કડ્ડક અને ઉસ મેં ક્યા હૈ

ગુડ મૉર્નિંગસૌરભ શાહ

કળાકારના જીવનમાં સ્ટ્રગલ પૈસા કમાવવાની નથી હોતી. પૈસો તો સેક્ધડરી હોય છે. ખરી સ્ટ્રગલ પોતાની પૅશનને વળગી રહેવાની હોય છે. તમારી આસપાસની દુનિયા તમારી એ પૅશનથી તમને દૂર લઈ જવા માગતી હોય છે. તમને અવ્યવહારુ કહીને, આડી લાઈનના કહીને, ‘સીધા માર્ગે’ લઈ જવા માગતી હોય છે જેથી તમારું ‘ભલું’ થાય, તમારી જિંદગી ‘સિક્યોર્ડ’ બને, સેટલ્ડ બને.

કાશીનાથ ઘાણેકર ડેન્ટિસ્ટ હતા. પોતાની પ્રૅક્ટિસ હતી. પત્ની ઈરાવતી ગાયનેક હતાં. એમની પણ પોતાની પ્રૅક્ટિસ હતી. આમ છતાં કાશીનાથ નાટકના ક્ષેત્રે સ્ટ્રગલ કરતા. પ્રોમ્પટરનું નામ કરવા પહોંચી જતા. કાશીનાથના પિતા તો દીકરો ડેન્ટિસ્ટ બન્યો એનાથી પણ નારાજ હતા. એમ.બી.બી.એસ. થઈને ‘રેગ્યુલર’ ડૉક્ટર ન બની શક્યો એનું એમને દુ:ખ હતું. દીકરાને સ્ટેજ પર જોઈને તો એ ક્યારેય ખુશ નહોતા. વસંત કાનેટકર લિખિત ‘રાયગડાલા જેવ્હા જાગ યેતે’ નાટકમાં કાશીનાથ ઘાણેકર સંભાજીની ભૂમિકા ભજવે. એક શૉમાં પિતા પણ દેશમાંથી આવેલા. શૉ પૂરો થયા પછી નાટકમાં શિવાજીની ભૂમિકા ભજવનાર કળાકાર કાશીનાથને કહે કે અત્યારે મેં તારા પિતાનો પહેરવેશ પહેર્યો છે એટલે હું મર્યાદામાં રહીશ, બાકી આજનું તારું પરફોર્મન્સ જોઈને મને તને પગે લાગવાનું મન થાય છે.

આવી ઉચ્ચ કક્ષાની પ્રશંસા મળ્યા પછી કાશીનાથ પોતાના પિતાને મળે છે પણ પિતા સાવ કોરાધાકોર છે. ઘણી વખત જેમની પાસેથી કદર મેળવવાની ઈચ્છા હોય એમના તરફથી જો ઉત્સાહવર્ધક વર્તન ન મળે તો દિલ તૂટી જાય. પુત્ર તરીકે કાશીનાથનું હૃદય તૂટી ગયું હતું.

આ નાટકના સો પ્રયોગ થયા. નાટક સડસડાટ દોડતું હતું. હજાર પ્રયોગ પાક્કા હતા. સો પ્રયોગ પછી એક પ્રાઈવેટ નિમંત્રણ આવ્યું. કોઈ શ્રીમંત શેઠિયાની હવેલીમાં દસબાર લોકો વચ્ચે ભજવવાનું હતું. પ્રોડ્યુસરે ઍડવાન્સ પૈસા લઈ લીધા હતા. કાશીનાથ અડી ગયા. નાટકો જાહેરમાં કરવાનાં હોય, સેંકડો-હજારો પ્રેક્ષકો વચ્ચે. કોઈ પૈસાવાળાનો અહમ્ પોષવા એમના ઘરે જઈને મુજરો થાય, નાટક ના થાય. કાશીનાથે કહ્યું કે હું આ શૉ નહીં કરું. પ્રોડ્યુસર વિનંતી કરે છે, ધમકાવે છે. લેખક કાનેટકર વચ્ચે પડે છે. કાશીનાથ ટસના મસ થતા નથી. પ્રોડયુસર ધમકી આપે છે: આ ફિલ્ડમાંથી તને આઉટ કરી દઈશ. નાટ્યલેખક પોતાનો નિર્ણય જણાવી દે છે: ‘હવે પછી જિંદગીમાં હું ક્યારેય મારા લખેલા નાટકમાં કાશીનાથને કામ કરવા નહીં દઉં.’

