સ્પાઉઝ પર શ્રદ્ધા છે. એવી શ્રદ્ધા કે એ તમારું કંઈ નહીં બગાડે. એવી શ્રદ્ધા કે ક્યારેક તમને ન સમજાય એવું પગલું પણ એ ભરશે તો એ તમારા ભલા માટે જ હશે. એવી શ્રદ્ધા કે ક્યારેક એ કોઈ ભૂલ કરશે તો એની દાનત ખરાબ નહીં હોય અને પોતાનાથી થયેલી ભૂલ બદલ એ બહાનાંબાજી નહીં કરે પણ તમારી સમક્ષ એ ભૂલની કબૂલાત કરીને એનાથી થયેલું નુકસાન મિટાવવાની નિષ્ઠાભરી કોશિશ કરશે.

તમને શું એમ લાગે છે કે હું ફરીવાર અહીં સંબંધોના મૅનેજમેન્ટ વિશે લખવા ધારું છું. ના. એ વિષય પર ખૂબ લખ્યું અને હજુય ઘણું લખવાનું બાકી છે. પણ આજનો મારો લેખ પોલિટિકલ એનેલિસિસનો છે, કરન્ટ ટૉપિકને લગતો છે, આગામી ચૂંટણીના અનુસંધાનમાં છે. લેખના ઉપરના ફકરા ફરીથી વાંચો, પહેલા વાક્યથી શરૂ કરો, પછી પાછા અહીં આવી જાઓ.

આગામી ચૂંટણી પર્સેપ્શન પર લડાવાની છે. પર્સેપ્શન એટલે નજરિયો. આપણી જોવાની દૃષ્ટિ. વર્ષો પહેલાં એક અંગ્રેજી ન્યુઝ મૅગેઝિનની એડમાં અડધા ભરેલા પાણીના ગ્લાસમાં મૂકેલી ચમચી દેખાડાતી. અમુક એન્ગલથી જુઓ ત્યારે એ ચમચી વાંકી દેખાતી. એ લોકોની બીજી એક એડમાં જૂની ને જાણીતી વાત હતી: અડધા ભરેલા પાણીના ગ્લાસને તમે અડધો ખાલી કહો છો કે અડધો ભરેલો એ તમારી જોવાની દૃષ્ટિ પર આધાર રાખે છે. તમારા પર્સેપ્સન પર આધાર રાખે છે. રાહુલ ગાંધીએ અત્યાર સુધીનાં વર્ષોમાં, એમનાં મમ્મી દસ વર્ષ સુધી સરકાર ચલાવતાં હતાં એ દરમ્યાન શું કામ કર્યું છે, છેલ્લાં સાડા ચાર વર્ષ દરમ્યાન વિપક્ષમાં રહીને કેટલાં નક્કર કામ કર્યાં છે તેનો હિસાબ, એનું ટોટલ તમારા પર્સેપ્શન પર આધાર રાખે છે. અને તમારું પર્સેપ્શન જે હોય તેને સલામ છે. નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ૧૩-૧૪ વર્ષના શાસન દરમ્યાન શું કામ કર્યું, છેલ્લાં સાડાચાર વર્ષ દરમ્યાન પ્રાઈમ મિનિસ્ટર તરીકે શું કામ કર્યું તેનો હિસાબ પણ તમારા પર્સેપ્શન પર આધાર રાખે છે. નોટબંધીમાં તમે પાંચ પંદર લાખ કે પાંચ પંદર કરોડ ગુમાવ્યા હશે તો તમને મોદી દીઠ્ઠો નથી ગમવાનો. જીએસટીને લીધે તમારા ધંધાને તાળાં લાગી ગયા હશે તો તમે જરૂર ઈચ્છા રાખવાના કે આ માણસ કોઈ કાળે ફરી ચૂંટાવો ન જોઈએ. મોદીને લીધે તમારી પોતાની ઈકોનોમી બગડી ગઈ હોય ત્યારે તમે મોદીને લીધે આ દેશનું અર્થતંત્ર ખાડે ગયું છે એવું કહેવાના જ છો. તમારા ઘર પાસેની ફૂટપાથ પરનું ગટરનું ઢાંકણું તૂટી ગયું હોય અને અંધારામાં તમે એના પર ચાલવા ગયા ત્યારે તમારા પગનું હાડકું તડાક દઈને તૂટી ગયું હોય તો તમને લાગવાનું જ છે કે આ શહેરની મ્યુનિસિપાલિટી લબાડ છે, બધા કોર્પોરેટરો ચોર છે, તમામ મ્યુનિસિપલ કર્મચારીઓ કરપ્ટ છે. કોઈ તમને સમજાવવા જશે તો પણ તમારા ભેજામાં નહીં ઊતરે કે આટલા મોટા શહેરમાં રોજનો ટનબંધ કચરાનો તમને નડ્યા વિના જે નિકાલ કરે છે, તમારા ઘરે કંઈ કેટલાય કિલોમીટર દૂરથી જે પાણી પહોંચાડે છે અને તમારું વેહિકલ ચાલી શકે એ માટે સતત નવા નવા રસ્તા – ફલાયઓવર્સ બનાવે છે, મેટ્રો રેલની તમને સુવિધા આપવા એ લોકો સાથે દિવસરાત કોઓર્ડિનેટ કરે છે, તમારા ઘર સુધી વીજળીના કેબલ પહોંચાડી આપે છે, તમારા શહેરનાં ગરીબ બાળકો માટે મફત શાળાઓ ચલાવે છે, લાયબ્રેરીઓ ચલાવે છે, ફેરિયાઓને નિયંત્રણમાં રાખે છે અને એમના માટે હૉકિંગ ઝોનની સુવિધા ઊભી કરે છે, સરકારી દવાખાનાં અને હૉસ્પિટલો ચલાવે છે – આ અને આવાં હજાર નાનાંમોટાં કામ જે કરે છે તે મ્યુનિસિપાલિટી કે મ્યુનિસિપલ કોર્પોરેશન જેવી સંસ્થા તમારા માટે લબાડ, કામચોર કે કરપ્ટ છે. શું કામ? તમારો પગ ગટરના ખુલ્લા ઢાંકણામાં પડીને તૂટી ગયો એટલે. તમારી પર્સનલ પીડાને તમે નૅશનલ ઈશ્યુ બનાવી દીધો છે. જસ્ટ કલ્પના કરો કે આ મ્યુનિસિપાલિટીના કર્મચારીઓ સાગમટે રજા લઈને એક મહિના માટે પોતપોતાના વતનમાં વૅકેશન ગાળવા ઊપડી જાય તો? તમે ઘરમાં જે એંઠવાડ ચોવીસ કલાક દરમ્યાન ઊભો કરો છો તેનો નિકાલ કરવા ક્યાં જશો. તમારા ઘરમાં વીજળી અને બાથરૂમમાં પાણી ક્યાંથી આવવાનું છે? તમારી શૌચક્રિયાના કચરાની નિકાલ વ્યવસ્થા તમે જાતે કરી શકવાના છો? વાત કરો છો…

