મહિલા દિવસની ઐસીતૈસી : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ : સોમવાર, ૮ માર્ચ ૨૦૨૧)

પશ્ચિમના દેશો અને બાકીની દુનિયાએ મહિલા દિવસની આવી ઉજવણી કરવી પડે છે, કારણ કે એમને ત્યાં યુગોથી સ્ત્રીને પગની જૂતી સમાન ગણવાની પ્રથા હતી. આપણે ત્યાં મનુસ્મૃતિમાં હજારો વર્ષ પહેલાં લખાઈ ગયું: યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ જ્યાં સ્ત્રીઓની પૂજા થાય છે ત્યાં દેવતાઓ નિવાસ કરે છે.

આપણે ત્યાં હજારો વર્ષથી દેવતાઓ વસે છે. અર્થાત્ હજારો વર્ષથી નારી પૂજનીય ગણાય છે. પશ્ચિમના દેશોમાં કે ઈસ્લામિક દેશોમાં આધુનિક સમયની શરૂઆત સુધી સ્ત્રીની જુબાની અદાલતોમાં માન્ય નહોતી. સ્ત્રીઓને મતાધિકાર નહોતો. તમને જાણીને આશ્ચર્ય થશે કે આધુનિકતાની મોટે ઉપાડે વાતો કરતા અમેરિકામાં સ્વતંત્રતા મળ્યા પછી કેટલાય દાયકાઓ બાદ તથા સમાનતાની વાતો કરતા રશિયામાં રાજાશાહી સમાપ્ત થયાના દાયકાઓ બાદ સ્ત્રીને મત આપવાનો અધિકાર આપવામાં આવ્યો હતો. સ્વિટ્ઝર્લેન્ડે તો છેક ૧૯૭૧માં સ્ત્રીઓને મતાધિકાર આપ્યો. એ દેશોમાં તો સ્ત્રીઓએ દેખાવો કર્યા, ચળવળો ચલાવી ત્યારે એમને મતાધિકાર મળ્યો.

ભારતને સ્વતંત્રતા મળી એ જ ઘડીથી, ૧૯૪૭થી સ્ત્રીઓને મતાધિકાર મળ્યો. આ છે ભારત અને એ છે બાકીની દુનિયા. અમને વળી શું શીખવાડવાનું તમારે સ્ત્રીઓના હકની બાબતમાં?

પરદેશમાં સ્ત્રીઓએ જે ઝૂંટવીને લેવું પડતું હોય છે તે આપણા દેશમાં સ્ત્રીઓને સહજતાપૂર્વક પ્રાપ્ત થયેલું છે. ભારતમાં સ્ત્રીઓ પર કેવા અત્યાચારો થાય છે, સ્ત્રીઓએ ઘૂંઘટમાં રહેવું પડે છે વગેરે સાંભળીને આપણે આપણી જાતને ચાબખા મારવાની જરૂર નથી. ઈસ્લામિક કન્ટ્રીઝમાં જઈને બુરખાપ્રથા વિરુદ્ધ કોઈ બોલી શકતું નથી. દરેક કલ્ચરને પોતપોતાની પ્રથાઓ હોય, એને રિસ્પેક્ટ કરવાની.

ભારતમાં સ્ત્રીઓનું સ્થાન, સ્ત્રીઓની જવાબદારી તથા સ્ત્રીઓના હક વિશે બહારથી આવેલા લોકોએ જે કુપ્રચાર કર્યો તેનાથી આપણે ભરમાયેલા છીએ. અમેરિકા-બ્રિટન વગેરેની પ્રજા બચત કરવાને બદલે આગોતરા ખર્ચ કરવામાં માનતી થઈ. ક્રેડિટ કાર્ડ અને લોનનાં બિલો ભરવા માટે કુટુંબે વધારાની આવકો ઊભી કરવી પડતી. પુરુષ ઓવરટાઈમ કરે તોય પહોંચી ન વળે. સ્ત્રીએ બહાર નીકળીને વૈતરું કરવા જોતરાવું પડયું જેની સીધી અસર પરિવારની સુખાકારી પર પડી. પતિ-પત્ની એકબીજાથી દૂર થતાં ગયાં અને બાળકો નોધારાં બની ગયાં. ‘ડિન્ક’ નામનું શોર્ટફોર્મ પ્રચલિત થયું. ડબલ ઈન્કમ નો કિડ. બેઉ જણ કમાય અને બાળક પેદા ન કરે. આ કારણે સામાજિક જીવન સાવ ખોરવાઈ ગયું.

