હાથમાં પેન-પેન્સિલ પકડીને લખવું કે કૉમ્પ્યુટર પર ટાઇપસેટિંગ કરવું : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ ક્લાસિક : સોમવાર, ચૈત્ર વદ ૧૪ વિક્રમ સંવત ૨૦૭૭. ૧૦ મે ૨૦૨૧)

મને કાગળ પર પેન કે પેન્સિલથી લખવાનું ગમે છે. કૉમ્પ્યુટર પર ક્યારેક લખવું પડે તો લખીએ પણ ફાવતું નથી કારણ કે આવડતું નથી. છેલ્લાં વીસ-પચ્ચીસ વર્ષ દરમ્યાન ઓછામાં ઓછા ચાર-પાંચવાર સિરિયસ પ્રયત્નો કર્યા હશે કે કૉમ્પ્યુટર પર ડાયરેક્ટ ગુજરાતી ટાઈપસેટિંગ કરતાં શીખી જઈએ, છેવટે માંડ માંડ ફોનેટિક કીબોર્ડ પર ક્યારેક થોડું ઘણું ગુજરાતી લખી લઉં છું, સાયન્ટિફિકલી શીખીને ગુજરાતીમાં લખવામાં જે શિસ્ત જોઈએ તે મારામાં નથી અને ક્યારેક એનો મને રંજ પણ રહેતો. મારા કરતાં ઉંમરમાં વીસ-વીસ વરસ મોટા લેખકોમાંના કેટલાક સીધું કૉમ્પ્યુટર પર લખતા થઈ ગયા છે, યંગવન્સ તો લગભગ બધા જ.

અંગ્રેજીમાં ઈમેલ વગેરે પૂરતું ટાઈપ કરી લઈએ પણ દસે આંગળીએ નહીં, બે જ આંગળીએ. છેક ટેન્થના વૅકેશનમાં વતનના ગામે મારા વકીલ દાદા મને ટાઈપિંગ ક્લાસ ભરવા મોકલતા. (તે વખતે એમને કદાચ એમ હશે કે આ છોકરો ભવિષ્યમાં રાઈટર બનીને ગુજરાન ન ચલાવી શકે તો કમ સે કમ કોર્ટની બહાર ટાઈપરાઇટર પર બેસીને ગુજરાન તો ચલાવી શકે!) પણ તે ય શિસ્તના અભાવે શીખ્યા નહીં.

આજે હું જ્યારે કોઈને કીબોર્ડ પર અંગ્રેજીમાં મિનિટના સાઈઠની સ્પીડે ટાઈપ કરતાં જોઉં છું ત્યારે મને એમના માટે ખૂબ માન થાય છે. અને એમાંય ગુજરાતીમાં કે અન્ય કોઈ ભારતીય ભાષામાં આ સ્પીડે કોઈને કામ કરતાં જોઉં ત્યારે તો એમને સાષ્ટાંગ દંડવત્ કરવાનું મન થાય. કેવી રીતે તેઓ આ ઝડપે ‘કૉમ્પ્યુટર પર લખી’ શકતા હશે. ધે આર ધ બ્લેસ્ડ વન્સ.

પણ મારી પાસે એવા આશીર્વાદ નથી એટલે ઘણી વખત આ બાબતે હું મને ઈન્ફીરિયર ગણતો. અને બહાદુરી બતાવવા કહ્યે રાખતો કે આપણને તો ભાઈ, કાગળ પર પેનથી કે પેન્સિલથી લખવાની બહુ મઝા આવે. અને પછી સુપિરિયર ફીલ કરવા રહેતો કે તમને ખબર છે, જેફ્રી આચર પણ લૉન્ગ હૅન્ડમાં કાગળ પર પેનથી લખે છે અને શોભા ડે પણ લૉન્ગ હૅન્ડમાં પેન્સિલથી લખે છે. મોટા મોટા લેખકો ટાઈપ ના કરે, હાથથી લખે એવું જતાવીને હું પણ જાતને અને બીજાઓને મનાવવાની કોશિશ કરતો કે હું પણ ‘મોટો લેખક’ છું.

એક વખત મને ફેસબુક પર એક લિન્ક મળી જેના વિઝયુઅલમાં કાગળ પર પેનથી લખનારો હાથ હતો અને ઉપર આ વાક્ય અંગ્રેજીમાં સુપર ઈમ્પોઝ કર્યું હતું: હાથથી લખવાથી બ્રેઈનના એ એરિયાઝ એક્ટિવેટ થાય છે જે તમને વધારે સારી અને વધારે ઝડપી રીતે શીખવામાં મદદ કરે છે. લિન્ક ખોલી. ‘સાયન્સ એલર્ટ’માં કોઈએ લખેલો રિપોર્ટ હતો.

