એક ગુજરાતી ભાષા ગુજરાતમાં છે, બીજી મુંબઈમાં છે : સૌરભ શાહ

(લાઉડમાઉથ: ‘સંદેશ’, ‘અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, બુધવાર, ૨૮ જૂન ૨૦૨૩)

ગુજરાતી ભાષા અને ગુજરાતી સાહિત્ય બે તદ્દન ભિન્ન બાબતો છે.

સાહિત્યકારો ભ્રમમાં રહેતા હોય છે કે અમે ગુજરાતી ભાષાને જિવાડીએ છીએ, અમે ભાષાની સેવા કરીએ છીએ. તદ્દન જુઠ્ઠું.

ભાષાનો ઉપયોગ કરીને સાહિત્યકારો પોતાનો રોટલો રળતા હોય. તેઓ ભાષાની નહીં, ભાષા એમની સેવા કરતી હોય છે. તેઓ ભાષાને જિવાડતા નથી, ભાષા એમને જિવાડે છે.

ભાષાને કોણ જિવાડે છે? અમે ગુજરાતી ભાષાને જિવાડવાના પ્રયત્નો કરીએ છીએ એવું કહીને સરઘસ કાઢનારા સાહિત્યકારોને ખબર નથી કે ભાષાને કોણ જિવાડે છે.

જેઓ ભાષાનો વ્યવહારમાં ઉપયોગ કરે છે તેઓ ભાષાને જિવાડે છે. જેઓ ભાષા થકી કમ્યુનિકેશન કરે છે તેઓ ભાષાને જિવાડે છે. આવું કરવામાં પ્રજાનો નંબર પહેલો અને સાહિત્યકારોનો નંબર છેલ્લે આવે.

ગુજરાતી ભાષા મરવા પડી છે એવી કાગારોળ મુંબઈગરા ગુજરાતીઓ મચાવતા હોય ત્યારે એમને કહેવાની જરૂર છે કે ભૈ, તમારા કુટુંબમાં પુત્રવધૂઓને ઘરમાં પાપડ-અથાણાં બનાવતાં ન આવડતું હોય એનો અર્થ એ નથી કે બીજી કોઈનાય ઘરે પાપડ-અથાણાં બનતાં નથી. મુંબઈ કંઈ ગુજરાતી ભાષાનું પિયર નથી. ગુજરાત ગુજરાતી ભાષાની માતૃભૂમિ છે. એક જમાનામાં આફ્રિકા અને લંડનમાં પણ ગુજરાતી ભાષાની સ્કૂલો હતી. મુંબઈમાં પણ હતી. હવે બહુ ઓછી છે. આને કારણે કંઈ તમે એવું ન કહી શકો કે ગુજરાતી ભાષા મરવા પડી છે. માત્ર એટલું જ કહી શકો કે મુંબઈમાં (માત્ર મુંબઈમાં જ, ગુજરાતમાં નહીં.) ગુજરાતી ભાષાનું ચલણ ઘટતું જાય છે.

