ઉત્તરાયણ અને દક્ષિણાયન

ગુડ મૉર્નિંગ – સૌરભ શાહ

( મુંબઇ સમાચાર : બુધવાર, 16 જાન્યુઆરી 2019)

કાલવાળી વાત આગળ વધારીએ. પરિવર્તનકાળમાં, સંક્રાન્તિના કાળમાં કોઈ નિર્ણય લેવાને બદલે થોડો સમય રાહ જોવી સારી. નદી કે સમુદ્રમાં તરતાં હોઈએ અને વહેણમાં કે મોજામાં અટવાઈ જઈએ કે ડૂબવા માંડીએ ત્યારે આપણી પહેલી ફરજ એ કે માથું પાણીની બહાર રહે એ માટે મથામણ કરવી. માથું અત્યારે કઈ દિશામાં છે – જે દિશામાં જઈ રહ્યા હતા તે જ દિશામાં છે કે નહીં – એ વિશે ચિંતા કરવાની જરૂર નથી. દિશા પછી નક્કી થઈ જશે. દિશા નહીં જડે તો જોયું જશે. પણ અત્યારે સમય નથી દિશા શોધીને એ તરફ આગળ વધવાનો. અત્યારે સમયનો તકાદો એ છે કે પાણીમાં ડૂબી ન જઈએ. માથું પાણીથી ઉપર રહે.

સંક્રાન્તિકાળમાં, જીવનમાં પલટો આવી રહ્યો હોય એવા ગાળામાં આ યાદ રાખવા જેવી વાત છે. એક તરફ કશુંક અધૂરું છૂટી રહ્યું હોય, કશુંક પૂરું થઈ રહ્યું હોય અને બીજી તરફ કશુંક નવું શરૂ થઈ રહ્યું હોય ત્યારે જે કંઈ બને છે તે પરિવર્તન છે. એ ગાળો સંક્રાન્તનો ગાળો છે. જૂનું અધૂરું છૂટવાનો કે જૂનું પૂરું થઈ જવાનો આનંદ હોઈ શકે શોક પણ હોઈ શકે. નવું શરૂ કરવાના રોમાંચને માણવા માટે મનમાં ચાલતી આનંદ-શોકની લાગણીનો પ્રવાહ બીજે વાળી દેવો પડે. અન્યથા નવામાં પણ તમે જૂનું જ શોધવાના. નવું કંઈ પણ હોય, નવો બિઝનેસ – નવી નોકરી – નવી જગ્યા – નવો સંબંધ – નવી કારકિર્દી, નવાના રોમાંચને માણવા માટે કે પછી નવી શરૂઆતને ભાવાવેશમાં તણાયા વિના પ્રોપર્લી નાણવા માટે જૂના આનંદ-શોકના પ્રવાહને બીજે વાળી દેવા જોઈએ અન્યથા એ ભૂતકાળ જેવું જ ભવિષ્ય તમને મળશે. એવા વાસી ભવિષ્યનું આપણને કંઈ કામ નથી. જીવનમાં આગળ વધવા માટે ન તો ભૂતકાળના આનંદની ક્ષણોનું પુનરાવર્તન જોઈએ, ન ભૂતકાળના શોકગ્રસ્ત દિવસોનું પુનરાવર્તન જોઈએ. તો જ જિંદગી હરહંમેશ ફ્રેશ રહે, તરોતાઝા રહે.

પરિવર્તનના ગાળા દરમિયાન થોડો સમય સ્થિર થઈ જઈશું તો આપોઆપ દિશા જડશે, કારણ કે છટપટાહટને શાંત થઈને ધીરજમાં પલટવા માટે પૂરતો સમય મળી ગયો હશે.

‘કળ વળવી’ શબ્દપ્રયોગનો અંગ્રેજી અનુવાદ શું થતો હશે ભગવાન જાણે. શક્ય છે કે ‘પાંથીમાં સિંદૂર પૂરવું’ની જેમ એનો કોઈ પરફેક્ટ અંગ્રેજી ફ્રેઝ ન હોય. પણ આપણા જીવનમાં એ બહુ ઉપયોગી શબ્દપ્રયોગ છે. કળ વળવી. માત્ર શારીરિક ઈજા પામીએ ત્યારે જ નહીં, માનસિક આઘાત પછી પણ કળ વળવી જોઈએ. આઘાતના જ નહીં અકલ્પનીય ખુશીના સમાચાર પછી પણ ઉમંગથી ઉથળતા હૃદયને કળ વળવાનો સમય આપવો જોઈએ એવું તમે અનુભવ્યું હશે. આ કળ વળવાનો સમય એટલે પરિવર્તન દરમિયાન થંભી જવાનો કે નિષ્ક્રિય થઈ જવાનો વખત. આવેશની ભરતી કે આવેશની ઓટ દરમિયાન નિર્ણય લેવાનું ટાળીએ એ જ મારે હિસાબે તો સંક્રાન્તનો, મકરસંક્રાન્તિનો સંદેશો છે અને આ સંક્રાન્ત દર વર્ષે આવે છે એનો મતલબ એ કે પરિવર્તન એ કુદરતનો સ્વભાવ છે. કુદરતના આ સ્વભાવને લીધે આપણે સાવચેતીથી જીવતા શીખીએ છીએ, આશા રાખીને જીવતાં શીખીએ છીએ. હવેથી છ મહિના સુધી રોજ સવારે પૂર્વની ક્ષિતિજે ઊગતો સૂરજ થોડો થોડો ઉત્તર તરફ સરકીને ઊગશે. છ મહિના પછી દક્ષિણ તરફ સરકીને ઊગશે, એ પછીના છ મહિના પછી ફરી એકવાર ઉત્તરાયણ આવશે, પછી ફરી દક્ષિણાયન.

માત્ર કુદરત પાસેથી શીખવા માંડીએ તો જીવનમાં કોઈ ગુરુની, ઉપદેશકની, માર્ગદર્શકની, મોટિવેટરની કે કૉલમનિસ્ટની જરૂર નહીં પડે.

આજનો વિચાર

રોજ સવારે ઑફિસ પહોંચીને બૅગમાંથી લૅપટૉપ, ચાર્જર, માઉસ, યુએસબી ડ્રાઈવ, હેડફોન, ઈન્ટરનેટરનું ડૉન્ગલ, મોબાઈલ અને પાવર બૅન્ક બહાર કાઢીએ…

… ત્યારે સાલું મદારી જેવું ફીલ થાય છે.

– વૉટ્સઍપ પર વાંચેલું.

એક મિનિટ!

મહેસાણાના બેન ન્યુ જર્સીના ઍરપોર્ટ પર ફસાયા – વિક્સની ડબ્બીના લીધે.

અમેરિકન પોલીસે પૂછ્યું, ‘શું છે આમાં?’

બેન કહે: ‘બૉમ’.

3 COMMENTS

  1. સૌરભભાઈ મજામાં છો ને?
    ૧૬ જાન્યુઆરી પછી તમારા આર્ટિકલ્સ નથી વાંચ્યા. એટલે..

  2. કળ વળવી નો અંગ્રેજી અર્થ કદાચ to regain senses હોઈ શકે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here