‘વિદેશીઓને આપણે શ્રીકૃષ્ણ વિશે શું આવો બોધપાઠ આપવા માગીએ છીએ’ : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ : સોમવાર, ૨૬ એપ્રિલ ૨૦૨૧)

મારા બે મુખ્ય પ્રશ્ન હતા જે રજૂ કરીને મેં સ્વામી સચ્ચિદાનંદજી સાથેના વાર્તાલાપનો આરંભ કર્યો. પહેલી મૂંઝવણ રજૂ કરતાં મેં કહ્યું, ‘મહાભારતકારે શ્રીકૃષ્ણનું ચરિત્ર આલેખ્યું છે એમાં ન તો એમના બાળપણની વિગતો છે ન અન્ય બીજી ઘણી બાબતો પર પ્રકાશ પાડ્યો છે. એક રાજા, એક વિષ્ટિકાર અને એક પ્રબુદ્ધ વ્યક્તિ તરીકે શ્રીકૃષ્ણનું નિરૂપણ છે એવી મારી છાપ છે, ભૂલ થતી હોય તો તમે સુધારજો. અને મહાભારતની રચનાના અમુક હજાર વર્ષ પછી જે પુરાણો લખાયાં એમાં શ્રીકૃષ્ણની બાળલીલાથી માંડીને બીજું વગેરે વગેરે લખાયું. મને પ્રોબ્લેમ બાળલીલાનો નથી જેમાં નાગદમન કે કંસવધ વગેરેની વાતો હોય, એની સાથે કોઈ નિસબત નથી એ વાર્તાઓ આપણે ઘડી કાઢી. મારો પ્રોબ્લેમ શ્રીકૃષ્ણને રાસલીલાથી માંડીને, ગોપીઓથી માંડીને એ બધી લીલાઓમાં જે રીતના દેખાડ્યા… માખણચોર કૃષ્ણનો કોઈ પ્રોબ્લેમ નથી પણ આ બધું જે આખું ઊભું કર્યું – શ્રીમદ્ ભાગવત પુરાણમાં – અને એને કારણે મારા જે આરાધ્ય દેવ છે જેમની પ્રજ્ઞામાંથી કે જેમના જ્ઞાનમાંથી મારે ચાર વાત શીખવાની છે, પ્રેરણા લેવાની છે એને બદલે આજકાલના લેખકો, કથાકારો હોય કે પુષ્ટિમાર્ગના આચાર્યો હોય… આ બધા પોતાના મનની ફેન્ટસીઓ કે મનની ગંદકીઓને કૃષ્ણના નામે – કૃષ્ણ રુક્મિણી કે કૃષ્ણ – ફલાણી કે કૃષ્ણ ઢીંકણીના નામે કે આટલા હજાર રાણીઓ… આ બધું મને બહુ ઓફેન્ડિંગ લાગે છે. ઘણાં વર્ષો પહેલાં મેં તમારા પુસ્તક ‘શ્રીકૃષ્ણલીલા રહસ્યમાં વાંચેલું અને અત્યારે અહીં આવતાં પહેલાં તાજું કર્યું. તમે બહુ સરસ રીતે રસ્તો કાઢ્યો છે કે આ બધા પ્રસંગો – પાત્રોને પ્રતીકરૂપે લેવાનાં. પણ આ તમે તમારા પૂરતું રાખ્યું છે. બધા કંઈ વાતો આ વાતોને પ્રતીકરૂપે લેતા નથી. અને બીજી એ વાત કે વેદ વ્યાસે મહાભારત લખ્યું જેમાં ગીતાનો પણ સમાવેશ થઈ ગયો એમણે જ અમુક હજાર વર્ષ પછી શ્રીમદ્ ભાગવત લખ્યું એવું કેવી રીતે બને. વેદ વ્યાસનું આયુષ્ય હોઈ હોઈને કેટલું હોઈ શકે? તો આ એક આખી બનાવટી, ભરમાવવાની