મારું એક નવું પુસ્તક બજારમાં આવી રહ્યું છે : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ: ન્યુઝપ્રેમી.કૉમ, રવિવાર, ૨૫ જૂન ૨૦૨૩ )

આવી રહ્યું છે તમારી માતૃભાષામાં.

કૂમી કપૂરનું બેસ્ટ સેલર પુસ્તક ‘ધ ઇમરજન્સીઃ અ પર્સનલ હિસ્ટરી’ ગુજરાતી વાચકો સુધી પહોંચવાની તૈયારી કરી રહ્યું છે.

આવતા પંદર દિવસમાં આ પુસ્તક ગુજરાતની તમામ અગ્રણી બુક શૉપ્સમાં તથા ઑનલાઈન પુસ્તકો વેચતી સાઈટ્સ પરથી તમે ખરીદી શકશો.

આ પુસ્તકમાં એક એવો ઐતિહાસિક દસ્તાવેજ છે જે થ્રિલરની રોમાંચક શૈલીમાં સડસડાટ વાંચવાની મઝા આવે છે, પાને પાને ઇંતેજારી જગાડે એવી લેખિકાની શૈલી છે. ગુજરાતીમાં એની રજૂઆત કરતી વખતે મેં એના મૂળ સ્વરૂપને અક્ષુણ્ણ રાખીને એમાં માતૃભાષાનો સ્વાદ એકરૂપ થઈ જાય એવી કોશિશ કરી છે. તમને વાંચવાની મઝા આવે એવું બન્યું છે.

1975ની જૂનની 25મીએ આખા દેશ પર લાદવામાં આવેલી ઇમરજન્સીનો 19 મહિનાનો કાળ ભારત માટે ઘનઘોર અંધકારયુગ હતો. કૉન્ગ્રેસ પક્ષના તે વખતના દિગ્ગજ નેતાઓએ વડાં પ્રધાન ઇન્દિરા ગાંધી સાથે મળીને આ દેશને બાપીકી જાગીર હોય એ રીતે વાપર્યો હતો, રગદોળ્યો હતો.

‘ધ ઇમરજન્સી’ પુસ્તક વાંચીએ ત્યારે અંદાજ આવે કે જે દેશ માટે આપણને ગૌરવ છે, જે દેશની માટી આપણે માથે ચડાવીએ છીએ, જે દેશ માટે આપણે સૌ પ્રાણ ન્યોછાવર કરવા પણ તૈયાર છીએ એ માતૃભૂમિ સામે દેશની બહાર વસતા દુશ્મનોથી જ નહીં દેશના નાગરિકો હોય એવા દુશ્મનોથી પણ કેટલો મોટો ખતરો હોઈ શકે છે.

સાડા ચાર-પાંચ દાયકા પહેલાંની આ ઘટનાની ઈમ્પેક્ટને પ્રત્યક્ષ જોઈ-અનુભવીને સમજી શક્યા એવા તમામ ભારતીયો આજે સિક્સ્ટી પ્લસના હોવાના. પણ આ સાંપ્રત ઇતિહાસમાં આજના ટીન એજર્સથી માંડીને ટ્વેન્ટીઝ-થર્ટીઝ-ફોર્ટીઝ તથા ફિફ્ટીઝમાં હોય એવા તમામ લોકોએ રસ લેવો જોઈએ, એમાં ઊંડા ઉતરવું જોઈએ અને સમજવું જોઈએ કે તમે જેમને દર પાંચ વર્ષે મત આપવા જાઓ છો તેઓ તમારા ભરોસાનો કઈ હદ સુધી વિશ્વાસઘાત કરી શકતા હોય છે. તમે ગાફેલ રહીને કે કોઈના કહ્યામાં આવીને કે તમારી પોતાની અધૂરી-કાચીકોરી સમજને કારણે ખોટી વ્યક્તિને- ખોટા રાજકીય પક્ષને- ખોટી વિચારધારાને મત આપી દો છો ત્યારે એનું પરિણામ કેટલું ખતરનાક આવી શકે છે તે પરિસ્થિતિની કલ્પના કરવાનું આપણું ગજું નથી.