એ રિપોર્ટનો સાર તમને કહું: કીબોર્ડ પર લખવાથી આપણો કિંમતી સમય ઘણો બચી જાય છે પણ હાથથી લખવાના ઘણા બધા ફાયદા છે. સંશોધકોએ પુરવાર કર્યું છે કે જે બાળકો હાથથી લખતાં શીખી જાય છે તેઓ વાંચતાં પણ ઝડપથી શીખે છે. એ બાળકો જે વાંચે છે તે એમના મગજમાં યાદ રહી જાય છે અને નવા નવા આઈડિયાઝ પણ એમને વધારે આવે છે.

રિપોર્ટ મુજબ, પેરિસની ‘કૉલેજ દ ફ્રાન્સ’ના સાયકોલોજિસ્ટ સ્ટેનિલાસ ડહેને ‘ધ ન્યુ યોર્ક ટાઈમ્સ’ને કહ્યું: ‘આપણે જ્યારે (હાથથી) લખીએ છીએ ત્યારે ઑટોમેટિક્લી એક યુનિક પ્રક્રિયા મગજમાં શરૂ થઈ જાય છે. (હાથથી લખવામાં) દરેક અક્ષરના જે વળાંકો આવે છે તે મગજ રેક્ગ્નાઈઝ કરે છે અને એને કારણે તમારું દિમાગ સ્ટિમ્યુલેટ થાય છે.

બીજો એક સ્ટડી અમેરિકામાં થયો. ઈન્ડિયાના યુનિવર્સિટીના એ સ્ટડીમાં બહાર આવ્યું કે બાળકો હાથથી લખતાં હોય ત્યારે દિમાગના ત્રણ ભાગ એક્ટિવેટ થાય છે- લેફ્ટ ફુસિફોર્મ ગાયરસ, ઈન્ફીરિયર ફ્રન્ટલ ગાયરસ અને પોસ્ટીરિયર પેરિએટલ ગાયરસ. (એટલે શું તે પૂછીને મારા મગજનું દહીં ન કરતા). દિમાગના આ ત્રણેય એરિયાઝ મોટા લેખકો હાથથી લખે છે અને વાંચે છે ત્યારે એમના દિમાગમાં પણ એક્ટિવેટ થાય છે આ એક વાત. અને બીજી વાત જે છોકરાંઓ ટાઈપ કરતા હોય એમના દિમાગમાં આવું એકિ્ટવેશન થતું નથી.

આ સ્ટડી કરવામાં જેમણે ભાગ લીધો તે કેરિન જેમ્સે ‘ધ ન્યૂ યોર્ક ટાઈમ્સ’ને કહ્યું કે હાથથી લખનારાઓના દિમાગે કાગળ પર એક અક્ષર, એક શબ્દ ઉતારતાં પહેલા નક્કી કરી લેવાનું હોય છે કે જે ભાવના વ્યક્ત કરવાની છે તે ક્યા શબ્દોમાં વ્યક્ત કરવાની છે અને એના કરતાં વધારે, એ શબ્દો લખવા માટે એના અક્ષરોના કેવા કેવા વળાંકો લખવાના છે.

આ વળાંકો નક્કી કરવાની પ્રક્રિયાને કારણે દિમાગ વધારે સતેજ થતું હોય છે.

બીજી કેટલીક સ્ટીઝમાં પણ પુરવાર થયેલું છે કે જે બાળકો ટાઈપ કરવાને બદલે હાથેથી લખે છે તેઓ વધારે શબ્દો લખી શકે છે અને મૌલિક વિચારો પણ વધારે આપી શકે છે. આ બાળકોની સ્મૃતિ શક્તિ પણ વધારે તેજ હોય છે.

મોટા માણસો પોતાના લેક્ચર કે પ્રેઝન્ટેશન માટે હાથેથી લખેલી નોટ્સ સાથે રાખે ત્યારે કામ વધારે સારું થતું હોય છે. લૅપટૉપ પર કે આઈપૅડ પર નોટ્સ રાખીને બોલતા કે પ્રેઝન્ટેશન આપતા મહાનુભાવોએ નોંધ લેવી.

બીજું, સ્ટડીઝ કહે છે કે જેમના અક્ષર સુંદર હોય એમના દિમાગના પેલા ત્રણ એરિયાઝ વધુ સારી રીતે ઍકિ્ટવેટ થતા હોય છે, એમની સ્મૃતિશક્તિ સારી હોય છે.

તો અહીં રિસર્ચવાળી વાત પૂરી થઈ.થોડી બીજી વાત.

