સત્ય અને સત્યનો આગ્રહ : સૌરભ શાહ

(લાઉડમાઉથ: ‘સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ, બુધવાર, 22 જુલાઈ 2020)

સત્ય અને સત્યાગ્રહ વિશેના કેટલાક પ્રચલિત ખયાલો જે મનમાં જડબેસલાક ઘૂસી ગયા છે તેના વિશે જો ફેરવિચારણા કરવાની દાનત હોય એમણે જ આ લેખ વાંચવો.

કહેવાય છે કે સત્ય નિરપેક્ષ હોય છે. થિયોરેટિકલી યસ, પણ પ્રેક્ટિકલી? બ્રિટિશ લોકો જે સત્ય જોઈ શક્યા તે જ સત્ય ગાંધીજી જોઈ શક્યા હોત અથવા ગાંધીજી જેને સત્ય માનતા હતા તેને બ્રિટિશે પણ સત્ય તરીકે સ્વીકાર્યું હોત તો? તો અલમોસ્ટ અડધી સદી સુધી ચાલેલી આઝાદીની લડત અડધા દિવસમાં જ ખતમ થઈ ગઈ હોત. તમે જેને સત્ય તરીકે સ્વીકારો છો એને સૌ કોઈ જો સત્ય તરીકે સ્વીકારતું થઈ જાય તો આ દુનિયામાં કોઈ સંઘર્ષ જ ન રહે. થિયરીમાં સત્ય ગમે એટલું નિરપેક્ષ હોય પણ વ્યવહારની જિંદગીમાં સત્ય સાપેક્ષ છે, સાપેક્ષ છે અને સાપેક્ષ છે. અને એટલે જ પતિ-પત્ની વચ્ચે અણબનાવ થાય છે, એટલે જ ચૂંટણી વખતે શિવસેના-ભાજપ વચ્ચે ખટરાગ થાય છે, એટલે જ સેક્યુલરો અને નરેન્દ્ર મોદીના ભક્તો વચ્ચે મારામારી થાય છે, એટલે જ ભારત-પાકિસ્તાન વચ્ચે અથડામણો થાય છે, એટલે જ દુનિયાભરમાં ઈસ્લામિક આતંકવાદ પ્રસરે છે અને એટલે જ ડોનાલ્ડ ટ્રમ્પ મેક્સિકોની સરહદ પર બર્લિન વૉલ જેવી દીવાલ બાંધવાની જીદ કરે છે.

સત્ય સાપેક્ષ છે. બીજી એક ટર્મ છે સત્યાગ્રહની. આમ તો સત્યાગ્રહ એટલે સત્ય માટેનો આગ્રહ પણ જેમ સેક્યુલર શબ્દ અભડાઈને ગંદડો બની ગયો છે એવું જ સત્યાગ્રહ શબ્દનું થયું છે. સત્યાગ્રહ એટલે લડત આપવી એવો અર્થ બની ગયો છે. વાસ્તવમાં તો સત્યનો આગ્રહ ‘રાખવાનો’ હોય, ‘કરવાનો’ ન હોય. ‘સત્યાગ્રહ રાખવો’ એવું બોલાવું જોઈએ ‘સત્યાગ્રહ કરવો’ એવું નહીં. ‘સત્યાગ્રહ’ શબ્દ વાપરીને મૂળ તો લડત જ કરવાની હોય છે, બ્રિટિશ સામે કે પછી કોઈની પણ સામે. અને એ લડત પણ કેવી? તમે જેને સત્ય માનો છો એના માટે. સામેવાળો પક્ષ જેને સત્ય માને છે તેને પડકારવા માટે.