2014માં નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા પછી ભારતના ટીન એજર્સ અને યુવાનો પણ દેશના રાજકારણમાં ભરપૂર રસ લેતા થઈ ગયા. સોશ્યલ મિડિયાને કારણે આ યુવા વર્ગના વિચારોને વાચા મળતી થઈ ગઈ છે. 2014 પછી ભારત ફરી એકવાર વિશ્વગુરુ બનવા જઈ રહ્યું છે એની ખાતરી આ વધુ સ્માર્ટ, વધુ બોલકા અને વધુ કામગરા એવા યુવા વર્ગને થઈ રહી છે. પણ એમને ખબર નથી કે કૉન્ગ્રેસના શાસનકાળ દરમ્યાન 1975ના જૂન પછીના 19 મહિના આ દેશ કેવા અંધકારયુગમાં ધકેલાઈ ગયો હતો. કૉન્ગ્રેસે કઈ રીતે આ દેશની વિરાટ બ્યુરોક્રસીને ધાકધમકીલાલચથી વિશાળ વહીવટીતંત્રના નાનામાં નાના ક્લાર્કથી માંડીને મોટા મોટા અફસરો પોલીસો વગેરેને પોતાના ઘરના નોકરચાકર હોય તે રીતે વાપર્યા હતા. કઈ રીતે કૉન્ગ્રેસે સેન્સરશિપ લાદીને પોતાનાં કાળાં કામોનો ઉકરડો જાજમ નીચે છુપાવી દેવાની કોશિશ કરી હતી. કઈ રીતે જેપી, મોરારજીભાઈ, વાજપેયી, અડવાણીથી માંડીને સ્વામી-જેટલી જેવા હજારો વિપક્ષી નેતાઓને 19 મહિના સુધી કારાવાસમાં પૂરી દઈને એમનો અવાજ ગૂંગળાવી દેવાની કોશિશ કરી હતી.

આ બધું જ ભારતના રાજકારણમાં હોંશભેર રસ લઈ રહેલા યુવા વર્ગને વિગતે ખબર હોય તે અત્યંત જરૂરી છે. જે થોડાઘણા યુવાનો નાસમજમાં કૉન્ગ્રેસની તરફેણ કરે છે, જેમને રાહુલમાં પોતાનો રહનૂમા દેખાય છે, જેઓ મોદી વિરુદ્ધના પ્રચારને સાચો માની લે છે, જેમને આરએસએસ એક મુસ્લિમ વિરોધી કટ્ટરપંથી સંગઠન લાગે છે અને જેમના માટે સોનિયા ગાંધી પોતાની માતા કરતાંય વિશેષ પૂજનીય છે એ સૌ લોકોને તો ‘ધ ઇમરજન્સી’ પુસ્તકના ગુજરાતી અનુવાદનું એકએક પાનું ખાસ ધ્યાનપૂર્વક તમારે વંચાવું જોઈએ. કૉન્ગ્રેસના ડી.એન.એ. કેવા છે એની જાણ થઈ જશે એમને. ભ્રષ્ટાચાર કોને કહેવાય એની ખબર પડી જશે. આ દેશને ફરી ગુલામીની જંજિરોમાં જકડવાની દાનતનું પરિણામ શું આવશે એનો ચિતાર મળી જશે.