કોરોના વાઇરસ્ની જેમ આ ચેપ પણ ભારતમાં આવ્યો. જે સ્ત્રી નોકરી-ધંધો કરવા માટે ઘરની બહાર જાય તે જ પ્રોગ્રેસિવ જે સ્ત્રી ગૃહિણી બનીને ઘર સાચવે, બાળકોને ઉછેરે, પતિ-સાસુ-સસરાની સેવા કરે તે જુનવાણી આવી એક તદ્દન ખોટી મેન્ટાલિટી સમાજને ગ્રસી ગઈ. જે સ્ત્રીઓ ખેતરમાં કામ કરે છે, શાક વેચે છે, દુકાનો ચલાવે છે, ગૃહઉદ્યોગની ચીજવસ્તુઓના વ્યાપારમાં છે કે પછી જે સ્ત્રીઓ ભણીગણીને બેન્કોમાં નોકરી કરે છે, સીએ-ડોક્ટર-કમ્પ્યૂટર એન્જિનિયર બને છે, સંરક્ષણ ક્ષેત્રમાં જોડાય છે તે બધી જ સ્ત્રીઓને આપણા સમાજે આદરણીય ગણી જ છે. એમનું સન્માન કર્યું જ છે. એમના માટે ગૌરવ લીધું જ છે.

વિવિધ ક્ષેત્રોમાં કામ કરતી સ્ત્રીઓ જેટલી આદરણીય છે એટલી જ પૂજનીય એ સ્ત્રીઓ પણ છે જે ‘ગૃહિણી’ના નામે ઓળખાય છે. પણ પશ્ચિમ જગતની દેખાદેખી કરીને આપણે કંઈક એવો માહોલ બનાવી દીધો છે કે જે ઘરમાં રહીને પતિના કામકાજમાં મદદ કરતી હોય, ઘરનું સંચાલન કરતી હોય, કુટુંબના સભ્યો તથા મહેમાનોની સરભરા માટે પોતાની શક્તિઓ ખર્ચતી હોય તે સ્ત્રીઓ ઘરની બહાર નીકળીને નોકરી-વ્યવસાય કે બિઝનેસ કરતી સ્ત્રીઓ કરતાં નીચી ગણાય. આ મેન્ટાલિટી બદલવાની જરૂર છે. ગૃહિણીઓનો માન-મરતબો કંપનીના સી.ઈ.ઓ. જેટલો જ હોવો જોઈએ તે સમજવાની જરૂર છે.

વેસ્ટનું અનુકરણ બહુ થયું. સ્ત્રીઓને સ્વતંત્રતા મળવી જોઈએ- એમણે નોકરી કરવી છે કે ગૃહિણી બનવું છે – એ નક્કી કરવાની સ્વતંત્રતા.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી પેલા લોકો છો કરે, આપણે કરવાની જરૂર નથી. આપણા માટે જે વાતો આપણા રોજિંદા જીવનમાં વણાઈ ચૂકી છે. મધર્સ ડે અને ફાધર્સ ડેના દેખાડા એ લોકોએ કરવા પડે છે. આપણે તો રોજ સવારે ઊઠીને માબાપને પગે લાગીએ છીએ. સ્વર્ગસ્થ હોય તો એમની સ્મૃતિને વંદન કરીએ છીએ.

પશ્ચિમના આવા ફિતૂરની આડઅસરો જોઈ તમે? ‘પુરુષ સમોવડી’ બનવાના અભરખામાં કેટલીય છોકરીઓ સિગારેટ પીતી થઈ ગઈ, દારૂ પીતી થઈ ગઈ. અમને યાદ છે કે મુંબઈની સિડનહેલ કોલેજની કેન્ટીનમાં એક જમાનામાં મિસ ઈન્ડિયાની કોન્ટેસ્ટમાં ભાગ લેનારી યુવતીને સિગારેટ પીતાં જોઈ ત્યારે અમે ખુદ સ્મોકર હોવા છતાં ચક્કર ખાઈને ગબડી પડયા હતા. આજે અમે જ્યારે સ્મોકિંગની ખતરનાક અસરો વિશે જાણ્યા પછી ધૂમ્રપાનને સદંતર તિલાંજલિ આપી દીધી છે ત્યારે અમારા ઘરની નીચે સ્ટારબક્સની બહાર ઊભાં ઊભાં નજીકની સ્કૂલ-કોલેજની છોકરીઓને કે પછી આજુબાજુના બીપીઓમાં દિવસરાત પ્રામાણિક મહેનત કરતી યુવતીઓને સિગારેટ પર સિગારેટ પીતાં જોઈને ફરી ચક્કર આવવા માંડે છે. દારૂનો નશો ખોટી ચીજ છે. પુરુષો કરે તો પણ ખોટું જ છે. પુરુષ સમોવડી બનવા માટે આ છોકરીઓ-સ્ત્રીઓ ચડસાચડસીમાં પુરુષો કરતાં વધુ નશો કરવામાં ગૌરવ અનુભવતી થઈ ગઈ છે.