શું સત્યાગ્રહની લડત અને આમરણ ઉપવાસને સંપૂર્ણપણે અહિંસક કહી શકાય? દેખીતી રીતે આ બંનેમાંથી એકેયમાં શસ્ત્રો વપરાતાં નથી, શારીરિક બળથી સામનો થતો નથી એટલે એને ‘અહિંસક લડત’નું નામ આપી દેવામાં આવે છે. પણ તે ગલત છે. ચેન્નઈમાં ત્રણ વર્ષ પહેલાં મરીના બીચ પર લાખો લોકો જલ્લીકટ્ટુની સામે સુપ્રીમ કોર્ટ દ્વારા મુકાયેલા પ્રતિબંધનો વિરોધ કરવા ભેગા થયા અને રાજ્ય સરકારે નમતું જોખીને ઑર્ડિનન્સ પાસ કરીને જલ્લીકટ્ટુ માટે રસ્તો ખુલ્લો કરી આપ્યો. દેખીતી રીતે આ અહિંસક દેખાવો હતા. સરકારે શું કામ નમતું જોખવું પડ્યું? લાખો લોકો ભેગા થઈને ગમે ત્યારે હિંસા પર ઊતરી આવે તો? આ ભય હતો. આવા દેખાવો વખતે જે ભારેલો અગ્નિ હોય છે એમાં હિંસા અદૃશ્યપણે છુપાયેલી હોય છે.

આમરણ ઉપવાસમાં પણ, ઉપવાસ કરનાર વ્યક્તિ જો મરી જશે તો પ્રજાનો રોષ ભભૂકી ઊઠશે અને પ્રજા ન કરવાનું કરી બેસશે એવો ડર હોય છે. આ ડર એટલે હિંસાનો ડર. આ ડરને વટાવી ખાવા, આર્મ ટ્વિસ્ટિંગ કરવા આમરણ ઉપવાસનું શસ્ત્ર ઉગામવામાં આવતું હોય છે-ગાંધીજી દ્વારા તેમ જ અણ્ણા હઝારે જેવા એમના અનેક તથાકથિત અનુયાયીઓ દ્વારા.

સત્યાગ્રહની સાથે અસહકારની કન્સેપ્ટ જોડાયેલી છે. સરકારને ટૅક્સ નહીં આપીને એમની સિસ્ટમ ખોરવી નાખવી એ પણ અસહકારનો એક પ્રકાર થયો. બ્રિટિશ સરકાર શું અસહકારની લડતને કારણે હલી જવાની હતી? ના. ટેક્સ નહીં આપો તો અમે તમારી મિલકત પર ટાંચ લાવીને એને જપ્ત કરીશું. આ જપ્તી સામે જે દેખાવ થશે તેને કારણે બ્રિટિશરોને ડર લાગે કે ક્યાંક આ દેખાવો હિંસક ન બની જાય. ગાંધીજીના નેતૃત્ત્વ હેઠળના અનેક દેખાવો હિંસક બન્યા છે, પણ ઈતિહાસમાં એને ઓછા હાઈલાઈટ કરવામાં આવ્યા છે. ગાંધીજીના જ અનુયાયીઓ હિંસા પર ઊતરી આવ્યા છે, અનેક વાર. સરકાર આ અહિંસક દેખાવો પાછળ હિંસાનું જે પ્રોટેન્શ્યલ છે તેનાથી ડરતી હોય છે.

‘સત્ય’ અને ‘સત્યાગ્રહ’ વિશેનું આટલું જાણી લીધા પછી આગળ વધીએ.

ચંપારણના સત્યાગ્રહનો શંખ ફૂંકાતો હોય એમ ગાંધીજીએ 6 – 12- 1916ના ‘હરિજનબંધુ’માં એલાન કર્યું હતું. ‘ખેડૂતોને જે ક્ષણે પોતાની શક્તિનું ભાન થશે તે ક્ષણે જમીનદારી પદ્ધતિની અનિષ્ટ અસર નીકળી જશે.’