હું માનું છું કે જેમ દેશનો ગૌરવશાળી ઇતિહાસ આપણે સૌએ, વિશેષ કરીને વિદ્યાર્થીઓ અને યુવાઓએ, વાંચવો જોઈએ એ જ રીતે ભારતના ઇતિહાસનાં કલંકિત પાનાં પણ સૌ કોઈએ વાંચવાં જોઈએ. દેશનો ભવ્ય ભૂતકાળ જાણીને જેમ ગૌરવ થાય એ જરૂરી છે એમ આ દેશ સામે ઊભા થયેલા ખતરાઓ વિશે જાણવું પણ જરૂરી છે. આ ખતરાઓ કોને કારણે ઊભા થયા, એ દરમ્યાન દેશની પ્રજાએ કેવી કેવી આપદાઓ સહન કરવી પડી, એ ગાળામાં દેશ સામે જે સંકટ ઊભું કરવામાં આવ્યું ત્યારે આપણને જેના પર ભરોસો છે તે સંસદ, પોલીસતંત્ર, ન્યાયતંત્ર તથા મિડિયા પર બંધારણની કલમોનો દુરુપયોગ કરીને કેવી રીતે કોરડા વીંઝવામાં આવ્યા અને કેવી રીતે આ સંકટમાંથી આપણે સૌ બહાર નીકળી આવ્યા એની જાણકારી મળે એ પણ ખૂબ જરૂરી છે, જેથી તમે સમજી શકો કે દેશ જ્યારે લાયક વ્યક્તિઓના હાથમાં હોય છે ત્યારે આ બધાનું કેવી રીતે સન્માન થાય છે.

આજે સંસદને મંદિર માનીને એમાં પ્રથમવાર પ્રવેશ કરતી વખતે એના પગથિયાને માથું અડાડવામાં આવે છે. ન્યાયતંત્રમાં હસ્તક્ષેપ કરવાને બદલે સરકાર વિરુદ્ધ અપાયેલા આદેશોને પણ માથે ચડાવવામાં આવે છે. મિડિયાને જે બોલવું હોય, જે છાપવું હોય તેવી બેખૌફ અભિવ્યક્તિ કરવાની છૂટનો ભારોભાર દુરૂપયોગ કરવામાં આવતો હોય તો પણ કોઈનીય ફ્રીડમ ઓફ પ્રેસ, ફ્રીડમ ઓફ એક્સપ્રેશન્સ તથા ફ્રીડમ ઓફ સ્પીચના હક્કો પર ઊની આંચ નથી આવતી. આ બધું સમજવું જોઈએ. દેશના દરેકે દરેક મતદારે સમજવું જોઈએ.

1975થી 1977ની ઇમરજન્સીનો ગાળો ભારતના ઇતિહાસના અભ્યાસમાં મારા માટે વિશેષ રિસર્ચનો કાળ છે. આ એ સમય હતો જ્યારે એક ટીનેજર તરીકે મારી દુનિયાદારીની સમજ ખીલી રહી હતી. પત્રકારત્વમાં પાપા પગલી ભરવાની પણ હજુ તો શરૂઆત નહોતી થઈ પણ ગુજરાતી છાપાં અને ગુજરાતી મેગેઝિનો અને ગુજરાતી પુસ્તકોનું ગળાડૂબ વાંચન શરૂ થયે ખાસ્સાં વર્ષો વીતી ચૂક્યાં હતાં. ઇમરજન્સી પૂરી થઈ અને ચૂંટણી આવી. 1977ના માર્ચની એક મોડી બપોરે કૉલેજની વાર્ષિક પરીક્ષા માટે અભ્યાસ કરતો હતો ત્યાં જ બહાર રસ્તા પર ફટાકડા ફૂટવાના, આનંદની ચિચિયારીઓના અવાજ સંભળાયા. ઊભા થઈને જોયું તો લોકો ટોળે વળીને નાચતા હતા. શું સમાચાર હશે? તરત રેડિયો ચાલુ કર્યો. રાયબરેલીની બેઠક પરથી ઇન્દિરા ગાંધી પોતાના પ્રતિસ્પર્ધી રાજનારાયણ કરતાં ઘણા પાછળ હતાં એવા ન્યુઝ હતા. વાંચવાનું પડતું મૂકી દીધું. મોડેથી કન્ફર્મ સમાચાર આવ્યા કે ઇન્દિરા ગાંધી હારી ગયાં. આ ઘટનાના દોઢેક વર્ષ બાદ મેં પત્રકારત્વમાં ફૂલ ટાઈમ નોકરી શરૂ કરી અને એના એકાદ વર્ષ પછી દૈનિક વર્તમાનપત્રના મેઈન સ્ટ્રીમ જર્નલિઝમમાં જુનિયર મોસ્ટ સબ-એડિટર તરીકે કામ કરતો થઈ ગયો. તે વખતે ઇમરજન્સી પૂરી થયે બે-ત્રણ વર્ષ વીતી ચૂક્યાં હતાં પણ હજુ આ તાજો જ ઘા હતો. ઇમરજન્સીના દિવસોમાં રોજનું છાપું સેન્સર કરવા કેવી રીતે સરકારી માણસો પ્રેસ પર આવતા એની વાતો અમારા સિનિયરો સેકન્ડ શિફ્ટના ‘લંચ’ ટાઈમમાં-રાત્રે સાડા સાત વાગ્યે-સંભળાવતા. એ સમયે કુલદીપ નાયરની જેમ જ જનાર્દન ઠાકુરનું નામ વાચકોમાં અને પત્રકારોમાં ખૂબ આદરથી લેવાતું. જબરજસ્ત પત્રકાર. ઇમરજન્સી વિશે એમણે લખેલું પુસ્તક ‘ ઑલ ધ પ્રાઇમ મિનિસ્ટર્સ મેન’ ખૂબ વખણાયું. 1979ના ગાળામાં એ જ નામની એમની વીકલી સિન્ડિકેટેડ કૉલમ દેશભરમાં અનેક વર્તમાનપત્રોમાં પ્રગટ થતી. અમારા છાપામાં પણ દર બુધવારે પહેલા પાને નીચે આઠ કૉલમના પટ્ટામાં પાથરીને છપાતી જેનું ટ્રાન્સલેશન હું કરતો. ખૂબ વંચાતી.

