વો સુબહ કભી તો આયેગીઃ હારજીતની સાપસીડી સિરીઝનો સમાપન લેખ : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ: રવિવાર, 17 મે 2020)

નિષ્ફળતા વિશેની શ્રેણીનું, આવો સમાપન કરીએ.

નિષ્ફળતાના આખરી તબક્કા પછી તમે તમારી સામે તમે જ સર્જેલી તબાહીને જોઈ રહો છો. વાંક સરકમસ્ટન્સીઝનો હોય, બીજા ભાગીદારોનો હોય, કોમ્પીટિટર્સનો હોય કે પછી ગમે એનો હોય. અલ્ટીમેટલી તો આ તમારી નિષ્ફળતા છે. સફળતા વખતે જેમ તમે તમને કેન્દ્રમાં રાખીને બધી જ ક્રેડિટ્સ લઈ લો છો અને માથે તાજ મૂકીને મહાલો છો એમ નિષ્ફળતા વખતે પણ દોષનો આખેઆખો ટોપલો તમારે જ તમારા માથે ઊંચકવાનો છે. ચાહે એ બિઝનેસની નિષ્ફળતા હોય, ચાહે બીજા કોઈ કામકાજની, ચાહે સંબંધોની, ચાહે જિંદગીની.

આંખ સામે પથરાયેલી તબાહીને જોઈને તમારી હિંમત ભાંગી જાય એ સ્વાભાવિક છે. આવા સમયે ધીરજ ધરવી એવું બધા કહેશે. પણ ક્યાં સુધી ધીરજ ધરવાની? ધીરજ ધરતાં ધરતાં શું કરવાનું? ધીરજ ખૂટી પડી તો શું કરવાનું? આ બધા સવાલોના જવાબ તમને કોઈ નહીં આપે. આપણે જાતે જ શોધી લેવા પડશે. કોશિશ કરીએ.

નિષ્ફળતાનું ફુલ એન્ડ ફાઈનલ પરિણામ આવી ગયા પછી આ પાંચ વાતો યાદ રાખવી:

૧. એક્ઝેટલી કેટલું નુકસાન થયું છે એનું આકલન કરવાનું. કઈ કઈ વાતે નુકસાન થયું છે તે અને ભવિષ્યમાં આ તમામ નુકસાનોનો પડઘો કઈ કઈ બાબતોમાં પડી શકે છે એનું પણ અસેસમેન્ટ કરી લેવાનું. સંપૂર્ણપણે ધ્વસ્ત થઈ ગયેલી ઈમારતમાંથી બારીબારણાની બારસાખો વગેરે બચાવીને એનો ભંગાર વેચીને જે કંઈ આવ્યું તેને રોકડી કરી લેવામાં ટાઈમ અને એનર્જી બગાડવાનાં નહીં. ઘા ભેગું લસરકો માનીને બધું જ છોડી દેવાનું. નહીં તો તમારી માનસિકતા એમાંને એમાં જ અટવાયા કરશે. તમારા વતી કોઈ એવું ડર્ટી વર્ક કરવા તૈયાર હોય તો એને એનો હિસ્સો આપીને જે કંઈ સાલ્વેજ થતું હોય તેને બચાવી લો એ સારી વાત છે. પણ તમે જાતે ઈન્વોલ્વ નહીં થતા. તમારે આજે રાતે ઉંઘીને આવતી કાલના નવા સૂર્યોદયને આવકારવાનો છે. આ બધું સાલ્વેજ કરવાના ચક્કરમાં ઉજાગરો કરશો તો સવારનાં પ્રથમ કિરણોમાંથી મળનારી ઊર્જાનો લાભ લેવાનું ચૂકી જશો. નવેસરથી આરંભ કરવા માટે જૂનું બધું જ છોડી દેવું અનિવાર્ય છે, એ બધું જેના કારણે તમારી આ તબાહી સર્જાઈ છે.