કાશીનાથના જીવનમાં આવા ચડાવઉતરાવ સતત આવ્યા કરે છે. કાશીનાથને મિત્રના રૂપમાં મસીહા મળે છે. પ્રભાકર પંત પણશીકર. પંત તરીકે મિત્રો એમને ઓળખે. ‘તો મી નવ્હેચ’ એમનું લૅન્ડમાર્ક નાટક. ‘નાટ્યસંપદા’ એમની સંસ્થા. ‘થેન્ક્યુ, મિસ્ટર ગ્લાડ’ એમનું બીજું ખૂબ જાણીતું નાટક. આવા તો કંઈ કેટલાય સુપરહિટ નાટકો. આ ઉપરાંત એમણે પ્રોડ્યુસર તરીકે ‘કટ્યાર કાળજાત ઘુસલી’, ‘પુત્રકામેષ્ઠી’, ‘વિચ્છા માઝી પૂરી કર’, ‘વાર્યા વરચી વરાત’, ‘લેકુરે ઉદ્ંડ ઝલી’ તથા ‘લગ્નાચી બેડી’ જેવાં સફ્ળ અને ક્લાસિક નાટકો કર્યા.

આવા પ્રભાકર પણશીકર પોતાના પ્રોડક્શનમાં વસંત કાનેટકરનું ‘અશ્રું ચી ઝાલી ફૂલે’ કરવા જઈ રહ્યા છે. પ્રિન્સિપાલનું પાત્ર પોતે ભજવવાના છે. બદમાશ વિદ્યાર્થીની લાલ્યાની ભૂમિકા કાશીનાથ પાસે કરાવવા માગે છે. લેખક કાનેટકર અને કાશીનાથ વચ્ચે ફરી ઝપાઝપી. હું તારી સાથે કામ નહીં કરું – હું તમારી સાથે કામ નહીં કરું. છેવટે સહમતિ સધાય છે. કચવાતે મને કાશીનાથ સેક્ધડ લીડનો રોલ કરવા તૈયાર થાય છે. પણ છેવટ સુધી આ પાત્રનો સૂર ઠેકાણે નથી એવું લાગ્યા કરે છે, લેખકના મનમાં પણ અવઢવ છે. બેઉ સાથે મળીને ઉકેલ કાઢે છે. ઑડિયન્સ લાલ્યાનું પાત્ર ભજવતા કાશીનાથ ઘાણેકર પર વારી જાય છે. લાલ્યાની તોફાની-બેફિકર પર્સનાલિટીને શોભે એવા સંવાદો કાશીનાથ બોલે છે ત્યારે પ્રેક્ષકો એને ઝીલી લે છે: ‘એકદમ કડ્ડક!’ અને ‘ઉસ મેં ક્યા હૈ?’ આ નાટકનું સ્થાન મરાઠી નાટ્યજગતના સફળતમ નાટકોમાં અગ્રીમ હરોળમાં છે.

‘અશ્રું ચી ઝાલી ફૂલે’ની સફળતાથી પ્રેરાઈની 1969માં હિન્દી ફિલ્મ બની ‘આંસું જો બન ગયે ફૂલ’. પણશીકરનો રોલ અશોક કુમારનો અને લાલ્યો દેબ મુખરજી. આ ફિલ્મની વાર્તા માટે વસંત કાનેટકરને એ વર્ષનો બેસ્ટ સ્ટોરી માટેનો ફિલ્મફેર એવૉર્ડ મળ્યો હતો. યાદ રહે કે, 1969માં ‘આરાધના’, ‘દો રાસ્તે’, ‘એક ફૂલ દો માલી’, ‘પ્યાર કા મૌસમ’, ‘જીને કી રાહ’, ‘આયા સાવન ઝૂમ કે’, ‘ઈન્તેફાક્’, ‘ઈન્તકામ’, ‘તલાશ’, ‘તુમસે અચ્છા કૌન હૈ’ વગેરે જેવી કેટલીય મોટી/સફળ ફિલ્મો આવી હતી. આ બધી ફિલ્મોની વાર્તા કરતાં વસંત કાનેટકરની વાર્તા ઉત્કૃષ્ટ પુરવાર થઈ. શું હતી એ વાર્તા?