પરફેક્ટ તો યાર, તમારી પોતાની જિંદગી પણ નથી અને પોલિટિશ્યનો જે કંઈ કરે એમાં તમને પરફેક્શન જોઈએ છે. આપણામાંથી જ તો એ બધા આવ્યા છે. જે માણસ ઓછામાં ઓછો કરપ્ટ હોય, જે માણસ બને એટલું વધારે કામ કરતો હોય અને જે માણસ પબ્લિક ફિગર તરીકે બને એટલો વધારે પરફેક્ટ બનવાની જેન્યુઈન કોશિશ કરતો હોય તે માણસ પોલિટિશ્યન તરીકે તમારા માટે કામનો છે – પછી એ રાહુલ હોય કે મોદી – એ તમારે તમારા પર્સેપ્શનના આધારે નક્કી કરવાનું છે. તમારે તમારી શ્રદ્ધા કોનામાં આરોપી છે એના આધારે નક્કી કરવાનું છે. તમારે આ વખતે તમારી ગટ ફીલિંગ્સના આધારે જ આ નક્કી કરવું પડશે, તમારા અંતરાત્માના અવાજને જ અનુસરવું પડશે આ વખતે. કારણ કે મીડિયાની અને સોશ્યલ મીડિયાની વાતોમાં તમે જેટલા ઘસડાશો એટલા વધારે ને વધારે ક્ધફયુઝ થતા જશો. મીડિયાનો ઘણો મોટો હિસ્સો ‘આ વખતે કોને જીતાડવો છે અને કોને પછાડવા છે’ની ફિરાકમાં છે. મીડિયાનું આ કામ જ નથી. મીડિયાનું કામ તમારા સુધી સમાચારો પહોંચાડવાનું છે અને એ સમાચારોનું ભગવાન દ્વારા અપાયેલી સદ્બુદ્ધિ દ્વારા વિશ્ર્લેષણ કરવાનું છે, એનું અર્થઘટન કરવાનું છે. એને બદલે અનેક પ્રિન્ટ-ટીવી મીડિયા તેમ જ ઈન્ટરનેટ પર શરૂ થયેલાં ન્યુઝ પોર્ટલ્સ દલાલીનો વ્યવસાય કરવામાં પડ્યા છે. (સભ્યતાનો દેખાડો કરવા ‘દલાલી’ શબ્દ વાપરવો પડે છે બાકી તો ભમરડાના ‘ભ’થી શરૂ થતો શબ્દ વધુ એપ્રોપ્રિયેટ ગણાય).