૨. નિષ્ફળતા પછી મદદ કરવા માટે જે કોઈ આગળ આવે એ દરેકને તમારા તારણહાર માની લેવાની ભૂલ ક્યારેય નહીં કરતા. ડૂબતાને તરણાનો સહારો એવું માનીને તમે જો તરણાને તારણહાર માનીને વળગી પડશો તો હવે પછી જે મજબૂત થડનો સહારો તમને મળવાનો છે તે તમારા સુધી નહીં પહોંચે અથવા તમે ત્યાં સુધી નહીં પહોંચી શકો. નિષ્ફળતા પામ્યા પછીની સૌથી મોટી ભૂલોમાંની એક એ છે કે તમે ખોટી વ્યક્તિને તમારી નવી સફળતાની સીડી માની બેસો છો. કોઈ તમને સહાનુભૂતિના બે શબ્દ કહે કે તમને નાનીમોટી ભૌતિક મદદ પણ કરે એને કારણે તમે એને તારણહાર માની લો છો ત્યારે તમારું બેઉ રીતે બગડે છે. એક તો, ઘાસના તરણામાં અને વૃક્ષના મજબૂત થડમાં જે ફરક હોય છે તે ફરક જાણ્યા વિના તમે તમારા ભવિષ્યના પ્લાનિંગમાં આગળ વધી જાઓ છો જેને કારણે તમે ફરી પટકાઓ છો, ફરી તમારું નુકસાન થાય છે, ફરી તમારી જિંદગીમાંથી એટલાં વર્ષો વેડફાઈ જાય છે. બીજું, તમને જેવો ખ્યાલ આવે છે કે આ તો તરણું હતું, મજબૂત થડ નહીં- ત્યારે સામેની વ્યક્તિ કહે છે કે હું ક્યાં થડ બનીને તમને મદદ કરવા પહોંચી હતી, મને ખબર છે કે હું તરણું છું. વાંક તમારો કે તમને મને તારણહાર માની બેઠા.

મુસીબતમાં ફસાયા પછી જે કોઈ તમને મદદ કરવા આવે તેમાં તમને ભગવાન જ દેખાવાના. પણ જો સ્વસ્થ માનસિકતા રાખી હશે તો આવા કપરા સમયમાં પણ તમારી સદ્દબુદ્ધિ સલામત રહેશે કે મદદ કરનારાઓમાંથી કોને કેટલું ઈમ્પોર્ટ્ન્સ આપવું, કોની કેટલી વાત સાંભળવી, કોને કેટલી વાત કરવી અને સૌથી મહત્ત્વનું તો એ કે કોના પર કેટલો ભરોસો મૂકવાનો.

3. નિષ્ફળતા પામ્યા પછી કોચલામાં ભરાઈ જવાને બદલે હામ રાખી પૂર્વવત્ જિંદગી શરૂ કરી દેવાની. તમે નિષ્ફળ ગયા છો એ કંઈ મોટી શરમની વાત નથી. નાપાસ થવું, સંબંધો તૂટી જવા કે નોકરીમાંથી રુખસદ મળવી, ધંધામાં નુકસાની જવી, દેવાળું ફૂંકવું – આવી બધી જ નાનીમોટી નિષ્ફળતાઓ દરેકના જીવનમાં આવતી હોય છે. આને લીધે કંઈ જીવન પર પૂર્ણવિરામનું ટપકું મૂકાઈ જતું નથી. શરમના માર્યા તમે તમારા જૂના મિત્રો- સંબંધોમાંથી દૂર થઈ જશો તો નુકસાન તમારું છે. તમારી નિષ્ફળતાને લીધે જે લોકો તમારાથી દૂર થઈ ગયા છે એમને પણ ફરી એકવાર તમારી સાથે જોડવાની જવાબદારી તમારે જ નિભાવવાની છે. શક્ય છે કે તમારી પડતીના સંજોગોમાં તમારી કોઈ વર્તણૂકથી તેઓ હર્ટ થયા હોય એટલે તમારાથી ફંટાઈ ગયા હોય.