પ્રિન્સિપાલ આદર્શવાદી છે જે રખડેલ લાલ્યાને સુધારવા માગે છે. કૉલેજ વેચાઈને કોઈ ભ્રષ્ટ નેતાના હાથમાં આવે છે જે કૉલેજનો દુરુપયોગ કરવા માગે છે. પ્રિન્સિપાલ આ નેતાની આડે આવે છે. નેતા ખુદ પ્રિન્સિપાલ પર ભ્રષ્ટાચારના આરોપ મૂકીને એને જ જેલભેગો કરી દે છે. જેલમાં સાથી કેદીઓની સંગત રહી ચૂકેલો પ્રિન્સિપાલ બહાર આવીને પેલા નેતાને પાઠ ભણાવવા પોતે ભ્રષ્ટ બનતો જાય છે. પેલી બાજુ લાલ્યો સુધરીને પોલીસ ઈન્સ્પેક્ટર બની ચૂક્યો બાકીની વાર્તા તમે ગેસ કરી શકો છો. આ જ થીમનો થ્રેડ લઈને જાવેદ અખ્તરે 1984માં ‘મશાલ’ લખી જેમાં દિલીપ કુમાર (એ ભાઈ…) અને અનિલ કપૂર (ઝક્કાસ) હતા.

આ જ નાટક પરથી ‘નાટ્યસંપદા’ (ગુજરાતી)ના નેજા હેઠળ કાન્તિ મડિયાએ ‘આતમને ઓઝલમાં રાખ મા’ બનાવ્યું. (એની રેડિયો ઍડ આવતી જેમાં સુહાગ દીવાન એમના ધીરગંભીર અવાજમાં, કૂવામાં પડઘો પડતો હોય તે રીતે નાટકનું ટાઈટલ બોલતા: આતમને ઓઝલમાં રાખ મા’.)

ગુજરાતી નાટક વિશે આપણી રંગભૂમિના જીવતાજાગતા એનસાઈક્લોપીડિયા નિરંજન મહેતા મને માહિતી આપે છે કે મડિયા એમાં લાલ્યાનું પાત્ર ભજવતા અને પ્રિન્સિપાલ ઉપેન્દ્ર ત્રિવેદી હતા. પણ 24 શૉ પછી ઉપેન્દ્ર ત્રિવેદી આઉટ થઈ ગયા. 25મા શૉમાં ઉપેન્દ્ર ત્રિવેદીની જગ્યાએ મડિયાએ પ્રિન્સિપાલનો રોલ કર્યો અને લાલ્યાનું પાત્ર અરવિંદ ત્રિવેદીએ ભજવ્યું. 26મા શૉથી મડિયા ફરી પાછા લાલ્યાની ભૂમિકા કરવા લાગ્યા અને પ્રિન્સિપાલ તરીકે વિજય દત્ત આવ્યા. થોડા મહિના પછી વિજય દત્ત અને લાલુ શાહે પોતાનું ગ્રુપ શરૂ કર્યું અને એ ગ્રુપના નેજા હેઠળ પ્રભાકર પણશીકરે 75 જેટલા શૉમાં પ્રિન્સિપાલનો રોલ કર્યો.

પ્રભાકર પણશીકર ગુજરાતીમાં? હા. નિરુભાઈ કહે છે કે એમનું બાળપણ ઉત્તર ગુજરાતના પાટણમાં વીતેલું એટલે ગુજરાતી ભાષાથી પરિચિત હતા. થોડી પ્રેક્ટિસ સાથે સરસ ગુજરાતી બોલી લેતા. નીરુભાઈ કહે છે કે પણશીકર ક્યારેક હસીને કહેતા કે: ઘણી વખત મરાઠીમાં આ નાટક ભજવતી વખતે મારાથી વચ્ચે ગુજરાતીમાં બોલાઈ જવાઈ છે!

‘અશ્રું ચી ઝાલી ફૂલે’ ઉપરાંત કાશીનાથ ઘાણેકરને ‘ઈથે ઓશાળલેલા મૃત્યુ’, ‘ગારંબીચા બાપુ’, ‘આનંદી ગોપાળ’ અને ‘તુઝે આહે તુજપાશી’ વગેરે નાટકોએ પણ ખૂબ લોકચાહના અપાવી. પુ.લ. દેશપાંડે લિખિત-દિગ્દર્શિત ‘તુઝે આહે તુજપાશી’ પ્રવીણ જોશીએ આઈ.એન.ટી.માં ‘મીનપિયાસી’ના નામે ભજવેલું. પ્રવીણ જોશીના શરૂઆતના હિટ નાટકોમાંનુું એક – નિરંજન મહેતા ઈતિહાસના પાનાં સ્મૃતિમાં વાગોળતાં જણાવે છે.