લેખકોમાં સૌથી ગરબડિયા અક્ષર બકુલ ત્રિપાઠીના હતા. એક વખત ભગવતીકુમાર શર્માએ કહ્યું હતું કે, ‘ બકુલભાઈને હું કહેતો કે તમારે પોસ્ટકાર્ડ લખતી વખતે મથાળે શ્રી ગણેશાય નમઃ કે એવું કંઈ પણ લખવું જોઈએ. બકુલ ત્રિપાઠી પૂછે : કેમ? મેં કહ્યું: પોસ્ટકાર્ડ ઊંધો પકડ્યો હોય તો ખબર પડે!’

ગુજરાતી લેખકોમાં અશોક દવેના અક્ષર સૌથી સુંદર. લિટરલી મોતીના દાણા જેવા. અશોક દવેનો લેખ લખાઈને આવે તો જાણે ટાઇપસેટિંગ કરીને મોકલ્યો છે એવું લાગે.

એક વખત મારા મિત્ર લલિત લાડ (મન્નુ શેખચલ્લી) સાથે હસ્તાક્ષર વર્સીસ કૉમ્પ્યુટર પર ટાઇપસેટિંગ વિશે લાંબી વાત થઈ. મારા અને એમના વિચારો ઘણા મેચ થતા હતા. વાતના અંતે એમણે મને કહ્યું એ તમારી સાથે શેર કરું કે ન કરું એની અવઢવ છે. પણ ઠીક છે. આત્મશ્લાઘા લાગે તો લાગે. લલિત લાડ કહે: કૉમ્પ્યુટરને બદલે તમે હાથથી લખો છો એટલે તમારાં લખાણોમાં જે ફ્રેશનેસ છે એ કૉમ્પ્યુટર પર લખનારાઓમાં આવતી નથી.

છેલ્લે બાકી રહી ગયેલી એક સૌથી મોટી વાત.

ગાલિબનો એક શેર મને ખૂબ ગમે છે. હસ્તાક્ષરના ગુણગાન એમાં ગવાયા છે. શેર છે: આતે હૈ ગૈબ સે યે મઝામીં ખયાલ મેં/ ગાલિબ સરીર-એ-ખામા નવા-એ સરોશ હૈ.

ઘણી વખત આ શેર મેં ક્વોટ કર્યો છે પણ લાગે છે કે સૌથી રિલેવન્ટ આ જગ્યા છે.

ગાલિબ કહે છે: આ જે બધા લેખ (કે કવિતા) માટેના વિષયો આવે છે તે બધા ઉપરથી, ગૈબમાંથી આવે છે. આ જે કાગળ પર કલમ (ખામા)ના ઘસાવાથી જે રવ (સરીર) ઉત્પન્ન થાય છે તે બીજું કશું નહીં પણ નવા-એ-સરોશ છે, ફરિશ્તાઓનું ગુંજન છે!

તો દોસ્તો, આટલાં વર્ષે હવે, મને ગૌરવ થાય કે હું હાથથી લખું છું.

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

12 COMMENTS

  1. આદરણીય સૌરભભાઇ સરસ અભિવ્યક્તિ…
    પરંતુ મારો સ્વાનુભવ કંઇક જુદો છે.
    મે લખવાની શરૂઆત કાગળ અને કલામથી કરી. પરંતુ લખ્યા પછી typesetting પણ ખિસ્સાને પરવડે તેમ ન હોય જાતે જ કરવું પડતું. તેથી ધીરે ધીરે કાગળ પર વિચારોને અભિવ્યક્ત કરવાનો બદલે સીધા જ ટાઇપ કરવા વધુ સરળ પડવા લાગ્યું.
    મને લાગે છે કે મગજના સ્તરે થતાં ચિંતનમાં કાગળ પર લખવા અને ટાઇપ કરવાથી કોઈ ફરક પડતો નથી.
    ઉલટાનું એક લખેલા શબ્દ કે વાક્યને સુધારવું વધુ અનુકૂળ પડે છે. હા, સીધું ટાઇપ કરેલું લખાણ હોય ત્યારે તેના પ્રૂફને સુધારવાની જવાબદારી પણ એજ લખનારની હોવાથી તેમાં ભૂલ રહી જવાની સંભવ રહે છે.
    કારકિર્દીની શરૂઆતમાં મારે ફરજિયાત ટાઇપ કરવું પડતું… હવે ચુકાદાઓ dictate કરવા સ્ટેનોગ્રાફર સુવિધા છે. છતાંપણ જાતે ટાઇપ કરવાનું કોઠે પડી ગયું છે. તેથી કાગળ પર લખવા કે ડિક્ટેશન આપવાને બદલે જાતે ટાઇપ કરવાનું વધુ પસંદ આવે છે.

  2. સૌરભભાઇ, ખૂબ સુંદર લેખ અને વિચાર અભિવ્યક્તિ. ખૂબ ગમી. હું પણ માનું છું કે જ્યારે કાગળ, કલમથી આપણે કૃતિ લખીએ છીએ ત્યારે સહજ ગૌરવ લઈ શકીએ છીએ કે જેવું છે તેવું પણ આ મારું સર્જન છે.