ગાંધીજીના નિકટતમ સાથી મહાદેવભાઈ દેસાઈના પુત્ર નારાયણભાઈ દેસાઈએ ‘મારું જીવન એ જ મારી વાણી’ના દ્વિતીય ખંડમાં નોંધ્યું છે એમ ‘ચંપારણે ભારતને પ્રથમ વાર સત્યાગ્રહી શક્તિનો પરિચય કરાવ્યો હતો.’ (પૃષ્ઠ:૪૪) અને સાથોસાથ એ પણ નોંધ્યું કે: ‘…ચંપારણમાં શરૂ થયેલાં રચનાત્મક કામો ઝાઝું ટક્યાં નહીં. ગાંધીજીએ તો એ બાબત એમ કહ્યું કે ‘મને દૈવ બીજે ક્યાંક ઘસડી લઈ ગયું.’ કૃપલાનીજી પણ ગામડામાં જઈને શાળાઓ ખોલવા અને સફાઈ વગેરે કામોમાં પડનારાઓમાં એક હતા. તેમણે આ કામ ઝાઝું ચાલ્યું નહીં એનું બીજું કારણ આપ્યું છે. તેમણે કહ્યું છે કે અમે એ કામ કરનારા બધા બહારના પ્રાંતના લોકો હતા, અને તે વખતે બિહારમાં એ કામ અંગે વાતાવરણ નહોતું બન્યું. એમાં પણ કાંઈક તથ્ય છે.

ગાંધીજી ભારત પાછા આવ્યા ૧૯૧૫માં. ૯મી જાન્યુઆરીએ. ઑલરેડી ૪૫ વર્ષની ઉંમર વટાવી ચૂક્યા હતા. દક્ષિણ આફ્રિકામાં લાંબો સત્યાગ્રહ ચલાવવાનો જાત અનુભવ લઈને તેઓ ભારત આવી રહ્યા હતા. આવ્યા પછી એમણે સૌથી પહેલી ચળવળ ચલાવી તે બિહારના ચંપારણમાં. ૧૯૧૭માં. તે વખતે ‘સત્યાગ્રહ’ શબ્દ નહોતો વપરાયો. ૧૯૧૯માં રોલેટ એક્ટ આવ્યો તેના વિરોધમાં જે હડતાળ પાડવામાં આવી ત્યારે ‘સત્યાગ્રહ’ શબ્દ પહેલીવાર વાપરવામાં આવ્યો. જોકે, ઈતિહાસ લખાયો ત્યારે ‘ચંપારણનો સત્યાગ્રહ’ તરીકે જ લખાયો. આપણે પણ એમ જ રાખીએ!

ગાંધીજીએ ભારત પાછા આવ્યા પછી જે જાહેર પ્રવૃત્તિ શરૂ કરી તેમાં બૅકટુ બૅક ત્રણ સત્યાગ્રહના પ્રસંગો આવ્યા-ત્રણેય જુદા જુદા ક્ષેત્રોમાં. બિહારના ચંપારણમાં ગળીની ખેતી કરનારા ખેડૂતોનાં શોષણ વિરુદ્ધ ગાંધીજી લડ્યા. ચંપારણની સાથે જ બીજો પ્રસંગ અમદાવાદના મિલમજૂરો અને માલિકો વચ્ચેનો બન્યો. એ લડત પણ લાંબી ચાલી. ત્રણ અઠવાડિયાના ગજગ્રાહ પછી વિવાદ લવાદને સોંપવામાં આવ્યો. લવાદને પ્રશ્ર્ન સોંપીને ઉકેલ લાવવાની પ્રથા અહીંથી શરૂ થઈ. માલિક-મજૂર પ્રશ્ર્નોના ઉકેલની એક નવી પરંપરા દેશમાં શરૂ થઈ.

ત્રીજો પ્રસંગ ખેડા જિલ્લાના ખેડૂતોને લગતો હતો. આમ જુઓ તો ભારત પાછા આવ્યા બાદ ગાંધીજીની સરકાર સામેની એ પહેલી લડત હતી. આ ત્રણે પ્રસંગો ૧૯૧૭-૧૯૧૮ દરમિયાન લગભગ એક સાથે જ બન્યા અને ગાંધીજીએ એમાં એક સાથે બે કે ત્રણ મોરચા સંભાળવા પડ્યા હતા.