સોશ્યલ મીડિયા ફેક ન્યુઝને વાઈરલ કરવાનું માધ્યમ બની ગયું છે. રોજે રોજ કમ સે કમ અડધો ડઝન અજાણ્યા વાચકો મારા વૉટ્સએપ પર ફોરવર્ડિયાઓ મોકલીને સલાહ માગે છે કે સર, શું આ સાચું છે? પહેલાં હું એમને જવાબ આપતો હતો. ઘણી મહેનત કરીને એમને જણાવતો હતો કે શા માટે આ ન્યુઝ ફેક છે, એના પર ભરોસો ન કરી શકાય.

હવે હું થાક્યો છું, કંટાળ્યો છું. આટઆટલા વખત પછી પણ જો તમને કોઈ અડબંગ સમાચાર પર ભરોસો મૂકવાનું મન થાય તો તમે સોશ્યલ મીડિયામાં રહેવાને લાયક નથી. હવે તો તમારામાં નીરક્ષીર વિવેક આવી જ જવો જોઈએ. હવે તો તમારે જ નક્કી કરી લેવાનું હોય કે જે સમાચાર (ટીવી પરના, છાપાના કે સોશ્યલ મીડિયામાં ફરતા હોય એવા સમાચાર) માટે તમને શંકા જાય કે શું આ સાચા છે કે ખોટા, તે ખોટા જ હોવાના. પૂર્ણવિરામ. વધારે કંઈ વિચારવાનું જ નહીં. વિચારીએ છીએ એટલે ફેક ન્યુઝ (કે ફેક પર્સેપ્શન) ક્રિયેટ કરનારાઓને બેસવાની ડાળ મળી જાય છે. તમે તો તથ્યોની ચકાસણી કરવા જવાનાં નથી. જે લોકો તથ્યોની ચકાસણી કરવાની લાયકાત ધરાવે છે એમને પણ ભૂલાવામાં નાખી દે એવી બનાવટી વિગતોનો મારો ચારેકોરથી થઈ રહ્યો છે. આવા સંજોગોમાં તમારે એ જ કરવાનું છે જે તમે તમારા દોસ્તાર માટે કે તમારા સ્પાઉઝ માટે કરતા હો. કોઈ કંઈ પણ કહે તમને જેમનામાં ભરોસો છે એમના પ્રત્યેની શ્રદ્ધા અકબંધ રાખવી. કોઈ કહેશે કે આ મોદી તરફી પીસ છે. હું કહીશ કે તમને જો રાહુલ પર ભરોસો હોય તો તે પણ અકબંધ રાખજો!

આજનો વિચાર

પ્રયાગરાજના કુંભમેળાની સુરક્ષા વ્યવસ્થાથી લોકો નારાજ છે. ત્રણ-ત્રણ વાર ઘરવાળી ગુમ થઈ ગઈ અને ત્રણેય વાર સત્તાવાળાઓએ એને શોધી કાઢી.

– વૉટ્સએપ પર વાંચેલું

એક મિનિટ!

છોકરાવાળા પંડિતજીને લઈને છોકરી જોવા ગયા. પંડિતજીએ કુંડળી મેળવીને કહ્યું:

‘બધાઈ હો, છત્રીસે છત્રીસ લક્ષણ બરાબર મળે છે.’

પણ છોકરાવાળાઓએ ના પાડી દીધી. ઊભા થઈને જવા લાગ્યા ત્યારે છોકરીના પિતાએ પૂછયું: ‘કેમ, શું થયું? લક્ષણો તો એકએક બરાબર મળે છે. આનાથી વધારેે સારી જોડી વળી ક્યાં મળશે?

છોકરાના બાપે ફટાક દઈને જવાબ આપ્યો:

‘સાહેબ, અમારો બેટો તો લફંગો છે, હવે શું અમે વહુ પર લફંગી લાવીએ!’

3 COMMENTS

  1. બધો આધાર ‘સમજ’ ઉપર છે ને સમજ અને (આળસ+સ્વાર્થ+દંભ) પરસ્પર નિવારક (mutually exclusive) છે ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here