એ પછીના ગાળામાં, અત્યાર સુધીમાં, ઇમરજન્સી વિશે ઘણું વાંચ્યું, સાંભળ્યું અને ભેગું કર્યું. છેક 1978માં પત્રકાર વિનોદ મહેતાએ લખેલા સંજય ગાંધી વિશેના પુસ્તકની પ્રથમ હાર્ડ બાઉન્ડ એડિશન પણ મારી પાસે છે.

ઇમરજન્સી દરમ્યાન ઇન્દિરા ગાંધી અને એમના પુત્ર સહિતના કૉન્ગ્રેસી હજુરિયાઓએ દેશ પર કેવા કેવા જુલમ કર્યા તેનો હિસાબકિતાબ કરવા 1977માં ચૂંટાયેલી વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈની જનતા સરકારે એક કાનૂની પંચ બેસાડ્યું હતું. શાહ કમિશન નામે ફેમસ થયેલા આ પંચના વડા જયંતિલાલ છોટાલાલ શાહ નામના ગુજરાતી હતા. તેઓ ભારતની સુપ્રીમ કોર્ટના બારમા ચીફ જસ્ટિસ હતા (1970-71માં). શાહ કમિશનની ઇન્કવાયરીમાં ઇન્દિરા ગાંધી, સંજય ગાંધી, બંસીલાલ, કમલ નાથ અને પ્રણવકુમાર મુખરજી સહિત મોટા મોટા કૉન્ગ્રેસી માથાઓની ઊલટતપાસ કરવામાં આવી અને એ સૌનાં કાળા કામોને રેકૉર્ડ પર લઈ કૉર્ટમાં કામ ચલાવવામાં આવ્યું. ઇન્દિરા ગાંધીને જેલમાં નાખવામાં આવ્યાં. જોકે, એમના પરના આક્ષેપો જડબેસલાક ઘડવામાં આવ્યાં નહોતા. સંજય ગાંધીને ‘કિસ્સા કુર્સી કા’ ફિલ્મની ઓરિજિનલ પ્રિન્ટને ગુડગાંવની ‘મારુતિ’ની ફેક્ટરીના કંપાઉન્ડમાં બાળી નાખવાના આરોપસર બે વર્ષ એક મહિનાની સજા સંભળાવવામાં આવી. વિદ્યાચરણ શુક્લને પણ સંજયના સાગરિત તરીકે એટલી જ સજા થઈ. 27 ફેબ્રુઆરી 1979ના રોજ આ ચુકાદો આવ્યો. ગુનેગારોને જામીન પણ મળ્યા નહીં. જોકે, થોડા જ મહિનામાં ઉપલી કોર્ટે આ ચુકાદો ફેરવી તોળ્યો. સંજય ગાંધીને જેલમાંથી છુટકારો મળ્યો.

