તડકભડક : ‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, રવિવાર, ૭ માર્ચ ૨૦૨૧
આમ તો વૈકલ્પિક વ્યૂહરચનાને પ્લાન બી કહેવાય. આ સ્ટ્રેટેજિ ફેઈલ ગઈ તો એની અવેજીમાં તૈયાર રાખેલી બીજી સ્ટ્રેટેજિ અમલમાં મૂકવાની—લશ્કરથી માંડીને બિઝનેસ સુધીનાં ક્ષેત્રોમાં- પ્લાન બી હાથવગો રાખવાનું કૉમન છે, પણ જિંદગીમાં પ્લાન બી હાથવગો રાખનારાઓ પ્લાન એને અમલમાં મૂકતી વખતે પૂરતા પ્રયત્નો કરવામાં નિષ્ફળ જતા હોય છે. લેટ્સ ટ્રાય, આ રીતે કામ થાય તો ઠીક છે નહીં તો પછી પ્લાન બી તો છે જ એવું માનનારાઓ પ્લાન એને અમલમાં મૂકતી વખતે જેટલા ઢીલાપોચા હોય છે એટલા જ અધકચરા એમના પ્રયત્નો પ્લાન બીને અમલમાં મૂકતી વખતે હોવાના, કારણ કે તે વખતેય એમના બૅક ઑફ ધ માઈન્ડમાં આ પ્લાન નિષ્ફળ જશે તો ત્રીજો પ્લાન છે જ એવી ભાવના હોવાની. આમ એક પછી એક નિષ્ફળતાઓની લંગાર લાગતી જવાની જેના મૂળમાં વૈકલ્પિક પ્લાન તો છે જ- એવી ભાવના હોવાની.
મારે હિસાબે તો પ્લાન બી એટલે તૂ નહીં ઔર સહી. આવી ભાવના મનમાં હોય ત્યારે તમે ક્યારેય સામેના પાત્રને દિલ નીચોવીને પ્રેમ કરી શકો નહીં, ક્યારેય તમે પૂરેપૂરા ઠલવાઈ જાઓ નહીં, ક્યારેય તમે સંપૂર્ણપણે ન્યોચ્છાવર થાઓ નહીં.
પ્લાન બી તૈયાર ન રાખ્યો હોય તો જ ‘કોઈ પણ ભોગે’નું ઝનૂન, એવી પૅશન જન્મે. ‘કામ ના કેમ થાય’ એવી રીતે ઝંપલાવ્યું હોય તો જ તમારી શક્તિઓ પૂરેપૂરી ખીલી ઊઠે. કવિ નર્મદે દોઢસો વર્ષ પહેલાં ‘યા હોમ કરીને પડો ફતેહ છે આગે’ કહ્યું ત્યારે એણે પણ આ જ વાત કહી હતી. યા હોમ કરીને પડો, પ્લાન બી છે આગે એવું નહોતું કહ્યું એણે. ફત્તેહ છે આગે એવું કહ્યું હતું. આવી ફત્તેહ એ લોકોને જ મળે છે જેમણે પ્લાન બી તૈયાર કર્યા વિના જ યા હોમ કર્યું હોય છે.
જ્યારે પણ, જે કંઈ કામ હાથમાં લઈએ છીએ ત્યારે લાખ ડિસ્ટર્બન્સ રહેવાનાં, લાખ ડિસ્ટ્રેક્શન્સ રહેવાના. એક વખત એ કામમાં પરોવાઈ જઈએ છીએ તેમ તેમ મન એકાગ્ર બનતું જાય છે અને એક તબક્કે એ એકાગ્રતા એવી કક્ષાએ પહોંચી જાય છે જ્યાં આજુબાજુનો બધો જ કોલાહલ સંભળાતો બંધ થઈ જાય છે. તમે જે લક્ષ્ય વીંધવાનું નક્કી કર્યું છે તેના સિવાય મનમાં બીજી એકેય ખલેલજનક પ્રવૃત્તિ બચતી નથી. અર્જુનને મેદાન, ઝાડ, પાંદડા કશું જ નહોતું દેખાયું, પક્ષીનું શરીર પણ નહીં, માત્ર આંખ દેખાઈ, કારણ કે એણે એ જ વીંધવાની હતી, એ જ એનું લક્ષ્ય હતું.
