વૉટ્સએપનાં ‘મંગળ સૂત્રો’ : તમારું સ્ટેટસ તમારી આજ છે કે આવતી કાલ! : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ ક્લાસિક : મંગળવાર, ૧૧ મે ૨૦૨૧)

એક દિવસ બેઠાં બેઠાં મેં વૉટ્સઍપનાં સેંકડો સ્ટેટસ એકસાથે વાંચી કાઢ્યાં. સ્ટેટસનું ગુજરાતી શું કરીશું? એ સુવાક્યોને કે જીવનને મંગળ કરી બનાવતાં પ્રેરણાત્મક સૂત્રોને ‘મંગળ સૂત્ર’ કહી શકીએ. જોકે, વૉટ્સઍપનાં બધાં જ સ્ટેટસ ઉત્સાહવર્ધક ન હોય એવું પણ બને. જેની જેવી મનોદશા-તે વખતની. કેટલાક લોકો પોતાના જીવનના ગોલને વૉટ્સઍપના સ્ટેટસ તરીકે મૂકે તો કેટલાક પોતાની તત્કાલીન મનોદશા એ થોડાક શબ્દોમાં વર્ણવે. કેટલાકને કાવ્યપંક્તિ મૂકવામાં રસ હોય તો કેટલાક વૉટ્સઍપે જે રેડીમેઇડ સ્ટેટસ આપ્યાં હોય એ જ વાપરે. દા.ત., બિઝી અથવા અવેલેબલ અથવા સ્લીપિંગ અથવા એટ ધ જિમ. મારા એક નાટયકાર મિત્રનું સ્ટેટસ ચોવીસે કલાક ‘એટ ધ જિમ’ છે. શું બોડી હશે એમનું. મેં એક વખત ‘બજારમાં નવો જ આવ્યો છે, તાબડતોબ ફૉરવર્ડ કરો’વાળી ટેગલાઇન સાથે એકસામટા આવતાં હજારો જોક્સથી ત્રાસીને મારું સ્ટેટસ રાખેલું: ‘નવરા જ બેઠા છીએ, તમારા ફૉરવર્ડની રાહ જોતા…’ અને પછી આંખ મીંચકારીને જીભડો કાઢતું સ્માઇલી મૂકેલું. એની અગાઉનું સ્ટેટસ હતું, ‘કહેવાનું કંઈ નહીં, પણ કરવાનું બધું’ અને એક વખતનું મંગળ સૂત્ર હતું: ‘બી ફર્મ, ડોન્ટ કમિટ.’ ના, એનું ગુજરાતી હું નહીં કરી આપું.

પણ મારે પેલા સેંકડો સ્ટેટસમાંથી મને છૂઈ ગયેલાં સ્ટેટસ તમને કહેવાં છે. મારા એક ટેલેન્ટેડ હાસ્ય-લેખકમિત્રે વૉટ્સએપના સ્ટાન્ડર્ડ સ્ટેટસમાં ફેરફાર કરીને પોતાનું નવું સ્ટેટસ બનાવ્યું છે. ‘કાન્ટ ટૉક, ગપસપ ઓન્લી.’ એક વડીલે સ્ટેટસ મૂક્યું છે. ‘લાઇફ ઇઝ ટૂ શોર્ટઃ લવ ઑલ, ફર્ગિવ ઑલ’. એક ખૂબ જ બિઝી રહેતા મિત્રનું સ્ટેટસ છેઃ ‘એની ટાઇમ અવેલેબલ ફૉર વેલ વિશર્સ.’ એક આઇએએસ ઑફિસર મિત્રે ડગ્લસ એડમ્સની ક્રેડિટ સાથે આ લાંબું વાક્ય સ્ટેટસ તરીકે રાખ્યું છેઃ ‘મારે જ્યાં જવાની ઇચ્છા હતી ત્યાં ભલે ન પહોંચાયું હોય પણ મારે જ્યાં જવું જોઈતું હતું, ત્યાં સુધી તો પહોંચાયું જ છે!’ એક પત્રકાર મિત્રનું સ્ટેટસ છેઃ ‘કમાલ છે, એક અજાણી વ્યક્તિને મેં કહેતાં સાંભળીઃ હું તારી સાથે છું.’ આ સ્ટ્રેન્જર કોણ એની કલ્પના તમારે કરવાની. મારે હિસાબે ઈશ્વર. પણ ઈશ્વર ક્યાંથી અજાણ્યો હોય?