બધા લોકોના જીવનમાં નિષ્ફળતા આવતી જ હોય છે. એમાંના ઘણાની નિષ્ફળતાની વાતો તમારા સુધી પહોંચતી નથી જેનાં ઘણાં કારણો હોઈ શકે. તમારે શરમના માર્યા, સંકોચના માર્યા, કોચલામાં ભરાઈ જવાને બદલે દુનિયા સાથેના સંપર્કો ઓછા કરી નાખવાની જરૂર નથી. જીવનમાં સર્જાતો દરેક સંબંધ ઉપયોગી છે એ વાત ધ્યાનમાં રાખવી. નિષ્ફળતા પછીના ગાળામાં આ બધા જ સંબંધો ક્યાંક, કોઈક રીતે તમને કામ લાગવાના છે અને તમે પણ એ લોકોને અગાઉની જેમ જ ઉપયોગી થતા રહેવાના છો એ યાદ રાખવું.

૪. જૂના ઘા ખોતર્યા નહીં કરવાના. તમારી પડતી કોને કોને લીધે થઈ એની યાદી તૈયાર કરીને એમની સામે બદલો લેવાની ભાવના નહીં રાખવાની. આમાં કંઈ સારા થવાની કે સારા દેખાવાની કોઈ વાત નથી. બદલો લેવામાં તમારો જેટલો ટાઈમ જશે એટલા તમે ફરી બેઠા થવામાં મોડું કરશો. ત્યાં ધ્યાન હશે તો અહીં કેવી રીતે કૉન્સન્ટ્રેટ કરવાના? તમારી પાસે કંઈ એવું મોટું લાવલશ્કર નથી કે અડધું દુશ્મનોને સીધા કરવા મોકલીને બાકીના અડધાને તમારી ઉધ્વસ્ત રાજધાનીના પુનઃનિર્માણનું કામ સોંપી શકો. કોઈ તમને ઉશ્કેરે તો પણ તમે એની વાદે નહીં ચડતા. થઈ ગયું તે થઈ ગયું. જે લોકોને કારણે નુકસાન થયું છે એ લોકો કે એવા બીજા લોકો ભવિષ્યમાં ફરીથી તમારા રસ્તે આડા ન ઉતરે એટલું ધ્યાન રાખવું પૂરતું છે.

૫. અને છેલ્લી વાત. સારો નિર્માતા, સારો દિગ્દર્શક કે સારો સુપરસ્ટાર પોતાની એક ફિલ્મ ફ્લોપ ગયા પછી એનાં રોદણાં રડવાને બદલે તરત જ બીજી નવી ફિલ્મ શરૂ કરી દેતો હોય છે. નિષ્ફળતામાંથી બહાર આવવાનો સર્વશ્રેષ્ઠ ઉપાય આ જ છે. તાબડતોડ બીજું કામ, નવું કામ શરૂ કરી દેવું. તમારી શક્તિઓને તબાહીના વિચારોમાં વેડફી નાખવાને બદલે મંગલમય વિચારોમાં વાપરવી. તમારા સમયને પણ મંગલમય કાર્યોમાં વાપરવાની શરૂઆત કરી દેવી. ઓશો રજનીશે એક વખત કહ્યું હતું કે જિંદગીમાં છેવટે તો તમે પોતે તમારા વિશે શું ઓપિનિયન ધરાવો છો એનું જ મહત્ત્વ છે, તમે પોતે તમને કેટલી રિસ્પેક્ટ આપો છો તેનું જ.

8 COMMENTS

  1. Fantastic article helps in individual growth n performance. Life gives next opportunity if we are ready to grab it.

  2. જિંદગીના ઘણા દાખલા જોયા છે જાતે આવો અનુભવ નથી જોયો નજીકના ઓળખીતા માં ઘણા દાખલા જોયા છે સારાંશ માં શિસ્ત હોયતો બધાય માં બચી શકાય બાકી ભોગવવાનું આપણે અને આપણી સાથે રહેતા કુટુંબીજનો
    આંખ ugandnar લેખ
    આભાર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here