ફેમિનિઝમ અને વુમન એમ્પાવરમેન્ટના રવાડે ચડીને મોટી પળોજણ શું સર્જાઈ છે, જાણો છો તમે? આપણે આપણી દીકરીઓને ઉચ્ચ શિક્ષણ આપતા થયા, કરિયરમાં આગળ વધે એ માટે પ્રોત્સાહન આપતા થયા. આટલે સુધી તો સારું જ થયું. દીકરીઓને ઉચ્ચ શિક્ષણ અને ઉચ્ચ કરિયર માટે પ્રોત્સાહન આપવું જ જોઈએ. પણ પછી એ જ દીકરી પાસે અપેક્ષા રાખતાં થઈ ગયા કે સારું પાત્ર શોધીને ઘરસંસાર માંડે, બાળકો પેદા કરીને માતૃત્વનો મહિમા જાળવે અને પતિ સાથે સુખેથી જીવે. જે માબાપોએ જે દીકરીને નાનપણથી ઉચ્ચ શિક્ષણ પામીને પાઇલટ વગેરે બનવાનાં સપનાં દેખાડયાં છે એ માબાપોએ દીકરીને ઘર કેવી રીતે સંભાળવું, છોકરાં કેવી રીતે સાચવવાં, પતિ સાથે કેવી રીતે રહેવું, રસોઈ કેવી રીતે બનાવવી એના સંસ્કાર આપ્યા જ નથી. આવા સંસ્કાર ન આપ્યા હોય તો કશું ખોટું પણ નથી, પરંતુ એ જ માબાપો દીકરી મોટી થઈ ગયા પછી એવી આશા રાખે કે જેની ટ્રેનિંગ એને નથી મળી એવી જિંદગી પણ જીવતી થઈ જાય તો એ ઘણો મોટો અન્યાય છે દીકરી માટે. ભણીગણીને કરિયરમાં ખૂંપી જતી દીકરી આદર્શ પત્ની તરીકે ઘર પણ સંભાળે એવો કોઈ આગ્રહ ન રાખવો જોઈએ, એવી આશા પણ ન હોવી જોઈએ.

૮મી માર્ચનો ઈન્ટરનેશનલ વીમેન્સ ડે સ્ત્રીઓને વધુ શક્તિશાળી બનાવવા માટે ઊજવાય છે કે પછાત બનાવવા માટે?

– આજનો વિચાર

કાર્યેષુ મંત્રી,
કરણેષુ દાસી,
ભોજ્યેષુ માતા,
શયનેષુ રમ્ભા.
ધર્માનુકૂલા ક્ષમયા ધરિત્રી,
ભાર્યા ચ ષાડ્ગુણ્ય વતીહ દુર્લભા.

( ગરુડ પુરાણ, પૂર્વ ખંડ, આચાર કાંડ ૬૪/૬)

કામકાજ વખતે મંત્રી,
ગૃહકાર્ય વખતે દાસી,
ભોજન વખતે માતા,
રતિ વખતે રંભા,
ધર્મ વખતે સાનુકૂળ
ક્ષમા વખતે ધરિત્રી (પૃથ્વી)
આ છએય ગુણો જેનામાં હોય એવી પત્ની મળવી દુર્લભ હોય છે.

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

5 COMMENTS

  1. Informative and great article! You have started journey from thousands of year old our great heritage and how other parts of the worlds. Every one of us do naman to Naari Shakti. We do recognize them as a Shakti Swaroop. Agree we don’t need to run after western world.

  2. મહિલા દિવસ નિમિત્તે ઘણાં લેખો વાંચવા મળ્યા.એમાં જુદો પડતો આપનો લેખ .મનનીય,વિચાર પ્રેરક,અને વાસ્તવિક. હૈ યશો ,હૈ યશો ના ઘોઘાટ માં સાચી નારી વંદના.

  3. મહિલા દિવસ પરનો લેખ ખુબ સુંદર છે. સાગરને ગાગરમાં સમાવી દીધો….!
    પશ્ચિમી સંસ્કૃતિ વિષે આંખો ખુલી જાય તેવું સચોટ નિરૂપણ ….!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here