એક ફોટોગ્રાફર મિત્રનું સ્ટેટસ છેઃ ‘જિંદગી કંઈ બધાને ખુશ કરવા માટે નથી મળી, ક્યારેક તો મારે મારી જાત તરફ જોવું જોઈએ.’ એક કવિમિત્રે પર્સનલ વાત પોતાના સ્ટેટસ તરીકે મૂકી દીધી છેઃ બે ગુલાબની વચ્ચે લખ્યું છે, ‘આઇ એમ સૉરી’ અને એક જાણીતા રાઇટર-ડિરેક્ટરે લખ્યું છેઃ ‘કોઈની જિંદગીમાં ખુશી ના સર્જી શકો તો કંઈ નહીં, ગમ તો ક્રિએટ ન કરો.’ એક મિત્ર લખે છે, ‘જે યાદ કરીશું એ જ યાદ રહેવાનું છે.’ એક સફળ બિઝનેસમૅનનું મંગળ સૂત્ર છે. ‘નેગેટિવ એટિટયૂડ પંક્ચર્ડ ટાયર જેવો છે, બદલો નહીં ત્યાં સુધી આગળ વધી શકવાના નથી.’

એક યુવાન પત્રકારમિત્ર રોમેન્ટિક અંદાજમાં સ્ટેટસ પર લખે છેઃ ‘તુમ્હારી યાદ કી ખુશબૂ મેરે દામન સે લિપટી હે… બડા અચ્છા સા લગતા હૈ, તુમ્હેં હી સોચતે રહના.’ મારા એક શીખ પાઇલટ મિત્રનું નાનકડું મંગળ સૂત્ર છેઃ ‘ગૉડ હેઝ બીન વેરી કાઇન્ડ’ અને અદાલતી કામકાજ સાથે સંકળાયેલા યુવાનમિત્રે આ સ્ટેટસ રાખ્યું છે, જેને એના વ્યવસાય સાથે કોઈ લેવાદેવા નથી. ‘નિગાહોં મેં અભી તક દૂસરા ચેહરા નહીં આયા, ભરોસા હી કુછ ઐસા તુમ્હારે લૌટ આને કા.’ ગુજરાતી નાટકોના હીરો અને મારા મિત્ર એવા અભિનેતાએ લખ્યું છેઃ ‘સક્સેસને કારણે હેપીનેસ નથી આવતી, હેપીનેસની લીધે સક્સેસ મળે છે’ અને એક સ્પિરિચ્યુઅલ મિત્ર પોતાના માટે કહે છે, ‘હું એક પીસફુલ, લવફૂલ, પાવરફુલ, પ્યોર, નોલેજેબલ, હેપી, બ્લિસફુલ આત્મા છું.’ રંગમંચ સાથે સંકળાયેલા એક સિનિયર આર્ટિસ્ટ માને છેઃ ‘તમારી સ્ટ્રોંગ ડિઝાયર્સની તાકાત કેટલી છે એના આધારે તમારી ડેસ્ટિની ઘડાતી હોય છે.’ એક સાહિત્યકાર માને છે: ‘તમારો નેચર જ તમારું ફ્યૂચર છે.’ એક બિલ્ડરમિત્રનું બહુ જ સુંદર સૂત્ર છે, ‘મૃત્યુ પામવું સ્મરણો સાથે, સપનાંઓ સાથે નહીં.’

પરદેશ રહેતા ગુજરાતપ્રેમી મુસ્લિમ મિત્રનું સૂત્ર છેઃ ‘તાલીમ વખતે જેટલો પરસેવો વધારે રેડાશે એટલું લડાઈ વખતે લોહી ઓછું વહેશે’ અને એક સિનિયર પત્રકારમિત્ર સ્ટેટસમાં લખે છેઃ ‘ઐસા નહીં કિ મુઝ મેં કોઈ ઐબ નહીં હૈ, પર સચ કહતા હૂં મુઝ મેં કોઈ ફરેબ નહીં હૈ.’

