જવાબદારીઓ અને દલીલો

આપણે પોતે જ્યારે જવાબદારી લેવા તૈયાર નથી હોતા અને બીજાનો વાંક કાઢવા આતુર હોઈએ છીએ ત્યારે આવું જ થાય છે. કેવું?

એક સરસ કાર્યક્રમમાં પ્રવચન કરીને બહાર નીકળ્યો ત્યારે ફોયરમાં ઘણા બધા શ્રોતાઓને મળવાનો મોકો મળ્યો. સૌ પ્રસન્ન હતા અને પોતાની પ્રસન્નતા વહેંચતા હતા. એવામાં એક બહેને આવીને મારો ઊધડો લીધો. ‘તમારા ‘મુંબઈ સમાચાર’માં પૂર્તિઓનાં નામ અંગ્રેજી કેમ છે? ગુજરાતી છાપામાં તો ગુજરાતી નામો જ હોવાં જોઈએ.’ પછી એમણે ગણાવવા માંડ્યું: બિઝનેસ પૂર્તિ, ઈન્ટરવલ પૂર્તિ, વીકએન્ડ પૂર્તિ… મેં એમને પૂછયું કે એમાં ખોટું શું છે તો એ કહે કે ના, આપણે ગુજરાતી છીએ અને ગુજરાતી ભાષાનું આપણને ગૌરવ હોવું જોઈએ. મેં કહ્યું એ તો છે જ અને અમારું છાપું ગુજરાતી ભાષાની સમૃદ્ધિ માટે કેટકેટલા પ્રયત્નો કરે છે તેનાથી તમે વાકેફ હશો જ. ‘હા, પણ પૂર્તિઓમાં નામ તમે બદલાવી નાખો.’ મેં કહ્યું: ‘એ પ્રિવિલેજ અમારા તંત્રીનો છે, મારો નહીં. પણ હું નથી માનતો કે પૂર્તિઓનાં અંગ્રેજી નામો બદલવાં જોઈએ. બહેન પૂછે: ‘કેમ?’

મેં કહ્યું: ‘તમે વીકએન્ડમાં પિક્ચર જોવા જાઓ છો ત્યારે ઈન્ટરવલમાં તમારા હસબન્ડને પૉપકૉર્ન લાવવાનું કહો છો?’

‘હા…’

‘જે દિવસે તમે સપ્તાહાંતે ચલચિત્ર જોવા જાઓ અને મધ્યાંતરમાં તમારા ધણીને ધાણી લાવવાનું કહો ત્યારે તમે ફોન કરીને કહેજો, હું તમારું સૂચન અમલમાં મૂકવાની તંત્રીને જરૂર વિનંતી કરીશ!’

આ વાતચીત સાંભળી રહેલાં બીજાં એક સ્ત્રીશ્રોતાએ કહ્યું કે, ‘પણ તમારી ફરજ નથી, ગુજરાતી ભાષાને સાચવવાની?’

મેં કહ્યું, ‘છે ને. એ કોણ ડિનાય કરે છે?’

‘તો પછી તમે રવિવારની પૂર્તિમાં બાળકો માટે એક આખું પાનું કેમ ફાળવતા નથી? નવી પેઢીનાં છોકરાંઓને ગુજરાતી શીખવવા માટે કેટલું ઉપયોગી થાય.’

મેં કહ્યું, ‘તમારાં સંતાનો ગુજરાતી માધ્યમમાં ભણ્યાં છે?’

‘ના.’

‘અને એમનાં સંતાનો?’

‘ઇંગ્લિશ મિડિયમમાં ભણી રહ્યાં છે…’

‘તમે પોતે જ તમારાં સંતાનોને ગુજરાતી મિડિયમમાં ભણાવતા નથી તો પછી ગુજરાતી શીખવવાની જવાબદારી છાપાંવાળાઓની છે એમ કેમ માની લો છો?’

‘પણ ગુજરાતી છાપામાં બાળવાર્તાઓ છપાય તો અમે એમાંથી વાંચીને છોકરાંઓને સંભળાવી શકીએ ને?’

‘કેમ? બાળવાર્તાઓનાં પુસ્તકો પ્રિન્સેસ સ્ટ્રીટમાં નથી મળતાં?’

‘હું તો એ પુસ્તકોમાંથી જ સંભળાવું છું પણ આ તો બીજા લોકોનાં છોકરાંઓ માટે વાત કરું છું.’

હવે મારાથી ન રહેવાયું અને કહેવું પડ્યું,

‘બીજાંનાં છોકરાંઓને તમને જો એટલી જ પડી હોય તો પહેલાં પહેલાં દર રવિવારે એક કલાક માટે એવાં પાંચ છોકરાંઓને તમારા ઘરે બોલાવીને ગુજરાતી બાળવાર્તા સંભળાવવાનું શરૂ કરો પછી છાપાંવાળાઓએ શું કરવું ને શું નહીં એવું વિચારીએ.’

આ મુદ્દો સમેટાયો એટલે એક ત્રીજાં લેડીને શું સૂઝયું કે સદીઓ પહેલાં લખાયેલી સાહિર લુધિયાનવી વિશેની મારી ૧૭ હપ્તાની ડેઈલી કૉલમની ન ભૂતો, ન ભવિષ્યતિ એવી સિરીઝનો ઉલ્લેખ કરીને કહે: ‘તમે એમાં સુધા મલહોત્રા વિશે તો લખ્યું જ નહીં.’