આજે મુંબઈમાં જેઓ ગુજરાતી ભાષાને ‘જિવાડવા’ના પ્રયત્નો કરે છે એમને પૂછવાનું કે મુંબઈના લોકલ રેલવે સ્ટેશનો પરનાં પાટિયાં પરથી ગુજરાતી ભાષા હટી ત્યારે સ્થાનિક ગુજરાતી નેતાઓ, ગુજરાતી રાજકારણીઓ, ગુજરાતી સમાજકારણીઓ ક્યાં ગયા હતા? ૧૯૯રમાં જ્યારે રાજ્ય સરકારે એક ફતવો કાઢીને ઈફેક્ટિવલી ગુજરાતી ભાષાનો સ્કૂલોમાંથી એકડો કાઢી નાખ્યો ત્યારે કેમ તમે રસ્તા પર આંદોલનો કરવા ઊતરી ના પડ્યા? શા માટે તમારા રાજકીય સંપર્કો અને તમારાં આર્થિક દબાણો દ્વારા સરકારને એ ફતવો પાછો ખેંચી લેવાની ફરજ પાડી નહીં. અને એના કરતાંય થોડા દસકા અગાઉ, જ્યારે અમૃતલાલ યાજ્ઞિક તથા ચત્રભુજ નરસી જેવા શહેરીઓ ગુજરાતી ભાષાના પ્રાધાન્ય વિશે રેડિયો પર ચર્ચાઓ કરી કરીને થાક્યા ત્યારે શા માટે તમારી ગુજરાતી માધ્યમોની શાળાઓના સંચાલકોમાં એવી અક્કલ ન ચાલી કે જો ન્યુ એરા સ્કૂલના મૉડેલ મુજબની, ગંગા-જમના માધ્યમવાળી ગુજરાતી શાળાઓ શરૂ નહીં થાય તો આવતી કાલે ભાગ્યે જ કોઈ વિદ્યાર્થી સ્કૂલમાં જઈને ગુજરાતીમાં ભણવાનો વિકલ્પ સ્વીકારશે. મુંબઈમાં ગુજરાતી માધ્યમની શાળાઓ હવે નિરર્થક બની ગઈ છે. મુંબઈમાં ગુજરાતી વાંચતી-લખતી જનરેશન હવે ફોર્ટી પ્લસની છે. ટીનએજર્સ તો જવા દો, ત્રીસ-ચાળીસ વર્ષના ગુજરાતીઓ પણ પોતાની માતૃભાષામાં વાંચતાં-લખતાં હોય એવું ભાગ્યે જ જોવા મળે. હા, નાઈન્ટીઝમાં એ જમાનો હતો જ્યારે ગુજરાતી ટીનેજર્સ ગુજરાતી છાપાં-મૅગેઝિનો પુસ્તકો વાંચતા. એમને ગુજરાતીમાં લખતાં આવડતું. હવે એ ટીનેજર્સ, વીસ વર્ષ પછી, ર૦૧૭માં ચાળીસની ઉંમરના આરે આવી ઊભા છે અને હજુય તેઓ ગુજરાતી વાંચે છે-બોલે છે-લખે છે, પણ એમનાથી નાની ઉંમરના ગુજરાતીઓ માત્ર ગુજરાતી બોલે છે. લખતાં-વાંચતાં નથી. એ ગુજરાતીઓ સુધી પહોંચવાનું કામ લખનારાઓ દ્વારા થઈ શકવાનું નથી, પણ જેઓ દ્રશ્યશ્રાવ્ય માધ્યમોમાં કામ કરે છે એમના દ્વારા એ કામ થશે. ગુજરાતી નાટ્યકળાકારો, ગુજરાતી કવિઓ, ગુજરાતી સુગમસંગીતના કલાકારો, ગુજરાતી સ્ટેન્ડ અપ કોમેડિયનો (કે પછી એ જ કામ ગાદી પર બેસીને કરનારા કળાકારો), ગુજરાતી ડાયરાના કળાકારો દ્વારા મુંબઈમાં ગુજરાતી ભાષા જીવતી રહેશે, નહીં કે અમારા જેવા લેખકો, સાહિત્યકારો કે છાપાવાળાઓ દ્વારા.

મુંબઈમાં અમારા માટે હવે જે ગુજરાતી વાચકો રહ્યા છે તે સઘળા પાંત્રીસ-ચાળીસની ઉંમર કરતાં મોટા છે. પણ આનો અર્થ એવો નથી કે અમે યુથ કે ટીનેજરને વાચક તરીકે ગુમાવી દીધા છે. ગુજરાતમાં અમારી પાસે પ્રી ટીન્સની ઉંમરથી ગુજરાતી વાંચવાનું શરૂ કરતા વાચકો છે. લાખોની સંખ્યામાં છે. તેઓ પુસ્તકો, છાપાંની પૂર્તિઓ, વૉટ્સએપ પર કે એફબી પર વાંચવા મળતા લેખો દ્વારા અમારા જેવા ગુજરાતી લેખકોના સતત સંપર્કમાં રહે છે. મુંબઈની અમારી રીડરશિપમાં જે ખોટ આવી છે તે ગુજરાતમાં બમણી ભરપાઈ થઈ રહી છે. ગુજરાતમાં પુસ્તક મેળાઓમાં પુસ્તકોનું વેચાણ સતત વધ્યા કરે છે. ગુજરાતમાં નવાં નવાં છાપાંને પણ પોતાની રીડરશિપ મળી રહે છે. ગુજરાતમાં વેબ અને નેટ દ્વારા ગુજરાતી લેખકોનાં લખાણો અત્યારે જેટલા બહોળા પ્રમાણમાં પહોંચે છે એટલા અગાઉ ક્યારેય નહોતા પહોંચતા.

ગુજરાતી ભાષાના આ વાચકો, આ પ્રેમીઓ અમને જિવાડવાના છે. અમે કંઈ ગુજરાતી ભાષાને નથી જિવાડવાના. એવું તો ગજું પણ નથી અમારા કોઈનામાં. ગુજરાતી ભાષા અમને જિવાડે છે અને ગુજરાતમાં વધુને વધુ સમૃદ્ધ થતી જતી ગુજરાતી ભાષા ભવિષ્યમાં પણ અમને જિવાડશે. અરે, જિવાડશે જ નહીં, વધુ ને વધુ સમૃદ્ધ કરતી રહેશે અમને-બધી રીતે. મનથી પણ અને ધનથી પણ!