‘અશ્રું ચી ઝાલી ફૂલે’માં પ્રભાકર પણશીકરનો લીડ રોલ એટલે એમનું નામ પહેલું બોલાય અને જાહેરાતોમાં પહેલું લખાય. બીજું નામ ચિત્તરંજન કોલ્હટકરનું આવે, કારણ કે કાશીનાથ ઘાણેકર કરતાં એ સિનિયર. ત્રીજું કાશીનાથનું અને પછી ચોથું, પાંચમું, છઠ્ઠું નામ બાકીનાં કળાકારોનાં આવે. નાટક આખું લાલ્યાના ખભા પર અર્થાત્ કાશીનાથના ખભા પર દોડે પણ ક્રેડિટ્સમાં એમનું નામ ખોવાઈ જાય. એક વાર એમની ગોરી ગોરી, હરેલીભરેલી ટીનએજ પ્રેમિકા (જે માના રોલ માટે જાણીતાં અભિનેત્રી સુલોચનાની દીકરી થાય અને પાછળથી મિસિસ કાશીનાથ ઘાણેકર બની) કાંચને ‘કાશીકાકા’ને કહ્યું: તમારું નામ વચ્ચે અટવાય એને બદલે છેક છેલ્લે આવે એવું રાખો. બધાનાં નામ બોલાઈ જાય પછી:… આણિ કાશીનાથ ઘાણેકર! પ્રેક્ષકો તમારા નામની રાહ જોઈને એકસાઈટ થશે ને તાળીઓના ગડગડાટથી વધાવી લેશે.

ત્યારથી ક્રેડિટ્સમાં …અને કાશીનાથ ઘાણેકર આવતું થયું. બધા નામ પછી ‘અને’ ‘તથા’ કે ‘આણિ’ ‘ઉપરાંત’ મૂકીને મહત્ત્વ ઊભું કરવાની રસમ મરાઠી રંગમંચ પર કાશીનાથ ઘાણેકરે શરૂ કરી, આજે તો ગુજરાતી સહિત બધે જ આ પ્રથાને અનુસરવામાં આવે છે.

આજનો વિચાર

આપણે ત્યાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કઈ હદ સુધીની કથળી ગઈ છે તે જુઓ. ગઈ કાલે હું મારી કારની સીટ પર ‘ઠગ્સ ઑફ હિન્દુસ્તાનની’ બે ટિકિટ ભૂલીને ગાડી લોક કરીને જતો રહ્યો. પાછો આવીને જોઉં છું તો કોઈ બદમાશે મારી ગાડીનો કાચ તોડી નાખ્યો હતો અને સીટ પર બીજી બે ટિકિટ મૂકી ગયો હતો.

– વૉટ્સએપ પર વાંચેલું.

એક મિનિટ!

રાહુલ ગાંધી: રાફેલની ડીલ 6436634675 કરોડમાં ફાઈનલ થઈ.

પત્રકાર: તમને કેવી રીતે ખબર પડી?

રાહુલ ગાંધી: ફ્રાન્સના ન્યૂઝ પેપરમાં વાંચ્યું: આ જુઓ.

પત્રકાર: (છાપું જોઈને): આ તો રાફેલ નડાલે ફેડરરને ફ્રેન્ચ ઓપનની ફાઈનલમાં 6-4, 3-6, 6-3, 4-6, 7-5થી હરાવ્યો એનો સ્કોર છે.

( મુંબઇ સમાચાર : મંગળવાર, 13 નવેમ્બર 2018)

5 COMMENTS

  1. સુપર્બ
    ઉભા છીએ તખ્તાના પીળા પ્રકાશે
    ઢળી પણ પડ્યા તો અભિનય ગણાશે
    એક નાટક ના કલાકાર તરીકે આ લેખ ખુબ ગમ્યો.

  2. Amne aam pan marathi film serial vadhu game aapni mahiti vachi maza aavi ane aatlu dirdhavlokan only saurabh shah j kari shake

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here