મેં કહ્યું, ‘શું કામ હું લખું?’

‘એમને એમની સાથે સંબંધ હતો ને…’

મેં કહ્યું: ‘ન તો સાહિરે ક્યાંય એ વિશે જાહેરમાં લખ્યું છે કે ઉલ્લેખ કર્યો છે ન સુધાજીએ…’

‘પણ અમૃતા પ્રીતમ વિશે તો તમે ઉલ્લેખ કર્યો હતો.’

‘કારણ કે બેઉએ એકબીજા પ્રત્યેની લાગણી વિશે એક કરતાં વધારે વાર જાહેર ઉલ્લેખો કર્યા છે એટલે…’

‘પણ સુધા મલહોત્રાવાળી વાત તો જાણીતી છે…’

‘ગૉસિપ પેપરોમાં આવેલી વાત છે અને મારી કૉલમ કંઈ ગૉસિપ કૉલમ નથી. બહુ સિરિયસ – જવાબદાર કૉલમ છે…’

‘તોય સુધા મલહોત્રા વિશે તમારે લખવું જોઈતું હતું…’ એમણે પોતાની દલીલનો કેડો ન મૂકયો એટલે છેવટે મારે કહેવું પડ્યું, ‘કેમ લખવું જોઈતું હતું? તમારી ગૉસિપ વૃત્તિને સંતોષવા?’

સામાન્ય રીતે મને કોઈનીય સાથે દલીલો કરવાનું ગમતું નથી. મેં જે વાત કહી દીધી તે કદી દીધી. તમારે એના સમર્થનરૂપે કે એના વિરોધરૂપે જે કહેવું હોય તે કહો – મને કોઈ ફરક પડતો નથી. અંગત વાતચીત હોય કે અજાણ્યાઓ સાથેની વાતચીત હોય – નૉર્મલી હું દલીલબાજ માણસ નથી હોતો કારણ કે મને ખબર છે કે મારે દલીલો કરવામાં મારી એનર્જી વેડફવાની નથી, મૌલિક સર્જન કરવામાં, નવા વિચારો કરવામાં, નવી કન્સેપ્ટ્સ ઊભી કરવામાં આ શક્તિનો ઉપયોગ કરવાનો હોય છે. આમ છતાં ક્યારેક અપવાદરૂપે હું દલીલોમાં ખેંચાઈ જતો હોઉં છું – કોઈને ઉતારી પાડવા કે મારો જ કક્કો ખરો છે એવું પુરવાર કરવા નહીં પણ જો ક્યાંક અંધકાર હોય તો ઉજાસ કરવા. ખબર નહીં કે મારી દલીલોનો કોઈ અર્થ સરતો હશે કે નહીં. હું માનું છું કે જેમની સામે દલીલો થઈ હોય એમના માટે નહીં તો જેમની હાજરીમાં આ દલીલો થઈ હોય, જેઓ આ દલીલોના સાક્ષી હોય, શ્રોતા હોય કે વાચક હોય એમનામાં જરૂર ઉજાસ પથરાતો હશે.

આજનો વિચાર

આવતા થોડાક મહિનાઓમાં બૅન્ગલોરના દરેક શહેરમાં, ઈન્દિરા કેન્ટીન હશે, બૅન્ગલોરના દરેક શહેરના દરેક ગરીબ એનો લાભ લઈ શકશે. આ અમારું વિઝન છે.

– રાહુલ ગાંધી

એક મિનિટ!

પત્ની: શું કરો છો ક્યારના મોબાઈલમાં?

બકો: બ્લ્યુ વ્હેલ ગેમ રમું છું.

પત્ની: તો પછી તમારું જમવાનું બનાવું કે નહીં?

( મુંબઇ સમાચાર : શનિવાર, 19 ઓગસ્ટ 2017)

12 COMMENTS

  1. Sir, please tamari bija coulam k j sandesh news paper ma ave 6 t pan aa web portal per update kro n…please….

    • ભાઈ, આ પપ્પુ જોક છે, બેન્ગલોર જેવા ઈન્ફોસિટી ને , સ્માર્ટ સિટી ને આવા ગરીબો ના કેન્ટીન ની કોઈ જરૂર નથી, અને આ જુનો લેખ છે.

  2. Nice topic on ” DUTIES & ARGUMENT”
    But the topic get diverted by some wrong interpretation of readers for very fine examples nerated by yourself.
    I think you should write in details or more explanatory regarding this topic.

  3. કડવી પણ ખુબજ સત્ય અને સચોટ વાત….ધન્યવાદ

  4. બિલકુલ આવી જ જવાબદારી આપણી આપણા દેશ પ્રત્યે પણ છે, આપણે આપણી સારા નાગરિક તરીકે ની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવતા નથી, અને વડાપ્રધાન ને કે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને કે રાજ્ય સરકાર સામે આંગળી ચીંધીએ છીએ, દલીલબાીમાં એક્કા આપણે આપણું ઘર કે પરિવાર સારી રીતે સંભાળીએ તો પણ ઘણું સારું છે.

  5. Using the same logic, we shud not change name of the cities. Like ahmedabad to karnavati, alahabad to prayag, bhaktiyarpur to nalanda etc. R u agree to that…?

  6. ગુજરાતી ભાષા વિશે અને સુધા મલ્હોત્રા વિશે ની દલીલો સામે આપનો સચોટ અને પ્રેરણાદાયી જવાબ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here