આ વાક્ય મરાઠીમાં છેઃ ‘ચિંતા કેલ્યાને બિઘડલેલ્યા ગોષ્ટિ ચાંગલ્યા હોત નાહી, પણ ત્યાવર ચિંતન કેલ્યાને ચાંગલા માર્ગ સાપડતો.’ તમે નહીં માનો પણ આ મારે ત્યાં નળ રિપેર કરી જનારા પ્લમ્બરનું વૉટ્સઍપ સ્ટેટસ છે! હવે આપણે શું કામ ચિંતકોનાં થોથાં વાંચવાં પડે. એક કવિમિત્ર સ્ટેટસ રાખે છેઃ ‘સો ફાર, સો ગૂડ…’ અને આવી જ કોઈ વાત એક બીજા મિત્રે સ્ટેટસમાં મૂકી છેઃ ‘જિના ઇસી કા નામ હૈ.’ નોટ્સ ટુ માયસેલ્ફ પુસ્તકથી ઇન્ટરનેશનલી ફેમસ થયેલા લેખક હ્યુ પ્રેથરનાં તો અનેક વાક્યો ક્વોટેબલ ક્વોટ છે, જેમાંનું એક મારા તસવીરકાર મિત્રના સ્ટેટસ તરીકે વાંચ્યું તો મઝા પડી ગઈ. ‘ડોન્ટ ફાઇટ વિથ ધ ફેક્ટ્સ, ડીલ વિથ ઇટ’ અને એક અભિનેત્રીનું સ્ટેટસ છેઃ ‘જેને તમે ફર્ગેટ નથી કરી શકતા એમને ફર્ગિવ કરવાનું અઘરું છે’ અને એક તંત્રીમિત્ર લખે છેઃ ‘આજનો દિવસ બેસ્ટ છે, કાલનો બેટર હશે.’

અને પરણેલાઓને આ મંગળ સૂત્ર સો ટચના સોનાનું લાગવાનું. માંડવી-કચ્છના મુસ્લિમ મિત્રનું સ્ટેટસ છેઃ ‘લગ્ન વીજળીના બે તારને અડકાડવાનો ખેલ છે. રાઇટ તાર મળ્યા તો અજવાળું જ અજવાળું, નહીં તો તણખા ને ભડકા.’ એક અન્ય મિત્ર માને છેઃ ‘ખબર નથી પડતી કે હું માણસમાંથી મશીન ક્યારે બની જાઉં છું’ અને સ્વામી સમર્થની કવિ મકરંદ મૂસળે દ્વારા આ ખૂબ સુંદર અનુવાદ પામેલી પંક્તિઓ દિલ્હીમાં રહેતા ગુજરાતીમિત્રે સ્ટેટસ તરીકે મૂકી છેઃ ‘અહંકારથી ક્યાં કશું હાથ લાગે, મના સ્થૂળ પાંડિત્ય ત્યજે તે જ જાણે. મુખે શબ્દનો વ્યર્થ વાપર થવાનો, અહમનો સતત થર ઉપર થર થવાનો.’ અને કોઈ તમારી ધીરજની કે સહનશીલતાની કસોટી કરતું હોય એવું લાગે ત્યારે બીજા એક મિત્રનું સ્ટેટસ ઉઠાવીને તમે તમારામાં ગોઠવી શકો છોઃ ‘ફિતરત કિસી કી યૂં ન આજમાયા કર, હર શખ્સ અપની હદ મેં લાજવાબ હોતા હૈ.’

ફિલોસોફિલ અંદાજ જોવો હોય તો અહીં જોવા મળેઃ ‘ઑલ યુ નીડ ઇઝ લેસ’ અને એક પ્રેક્ટિકલ સલાહ છેઃ ‘બોલવાનું ઓછું, કહેવાનું વધારે.’ એક મિત્રે કટાક્ષમાં કહ્યું છેઃ ‘બધાને સ્વર્ગ જોઈએ છે, પણ સ્વર્ગવાસી કોઈને નથી થવું’ અને સેલ્ફ કૉન્ફિડન્સથી એ જ આ વાત કરી શકે જેણે પોતાની જિંદગી માટે તકલાદી ટેકાઓનો આધાર લીધો ન હોય. ‘જૈસા ભી હૂં અચ્છા યા બુરા, અપને લિયે હૂં, મૈં ખુદ કો નહીં દેખતા ઔરોં કી નઝર સે.’

ટૂંકામાં ટૂંકું સ્ટેટસ મેં આ વાંચ્યું. ‘લેટ ઇટ બી!’ આના કરતાં પણ ટૂંકામાં આ જ વાત કહેવી હોય તો ગુજરાતીમાં કહેવી પડેઃ ‘ભલે…’ અને જિંદગીની ફિકરને દેવ આનંદની જેમ ધુમાડામાં ઉડાવી દેતા અંદાજનું આ સ્ટેટસ વાંચીને મજા પડી ગઈઃ ‘જિસ દિન અપની કિસ્મત કા સિક્કા ઉછલેગા ઉસ દિન ટેલ ભી અપના ઔર હેડ ભી અપના’ અને આ છે પ્રેક્ટિકલ સલાહઃ ‘જે લોકોને પોતાનું કામ કરવામાં જલસા નથી પડતા, એ લોકો ભાગ્યે જ સફળ થતા હોય છે.’