અમદાવાદ નજીકના ખેડા જિલ્લામાં ૧૯૧૭ની સાલમાં અતિવૃષ્ટિ થઈ. સરાસરી ત્રીસ ઇંચ વરસાદ જ્યાં પડતો ત્યાં ૭૦ ઇંચ વરસાદ પડ્યો. છેક દશેરા સુધી વરસાદ પડતો રહ્યો. આને લીધે પહેલી વારનું વાવેતર વરસાદમાં ધોવાઈ ગયા પછી બીજી વારના વાવેતરની કોઈ શક્યતા રહી નહીં. ઢોર માટેનો ઘાસચારો પણ વરસાદના પાણીમાં કોહવાઈ ગયો. વધુ વરસાદ પડ્યા પછી નૉર્મલી શિયાળાનો રવિ પાક સારો ઊતરે પણ ઉંદરનો ઉપદ્રવ એટલો વધી ગયો કે બીજા વિવિધ પ્રકારના રોગ પાકને લાગુ પડ્યા જેને લીધે શિયાળુ પાકને પણ મોટું નુકસાન થયું. ખેડૂતોએ એ વર્ષ પૂરતું મહેસૂલની ઉઘરાણી મોકૂફ રાખવાની માગણી કરી. બીજા વર્ષે એ જૂનું મહેસૂલ ચૂકવી આપવાની બાંહેધરી પણ આપી. પણ કલેક્ટરે કુલ ર૩ લાખ રૂપિયાના મહેસૂલમાંથી માત્ર ૭.૪ ટકા જેટલું, લગભગ પોણા બે લાખ રૂપિયા જેટલું જ મહેસૂલ મુલતવી રાખવામાં આવશે એવી જાહેરાત કરી. ખેડાના સત્યાગ્રહનું મૂળ કારણ આ.

ગાંધીજીના જીવનમાં સત્યાગ્રહના અનેક પ્રસંગો આવ્યા. કાઠિયાવાડનો સત્યાગ્રહ, જબલપુર, નાગપુર, દાંડી, ધરાસણા, બારડોલી, બોરસદ, પંજાબમાં ગુરુ દા બાગ, કેરળનો વાઈકૉમ અને એવા અનેક સત્યાગ્રહો ગાંધીજીએ કર્યા. આ તમામ સત્યાગ્રહો પરથી તમે ગાંધીજીએ હિન્દુસ્તાનમાં કરેલા સત્યાગ્રહોના ત્રણ પ્રકાર તારવી શકો: ૧. સત્યની જાહેરાત અને અસત્ય કે અન્યાયનો વિરોધ કરવો. ર. અસહકાર અને ૩. સવિનય કાનૂન ભંગ.

સત્યાગ્રહીઓને ઉદ્દેશીને ૧૦મી માર્ચ ૧૯૩૦ના રોજ ગાંધીજીએ સાબરમતી આશ્રમની પ્રાર્થનાસભામાં એક સ્પષ્ટ વાત કહી હતી. બે દિવસ પછી દાંડીના સત્યાગ્રહ માટેની કૂચ શરૂ થતી હતી. ગાંધીજીએ કહ્યું:

‘હું સ્પષ્ટ કહું છું કે જે ધ્યેયના સાધન માટે આપણે નીકળીએ છીએ તે ધ્યેય આપણે સાધીશું વા તેની સાધના કરતાં જ મૃત્યુ પામીશું. આપણે હવે પાછું વળવાનું નથી… આપણી પાસે એક જ મૂડી છે-આપણા યમનિયમોનું પાલન અથવા પાલનનો ભગીરથ પ્રયાસ.
જે વ્રતોની પ્રતિષ્ઠા કરીને આશ્રમ સ્થાપ્યું તે જ વ્રતો આપણું અમોલું ધન છે… યાદ રાખજો, આ જિંદગીભરની ફકીરી છે… જે મનુષ્ય સત્તપારાયણ રહે છે અને જે કહે છે તે કરે છે, તે બહાદુર માણસ છે. છેતરનાર માણસ બહાદુર નથી…’

ગાંધીજીના આ ઉમદા ઉપદેશોનું એમના અનુયાયીઓએ ચુસ્તપણે પાલન કર્યું હોત તો આઝાદી પછીની પ્રથમ અડધી સદીનો ગાળો ભારત માટે સુવર્ણકાળ હોત, ભારત ક્યારનુંય દુનિયાનું શ્રેષ્ઠ રાષ્ટ્ર બની ચૂક્યું હોત. પણ ન તો ગાંધીજીનું એવું સદ્ભાગ્ય હતું, ન આ દેશનું.