પણ 23 જૂન 1980ના રોજ એક નૌસિખિયા પાયલટ તરીકે પિટ્સ એસ ટુએ નામના નાનકડા તાલિમી વિમાનમાં બેસીને હવાઈ કરતબ કરવાનાં હેવાં સંતોષવા જતાં વિમાન પરનો કન્ટ્રોલ ગુમાવ્યો અને આ દુ:સાહસમાં જાન ગુમાવવો પડ્યો. મોટાભાઈ રાજીવ ગાંધી અનુભવી પાયલોટ હતા, ઇન્ડિયન એરલાઇન્સમાં નોકરી કરતા હતા. બડે ભૈયાએ છોટુને વારંવાર કહેલું કે કોલ્હાપુરી ચંપલ પહેરીને વિમાન ન ચલાવાય. કન્ટ્રોલ્સ પર પક્કડ રહે એ માટે શૂઝ જ પહેરવાં જોઈએ. સંજય ગાંધીનો સફેદ કુર્તા-પાયજામા તથા પગમાં કોલ્હાપુરી ચંપલવાળો મૃતદેહ જોવા જેવો પણ રહ્યો નહોતો. છિન્ન વિચ્છિન્ન થઈ ગયેલા મૃતદેહના ટુકડાઓને સાંધીને અંતિમક્રિયાને લાયક બનાવવા માટે આઠ-આઠ સર્જ્યનોએ ચાર કલાક સુધી ઑપરેશન થિયેટરમાં જહેમત કરવી પડી હતી એવું વિનોદ મહેતાએ સંજય ગાંધી વિશે લખેલા પુસ્તકની નવી આવૃત્તિમાં નોંધ્યું છે.

સંજય ગાંધીએ પોતાની વિરુદ્ધના ચુકાદાને પડકારીને જેલમુક્ત થવાને બદલે ચૂપચાપ બે વર્ષ એક મહિનાનો કારાવાસ ભોગવી લેવાનું કર્યું હોત તો? તો તેઓ માર્ચ 1981માં જેલમાંથી છૂટ્યા હોત જ્યારે માતાજી ફરી વડાં પ્રધાન બની ચૂક્યાં હતાં અને તે વખતે 23 જૂન 1980ના દિવસે લખાયેલા કાળ ચોઘડિયાને સંજયે હાથતાળી આપી દીધી હોત. જો એવું થયું હોત તો આ દેશનો ઇતિહાસ, કૉન્ગ્રેસનો ઇતિહાસ જુદી રીતે લખાયો હોત.

શાહ કમિશનનો હજારો પાનામાં ફેલાયેલો દળદાર રિપોર્ટ એક ઘણો મોટો ઐતિહાસિક દસ્તાવેજ છે. મારી પાસે એ સંપૂર્ણ રિપોર્ટની દુર્લભ કૉપી ઉપરાંત ઇમરજન્સીને લગતાં બીજાં અનેક પુસ્તકો છે જેમાં વિવિધ એન્ગલથી આ કાળની વિગતો દર્જ કરવામાં આવી છે. કૂમી કપૂરે લખેલું પુસ્તક આ તમામ પુસ્તકોમાં પહેલી હરોળમાં મૂકી શકીએ એવું છે. એટલે જ એને ગુજરાતી વાચકો સુધી પહોંચાડવાનું કામ મેં માથે લીધું.

‘ધ ઇમરજન્સી’ ગુજરાતીમાં પુસ્તકરૂપે બજારમાં આવે કે તરત એ તમારા સુધી પહોંચી જાય અને તમારા મિત્રો-શત્રુઓ પણ તે વાંચે એ જવાબદારી હવે તમારી છે. મેં તો મારું કામ કરી નાખ્યું.