સાયલન્સ પ્લીઝ

આપણા દેશમાં વિજ્ઞાનનું શિક્ષણ માતૃભાષામાં અપાવું જોઈએ. નહીં તો એવું થશે કે વિજ્ઞાન માત્ર ઉચ્ચ વર્ગના લોકો પૂરતું જ સીમિત બની જશે, પ્રજાના તમામ વર્ગો વિજ્ઞાનના વિષયોમાં આગળ નહીં વધી શકે.

– સી.વી. રામન (નોબેલ વિજેતા ભારતીય ભૌતિકશાસ્ત્રી: ૧૮૮૮-૧૯૭૦)

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

13 COMMENTS

  1. But now it is past except Gujarati news from AIR Ahmedabad on FM Gold Mumbai. Samvadita has been stopped. On mobile application on Samvadita it is FM Rainbow Mumbai.

  2. મુંબઈમાં ગુજરાતી ભાષાને જીવંત રાખવાનો એક જ ઉપાય છે. ગુજરાતી માધ્યમની શાળાઓને ઉત્તમ, આદર્શ અને આકર્ષક બનાવો. ગુજરાતી માધ્યમની એક એવી શાળા જેમાં માતૃભાષામાં શિક્ષણ આપવામાં આવતું હોય અને જ્યાં ઉત્તમ અંગ્રેજી પણ શીખવવામાં આવતું હોય. ફક્ત શિક્ષણ જ નહિ જ્યાં બાળકને અન્ય પ્રવૃત્તિઓ દ્વારા સારી કેળવણી આપવામાં આવતી હોય. આ ગુજરાતી શાળાઓને ઉત્તમ બનાવવા માટે જો કોઈએ આગળ આવવાની જરૂર હોય તો એ વર્ગ છે ગુજરાતી માધ્યમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ. જેમણે પ્રણ લેવું પડશે કે તેઓ તન, મન અને ધનથી ગુજરાતી માધ્યમની શાળાઓને પાછી ઊભી કરવા સતત પ્રયત્નશીલ રહેશે.

    • This should have been done before 40 years. Now nothing can be done. Your suggestion is just an armchair comment. If you are really concerned make an exhaustive plan, calculate the budget and make some efforts to meet educationists, political leaders and those who are willing to support with their tan-man-dhan. Otherwise commenting like this is nothing but intellectual masturbation—it won’t give any results except a temporary relief.

  3. લોકો છે કે જગ્યા છે તો ભાષા છે એમ નહિ. ભાષા છે તો એ લોકો ની ઓળખાણ ભાષા ના નામે છે. ગુજરાતી ભાષા છે ત્યાં સુધી પ્રજા ગુજરાતી છે.

  4. મુંબઈ દુરદર્શન પહેલા કેટલાક કાર્યક્રમો ગુજરાતી માં રજુ કરતુ હતું.અને રેડિયો પર હાલ સંવાદિતા તરીકે ઓળખાતી મુંબઈ એ પ્રાયમરી ચેનલ પરથી પણ યોગ્ય પ્રમાણ માં ગુજરાતી ભાષામાં કાર્યક્રમો રજૂ થતા હતા. ઉપરાંત એફ એમ ગોલ્ડ પહેલા ૫૫ મિનિટ અને બાદ માં ૪૫ મિનિટ નાં કાર્યક્રમ બપોરે ૩.૧૫ થી ૪ વાગ્યા સુધી કાર્યક્રમ પીરસતું હતું. જે વાત કેટલાક વર્ષ થી ભૂતકાળ ની યાદ બની ગઈ છે. પણ મુંબઈ નાં ગુજરાતીઓ ફક્ત ભાગદોડ કરશે પણ સંગઠીત નહીં બને તો આ જ પરિણામ આવે. હાલ તો ત્યાં નો ગુજરાતી કળા વાર્ષો પણ સચવાશે કે નહીં તે બાબતે પૂરેપૂરું જોખમ છે. મેં એક વાર શ્રી કિરીટ ભાઈ સોમૈયા જી નું ધ્યાન દોરવા કોશિશ કરી હતી. પણ કોઈ અર્થ નહીં સર્યો.

    • Bombay A channel of Aakashwani used to broadcast news in Gujarati. Mahila mandal twice in a week for women and Bahurupee every Sunday for kids. Daily Geet Gunjan which played Gujarati songs.

      Doordarshan also had Gher Betha, Aavo Mari Sathe and Yuvadarshan. Not only that they would make an hour long film by adapting famous Gujarati novel. One such film was Paralysis written by Bakhshi saheb and lead actor was Upendra Trivedi!

