અણગમતાં કામમાં સફળતા મળે તો શું થાય

ગુડ મૉર્નિંગસૌરભ શાહ

ગમતા કામમાં અસફળતા મળે એના કરતાં નહીં ગમતા કામમાં સફળતા મળે એ વાત વધારે તકલીફ આપે છે.

બે વાર આ વાક્ય વાંચીને પછી આગળ વધજો. ‘… આણિ કાશીનાથ ઘાણેકર’નો આ યાદગાર સંવાદ છે. જિંદગી છે, જિંદગીને ટકાવી રાખવા માટે માણસે ગમતા-અણગમતાં અનેક કામ કરવાં પડતાં હોય છે. ગમતું કામ કરીએ અને એમાં સફળતા મળે એવું તો બધા જ ઈચ્છે. ન ગમતું કામ કરવું પડે ત્યારે એમાં નિષ્ફળ જઈએ તો કોઈ રંજ ન હોય. ગમતું કામ કરવા જઈએ ને એમાં નિષ્ફળ જઈએ તો સ્વાભાવિક રીતે જ તકલીફ થવાની. પણ જેને પોતાના કામ સાથે લગાવ છે, પૅશન છે એવા માણસને સૌથી વધારે તકલીફ અણગમતાં કામમાંથી સફળતા મળે છે ત્યારે થાય છે, કારણ કે આવી સફળતા એને ઊંધા માર્ગે લઈ જતી હોય છે. મુંબઈમાં જગજિત સિંહ જેવા મહાન ગઝલ-ગાયક બનવા માટે આવેલો કોઈ યુવાન ગાયક જાણતો હોય કે પોતાનામાં એ કક્ષાની ટેલન્ટ છે, પણ જો એ ઑરકેસ્ટ્રામાં ગાવા જાય, લગ્નનાં ફંકશનોમાં તેમ જ પાર્ટીઓમાં ગાવા જાય અને ત્યાં એની જબરજસ્ત ડિમાન્ડ ઊભી થાય, માગે એટલા પૈસા મેળવતો થઈ જાય તો એ સફળતા એને કઠવાની જ છે, કારણ કે એ જાણે છે કે સફળતાનો આ ચસકો એ ક્યારેય છોડી શકવાનો નથી અને એટલે જ એ સ્ટ્રગલ કરીને ક્યારેય જગજિત સિંહ જેવો ન ભૂતો ન ભવિષ્યતિ ગાયક બની શકવાનો નથી.

ડૉ. કાશીનાથ ઘાણેકર અને ડૉ. શ્રીરામ લાગુ પ્રતિસ્પર્ધી હતા. એ જમાનામાં લાગુનું કામ પણ વખણાતું, ઘાણેકરનું પણ. બેઉ પોતપોતાની રીતે મહાન કળાકાર હતા. પણ લોકપ્રિયતાની દોડમાં ઘાણેકર ઘણા આગળ હતા. ફિલ્મમાં આ બાબતના વિગતવાર દૃશ્યો છે. ઘાણેકરની ઍક્ટિંગ બોલકી હતી, સ્ટાઈલિશ હતી, પ્રેક્ષકો પાસેથી ઈન્સ્ટન્ટ તાળીઓ ઉઘરાવી લેતી. લાગુનો અભિનય સબડયુડ રહેતો, પ્રેક્ષકોના અંતરમાં સોંસરવો ઊતરી જતો, એમણે બોલેલો સંવાદ પૂરો થયા પછી પ્રેક્ષકો સૂમ થઈ જતા, સ્તબ્ધ થઈ જતા, તાળી વગાડવાનું ભૂલીને એ પાત્રના વાતાવરણમાં ખોવાઈ જતા. કાશીનાથ ઘાણેકર કદાચ આ સમજતા હશે. મનોમન શ્રીરામ લાગુને પોતાના કરતાં ઊંચા-ઉમદા કળાકાર પણ માનતા હશે. કદાચ.

આ ફિલ્મનું સારું શું છે કે એ જરાય ચીપ બન્યા વિનાની બોલ્ડ છે અને સહેજ પણ મેલોડ્રામામાં સરી પડ્યા વિનાની લાગણીભીની છે. કાંચન ટીનેજર હતી જ્યારે એ ‘કાશીકાકા’ના પ્રેમમાં પડી (અને છેવટે એમને જ પરણી). આ વાતને સહેજ પણ છુપાવ્યા વિના બોલ્ડલી, સવિસ્તર કહેવામાં આવી છે. કાશીનાથના વનનાઈટ સ્ટેન્ડ્સ વિશે પણ વિગતે વાતો થઈ છે. એક સીનમાં તો ઈરાવતી (પ્રથમ પામી) જુએ છે કે નશામાં ચૂર થઈને ઊંઘી ગયેલી સ્ત્રી કાશીનાથના પલંગ પરથી ગબડી પડે છે. નાટ્ય-નિર્માતાઓની ફરિયાદ છે કે કાશીનાથ પોતાના નાટકોમાં કામ કરતી કોઈ અભિનેત્રીને છોડતો નથી. કાશીનાથ બેફામ દારૂ પીને છાકટા થતા અને રંગભૂમિની લક્ષ્મણરેખાને ઓળંગીને પીધા પછી સ્ટેજ પર આવતા એવો પણ એક સીન છે. આવી બોલ્ડ વાતો કરતી વખતે ચીપનેસમાં ઊતરી પડવું સહેલું હોય છે. દિગ્દર્શક માટે, પટકથા-લેખક માટે. પણ અહીં ગજબનો સંયમ છે. કાંચન અને કાશીનાથના રોમાન્સને ડિગ્નિટી આપવામાં આવી છે. જમાનો ભલે એ વખતે આ સંબંધને નીચી નજરે જોઈને ગૉસિપું કરતો હોય પણ ભાઈ, આ બે વ્યક્તિ વચ્ચેના સંબંધની વાત છે. કોઈપણ સંસ્કારી વ્યક્તિ એને ગૉસિપના લેવલ પર ઊતારી પાડે નહીં.