સાયલન્સ પ્લીઝ!

પ્રેમની બે જરૂરિયાત હોય છે: એના પાયામાં આઝાદી હોવી જોઈએ અને એના મિજાજમાં વિશ્વાસ.

– ઓશો

• ••• •••
•• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને સપોર્ટ કરવા માટેની અપીલ : સૌરભ શાહ

પ્રિય વાચકો,

ગુજરાતી ભાષાના સૌથી વધુ વંચાતા, વખણાતા અને ચર્ચાતા લેખક-પત્રકારોમાંના એક સૌરભ શાહ તમને રોજ ‘ન્યુઝપ્રેમી’ દ્વારા મળે છે.

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના ચાલતું સ્વતંત્ર, તથા કોઈનીય સાડીબારી ન રાખતું ડિજિટલ મિડિયા છે અને એટલે એ ભરોસાપાત્ર છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા પ્લેટફૉર્મને અડીખમ રાખવા તમારા સપોર્ટની જરૂર છે.

‘ધ ક્વિન્ટ’, ‘ધ પ્રિન્ટ’, ‘ધ વાયર’, ‘સ્ક્રોલ’ કે બીજાં ડઝનેક તોતિંગ અંગ્રેજી ડિજિટલ મિડિયા કરોડો રૂપિયાનું ફંડિંગ ઉભું કરીને પોતાના એજન્ડાને— કામકાજને આગળ વધારી રહ્યા છે. ‘ન્યુઝપ્રેમી’ આવી રીતે કામકાજ કરવામાં માનતું નથી. ઇન્વેસ્ટર્સ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા પછી અમુક મિડિયા કરોડરજ્જુ વિનાનાં બની જતાં હોય છે. ઇન્વેસ્ટરોનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાથી સચવાતો હોય ત્યારે મિડિયાએ પણ વાચકોનો દ્રોહ કરીને, વાચકોને ઊંધા રવાડે ચડાવીને એન્ટી-નેશનલ ન્યુઝ અને એન્ટી-નેશનલ વ્યુઝ આપવાની પ્રવૃત્તિમાં જોરશોરથી ભાગ લેવો પડતો હોય છે.

આ જ કારણોસર ‘ન્યુઝપ્રેમી’માં જાહેરખબરો પણ ઉઘરાવવામાં નથી આવતી. જે ઘડીએ એડવર્ટાઇઝરના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ન જળવાય એ જ ઘડીએ કાં તો તમારો હાથ આમળીને તમારી પાસે તેઓ પોતાનું ધાર્યું કરાવતા થઈ જાય અને વાચકો ગેરમાર્ગે દોરવાઈ જાય, કાં પછી તમારી નૌકાને મધદરિયે હાલકડોલક કરીને ડુબાડી દેવાની ધમકી આપવામાં આવે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મીસમા સૌરભ શાહ દ્વારા 24×7 થઈ રહી છે. ( એક વાચકે ‘ વન કેન’—one pen, one man, one can—નું બિરૂદ આપ્યું છે. કોઈ એક લેખની કમેન્ટમાં છે.)

‘ન્યુઝપ્રેમી’નું લેખન-સંપાદન તથા એની સાજસજ્જા મુંબઈમાં થાય છે. ટાઇપસેટિંગ ભાવનગર અને અમદાવાદમાં થાય છે. ‘ન્યુઝપ્રેમી’ના એડમિનિસ્ટ્રેશનની જવાબદારી પૂણેથી નિભાવવામાં આવે છે અને ‘ન્યુઝપ્રેમી’ને ટેક્નિકલ સપોર્ટ બેંગ્લોર સ્થિત ગુજરાતી ટેકનોક્રેટ આપે છે. ‘ન્યુઝપ્રેમી’ની હિન્દી આવૃત્તિ માટેનું અનુવાદકાર્ય મુંબઈ – અમદાવાદમાં થાય છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

1 COMMENT

  1. Kheda andolan no doubt Gandhiji started, but he delegated full responsibility to Vallabhbhai Patel for Kheda movement and Vallabhbhai got his “SARDAR” honour after this.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here