કે કમાવવાની જે વૃત્તિ છે – કમાણી સામે મને કોઈ વાંધો નથી. ગરુડપુરાણ બેસાડવાથી કોઈને બે પૈસા મળતા હોય તો ભલે કમાય. પણ જે ખરેખર આપણા ભગવાન છે – રામ અને કૃષ્ણની આપણી પરંપરા – મારી અસમંજસ આ છે. મેં તમારામાં બીટવિન ધ લાઈન્સ વાંચ્યું અને વિવેકાનંદમાં પણ વાંચ્યું કે ‘અત્યારે આપણને જરૂર છે એક પ્રતાપી એવા શ્રીકૃષ્ણની, પ્રેમકેલિ કરનાર શ્રીકૃષ્ણની નહીં.’ મારે ભવિષ્યમાં ભાગવત અને મહાભારતનો વિશેષ અભ્યાસ કરવો છે. પણ અત્યારે જે મૂંઝવણ છે કે મહાભારતવાળા કૃષ્ણ અને ભાગવતવાળા કૃષ્ણ – આમાંથી કયા સાચા? તમારા વાંચન, અનુભવ અને આકલનના આધારે તમે મારી સમજણ વધારો અને જ્યાં મારી ભૂલો થતી હોય ત્યાં ટપારો.

મેં સ્વામીજી આગળ એક ગહન વિષયની લાંબી પ્રસ્તાવના બાંધીને મારી અસમંજસ, મારી મૂંઝવણ, મારા પ્રશ્નો, મારી સમસ્યા – બધું જ ઠાલવી દીધું. બાપજીએ અત્યંત સ્પષ્ટ શબ્દોમાં, ૮૭ વર્ષે પણ એકદમ રણકદાર અવાજમાં એક પછી એક વાતને ઘૂંટીને સાહજિક રીતે બોલવાનું શરૂ કર્યું:

‘મારી દૃષ્ટિએ શ્રીકૃષ્ણ જ નહીં, રામના પણ બે એંગલો છે. એક એમનું ધાર્મિક એન્ગલ અને બીજું એમનું વાસ્તવિક કે ઐતિહાસિક એન્ગલ. બેઉમાં મોટું અંતર છે. અને એમાં પણ જે ધાર્મિક એન્ગલ છે તે ઐતિહાસિક એન્ગલને સહન કરી શકતું નથી. ઈતિહાસ છે તે તો થોડાક લોકો માટે છે અને એ શ્રદ્ધાનો વિષય નથી, બુદ્ધિનો વિષય છે. ધાર્મિક છે એ તો શ્રદ્ધાનો વિષય છે, માણસના મનમાં તો સદીઓથી એ બધું બેઠેલું છે. બેઉમાં બહુ મોટું અંતર છે. મારી દૃષ્ટિએ તો ભાગવત તો બહુ મોડે રચાયું. બહુ મોડે એટલે બારમી-તેરમી શતાબ્દીમાં (અર્થાત્ આજથી માત્ર ૭૦૦-૮૦૦ વર્ષ અગાઉ). પાંચમી-સાતમી શતાબ્દીમાં અમુક પુરાણો રચાયાં પણ ભાગવત તો છેક બારમી-તેરમી સદીમાં રચાયું. અને કહેવાય છે કે બંગાળનો એક બહુ મોટો કવિ વામદેવ એણે આ રચ્યું છે. અને રચ્યું છે અદ્ભુત. એની ભાષા, એના શ્લોકો અદ્ભુત છે, એમાં કોઈ શંકા નથી – સાહિત્યની દૃષ્ટિએ. પણ એનું જે સમાજ ઉપર પરિણામ આવ્યું તે બહુ સારું ના આવ્યું, બહુ ભયંકર આવ્યું. ગુજરાતમાં પુષ્ટિમાર્ગવાળાએ એનો દુરુપયોગ કર્યો અને બંગાળમાં નિતાઈ ગોસાંઈવાળાએ, ચૈતન્ય