  5. સી. વી. રામન ના મત પ્રમાણે ગંગા જમાના માધ્યમ ના ચાલે.
    મારા સંતાનો ને મેં ગુજરાતી માં ભણાવ્યા પણ તેના સંતાનો તો અંગ્રેજીમાં જ ભણવાના છે.

  6. હુ અભિમાન થી કહીશ કે હુ ગુજરાતી સરકારી શાળા મા ભણયો છુ. મારી દીકરી ગુજરાતી મા સંસકાર જયોત મા ભણી છે. બાદ મા મુમબઈ આય આય ટી માથી એમ ટેક ( કોમપયુટર સાયનસ) કરયુ છે. વયવસાય મા બધીજ સીધદી હાંસલ કરી છે. હુ ખુદ સફળ વયકતી છુ. સૌરભ શાહ ને ૪૦ વરસ થી વાંચું છું

  7. સૌરભભાઈ , આપની વાત સાચી છે કે ગુજરાત જ ગુજરાતી ભાષાને જીવિત રાખતું આવ્યું છે અને ભવિષ્યમાં જીવાડશે અને ગુજરાતી સાહિત્યકારો અને ગુજરાત જ ગુજરાતી ભાષાને બચાવશે. આ આશાવાદ કદાચ વર્તમાન માટે શક્ય હોય પરંતુ ભવિષ્યની ચિંતા કરીએ તો આજે શાળામાં ભણતા ગુજરાતી પરિવારના વિદ્યાર્થીઓ પોતે અને તેમના વાલીઓ ગુજરાતી વિશે કેટલા ચિંતિત છે તે એક સંશોધનનો વિષય છે. પરીક્ષાઓમાં ખાસ કરીને બોર્ડની પરીક્ષામાં ગુજરાતી ભાષામાં નાપાસ થનારાઓની સંખ્યા ખરેખર ચિંતા ઉપજાવે તેવી બાબતો છે.
    ગુજરાતી ભાષા અને ગુજરાતી સાહિત્યકાર તરીકે આપણે ગુજરાત અને ગુજરાતીનું ગૌરવ લઈએ તે બિલકુલ બરાબર પરંતુ હાલના પ્રવાહો જોતા આવતીકાલના ગુજરાતીના ભવિષ્ય વિષે નિશ્ચિંત રહેવું પણ કેટલું પરવડે તે વિચાર માંગી લે તેમ છે.

  8. તાજેતરમાંજ ગુજરાતમાં રથયાત્રા વિવિધ શહેરોમાં સંપન્ન થઈ. જે લોકોને લગત્તું હોય કે ગુજરાતી ભાષા મૃતપ્રાય થઈ રહી છે,તેમને એકવાર રથયાત્રા ની મુલાકાત કરાવી રહી.
    સાહિત્યકારો ગુજરાતી ને જીવતી રાખશે એ બરાબર છે પણ આમ જનતા તો ચોક્કસ જીવાડશે.

  9. બહુ સરસ વાત કરી.

    પણ ખેદ સાથે કહેવુ પડે છે કે આજ કાલ ગુજરાત માં પણ બાળકો ને અંગ્રેજી માધ્યમમાં ભણાવવા ની આંધળી દોડ લાગી છે. અમુક વર્ગ ગુજરાતી માધ્યમ મા ભણતર ને નબળુ ગણે છે.

    પણ હવે આ વર્ષ થી સરકાર ની નવી શિક્ષણ નીતિ ને ખૂબ ખૂબ આભાર આપવા પડે કે જેમા પ્રાદેશિક ભાષા ફરજિયાત કરવામા આવી છે.

    ગુજરાતી ભાષા માટે જો કાઈ કરવુ હોય તો સૌથી પ્રથમ બાળકો ને ગુજરાતી માધ્યમ માં જ ભણાવવા જોઇએ. જે વાત નો પડદો આ લેખ ના અંતે સાયલન્સ પ્લીઝ મા જોઇ શકાય છે.

  10. તમારો રોષ કદાચ મુંબઇગરા સાહિત્યીકો માટે વ્યાજબી હોઈ શકે પણ જો આપ જનરલાઇઝ કરવા માંગતા હો કે બધાજ મૂર્ધન્ય તથા જૂના, જાણીતા અને પ્રસિદ્ધ લેખકો – કવિઓ વિશે ફક્ત ધન રળવા માટે ગુજરાતી સાહિત્ય નું સર્જન કરતા હતા તો એ ગેરવ્યાજબી ગણાશે, તેમને અન્યાય થયેલો ગણાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here