‘પેંગ્વિન બુક્સ’ તથા ‘સત્ત્વ પબ્લિકેશન્સ’ના સહયોગથી કૂમી કપૂરના પુસ્તકની ગુજરાતી રજુઆત કરતાં કરતાં મને જે રહસ્યસભર મૌલિક અને સત્યકથનાત્મક થ્રિલર લખવાનો રોમાંચ મળ્યો છે તેનો આનંદ તમારી સાથે આજના, 25 જૂનના, ‘કટોકટી દિન’ નિમિત્તે તમારી સાથે વહેંચ્યો છે.

તમારા પ્રતિભાવો મોકલતા રહેજો. મારી ભૂલચૂક થતી હોય તો સુધારતા રહેજો.

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

12 COMMENTS

  1. હું તમારા લખાણની વાચક, ચાહક અને પ્રશંસક છું. કટોકટીના એ કપરા કાળ વખતે મારી ઉંમર સત્તર વર્ષની જ હતી. રાજકારણ વિશે ઝાઝી સમજ નહોતી પણ મુશ્કેલીઓનો સામનો તો કરવો જ પડ્યો હતો.
    તમારા આ પુસ્તકની આતુરતાથી રાહ જોઈશ.
    ક્યાંથી મળી શકશે તે જણાવવા વિનંતી છે. 🙏

  2. ઈમરજન્સી પરના ન્યુછપ્રેમી પર વાંચેલાક એપિસોડો પછીનો ઈંતજાર હવે પુરો થશે તે બદલ આપને ધન્યવાદ… હું તો આ પુસ્તક કેટલાક મિત્રોને ભેટ પણ આપવાનું વિચારી બેઠો છું ઘણા સમયથી…..

  3. શિરમોર એવા “કટોકટી” ઉપરાંત કોન્ગ્રેસે ઘણા કલંકિત કામો આઝાદી પછી કર્યા છે. તેમની વિચારધારામાં કોઈ બદલાવ હજી સુધી દેખાયો નથી.
    તેઓ સુધરશે તેવી કોઈ આશા રહી નથી.

  4. જરૂર આ પુસ્તક વસાવીશ પછી વાંચીશ.અભિનંદન. શુભેચ્છાઓ

  5. ઇમરજન્સી વિશેના તમારા લેખોનું સંકલન કરી પુસ્તક પબ્લિશ કરશો તો એ પણ ઇન્ટરેસ્ટિંગ બનશે

  6. આમ પણ એક ઈમાનદાર અને સાચા આપણા મોદી સર નો પ્રયાસ આપણો ઈતિહાસ ને આગળ લાવવાનો છે જેથી આપણૈ જાગીએ અને આપણા દેશ ને આગળ લાવીએ તમે પણ આમ કરી સરસ કરો છો એ બદલ આભાર

  7. સૌરભભાઈ , 2020 મા newspremi પર ઈમરજન્સી પરના પુસ્તકના પ્રકરણો વાચેલા ત્યારથી ગુજરાતી અનુવાદનો ઈતેજાર હતો જે હવે પુરો થશે. ધન્યવાદ.

  8. મારા પિતા પાસે એક પુસ્તક હતું કુલદીપ નાયર નું લખેલ “ધી જજમેન્ટ” એ પણ કટોકટી પર જ લખાયેલું,જે હું કિશોરાવસ્થામાં હતો ત્યારે વાંચન ના શોખ ને લીધે વાંચ્યુ હતું,રાજકારણની કાંઈ ખબર પડતી નહીં. પણ એ પુસ્તકની અસર એવી કે આજ દિન સુધી કોંગ્રેસને ધિક્કારું છું.

    • ભાઈશ્રી ભરત શાહ જી, આમા હિન્દુત્વ કયા આવ્યુ ? આ પુસ્તક ક for કટોકટી વિષે છે. હ for હિન્દુત્વ વીષે નથી. હિન્દુત્વ એ કઈ જગાઙવાની ચીજ નથી, સની દેઓલ નો ઙાયલોગ યાદ છે દામીની પીકચર ” હીમત ઓર જીગર બાઝાર મે બીકતે નહી હૈ, જો હર કોઈ ખરીદ લે, મર્દ ઉસકે સાથ પૈદા હોતા હે. Newspremi નીયમીત વાચતા રહો .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here