મહાપ્રભુવાળાઓએ. ચૈતન્ય મહાપ્રભુ મહાન પણ એમના અનુયાયીઓએ – ગૌડી સંપ્રદાયના લોકોએ બહુ દુરુપયોગ કર્યો. એમાંથી જે બ્લ્યુપ્રિન્ટ તૈયાર થઈ તે બ્લ્યુપ્રિન્ટે સમાજનું બહુ નુકસાન કર્યું – તમારી વાત સાચી છે. હવે તમે જો વાસ્તવિકતાની દૃષ્ટિએ જુઓ તો આખું કૃષ્ણચરિત્ર કાલ્પનિક છે. કાલ્પનિક એટલા માટે છે કે દેવકી છે એ કંસની બહેન છે. ભાઈબહેનને બહુ પ્રેમ છે. દેવકી કંસને ત્યાં આવે ત્યારે કંસ એટલું બધું એને આપે છે… ગાડાંનાં ગાડાં ભરીને છેક ભાગોળ સુધી… મારી બહેનને આ આપો, મારી બહેનને આ આપો… હવે એમાં ઓચિંતાની આકાશવાણી થાય કે ‘કંસ, આના આઠમા ગર્ભથી તારો કાળ જન્મ શે.’ અને કંસની દૃષ્ટિ બદલાઈ ગઈ. એને મારવા લીધી. વચ્ચે પડ્યા લોકો. મારશો નહીં. આ બહેન થાય. સ્ત્રીહત્યા થાય. કંસે એને મારવાની બંધ કરીને જેલમાં પૂરી. જેલમાં પૂરી દીધી એટલું જ નહીં, પાછા પતિનેય ભેગા પૂર્યા! હવે મારું એમ કહેવું છે કે આકાશવાણીને ખબર હતી કે આઠમો ગર્ભ કંસનો કાળ થવાનો છે તો એના સાત ગર્ભ તો થવા દેવા હતા. આટલી ઉતાવળ શું કામ કરી? વગર જોતાં સાતેય મારી નાખ્યા. બીજું, એ જમાનામાં ઑપરેશન નહીં થતાં હોય, નહીં તો આજે તો એવું થાય કે આનું ગર્ભાશય જ કાઢી નાખોને કે પછી બાળક જ ના જન્મે. આજે તો આવું થઈ શકે. વળી વસુદેવને તો બીજી પત્ની હતી જ રોહિણી (રેણુકા નહીં). ત્રીજું, જેલમાં જ પૂરવાં છે તો બેઉને ભેગાં શું કામ પૂર્યાં – જુદાં જુદાં પૂરવાં હતાં ને. પણ બેઉને ભેગાં પૂર્યાં. એટલે આ કોઈ લૉજિક નથી. એક પછી એક ગર્ભ જન્મે તે કંસ મારે ને કંસ મારે ને એમ કરતાં કરતાં આઠમું બાળક જન્મે અને પછી એ છટકીને સામે જતાં રહે – નંદબાવાને ત્યાં. ત્યાં ઉછરીને મોટા થાય. કંસે આખા વ્રજનાં બધાં બાળકોને મરાવી નાખ્યાં છતાં કૃષ્ણ બચી ગયા. આ બાળકને મારવા માટે કંસે જે રાક્ષસો મોકલ્યા છે તે રાક્ષસોનાં નામ સમજવા જેવાં છે. અઘાસુર, બકાસુર, ફલાણાસુર… આવા રાક્ષસો કોઈ હોય નહીં. આવા રાક્ષસોને મોકલવા – કૃષ્ણને મરાવી નાખવા એ કંઈ વાસ્તવિક ઘટનાઓ નથી. છેવટે પૂતનાને મોકલી. અને પૂતનાએ સ્તનપાન કરાવવાની કોશિશ કરી ને પૂતના પોતે જ મરી ગઈ. આ બધા અસુરોનો નાશ કર્યો. મારું એક પુસ્તક