આપણી એકાગ્રતા જામતી નથી, કારણ કે આ નથી ને તે નથીની ફરિયાદો છૂટતી નથી. આ ખૂટે છે ને તે ખૂટે છેના વિચારોમાં અટવાયા કરીએ છીએ. મેડિકલમાં ઍડ્મિશન નહીં મળે તો ડેન્ટિસ્ટ્રીમાં અને એમાંય નહીં મળે તો છેવટે હોમિયોપથીમાં પ્રવેશ મળી જશે એવા પ્લાન બી, પ્લાન સી જેમને સધિયારો આપતા હોય એમનો પ્લાન એ હંમેશાં નિષ્ફળ જ જતો હોય છે. તેઓ પોરસાતા હોય છે કે જોયું અમે કેવા શાણા કે પ્લાન બી, પ્લાન સી તૈયાર હતો તો તરત કામ લાગ્યો. તેઓ સમજતા જ નથી કે તમારો પ્લાન એ નિષ્ફળ ગયો એનું કારણ જ એ હતું કે તમે વૈકલ્પિક પ્લાન્સ તૈયાર રાખ્યા હતા. તમારી પાસે કોઈ વિકલ્પ ન હોય ત્યારે જ તમે મરણિયા બનીને મંડી પડો છો અને જ્યાં સુધી તમારો હેતુ સિદ્ધ ન થાય ત્યાં સુધી મચક આપતા નથી. જીવનમાં પ્લાન બી તૈયાર રાખનારાઓને ખબર નથી હોતી કે એમને પ્લાન બીની જરૂર પડવાનું કારણ જ એ છે કે એમની પાસે પ્લાન બી રેડી છે.
લાગ્યું તો તીર નહીં તો તુક્કો જેમની ફિલોસોફી છે એમનાં તીર ક્યારેય નિશાન સુધી પહોંચતાં નથી, કારણ કે તીર છોડવામાં એમની નિષ્ઠા જ નથી હોતી. એકનિષ્ઠાથી કરેલાં કામનું જ શુભ પરિણામ આવી શકે. ટ્રાય તો કરી જોઈએ, ટ્રાય કરવામાં શું જાય છે એવું વિચારીને જ્યારે કોઈ કામ શરૂ કરો છો ત્યારે એ કામ શરૂ થતાંની સાથે જ દમ તોડી બેસે છે. એને બદલે કોઈ કામ શરૂ કરતી વખતે મનમાં એ ના કેમ થાય, કોઈ પણ ભોગે હું એને કરીને જંપીશ એવો દૃઢ વિચાર હોય છે ત્યારે એનું તમને જોઈએ એવું પરિણામ આવતું જ હોય છે.
પર્સનલ અને પબ્લિક લાઈફમાં મેં બેઉ રીતે કામ કરી જોયાં છે. પ્લાન બી તૈયાર રાખીને પણ કામ શરૂ કર્યા છે અને અચૂક નિષ્ફળ ગયા છે. એને બદલે જ્યારે જ્યારે ડર્યા વિના યા હૉમ કરીને ઝંપલાવ્યું છે, નીચે કોઈ નેટ રાખ્યા વિના, પ્લાન બી વિશે વિચાર્યા વિના ઝંપલાવ્યું છે ત્યારે અચૂક ફતેહ મળી છે. નર્મદે પણ શું જાતઅનુભવ પરથી જ એ કવિતા લખી હશે!
પાન બનાર્સવાલા
સહુ ચલો જીતવા જંગ, બ્યૂગલો વાગે
યા હૉમ કરીને પડો, ફતેહ છે આગે
કેટલાંક કરમો વિષે ઢીલ નવ ચાલે
શંકા-ભય તો બહુ રોજ હામને ખાળે
હજી સમય નથી આવિયો કહી દિન ગાળે
જન બ્હાનું કરે નવ સરે, અર્થ કો કાળે
ઝંપલાવવાથી સિદ્ધિ જોઈ બળ લાગે
યા હોમ કરીને પડો, ફતેહ છે આગે
— કવિ નર્મદાશંકર લાલશંકર દવે (૨૪-૮-૧૮૩૩ થી ૨૬-૨-૧૮૬૬)
••• ••• •••
આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.
‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ
પ્રિય વાચક,
તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.
‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.
વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.
કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.
તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.
દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.
‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.
‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.
‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/