  3. તો પછી આ બધું તમારુ હાથે લખેલું કમ્પ્યુટર ટાઈપસેટમા કોણ નાખે છે?

    • હાથેથી લખાઈ ગયા પછી એને સ્કૅન કરી મારા ટાઇપસેટરને અમદાવાદ ઇમેઇલ થાય. મૅટર પાછું આવે એટલે એમાં જે કંઈ સુધારાવધારા,ફેરફારો, એડિટીંગ,પૉલિશિંગ તથા પ્રૂફ રીડિંગ કરવાનું હોય તે કામ હું કૉમ્પ્યુટર પર કરું. અમુક લખાણો માટે આટલું કર્યા પછી કાગળ પર એની પ્રિન્ટ કાઢીને ચોકસાઈ માટે આ આખી ય પાંચ તબક્કાની પ્રોસેસ વધુ એક વાર કરું. પુસ્તક માટે જે લખાણો તૈયાર થાય એમાં આવી ડબલ પ્રક્રિયા જરૂરી.

      વિચાર સ્ફૂરવો,એ વિચાર પર મનન કરવું, અમુક વિષયો એવા હોય જેના પર રિસર્ચ કરવું જરૂરી હોય કે કોઈની સાથે ચર્ચા કરવાની હોય, પછી એ બધા મામલાનો મનમાં એક આર્કિટેક્ટની માફક નકશો બનતો જાય અને એન્જિનિયર એ ઇમારતને કાગળ પર લેખરૂપે આકાર આપે. છેવટે રંગરોગાન અને ઇન્ટિરિયર ડેકોરેશન. બસ, લેખ તૈયાર!

  4. સરસ લેખ સૌરભભાઇ, જાણીને સાનંદાશ્ચર્ય થયું કે આપશ્રી કાગજ કલમ વાપરો છો. તમારા ગણાબધા લેખો માં તમે છાપા, મેગેઝિન અને બીજા પ્રિન્ટ મીડિયા ને બદલે ઓનલાઇન અને ડિજિટલ મીડિયા એજ ભવિષ્ય છે એમ જણાવેલું છે એટલે મારા જેવા વાચકને લાગતું હતું કે તમે કમ્પ્યુટર પર ફટાફટ આંગળીઓ ફેરવીને લેખો લખતા હશો. નાનપણમાં વેકેશન માં ટાઈપિંગ ક્લાસમાં છોકરાવ ને મોકલી આપવાનો ટ્રેન્ડ લગભગ ૧૯૮૦-૮૫ સુધી હતો લગભગ બધા મધ્યમવર્ગીય મુંબઈના પરિવારોમાં.જેવી રીતે હાથથી લખવાના ફાયદાઓ છે, એમજ મારા નિજી મત મુજબ પુસ્તક,છાપુ, મેગેઝિન કે કોઇપણ લખાણ હાથમાં લઈને વાચવાની મજા અલગ જ છે. ક્યારેક મન થાય તો તમારો એકાદ લેખ newspremi પર હસ્તલિખત મૂકશો તો બહુજ આનંદ થશે.

  5. તમારી હાથેથી લખવાની શૈલી જાળવી રાખશો,સાહેબ – અમે આજીવિકાને લીધે કોમ્પ્યુટર પર ડિઝાઇન કરતા થયા પણ – આજે પણ પેન્સિલ કે બ્રશથી કરેલી ડિઝાઇન આત્મસંતોષ – નવી ઉર્જા પ્રદાન કરે, એવી રીતે હાથે લખેલું એક નવી ઉર્જા આપનારું હોય છે

  6. એક્ઝેટલી… કાગળ કલમ થી લખવા ની મજા આવે. પણ અત્યારે અહીંયા તો મારે ટાઈપ જ કરવું પડશે…

  7. તમે Google નું Gboard એપ વાપરો – હું પોતે છેલ્લા ત્રણ વરસ થી આરામથી વાપરી રહ્યો છું… હિન્દી, ગુજરાતી, અને મરાઠી આરામથી ટાઈપ કરી શકું છુ. તમે પણ વાપરી જુઓ…

    • સવાલ કૉમ્પ્યુટર માટેના અભાવનો નથી સાહેબ, કાગળ-કલમ માટેના લગાવનો છે!

      વળી, રોજેરોજ મિનિમમ ૧,૦૦૦થી લઈને ૫,૦૦૦ શબ્દો સુધીનું લખાણ કરવું હોય Gboard સુગમ નથી એવો અનુભવ છે એટલે મેં એ એપ અનઇન્સ્ટોલ કરી નાખી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here