છે ‘શ્રી કૃષ્ણલીલા રહસ્ય’ એ ખાસ વાંચજો (૧૯૮૫માં બાપજીની આત્મકથા ‘મારા અનુભવો’ પ્રગટ થઈ. એ જ વર્ષે આ પુસ્તક પણ પ્રગટ થયું. મારી પાસે ૧૯૯૬માં પ્રગટ થયેલી આવૃત્તિ છે. એ પછી વધુ આવૃત્તિઓ પ્રગટ થઈ ચૂકી છે. -સૌ.). મેં એનાં રૂપકો આપ્યાં છે. અઘાસુર એટલે કોણ અને બકાસુર એટલે કોણ, શકટાસુર એટલે કોણ અને ફલાણાસુર એટલે કોણ… પછી છેવટે કંસને મારવા જાય છે અને બલરામ અને કૃષ્ણ બંને જાય છે. પહેલાં તો બધું દહીં લૂંટે છે ને ગોરસ લૂંટે છે… આ પણ એક જોવા જેવું છે. ગામડાંમાં જે દહીં કે ગોરસ વેચવા આવતા એમની પાસેથી દાણ લેવામાં આવતું. રાજાનો અધિકાર છે. આપણે ત્યાં જેમ પ્રાચીનકાળમાં ટેક્સ લેવામાં આવતો. કોઈ પણ વસ્તુ તમે વેચો એટલે ભરવો પડે. એ તો રાજાનો હક્ક છે, એ આવક વિના રાજ્ય ચાલે કઈ રીતે? એ બંધ કરાવ્યું. પછી ધોબીને લૂંટ્યો. કપડાં પહેર્યાં. અને પછી કુબજાને ત્યાં ગયા. ભાગવતમાં જે કુબજાના ઘરનું વર્ણન તમે જુઓને તો તમને નવાઈ લાગે. નગ્ન ચિત્રો છે ને આવું છે તે તેવું છે. પછી કુબજા સાથે સંભોગ કર્યો કે પ્રેમ કર્યો અને કુબજાને રાણી બનાવી અને પછી કંસને માર્યો. આ અત્યાર સુધીની કોઈ ઘટના વાસ્તવિક નથી, કાલ્પનિક છે, રૂપકો છે. પણ લોકોને કહેવામાં આવતું નથી કે આ રૂપકો છે. વાસ્તવિક માનીને જ એ ભજવાય છે, સ્વીકારાય છે અને કથાકારો તો એટલો બધો રસ ઊભો કરે, રાસલીલા કરાવે, નાગને નાથે. અરે જે ગામમાં સોળ હજાર સ્ત્રીઓ રહેતી હોય એનાં ચીરહરણ કરે તો ગામના પુરુષો લાકડી લઈને મારવા ના દોડે?…સૂર્યોદય થઈ રહ્યો છે. કોઈક પુરુષ તો ઘરની બહાર નીકળેલો હોય ને. અને બધી સ્ત્રીઓ કઈ થોડી… મેં તો એર-ઈન્ડિયામાં આવું ચિત્ર જોયેલું. એક વખત પરદેશ જતો હતો ત્યારે એર-ઈન્ડિયાના વિમાનમાં ચિત્ર દોરેલું કે ગોપીઓ બધી ગુપ્તાંગ ઢાંકીને ઊભેલી. મને થયું કે પરદેશીઓને આપણે શું બોધપાઠ આપવા માગીએ છીએ કે અમારા ભગવાન આવું કરાવે!’

બાપજી સાથેની વાતચીતનો મિજાજ ક્રમશ: ખુલી રહ્યો છે. વધુ આવતી કાલે.

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

•••
આ લેખ તમને ગમ્યો? ન્યુઝપ્રેમીને સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here