અને કવિમિજાજની આ પંક્તિમાં સ્ટેટસ રાખનારું દર્દ છે અને એમાં જ એમની દવા પણ છેઃ ‘સાથ નહીં તો વિતાવેલી એક પળ આપી દે, હું ક્યાં નફો માગું છું, મુદ્દલ આપી દે.’ આ સ્ટેટસમાં આ સુંદર પંક્તિના રચયિતાનું નામ નથી લખ્યું, પણ મારી સલામ – અને આ સલાહ કોઈને પણ કામ લાગવાનીઃ ‘બીજાની ભૂલોમાંથી શીખી જાઓ, જાત પર પ્રયોગ કર્યા કરશો તો શીખતાં શીખતાં આખી જિંદગી પણ ઓછી પડવાની’ અને એક જણનું સ્ટેટસ છે. ‘જય અંબે પાન પાન ભંડાર…’ સોરી, એ તો એમનો ધંધો છે.

અને આને કહેવાય મિજાજ, જુવાનીનું જોશઃ ‘ખૂબસૂરત તો લડકિયાં હોતી હૈ, હમ તો ખૂંખાર હી અચ્છે લગતે હૈં!’

અને આ સ્ટેટસ તો ફ્રેમમાં મઢાવીને લટકાવવા જેવું છેઃ ‘વો વક્ત ઔર થા જબ આરઝુ થી તેરી, અબ તૂ ખુદા ભી બન જાયે તો સજદા ના કરું’ અને જે બે જણને હું ક્યારેય મળ્યો નથી કે મારી ફોનબુકમાં જેનાં નામ નથી એમને ફરતાં ફરતાં મારું આ સ્ટેટસ મળ્યું હોવું જોઈએ. વૉટ્સઍપનાં સ્ટેટસ પણ વાઇરલ થાય છે, એની ખબર પહેલી વાર પડી. પેલું જ, નવરા જ બેઠા છીએ…વાળું સ્ટેટસ. એક આ સ્ટેટસ પણ મનેે ઇન્ટરેસ્ટિંગ લાગ્યું: ‘અપૂરતા પૈસા હોવા એ કંઈ ગરીબી નથી, વધુ ને વધુ પૈસાની ભૂખ હોવી એને ગરીબી કહેવાય.’

આ વાક્યના મૂળ સર્જકને પણ આપણી સલામ, ‘કોઈ પ્રેમથી જરા ફૂંક મારેે તોય બુઝાઈ જઈએ, બાકી તો કેટલાંય વાવાઝોડાં અહીં હાંફી ગયાં!’ અને આમાં તો ભાઈ, આપણા બધાની વાતઃ ‘લોગ શોર સે જગ જાતે હૈં, મુઝે ઉસકી ખામોશી સોને નહીં દેતી’ અને આ સ્ટેટસ જેમણે રાખ્યું છે, તેમની બહાદુરીને તથા નિખાલસતાના આપણી સલામઃ ‘વિધાઉટ વાઇફ, ન્યૂ લાઇફ!’

સ્ટેટસમાં આ અંદાજ પણ ગમી જાય એવો છેઃ ‘જે કંઈ ગુમાવો છો, તે બધું જ કંઈ નુકસાનમાં ન ગણાય.’ આના પરથી આવું પણ કંઈક બનાવી શકાય. ‘જે કંઈ મેળવીએ છીએ તે બધું જ કંઈ નફામાં ન ગણાવાય.’

અને છેલ્લે મારા સહિતના તમામ વૉટ્સએઍપિયોઓને અર્પણ થતું આ સ્ટેટસઃ ‘જો તમારા ફોનની બેટરી આખો દિવસ ચાલે તો એનો મતલબ એ કે તમે લાઇફ એન્જોય કરી રહ્યા છો.’

જીવન જીવવાની જડીબુટ્ટીઓ માત્ર ભગવદ ગીતામાંથી જ નથી મળતી, ક્યારેક પ્લમ્બર પણ તમને ફિલોસોફીનો ડોઝ આપી શકતો હોય છે. વૉટ્સઍપ જેવા સોશિયલ મીડિયાની આ જ તો મજા છે.

આજનો વિચાર

આ દિવસો પણ જશે…

— વોટ્સએપ પરનું સૌથી કોમન મંગળ સૂત્ર.

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

4 COMMENTS

  1. ખરેખર મઝા આવી ગઈ.સ્ટેટસ પર પણ લેખ લખી શકો છો કાલ ના લેખ માં જે લખ્યું તેની સાબિતી મળી ગઈ ( પેન અને કોમ્પુટર વાળો લેખ.?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here