પ્રથમ પત્ની ઈરાવતી સાથેના સુખી સંસારને ગજબની રીતે ક્ધટ્રોલ રાખીને, સહેજ પણ મેલોડ્રામા નાખ્યા વિના, તૂટતો બતાવવામાં આવ્યો છે. કાંચનની માતા (અભિનેત્રી સુલોચના) આ સંબંધ વિશે જાણે છે ત્યારે પણ સીનમાં મેલોડ્રામા નાખ્યા વિના એ ક્ષણોને લાગણીભીની બનાવી છે. આવી આવડત બધા ફિલ્મકારો પાસે નથી હોતી.

સેલિબ્રિટી વિશે ફિલ્મ કે બાયોપિક બનાવનારાઓ કે પછી મોટી વ્યક્તિ વિશે લખનારાઓ ક્યારેક પોતે તટસ્થ છે એવું દેખાડવા માટે કે બૅલેન્સિંગ કરવા માટે એ વ્યક્તિના ખરાબ પાસાનું ચિત્રણ કરવામાં જરાક ઓવર બોર્ડ જતા રહેતા હોય છે. મોટા માણસની ધોતી નહીં ખેંચીએ તો અમે એમના ચમચા લાગીશું એવા કોઈક સિન્ડ્રોમથી તેઓ પીડાતા હોય છે. આ ફિલ્મના સર્જકોમાં એવો કોઈ ઈન્ફિરિયોરિટી કૉમ્પલેક્સ નથી એટલે જ ફિલ્મમાં ન તો કાશીનાથની આરતી ઉતારતી હોય એવું લાગે છે, ન ફિલ્મમાં કાશીનાથ ઘાણેકરના નામે કોઈ ભવાડો રજૂ થતો હોય એવું લાગે છે. ફિલ્મ વાસ્તવિકતાની ઘણી નજીક લાગે છે. મરાઠી ફિલ્મસર્જકો પોતાના પ્રેક્ષકોને મંદબુદ્ધિ નથી ગણતા, એમને મૅચ્યોર્ડ ગણે છે. લાઈટ નોટ્સથી શરૂ થતી ફિલ્મ ધીમે ધીમે ઈન્ટેન્સ બનતી જાય છે અને છેવટે ડાર્ક બની જાય છે પણ આ ટ્રાન્ઝિશન દરમિયાન ક્યાંય જર્કી નથી બનતી, સ્મૂધલી ભાવ-રૂપાંતરણ થતું રહે છે.

પ્રભાકર પણશીકર પોતાના આ મિત્રના છેલ્લા દિવસોમાં કાશીનાથની કરિયર રિવાઈવ કરવા માટે ફરી એકવાર એમના જૂનાં નાટકોને પુનર્જીવિત કરે છે. આમાંના એક શૉમાં કાશીનાથ દારૂ પીને સ્ટેજ પર આવે છે. કાશીનાથની પર્સનલ લાઈફની હરકતોથી દુભાયેલા પ્રેક્ષકો તોફાને ચડે છે. સભાગૃહની ખુરશીઓ તોડફોડ કરે છે, આગ ચાંપે છે. પણશીકર સ્ટેજ છોડ્યા વિના, ડર્યા વિના બે હાથ જોડીને પ્રેક્ષકોની માફી માગતા રહે છે, શાંત થઈ જવાનું કહે છે. નૅક્સ્ટ સીનમાં પણશીકર કેટલી ખુરશીઓ તૂટી છે, બીજું કેટલું નુકસાન ભરપાઈ કરવાનું રહેશે એને સ્વસ્થતાપૂર્વક મોજણી કરાવતા દેખાય છે. પોતાના જ પાપે ડૂબી રહેલા એક મિત્રનો હાથ ન તરછોડાય એવો જડબેસલાક સંદેશો તમને મળે છે.

આજનો વિચાર

કોઈ ગુનો કર્યો જ નથી, એમ પણ નથી
એને હું સાંભર્યો જ નથી, એમ પણ નથી

મારી લથડતી ચાલ મને ક્યાં લઈ જશે?
તેં હાથ આ ધર્યો જ નથી, એમ પણ નથી

આ ગામ, આ ગલી, આ ઝરૂખો તો ગયાં પણ
પાછો હું ત્યાં ફર્યો જ નથી, એમ પણ નથી

તારાથી હોઠ બીડી મેં નજરોને હઠાવી
ને કાંઈ કરગર્યો જ નથી એમ પણ નથી

– મકરંદ દવે

એક મિનિટ!

લાભપાંચમની સાંજે ઘરે આવીને બકાએ એના દોસ્તારને ફોન પર કહ્યું:

‘પકા!’

‘બોલ, બકા!’

‘આજે તો માત્ર મારું શરીર જ ઑફિસે જઈ આવ્યું. આત્મા ક્યારે જોઈન કરશે, કોને ખબર!’

( મુંબઇ સમાચાર : બુધવાર, 14 નવેમ્બર 2018)

1 COMMENT

  1. અદભુત. Unfortunately હજી આ ફિલ્મ નથી જોઈ એનો અફસોસ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here